વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બિલાડીની ડોકે ઘંટડી કે ??

સૌ બાલદેવોને બાલ દિવસની હાર્દિક શુભકામનાઓ



              ઉકા ઉંદરની ચતુરાઈ     

                

        અંધારું થઈ  જતાં ઘરમાલિકો સૂઈ ગયાં, તે સાથે  કિચન પ્લેટફોર્મ નીચે રહેલ સરસામાની ઓથ તળે ઉંદરોની સભા ભરાણી.  ચતુર ઉકો ઉંદર બધાં માટે ખાવાનું શોધી લાવ્યો.  ખાતા ખાતા એજ જુની ચર્ચા શરૂ થઈ.  " બિન્ની બિલાડી આપણાં ભાઈ-ભાંડુનો શિકાર કરી જાય છે. જો આમ જ ચાલ્યું તો આપણી ઉંદર જાત ખતમ થવાનાં આરે આવી જશે.  માટે તેના ડોકે ઘંટડી બાંધી દેવામાં આવે, તો તેના આગમનની જાણ આપણને થતી રહે અને આપણાં ભાઈ-ભાંડુ બચી જાય. "  પાછો પ્રશ્ન એ જ   " બિલાડીની ડોકે ઘંટડી બાંધે કોણ  ? "  ખૂબ ચર્ચા-વિચારણા છતાં કોઈ હલ ન મળતાં આખરે મોડી રાત્રે સભા વિખાણી અને સૌ પોત પોતાનાં દરમાં ગયાં. 

  પણ ઉકા ઉંદરને નિંદર આવતી નહોતી. 'કેમ કરી બિલાડીની ડોકે ઘંટડી બાંધવી ? ' બસ આજ વિચાર તેને સૂવા દેતો નહોતો. એવામાં ઘરમાલિકની દીકરી  પાણી પીવા જાગી, તેના ઝાંઝરનાં અવાજથી ડરી ઉકો દરમાં જતો રહયો.

     સવારે મોડો જાગ્યો. સાંજ સમયે ઘરમાલિકો બહાર જતાં, ખોરાકની શોધમાં બહાર નિકળ્યો. એજ સમયે બિન્ની બિલાડી પણ દૂધ અને શિકારની શોધમાં ત્યાં આવી પહોંચી. ઉકાને જોતા બિન્નીએ તરાપ મારી, પણ મોત સામે દેખાતા ઉકો દરમાં ભરાઈ ગયો. બિન્ની પણ ઉકાની રાહમાં દર પાસે બેઠી. 

        હવે ઉકાએ પોતાની ચતુરાઈ કામે લગાડી.   "નમસ્તેજી !   અમે ઉંદરમામા અને તમે મીનીમાસી એ નાતે આપણે ભાઈ-બહેન."    બિન્ની બિલાડીને તો  શિકારમાં રસ હતો,  તે ચૂપચાપ સાંભળી રહી.  ઉકો આગળ બોલ્યો " મીનીમાસી તમે બહું જ સુંદર છો. કેવી  માંજરી માંજરી તમારી આંખો.  તમારૂં મ્યાઉં મ્યાઉં તો કેટલું  મધૂર  ને આહહા ! તમારાં આ પગ પણ નાજૂક નાજૂક ! આજ સોનીની દુકાન પર ગયો હતો.  ઝાંઝર જોયા ને તમારાં પગ યાદ આવ્યાં, તે તમારાં પગ માટે આ છમ છમ બોલતી ઝાંઝરીઓ લઈ આવ્યો." પોતાની સુંદરતાનાં વખાણ સાંભળી બિન્ની બિલાડી તો રાજી રાજી થઈ ગઈ. તે ઉકા ઉંદરનો શિકાર કરવાનું ભુલી ગઈ અને તેણે ઝટ દઈ ઝાંઝર પહેલી લીધાં.  ઉકાને એટલું જ જોઈતું હતું.  બિન્ની તો ઝાંઝરી પહેરી આમથી તેમ ચાલવાં લાગી ને છમ છમ રણકાર થવાં લાગ્યો.  લાગ જોઈ ઉકો ઉંદર છટકી દરમાં જતો રહયો. 

      હવે જ્યારે પણ બિન્ની બિલાડી આવે છે ત્યારે તેના ઝાંઝર છમ છમ રણકે છે અને બધા ઉંદરોને તેના આગમનની જાણ થતાં સૌ પોત પોતાના દરમાં જતાં રહે છે. 


Asha bhatt


*બોધ  : બાળકો  જ્યાં બળથી કામ ન થાય ત્યાં બુધ્ધી વાપરી કામ લેવું જોઈએ. જેથી આપણી સામે રહેલ સમસ્યાનો હલ મળી જાય.*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ