વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાગલ


"અલી રૂપલી.. એ બાજુ નઈ હો. હું ત્યાંથી નહી હાલું. તારે જવું હોય તો જા. તું આમેય આળસુળી છો. હું તો ભલે પાકાં રસ્તે વધુ હાલવું પડે પણ એ જ રસ્તે જવાની." વીજળી બોલી.


"હા, મને ખબર છે તને ઓલા પાગલ ખીમાની બીક લાગે છે ને? પણ તને એટલી બધી એની શું બીક લાગે છે?"


"હા, તે લાગે જ ને! કેવો બીક લાગે એવો છે ને મને તો એવો ઘૂરતો હોય એવો ઘૂરતો હોય કે જાણે હમણાં મને આખે આખી ગળી જાસે!" વીજળી બોલી.


રૂપા હસી પડી, "અરેરે.. વીજળી તને શું કવ? ઈ બચારામાં ક્યાં કાંઈ દુનિયાદારીની ગતાગમ છે કે તને ગળી જાશે કે કાંઈ કરશે! સાચું કહું તો આ દુનિયામાં ગાંડાથી નથી ડરવાનું. ડરવાનું તો બહુ ડાહ્યાં દેખાતા હોય એનાથી છે. આળાભોળાં કે પાગલ જેટલાં નથી નડતા ને, એટલા તમને શાણાં લોકો હેરાન કરી જાય છે. પાગલને તો ઠીક કે મોઢું ને હાલ હવાલ જોઈને વરતી જાઈએ પણ જે ઉજળાં કપડામાં ચહેરા ઉપર ચહેરો ચડાવીને ફરે છે ને, તેને તો આપણે વરતી પણ નથી સકતા ને એવા જ જિંદગીમાં આપણા બુરા હાલ કરે છે!"


બંને બહેનપણીઓ પછી તો વીજળીની જીદને કારણે સડક રસ્તે થઈ ઘરે ગઈ. નાની કેડી કરતાં એ રસ્તેથી બમણી વાર લાગતી. ગામમાં ઘણાં લોકો વર્ષોથી પાગલ ફરતાં ખીમાથી ડરીને તે રસ્તે ન ચાલતાં. જોકે ખીમાએ કદી કોઈને નુકસાન કર્યાંનું યાદ ન હતું. હા, એટલું ખરું કે તે કોઈ વખત અમુક છોકરીઓને ઘૂરી રહેતો. કોઈને એ ખબર ન્હોતી કે તે ક્યાંથી ગામમાં આવી ગયો છે? કેમ પાગલ થઈ ગયો છે?


તે પછી એકવાર ખેતરેથી પાછાં ફરતાં સ્હેજ મોડું થયું. એટલે બેય રૂપાની જીદને કારણે કેડી પરથી નીકળ્યાં. ખીમો વીજળીને જોઈ સૂતો પડ્યો હતો ત્યાંથી બેઠો થઈ ગયો. તે તેનાં આડેધડ વધેલાં પીંછા જેવા વાળને આંખો આડેથી દૂર કરી વીજળી તરફ જોઈ રહ્યો. વીજળીએ ડરનાં માર્યા ખચકાવીને રૂપાને હાથ પકડી લીધો. બંને ત્યાંથી નીકળી ગયાં. વીજળીએ પાછળ ફરીને જોયું  તો ખીમો હજુ તેને જ તાકતો હતો. એણે નક્કી કર્યું કે હવે કોઈ દિવસ આ જોખમ નહીં ખેડે.


એક દિવસ પાકી સડક પરથી પસાર થતાં ગામનાં સરપંચનો દીકરો પ્રકાશ, જે દિવાળી કરવાં શહેરથી પત્ની અને દીકરાને લઈ આવ્યો હતો, તે મળી ગયો. વીજળીને જોઈ તેણે પગથી માથાં સુધી સરસરાટ નજર કરી લીધી. પછી રૂપાને કહ્યું, " બેય બહેનપણીઓને બાપાંનાં ખેતરે કામ કરવા આવવું હોય તો કે'જો. બમણી મજૂરી આપીશ." વીજળી ખુશ થઈ ગઈ. રૂપાએ કાલે જવાબ દેશું કહી વાત વાળી લીધી. વીજળી તો શહેરી છાંટ ધરાવતાં એનાં પહેરવેશ ને બોલીથી અંજાઈ ગઈ. તેણે તો નક્કી કર્યું કે રૂપા હા ન પાડે તોય પોતે તો જશે જ.


બીજા દિવસે તેણે રૂપાનું ન માની સરપંચનાં ખેતરે કામ રાખ્યું. હવે બેય ભાગ્યેજ સાથે આવી-જઈ શકતી. અઠવાડિયા પછી એકવાર વીજળીને બહુ મોડું થઈ ગયું. તે પાકી સડક તરફ ઉતાવળે આગળ જતી હતી ને પ્રકાશ આવ્યો. તેણે કહ્યું, "હું મૂકી જાવ તને કેડીએથી ..હાલ..તારે નજીક થાય ને? તું ઓલા પાગલથી ડરે છે ને..એ ખીમાને તો હું સીધો કરી દઈશ!"


વીજળીએ કહ્યું, "તમારો બેવડો ઉપકાર થ્યો આ તો..હાલો." બેય જતાં હતાં ને જરાક દૂર જતાં પ્રકાશે તેનું પોત પ્રકાશ્યું. વીજળીને જમીન પર પછાડી દીધી. તેનાં પર નિર્લજ્જ બની તૂટી પડ્યો. બરાબર તે જ વખતે ખીમો ઝાડ નીચે સૂતો હતો ત્યાંથી ઊભો થઈ આવ્યો. વીજળીને જોઈ ને તેણે ઝાડની સૂકાયેલ ડાળી લઈ દોટ મૂકી. પ્રકાશને આડેધડ ઝૂડીને મારી નાખ્યો. વીજળી ડરની મારી ઘર તરફ ભાગી.


બીજે દિવસે પોલીસ ખીમાને પકડી ગઈ. જોકે પોલીસ તપાસમાં એ ખબર ન પડી કે ખીમાએ પ્રકાશને કેમ મારી નાખ્યો. એ ખબર પડી કે તે એટલે પાગલ થઈ ગયો હતો કે તેની વીજળીની ઉંમરની એક બેને કૂવો પૂર્યો હતો. આજે વર્ષો બાદ બધાં ખીમાને ભૂલી ગયાં પણ વીજળી હજુ દર રક્ષાબંધને ખીમાનો ઉપકાર યાદ કરી પેલાં ઝાડની ડાળીને રાખડી બાંધી જાય છે.


જાગૃતિ, 'ઝંખના મીરાં'..


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ