વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એફિલ ટાવર

એફિલ ટાવર

 

 

સોનેરી સાંજના આગમન સાથે ક્ષિતિજમાં સૂરજ ઓગળવા લાગ્યો.. ઘેરા કેસરિયા રંગથી રંગાયેલા આકાશમાં હારબંધ ઉડતા પક્ષીઓનો મીઠો કલરવ વાતાવરણને સંગીતમય બનાવી રહ્યો હતો. વહેલી  પ્રભાતનાં આછા અજવાળે માળા મૂકીને નીકળેલાં પક્ષીઓ આથમતી સંધ્યાએ પાછા તો આવે છે ને! પરિવારની માયા આ મૂંગા જીવને પણ કેટલી વ્હાલી લાગે છે!

 

અગાશીનાં એકાંતમાં હું કુદરતનાં સાન્નિધ્યને માણી રહી હતી. અવ્યક્ત મૌન પ્રકૃતિ જાણે મારી સાથે સંવાદ કરી રહી હતી...મારી એકલતાને ભાંગતા કુંડામાં ઉગેલા સૂરજમુખીનાં ફૂલો મને કહી રહ્યા હતા.. “તું ચિંતા ના કરીશ. આ ડૂબેલો સુરજ કાલે સવારે ફરી ઊગશે.. રાત ઘડીકમાં વીતી જશે..”

 

ફૂલોની ભાષાનું વ્યક્તિગત અર્થઘટન કરી હું મારી જાતને આશ્વાસન આપતી રહેતી. મારા જીવનમાં પણ એકદિવસ પ્રેમનો સુરજ જરૂર ઊગશે.  પરંતુ પ્રતિક્ષાની ઘડીઓ હવે મિનિટો, કલાકો, દિવસો, મહિનાઓ વટાવી વર્ષોમાં વહી રહી હતી. ઘરની દીવાલો પણ જાણે મારી સામે જોઈને હસી રહી હતી..કેટલાય ફાગણ એના વિના કોરા ગયા. વાસંતી ફૂલો પણ વિરહમાં કરમાઇ ગયા. પાનખર પણ હવે તો મને પોતીકી ઋતુ લાગતી હતી.

 

રોજ હું મારા મન સાથે સંવાદ કરી મારી જાતને આશ્વાસન આપતી રહેતી। અંશ એકદિવસ ચોક્કસ પાછો આવશે.. મને વિશ્વાસ છે.. આંખોમાંથી વહી જતાં આંસુઓને ત્યાજ રોકી હું મારા કામમાં મન પરોવતી..

 

****

 

‘મેડમ, ક્યાં ખોવાયેલા છો?’ પ્યૂને ટેબલ પર ચાવીઓનો ગુચ્છો ખખડાવી મારૂ ધ્યાનભંગ કર્યું.

‘બોલો, રામભાઇ.’

‘બેન, સાહેબ અંદર બોલાવે છે.’

‘જી રામભાઇ. જાઉં છું.’

મને સોંપાયેલા કામની ફાઇલ હાથમાં લઈને હું કેબિનમાં પ્રવેશી..

‘મે આઈ ....’

‘ઓહ યસ, મિસ પ્રેક્ષા.’

કાળા ડાબલા જેવા ચશ્માની ફ્રેમમાંથી નજર ફેંકી તેમણે મારી સામે જોયું.. મે ચહેરા પર બનાવટી હાસ્ય ફરકાવી મારૂ કામ બતાવ્યુ..

‘વેરી ગૂડ મિસ પ્રેક્ષા.’

‘થેન્ક યુ સર.’ હું ફાઇલ સોંપીને બહાર આવી રહી હતી. હજૂ તો કેબિનનો દરવાજો ઉઘાડું ત્યાં જ પાછળથી સાહેબનો અવાજ આવ્યો..

‘મેડમ, એક બિઝનેસ ડીલ માટે અમે આપને બહુ જલ્દી પેરિસ મોકલી રહ્યા છીએ. બી રેડી ફોર ધેટ..’

‘પેરિસ.’ આ શબ્દ સાંભળીને નજર સામે વર્ષોથી નાચતું એક સ્ક્રીન સેવર દેખાયું.. આમ તો કોર્પોરેટ ક્ષેત્રમાં ફોરેન જવું એ કોઈ નવાઈની વાત નહોતી.. પણ મને આ કામ માટે ખાસ પસંદ કરાઇ એ સાંભળીને આશ્ચર્યમિશ્રિત ગર્વ પણ થયો...

મારી ડાયરીમાં ચોંટાડેલા એફિલ ટાવરનું ચિત્ર મારી સામે ઝૂલવા લાગ્યું.. જાણે તે હાથ ઊંચો કરીને મને પોતાની પાસે બોલાવી રહ્યો હતો..

‘ઓકે સર... થેન્ક યુ.’

હું આંખોમાં પેરિસના સપના આંજીને ખુશ થતી બહાર આવી.

મારા ખુશખુશાલ ચહેરાને જોઈ સૌને આશ્ચર્ય થયું. આ કેકટસનાં પ્લાન્ટને આજે ફૂલ બેઠા!!!

‘બેન, કઈ સારા સમાચાર છે કે શું?’

‘હા રામભાઇ.’

સીધી લીટીમાં જીવાતા સમથલ  જીવનમાં પેરિસની ટુર એક રોમાંચ ભરી ગઈ.. બચપણથી મારૂ સપનું હતું કે હું યુરોપ જાઉં.. એટલે જ તો હું આ કોર્પોરેટ ક્ષેત્રમાં આવી.. સૉફ્ટવેર એંજીનિયર હોવાનો આજ તો ફાયદો હતો. કોડિંગ કરતાં કરતાં મનના કોડ પણ પૂરા કરી શકાય..

કોલાજનાં ટુકડા ભેગા કરીને બનાવેલી મારી અંગત ડાયરીના પાનાં હું ઊથલાવી રહી હતી.. મારા સપના અહી ચિત્રો રૂપે સચવાયેલા હતાં. પેરિસના ચિત્ર પાસેની ખાલી જગ્યામાં મે લખ્યું.. ‘બહુ જલ્દી તને મળવા આવી રહી છું.’

‘હું પણ તારી રાહ જોઈ રહ્યો છું.’ તેણે હસીને મારા ગાલ પર એક ટપલી મારી.. હું પણ તેની આ કાલ્પનિક ચેષ્ટાથી શરમાઇ ગઈ..

 

*****

 

‘આપણે હનીમૂન માટે પેરિસ જઈશુંને અંશ!!’

‘હા ડાર્લીંગ! પેરિસના આઇફેલ ટાવર પાસે તને પ્રપોઝ કરીશ. સ્વિટજરલેંડમાં લગ્ન  અને વેનિસમાં હનીમૂન.. બોલ બીજી શું શરત છે?’

‘શરત ફક્ત એટલી કે તું મને જીવનભર આમજ ચાહતો રહે. આપણાં  પ્રેમની નદી સદાય ખળખળ વહેતી રહે..તારા વ્હાલનો વરસાદ આમજ અવિરત વરસતો રહે...  ’

‘હા, આવ મારી રાણી.’ એમ કહી તે મને વ્હાલથી તેના બાહુપાશમાં સમાવી લેતો..

અમારા પરિવારની મરજી વિરુદ્ધ એકદિવસ બે ચાર મિત્રોની સાક્ષીએ અમે મંદિરમાં પરણી ગયા હતાં. પરંતુ સાંસારિક જીવન શરૂ થતાં પહેલા જ તે મને છોડીને..’

****

 

‘મેડમ, સાહેબ....’

‘મે આઈ...’

‘યસ, મિસ પ્રેક્ષા. ટેક ધીસ ઓર્ડર.. યુ આર ગોઇંગ ટુ પેરિસ.’ મારા હાથમાં લેટર પકડાવતા સાહેબ બોલ્યા..

ખુશીથી ઝગારા મારતી આંખે  જલ્દીથી લેટર હાથમાં પકડી મે તેમનો આભાર વ્યક્ત કર્યો.

***

 

એરપોર્ટના વેઇટિંગ રૂમમાં હું મારી ફ્લાઇટની પ્રતિક્ષા કરી રહી હતી. મારી નજર કાચની દીવાલને પાર કરીને બહાર જોઈ રહી હતી.. ક્ષિતિજમાં ધીરે ધીરે સાંજ ઢળી. બચપણથી મનના ખૂણામાં સંકોરાઈને બેઠેલું પેરિસનું સપનું આજે પાંખો ફફડાવી બેઠું થયું હતું.. કાશ અંશ પણ મારી સાથે હોત.. એના સથવારે આ અવસરનું સુખ બેવડાઈ જતું.. મારી આંખોના પતંગિયા યાદોનાં વનમાં ઊડાઊડ કરતાં હતા.

 

*****

 

ફ્લાઇટ બોર્ડ કરી હું અંદર પ્રવેશી.. વિન્ડો સિટનું શટર ખોલી નજર બહાર ઘુમાવી. થોડીવારમા વિમાને ઉડાન ભરી અને હું બારીની બહાર વેરાયેલા સફેદ રણને જોઈ રહી.

 

‘અંશ, મને બરફ બહુ ગમે. વર્ષમાં એકવાર તું મને મનાલી કે કશ્મીર લઈ જઈશ ને!!’

‘હા જાન!! તું કહે તો અહિયાં જ તારા માટે કશ્મીર ઊભું કરી દઉં બોલ..’ એમ કહીને મારા વ્હાલથી ગાલને ચૂમી લેતો.

લગ્નબાદ મને પાછા આવવાનું વચન આપી તે ખૂબ દૂર ચાલ્યો ગયો.

‘મારા પર ભરોસો રાખજે. હું બહુ જલ્દી પાછો આવીશ.. મને શોધવાની કોશિશ ન કરતી..’

‘પણ તું શું કામ જાય છે? તારા સિવાય હું એકલી શું કરીશ? તું મારો તો વિચાર કર, અંશ!!’

‘થોડો વખત મારી રાહ જોજે. ડાર્લીંગ, વિરહમાં પ્રેમ ઓર મજબૂત થાય..’

‘પણ તું પાછો ક્યારે આવીશ?’

‘એ એક રહસ્ય છે. પણ હું પાછો જરૂર આવીશ..’

જે દિવસે તે મારો હાથ છોડવી દૂર ચાલ્યો ગયો... તે દિવસથી હું મારી એકલતા અને અનિશ્ચિત કાળના વિરહ સાથે દિવસો વિતાવી રહી હતી..

અચાનક વિમાનમાં એક ઝટકો આવ્યો અને મે આંખ ખોલી.. મારા ગાલ અશ્રુબિંદુઓથી ભીંજાયેલા હતા.. અતીતની યાદો તીક્ષ્ણ ખંજરની જેમ મારી છાતીની આરપાર ભોંકાઈ રહી હતી.. હું એ દર્દને આંસુઓથી વહાવી રહી હતી..

***** 

 

‘મેડમ, વોટ વૂડ યુ લાઇક તું હેવ? ટી ઓર કૉફી? ઓર .....?’

‘કૉફી’

આલીશાન હોટેલનાં રૂમમાં હું એકલી હતી.. હોટેલથી થોડે જ દૂર ઍફીલ ટાવર હતો.. રાતના અંધકારમાં ઝગારાં મારતા એફિલ ટાવરની ટોચ હું બારીમાંથી જોઈ રહી હતી..

જેટ લેગ ઉતારી હું બીજે દિવસે મીટિંગના સ્થળ પર પહોચી ગઈ.. રૂપાળા યુરોપીયન ગોરાઓ વચ્ચે હું એકલી જ ભારતીય હતી.. મને મારી જાત પર સહેજ અભિમાન થયું.. એક સાવ સામાન્ય બેકગ્રાઉંડમાથી આવતી છોકરી આજે પેરિસમાં વિદેશીઓ સાથે એક જ હરોળમાં બેસીને વાત કરી રહી હતી.

 

જે કામ માટે આવી હતી તે પૂરું થયું.. મારી પાસે હવે પૂરા ત્રણ દિવસ હતા.. પેરિસની ગલીઓમાં ઘૂમીને અહીની સંસ્કૃતિને ખૂબ પાસેથી જોવાનો મોકો હું શોધતી હતી.

 

ચાલતી ચાલતી હું એફિલ ટાવર પાસે આવી.  તેની ભવ્યતા જોઈને મારી આંખો અંજાઈ ગઈ.. દુનિયાની અજાયબી ગણાતો આ ભવ્ય એફિલ ટાવર હું આંખો ફાડીને જોઈ રહી હતી.. મને મારી આંખો પર ભરોસો ન થયો... મારી ડાયરીમાં ચોંટાડેલો અને સામે ઉભેલો એફિલ ટાવર બંને એક જ હતા.. મે તેની સામે જોઈને કહ્યું, ‘લે, હું તને મળવા આવી..’

તેણે પણ મને હસીને કહ્યું, ‘આવ મારી બાહોમાં સમાઈ જા.. હજૂપણ દૂર કેમ ઊભી છે?’

હું ખૂબ પાસે ગઈ.. લોખંડની ભવ્ય ઇમારતના પાયાને સ્પર્શ કર્યો અને એક ઝણઝણાટી અનુભવી.. આ નિર્જીવ ઇમારત પણ જાણે શ્વાસ લઈ રહી હતી..  હું તેની ગતિને અનુભવી રહી હતી..

ટોચ પર આવીને મે એફિલ ટાવરને  એક વોર્મ હગ કર્યું..

લોકો મારા આ પાગલપનને જોઈ રહ્યા હતા..

ડાયરી ઉઘાડીને એફિલ ટાવરના પેજ પર ટીક કરી.. ડેટ અને ટાઈમ લખ્યો.. મારૂ એક સપનું આજે પાંખો ફડફડાવીને બેઠું થયું હતું.. એ ઘડીના ઉન્માદમાં હું ખોવાયેલી હતી.. ત્યાજ અચાનક મારી પીઠ પર કોઈના નાનકડા ફૂલ જેવા કોમળ  હાથનો સ્પર્શ અનુભવાયો.. મે પાછળ વળીને જોયું..

 એક નાનકડા બાળકને તેની મા તેડીને ઊભી હતી.. રૂ ના ઢગલા જેવુ પોચું  એક યુરોપીયન બાળક મારી સામે જોઈને હસવા લાગ્યું.. તેની ભૂરી નાનકડી આંખો, બરફના ઢગલા જેવા ગાલ અને નિર્દોષ સ્મિત જોઈને મારી ભીતરનું માતૃત્વ છલકાઈ ગયું... હું તેને સ્પર્શ કરું તે પહેલા જ તે બાળકનો પિતા આવીને તેને દૂર લઈ ગયો..

 

હું ઊંચાઈ પરથી નીચેના દ્રશ્યો જોવામાં મશગુલ થઈ...થોડે દૂર નદી વહી રહી હતી. યુવાન કપલને એકબીજામાં પરોવાયેલા જોઈને મને સહેજ ઈર્ષ્યા આવી.. પ્રેમીઓના શહેર પેરિસમાં હું એક પરિણીતા વિધવાની જેમ એકલી ફરતી હતી..

પેરિસની યાદોને આંખોનાં કેમેરામાં કેદ કરી હું ભારત પાછી આવી.. હું કઈક લઈને આવી હતી.. અને  કઈક મૂકીને પણ..

 

ઘરના આંગણામાં પ્રવેશ કર્યો ત્યારે મને કોઈકના હોવાનો આભાસ થયો. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. મારી ગેરહાજરીમાં કોઈ અંદર કેમ પ્રવેશી શકે? મને મનમાં ફાળ પડી.. આંગણાના ક્યારામાં કેટલાય છોડ કરમાઈ ગયા હતા.. પાંદળા ખરીને આમતેમ વિખરાયેલા પડ્યા હતા. મે બેગ નીચે મૂકી અને ડોરબેલ વગાડયો.. પણ અંદરથી કોઈ ન આવ્યું.. મારા મનમાં ફરીથી આશંકાઓ અને અનિષ્ટની નકારાત્મક કલ્પનાઓ ચકરાવે ચઢી.. મે ફરીથી બે ત્રણવાર બેલ વગાળ્યો..અંદરથી કોઈનો ઝીણો પગરવ સંભળાયો.. દરવાજો ઉઘડ્યો.. મારી નજર સામે જે દ્રશ્ય હતું તે જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ.. મારા પગ ત્યાજ ખોડાઈ ગયા.. મારી પાંપણો પલકારો મારવાનું ચૂકી ગઈ.. મારા હાથમાંથી બેગ છૂટીને ફર્શ સાથે અથડાઇ..

‘ઓહ અંશ...તમે??’

‘હા.’

‘તમે ક્યારે આવ્યા?’

‘બસ તું ગઈ ત્યારે.’

‘ઓહ ગોડ.’

‘તમે મને કહ્યું કેમ નહીં?’

‘કહી દીધું હોત તો તારી આંખોમાં આ આશ્ચર્યનો દરિયો કેમ કરીને જોતો?

હું વધુ કોઈ પ્રશ્ન કરું તે પહેલા તેણે મને વ્હાલથી બાહોમાં સમાવી દીધી..

‘ઓહ અંશ. આ હુંફ માટે હું કેટલી તરસી, કેટલી તડપી, કેટલીયે પીડામાંથી પસાર થઈ, તમને શું કહું?’

‘બસ…  કઈ ના કહીશ.. હવે તને છોડીને ક્યાય નહીં જાઉં, પ્રોમિસ..’

‘પણ તમે ક્યાં ગયા હતા? આમ ક્યાં સુધી સંતાકૂકડીની રમત રમશો? હવે તો કહી દો અંશ..’

‘તારે જાણવું જ છે તો ચાલ મારી સાથે.’ તે મને હાથ પકડીને બેડરૂમમાં લઈ ગયો..

એક પછી એક શર્ટના બટન ખોલી તેનું વક્ષસ્થળ અનાવૃત કર્યું... તેની છાતીમાં કેટલાય નિશાન હતા.. તેણે પાછળ ફરીને પીઠના નિશાન બતાવ્યા.. હું આ જોઈને દંગ રહી ગઈ..

‘ઓહ અંશ. આ નિશાન શેના છે?’

‘રુઝાયેલા ઘા ના નિશાન. જંગલી જાનવરના પંજામાથી છૂટીને મોતનો સામનો કરતાં કરતાં હું બેભાન થઈ ગયો હતો.. મારી સારવાર કરાવી સાજો કરનાર એ આદિવાસી યુવતીનો હું ઋણી છું.. હું એની જ જવાબદારી નિભાવવા ગયો હતો.. મારી સારવાર કરતાં કરતાં તે મારા પ્રેમમાં પડી ગઈ હતી.. પણ જે દિવસે તારી સાથે લગ્ન થયા તે દિવસથી મે મનમાં નક્કી કર્યું કે પહેલા આ અધૂરા સંબંધને પૂરો કરી આવું પછી જ તારી સાથે...’

‘પણ આ વાત મને પહેલા કેમ ન જણાવી?’

‘ત્યારે કદાચ તું આ વાત સમજી ન શકતી.’

‘એક ઈશારો તો આપ્યો હોત. તમે વાર્તા તો નથી બનાવતાને અંશ? સાચું કહો છો ને?’

‘તને મારા પર ભરોસો નથી? તો ચાલ મારી પાસે..’

‘મારે ક્યાંય નથી આવવું.’

‘તું ચાલ મારી સાથે એ અનાથ વનવાસી યુવતીને હું પરણાવીને આવ્યો છું. તેના ઋણમાથી મુક્ત થવાનો મારો એક પ્રયત્ન હતો.. ઈશ્વર સાક્ષી છે..’

‘પ્લીઝ અંશ.. મારે તમારો ભૂતકાળ નથી જાણવો.. મને ફક્ત વર્તમાનમાં રસ છે.. અને તમારો વર્તમાન હું છું.. બસ હવે તમે અને હું..’

‘હવે તને છોડીને ક્યાય જાઉં તો તું જ મારો શિકાર કરી નાખજે.’

‘શિકાર તો આજે થવાનો છે.’

એ દિવસે અમે બંને પ્રેમાલાપની પળોમાં ખોવાયા..અને સાચા અર્થમાં પતિ પત્ની બન્યા..

પરંતુ અમારાં દાંપત્યનાં વૃક્ષ પર કોઈ ફળ બેસે તે પહેલા જ અંશે આ દુનિયામાંથી અણધારી વિદાય લીધી..

*****

‘બેન, મારા છોરાંને મોટો સાયેબ બનાવજો.’ શ્યામવર્ણી અને અત્યંત નમણી ભોળી વનવાસી મહિલા તેના નાનકડા પરિવાર સાથે સુખી હતી..અંશની ડાયરીમાથી તેનું સરનામું મેળવી હું તેને મળવા આવી હતી. હરિયાળા જંગલ, અને નિર્દોષ મનનાં ભોળા વનવાસી લોકોએ મારૂ સ્વાગત કર્યું.  

 

‘આજથી તારા બાળકની જવાબદારી મારી. તું એને મારી પાસે મોકલી દે..’ તેનું બાળક હાથમાં લઈને હું રમાડી રહી હતી.

‘બુન, લઈ જાઓ. અમારો છોરો.. ભણીગણીને મોટો સાયેબ બને તો અમારા ભાગ ફરી જાય.. અમારા અંશ સાયેબ અમારા ભગવાન હતા.. આ જંગલ એમનું બીજું ઘર હતું.. મારી ઘરવાળીએ એમનો જીવ બચાવ્યો હતો..પણ એ તો અમને નવું જીવતર આપી ગ્યાં..’ તેનો પતિ મારી સામે જમીન પર ઉભળક બેસીને વાતો કરી રહ્યો હતો. 

 

અંશ જતાં જતાં મને એક અજાણ્યો પરિવાર ભેંટમા આપતો ગયો..શહેરની આબોહવા જેને સ્પર્શી નથી એવા પવિત્ર વાતાવરણમા હું અવારનવાર આવતી રહેતી.. પ્રેમ વ્યક્તિની હાજરીને જ નહીં તેની યાદોને પણ કરાય, તેના અધૂરા કાર્યને પણ કરાય. અંશના અધૂરા સંબંધની ધુરા મે હાથમાં લીધી..હું ફરીથી એકલી હતી એફિલ ટાવરની જેમ..  પણ મારી સાથે મારા ભોળા વનવાસીઓનો પરિવાર હતો..તેમનો લાગણીથી લથબથ ભીનો આવકાર હતો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ