વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કસુવાવડ


         સવારે ચા પીતા પીતા મેં મોબાઈલમાં નેટ ચાલુ કર્યું. એ સાથે જ વોટ્સઍપ પર મેસેજ આવવા લાગ્યા. સૌથી પહેલા મેં નીરજનો મેસેજ જોયો. નીરજ આજે ફર્સ્ટ શિફ્ટમાં ગયો હતો. એણે ગુબાબના  ફૂલનો સરસ ફોટો મોકલ્યો હતો અને એના પર શુભ સવાર હેતલ એવું લખ્યું હતું. પણ આજે પહેલી વાર નીરજનો મેસેજ વાંચી મન ખુશ ન થયું અને થાય પણ કેવી રીતે ?
          કેમકે આજની મારી સવાર શુભ ન હતી.એ તો આઘાત લઈને આવી હતી. એ વાત નીરજને કહેવા માટે જ મેં મોબાઈલ હાથમાં લીધો હતો. પણ નીરજ નાહક ચિંતા કરશે અને એનું ધ્યાન કામમાં ન રહેશે. એ ધરે આવશે ત્યારે વાત કરીશ એમ વિચારી મેં એને ફોન કર્યો ન હતો અને પછી નેટ ચાલુ કર્યું હતું. પણ નીરજનો મેસેજ જોઈ મન ઉદાસ થઈ ગયું એટલે મેં બીજા મેસેજ ન વાંચ્યા અને તરત મોબાઈલ ટેબલ ઉપર મૂકી દીધો.
         દોઢ મહિના પહેલા અમને ખબર પડી કે મારા ઉદરમાં ગુલાબના ફૂલ જેવું જ એક નાજુક ફૂલ વિકસી રહ્યું છે ત્યારે અમે ઘણા ખુશ થયા હતા. પહેલા બાળકની ખુશી કોને ન હોય ?
         અમે તો એ દિવસે જ બાળકનું નામ પણ વિચારી લીધું હતું. નીરજ કહેતો હતો કે દીકરી જ આવશે એટલે એનું નામ એણે હેની પસંદ કર્યું હતું. અમારા બંનેના નામના પહેલા અક્ષરથી બનતું નામ હેની મનેય પસંદ પડયું હતું. પણ મને તો દીકરો જોઈતો હતો એટલે મેં અમારા નામના બીજા અક્ષર પરથી રજત નામ પસંદ કર્યું હતું. નીરજને એ નામ પસંદ તો આવ્યું હતું પણ એણે મારા પેટ પર હાથ ફેરવતા કહ્યું હતું કે દીકરી જ છે.
         મને દીકરો જોઈતો હતો એટલે એવું ન હતું કે મને દીકરી પસંદ ન હતી. પણ મારા ભાભીને અને મારી નણંદને પહેલા ખોળે દીકરી જ આવી હતી. તેથી હું ઈચ્છતી હતી કે એ બંનેને એક ભાઈ મળે. પણ આપણી ઈચ્છા કરતા ભગવાનની ઈચ્છા વધારે બળવાન હોય છે. 
         આવા વિચારોની ગુંગણામણની સાથે સાથે મને વાસી હવાને લીધે પણ ગુંગણામણ થવા લાગી હતી. તેથી મેં ઊભા થઈ બારી ખોલી અને આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો. તાજી હવા ફેફસામાં ગઈ એટલે તન અને મન બંનેને સારું લાગ્યું.
         ફરી એક ઊંડો શ્વાસ લઈ મેં આંખો ખોલી. એટલે મારી નજર વાડામાં બાજુબાજુમાં ઊભેલા જમરૂખી અને સીતાફળીના ઠુંઠા પર ગઈ. ગઈકાલ સાંજ સુધી એ બંને છોડ એના પર લાગેલા ફૂલોથી અને બોર જેવડા નાના ફળોથી લદબદ હતા. એ બંને છોડની એક ડાળી પરથી બીજી ડાળી પર ગઈકાલ સુધી બુલબુલ યુગલ કૂદાકૂદ અને કલરવ કરતું હતું. ખિસકોલીઓ પણ દોડાદાડ કરતી હતી. પણ આજે બધું શાંત થઈ ગયું હતું.
         હવે એ બંને છોડ મટીને માત્ર ઠુંઠા બની ગયા હતા. એ ઠુંઠા પર બુલબુલ યુગલ એકદમ શાંત બનીને બેઠું હતું. ન કોઈ કૂદાકૂદ કે ન કોઈ જાતનો કલરવ. આજુબાજુ નજર કરીને તેઓ કદાચ નવો આશરો શોધી રહ્યા હતા. ખિસકોલીઓ પણ ઉપર નજર કરીને બે ઠુંઠા વચ્ચેની ખાલી જગ્યામાં લપાઈને બેસી ગઈ હતી. જાણે એ બધા શોકસભામાં આવ્યા હોય એમ શાંત બેઠા હતા.
         હા એ શોકસભા જ હતી. છોડના ઠુંઠા બની જવાની શોકસભા. અચાનક એક ખિસકોલી ખરી પડેલા જમરૂખના નાનકડા ફળ પાસે ગઈ. પછી ફેરવી ફેરવીને એ ફળને એણે જોયું. પણ અપરિપકવ ફળ એના કામનું ન હતું. તેથી એ પાછી એની જગ્યાએ જતી રહી.
         પણ હું તો હજુ મારી જગ્યાએ જ ખોડાયેલી હતી. શરીરમાં કળતર થતું હતું અને મન પણ થાકેલું લાગતું હતું. કચરા, પોતું અને કપડાં એ બધું જ કામ હજુ બાકી હતું. પણ શરીરે આજે બળવો કર્યો હતો અને મન એને સાથ આપતું હતું. હું બારી પાસેથી ખસીને ખુરશીમાં આરામથી બેઠી.
          એ જ સમયે નીરજનો ફોન આવ્યો. મેં એના વોટ્સઍપ મેસેજનો કોઈ જવાબ ન આપ્યો એટલે એણે ફોન કર્યો હતો. મને એને કહી દેવાનું મન થયું પણ પછી મેં એ વિચાર પડતો મૂક્યો. નીરજે એકાદ મિનિટ વાત કરી ફોન કટ કર્યો. 
         મારું મન વ્યથિત હતું એટલે કોઈ સાથે વાત કરવાનું મન થતું હતું. તેથી મેં મમ્મીને ફોન કર્યો. ત્રણ રિંગ વાગ્યા પછી સામેથી અવાજ આવ્યો, "જય શ્રીકૃષ્ણ હેતુ."
         મમ્મીનો અવાજ સાંભળી મારાથી ડુસકું મૂકાય ગયું. એટલે મમ્મીએ તરત પૂછ્યું, "શું થયું હેતુ ?"
         પછી મેં લગભગ દસ મિનિટ સુધી મમ્મી સાથે વાત કરી ત્યારે મન હળવું થયું. પણ મનમાં હજુ કંઈ ખટકતું હતું. એ શું હતું તે સમજાતું ન હતું ?
         મમ્મીએ ફોન કટ કર્યો પછી મેં મોબાઈલ ટેબલ પર મૂક્યો અને થોડી વાર દિવાલ સામે તાકી રહી. પછી હું ઊભી થઈ અને બારી પાસે ગઈ. માટલામાંથી ગ્લાસ ભરી હું પાણી પીવા લાગી.
         બારીમાંથી મારી નજર ફરી એ ઠુંઠાઓ પર ગઈ. હવે ત્યાં કોઈ ન હતું. કદાચ શોકસભા પૂરી થઈ ગઈ હતી. જમરૂખી અને સીતાફળીના છોડ કપાવવા મેં જ નીરજને કહ્યું હતું. નીરજને એ ગમ્યું તો ન હતું. પણ મારી ખુશી માટે કમને એણે એ બંને છોડ કાલે સાંજે જ કપાવ્યા હતા. હું મા બનવાની હતી એટલે નીરજ મારી ખુશીનો ખાસ ખ્યાલ રાખતો હતો.
         બાકી જમરૂખી અને સીતાફળીને નીરજ કાપવા ન દે. એ બંને છોડ બારમાસી હતા. વર્ષમાં બે વાર એના પર ફળ આવતા હતા. એ છોડની સાથે નીરજની ઘણી યાદો જોડાયેલી હતી. એ છોડની સાથે સાથે જ નીરજ મોટો થયો હતો. એના પપ્પાએ જમરૂખી પર ટાયર બાંધી આપ્યું હતું. એના પર બેસીને એ ઝુલ્યા કરતો. એક વાર એના પપ્પા એને મેળામાં લઈ ગયા ન હતા ત્યારે એ આખો દિવસ ટાયર પર જ બેસી રહ્યો હતો. જમવા પણ ગયો ન હતો. જમરૂખ ખાઈને જ દિવસ પૂરો કર્યો હતો. 
         અમારી સગાઈ પછી નીરજ પહેલી વાર મારા ઘરે આવ્યો ત્યારે ઘણા બધા જમરૂખ અને સીતાફળ લઈને આવ્યો હતો. એ સમયે એણે જમરૂખી અને સીતાફળી સાથે જોડાયેલી કેટલીક યાદો મને કહી હતી.
         લગ્ન પછી એ બંને છોડ પાસે જ અમે ફોટા પડાવ્યા હતા. નીરજ જયારે પણ એના બાળપણની વાતો કરે એમાં જમરૂખી અને સીતાફળીનો ઉલ્લેખ ન આવે એવું તો બને જ નહીં. કેમ કે એના વગર નીરજનું બાળપણ અધૂરું હતું. એટલે એને દુઃખ તો ઘણું જ થયું હશે.
         પણ હું શું કરું ? અડોશ પડોશના નાના છોકરાઓ અમારા વાડામાં જ રમવા આવતા હતા. એમના માટે નીરજે પણ જમરૂખી પર એક ટાયર બાંધી આપ્યું હતું. એમને રમતા જોઈ નીરજ ખુશ થઈ જતો હતો કેમકે એ છોકરાઓમાં નીરજને એનું બાળપણ દેખાતું હતું.
         પણ છોકરાઓ બપોરેય જંપતા ન હતા અને એમના શોરબકોરને કારણે મારી બપોરની ઊંઘમાં ખલેલ પડતી હતી. તેથી મેં નીરજને વાડામાંની જમરૂખી અને સીતાફળી કાપવા કહ્યું હતું.
         જોકે એ મારી ભૂલ હતી અને ભગવાને મને મારી ભૂલની સજા આપી દીધી હતી. અચાનક બુલબુલનો કલરવ સાંભળી હું મારી વિચારતંદ્રામાંથી જાગી. મેં વાડામાં નજર કરી તો બુલબુલ યુગલ ઠુંઠા પર બેસીને ટહુકા કરી રહ્યું હતું. બંને ખુશ દેખાતા હતા. કદાચ એમને નવો આશરો મળી ગયો હતો.
         પણ એમનો આશરો છીનવી લેવા બદલ મને અફસોસ થઈ રહ્યો હતો. બુલબુલ યુગલે ઠુંઠા પર બેસીને એમનું દુઃખ અને નારાજગી વ્યક્ત કરી હતી. પણ અબોલ એવા એ ઠુંઠાઓ પોતાની લાગણી કયાં વ્યક્ત કરી શકવાના હતા ? એ વિચારે મારું હૈયું ભરાય આવ્યું.
         થોડી વાર માટે હું શૂન્યમનસ્ક થઈ ગઈ. પછી હું વાડામાં ગઈ અને એ બંને ઠુંઠાઓને વળગીને રડવા લાગી. આખરે અમે ત્રણેય સમદુખિયારા હતા. અમારી સર્ગભાવસ્થાનો અંત કસુવાવડથી આવ્યો હતો.

         સમાપ્ત. 
         

         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ