વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંગીતમય ખોફનું સામ્રાજ્ય

 

કહેવાય છે કે ધીમે ધીમે અપાયેલું ઝેર દિલોદિમાગને ફ્રીઝ કરી દે છે. એવા જ ધીમા સંગીતમય ખોફનું સામ્રાજ્ય એટલે ગુમનામ હૈ કોઈ! આ નવલકથા આરંભથી જ આપણને જકડી લેવામાં સફળ થાય છે. આસમાની બુલંદીયોને સર કરી ગયેલા સંગીતના એ સાત સિતારા લાઇવ ઈવેન્ટ કરી લોકોનાં દિલોદિમાગ પર છવાઈ ગયાં હતાં. સેવન સ્નાઇપર્સની સિગ્નેચર ટ્યૂનની જાદુઈ અસર વર્ષોથી કોમામાં સરી પડેલી વ્યક્તિ પર સકારાત્મક પ્રભાવ પાડે છે. મુકુંદરાયને કોમામાંથી બહાર ખેંચી લાવનારા સેવન સ્નાઈપર્સના લાજવાબ પર્ફોર્મન્સથી આ માઇલસ્ટોન નવલકથાનો આરંભ થાય છે. શરૂઆતથી જ દિલોદિમાગને પોતાની જાદુઈ અસરના મોહપાશમાં બાંધી લેતી નવલકથા દમદાર પાત્રોનાં અવિસ્મરણીય આલેખન થકી મન પર પ્રભાવક છાપ છોડી જાય છે. લંડનની વિદેશી ધરતીથી આરંભાતી નવલકથા સેવન સ્નાઈપર્સને રાજસ્થાનના રણ વિસ્તારના તકત થડા નામના અંતરિયાળ ગામમાં દોરી લાવે છે, જ્યાં ધરબાયું છે પાંચસો વર્ષ જૂનું રહસ્ય! પાંચસો વર્ષ પહેલાં જન્મેલા સંગીતના આ સિતારાઓની દિલધડક ખોફનાક દાસ્તાન બીજા ભાગમાં આલેખાઈ છે. નવલકથા એકથી વધુ ભાગમાં વહેંચાયેલી હોવા છતાં દરેક ભાગ પોતાના અલાયદા કથાનકને કારણે રસપ્રદ અને પૂર્ણતાનો અનુભવ કરાવી જાય છે. વેદસ્વીના પાત્રએ મારા મન પર ઊંડી છાપ છોડી છે. શાસ્ત્રાર્થમાં પારંગત સ્ત્રીઓનો ઉલ્લેખ પ્રાચીન કાળમાં મળે છે. બહુધા વિદ્યાનું જ્ઞાન ધરાવતી વેદસ્વી કર્મના આધારે સેવન સ્નાઈપર્સની ટીમનો અજોડ હિસ્સો બની ગઈ છે. મૃત્યુના વિવિધ આયામો સર કરી આપણને ભયના ઓથાર તળે ધકેલી દેતી ગુમનામ પછી આપણને શ્વાસ લેવા દેતી નથી. રૂદ્રા, રેવા, વેરોનિકા, ક્રિશ, રોમી, સમર, સુખી, લગભગ દરેક પાત્ર પોતાના વિશિષ્ટ ગુણને લીધે પોતિકાં લાગ્યાં છે. આત્મીય બની ગયેલાં પાત્રોની કરુણતા મનને ઓગાળી નાખે છે. દિલાવરની બહાદુરીને સેલ્યુટ છે. છેલ્લે સુધી રહસ્યનો તાળો મેળવવા ઝઝુમતા રહેલા દિલાવરના પાત્રનું સર્જન પણ અફલાતૂન રહ્યું.

દિલધડક ધટનાઓ આપણને ફફડાવી નાખે છે, કથામાં આગળ મિત્રો વચ્ચે સર્જાતા વૈમનસ્યનો વંટોળ તારાજી સર્જે છે. ક્યારેક અંધારે ખૂણે સંભળાયેલું માધુર્યાનું રૂદન એના માટે સહાનુભૂતિ જન્માવે છે, તો ક્યાંક તખત થડાના રણમાં દબાયેલું રહસ્ય બેચેન કરી મૂકે છે. એક પછી એક દર્દનાક અને ધાતકી કત્લને પામી રણમાં વિલોમ થતી હસ્તીઓ હૃદયમાં ખળભળાટ મચાવી મૂકે છે. રહસ્ય વિસ્ફોટક હોવા છતાં ભાવકના ગળે ઉતારવામાં સર્જકો સફળ રહ્યા છે. આખી નવલકથા આટલા વિસ્તૃત ફલકમાં વિસ્તરી હોવા છતાં પૂરી ન થાય ત્યાં સુધી આપણને બાંધી રાખે છે.

હું તો એમ કહીશ કે 'ગુમનામ હૈ કોઈ!' નવલકથામાં પ્રેમ, લાગણી, ક્રોધ, વાત્સલ્ય, નફરત, રહસ્ય, ભય, જેવાં અનેક ઉમદા પાસાંને વણી લઈ ભાવક માટે ભોગ્ય રસથાળ તૈયાર કરાયો છે. નવલકથા ચૂકવાનો અફસોસ ન રહી જાય. અચૂક વસાવવા જેવી નવલકથા રહી. ખરેખર ઉમંગ ચાવડા સર, ભૂમિધા પારેખ અને સ્પર્શ હાર્દિકની મહેનત રંગ લાવી છે. શોપિઝન ઓરિજનલ આવી અનેક ઉમદા નવલકથાઓ આપે એવી શુભકામનાઓ.

- સાબિરખાન પઠાણ

(હોરર કથાઓના ખ્યાતનામ લેખક)

*** 

 

ગુમનામ હૈ કોઈ! - હવે ઈબુક અને હવે પ્રિન્ટ સ્વરૂપે શોપિઝન પર ઉપલબ્ધ.

*** 

 

પ્રસ્તાવના

 

મુંબઈ જતી ટ્રેન હજુ આવી નહોતી. હું સ્ટેશન પર બાંકડાની બાજુમાં આવેલા ટી-સ્ટોલ પર ગયો. સ્ટોલની પાછળ એક મુછાળો પડછંદ આદમી ઊભો ઊભો તપેલીમાં દૂધ રેડી રહ્યો હતો. એના ડાબા ગાલે એક મસો હતો. એ ઘડી ઘડી એનો હાથ મસા ઉપર ફેરવતો હતો! એની બાજુમાં પડેલા એક નાનકડા રેડીયોમાંથી ૧૯૬૫માં આવેલી ‘ગુમનામ હૈ કોઈ’ ફિલ્મનું ટાઈટલ સોંગ વાગવાનું શરૂ થયું અને મારા મગજમાં એક પ્લૉટ આકાર લેવા લાગ્યો.

એક ભયાવહ કથા આલેખવી હતી. પરંતુ ચીલાચાલુ નહીં, એમાં કંઈક વિશિષ્ટ હોવું જોઈએ. પ્લૉટ તૈયાર કર્યો, સાત યુવા સંગીતકારો, લંડનનું બૅકગ્રાઉન્ડ, એક વિશિષ્ટ ધૂન અને પછી શરૂ થાય છે એક દિલધડક યાત્રા, જે ભારતના રાજસ્થાનમાં આવેલા એક ગામ ‘તકત થડા’ સુધી પહોંચે છે, અને ત્યાં બહાર આવે છે રણની રેતીમાં ધરબાયેલું પાંચસો વર્ષ જૂનું એક રહસ્ય!

ગુજરાતી સાહિત્યમાં એક સંગીતમય હોરર નોવેલ આલેખવાની ચેલેન્જ લઈને મેં સ્પર્શ હાર્દિકનો સંપર્ક કર્યો. સ્પર્શ હાર્દિકને પણ પ્લૉટ બહુ ગમ્યો, પણ અમારે કોઈ એવું જોઈતું હતું જેમને સંગીતની ઊંડી સમજ હોય અને જે અમુક વિશિષ્ટ જૂનાં વાજિંત્રો વિષે પણ જાણકારી રાખતું હોય. સ્પર્શ હાર્દિકે ભૂમિધા પારેખનું નામ સૂચવ્યું. જ્યારે એમની સાથે આખી વાત થઇ ત્યારે એમણે હોરર નોવેલ લખવાની સ્પષ્ટ ના પાડી દીધી! અનેક ફોન કોલ્સ અને ચર્ચાઓ પછી એમણે મંજૂરી આપી, પણ એ શરતે કે હોરર સીન્સ અને અમુક ખૂન થાય છે એ દૃશ્યો હું નહીં જ લખી શકું! આમ અમારી યાત્રા આગળ વધી.

સાત યુવાન સંગીતકારો, એમની ભયાવહ યાત્રા, એમની જ પ્રતિકૃતિઓ કે જે પાંચસો વર્ષ પહેલાં જન્મ પામેલી અને કોઈ અકળ કારણોસર મૃત્યુના ખપ્પરમાં હોમાઈ ગયેલી, એની વાત આગળ વધી. શરૂઆતમાં ખચકાયેલા ભૂમિધાબેનની કલમ પણ ધીરે ધીરે રંગ પકડતી ગઈ. એક એક એપિસોડ પર લાંબા લાંબા ફોન કોલ્સ થાય, ચર્ચાઓ થાય અને એની રૂપરેખા ઘડાતી જાય. શરૂઆતમાં અમુક બાબતોનો નનૈયો ભણનાર ભૂમિધાબેને એમના કમ્ફર્ટ ઝૉનમાંથી બહાર જઈને અમુક સીન્સ એવા લખ્યા કે અમે પણ અચંભિત થઇ ગયા!

હવે નવી ચેલેન્જ આવી પાંચસો વર્ષો પહેલાંના રાજસ્થાનના એક રજવાડાને અને એમાં આવતાં પાત્રોને જીવંત કરવાની. આ વખતે ભય એવો હતો કે નવલકથાનો એ ભાગ કદાચ લોકોને નીરસ લાગી શકે. પરંતુ ત્રણેય લેખકોના સહિયારા પ્રયાસોને લઈને કથાનકનો એ જ ભાગ સહુથી વધુ રસપ્રદ બન્યો છે. એમાં આવતા નટખટ સંવાદો, નગરવધૂની ચાતુર્યતા, સંગીતનો માહોલ, ગીતો, અને એક પછી એક થતી ભયાવહ ઘટનાઓનું એટલું રસપ્રચુર વર્ણન થયું છે કે મને ખાતરી છે, કે વાચકો લાંબા સમય સુધી એ યાદ રાખશે. 

હવે શોપિઝનમાં ઈ-બુક તરીકે અનેક વાચકોનો પ્રેમ પામેલી આ નવલકથા પુસ્તક સ્વરૂપે વાચકો સમક્ષ રજૂ કરતાં અમને અનેરો આનંદ થાય છે. ‘ગુમનામ હૈ કોઈ!’ આપને નિરાશ નહીં જ કરે, અલબત્ત આપને એક અનોખા વિશ્વની સફર કરાવશે જ અને અનેક પ્રશ્નો પણ જગાવશે. ફરી ફરી નોવેલ વાંચશો તો એમાં અમે મૂકેલી અમુક હિન્ટ પણ આપને મળશે જ. તો આવો, એક અનોખા વિશ્વમાં આપને લઈ જઈએ. યાદ રાખજો, અંધારાનો પણ એક ઉજાસ હોય છે! આપને આખી નોવેલના અંધારિયા વિશ્વમાં એ ઉજાસ જ રસ્તો બતાવશે! બાકી તો ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોણ જાણે? સ્વાગત છે, આવો પધારો સા!

ઉમંગ ચાવડા

***

 

'અંધારાનો પણ એક ઉજાસ હોય છે!'

આ એક વાક્યમાં ઘણો ઊંડો અર્થ છુપાયેલો છે. અનેક રહસ્યોને ઢાંકતાં આવરણને ચીરી જ્યારે સત્ય પ્રગટ થાય છે, ત્યારે આંખો પર પણ આશંકિત થઈ જવાય છે. સત્ય-અસત્ય, વિશ્વાસ-કપટ, મિત્રતા-દુશ્મની, પ્રેમ-ઈર્ષ્યા, હાસ્ય-આંસુ, ગોચર-અગોચરના તાણાવાણા વચ્ચે રચાયેલી નવલકથા એટલે 'ગુમનામ હૈ કોઈ!'

હું ભૂમિધા પારેખ, મૂળ વતન વલસાડ. વાંચનના શોખ દ્વારા લેખન ક્ષેત્રે પા પા પગલી માંડી રહેલ એક નવોદિત લેખિકા. વાંચનમાં લગભગ દરેક વિષય મને સ્પર્શે, સિવાય કે અગોચર શક્તિઓ. જે વિશ્વ નજર સમક્ષ નથી, એના પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય? આ જ થિયરીને દૃઢતાથી માનનારી હું, એ સમયે મુંઝાઈ ગઈ જ્યારે મને 'ગુમનામ હૈ કોઈ' નવલકથામાં સહલેખક તરીકે જોડાવાનું આમંત્રણ મળ્યું.

લંડનમાં રહેતાં સાત યુવાન સંગીતકારોની એક વિશિષ્ટ ધૂનને સદીઓ પૂર્વેના રાજસ્થાનના રણમાં ઊઠતી ડમરીઓ સાથે શું સંબંધ છે? આ એક કલ્પના સાથે ઉમંગભાઈ ચાવડા અને સ્પર્શ હાર્દિકે મને 'ગુમનામ હૈ કોઈ' લખવાં કહ્યું. એક એવા વિષયને મારે ન્યાય આપવાનો હતો, જેનાથી હું હંમેશાં દૂર ભાગતી હતી. લખવાની અનિચ્છા હોવા છતાં એક મિત્ર તરીકે સ્પર્શ હાર્દિકને હું ના ન કહી શકી. મારા મનની ગડમથલ ઉમંગભાઈ સમક્ષ પણ રજૂ કરી. એ બંનેએ મને આશ્વાસન આપ્યું કે તમે શરૂઆત તો કરો, અમે મદદ કરશું.

હોરર વિષે સામાન્ય રીતે લોકોનાં મનમાં એવી કલ્પના હોય છે, કે લોહી ઓકતી ખોપડીઓ અને હવામાં ઊડતી બિહામણી ચુડેલો! પરંતુ મારે આવું જુગુપ્સાપ્રેરક નહોતું લખવું. જે મને જ નહોતું સ્પર્શતું, એ વાચકોને કેવી રીતે પીરસી શકું? બસ આ જ વિચાર સાથે નક્કી કર્યું કે આ નવલકથા ફક્ત હોરર નહીં હોય, પણ રોમાંચક રીતે આગળ વધતી રહસ્યમય સંગીતની સફર હશે, જેમાં અનેક આરોહ-અવરોહની સાથે તાલ મિલાવતાં પાત્રો હશે. 

દરેક વાર્તાકાર પોતાની કૃતિમાં એના હૃદયમાં ઊઠતી ઊર્મિઓને શબ્દો દ્વારા વહાવતો હોય છે. પરંતુ 'ગુમનામ હૈ કોઈ!' નવલકથાએ મારી અંદર નવી જ ઊર્મિઓ પેદા કરી. મારી ક્ષમતાને વિસ્તારી. અમે ત્રણે મળીને દરેક પ્રકરણની ચર્ચા કરતાં. અનેક શક્યતાઓ વિચારતાં. દરેક પાત્રને બારીકાઈથી ઉપસાવતાં. અમારાં ત્રણેમાં એક સામ્યતા હતી કે અમે ગુમનામની ફક્ત પ્રારંભિક રૂપરેખા જ તૈયાર કરી હતી. પરંતુ એનો અંત સમય પર છોડ્યો હતો. બસ અમારી કલ્પનાઓને છૂટો દોર આપ્યો હતો અને રચાઈ એક અનોખી ગાથા.

આ નવલકથાનું સૌથી મહત્વનું પાસું એનું સંગીત હતું. સંગીત સાંભળીને અનુભવવાનું હોય છે. પરંતુ ફક્ત લેખન દ્વારા એની અસર કેવી રીતે ઊપજાવી શકાય? સામાન્ય રીતે વાચક વાંચતી વખતે પોતાનાં મનોચક્ષુ સમક્ષ વાર્તાના દૃશ્યની કલ્પના કરતો હોય છે. બસ આ જ થિયરી પર અમે એક અનોખો પ્રયોગ કરવાનું નક્કી કર્યું. સંગીત દ્વારા પેદા થતી અસર વાર્તાને આગળ વધારવામાં ઘણી મદદરૂપ થઈ. ગુજરાતી સાહિત્યમાં કદાચ આ પ્રથમ પ્રયોગ હશે!

વધુ તો શું કહું? બસ એક અનોખા વિષયને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. સહલેખનનો આ પહેલો અનુભવ હતો. સામાન્ય રીતે એક કરતાં વધુ વ્યક્તિઓ એક જ વિષય પર કામ કરતી હોય, ત્યારે ઘણીવાર વિચારભેદ જન્મી શકે છે. પરંતુ સદનસીબે ગુમનામ લખતી વખતે આવી સમસ્યા નહીં આવી. એકબીજાના વિચારોને સંપૂર્ણ આદર સાથે જાણી-સમજી, જે શ્રેષ્ઠ હતું એને શબ્દો દ્વારા રજૂ કરવામાં આવ્યું.

મારા લેખન પર વિશ્વાસ રાખી મને સહલેખક તરીકે તક આપવા બદલ શ્રી ઉમંગભાઈ ચાવડા અને સ્પર્શ હાર્દિકની હૃદયથી આભારી છું. એમની આગેવાનીમાં લેખનના ઘણાં પાસાંઓ શીખવાં મળ્યાં. હવે આ નવલકથા એક પુસ્તકનું રૂપ ધારણ કરવા જઈ રહી છે, ત્યારે વાચકોને એટલું જ કહેવાનું મન થાય છે - "ભવિષ્યના ગર્ભમાં શું છુપાયું છે, એ કોણ જાણી શક્યું છે!"

ભૂમિધા પારેખ

***

 

ઈ.સ. ૧૯૬૩માં આવેલી એક અંગ્રેજી ફિલ્મ ‘શરૅડ’ની મેઇન થીમ કમ્પૉઝ કરેલી એનરિકો ઉર્ફ હેન્રી મૈનસિનીએ. કોઈ કૅથલિક ચર્ચનું પ્રશિક્ષણ પામેલું ગાયકવૃંદ કોરસમાં ગાતું હોય એવી એ ધૂનના શબ્દો જાણે માયાવી અને પરલોકની વાત કહેતાં સંભળાય છે. શરૅડનો અર્થ થાય ઉખાણું. ગીતમાં અંતે કંઈક આવી પંક્તિઓ આવે છે – ‘નિયતિ જાણે દોરી ખેંચે છે, હું ફરીને જોઉં છું તો તું ચાલી ગઈ છે, જ્યારે કાળી પાંખો વડે સંગીતપેટીના સૂર રેલાય છે. પ્રેમિકાની બારી નીચે ગાયેલું, મારા હૃદયે રચેલું ઉદાસ ગીત, મને હજુ સંભળાય છે, સદાય સંભળાતું રહેશે…’ આ અદ્ભુત ધૂન પરથી પ્રેરણા લઈને ત્યારના દિગ્ગજ અને કુશળ સંગીતકાર શંકર-જયકિશનને ૧૯૬૫ની હિન્દી ફિલ્મ ‘ગુમનામ’માં એક ગીત રચેલું, લિરિક્સ હતા હસરત જયપુરીના અને એ ગીત આજેય સદાબહાર છે – ‘ગુમનામ હૈ કોઈ!’

૨૦૨૧માં શોપિઝન ઑરિજનલના બેનર નીચે આ જ યાદગાર શબ્દોને શીર્ષક તરીકે રાખીને જ્યારે એક અનોખી મ્યૂઝિકલ હૉરર નવલકથા શરૂ થઈ, ત્યારે એના પ્રચાર માટે અમે સતત એક વાક્ય વારંવાર વાપરી રહ્યાં હતાં – ‘ભવિષ્યના ગર્ભમાં શું સંતાયેલું છે તે કોઈ જાણતું નથી!’ અને ખરેખર, આજથી આશરે છ દાયકા પહેલાં હેન્રી મૈનસિની, શંકર-જયકિશન કે બીજું કોઈ ક્યાં જાણતું હતું કે ભવિષ્યનો ગર્ભ એક અમર સંગીતને ગુજરાતી ભાષામાં એક નવતર પ્રયોગનું નિમિત્ત બનાવશે.

આ નવલકથા પોતાનામાં એક શરૅડ એટલે કે ઉખાણું જ છે. કુદરતનું કરવું એવું કે ઉપર ઉલ્લેખ કર્યો એ ગીતના શબ્દો આ નવલકથાને ઘણી જગ્યાએ સ્પર્શે છે. હા, આ નવલકથામાં એવાં યુવાન સંગીતકાર પાત્રોની વાત છે જે ખરેખર નિયતિની અકળ રમતમાં દોરી વડે ખેંચાઈને છેક લંડનથી રાજસ્થાનના એક ગામડામાં આવી ચડ્યા છે. કોણ ફરીને જુએ છે અને કોણ ચાલી ગયું છે? એનો જવાબ આ પુસ્તકનાં પન્નાંઓમાં કેદ છે, આપને શોધવાની મજા પડશે! આ નવલકથામાં સંતાઈને પડ્યું છે એક ઉદાસ ગીત, જેના પડઘા, જેના સ્વર આપને આ વાંચી લીધા પછી પણ સંભળાયા કરશે, અને અમે આશા રાખીએ છીએ કે તમે આ કથાને સદાય સ્મૃતિમાં રાખશો. આનું વિશ્વ અમે અમારી કલ્પનાશક્તિ અને ધગશથી ઘડ્યું છે, જેમાં પ્રવેશવું આપને ગમશે. આ વાર્તાનું જગત આપને લલચાવશે પણ ખરું!

નવલકથાની ટૅગલાઇન છે, ‘અંધારાનો પણ એક ઉજાસ હોય છે!’ બસ, અમે ત્રણેય આની જ આશાએ ફક્ત થોડા અસ્પષ્ટ વિચારો, સ્પષ્ટ આત્મવિશ્વાસ અને શબ્દની તાકત પરના દૃઢ ભરોસે અંધારામાં ઉજાસ શોધવા નીકળી પડ્યાં હતાં. ઘણું કહેવા જેવું આ નવલકથાના સુકાનીઓ ભૂમિધા પારેખ અને ઉમંગ ચાવડાની પ્રસ્તાવનામાં આપે વાંચ્યું જ હશે. આ સર્જનયાત્રાના છેક અંત સુધી સમગ્ર પ્રક્રિયામાં અમે ઘણો આનંદ ઉલેચ્યો, હવે તમારો વારો! આ નવલકથા આપને પણ એવો જ આનંદ અને ધરવ આપશે એવી આશા છે. આ પુસ્તકની નિયતિની દોરી હવે આપના, વાચકોના હાથમાં મૂકીને વિરામ લઈએ છીએ. સૌનો હૃદયપૂર્વક આભાર.

સ્પર્શ હાર્દિક

7405061898

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ