વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લોકશાહીને

વહાલી લોકશાહી,


તું શું છે ?

ખાસ કરીને આજકાલના નવયુવાનાનો મનમાં તારી વ્યાખ્યા શું છે ?


સત્તાપક્ષ વહીવટ (?) કરે અને વિરોધપક્ષ વિરોધ કરે એ ?


ના,


સત્તાપક્ષના અપેક્ષિત કાર્યો પવિત્ર છે. વિવિધ કામોનું સંકલન કરવું, નીતિ બનાવવી અને તેનો યોગ્ય અમલ કરવો તે તેના પ્રાથમિક કાર્યો છે. જનતાના નાણાનો બગાડ ના થાય તે ધ્યાનમાં રાખીને જનહિતના વિકાસના કાર્યો કરવા એ તેમની ફરજ છે. સુરક્ષિત, સમાન દરજ્જાવાળું અને સૌહાર્દપૂર્ણ સમાજજીવન જાળવવું એ તેની જવાબદારી છે. સતત નવા અને સચોટ વિચારો સાથે યોગ્ય દિશામાં નિર્ણયો લેવા એ તેની ક્ષમતા હોવી જોઈએ. ગમે તેટલું કામ કર્યા બાદ સમય આવે ત્યારે વટ મારવાના બદલે સેવાની તક મળ્યા બદલ દેશનો આભાર માનીને નિ:સ્વાર્થ રીતે ખસી જવું એ તેના સંસ્કાર હોવા જોઈએ.


જ્યારે વિરોધપક્ષે સત્તાપક્ષનું સતત ઓડિટ કરવાનું છે. સત્તાપક્ષ દ્વારા ભૂલથી પણ ભૂલ ના થાય તે જોવાનું છે. નિર્ભય બનીને સતત રચનાત્મક પ્રશ્નો પૂછવાના છે. સાદી ભાષામાં ચોટલી હાથમાં રાખવાની છે. આ વિરોધપક્ષનું કામ એટલું બધું અગત્યનું છે કે હંમેશા તેણે સત્તાપક્ષ કરતાં વધુ કામ કરવું જ પડે. જે વિરોધપક્ષ સત્તાપક્ષને સતત તલવારની ધાર પર ચાલવા મજબૂર કરી શકે તે જ સફળ વિરોધપક્ષ કહેવાય.


આમ તો બંને પક્ષોના કામ જનતા માટે નિ:સ્વાર્થ ભાવે નિર્મોહી બનીને કરવાના હોય છે. પરંતુ બંને પક્ષે ભ્રષ્ટાચાર, આત્મશ્લાઘા (ટણી), ખોટાં સમાચારો, વાદ વિવાદમાં ભૂલાતું ભાન, સ્વીકાર અને સુધારનો અભાવ વગેરેના કારણે ઘણી વાર “વિરોધપક્ષ” શબ્દ નકારાત્મક લાગે છે અને “સત્તાપક્ષ” શબ્દ જોહુકમીના પરવાના જેવો લાગે છે.


ખાસ તો અણસમજુ કે દુનિયાદારીના ઓછા અનુભવ તથા ઓછા વાંચનવાળી નવી પેઢીના અમુક સભ્યો દ્વારા ફેલાવાતી ખોટી વાતો, સતત થૂંકાથૂંક, સ્વસ્થ અને તટસ્થ અભિપ્રાય કે માહિતીનો અભાવ વગેરે જેવા વાતાવરણને લીધે “વિરોધપક્ષ” શબ્દ અળખામણો બને છે અને “સત્તાપક્ષ” શબ્દ પ્રત્યે ડર કે નફરત પેદા થતી હોય છે.


સત્તાપક્ષ પ્રત્યે ઘણી બાબતે શંકાઓ પણ ઊભી થતી હોય છે. જેના માટે આમ તો મોટાભાગે જે તે પક્ષની વ્યવસ્થિત હિસાબ કે જવાબ રજૂ ના કરવાની નીતિ જવાબદાર હોય છે. છતાં સમાજમાં એક ખતરનાક માનસિકતા પણ જોવા મળતી હોય છે. લોકો કોઈ ગોબાચારી અંગે લાંબી ચર્ચા બાદ અડધી આંખ મીંચીને, મોઢું વાંકું કરીને "એ તો એમ જ હોય.." મુજબના શબ્દો વડે જાણે ખોટાં કામને સ્વીકૃતિ આપતાં હોય છે. ખરેખર તો પોતાના જ પગ પર કુહાડી મારતાં હોય છે. આવા સમયે જાણે સત્તાપક્ષ એટલે માલિક એવો વણલખ્યો કાલ્પનિક ગુલામખત હવામાં લહેરાઈને લોકોની જ મજાક ઊડાવતો હોય છે. જે સૌ જોઈ, સમજી કે અનુભવી શકતાં નથી.


વિરોધપક્ષ પ્રત્યે પણ શંકાઓ પેદા થતી હોય છે. ખાસ તો અણસમજુ લોકોના નિવેદનોથી - જેમ કે, "આ તો બસ દરેક બાબતે વિરોધ જ કરશે. બીજો કોઈ ધંધો જ નથી." હકીકતમાં જો વિરોધપક્ષ યોગ્ય અવાજ ના ઉઠાવે તો તેને કામચોરી ગણવી જોઈએ. જેનું નુકસાન છેવટે પ્રજાએ જ ભોગવવાનું રહે. માની લો કે અચાનક વિરોધપક્ષ પ્રશ્નો કરવાનું બંધ કરી દે તો ? જે તે પક્ષનું જે થાય તે પણ આ સંજોગોમાં લોકશાહી અવશ્ય પંગુ બની જાય.


ઉપાય તો ઘણાં હોઈ શકે. હાલ પૂરતું એકાદ અલ્પ કામ થાય તો પણ ઘણું. હે લોકશાહી, તારા વ્યવસ્થાના ભાગરૂપ આ બે માનસપુત્રોનું પુન:નામકરણ થાય એવું સૂચન છે.


જે મુજબ, “વિરોધપક્ષ”ની જગ્યાએ “સતર્કપક્ષ” શબ્દ અને “સત્તાપક્ષ”ની જગ્યાએ “સેવાપક્ષ” શબ્દ હોવો જોઈએ એવું લાગે છે.


હા, માત્ર નામ બદલવાથી સંપૂર્ણ પરિવર્તન નહીં આવે. છતાં આ અનિવાર્ય લાગે જ છે કારણ કે લોકો તથા ખુદ જે તે પક્ષના મનમાં પણ સ્પષ્ટતા તો રહેશે. આચરણ પણ એ મુજબ જ કરવા સતત પ્રેરાઈ શકે.


હજારો સ્વાતંત્ર્યસેનાનીઓના લોહી અને મહેનતના પ્રભાવે આઝાદી મળી છે. આઝાદ ભારતમાં તુરંત વરદાનરૂપ લોકશાહી મળી છે. જેનું કલેવર સાત્ત્વિક રહે એમાં જ લોકોનું હિત છે.


લિ. નાગરિક.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ