વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ન જાણ્યું ભટ્ટ પરિવારે...

    ' ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ' ઉક્તિ કયારે ન ક્યારેક આપણાં જીવનમાં  સત્ય પુરાવાર થતી હોય છે. ' ન જાણ્યું ભટ્ટ પરિવારે સાંજે શું  થવાનું છે? ' ઉક્તિ અમારા પરિવારને  પણ અનુભવ કરાવી ગઈ. 

     તા : 11/10/2022 મંગળવારે સાંજનાં લગભગ ચાર કલાકે મારા હબીનો ફોન આવ્યો... " કાજલ ( મારી દેરાણી) મમ્મી(મારા સાસુ)ને  લઈ હોસ્પિટલ આવી છે.  હું  જાઉં છું, તું આવ.."  મમ્મીજીને ડાયેરિયાની તકલીફ હંમેશા રહેતી. આ વખતે પણ આ તકલીફ થયેલી. સ્થાનિક ડોક્ટર, ફેમીલી ડોક્ટર,  મેડિકલ પરથક ટેબલેટ  વગેરે ઉપાયો કર્યા, પણ ફરક ન જણાતા કાજલ  સર.ટી. હોસ્પિટલ લઈ આવી. ઓફીસમાં હું એકલી જ હોય "છૂટીને આવું છું " મેં જવાબ આપ્યો.  સાંજે છ કલાકે હું હોસ્પિટલ જવા નિકળી,  મારા હબી અને કાજલ બંનેએ જણાવ્યું... " બાટલા ઈન્જેકશન પુરા થઈ ગયાં છે, અમે મમ્મીને લઈ હમણાં  ઘરે આવીએ છીએ તૂ નાહકનો ધક્કો રહેવા દે.. !"  છતાંય હું હોસ્પિટલ પહોંચી...  ગ્લુકોઝ બોટલો પુરી થઈ ગઈ હતી, કાજલ પુછવા ગઈ " ડોક્ટર સાહેબ, હવે અમે ઘરે જઈએ ? " ડોક્ટરને પણ રમૂજ સુજી  " આટલી બોટલ તો પીધી હવે કેટલી પીવી છે  ??"  મમ્મીજીને તપાસ્યા " માજી! હવે સારું છે ને? દવા લખી આપું છું લેજો."  મમ્મીજીએ સહજ રીતે ફરિયાદ કરી " ક્યારેક ક્યારેક છાતી પર દુઃખાવો થાય છે "  ડોક્ટરે બે મિનિટ થંભી ગયા પછી  " કાર્ડિયોગ્રામ કરાવ્યો.. " અને શરું થઈ  એ સાંજથી એક માસની સફર જે આજીવન યાદ રહેવાની હતી. 

     કોઈ કાર્ડિયાક પ્રોબ્લેમ હશે,  માત્ર ડાયેરિયાની તકલીફ લઈને ગયેલાં અમે સીધા જ મમ્મીજીને આઈસીયુમાં એડમિટ કર્યા.  અમને થયું સારું થયું. આઈસીયુની સારવાર મળી જશે તો મમ્મીજીની ઘણી તકલીફો દૂર થઈ જશે. પરંતુ જેમ જેમ ડોક્ટરો રિપોર્ટ કરાવતા ગયાં, તેમ તેમ મમ્મીજીનાં દેહનું પોટલું ખુલતું ગયું.  દવા, ઈન્જકશન,  ગ્લુકોઝ બોટલ,  કાર્ડિયાક રિપોર્ટથી ફાઈલ દળદાળ બનતી ગઈ.  આખરે ડોક્ટરો એ નિષ્કર્ષ પર આવ્યાં કે " હૃદયના વાલનું ઓપરેશન કરાવવું પડશે ! અહી આપણી આ હોસ્પિટલમાં થતું નથી. બીજી કંઈ હોસ્પિટલમાં કરાવવું છે? નક્કી કરો,  એટલે અમે દર્દીને રજા આપીએ " 

       મારા હબી અને મારા દિયરો દોડધામમાં લાગી ગયાં... શહેરની કેટલીક હોસ્પિટલમાં તપાસ કરી આવ્યાં,  પણ આ ઓપરેશન ત્યાં થતું નહોતું.  "તો  દર્દીને અમદાવાદ લઈ જાઓ " ડોક્ટર તરફથી સ્પષ્ટ સુચના મળી. સર.ટી. હોસ્પિટલમાંથી ડોક્ટરોએ મમ્મીજીને રજા ન આપી.  આખરે શહેરની એક હોસ્પિટલમાં  આ ઓપરેશન થતું હતું.  એક વાતની હાશ થઈ. શહેરમાં જ છીએ,  પુરા પરિવારનો સધિયારો રહેશે. મમ્મીજીને સર.ટી.માંથી સીધા જ એ હોસ્પિટલ લઈ ગયાં. એ પહેલાં મમ્મીજીનાં રિપોર્ટનો  સોશ્યલ મીડિયા દ્વારા અન્ય  નિષ્ણાંત ડોક્ટરનો અભિપ્રાય મેળવી લીધો હતો,  " ઓપરેશન તો કરાવવું જ પડશે!"  દિવાળીને ગણતરીના જ દિવસો બાકી હોય સૌ ઈચ્છતા હતાં ડોક્ટરો રજા પર જાય તે પહેલાં ઓપરેશન થઈ જાય.  આ હોસ્પિટલમાં પણ જરૂરી રિપોર્ટ કર્યા.  અન્ય તમામ રિપોર્ટ સારા હોય આપરેશનની તારીખ નક્કી થઈ ગઈ.  મમ્મીજીને આ વાતની જાણ અમે થવાં દીધી ન હતી.  પરંતું  પરિવારની દોડધામ અને વાતચીત પરથી તેને વાતની જાણ થઈ ગઈ હતી.  દર્દીને સાજા થવા માટે ઈશ્વર કૃપા,  મેડિકલ સારવાર ઉપરાંત પોતાના મનોબળની પણ જરૂર હોય છે. ઓપરેશનને લઈ પુરો પરિવાર ચિંતાગ્રસ્ત હતો,  મમ્મીજીનું મનોબળ દાદ માંગી લે તેવું હતું.  તેનાં ચહેરા પરની કોઈ પણ લકિર બદલાઈ ન હતી.  તેઓ મક્કમ મને ઓપરેશન કરાવવા તૈયાર હતાં. મમ્મીજીને ઓપરેશન માટે લઈ ગયાં,  જ્યાં સુધી જવા દીધી ત્યાં સુધી હું તેની સાથે ગઈ.  અંદરથી તો અમે સૌ ચિંતિત હતાં, પરંતું  તેઓ તો હસતા ચહેરે ઓપરેશન થિયેટરમાં ગયાં.  જીવનનો કેટલોક સમય થંભી જાય છે. તેમનાં ઓપરેશનનાં  ચાર- પાંચ કલાક પણ અમારા માટે આવાં જ થંભી ગયેલાં હતાં. છેવટે ઈશ્વર કૃપાથી ડોક્ટરોએ જાણ કરી કે ઓપરેશન સફળતા પૂર્વક પાર પડયું છે. સૌને હાશ થઈ. 

        એ પછી ચાર પાંચ દિવસની જરૂરી સારવાર બાદ દિવાળીના દિવસે મમ્મીજીને લઈ અમે ઘરે આવ્યાં. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.  દિવાળીનો તહેવાર અને સફળ ઓપરેશન પછી આટલાં દિવસે ઘરે આવેલ મા. દર દિવાળીમાં   મમ્મીજી પૂરીફાફડા બનાવે. દિવાળીનાં દિવસે તો બીજીવાર ફાફડાનો લોટ બાંધ્યો હોય.  કુટુંબના અન્ય લોકોનાં પૂરી ફાફડા બનાવે તેતો અલગ.  તેમની ઈચ્છા હતી કે "  હું ઘરે આવી  ગઈ છું તો  પૂરી ફાફડા બનાવવા " તેની ઈચ્છાને માન આપી  અમે ત્રણે દેરાણી જેઠાણીએ પૂરીફાફડા બનાવ્યાં. 

          આટલાં દિવસની દોડધામમાં હું ઘરે બે થીત્રણ વખત જ ઘરે નાહવા ધોવા ગઈ હોઈશ.   દેરાણીઓને બાળકો નાના એટલે હું હોસ્પિટલ રહેતી અને  ટિફિન કે અન્ય વસ્તુઓ હોસ્પિટલ પહોંચાડવી,   ઘરની જવાબદારીઓ  વગેરે તેઓ બન્ને સંભાળતી હતી. સમયની  પરીક્ષા પણ કેવી હોય  ?  હોસ્પિટલની દોડધામ સાથે સ્કુલમાં બાળકોની પરિક્ષા શરૂ થઈ, એટલે એ સમય પણ સાચવવાનો.  દોડધામમાં કોઈ સાજુ- માંદુ થયાં કરે,  ખેર! પાર ઉતર્યાનાં સંતોષ સાથે હું રાત્રે ઘરે ગઈ.  

      હવે દિવસે મમ્મીજી પાસે આવું. તેમને કંઈ ખાવું હોય, સ્પંજ કરવું, વાળ ધોવા, ટાઈમે દવા પીવડાવવી બધી જવાબદારીમાં ત્રણે દેરાણી જેઠાણી લાગી ગયાં. બસ હવે મનમાં હતું કે મમ્મીજી પોતાના બળે ચાલતાં થઈ જાય...  પરંતું ઈશ્વરે કંઈક એલગ જ ધાર્યું હશે... 

        1/11/2022 નાં  વહેલી સવારે મારાં દિયરનો ફોન આવ્યો.. 'તમે લોકો ઘરે આવો મમ્મીની તબિયત ઠીક લાગતી નથી !'  અમે તુરંત જ પહોચ્યાં.  મમ્મીજીનો રઘવાટ મને  કંઈક અલગ જ  લાગ્યો. સૌથી પહેલાં તો મે મામાજી સાથે વિડિયોકોલ દ્વારા વાત કરાવી.  " કેમ છે ? " હાથ દ્વારા ઈશારો કરી મારા ખોળામાં તેણે માથું નાખી દીધું   તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ લઈ ગયાં. ખબર નહી તેને કોઈ દવાનું રિએક્શન આવી ગયું હશે ? કે અન્ય કારણ હોય તેનાં બ્લડમાં  પાણીનું પ્રમાણ વધી ગયું હતું. ફરી આઈસીયુ ની સારવાર શરું થઈ. તેણે મારી પાસે પાણી માંગ્યું   મને ડોટકરે  પાણી આપવાની મનાઈ કરી.  પાંચ મિનિટ પછી મેં એની આંખમાં એક જોરદાર ઝાટકો જોયો,  કદાચ જીવને દેહ ત્યજી દેવો હતો.  પણ સફળતા ન મળી. બે જ મિનિટ રહી ફરી બળપૂર્વક  એવો જ ઝાટકો આવ્યો  ને મમ્મીજીએ કાયમ માટે આ દુનિયા છોડી દીધી. ડોક્ટરોએ બનતા પ્રયાસો કર્યાં. તેનાં શ્વાસ ચાલું કર્યા.  પરંતુ એ શ્વાસ નહોતા,  એ તો વૈજ્ઞાનિક સાધનો ચાલતાં હતાં. ત્યાંથી સર.ટી હોસ્પિટલ ખસેડયા.  ત્યાં પણ ડોક્ટરોએ ઘણાં પ્રયાસો કર્યા કે એક જીવ આ દુનિયામાંથી જતો અટકી જાય,  પરંતું ડોક્ટર આખરે માનવી છે, ઈશ્વર નથી. ઈશ્વર ઈચ્છા પાસે કશું ન થઈ શકયું... 

        ભારે હૃદયે, પરિવારમાં આંસુના દરિયા સાથે તેનાં અગ્નિસંસ્કાર થયાં. જે  દરવાજે  તેનાં કંકુપગલા થયા હતાં, તે દરવાજાની સામે જ તેની અર્થી તૈયાર થઈ.  11/11/2022 તેમની ઉત્તરક્રીયા કરવામાં આવી.   11/10ની એ સાંજને અમે ન જાણી શકયાં અને  11/10 શરું થયેલી યાત્રા 11/11 પુરા એક માસે પુરી થઈ. 

    પંચતત્વનું પંચમહાભુતમાં વિલીનીકરણ થવું,  તેનો  સાક્ષીભાવ કરવો એક લાગણીશીલ વ્યક્તિ માટે ખરેખર ખૂબ કઠિન છે.  મૃત્યું પણ એક ધર્મ છે,  દરેક દેહે - દરેક જીવે નિભાવવો પડે છે.  આપણને ગમે કે ન ગમે, કદાચ તેને પણ ન  ગમતું હોય. પ્રકૃતિનો નિયમ દરેક માટે સરખો હોય.  કોઈએ તે વહેલો પાળવાનો છે, તો કોઈએ મોડો. પણ પાળવો તો પડશે જ.  આ વાત જાણતાં હોવા છતાં,  વ્યકિતની કાયમી વિદાય દુઃખદાયક જ હોય છે.  સમય દર્દની દવા છે.  આવતી કાલે દુઃખ ઓછું થઈ જશે.  પરંતું  યાદ તો કાયમ રહેશે. ( તેની સાથેની કેટલીક યાદો હવે પછી) 

      ઈશ્વર મમ્મીજીનાં આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે.  તેનાં આત્માને શાંતિ આપે. ૐ શાંતિ ????????


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ