વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હઠ

 

"કોઈ છે? દરવાજો ખોલો!"
એક સામટા અવાજો સાથે એના આલિશાન બેડરૂમનો દરવાજો ધણધણી ઊઠ્યો. સફાળા જાગેલા રણવીરે આસપાસ જોયું. અંધકારનું આવરણ ભેદી એની દૃષ્ટિ બંધ બારીએ ચોંટી ગઈ. કપાળમાંથી નીતરેલી પ્રસ્વેદની બુંદો એના હાથની મુઠ્ઠી પર ઠંડક ફેલાવી ગઈ. ધીમું ધીમું ઝહેર પ્રસરી રહ્યું હોય એમ એના શરીરમાં ધ્રુજારી વ્યાપ્ત હતી. હાથની રૂવાંટી ઊભી થઈ ગયેલી. .
"હેલ્લો…, દરવાજો ખોલો!" બાળકના પાતળા અવાજ સાથે ફરી આખો દરવાજો ધણધણી ઊઠ્યો.
આંખોમાં બળતરા ઊઠી હતી. લગભગ એક સપ્તાહથી એ કલાક પણ શાંતિથી ઊંઘ લઈ શક્યો નહોતો. સહેમી ગયેલી નજરે એ પોતાના બેડરૂમમાં ફરતે જોવા લાગ્યો. સામે ખૂણામાં ઊભેલા વ્યક્તિ પર એની નજર પડી. અર્ધા છુંદાયેલા ચહેરાના ટટળતા હોઠ વચ્ચે દેખાતા ધોળા ચોકઠામાં સિગારેટ દબાવી એ ફૂંકી રહ્યો હતો. ઘાંટો પાડતો હોય એમ એ કદરૂપો વ્યક્તિ બોલી ઉઠ્યો.
"બો.. લ... !"
મોઢેથી ઊડેલા રકતના બિંદુઓ રણવીરના ગાલ પર પડતાં જ એ આખો નખશિખ ધ્રુજી ઊઠ્યો.
"બોલને બાયલા…!" અચાનક ડાબી સાઈડથી ઊઠેલા આક્રોશ ભર્યા જનાના અવાજે એને ચારસો ચાલીસ વૉલ્ટનો ઝટકો આપ્યો. આગળની તરફ પથરાયેલ કમર સુધી ઢંકાયેલી જુલ્ફો પાછળ સ્ત્રીની કમનીય કાયાની કમરનો વળાંક દૃશ્યમાન હતો.. કાળા ભમ્મર વાળ વચ્ચેથી આગ ઝરતી બે આંખો તગતગી રહી હતી. એના ફાટેલાં વસ્ત્રોમાંથી ડોકાતા વક્ષસ્થળનો ઘેરાવો એની બરબાદીની દાસ્તાન કહી રહ્યો હતો. બંનેની આંખો રણવીર પર મંડાયેલી હતી. અંધારામાં પણ એમના હોઠ પર વંકાયેલું સ્મિત જોઈ શકાયું.
અંધારામાં ટેવાયેલી આંખોને એણે ફફડતા જીવે વૉલક્લૉક પર ટેકવી. રાતના બે વાગી રહ્યા હતા. લગભગ અઢી વાગ્યા સુધી એના રૂમમાં ઘણા ચહેરા ઉપસ્થિત હતા. કેટલા વિકૃત અને જર્જરીત ચહેરા… કદરૂપા અને ક્રોધિત ચહેરા… અસીમ ઉદાસીની ગર્તામાં ધકેલાયેલા વ્યાકુળ ચહેરા… અતૃપ્ત ઈચ્છાની ભુખ સંતોષવા બૂમરેંગ મચાવતા મહત્વાકાંક્ષી ચહેરા…. એક પછી એક બોલાતા શબ્દોમાં ભળતો અનેક અવાજોનો એક જ સૂર….
"હવે બોલ… હવે બોલ….તારી ઈચ્છા!" કાન ફાડી નાખનારો આક્રોશ ભર્યો ભયાનક સામુહિક અવાજ...
પણ એ દરેક હાહાકારી ચહેરા પર મૃત્યુનો ઢોળ ચઢ્યો હોઈ ખૌફનાક માહોલ વચ્ચે કાચા-પોચા વ્યક્તિનું ચોક્કસ હૃદય ફાટી જાય.
રણવીરે હોઠ સીવી લીધા હતા. જાણે કે એની તમામ એષણાઓ મરી પરવારી હતી. કોઈનો અવાજ સાંભળવો ન હોય એમ એણે પોતાના કાન સજ્જડ દબાવી રાખ્યા હતા. એક બાળકે એના પલંગ નીચેથી ડોકું કાઢ્યું. "ભૂખ લાગી " બાળકનો ફુસફુસાહટ રણવીરના કાનમાં પડધાયો. રણવીરે પોતાના વાળ પકડી ખેંચ્યા. ઉઘાડા શરીર વાળા વિકૃત બાળકની સાપ જેવી જીભ લબકારો કરી ગઈ. રણવીર જાણતો હતો હવે એ પોતાની જીભ વડે એનું શરીર ચાટવાનો હતો. રણવીરનું શરીર લોહી ખેંચાઈ રહ્યું હોય એમ અસહ્ય દર્દથી ગુજરવાનું હતું.
સહમી ગયેલો રણવીર કોઇ ઉત્તર આપવા માગતો નહોતો. પોતાની મનોવાંચ્છના જાહેર કરવાનું પરિણામ…
તમામ આંખો એની ઉપર મંડાયેલી હતી. રણવીરની ઊંઘ ઉડી ગઈ. ચુપચાપ એ બેડ પર લપાઈને બેઠો.
નાનકડો છોકરો ઊઘાડા ડીલે એનો પગ પકડી બેસી ગયો. અંધારાનો બિહામણો ઉછાળો આવો હશે એને ખબર નહોતી. છોકરાના ખરબચડા હાથ રણવીરની બોડી પર ફરી રહ્યા હતા. જાણે કે શરીરનાં એક એક સ્નાયુમાં વહેતું લોહી એના તીક્ષ્ણ નહોર વડે ખેંચી રહ્યો ન હોય! રણવીરમાં એટલી હિંમત નહોતી રહી કે એને દૂર હડસેલી શકે.
છેલ્લી કેટલીય રાતો એના જીવનમાં અજંપો ધોળી ગઈ હતી. કોઈ શરાબ એને અસર કરી રહી નહોતી. જિંદગી બદતર થઈ ગઈ હતી. ક્યાંય ચેન-સુકૂન નહોતું.
સક્સેસ મેળવવાની આંધળી દોટે એને ક્યાંયનો પણ રહેવા દીધો નહોતો. પરિંદાની જાતને પાંખો આવે એટલે માળો છોડી ઉડી જાય એ વાત સાચી હશે પણ પરિંદા પેરન્ટ્સને છોડી જાય ત્યારે એમની દશા વસમી થઈ જાય છે. માયાનગરીની માયાએ એને પરિવાર છોડાવી દીધો હતો. આકર્ષક લુક અને કસાયેલા શરીરના જોરે કચકડાના પડદે કિસ્મત અજમાવવા નીકળેલો રણવીર સંઘર્ષમય લાઈફને લીધે ભટકી ગયો હતો. સક્સેસ એટલી આસાન નહોતી. એના જેવું યુવાધન હજારોની સંખ્યામાં બરબાદીના રસ્તે હતું. ભાડાની રૂમનો ખર્ચો કાઢવા એને હોટલના વેઈટરનું કામ કરવું પડયું. ડાયરેક્ટરના સ્ટુડિયો પર આંટા મારવામાં એનાં જૂતાં ઘસાઈ ગયાં હતાં. એક દિવસ ડ્યુટી પરથી રૂમ તરફ જતી વેળાએ ભભૂતિ લાગેલા અર્ધખુલ્લા શરીર વાળા સાધુએ રણવીરનો રસ્તો રોકતાં કહ્યું, "તુમ્હે સક્સેસ કી તલાશ હૈ બચ્ચે, ઔર વો તુમસે કેવલ ચાર કદમ દૂરી પર હૈ. તુમ ઉસે પા સકતે હો!" સાધુની વાત સાંભળી રણવીર અચંબામાં હતો. એના ફાટેલા મુખમાંથી શબ્દો નીકળ્યા, "મગર કૈસે?"
સાધુએ રણવીરના કાન જોડે મોં લઈ જઈ કહ્યું, "તુમ નહિ કર પાઓગે, રહને દો."
તરત જ રણવીર બોલી ઉઠ્યો, આપ બોલ કર તો દેખો, મૈં સક્સેસ કે લિયે કુછ ભી કર ગુજરુંગા." સાધુએ પોતાના ગળામાં રહેલી રુદ્રાક્ષની માળા પર હાથ ફેરવ્યો. એની આંખોની સફેદી ચમકી ઊઠી. ફરી પોતાની સફેદ દાઢીમાં હાથ ફેરવતાં એ ધીમેથી બોલ્યો. "જરા અપના કાન ઇધર લાઓ."
થાકેલો રણવીર સક્સેસની સીડી મળી ગઈ હોય એમ એની તરફ નમ્યો.
"કિસી છોટે બચ્ચે કો ઉસકી પસંદ કી ચીજ દિલાઓ. ઔર ઉસે અપને ઘરમેં લેકર આ જાઓ. બચ્ચે કો વહ ચીજ ખાને મત દો. તુમ્હે જો મંત્ર દેતા હું ઉસે સાતબાર બોલકર બાતોં મેં ઉલઝાકર, ઉસ પર ઐસા વાર કરના કી એક હી પલ મેં ઉસકી જાન ચલી જાય!"
"ઓહ! યે મુજસે નહિ હોગા." રણવીર થથરી ઉઠ્યો.
"ક્યોં સક્સેસ એસે હી મિલ જાયેગી? મૈને કહા થા ન તુમસે નહિ હોગા? અબ સુન લો. કરના ન કરના તુમ્હારી મરજી કી બાત હૈ! બચ્ચે કા કલેજા નિકાલ કર એક મટકી મેં રખકર કોઈ ઐસી જગહ છુપા દેના જો કિસી કે હાથ ન આવે! અગલે દિન બચ્ચે કા પ્રેત તુમ્હારે પાસ આયેગા… તુમસે અપની ઈચ્છા પૂછેગા. જો ચાહો માંગ લેના…"
"ઓહ ઐસા ક્યા?"
રણવીરના કપાળમાં પરસેવો વળી ગયો. સાધુએ ચુપચાપ રણવીરના હાથમાં એક ચબરખી પકડાવી ઉમેર્યું. "હા, ઉસ દિન કે બાદ વહ બચ્ચા રોજાના એક ઓર પ્રેતાત્મા કો લાતા રહેગા.. વહ તુમ્હારી ઈચ્છા પુરી કરેગે તુમ ઉનકી કરના... "
લગભગ એક અઠવાડિયા સુધી રણવીર ફરી પોતાની સંધર્ષભરી લાઈફમાં ડૂબી ગયેલો. પણ કહેવાય છે ને સક્સેસ મેળવવાનું ઝનૂન માણસની મતિ ભ્રષ્ટ કરી નાખે છે. પણ સક્સેસ વિના એને સંતોષ મળે એમ નહોતો. હતાશાની આંધી વચ્ચે એનું મન શક્યતાનું સરનામું શોધી લે છે.
એની આંખો સમક્ષ એક માસુમ બાળક તરવરી ઉઠ્યું. બાળકનું એ જ નિર્દોષ સ્મિત… આઈસ્ક્રીમ માટેનો કિલકિલાટ… ગુગળના ઘૂપથી ગોટાઈને મહેકી ઉઠેકો કમરો… બાળકનું રૂદન…જીદ… ક્રૂરતાની તમામ હદો ઓળંગી ગયેલું પોતાનું ખૂન્નસ… લોહી પીને નીતરી રહેલા અસ્ત્રાની ચમકતી ધાર… બાળકનું ધડથી અલગ થઈ ગયેલું મસ્તક… બાળકના મખમલી નરમ પેટમાં આસાનીથી ચીરો પાડતો ધારદાર અસ્ત્રો… બાળકના પેટના રગળાને સ્પર્શી રહેલો એનો બરછટ હાથ…
વૉમિટ જેવું થવા છતાં પેટમાંથી ખેચી કાઢેલું લોહી નીતરતું બાળકનું કાળજુ…
બધું જ રણવીરની આંખ સમક્ષ તરી ગયું.
સાધુએ કહેલા શબ્દોને રણવીર અક્ષરશ: અનુસર્યો હતો.
નાનકડી કોરી મટકીમાં કાળજાને છુપાવીને શહેરની બહારની એક જગ્યાએ એણે મટકી છુપાવી દીધેલી. બાળકની લાશના એણે ટુકડા કરી રણવીરે ગટરમાં નાખી દીધેલા.
સાધુના શબ્દો જાણે બ્રહ્મવાક્ય હતા જેમ કે.. ..
"હે બાલક! બચ્ચે કી આત્મા હરરોજ તેરે પાસ આયેગી ઔર 'ભુખ લગી હૈ' કહેગી. તુ યકીનન અપની સારી ઈચ્છાયે પૂરી કર લેગા. મગર…"
"મગર ક્યા બાબા?" રણવીરનો જીવ તાળવે ચોંટ્યો.
મગર પ્રેતાત્મા કી અપની ભી કુછ ઈચ્છાયે હોંગી! વો જો ભી માંગે તુજે દેના હોગા, નહિ દિયા તો મોત પક્કી હૈ.
સાધુ પર ભરોસો કરવાનું મુખ્ય કારણ એની મંત્રમુગ્ધ કરી દેનારી વાણી હતી.
બીજે દિવસે બાળકનો આત્મા આવ્યો હતો. રણવીરે પોતાની ઈચ્છા જાહેર કરી હતી અને રણવીરની ઈચ્છાઓ ફળવા લાગી હતી,. સિનેપર્દા પર કામ મળી ગયું. ધીમે ધીમે એની સ્થિતિ સુધરી ગઇ. પોતાની કામિયાબી સાથે એના ઘરમાં રોજ રાત્રે પ્રેતાત્માઓનું આગમન વધતું રહ્યું. દરેકની ઈચ્છા પૂર્તિ ન કરી શકવાના કારણે કોઈ એને રાત્રે ઉંઘવા દેતું નહોતું.
જેટલી જલદી એણે સફળતા મેળવી હતી એટલી જ ઝડપી પ્રવેશેલી અશાંતિએ એનું જીવતર નર્કથી બદતર બનાવી દીધું હતું. ઊંઘી ન શકવાના કારણે એની આંખો હવે સૂજેલી રહેતી. ખૂબજ જલદી રણવીર એક આલિશાન ફ્લેટમાં રહેવા આવી ગયો હતો. પણ આ સુખ એના માટે એક શ્રાપથી વિશેષ નહોતું.
હવે રણવીર આવી લાઈફથી કંટાળી ગયો હતો. માંડ એકાદ કલાક ઊંઘતો અને એની આસપાસ વિસ્તરતા અંધારામાં બિહામણા ચહેરાઓની ભરમાર ઊભી થઈ જતી. લાઈટ ઓન રાખતો તેમ છતાં એ આપોઆપ બંધ થઈ જતી.
નિષ્ક્રિય બનતા જતા શરીરમાં ચૈતન્ય રેડી ઘડીભર દર્દનાક યાતનાનો ભુલવાની ઈચ્છા જોર કરી ગઈ.
નાનકડો છોકરો ઉઘાડા ડીલે એનો પગ પકડી બેસી ગયો. એના હાથ રણવીરની બોડી પર ફરી રહ્યા હતા. જાણે કે શરીરનાં એક એક સ્નાયુમાં વહેતા લોહીને તીક્ષ્ણ નહોર વડે ખેંચી રહ્યો ન હોય! રણવીરમાં એટલી હિંમત નહોતી રહી કે એને હડસેલી દૂર હણફી શકે. દિવસેને દિવસે એની હાલત બદતર બનતી જતી હતી.
છેલ્લી કેટલીય રાતો એના જીવનમાં અજંપો ધોળી ગઈ હતી. કોઈ શરાબ એને અસર કરી રહી નહોતી. ક્યાંય ચેન-સુકૂન નહોતું.
સક્સેસ મેળવવાની આંધળી દોટે એને ક્યાંયનો પણ રહેવા દીધો નહોતો. પરિંદાની જાતને પાંખો આવે એટલે માળો છોડી ઉડી જાય એ વાત સાચી હશે પણ પરિંદાં પેરન્ટ્સને છોડી જાય ત્યારે એમની દશા વસમી થઈ જાય છે. માયાનગરીની માયાએ એને પરિવાર છોડાવી દીધો હતો. આકર્ષક લુક અને કસાયેલા શરીરના જોરે કચકડાના પડદે કિસ્મત અજમાવવા નીકળેલો રણવીર સંઘર્ષમય લાઈફને લીધે ભટકી ગયો હતો. સક્સેસ એટલી આસાન નહોતી. એના જેવું યુવાધન હજારોની સંખ્યામાં બરબાદીના રસ્તે હતું.
અંધકારની કાળાશમાં ધરબાતું અસ્તિત્વ ટકાવી રાખવા એ હવે મરણિયો બન્યો હતો. એકાંતના સન્નાટોમાં એ કાન દબાવીને બેસી જતો. માત્ર એને જ સંભળાઈ રહેલા પ્રેતાત્માના અવાજોનો સામટો ઘોંઘાટ એના કાન ફાડી નાખતો હતો.
છેલ્લો એક મરણિયો પ્રયાસ કરી રણવીરે મખમલી બેડ ત્યજી. છોકરાનો પ્રેતાત્મા એના પગ સાથે ઢસડાયો.
બાકીના બદસૂરત ચહેરા એને ફાડી નાખતી નજરે જોતા એકધારું બોલી રહ્યા હતા. બોલ હવે, તારી ઈચ્છા બોલ... "
પોતાની નવી ઈચ્છા પ્રકટ કરી હવે કોઈ નવી મુસીબત ઉભી કરવા એ નહોતો માગતો. અત્યાર સુધી એણે જેટલું મેળવ્યું હતું બદલામાં જિંદગીનું ચેન ગુમાવી ચુક્યો હતો. લાંબી રાતના અપશુકનિયાળ પણ કપરા સમયને પાર કરવા એણે વ્હીસ્કીનો નશો ચડાવી લેવાનું યોગ્ય લાગ્યું. એક સામટું જોર કરી એ ઉભો થઈ ગયો.
ફ્રીઝનો દરવાજો ખોલી એણે વ્હીસ્કીની બોટલ હાથમાં લીધી. બરાબર એ જ વખતે એક વૃદ્ધની વિકૃત ચહેરાવાળી આકૃતિએ એની લગોલગ પ્રકટ થઈને એનો બોતલ વાળો હાથ પકડી લીધો.
રણવીર તરસી નજરે એની તરફ જોતો રહ્યો.
વૃદ્ધનો પ્રેતાત્મા બોલી ઉઠ્યો. "વ્હીસ્કી મને આપી દે."
રણવીરની આંખે અંધારાં આવ્યાં. સંજીવનીની જેમ રણવીરે વ્હીસ્કીની બોતલને પોતાની છાતીએ લગાવી દીધી. વ્હીસ્કીની તલબ એને એટલે હતી કે ભાન ભૂલીને ઉંઘી શકે. અત્યારે રણવીર એ વાત ભૂલી ગયો હતો કે પ્રેતાત્મા એની ખાસ જરૂરિયાતની વસ્તું માગવાના હતા. અને પોતે એનો ધરાર વિરોધ કરી રહ્યો હતો. પ્રેતાત્માની ઈચ્છાપૂર્તિ કરતાં વધુ ઈમ્પોર્ટન્ટ એના માટે અત્યારે વ્હીસ્કી હતી. નીયત પામી ગયેલો વૃદ્ધનો પ્રેતાત્મા રણવીરના હાથમાંથી બોતલ ઝૂંટવી લેવાની મથામણ કરવા લાગ્યો. બંને બોતલ માટે ધીંગાણે ચડ્યા. જિંદગીની છેલ્લી બાજી લડતા હોય એટલા જોરથી રણવીર અને પ્રેતાત્મા બાખડ્યા.
અંધારિયા ખંડમાં કેટલીય સળગતી આંખો બંનેને તાકી રહી હતી.
આખરે વ્હીસ્કીની બોટલ ભૂમિ પર પટકાતાંની સાથે જ ફૂટી ગઈ. રૂમમાં શરાબના રેલા થયા.
વૃદ્ધ પ્રેતાત્મા રણવીરને નીચે પટકી છાતી પર ચઢી બેઠો. રણવીરનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ગુસ્સામાં ભાન ભૂલેલો પ્રેતાત્મા એકસામટું બધું સાટું વાળી નાખવા માગતો ન હોય!
વૃદ્ધ પ્રેતાત્માએ પોતાની લડખાડાતી જબાનમાં એટલું કહ્યું, તું મારી વિશ પૂરી કરી શકતો હતો તેમ છતાં તે મને તરસ્યો રાખ્યો. હું તને શ્રાપ આપું છું કે આજ પછી તું દિવસે પણ સુખેથી નહીં રહી શકે એક ગંભીર બીમારીનો ભોગ બનીને રિબાતો રહીશ. કોઈને હકીકત કહી શકીશ નહીં જે દિવસે આ વાત કોઈને કહીશ એ દિવસ તારી જિંદગીનો આખરી દિવસ હશે."
"આખરી દિવસ હશે!" એની રૂમમાં મોજૂદ તમામ પ્રેતાત્માઓ એક સૂરમાં બોલી ઉઠ્યા. પછી વાવાઝોડું આવીને ચાલ્યું ગયું હોય એમ રૂમમાં સન્નાટો વ્યાપી વળ્યો. રણવીર પોતાની બેડ પર ફસડાઈ પડ્યો.
સક્સેસના નશાએ એની અચ્છી ભલી જિંદગીની પથારી ગોળ કરી નાખી હતી.
મોર્નિંગમાં ઊઠતાંવેંત એને પહેલું કામ પોતાના મમ્મી-પપ્પાને ઘરે બોલાવવાનું કર્યુ. મમ્મી પપ્પાની પ્લેનમાં ટિકિટ કરાવી દીધી.
એ જ દિવસે મમ્મી-પપ્પા એના આલિશાન ઘરમાં હતાં. નોકર-ચાકર બધું જ હોવા છતાં દીકરાને અનહદ ઉદાસ જોઈ પેરન્ટસની ચિંતામાં વધારો થયો હતો. કારણ કે બંને જાણતાં હતાં સક્સેસનો આંધળો નશો ચડાવી એમનાથી દૂર ચાલ્યો જનાર દીકરો સ્વાર્થ વિના આંગળી પણ નમાવે એવો નહોતો. પણ બંને જણ એના પેટની વાત ન કઢાવી શક્યાં. દીકરો બીમાર હતો. એનો ફીવર કોઈ ડૉક્ટરની પકડમાં આવતો નહોતો.
દિવસે ને દિવસે દીકરાનું શરીર ગળવા લાગ્યું હતું. શહેરના નામાંકિત ડૉક્ટર પણ રણવીરના કેસમાં કંઈ સમજી શકતા નહોતા. એના રિપોર્ટ્સ બધા નોર્મલ હોવા છતાં એનું સ્વાસ્થ્ય લથડી રહ્યું હતું.
રણવીરના હોઠ સખ્તાઈથી બિડાઈ ગયા હતા. આંખો સ્થિર રહીને છતને તાકી રહેતી હતી. એનાં મમ્મી-પપ્પાએ દવા અને દુવાની બેવડી પ્રક્રિયા હાથ ધરી હતી.
રણવીરની હાલતમાં કોઈ જાતનો સુધારો જણાતો નહોતો. એટલે એની મમ્મીને દાળમાં કાળું લાગ્યું. આમ અચાનક દીકરાની આવી દુર્દશા કેમ થઈ. જાણવાની જિજ્ઞાસા વધી ગઈ. એણે દીકરાની પડખે બેસતાં કહ્યું, "બેટા, મનની મનમાં ન રહી જાય શું વાત છે મને નહીં કહે?"
ડબડબી ઊઠેલી મમ્મીની આંખોને એ બે ઘડી તાકી રહ્યો. "કહેવાય એવું નથી મોમ!" જાણે કાળજુ બળતું હોય એમ રણવીરે કહ્યું.
"તારે કહેવું જ પડશે દીકરા, જ્યાં સુધી મને તારી આવી દશાનું કારણ નહીં કહે ત્યાં સુધી અન્નનો દાણો કે પાણી મારા માટે હરામ છે."
મમ્મીની હઠ સામે રણવીર ઝૂકી ગયો. એણે પોતાની આંખો પર ચઢેલા સક્સેસના નશાના ભૂતે કેવડો મોટો અનર્થ કરાવ્યો હતો એ બધી જ વાત કબૂલી લીધી. એની મમ્મીએ નફરતથી દીકરા સામે જોયું. બરાબર એ જ વખતે રણવીરનું શરીર થીજી ગયું. બધા જ પ્રેતાત્માઓ દિવસે આવીને એની સામે ઊભા હોય એમ રણવીરની આંખો ફાટી ગઈ હતી. રણવીરને પ્રેતાત્માએ કહેલી વાત બિલકુલ સાચી પડી હતી. દીકરાની આંખોને બંધ કરતા એની મધરના મોઢેથી હળવું ડૂસકું નીકળી ગયું.
** ** **
સિનેમાના પરદે ચમકવાની હોડ લઈને આવેલા સંઘર્ષ કરતા યુવા ચહેરાઓમાંથી એક જણ હોટલમાંથી જમીને બહાર નીકળ્યો કે એની સામે અણધાર્યો શરીરને ભભૂતિથી શણગારી ઉભેલો સાધુ દેખાયો.
"વત્સ તારે સક્સેસ જોઈએ છે ને?" એટલું બોલતી વખતે સાધુની આંખમાં ચમક ઉભરી આવી.
યુવાન બોલી ઉઠ્યો, 'હા હા કેમ નહીં?'
સાધુએ કહ્યું, "સક્સેસ તારા નસીબમાં છે જ બસ એક નજીવી અડચણ માટે બધું અટક્યું છે એક નાનકડી વિધિ કરીશ એટલે સફળ થઈ જઈશ. કામ તને સામેથી શોધતું આવશે! કરી શકીશ ખરો?"
સાધુના અવાજથી સંમોહિત થયો હોય એમ છોકરો બોલી ઉઠ્યો, "હા હા કેમ નહીં?"
"ઠીક છે, તો બેસી જા મારી સામે!" કહી સાધુ રૂપમાં રહેલો છલાવો રણવીર મર્મભર્યા સ્મિત સાથે બાળ બલીની વિધિ સમજાવી અંધકારમાં અદ્રશ્ય થઈ ગયો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ