વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિધિની વક્રતા

          પુત્રના ઘરે પારણું બંધાશે! તેવી આશાએ દાદા દેહ ટકાવીને રહી સહીં જીંદગી જીવી રહ્યાં હતાં. જાણે માનસિકતાથી મરી પરવાર્યાજ ન હોય! તેમ, હાડમાસનું ખોળિયું પહેરીને બેઠા હતા.
           દાદા સ્વભાવે શાંત અને બાળપ્રેમી,પણ એક વાત હંમેશા તેને મન અંત્તરથી કોરી ખાતી. દાદાને છ-છ દિકરીયુંને એકજ દિકરો. છતાં પરિવાર ભર્યો-ભર્યો લાગતો. સમયને જતા વાર શું લાગે!
           જેમ-જેમ દિકરીઓ ઉંમર લાયક થતી ગઇ, તેમ-તેમ તેને પોત-પોતાના સાસરે વળાવી દીધી. દિકરાના લગ્ન થયાનેય ચૌંદ-ચૌંદ વર્ષ વીતી ગયા,છતાંય આજે તે નિ:સંતાન. ઘરતો ખાલીપાથી જ ભરેલું લાગતું. ઘરમાં ભાઇ-ભાભીને દાદા-દાદીમાં સિવાઇ બીજુ હોય પણ કોણ?
            કુટુંબ આખામાં ભાઈ માનિતો,સ્વભાવે ખુશ મિજાજી અને શોખીન પણ ખરો. તેનુંય અંત્તર સંતાન ઝંખનામાં પીડિત રહેતું. ભાઈ તો જાણે આંધળી અંધશ્રધ્ધામાં જ બંધાઇ ગયો ન હોય, તેમ તેના માટે જાત-જાતની માતાઓ મનાઇ,જ્યોતિષો પાસે જોણ જોવડાવ્યાં,બ્રાહ્મણોએ યજ્ઞને મંત્ર જાપ કર્યા. અને દોરા-ધાગાને ભૂત ભવાની શ્રધ્ધામાં દાદાએ ઘરનું તળિયું દેખાડી દીધું. છતાં પણ કોઇજ ફેર ન પડ્યો!
             અંતે કંટાળીને ભાઇનું બીજું ઘર માંડવા સૌ તત્પર થયા, ત્યારથી જ પ્રથમ પત્નીની રજા માટેના ધમપછાડા શરૂ.
આમ તો, પ્રથમ પત્ની માને શાની...
પણ....!
કેટલાક પ્રશ્નોનું સમાધાન થતા છેવટ માની તો ખરી!
ત્યાંજ...!
પહેલી પત્નીની સોંક (હોંક) ઊભી કરવા-
'ઊંડી નિરાશાએ માઝા મુક્યાં.'
             આજુ-બાજુના ગામડાઓમાં અને દૂર-દૂરનાં ગામોમાં ભાઇના વેવિશાળ માટેનાં માગા ફરવા લાગ્યા..પણ ક્યાંય મેળ બેસે નહીં. રખડી રખડીને અંતે ગાંડી ગીરનું એક નાનકડું ગામ ભાઇની વારે ચડ્યું.
             છોકરીનું કુટુંબ આમ તો ગરીબ,પણ ખાનદાન!તેના સંસ્કારોય ખાનદાનીથી ભરેલા. તે સ્વભાવે શરમાળ અને સુંદર,પરંતુ થોડી નેત્ર ર્દષ્ટિકાનો વ્યાપ ઓછો. અને તે પણ જુઓ.....

''કેવી છે! વિધિની વક્રતા સત્યનાં સથવારે,
કહેવાય કજોડું પણ લાગે કેવું સરસ જોડું.''


             વેવિશાળ બાદ થોડા જ દિવસોમાં ભાઈનાં લગ્નની તડામાર તૈયારીઓ થવા લાગી. પહેલા જે કુટુંબમાં ભાઇ-ભાભીને દાદા-દાદીમાં સિવાઇ કોઈજ નહોતું, ત્યાં આજે સગા સંબંધી -ઓથી ઘર હર્યું-ભર્યું લાગતું હતું. જાણે એક વિશાળ વટવૃક્ષ જોઇલો! તેમ સંયુક્ત કુટુંબની કમી દૂર કરતું આનંદ-મંગલમાં વિહરતું જોવા મળતું હતું.
            આજે આશાનું કિરણ ભાઈની મુખમુદ્રા પર રમતુ હતું, ત્યાંજ ગોરબાપા લગ્નની વધામણી દેતા ઘેર આવી પહોંચ્યા. તેનું સ્વાગત કરીને સહુને મીઠા મો કરાવ્યા,નાતના રીત-રિવાજ પ્રમાણે ગોરબાપાને દક્ષિ‍ણા આપી ખુશ કર્યા.
             જાણે આ પ્રસંગ લગ્નોત્સવ કરતા વંશાવલી આગળ વધારવા પુરતોજ ન ઉજવાતો હોય?તેવું વડીલોના માનસપટ પર જોવા મળેલું. યુવાનોમાં પ્રથમ લગ્નનોજ માહોલ તેની ઉમળકાભેર તૈયારીઓમાં જોવા મળતો.
              વાજતે ગાજતે ભાઈની જાડેરી જાન જોડીને ઉઘલાવી, તે ધીમે ધીમે ગાંડી ગર તરફ રવાના થઈ. જાન પહોંચી,તેને રૂડા ઉતારા દેવાયા અને સામૈયા થયા. સપ્તપદી ફરી લીધા પછી જાન વળાવી. ભાઈ પરણીને પાછા ફર્યા.
            આમ,ભાઈના લગ્ન સુખ શાંતિથી પૂર્ણ થયા. અને બધાં સગા-સંબંધીઓ પોત પોતાના ગામ તરફ જવા રવાના થયા. આ બાજુ દાદા-દાદીમાં અને ભાઈ બે-ભાભી પોત-પોતાના વ્યવસાયમાં જોતરાઈ ગયેલ....
           દિકરાના બીજા લગ્ન થયાનેય સાત-સાત વર્ષ વીતી ગયા, છતાંય આજે તે નિ:સંતાન...
          દાદા: દિકરાના વાંજિયાપણાનું મેણું ભાંગવામાં નિષ્‍ફળ જાય છે. અને અંતમાં યમરાજાના તેડાને હસતા મુખે વધાવી લે છે.

                                            -પીયૂષ.આર.આહીર

નોંધ:- આ લઘુકથામાં ૨૧-મી સદીના સૌરાષ્‍ટ્રનાં અંતરિયાળ ગામડાના એક કુટુમ્બનું વાસ્તવિક નિરૂપણ થયેલ છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ