વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડાયરી

‘અરે..! આ શું..? ડાયરી..! અહીં..!’

દિવસ આખો ટ્રેકિંગ કરીને થાકેલા ત્રણે જુવાનિયા રાતવાસો કરવા માટે યોગ્ય જગ્યાની શોધમાં આમતેમ નજર દોડાવી રહ્યા હતા ત્યાં ત્રણ પૈકી એકની નજર પથ્થર પર પડેલી એક ડાયરી પર જઈને અટકી હતી અને એના મોંમાંથી આશ્ચર્ય સરી પડ્યું હતું.

હળવા પવનમાં ફરફરતાં ડાયરીના પાનાં થકી પેદા થતાં સહેજસાજ ધ્વનિ સિવાય સકળ જગત ખામોશીમાં ડૂબેલું હતું. છ હજાર ફિટની ઊંચાઈ પર દૂર-દૂર સુધી માનવવસતિનું નામોનિશાન નહોતું, તો પછી આ ડાયરી અહીં ક્યાંથી આવી..? એવો પ્રશ્ન ત્રણેના મનમાં એકીસાથે ઉગ્યો.

રિયાને ડાયરી હાથમાં ઉપાડી. જોયું તો અંદર હિન્દીમાં કશુંક લાંબું-લાંબું લખ્યું હતું, પણ એ શું હતું એ વાંચવાનું શરૂ કરે એ પહેલાં તો પૃથ્વીની બૂમ ધસી આવી, ‘એ પછી વાંચજે, પહેલાં આ ટેન્ટ લગાવ.’

ડાયરી બંધ કરીને રિયાન મિત્રોની મદદે ગયો. પહાડી ઢોળાવ પર જડેલા જમીનના સહેજ અમસ્તા સમથળ ટુકડા પર તંબુ લગાવવાનું નક્કી કરી ચૂકેલા પૃથ્વી અને સાજન પોતપોતાના રકસેકમાંથી જરૂરી સામાન કાઢવામાં પડ્યા. ત્રણેએ મળીએ તંબુ તાણી દીધો. અહીંતહીંથી સાંઠીકડાં ભેગાં કરીને તાપણું કર્યું અને એના ફરતા આગ શેકતા બેઠા. હાડ થીજવતાં બર્ફસ્તાનને તો તેઓ પાછળ છોડી આવ્યા હતા, પણ વાતાવરણમાં હજુય ખાસ્સી ઠંડક હતી. જોવા ગમે એવો આકાશી ચંદરવો માથે અજવાળાઈ રહ્યો હતો. દૂર દૂર સુધી ન તો કોઈ માનવસંચાર હતો ન કોઈ મોબાઇલ નેટવર્ક…

સાજને તાપણા ઉપર પૉર્ટેબલ ટ્રાઇપૉડ ગોઠવીને એના પર કૉફીની કીટલી ચઢાવી. ઉકળતી કૉફીની સોડમ માણતા રિયાને હાથ લંબાવીને પેલી ડાયરી ઉઠાવી, ખોલી અને તાપણાના અજવાળે મોટેથી વાંચવા માંડ્યું.

‘એક ગામમાં એક ભૂત રહેતું હતું…’

પહેલા જ વાક્યે ત્રણેને ચોંકાવ્યા. ‘ઓહો..! હૉરર સ્ટોરી..!!’ સાજનના મોંમાથી સરી પડ્યું. પૃથ્વીનેય રસ જાગ્યો. બંને રિયાન તરફ આતુરતાપૂર્વક તાકી રહ્યા. રિયાને આગળ ચલાવ્યું.

‘ગામલોક માનતા હતા કે એ ભૂત મધરાત પછી ગામમાં ફરવા નીકળતું અને—’

અચાનક રિયાનનું વાક્ય અધવચ્ચે કાપતો અજાણ્યો અવાજ હવામાં ગૂંજ્યો— ‘અને ઘરની બહાર એકલા નીકળેલા માણસનો શિકાર કરતું હતું…’— અને ત્રણે યુવાનોએ ચોંકીને અવાજની દિશામાં જોયું તો…

…સાડા પાંચેક ફીટ ઊંચાઈ ધરાવતો, શ્યામળો, દૂંદાળો, ચાલીસેક વર્ષનો લઘરવઘર આદમી ચાલતો આવતો દેખાયો.  

ત્રણે સાબદા થયા. ‘આ કોણ?’, ‘અહીં ક્યાંથી?’, ‘એય એકલો?’ જેવા સ્વાભાવિક પ્રશ્નો ત્રણેના મનમાં સ્ફૂર્યા.

આગંતુકે નજીક આવીને વગર પૂછ્યે તાપણા પાસે બેઠક લીધી અને પછી હાથ શેકવા લાગ્યો. હાથનો ગરમાટો ગાલે-કપાળે અડાડીને એણે તડકામાં તપીને બરછટ થઈ ગયેલી ચામડીને સહેજ રાહત પહોંચાડી અને પછી રિયાન તરફ જોઈને બોલ્યો, ‘આ ડાયરી મારી છે.’

રિયાનના ચહેરા પર ‘ઓહ!’ના ભાવ આવ્યા. પેલાએ હાથ લંબાવીને ડાયરી લઈ લીધી, પડખે મૂકી અને પછી કહ્યું, ‘ખાસ કંઈ નથી એમાં. કાચી-પાકી વાર્તાઓ લખી છે, બસ.’

‘વાઉ..! તમે લેખક છો..!’ સાજનના મોંમાંથી સરી પડ્યું.

‘લેખક..! હંહ..!’ એના બોલવામાં સ્વઉપહાસ હતો. ‘કહી શકો. એવો લેખક જેનું લખેલું છાપવા કોઈ તૈયાર નથી..!’

ઉકળતી કૉફી ઉતારીને પૃથ્વીએ ચાર મગ ભર્યા. સૌથી પહેલો મગ આગંતુકને આપતાં એણે પૂછ્યું, ‘તમારું નામ?’

જવાબ મળ્યો, ‘રમાકાંત પાઠક.’

વળી પૂછાયું, ‘ગામ..?’

‘જન્મેલો એ ગામ છોડ્યાને તો વર્ષો થઈ ગયા. હવે તો આખો દેશ જ મારું ગામ એમ કહું તો ચાલે. આજે અહીં તો કાલે ત્યાં. ભટકતી આત્મા જ સમજોને.’ ફરી એક ઉપહાસયુક્ત સ્મિત રેલાયું.

રિયાને પૂછ્યું, ‘એકલા જ છો?’

જીથરાં જેવા વાળ પર હાથ ફેરવતાં રમાકાંતે કહ્યું, ‘હા, મને એકલા ટ્રેકિંગ કરવાની આદત છે.’

વળી પૂછાયું, ‘ડર નથી લાગતો?’

સામે પૂછાયું, ‘ડર! શેનો ડર?’

કહેવાયું, ‘પહાડોમાં ગુમ થઈ જવાનો.’

‘છેલ્લા સત્તર વર્ષોથી આ હિમાલય ખૂંદી રહ્યો છું. હવે તો ઊંઘમાંય ઘૂમી શકું એટલો પરિચિત થઈ ગયો છું આ વિસ્તારથી. ગુમ થઈ જવાનો સવાલ જ નથી.’

ત્રણે મિત્રોને માણસ રસપ્રદ લાગ્યો.    

‘ગઈ રાતે અહીં જ કૅમ્પિંગ કરેલું મેં. આજ બપોરે નીચે જવા નીકળી ગયો હતો. નીચે કૅમ્પિંગ કરવા રોકાયો, સામાન ખોલ્યો, નવી વાર્તા લખવા ડાયરી શોધી તો ન મળી. થયું, કે અહીં જ રહી ગઈ હોવી જોઈએ. એટલે ફરી અહીં આવી ચડ્યો.’

ત્રણેની આંખોમાં આશ્ચર્ય અંજાયું. પૃથ્વીએ પૂછ્યું, ‘તમારો લગેજ?’

‘નીચે મૂકીને આવ્યો છું. એ બધું લઈને ઉપર ક્યાં ચઢું પાછો!’

‘તો હવે?’ સાજને પૂછ્યું. ‘ફરી નીચે જશો?’

‘હા, તો. કેમ? ક્યાં દૂર છે..! કલાકેકનું ઉતરાણ હશે ફક્ત.’ રમાકાંતે કહ્યું, ‘ડોન્ચ્યૂ વરી! તમારે માથે નહીં પડું. નીકળી જઈશ આ કૉફી પતાવીને.’ કહેતાં એ હસ્યો. ‘આમ પણ મનમાં એક વાર્તા આકાર લઈ રહી છે; આજે જ પતાવવી પડશે. એ નહીં પતાવું ત્યાં સુધી ચેન નહીં પડે.’

‘તો એ વાર્તા અમને કહોને.’ સાજને માંગ કરી.

કૉફીની ચુસ્કી લઈને રમાકાંતે કહ્યું, ‘એ વાર્તા હજુ અધૂરી છે. હજુ તો એને ઘાટઘૂટ આપવાનો બાકી છે. કયા પાત્રનું શું કરવું, એ બધું જ નક્કી કરવાનું બાકી છે. એ તો લખતી લખાશે, પણ ત્યાં સુધીમાં આ ડાયરીમાં લખેલી મારી જૂની વાર્તાઓ સંભળાવી શકું. સાંભળશો?’

‘શ્યોર…’ સાજન તરત બોલી પડ્યો. રિયાન અને પૃથ્વીને પણ લાગ્યું કે સારો ટાઇમપાસ થઈ જશે. ત્રણેની આંખોમાં વાર્તા સાંભળવાની ઉત્સુકતા જોઈને રમાકાંતે ડાયરી ખોલીને વાંચવાનું શરૂ કર્યું.

‘એક ગામમાં એક ભૂત રહેતું હતું. ગામલોક માનતા હતા કે એ ભૂત મધરાત પછી ગામમાં ફરવા નીકળતું અને ઘરની બહાર એકલા નીકળેલા માણસનો શિકાર કરતું હતું, એટલે એ ગામમાં કોઈપણ માણસ મધરાત પછી ઘરની બહાર નહોતો નીકળતો.’

ત્રણેને ધ્યાનપૂર્વક સાંભળતા જોઈને રમાકાંતને પોરસ ચઢ્યો. વધુ નાટકીય અંદાજમાં એણે વાર્તા આગળ ધપાવી.

‘એક દિવસ ગામમાં એક માસ્તર આવ્યો. શહેરમાં ભણેલો યુવાન એટલે ભૂત-બૂત-ડાકણ-ફાકણમાં માને નહીં. મધરાત પછી ઘરની બહાર ન નીકળવાની ગામલોકની ચેતવણી સાંભળીને એને હસવું આવ્યું. એણે નક્કી કર્યું કે ભૂત જેવું કંઈ હોતું નથી, બધી અંધશ્રદ્ધા છે, એ સાબિત કરીને જ રહેવું.’

શ્રોતાગણને મઝા તો આવે છેને, એ જોવા રમાકાંતે વળી એક સરસરી નજર એ ત્રણે પર નાંખી. આનંદ થયો કે ત્રણે વાર્તામાં ડૂબી ગયા હતા.

‘એટલે એક રાતે બાર વાગ્યા પછી એ માસ્તર એકલો જ ઘરની બહાર નીકળી પડ્યો. હાથમાં મોટો ડંગોરો લીધો અને ગામની ગલીઓમાં ઘૂમવા લાગ્યો. ક્યાંક કોઈ કૂતરું ભસ્યું, ક્યાંક કોઈ બિલ્લીએ મ્યાંઉ કર્યું, પણ ન તો કોઈ આદમ દેખાયો કે ન કોઈ ભૂત. ખાસ્સા બે-ત્રણ કલાકની ઘુમક્કડી બાદ એ થાક્યો. પાદરે જઈને પીપળાના ઝાડ નીચે બેઠો. થોડી વાર થઈ ત્યાં સહેજ આઘે અંધારામાં કશોક સળવળાટ થયો. માસ્તર ચોંક્યો, સાબદો થયો. ઊભો થઈને, ડંગોરો ઉઠાવીને હુમલો કરવા તૈયાર…’

વળી એક વિરામ. વળી એક નજર. ત્રણેની આંખોમાં ‘આગળ-શું-થયું’ના હાવભાવ જોઈને રમાકાંતને મઝા પડી.

‘સળવળાટ વધતો ગયો, વધતો જ ગયો અને સાવ પાસે આવ્યો ત્યારે માસ્તરે જોયું કે લગભગ એના જેટલી જ ઉંમરનો એક જુવાન એના તરફ ચાલ્યો આવતો હતો. નજીક આવીને એણે પોતાનો પરિચય આપતા કહ્યું- કેમ છો? હું પત્રકાર છું. આ ગામમાં મધરાત પછી ભૂત થતું હોવાની વાતો બહુ સાંભળી છે, એટલે થયું કે એકાદ દિવસ તપાસ કરી આવું. કશું નથી; આખા ગામમાં ફરી વળ્યો છું. લોકો અમથી અફવા ફેલાવે છે.’

શ્રાવકોને થયું કે આ તો કોથળામાંથી બિલાડું નીકળ્યું.

‘માસ્તરે પણ પોતાનો પરિચય આપીને જણાવ્યું- હું પોતે પણ ભૂત છે કે નહીં એની તપાસમાં જ નીકળ્યો છું. ખરેખર એવું કશું નથી. કેવો સંયોગ કે એક જ કામ માટે આપણે બંને એક જ રાતે નીકળ્યા. જવાબમાં પેલો પત્રકાર હસ્યો. ચાલો ત્યારે, હું નીકળું, કહીને એ આવ્યો હતો એ દિશામાં જવા લાગ્યો. માસ્તરનું ઘર પણ એ જ દિશામાં હોવાથી એણે પણ પેલા ભેગા જ કદમ ઉપાડ્યા. બંને અહીંતહીંની વાતો કરતાં-કરતાં થોડે દૂર ગયા હશે ત્યાં તો…’

જાણી જોઈને અટકીને રમાકાંતે યુવાનો તરફ જોયું. ‘ત્યાં તો… શું?’ એ જાણવાની જિજ્ઞાસા ત્રણેના ચહેરા પર લીંપાયેલી હતી. એમને ટટળાવવા માટે રમાકાંતે જાણીજોઈને મૌન સેવી લીધું, ડાયરી બંધ કરી દીધી અને કૉફીની ચુસ્કીઓ લીધે રાખી. રિયાનથી ન રહેવાયું. એણે પૂછ્યું, ‘આગળ શું થયું, એ તો કહો?’

એની ઉત્સુકતાની મઝા બે ઘડી ઓર માણ્યા બાદ રમાકાંતે ડાયરી ખોલ્યા વિના જ વાર્તા આગળ ધપાવી.

‘બંને અહીં તહીંની વાતો કરતાં-કરતાં થોડે દૂર ગયા હશે ત્યાં તો એક અવાવરું કૂવો આવ્યો અને પેલા પત્રકારે એ કૂવા તરફ ચાલવા માંડ્યું. એની નવાઈ લાગતાં માસ્તરે પૂછ્યું- એ તરફ ક્યાં જાવ છો? એ તરફ તો… એ બોલવાનું પૂરું કરે એ પહેલાં તો પત્રકાર ચાલતો અટક્યો, પલટ્યો અને માસ્તરની આંખોમાં આંખો નાંખીને બોલ્યો—’ રિયાનની આંખોમાં આંખો નાંખીને રમાકાંત ઘોઘરા અવાજમાં બોલ્યો— ‘મારું ઘર આવી ગયું..!’

રમાકાંતનો એકાએક બદલાયેલો અવાજ અને મોટી-મોટી આંખો જોઈને રિયાન સહેજ હબકી ગયો. પૃથ્વી અને સાજન પણ અસહજ થઈ ગયા.

વાર્તાનો ટેમ્પો બરાબર જામેલો જોઈને રમાકાંતે ધડાધડ વાક્યો ફંગોળવા માંડ્યા. ‘આટલું બોલીને એ પત્રકારે કૂવા તરફ દોટ મૂકી. દોડતાં-દોડતાં જ એનો દિદાર બદલાઈ ગયો. પવનમાં ફરફરતાં એના કપડાંના લીરેલીરાં ઉડવા લાગ્યાં. ચામડી ઓગળીને હવા થવા લાગી. શરીર આખું લોહીઝાણ. નકરા માંસનો ચક્કો. જોતાં જ કમકમાં છૂટી જાય, ચીતરી ચઢે એવો દેખાવ એણે ધર્યો અને ઝડપભેર દોડતો કૂવાની પાળ પર ચઢી ગયો. પછી એણે પાછળ ફરીને માસ્તર તરફ એક નજર નાંખી. આંખો સામે ઘડીભરમાં જે ભયાનક દૃશ્ય ભજવાઈ ગયું હતું એના ડરમિશ્રિત આઘાતમાં માસ્તર હતો ત્યાં જ જડ થઈ ગયો હતો. કૂવાની પાળ પર ઊભેલા પેલાએ ગામગજવતી ચીસ પાડી અને પછી કૂવામાં ઝંપલાવી દીધું. માસ્તરની હાલત તો કાપો તો લોહી પણ ન નીકળે એવી થઈ ગઈ હતી.’

રિયાન-પૃથ્વી-સાજન સ્તબ્ધ! ત્રણેના ચહેરા પર અંકિત હતું- ‘વાઉ!’

‘કેવી લાગી વાર્તા?’ પૂછતાં રમાકાંત હસ્યો.

પેલા ત્રણેને થયું કે વાર્તા તો હજુ અધૂરી હતી! સાજને પૂછી માર્યું, ‘ઍન્ડમાં માસ્તરનું શું થયું?’

ખભા ઉલાળતાં રમાકાંતે કહ્યું, ‘તમે કહો, એનું શું થયું હોઈ શકે?’

ત્રણે મિત્રોને ગમ્મત પડી. લેખક એમને અંત વિશે પૂછી રહ્યો હતો. પૃથ્વીએ કહ્યું, ‘માસ્તરનું ત્યાં ને ત્યાં જ હાર્ટ ફેઇલ થઈ ગયું હોવું જોઈએ. સવારે ગામલોકને એની લાશ મળી હશે.’

રમાકાંતના ભવાં સંકોચાયા.

રિયાને મમરો મૂક્યો, ‘માસ્તર પાગલ થઈ ગયો હશે.’

રમાકાંતના ચહેરા પર હળવું સ્મિત રમી ગયું.

સાજને કહ્યું, ‘આવું સીન જોયા પછી કોઈનું પણ દિમાગ ઠેકાણે ન રહે, એ તો બટ ઑબ્વિઅસ છે.’

રિયાને માંગ કરી, ‘તમે જ કહોને, માસ્તરનું શું થયું?’

‘મેં કહ્યુંને, વાર્તા તો ત્યાં જ પૂરી થઈ ગઈ. પછી માસ્તરનું શું થયું, એની કલ્પના વાચક પર છોડી છે.’

‘વાઉ..! ધિસ ઇઝ અમેઝિંગ..!’ સાજન બોલ્યો.

‘માસ્તરની જગ્યે તમે હો તો તમારું શું થયું હોત?’

રમાકાંતના પ્રશ્ને ત્રણેને ચોંકાવ્યા. ફરી એ જ પ્રશ્ન રમાકાંતે આંખોથી પૂછ્યો, એટલે સાજન બોલ્યો, ‘મારુંય હાર્ટ ફેઇલ થઈ ગયું હોત. કોઈનું પણ થઈ જાય.’

રમાકાંતે રિયાન તરફ જોયું એટલે રિયાને હસીને કહ્યું, ‘હું તો અમથુંય ભૂતપ્રેતમાં માનું છું એટલે અડધી રાતે ઘરની બહાર નીકળું જ નહીં.’

રમાકાંત મુસ્કુરાયો. ‘તમે ભૂતપ્રેતમાં માનો છો એમ? સરસ.’

એની નજર પૃથ્વી તરફ વળી કે તરત પૃથ્વીએ પ્રતિપ્રશ્ન કર્યો, ‘માસ્તરની જગ્યે તમે હોત તો તમારું શું થયું હોત?’

રમાકાંતે ખભા ઉલાળતાં કહ્યું, ‘મને હાર્ટ એટેક આવે કે પછી હું પાગલ થઈ જાઉં કે બેહોશ થઈને ઢળી પડું એ પહેલાં તો મારું પેન્ટ ભીનું થઈ ગયું હોત.’ બોલીને એ હસ્યો. ખડખડાટ.

શ્રોતાગણ પણ હસી પડ્યો. રિયાને કહ્યું, ‘ચાલો ત્યારે, બીજી વાર્તા કહો.’

લેખક મહાશય તો તૈયાર જ હતા. એણે ડાયરી ખોલી, થોડા પાના ફેરવ્યા અને નવી વાર્તા શરૂ કરી.

‘નમતી બપોરનો વખત હતો. સરકારી બસમાં એક નવપરણિત યુગલ ક્યાંક જઈ રહ્યું હતું. યુવાન સફેદ શર્ટ-પેન્ટમાં અને એની પત્ની લાલ સાડીમાં સજ્જ હતાં. દરવાજાની નજીકની સીટ પર એકમેકને ચીપકીને બંને એ રીતે બેઠેલાં હતાં કે આંધળોય કહી શકે કે નવાં-નવાં પરણ્યાં હશે.’ રમાકાંત મુસ્કુરાયો. રિયાન-સાજનના હોઠ પણ ફરક્યા. પૃથ્વીના હાવભાવ જૈસે-થે જ રહ્યા.

‘બસમાં ફક્ત એ બે જ મુસાફર હતા. ત્રીજો હતો ડ્રાઇવર. ખખડધજ બસ ભેંકાર વગડામાંથી પસાર થઈ રહી હતી ત્યાં વચ્ચે એક મુસાફર હાથ લંબાવીને ઊભેલો દેખાયો. બસ રોકાઈ. પેલો અંદર ચઢ્યો. બસ ફરી ગતિમાં આવી. યુગલ તરફ એક નજર નાંખીને પેલો એમનાથી સહેજ દૂર, આગળની સીટ પર ગોઠવાયો. હતો ત્રીસેકનો. સાવ સાદા કપડાં. દેખાવેય ઠીકઠાક. એ બેઠો તો ખરો, પણ કોઈક વાતે એને ચેન નહોતું પડતું. વારેવારે પાછળ ફરીને જુએ. પહેલાં સ્ત્રી તરફ અને પછી એના પતિ તરફ નજર માંડે. આંખોમાં વિચિત્ર હાવભાવ સાથે તાકી રહે ઘડી-બે-ઘડી. પછી ફરી આગળ ફરી જાય. થોડી વારે ફરી એ જ નાટક.’

હશે મજનૂ-મવાલી-બૈરાંખોર… રિયાન-સાજન-પૃથ્વીએ એકસમાન અંદાજ લગાવ્યો.

‘એને ઘડી-ઘડી પાછળ ફરીને પોતાની પત્નીને તાકતો જોઈને યુવાનને ગુસ્સો આવ્યો. લુખ્ખાને ટપારવા જવા એ ઊભો થવા ગયો, પણ પત્નીએ એને વાર્યો અને એ સમસમીને બેસી રહ્યો. પેલાનું પાછળ ફરીને જોવાનું બંધ ન થયું એટલે સ્ત્રીએ સાડીના પલ્લુનો ઘૂંઘટ બનાવીને પોતાનો ચહેરો ઢાંકી દીધો. એનો ચહેરો દેખાતો બંધ થયો છતાં પેલાની હલકટાઈ બંધ ન થઈ.’

ઠંડી અને અંધારું વધતાં ગયાં. સાથોસાથ રમાકાંતની વાર્તાય રંગ પકડતી ગઈ.

‘એટલામાં એક સ્થળે બસ રોકાઈ. નાનકડી હૉટેલ હતી. હૉટેલ તો શું ટપરી જ કહોને. ડ્રાઇવર નીચે ઉતર્યો એટલે ત્રણે મુસાફરોને લાગ્યું કે બસ આઠ-દસ મિનિટ તો રોકાવાની. પેલો આદમી નીચે ઉતર્યો. એની પાછળ-પાછળ યુવાન પણ ઉતર્યો. સ્ત્રી બસમાં જ બેસી રહી. ચાના સબડકા બોલાવતા ડ્રાઇવરની બાજુમાં જઈને ઊભેલા પેલાએ એક કોલ્ડ ડ્રિંક લઈને પીવા માંડ્યું. યુવાન ટપરીને પછવાડે જઈને હલકો થવામાં પડ્યો. લાગ જોઈને પેલો કોલ્ડ ડ્રિંક પણ ટપરીની પાછળ સરક્યો. સ્ત્રીએ બસમાંથી એ જોયું. એના હાવભાવ બદલાયા.’

આગળ શું થશેની ઇન્તેજારીમાં ત્રણે મિત્રો એકકાન થયા.

‘યુવાનની નજીક જઈને પેલો એકીશ્વાસે બોલી ગયો- આજે જ તારા લગન થયા છે, ખરુંને? તારી બૈરી અનાથ છે. એનું આગળપાછળ કોઈ નથી. ટૂંકા પરિચય પછી તમે ઘડિયા લગન લઈ લીધાં છે. એની સુંદરતામાં તું મોહાઈ ગયો, પણ તને ખબર નથી કે એ સ્ત્રી સ્ત્રી નથી, બલા છે બલા..! ચૂડેલ, ડાકણ… જે કે’વું હોય એ બધું છે એ.’

સાંભળનારની આંખો પહોળી થઈ ગઈ.

‘પોતાની પરણેતર વિશે આવા એલફેલ લવારા કરનારને બે ઠોકી દેવાના ખુન્નસ સાથે યુવાને એનો કૉલર પકડી લીધો. તોયે પેલો બોલતો બંધ ન થયો- તારે જે કરવું હોય એ પછી કરજે, પહેલાં મારી વાત પૂરી સાંભળી લે. તારી બૈરી કાચા-કુંવારા જુવાનિયાઓને ફસાવીને એમની સાથે લગન કરી લે છે અને પછી સુહાગરાતે એમની હત્યા કરીને એમનું લોહી પીએ છે. માનવરક્ત જ એનો અસલી ખોરાક. એ પીવાથી એની શેતાની શક્તિઓ વધે છે. અત્યાર સુધી તારા જેવા સાત-આઠ યુવાનોનો ભોગ આ બલા લઈ ચૂકી છે. હું એક તાંત્રિક છું, હજુ તંત્ર-મંત્ર શીખી રહ્યો છું. મારા ગુરુજીએ મને આની પાછળ લગાવ્યો છે. ઘણા પહોંચેલા તાંત્રિક છે મારા ગુરુજી. આના જેવી ઘણી બલાઓને વશમાં કરી ચૂક્યા છે. તારે જીવતા રહેવું હોય તો અત્યારે જ આને છોડીને જતો રહે.’

પેલો લુખ્ખેશ્વર તાંત્રિક નીકળ્યો એટલે શ્રોતાગણનો રસ બેવડાયો.

‘પેલો કોઈ મવાલી નહોતો, તાંત્રિક હતો, એ જાણીને યુવાનનો ગુસ્સો હવા થઈ ગયો. એની પકડ ઢીલી પડી. તાંત્રિકની કાજળ-આંજેલી આંખોમાં આંખો નાંખીને એણે પૂછ્યું- હું તારી વાત પર વિશ્વાસ કઈ રીતે કરું? જવાબમાં તાંત્રિકે કહ્યું- ધ્યાનથી જોજે. એ ઓરતના હાથના નખ હદથી વધારે લાંબા હશે. એ જ એનું હથિયાર છે. એ નખ જ તારા ગળામાં ખૂંપાવીને તારું કાસળ કાઢશે. એના પગના તળિયે લોહીના ડાઘ હશે. ક્યારેય ન મટે એવા ડાઘ! જેટલા શિકાર એણે કર્યા હશે એટલા ડાઘ હશે. આટલું કાફી લાગતું હોય તો જા, જઈને જોઈ લે એના પગ. આપોઆપ વિશ્વાસ થઈ જશે તને કે હું સાચો છું કે ખોટો.’

પગના તળીયે લોહીના ડાઘ… જેટલા શિકાર એટલા ડાઘ… આ કંઈક મઝાનું આવ્યું, એવું ત્રણે મિત્રોને લાગ્યું.

‘તાંત્રિકની વાત યુવાનના દિમાગ પર સવાર થઈ ગઈ. એનું ટેન્શન વધી ગયું. બૈરી માટે ચા-નાસ્તો લઈને એ બસમાં ચડ્યો તો ખરો, પણ દિલોદિમાગ પર તાંત્રિકે કહેલી વાતો હથોડાની જેમ ઝીંકાતી હતી. નખ… પગના તળિયા… લોહીના ડાઘ… શું ખરેખર મારી પત્ની કોઈ બલા છે? જાતને પૂછતો એ ધડકતા દિલે પોતાની સીટ પાસે પહોંચ્યો. પેલીને ચા પકડાવી ત્યારે નજર એના હાથના નખ પર ગઈ. અગાઉ પણ એ નખ એણે જોયા હતા, પણ અત્યારે એને એ નખ અગાઉ કરતાં ખરેખર મોટા હોય એવું લાગ્યું..! ભજિયાંનું પડીકું ધર્યું તો પેલીએ ના પાડી. ને તરત યુવાનના મનમાં તાંત્રિકના શબ્દો પડઘાયાઃ માનવરક્ત જ એનો અસલી ખોરાક..!

સ્ત્રી ચા પીવામાં પડી અને યુવાન ઉચાટભેર બેઠો રહ્યો. એટલામાં પેલો તાંત્રિક બસમાં ચડ્યો. એની અને યુવાનની નજર મળી અને આંખો આંખોમાં જ એક ગુપ્ત સંતલસ થઈ ગઈ. બે આંખોએ ઈશારો કર્યો અને બે આંખો પેલીના પગ તરફ વળી. સાડીમાં ઢંકાયેલા હોવાથી પગ ન દેખાયા. પેલીની ચા પતી કે તરત પતિએ કહ્યું- ક્યારની આમ જ બેઠી છે. પલાંઠી વાળીને આરામથી બેસને.’

રમાકાંતે ડાયરી બંધ કરી. ત્રણેના ચહેરા તરફ વારાફરતી જોઈને એણે આગળ ચલાવ્યું.

‘પત્ની બોલી- મને આરામ જ છે આમ બેસવામાં. પતિએ ભારપૂર્વક કહ્યું- અરે, પણ બેસ તો ખરી સહેજવાર માટે. પત્નીએ પૂછ્યું- પણ કેમ? પતિએ બનાવટી સ્મિત રેલાવતા કહ્યું- પછી કહું છું કે કેમ. તું બેસ તો ખરી. એના આગ્રહને વશ થઈને પત્નીએ પલાંઠી વાળી, અને બોલી- બોલો હવે, શું હતું? કંઈ પણ બોલવાને બદલે પતિએ પેલીના પગના તળિયા પર નજર નાંખી અને…’

વાર્તામાંના પતિની જેમ જ રિયાન-સાજન-પૃથ્વીની ઉત્કંઠા પણ ચરમસીમા પર પહોંચી. ત્રણેને ટટળાવવા માટે વાર્તાકારે બે ઘડીનો બ્રેક લીધો. એને મૌન જોઈને રિયાન બોલી પડ્યો, ‘આગળ શું થયું, કહોને!’

રમાકાંતે સસ્મિત આગળ ચલાવ્યું, ‘…અને એને પગના તળિયે લોહીના ડાઘ દેખાયા! એક, બે, ત્રણ… કેટલા ડાઘ હતા એ ગણવાનાય યુવાનને હોશ નહોતા! એની આંખો ફાટી પડી. હૃદયની ગતિ બેફામ બની. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. પેલીના હાથના નખ પણ એકાએક જ વધવા લાગ્યા હોય એવું એને લાગ્યું. યુવાન ફટ કરતો ઊભો થઈ ગયો અને બસના દરવાજા તરફ લપક્યો. શું થયું? ક્યાં જાવ છો? પૂછતી એની પત્ની ઊભી થઈ, દરવાજા તરફ ધસી ગઈ, પણ ત્યાં સુધીમાં તો…

ખુલ્લો દરવાજો આમથી તેમ ઝૂલી રહ્યો હતો. બસ ગતિ પકડી ચૂકી હોવાથી પતિની પાછળ બહાર કૂદી પડવાનું સાહસ તે ન કરી શકી. પતિના નામની બૂમો પાડતી એ બસની બારીમાંથી બહાવરી નજરે બહાર જોતી રહી અને એનો સખત ડરી ગયેલો પતિ બસની વિરુદ્ધ દિશામાં દોડતો ભાગી ગયો.’

વળી પાછો કથાકારે એક બ્રેક લીધો એટલે રિયાને પૂછ્યું, ‘પછી?’

‘પછી શું?’ રમાકાંતે કહ્યું, ‘કહાની ખતમ, પૈસા હજમ!’

‘અરે! પણ આગળ કંઈક તો થયું હોવું જોઈએને..!’ સાજને કહ્યું. ‘પેલી સ્ત્રીનું શું થયું? એ ખરેખર બલા હતી કે કેમ? પેલા તાંત્રિકે એ બલાનું શું કર્યું? કંઈક તો હોવું જોઈએને એ વિશે?’ એના બોલવામાં ફરિયાદ હતી. વાર્તારસ અધૂરો સાંપડ્યાની ફરિયાદ.

‘છેલ્લે એ બલા અને તાંત્રિક વચ્ચે ઍક્શન દેખાડવું જોઈએ. તંત્ર-મંત્રની બબાલ જેવું કંઈક. હેરી પોટરમાં દેખાડેલું એવું,’ રિયાને સૂચવ્યું.

‘મને એની જરૂર નથી લાગતી,’ રમાકાંતે કહ્યું. ‘વાર્તા વાચકના મનમાં દેખીતા પ્રશ્નો છોડીને જાય છે, એ જ એની સફળતા. વાચકને વિચારતો કરી દેવો, એ જ મારી નેમ છે.’

‘આવું ન ચાલે. આ તો તરસ્યાને કૂવા સુધી લઈ જઈને પછી એને તરસ્યો જ છોડી દેવા જેવું થયું,’ સાજનની નિરાશા બોલી.

‘એને જ વાર્તા કહેવાય, વ્હાલા,’ રમાકાંતે કહ્યું. ‘પૂરી થયા પછી પણ વાર્તા વાચકના મનમાં રમતી રહે એ લેખકની સફળતા ગણાય.’

ક્યારના મૌન બેઠેલા પૃથ્વીએ અલગ સૂર વ્યક્ત કર્યો, ‘આ વાર્તામાં દેખીતા લોચા છે. બસ એકાએક ક્યાંથી ચાલતી થઈ ગઈ? ડ્રાઇવર બસમાં ચડ્યો એવો તો કોઈ ઉલ્લેખ જ નહોતો.’

રમાકાંતે સમજાવ્યું, ‘એવી બધી નાનીનાની વિગતો વાર્તામાં ન લખીએ તો ચાલે. એ તો અકલમંદ વાચક સમજી જ લે.’

‘ઓકે, પણ એક મુસાફર આમ ચાલતી બસમાંથી ઉતરી જાય તોય ડ્રાઇવર બસ ભગાવ્યે જ રાખે કે?’ પૃથ્વીએ વળતી દલીલ કરી. ‘એને સવાલ ન થાય કે શું થયું હશે કે પેલો આમ ચાલતી બસે ઉતરી ગયો? સ્ત્રી એના પતિના નામની બૂમો પાડે તોય એ બસ ન રોકે? અને કંડક્ટર વગરની બસ હોય ખરી? પેલા તાંત્રિકને તો બસમાં બેઠા પછી ટિકિટ લેતોય નથી બતાવ્યો.’

રિયાને પણ મમરો મૂક્યો, ‘પતિને ખરેખર પત્નીના પગને તળિયે લોહીના ડાઘ દેખાયા હતા કે એ એનો ફક્ત ભ્રમ હતો, એય તમે સ્પષ્ટ નથી કર્યું.’

જવાબમાં રમાકાંતે સ્મિત રેલાવીને ફરી પોતાના શબ્દો દોહરાવ્યા, ‘વાર્તામાં બધો ફોડ ન પાડવાનો હોય. થોડું વાચક પર પણ છોડવાનું હોય.’

‘વાર્તા છે કે પઝલ એ જ ખબર નથી પડતી,’ પૃથ્વીએ મશ્કરીયુક્ત ટોનમાં કહ્યું. જાણીજોઈને કહ્યું. લેખકને ખરાબ લગાડવાના ઉદ્દેશથી જ કહ્યું.  

રમાકાંતે કડવા વેણનો જવાબ સ્મિતથી જ આપ્યો.

‘ચાલો, હવે કંઈ ખાઈએ. મને તો ભૂખ લાગી.’ બોલતા સાજને સામાન ફંફોસવા માંડ્યો. દાળ-ચોખા-બટાટા બહાર નીકળ્યા. ‘ખીચડી ખાશોને તમે?’ એણે રમાકાંતને પૂછ્યું.

જવાબ મળ્યો, ‘ના.’

‘કેમ?’

‘હું હાર્ડકોર નૉન-વેજિટેરિયન છું. મને તો માંસ ખાવા જોઈએ, માંસ! ચાલે જ નહીં એના વગર.’

રિયાને પૂછ્યું, ‘માંસનો કેટલો જથ્થો લઈને નીકળો છો ટ્રેકિંગમાં? બગડી જતું હશેને?’

રમાકાંતે કહ્યું, ‘હું તાજું શોધી લઉં. શિકાર કરી લઉં. લોંકડી, સસલા, ખિસકોલી… ક્યારેક કાચિંડા, ક્યારેક સાપ, તો ક્યારેક…’ એ હસ્યો. ‘જે મળે એનાથી ચલાવી લઉં.’

સાંભળીને રિયાનને જુગુપ્સા થઈ. ઉબકો આવ્યો. સાજનનાય હાવભાવ બદલાયા. પૃથ્વીને તો હવે આ માણસ પ્રત્યે અણગમો થવા લાગ્યો હતો.

થોડીવારે તાપણા પર ખીચડીનું તપેલું ચઢ્યું એટલે રમાકાંતે ડાયરીના પાના ઉથલાવતાં કહ્યું, ‘એક ઓર વાર્તા કહું? સાંભળશો?’

પૃથ્વી ના પાડવા મોં ખોલે એ પહેલાં તો રિયાન અને સાજન એકીસાથે બોલી પડ્યા, ‘હા, હા… સંભળાવોને.’

પૃથ્વીએ બંને તરફ કતરાતી નજરે જોયું, પણ બંને રસિયાઓનું ધ્યાન રમાકાંત તરફ જ હતું એટલે…

‘એક હતી વિમળા.’ રમાકાંતે નવી કથા માંડી. ‘એનો પતિ શહેરમાં નોકરી કરતો હતો. ગામડે એકલી રહેતી વિમળાનો પતિ સાથેનો સંપર્ક હતો ટપાલ દ્વારા. દર અઠવાડિયે પતિ એને એક પત્ર લખતો અને એક જુવાન ટપાલી વિમળાને એ પત્ર પહોંચાડતો. એમાં ને એમાં…’

ખીચડી રંધાઈ ત્યાં સુધીમાં વાર્તા પૂરી થઈ ગઈ. એય અધૂરા અંતવાળી હોવાથી સાંભળનાર ત્રણેને સંતોષ ન થયો.

ખીચડી ખાતાં-ખાતાં શરૂ થઈ ચોથી વાર્તા.

‘હાઇ-વે પર હતું એક ધાબું ને ધાબાને પડખે હતી એક ધર્મશાળા. ધર્મશાળાનો એકમાત્ર કર્મચારી તે એનો રિસેપ્શનિસ્ટ. રાતે ધર્મશાળામાં જેટલી સંખ્યામાં લોકો રોકાયા હોય સવારે એમાંનો એક ઓછો હોય. દર રાતે એ ધર્મશાળા એક મુસાફરને ગળી જતી…’

એય પતી ને એમાંય લૉજિકના લોચા જડી આવ્યા. દલીલો થઈઃ આમ કેમ થયું ને તેમ કેમ ન થયું?

રમાકાંતે ફરી જૂની જ પીપૂડી વગાડી, ‘ફિક્શનમાં લૉજિકના લોચા ન શોધવાના હોય. વાર્તાનું હાર્દ પકડવાનું હોય.’

શરૂઆતમાં મજેદાર લાગવા લાગેલી એની વાર્તાઓ હવે પૃથ્વીને ગાંડીઘેલી લાગવા લાગી હતી. એને થતું હતું કે આ લપ હવે ટળે તો સારું. એટલે એણે બેધડક કહી દીધું, ‘મને લાગે છે કે હવે તમારે જવું જોઈએ. બહુ મોડું થઈ ગયું છે. અમેય સૂઈ જઈએ.’

મોઢામોઢ જાકારો મળ્યો તોય રમાકાંતને અપમાન જેવું ન લાગ્યું. ચહેરા પર એ જ ટ્રેડમાર્કસમું સ્મિત રમાડતાં એ બોલ્યો, ‘એક… એક છેલ્લી વાર્તા સાંભળી લો… પછી જતો રહીશ… એક જ…’

વાતનો વીંટો વાળી દેવાના ઈરાદે પૃથ્વી બોલ્યો, ‘કોઈ જરૂર નથી, તમે જાવ…’ એનું વર્તન રિયાન-સાજનને ખટક્યું, પણ બંનેને ખબર હતી કે દોસ્ત એક વાર અડી જાય પછી કોઈનું સાંભળતો નહોતો.

‘એક છેલ્લી વાર્તા… કેમ કે એ અહીં, આસપાસમાં જ ક્યાંક આકાર લે છે… તમને પોતીકી લાગશે આ વાર્તા… એમ થશે કે આ તો તમારી જ વાત છે…’

રમાકાંતના શબ્દોએ પૃથ્વીને કૂણો પાડ્યો. વયમાં પોતાનાથી મોટા માણસને સાવ જ અપમાનિત કરીને કાઢી મૂકવા તેનું મન ન માન્યું અને એ બોલ્યો, ‘છેલ્લી વાર્તા, ઓકે..?’

‘છેલ્લી…’ બોલીને રમાકાંત વળી હસ્યો. એનું આમ વારેવારે, વિના કારણે હસવું પણ પૃથ્વીને ખટકવા લાગ્યું હતું.

‘જલ્દી પતાવજો…’ પૃથ્વીએ તાકીદ કરી કે રમાકાંતે તરત કહ્યું, ‘અરે, બહુ ટૂંકી વાર્તા છે… હમણાં પતી જશે…’

ત્રણેનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત થયું એટલે ડાયરી બાજુમાં મૂકતાં વાર્તાકારે કહ્યું, ‘આ વાર્તા હજુ સુધી લખાઈ પણ નથી અને અધૂરી પણ છે. સાંભળો…

‘ત્રણ મિત્રો હિમાલયમાં ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા. તરવરિયા, બેફિકરા, બિનધાસ્ત જુવાનીયા. જિંદગી કચકચાવીને જીવી લેવા માંગતા જુવાનીયા. ટ્રેકિંગના છેલ્લા દિવસે તેઓ એક સ્થળે રાતવાસો કરવા રોકાયા. તંબુ તાણ્યો, તાપણું કર્યું ને બેઠા. એટલામાં ત્યાં એક અજાણ્યો માણસ આવ્યો…’

રિયાન-સાજન-પૃથ્વી ત્રણેના કપાળે સળ પડ્યાઃ આ વાર્તા હતી કે..?

‘અજાણ્યો કહે કે હું વાર્તાકાર છું. જુવાનિયાઓને રસ પડે છે. પેલો પોતાની ડાયરી ખોલીને વાર્તાઓ સંભળાવવા લાગે છે. જુવાનિયાઓને થોડું ગમે, થોડું ન ગમે. થોડું પચે, થોડું ન પચે. લૉજિકના લોચા લાગે. લેખકની વાર્તાઓ બધી હૉરર. ભૂત-પ્રેત-પિશાચવાળી. ડરામણી. એની દરેક વાર્તાને અંતે ભૂત જ જીતે. માણસો હારે. મરે. ત્રણ-ચાર વાર્તાઓ સાંભળ્યા પછી જુવાનિયા કંટાળે છે. એ વાર્તાઓ એમને ગપ્પાં લાગે છે. હકીકત એ છે કે એ વાર્તાઓ ફક્ત બે ઘડીના મનોરંજન માટે લખાયેલી વાર્તાઓ નથી હોતી, સત્યઘટનાઓ હોય છે. ભૂતકાળમાં ક્યારેક, ક્યાંક, કોઈની સાથે બની ચૂકેલી સત્યઘટનાઓ. એ વાર્તાઓમાં આવતાં પાત્રો સાચુકલાં છે. ક્યારેક જીવિત હતાં એ પાત્રો. પણ આધુનિક જમાનાના જુવાનિયા કંઈ એવું બધું સાચું થોડું માને? વાર્તાઓ સાંભળીને એમના મનમાં ડર તો આકાર લેવા લાગે છે, પણ જરાય ડર્યા નથી એવો દેખાવ તેઓ ઉપરઉપરથી કર્યા કરે છે…’ 

ત્રણે મિત્રોની ધકધક હવે વધવા લાગી. પૃથ્વીને થયું કે આ માણસ હવે એની હદ વટાવી રહ્યો છે, એને રોકવો જોઈએ. પણ એ કંઈ બોલે-કરે એ પહેલાં સાજન બોલી પડ્યો, ‘અમે કંઈ ડર્યા-ફર્યા નથી, હં. આ તમારી ગાંડીઘેલી વાર્તાઓથી કોણ ડરે!’

એના બોલવામાં રહેલું બોદાપણું સાંભળનાર ત્રણેએ પકડી પાડ્યું. રમાકાંત બોલ્યો, ‘મેં ક્યાં કહ્યું કે તમે ડરી ગયા છો? આ તો વાર્તાના પાત્રો ડરી ગયા છે…’ બોલીને એ ખીખીખી કરતો હસી પડ્યો. એનું એમ હસવું તો સાજનને ઓર ડરાવી ગયું. ઉપરથી એની મોટી-મોટી આંખો… માણસ ખરેખર ભયપ્રેરક લાગવા લાગ્યો હતો હવે.

એની વાર્તાઓમાં જેને સૌથી વધુ રસ હતો એ રિયાને પૂછ્યું, ‘પછી, આગળ શું થયું, એ તો કહો?’

પૃથ્વીએ એના તરફ જોઈને અણગમાપૂર્વક કહ્યું, ‘હજુ ધરાયો નથી તું આ બધી બકવાસ સાંભળીને?’

‘બકવાસ લાગે છે તમને મારી વાર્તાઓ..?’ રમાકાંતે સવાલ કર્યો. એના અવાજમાં નારાજગી હતી. અને હળવો ઉશ્કેરાટ પણ. ‘આ વાર્તાઓ ફક્ત વાર્તાઓ નથી, આપવીતી છે, એની ખબર છે તમને?’

‘આપવીતી’ શબ્દ સાંભળીને ત્રણે ચોંક્યા.

રિયાને પૂછ્યું, ‘આપવીતી..! કઈ રીતે?’

એની આંખોમાં આંખો નાંખીને રમાકાંતે કહ્યું, ‘આપવીતી એટલા માટે કેમ કે હું પોતે આ દરેક વાર્તાનું પાત્ર રહી ચૂક્યો છું..!’

એના શબ્દોમાં રહેલું વજન, એના હાવભાવમાં રહેલી અગમ્યતા જોઈને રિયાન થથરી ગયો. સાજનની તો બરાબરની ફાટી. પૃથ્વીને તરત સમજાયું નહીં કે શું બોલવું.

છેવટે રિયાને જ પૂછ્યું, ‘કયું પાત્ર?’

તરત જવાબ આપવાને બદલે રમાકાંતે આંખો ઝીણી કરીને વારાફરતી ત્રણે તરફ જોયું અને પછી ઘોઘરા અવાજમાં કહ્યું, ‘એ બધી વાર્તાઓમાં ભૂતનું જે પાત્ર હતું એ હું જ છું..!’

સાંભળીને સાજનનું હૃદય ગળામાં આવી ગયું. શ્વાસ અટકી ગયો. રિયાનની હાલત પણ કંઈક એવી જ હતી. મોં વકાસીને એ રમાકાંતને તાકી રહ્યો. રમાકાંતની આંખોમાં રહેલી રુહાની ચમક, હોઠો પર રમતું રહસ્યમય સ્મિત, ચહેરા પર સ્થિર થઈ ગયેલા ગેબી હાવભાવ… બધું સખત ડરામણું હતું.

માણસ હવે જોખમી બની ગયો હોવાનું લાગતાં પૃથ્વીની બરાબરની છટકી. ઊભા થઈને એણે સપાટો બોલાવ્યો. રમાકાંતને બાવડેથી ઝાલીને એણે રાડ પાડતાં રીતસરનો હુકમ જ છોડ્યો, ‘બહુ થયું, હવે તમે નીકળો. નીકળો તો..!’ બોલતાં-બોલતાં એણે રમાકાંતને હળવો ધક્કોય મારી દીધો.

પૃથ્વીનું રિઍક્શન જોઈને રિયાન-સાજન બંને સ્તબ્ધ થઈ ગયા. અંદરખાને તો બંને ડરેલા જ હતા, એમાં આ જે થયું એનાથી એમનો ગભરાટ બેવડાયો.

હુમલાથી આહત થયેલા રમાકાંતે તરત ફેરવી તોળ્યું. ‘હેંહેંહેં…’ કરીને હસતાં-હસતાં એ બોલ્યો, ‘અરે… અરે..! તમે તો ખરેખર ડરી ગયા લાગો છો. હું તો ફક્ત મજાક કરતો હતો…’

હવે એની હાજરી કોઈ કાળે સાંખી શકાય એમ નહોતી એટલે પૃથ્વીએ સહેજ પણ નરમ પડ્યા વગર ફૂલ-ઍન્ડ-ફાઇનલ કરવાના ઈરાદે ચોપડાવ્યું, ‘તારી ભદ્દી મજાક તારી હું કહું એમાં ઘાલીને નીકળ હવે અહીંથી. ચલ, ફૂટ..!’

એનો મિજાજ જોઈને રમાકાંતે પારોઠના પગલાં ભર્યા. પણ, આઠ-દસ કદમ પાછળ હટીને એ વળી અટક્યો. એને ઊભેલો જોઈને પૃથ્વી ગિન્નાયો. ‘જાય છે કે કરું તારી મા-બેન એક..?’

એની ધમકીને કાને ધર્યા વિના રમાકાંત કંઈ ભળતું જ બોલ્યો, ‘મળી ગયો. વાર્તાનો અંત મને મળી ગયો.’ એના બોલવામાં અસીમ આનંદ હતો. ‘હું નક્કી નહોતો કરી શકતો કે એ જુવાનિયાઓનો ધી ઍન્ડ કઈ રીતે લાવવો, પણ હવે…’

એ જે કંઈ બોલી રહ્યો હતો એ સાંભળીને રિયાન-સાજન તો ફફડી ઉઠ્યા, પણ પૃથ્વી એમ કંઈ આસાનીથી ડરે એમ નહોતો.

રમાકાંતના લવારાથી ગિન્નાયેલો પૃથ્વી ફૂંફાડા મારતો એના તરફ ધસમસી ગયો. આ સાલા સાયકોને બે-ચાર અડબોથ ઝીંકી દઈશ તો જ એનાથી પીછો છૂટશે, એવું ઝનૂન એની ચાલમાં હતું.

એને પોતાના તરફ ખૂન્નસપૂર્વક આવતો જોવા છતાં રમાકાંત ન તો ડર્યો, ન ડગ્યો, ન પાછળ હટ્યો. ઉલ્ટાનું એ તો બોલતો જ ગયો, ‘જુઓ, એકની ગરદન… બીજાની છાતી અને ત્રીજાની…’

એના અપશુકનિયાળ શબ્દો રિયાન-સાજનના કાનમાં હથોડાની જેમ વીંઝાયા. બંને રીતસરના ધ્રૂજવા લાગ્યા.

લાંબાં ડગલાં ભરતો રમાકાંતની નજીક પહોંચેલો પૃથ્વી તાડૂક્યો, ‘ચૂપ કર, **મારીના…’ અને એ સાથે જ એણે એને મારવા લીધો.

પણ શું થયું કેમ તે હવામાં ઉગામેલી એની મુઠ્ઠી હવામાં જ અટકી ગઈ.

પહોળી થઈથઈને ફાટી પડવા આવેલી રમાકાંતની લાલઘૂમ આંખોમાં પૃથ્વીને કંઈ એવું દેખાયું હતું કે એ હતો એ જ દશામાં જડવત્‍ થઈ ગયો. પગ જમીન પર ખોડાઈ ગયા. હાથ અધ્ધર રહી ગયો. શરીર જાણે કે પૂતળું!

અને પૃથ્વી જેવા પૃથ્વીની આંખોમાં ડોકાયો ડર..! મોતનો ડર..!

રમાકાંત અને પૃથ્વીની આંખો એકમેકમાં જડાઈ ગઈ હતી, સંમોહનમાં જકડાઈ ગઈ હતી. આખું દૃશ્ય જ જાણે કે થીજી ગયું હતું.

ક્ષણભરમાં જે બની ગયું હતું એ જોઈને તાપણા પાસે ઊભેલા રિયાન-સાજન બંને અવાચક થઈ ગયા હતા. આગ અને ચંદ્રમાના અજવાળામાં બંને સ્પષ્ટપણે જોઈ શકતા હતા કે છેલ્લા કલાક ઉપરાંતથી તેઓ સીધાસાદા, લઘરવઘર લાગતાં જે આદમી સાથે બેસીને ગપ્પાં મારી રહ્યા હતા, એ આદમી હવે કંઈ ઓર જ રૂપ ધારણ કરી રહ્યો હતો. મોટાને મોટા થતાં જતાં એના ડોળા, ફાટફાટ થતી એના ચહેરાની ચામડી, ટેરવાં ચીરીને બહાર નીકળી રહેલા એના ખંજરનુમા નખ…

ફુગ્ગામાં હવા ભરાય અને ફુગ્ગો ફૂલે એમ રમાકાંતનું શરીર ફૂલવા લાગ્યું..! પહેલાં ધીમેધીમે અને પછી ઝડપથી… એ મોટો, વધુ ને વધુ મોટો થતો ગયો… એના હાથ-પગ, ધડ, માથું બધું જ ફૂલવાં લાગ્યાં, વિસ્તરવાં લાગ્યાં… એની શ્યામ ત્વચા ઉત્તરોત્તર શ્વેત થવા લાગી… એના કપડાં ફાટીને લીરેલીરાં થઈને જમીન પર વેરાવા લાગ્યાં…

ગોખલામાંથી બહાર નીકળી આવેલા ડોળા પર વધુ માત્રામાં રક્તરેખાઓ અંકિત થતી ગઈ… એ આંખો, જે સતત પૃથ્વી પર ખોડાયેલી હતી… એ આંખો, જેના સંમોહનમાં જકડાયેલો પૃથ્વી ચાહવા છતાં હલનચલન કરી શકવા અસમર્થ હતો… જીવનમાં ક્યારેય નહોતો અનુભવ્યો એવો ડર અનુભવતો એ બસ, હતો ત્યાં જ થાંભલાની જેમ ખોડાઈ ગયો હતો…  

રમાકાંત રાક્ષસી કદ ધારણ કરતો ગયો… કરતો જ ગયો… અને એમ કરીને જ એના અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘટાડતો ગયો. એ ચાલતો નહોતો; એને ચાલવાની જરૂર જ નહોતી. શરીરનું કદ વધારી-વધારીને જ એ પૃથ્વીની સાવ નજીક પહોંચી ગયો…

પચીસ-ત્રીસ ફીટ ઊંચું થયેલું એનું તોતિંગ કદ ચારેતરફ ફેલાઈ ગયું... એની કાળી ચામડી સફેદ થતી-થતી અર્ધપારદર્શક થઈ ગઈ… ચામડીની નીચે ફાટફાટ થતી રક્તનલિકાઓ એટલી હદે ફૂલી ગઈ કે એની અંદર વહેતું લોહી સ્પષ્ટપણે જોઈ શકાય… દાંત અને નખ ફૂલેલા શરીરના પ્રમાણમાં ક્યાંય વધુ લાંબા અને ધારદાર થઈ ગયા…

અને પછી, હજુ કંઈ જોવાનું બાકી રહી ગયું હોય એમ, ભયાવહ વેશ ધરેલા રમાકાંતે પેલી વાર્તાઓ દેખાડવા માંડી. એનું ઢમઢોલ પેટ જાણે કે સિનેમાનો પડદો હોય એમ એની અંદર માણસો દેખાવા લાગ્યા, ઘટનાઓ આકાર લેવા લાગી.

પેલો માસ્તર, પેલો પત્રકાર, અને કૂવામાં કૂદી પડતો માંસનો જુગુપ્સાપ્રેરક ચક્કો…

પેલો યુવાન, એની નવોઢા, પેલો તાંત્રિક અને રમરમાટ ભાગતી બસ…

વિમળા, એનો પતિ અને ટપાલી…

હાઇ-વે, ધર્મશાળા, પ્રવાસીઓ અને રિસેપ્શનિસ્ટ…

રમાકાંતની વાર્તાઓ મૂર્તિમંત થતી ગઈ… એના જ શરીરમાં આકાર લેતી ગઈ…

એ પત્રકાર, એ તાંત્રિક, એ ટપાલી, એ રિસેપ્શનિસ્ટ… બધાના જ ચહેરા પર શેતાની સ્મિત રમી રહ્યું હતું અને…

…અને એ બધાના જ ચહેરા રમાકાંત જેવા હતા..!

ક્યાંક કોઈની ગરદનમાંથી લોહી ચૂસતો રમાકાંત… ક્યાંક કોઈની છાતીમાં હાથ ખૂંપાવીને એનું હૃદય બહાર ખેંચી કાઢતો રમાકાંત… ક્યાંક કોઈ સ્ત્રીની લાજ લૂંટતો રમાકાંત…

એના વિકરાળ પેટમાં એવા-એવા ભયંકર, લોહીયાળ, વિકૃત તાંડવ ખેલાતા દેખાયા કે સાજન-રિયાનને સાક્ષાત મોત દેખાઈ ગયું.

છેલ્લે… છેક છેલ્લે, રમાકાંતના પેટમાં ત્રણ ચહેરા ઉપસ્યા… પૃથ્વી, સાજન, રિયાનના ચહેરા..!

પોતાના કુકર્મોના ફિલ્મીદર્શન કરાવ્યા પછી પણ રમાકાંતે ફેલાવાનું, વિસ્તરવાનું જારી રાખ્યું. પહાડ જેવું કદ ધરીને એ પૃથ્વીની સાવ નજીક પહોંચી ગયો. એના ગેબી આકારને પૃથ્વી લાચારીપૂર્વક તાકી રહ્યો… એ સિવાય એ કંઈ કરી પણ શકે એમ નહોતો… એના શરીર પર એનો કોઈ કાબૂ જ નહોતો રહ્યો…

રમાકાંત સહેજ નીચે ઝૂક્યો… મુસ્કુરાયો… હવામાં ફેલાયેલા એના વિશાળ હાથ પૃથ્વીની ફરતે વીંટળાયા… એક મિત્ર બીજા મિત્રને પ્રેમથી ભેટતો હોય એ રીતે રમાકાંત પૃથ્વીને ભેટ્યો… એને પોતાના શરીર સાથે ચાંપી દીધો અને પછી…

…પછી એણે પૃથ્વીને પોતાના શરીરમાં સમાવી લીધો..!

નાનકડું બાળક માતાની ગોદમાં લપાઈ જાય એમ પૃથ્વી આખેઆખો રમાકાંતના રાક્ષસી શરીરમાં ગરક થઈ ગયો… ઘડીભર પહેલાં જીવતો હતો, શ્વસતો હતો એવો એક જણ ક્ષણભરમાં હતો ન હતો થઈ ગયો… એનું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું… રમાકાંત અને પૃથ્વી જાણે કે એક થઈ ગયા…          

રમાકાંતનો શેતાની અવતાર અને પૃથ્વીને ગળી જવાનું એ બિહામણું દૃશ્ય જોઈને રિયાન થરથર કાંપી ઉઠ્યો. સાજન તો રીતસર મૂતરાઈ પડ્યો.  

ડરની ચરમસીમા એવી હતી કે સાજનને લીધા વિના જ રિયાન ઊભી પૂંછડીએ નાઠો. એને ભાગતો જોઈને પોતેય ભાગવું જોઈએ એનું ભાન થતાં સાજન પણ ભાગ્યો, પણ એના કદમોમાં જોર નહોતું. લડખડાતાં પગલે, ડગમગ ચાલતો એ અંધારામાં અલોપ થઈ ગયો.  

ક્યાં જવું, શું કરવું એની કશી જ ગતાગમ વિના બંને ભાગ્યા. એ મનહૂસ જગ્યાથી દૂર નીકળી જવા અંધારામાં પડતાં-આખડતાં બંને જીવ લઈને ભાગ્યા.

પૃથ્વીને ગળી ગયેલો રમાકાંત આળસ મરડતો સીધો થયો. ઘાટ્ટા અંધકારમાંય એની આંખો દૂર-દૂર સરકી રહેલા બંને ઓળાને સ્પષ્ટપણે જોઈ શકતી હતી. આકાશ તરફ જોઈને રમાકાંતે આખો હિમાલય થરથરી જાય એવી ત્રાડ પાડી.   

***   

સવાર પડી ને સૂર્યનારાયણની સવારી આવી ચડી. તંબુ અને સીધાસામાનને ભરખી ગયેલું તાપણું શાંત થઈ ચૂક્યું હતું.

નજીકના પથ્થર પર પડેલી ડાયરીના પાનાં હવામાં ફરફરી રહ્યાં હતાં. ગઈ કાલ સુધી અધૂરી રહેલી એક વાર્તા હવે એમાં ઉમેરાઈ ગઈ હતી.

(સંપૂર્ણ)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ