વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમની પરબ



નમિતાએ ઉચ્ચ ટકાવારી સાથે બી.એડ.નો અભ્યાસ પૂરો કર્યો અને શિક્ષક બનવા માટેની લાયકાત મેળવી લીધી. પરંતુ હજુ સાત કોઠા વીંધવાનાં બાકી હતાં. એટલેકે શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરવાની બાકી હતી. નમિતા વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિની હોવાની સાથે સાથે મેધાવી પ્રતિભા ધરાવતી હતી. વાંચનનો એને ખૂબ શોખ હોવાથી શિક્ષક અભિયિગ્યતા કસોટી પ્રથમ પ્રયત્ને જ પાસ કરી દીધી. તેનું પોસ્ટિંગ એક નાનકડાં ગામમાં થયું.


          પોતે નાનાં ગામની યુવતી હોવાથી ગામડાનાં બાળકોને ઘણી બધી શૈક્ષણિક અસુવિધાઓનો સામનો કરવો પડતો હોય છે એ બાબતથી તે સુપેરે પરિચિત હતી. ખૂબ ટૂંકા સમયમાં તેણે પોતાની શાળાને શૈક્ષણિક સાધનોથી સમૃદ્ધ બનાવી દીધી.હાથવગાં શૈક્ષણિક રમકડાંઓ બનાવવાની પ્રવૃતિમાં બાળકોને જોડીને નમિતા ટુંક સમયમાં જ બાળકોમાં પ્રિય થઈ ગઈ હતી. સાતમા અને આઠમા ધોરણનાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં નિપુણ બની રહ્યાં હતાં. આવતી કાલે વિશ્વ ચોકલેટ ડે હોવાથી બધાં બાળકોએ પોતાનાં પ્રિય શિક્ષક નમિતાબેનને એક સરપ્રાઈઝ આપવા માંગતા હતાં. બધાં એક એક ચોકલેટ લાવશે અને તેમાંથી શાળાનાં ચિત્ર શિક્ષક ની મદદથી નમિતાબેનનું સુંદર પોટ્રેટ બનાવવાનું નક્કી કર્યું.  


          બધાં બાળકો મોંઘામાં મોંઘી ચોકલેટ્સ લઈને આવ્યાં હતાં. બધાં ખૂબ જ ખુશ હતાં. ત્યાં...ઓચિંતું નમિતાનું ધ્યાન એક ખૂણામાં ઊભેલી નાનકડી શચી પર પડ્યું. નમિતા દોડીને શચી પાસે ગઈ. શચી પોતાનાં બંને હાથને પાછળ તરફ લઈ ગઈ. નમિતાને સમજતાં વાર ન લાગી કે શચી તેની હથેળીઓમાં કંઈક છૂપાવી રહી હતી. શચી ખૂબ જ ગરીબ ઘરની દીકરી હતી. એટલે તે મોંઘી ચોકલેટ લાવી શકી નહોતી. તે શરમ અનુભવી રહી હતી. નમિતાએ શચીનાં હાથમાંથી ચોકલેટ લીધી અને વ્હાલથી તેને ચૂમી લીધી. એટલી વારમાં બે બાળકોએ નમિતાની આંખે પટ્ટી બાંધી અને તેને પોટ્રેટ ભણી લઈ ગયાં. નમિતાની આંખેથી પટ્ટી જ્યારે હટાવવામાં આવી ત્યારે ચોકલેટમાંથી બનેલું પોતાનું સુંદર પોટ્રેટ જોઈએ ગદગદિત થઈ ગઈ. તેણે શચીને પાસે બોલાવી અને તેનાં હાથમાંથી લાલ રંગની ગોળ પીપર લીધી અને પોટ્રેટમા રહેલાં પોતાનાં ખાલી કપાળમાં ચાંદલો હોય તેમ ચીપકાવી દીધી. પોટ્રેટની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયાં.....!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ