વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચિંતામુક્ત

"રમણી કેમ નથી દેખાતી, ગંગા? તું એકલી કેમ આવી પહોંચી?" રામાસ્વામીનાં ખેતરમાં કામકાજ સંભાળતા ઐય્યરે ચારે કોર નજર દોડાવતાં પૂછ્યું.


લાચાર, ગરીબ, વિધવા ગંગા ઐય્યરની રમણી માટેની પૂછપરછથી  સમસમી ગઈ પણ ઐય્યર સામે મોઢું ખોલવું મતલબ મજૂરી કામથી હાથ ધોવા. સોળમે વર્ષે વીસની લાગતી એવી જોબનવંતી દીકરીની જુવાનીને કાચી ઝૂંપડીનાં દરવાજા પાછળ સાચવવી એટલે સૂરજને છાબડે ઢાંકવાની વાત હતી.


હસતું મોઢું રાખી ગંગા બોલી, "એની તબિયત જરાક અસુખ જેવી છે માલેક...ચાર દિવસ પછી આવશે કામે."


"ભર સિઝનમાં છોકરીને રજા રખાવી ગામમાં ઉલાળા મારવા મૂકીને આવે એ કરતાં અહીં લાવજે. બાકી મારે બોનસ કાપવું પડશે મા-દીકરી બેયનું!" બબડતો ઐય્યર ચાલ્યો ગયો. બોનસ બહુ કિંમતી હતું ગંગા માટે. 


"આવતા વર્ષે રમણીનાં લગ્ન માટે મદદ કરીશ."ગંગાનો ભાઈ બોલેલો.

ગંગાની આંખોમાં ભીની ચમક આવી ગયેલી.

 મૃત પતિનાં મિત્રનાં દીકરા સાથે રમણીનાં હાથ પીળા કરી, ગંગા હવે ચિંતામુક્ત થવા માંગતી હતી. તેણે નક્કી કર્યું કે કાલથી રમણીને પણ ફોસલાવીને  કામે લાવશે. થોડુંક એ કરશે ને બાકીનું તો પછી ઐય્યર આઘો-પાછો થશે ત્યાં પોતે રમણીનાં ભાગનું કામ પણ કરી નાખશે. બસ બોનસ કપાવું ન જોઈએ. એકવાર રમણીનાં લગન શાંતિથી થઈ જાય તો..બસ પછી સાવ ચિંતામુક્ત! આવાં કેટલાંય વિચારો ઘડી લીધાં.


ગરીબની દીકરીને જુવાન થાય ત્યારે અઘરા ત્રણ દિવસોમાં પણ આરામનો હક નથી હોતો. હજુ કાલે જ તો રમણી મોટી થઈ હતી ને ગંગા જાણે રાતોરાત વધુ ઘરડી બની ગઈ હતી! 


રમણીને બીજા દિવસે પેટમાં દૂખતું હોવા છતાં ગંગા પરાણે કામે લઈ ગઈ. રમણી નીચા મોઢે પરાણે સોંપાયેલ કામ વાંકી વળીને કરતી હતી. વધારે ખેંચાવાથી જર્જરિત થયેલ ઉપરનો ઝભ્ભો ચીરાયો. સામે ખુરશી ઢાળી બીડી ફુંકતા ઐય્યરની કામુક નજરો રમણીને તાકી રહી. એટલામાં ગંગા દીકરીને ઘેર રવાના કરવા આવી. પારોઠ ફરેલી દીકરીનાં ઘાઘરા પર પડેલ ધાબાને આંખોથી જાણે આછા કરી નાખવા હોય તેમ આકાશ સાથે આંસુઓ વરસ્યાં. ખંધા ઐય્યરે રમણી સામે જોઈ બીડીનું ઠૂઠૂં જમીન પર ફેંકી કાળામસ બૂટનાં તળિયા નીચે  મસળ્યું પણ આગ ભીતર ભડકી હતી.


બીજે દિવસે તાવમાં રખરખતી, કણસતી રમણીને ન છૂટકે રેઢી મૂકીને ગંગા કામે ગઈ. ગંગાનાં હાથ યંત્રવત કામ કરી રહ્યાં પણ મન રમણી પાસે હતું. નારિયેળીની પાછળ સૂરજની સ્થિતિએ સમયનો તાગ મેળવતી ગંગાનાં હાથમાં આજે કામ પતાવવાનું જોમ ન્હોતું પણ કરવું પડે ને! રમણીનાં લગ્નની ચિંતા હતી તે! 


"જમીનદારસાહેબ પાસેથી બધાનાં પગારનાં પૈસા લેવા જાવ છું. હિસાબ લઈને જજો." કહીને ઐય્યર છત્રીમાં, સફેદ લૂંગીમાં ડાઘ ન પડે એમ કછોટો વાળી નીકળી ગયો. 


ઐય્યર સીધો ગંગાની ઝૂંપડી તરફ વળ્યો. કાચું બારણું એક ઝાટકે ખૂલી ગયું. કાચી કળી એટલી હદે હેબતાઈ ગઈ કે તાકાતવર ઐય્યર  નીચે મસળાઈને સદાય માટે મુરઝાઈ ગઈ! 


ઐય્યરે એ તરફ જોવાની દરકાર કર્યાં વગર જમીનદાર પાસેથી પૈસા લઈ હિસાબ ચૂકતે કર્યો. ગંગાને બોનસ પણ આપ્યું. તે લઈને હરખાયેલી ગંગાએ ઘર ભણી ઉતાવળે દોટ મૂકી. ગંગાને ક્યાં ખબર હતી કે તે હવે સંપૂર્ણ ચિંતામુક્ત હતી!


જાગૃતિ, 'ઝંખના મીરાં'....

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ