વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શનિ માહાત્મ્ય : સમીક્ષા

 

શનિ માહાત્મ્ય : કળિયુગના અંધારામાં અજવાળું પાથરનાર કથા

- સ્પર્શ હાર્દિક

 

સંસારની ગૂઢ બાબતોને જોવા અને સમજવાની સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવતા હોય એવા આજે ઘણા મનુષ્યો અને ખાસ કરીને સાહિત્યકારો મળશે જેઓ કથાની, એક વાર્તાની શક્તિથી સારી રીતે પરીચિત હોય અને એક કથા કેવું ચમત્કારીક પરિણામ લાવી શકે એ કોઈ પણ પ્રકારના સંકોચ વગર પૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારતા પણ હોય. ભારત તો કથાઓનો દેશ છે જ અને ફક્ત આપણે ત્યાં નહીં, પણ વિશ્વની તમામ સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં કથાનું મહત્વ સૌથી વિશેષ રહ્યું છે. કથામાં રહેલી અદ્બુત ક્ષમતાની વાત કરતાં હોઈએ ત્યારે આપણી પરંપરાની વ્રતકથાઓ સૌથી પહેલા સાંભરે.

અગાઉના સમયમાં બસ કે રેલ્વે સ્ટેશન કે બજારમાં ક્યાંક કોઈ સામાન્ય પાથરણાવાળો કે દુકાનદાર વ્રતકથાઓની ચોપડીઓ વેચતો હોય એવું દૃશ્ય સામાન્ય હતું. આજે કદાચ વ્રત રાખનાર, જેમાં ખાસ તો સ્ત્રીઓ વિશેષ પ્રમાણમાં હોવાની, મનુષ્યોની સંખ્યા પ્રમાણમાં ઓછી થઈ છે કે નહીં એવું સર્વે કરનાર જાણી લાવે તો આપણને સાચું ચિત્ર સમજાય. તેમ છતાં નિઃસંદેહ કહી શકાય કે વ્રત દરમિયાન શ્રદ્ધાનો દીપ સળગતો રહીને તેજસ્વી બને એમાં મદદરૂપ થનાર કથાઓનું વિશાળ સાહિત્ય ઘણાં કારણોથી અવગણી ના શકાય એટલું અગત્યનું છે. અત્યારના સમયમાં જ્યારે આપણી લોકપરંપરાની ઘણી વસ્તુઓ જેમ વ્રતકથાઓ પણ વિસરાઈ રહી હોય એવું લાગે છે, ત્યારે “અભિયાન”ની જ ‘ચર્નિંગ ઘાટ’ કોલમના લેખક ગૌરાંગ અમીન આ પરંપરાનું એક સુંદર પુસ્તક લઈને આવ્યા છે, “શનિ માહાત્મ્ય - નવ ગ્રહની કથા સાથે”. મુખ્યત્વે શનિ મહારાજ પર કેન્દ્રિત વ્રતકથા સાતેક દાયકા પહેલાં ગુજરાતીમાં શ્રીમાન પ્રાણજીવન હરિહર શાસ્ત્રી દ્વારા લખાઈ હતી. એ કથા વર્ષો અગાઉ મરાઠીમાં લોકભોગ્ય બની હતી અને એ પછી અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ થઈ, પરંતુ ગુજરાતીમાં લગભગ સાતેક દાયકાથી એ કથા ઉપલબ્ધ નથી. શનિ મહારાજ અંગે પણ ગુજરાતીમાં વિશેષ અને અધિકૃત કહેવાય એવું ખાસ કશું ઉપલબ્ધ નથી. હવે વર્ષો પછી ગુજરાતીમાં એક વિસ્તૃત અને નવતરૂ સ્વરૂપે એ ફરી અવતરણ પામી છે ગૌરાંગ અમીન દ્વારા.

શનિ મહારાજનું કળિયુગમાં વિશેષ મહત્વ હોવા પાછળનું કારણ આ કથા દ્વારા સરળતાથી સમજી શકાય છે, કે પૂર્વના કર્મો પ્રમાણે જીવને ફળ રૂપે સુખ-દુઃખનો અનુભવ આપવાનું તેમનું પ્રમુખ કાર્ય છે. અર્થાત શનિ મહારાજ આપણા સૌના કર્મના મેનેજર છે અને એમના એકાઉન્ટમાં એરરને સ્થાન નથી. પનોતી કે સાડાસાતી વિશે આપણે જાણીએ જ છીએ એમ મહત્તમ માણસોના જીવનમાં કઠણાઈનો એક લાંબો સમયગાળો આવતો હોય છે, જ્યારે તે તન, મન અને ધન તમામથી નખાઈ જાય છે અને એને હતાશા ખોતરી ખાય છે. આવા સમયમાં શનિ મહારાજની કૃપા મેળવવા અને યાતના હળવી કરવા માટે શનિ માહાત્મ્યનું પૂર્ણ શ્રદ્ધાથી વારંવાર પઠન કરવું ખૂબ જ સહાય કરી શકે એવી શક્તિ ધરાવે છે. ઉપરાંત, સુખની અવસ્થા હોય ત્યારે પણ શનિ મહારાજ સતત પ્રસન્ન રહે એ માટે પણ આ વ્રતકથા વાંચવી લાભદાયક નીવડશે. કેમ કે વ્રતકથાઓનું વાંચન ધાર્મિક અને ઈશ્વર પ્રત્યે પ્રીતિ દાખવનાર ભક્તો માટે ધ્યાનની ગરજ સારે છે. જ્યોતિષ, આધ્યાત્મ, પુરાણકથાઓ અને સંલગ્ન ભારતીય પરંપરાઓમાં રસ ધરાવતાં લોકો માટે પણ આ પુસ્તક એક અનોખો સંદર્ભ કે જ્ઞાનકોશ છે, કારણ કે આમાં શનિ ગ્રહ સાથે અન્ય ગ્રહોની કથાઓ પણ સામેલ છે. પુસ્તકની ભાષા અતિસુંદર, શૈલી રસાળ અને મનમોહક તથા કથાઓ ખૂબ જ રસપ્રદ છે, જે વાંરવાર વાંચવાની લાલચ જગાડે છે અને એ રીતે વ્રતકથાનું ભક્તજનો પુનરાવર્તન કરે એ હેતુ સિદ્ધ થાય છે.

કથાનો આરંભ થાય છે રાજા વિક્રમાદિત્યના દરબારમાં, જ્યાં તેઓ ‘નવગ્રહમાંથી કયો ગ્રહ સર્વોપરી?’ એ પ્રશ્ન પર સંવાદ યોજે છે અને તમામ ગ્રહના સમર્થક પંડિતો વિસ્તારથી પોતપોતાની વાત રજૂ કરે છે. અંતે રાજા વિક્રમાદિત્ય નિર્ણય લેવી વખતે શનિ ગ્રહ વિશે ઘસાતું બોલે છે અને ત્યાર બાદ સ્વયં શનિ મહારાજ તેમના દરબારમાં આવી ચડતા, તેમના પર શનિની દૃષ્ટિ પડે છે અને એમની સાડાસાતીનો પ્રારંભ થાય છે. દુઃખના ડુંગરાઓ નીચે દબાતા જતા વિક્રમાદિત્ય પરથી સામાન્ય મનુષ્યો એ શીખી શકે છે કે યાતનાના કપરા કાળમાં કેવી રીતે મન સ્થિર રાખીને જીવવું અને એમાંથી સ્વસ્થ થઈને બહાર આવવું. કથાના અંતિમ ચરણમાં શનિ મહારાજ કર્મના નિયમન અને આયોજનની પોતાની વ્યવસ્થા વિશે વિસ્તારથી સમજાવતા કહે છે, કે સૌ જીવોને લાગે છે કે તેઓ એટલે કે શનિ મહારાજ ક્રુર છે, નિર્દયી છે, પરંતુ વાસ્તવમાં તો દરેક જીવો પોતાના જ પૂર્વના કર્મોનું ફળ ભોગવતા હોય છે. દેવોના દેવ મહાદેવ પૂવજન્મની સ્મૃતિ હરી લે છે એટલે મનુષ્યને આગલા જન્મના કોઈ જ કર્મોનું જ્ઞાન નથી હોતું, પરંતુ શનિ મહારાજ સઘળું જાણે છે અને દરેકના કર્મોનો હિસાબ બરાબર રાખવાની જવાબદારી એમણે યોગ્ય રીતે નિભાવવી જ પડે. કેમ કે જો એમાં ચૂક રહી જાય તો સૃષ્ટિનું સંતુલન ખોરવાય. શ્રી રામને પણ શનિ મહારાજની દૃષ્ટિ પડતા વનવાસ વેઠવો પડેલો અને રાવણ પર એમનો દૃષ્ટિપાત થયા પછી એનું પણ પતન શરૂ થયું. શ્રી કૃષ્ણ પર શનિની દૃષ્ટિ પડતા એમણે પણ સંતાપ સહન કરવો પડેલો. આવી ઘણી રોચક વાતો પુસ્તકના પ્રવાહમાં વહેતી વહેતી મનને એનો આનંદરૂપી ખોરાક અને આત્માને એનો જ્ઞાનરૂપી ખોરાક આપે છે.

સંપૂર્ણ વ્રતકથા પછી પુસ્તકમાં જ એનું એક સંક્ષિપ્ત વૃત્તાંત સમાવી લેવાયું છે, જેથી સમયનો અભાવ હોય કે કોઈ બીજા કારણે આખી વ્રતકથા ફરી-ફરી ન વાંચી શકનાર ભાવક સંક્ષિપ્ત વૃત્તાંતનું પુનરાવર્તન કરી શકે છે. શનિ ગ્રહ સંબંધિત અન્ય નાની નાની કથાઓ પણ પુસ્તકમાં સમાવી લેવાઈ છે. જોકે, આ પુસ્તક ફક્ત કથા કહીને અટકી નથી જતું. અંતમાં આવતો વિશદ ઉપસંહાર કથા અંગેના મંથન બાદ પ્રાપ્ત થયેલ અમૃત સમાન મૂલ્યવાન છે. આત્મીય જીવનના ઘણાં મુખ્ય પાસાંઓની તલસ્પર્શી સમજણ આપતો ઉપસંહાર પણ કથા જેમ પુનરપિ-પુનરપિ પઠનીય છે.

દક્ષિણ ભારતના સાક્ષર અને કવિ એ. કે. રામાનુજને લખ્યું હતું કે, ‘કથાઓ અને શબ્દોમાં ફક્ત ભાર જ નહીં, પણ ઇચ્છાશક્તિ અને આવેશ પણ હોય છે. અને આ કથાઓ કે શબ્દો અલગ સ્વરૂપ ધારણ કરીને એવી વ્યક્તિ સામે બદલો પણ લઈ શકે છે જે (કથા જાણતી હોવા છતાં) એને દુનિયા સામે પ્રગટ નથી કરતી. કથાઓ કોઈ કથાકારના અસ્તિત્વ પહેલાં પણ અસ્તિત્વ ધરાવતી જ હતી અને જ્યારે કથાઓ એકથી બીજા મનુષ્યો સુધી પ્રસરતી નથી ત્યારે કથાઓને એવું નથી ગમતું.’ વાત રોમાંચક લાગે અને જરાક ભીતિપ્રેરક પણ. જોકે, માણસનો સ્વભાવ જ છે કે સારી અને જીવનમાં સકારાત્મક રીતે કામ લાગે એવી કથાઓ તે બીજાને કહેતાં પોતાની જાતને રોકી ના શકે. શનિ માહાત્મ્ય આવી જ એક મોડર્ન મનુષ્ય માટે જરૂરી કથાનું પુસ્તક છે, જેણે આપણી ભાષામાં ફરી અવતરિત થવાનો માર્ગ શોધી લીધો છે અને જે હવે શોપિઝન, એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી સરળતાથી ખરીદી શકાય છે. (અથવા ખરીદવા માટે અહીં સંપર્ક કરો – 7405061898) આપ પણ આ કથાને જરૂર હોય એવા ભાવકો અને વાચકો સુધી પહોંચાડી કથાના ઉદ્ધારમાં સહભાગી થશો એવી અપેક્ષા છે. આ કથા જેટલાં વધારે હૃદયોમાં પહોંચશે અને જ્યોતિ બનીને પ્રગટશે, એટલી જ એની શક્તિ વધશે અને એ પીડિત મનુષ્યોને રાહત આપવામાં વધારે સક્ષમ બનશે. પૂર્ણ એકાગ્રતા અને ભક્તિભાવથી મન તથા હૃદયને બળવાન કરીને આ કથાનું વાંચન કરનાર, વાંચી ન શકનારા લોકોને વાંચી સંભળાવનાર અને અન્ય મનુષ્યોના દુઃખો સમજનાર ભક્તના ખુદના દુઃખોનું પણ શમન થશે.

શનિ મહારાજનો મહિમા થાય, હિંદુ ધર્મ, જ્યોતિષ, આધ્યાત્મમાં રસ હોય તેને પુસ્તકમાં રસ પડે અને વેચાણ વધે એ સ્પષ્ટ આશય સિવાય અન્ય બાબત ગૌણ છે. લેખકના વખાણ પણ આવશ્યક બાબતોને ટેકો આપે તો જ કામનું. રસ ધરાવતા ભક્તો, જિજ્ઞાસુઓ અને જ્ઞાનપિપાસુઓ સુધી આ પુસ્તક શક્ય એટલી વધારે માત્રામાં પહોંચે એની પાછળનો હેતુ આધ્યાત્મિક રીતે ઘણો અગત્યનો છે. આજનો કળજુગ સમય વહે એમ વધુ ને વધુ આકરો થઈ રહ્યો છે અને મનુષ્ય આ ધરતી પરના નકારાત્મક કર્મોમાં ભયંકર રીતે બંધાઈને પોતાને જ આત્મિક રીતે હાની પહોંચાડી રહ્યો છે. ઘણાં લોકોના કિસ્સામાં સભાનતા કે સૂઝ સુષુપ્ત અવસ્થામાં મનના કોઈ ખૂણામાં પડી રહી હોય તો એને પણ જાગૃત કરીને ઈશ્વરના માર્ગે વળવા કે એમાં વધારે જોશથી આગળ વધવા માટે આ પુસ્તક એક ગુરુ કે ગુરુ સમકક્ષ બનીને ભાવકના રસ્તામાં જરૂર અજવાળું પાથરશે એવી અસ્થા છે. 

 

કોફી-સ્ક્રિપ્ટ :

“એટલું યાદ રાખજો કે શીખવું પણ માયાનું જ એક સ્વરૂપ છે. શીખવું નિસંદેહ જરૂરી છે, પરંતુ અન્ય પ્રકારની માયાઓ જેમ તમે એની સામે પણ મમત્વથી બંધાઈ શકો. કળિયુગમાં માયાની તાકત એટલી પ્રબળ છે કે, શીખવાની જાળમાં ફસાઈને તમે એને ઉપયોગમાં લેવાનું ભૂલી જઈ શકો. ત્યાં ‘નિયમ’ કામમાં આવે છે. જ્યાં સુધી તમે તમારી દરેક પ્રવૃત્તિને ‘સાધના’ સ્વરૂપે આકાર આપી તમામ શક્તિને આધ્યાત્મિક લક્ષ્યપ્રાપ્તિ પાછળ કામે લગાડો છો, ત્યાં સુધી તમારે એ જ વસ્તુઓ શીખવાની જરૂર પડશે જે ખરેખર ઉપયોગી હોય. અને તમે એ શીખેલી વસ્તુઓનો સાધનામાં ઉન્નતિ માટે ખપમાં લેશો.” – ડૉ. રોબર્ટ સ્વોબોડા

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ