વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રાપિત

શ્રાપિત

(નોંધ : આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. વાર્તાનો ઉદ્દેશ ફક્ત મનોરંજન છે, અંધશ્રદ્ધા ફેલાવવાનો નહિ.)

વર્ષ : ૧૮૯૧

સ્થળ : કુંભારણ      

 

ડાયરો હકડેઠઠ ભરાયો હતો. આજના ડાયરામાં ગામના બાર વર્ષથી એંસી વર્ષની ઉંમરના દરેક પુરુષની હાજરી હતી. દરેક પુરુષે પોતાના હાથમાં શસ્ત્ર ધારણ કરેલું હતું. કોઈના હાથમાં ખાંડું તો કોઈના હાથમાં ભાલો કે બરછી તો કોઈ તીર કામઠાં સાથે સજ્જ હતું. કારણ હતું છનાસિંગ.

ડાકુ છનાસિંગ નામનું કાળું વાદળું શાંત અને સુખી ગામના આભ ઉપર છવાઈ ગયું અને તેણે રક્તની વર્ષા કરી હતી. પાંચસોની વસ્તી ધરાવનાર આ ગામના પચાસ યુવકો તેના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.

છનાસિંગે વાર્ષિક સો મણ અનાજ અને પચાસ તલવારને બદલે ગામની સુરક્ષાની ખાતરી આપી હતી, પણ ઠાકોર અજાજીએ નમવાનો ઇનકાર કરી દીધો હતો. નમવા કરતાં ખપી જવું અજાજીને મંજૂર હતું. મોગલો સામે પણ ન નમનાર પૂર્વજોના માથે કાળી ટીલી લગાડવાની તૈયારી અજાજીની ન હતી.

અજાજીએ હુક્કો ગગડાવ્યો અને પોતાના સેવક અરજણ સામે જોયું અને પૂછ્યું, “ગણતરી કરી?” 

“જી બાપુ, સોમાં દસ ઓસા સે. પચા તો ખપી ગયા સે, પણ સે એટલાય પાંચસેથી ચઢે એવા જોધા સે. અબ ઘડી ચડાઈ કરીએ તોય છનિયાને પહોંચી વળીશું.” અફીણ ચઢાવેલ અરજણે પોતાની મુછ આમળતાં કહ્યું.

અજાજીએ ગામના વડીલ એવા ગેમરજી સામે જોયું.

ગેમરજીએ પોતાનું માથું ધુણાવ્યું અને કહ્યું, “આમાં જોધા તો ચાળી જ છે, બાકી તો નાના સૈયાસોકરાં ને ઘૈડીયા જ સે. કે દા’ળે પુગીશું. હવે તો માતા ખાંડું પકડીને ઉતરે ને પેલા રાખસને મારે તો જીવાય.” 

અચાનક ત્યાં અટ્ટહાસ્યનો અવાજ ગુંજ્યો. અજાજી સામે આવું કરવાની કોઈની હિંમત ન હતી. બધાંની નજર અટ્ટહાસ્ય કરનાર વ્યક્તિ તરફ વળી. આવું કરનાર ગામનો ઉતાર ગણાતો અલુજી હતો. દરબાર હોવા છતાં તે કોઈ જાતની શસ્ત્રવિદ્યા શીખ્યો ન હતો. વચ્ચે ઘણા સમય સુધી ગામમાંથી અદ્રશ્ય રહ્યો હતો. તે ક્યાં ગયો હતો તે કોઈ જાણતું ન હતું, પણ પાછો ફર્યો ત્યારથી તે ચલમ ફૂંકીને ગાંજાના નશામાં રહેતો હતો. તેની આંખો હંમેશાં સળગતા અંગારા જેવી લાલ રહેતી હતી.

અટ્ટહાસ્ય પૂર્ણ કર્યા પછી તેણે કહ્યું, “આવા પરાખમો તમારી પોચટ માતાઓ નો કરી હકે. એમને તો મારી માતા જ પુગી હકે. મને એક બકરું, છોકરું ને કુંવારી કન્યા આપો, જો છનાસિંગની આખી મંડળીને સાફ ન કરું તો નામ બદલી દેજો મારી. તમારી તલવાર્યો કે ભાલાઓ ટુટી જાહે, પણ એને નહિ પુગી હકો. મારી માતા ભંજના એમને રાતા પાણીએ રોવડાવશે.”

અજાજીએ ગેમરજી તરફ જોયું એટલે ગેમરજીએ માથું ધુણાવ્યું અને કહ્યું, “આને ભાન જ ક્યાં હોય છે. આખો દિ તો ચલમ ફૂંકીને ખેતરના શેઢે પડ્યો રહે છે ને કે છે છનાસિંગને ફૂંકી દેશે. ફટ્ટ ભૂંડીના!”

અલુજીની આંખો તગતગવા લાગી. તે જોરથી બરાડી ઉઠ્યો, “આમેય બધા મરવાના સો તો મારી વાત માનો, મારી માગણી પૂરી કરો, બાકી તમે બધા તો જીવતે મુઆ જ સો.”

ન જાણે કેમ અજાજીને તેની વાત ગળે ઉતરી અને તેમણે થાળમાં બે બીડા લઈને ડાયરામાં ફેરવ્યાં. કોઈ પોતાનાં સંતાનોનો બલિ આપવા તૈયાર ન હતું. છેલ્લે અજાજીએ જાહેર કર્યું કે જે પોતાના દીકરાને ગામની રક્ષા માટે આપશે તેને પચાસ વીઘા જમીન આપવામાં આવશે અને બાળકનું દહેરું બાંધવામાં આવશે અને જે પોતાની કન્યાને આપશે તેને સો વીઘા જમીન અને તેની દીકરીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને વર્ષો સુધી તે માતા તરીકે પૂજાશે. 

અંતે એક નીચલી જાતિ ગણાતા પરિવારે પોતાનું બાળક સોંપ્યું અને એક દરબારની કન્યા પોતાનો બલિ આપવા તૈયાર થઇ.

વર્ષ : ૨૦૨૨  

સ્થળ : કુંભારણ

“હેલો દોસ્તો, આજે આપણે આવ્યા છીએ વધુ એક રહસ્યની ખોજમાં. હું અત્યારે છું કુંભારણમાં જેના માટે કહેવાય છે કે આ ગામ શ્રાપિત છે અને બહારની કોઈ પણ વ્યક્તિ રાત ગુજારી શકતી નથી. શું છે હકીકત આની પાછળ તે આપણે જોઈશું, આજે અમારી ન્યુઝ ચેનલ ટીવી સેવન્ટી નાઈનના માધ્યમથી. કેમેરામેન સોરી કેમેરાવુમન શ્રુતિ સાથે હું છું રસિક છનાલા.” એટલું કહીને રસિકે કટ કહ્યું.

તે પછી બાજુમાં મૂકેલી ખુરસીમાં બેઠો અને શ્રુતિ તરફ જોઇને નજીક આવવાનો ઈશારો કર્યો. ડરતાં ડરતાં શ્રુતિ તેની નજીક આવી એટલે તેણે તેની કમર ઉપર ચૂંટલી ખણીને કહ્યું, “ડાર્લિંગ, દેખાડ તો શૂટ કેવું રહ્યું?” 

શ્રુતિના ચહેરા ઉપર એક ક્ષણ માટે ઘૃણાના ભાવ આવી ગયા, પણ તરત તેણે ચહેરાના ભાવમાં પરિવર્તન કર્યું અને કહ્યું, “સર, શોટ બહુ સરસ આવ્યો છે.”

રસિક સ્ટાર જર્નાલીસ્ટ અને ન્યુઝ ચેનલના માલિકનો પુત્ર હતો. તે પોતાની કારકિર્દી સારી રીતે આગળ વધારવા માગતી હતી. ટીવી સેવન્ટી નાઈનના સર્વેસર્વાં જેઠાલાલ છનાલાએ તેને પહેલાં કેમેરા પાછળ ઉભા રહેવાનું સૂચવ્યું. તેમણે શ્રુતિને વચન આપ્યું હતું કે એક વર્ષ પછી તે કેમેરા આગળ આવી જશે.

“કેમેરાના એન્ગલની તો ખબર પડતી નથી અને તારે પત્રકાર થવું છે! તને કહ્યું હતું કે કોઈ પણ ગામડિયો મારી પાછળ ન દેખાવો જોઈએ. હવે રીશૂટ કરવું પડશે. સાગર, ચાલ ટચ અપ કરી દે. શ્રુતિ, હવે હું કહું ત્યાં ઊભી રહે અને શૂટ કર.” એટલું કહીને શ્રુતિની કમરમાં હાથ નાખ્યો અને એક જગ્યાએ લઇ ગયો.

ક્રોધમાં હોવા છતાં શ્રુતિ લાચાર હતી. આગલા એક કલાક સુધી એક જ દ્રશ્ય ફરી ફરી ફીલ્માવાતું રહ્યું. અંતે રસિકે સૌથી પહેલાં શૂટ કરેલ દ્રશ્યને જ ઓકે કર્યું.

દૂરથી આ બધું જોઈ રહેલ ગામના સરપંચ વિરમજી એક બે વ્યક્તિઓ સાથે આગળ આવ્યા અને રસિકને કહ્યું, “સાહેબ, જો તમારું કામ થઇ ગયું હોય તો હવે તમે અહીંથી જાઓ તો સારું. ચાર વાગવા આવ્યા છે અને શહેર પહોંચતાં આઠ વાગી જશે.”

સરપંચ સાથે આવેલ મગન અને સોમન તેમની ચીપીચીપીને બોલાતી ભાષા સાંભળીને મોઢા ઉપર હાથ રાખીને હસવા લાગ્યા. રસિકે વિરમજી અને તેમની સાથે આવેલ લોકો સામે ઉપહાસ કરતી દ્રષ્ટિથી જોયું અને કહ્યું, “હે ઓલ્ડી, તને કોઈએ કંઈ પૂછ્યું? નાહક મારા કામમાં માથું મારવા ચાલી આવ્યો. તમારે જો શૂટિંગ જોવું હોય તો થોડા દૂર ઊભા રહો. મારું શૂટિંગ પતી જાય એટલે તમારી ઉપર કેમેરા ફેરવવા કહું છું.”

મગન અને સોમન પેટ પકડીને હસવા લાગ્યા, આજ સુધી સરપંચ સામે કોઈએ અવાજ ઊંચો નહોતો કર્યો. સરપંચનું આ રીતે અપમાન થતાં જોઇને સાથે આવેલા મલુજીના મગજની કમાન છટકી. તે રસિક તરફ આગળ વધ્યો અને તેની ફેંટ પકડીને કહ્યું, “હાળા શે’રના કૂતરા, ભસી કોની સામે રયો સે ખબર પડે સે? આ ગામના સરપંચ સે ને તમને વયા જાવાનું કે સે તો વયા જાઓ, નકર નકામો જીવ ખોહો. તને લાગે સે કે અમે આંય તારી ભવાઈમાં ઉતરવા આયા સે. ગામ ખાલી કર. હાલતીનો થા.”

અત્યાર સુધી અકડ દેખાડનાર રસિકનો અવાજ ધ્રુજવા લાગ્યો, “લૂક, લૂક હું નામાંકિત પત્રકાર છું, હું પોલીસ કમ્પલેંટ કરીશ, તમે આમ ન કરી શકો!”

 

“હવે હાલ પોલીસવાળીના!” એટલું કહીને મલુજીએ રસિકના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ જડી દીધી. રસિક અંદર સુધી હલી ગયો.

વિરમજીએ રસિકના કોલરને મલુજીની મુઠ્ઠીમાંથી છોડાવ્યો અને કહ્યું, “જુઓ હું જાણું છું તમે કોણ છો, પણ તમે આ ગામને જાણતા નથી. બહારની એક પણ વ્યક્તિ બીજા દિવસની સવાર જોતી નથી. તે છતાં તમારે એક રાત રોકાવું હોય તો મા કુંવારકાના મંદિરે શ્રીફળ વધેરો અને વીરના દહેરા ઉપર પ્રતિજ્ઞા લો કે તમે ગામની કોઈ વ્યક્તિને નુકસાન નહિ પહોંચાડો, તો જ તમે કદાચ એક રાત વિતાવી શકશો. તેમની રજા સિવાય અહીં કોઈ રહી શકતું નથી. માતા ભંજના અને તેના ભૈરવના પ્રકોપથી ફક્ત એ જ બચાવી શકશે.”

“સાલું, આ લોકો હજી પણ અંધકારયુગમાં જીવે છે. માતાઓ અને વીરોની વાતો કરે છે. ઓ હેલો! તમે લોકો જાગો! આ એકવીસમી સદી છે. તમારા ગામની બદનામીને ધોવા આવ્યો છું, બધી વાતોને વાયકા સાબિત કરીને રહીશ. અગમ્ય, ગૂઢ એવું કંઈ જ નથી હોતું, દરેક વાતની પાછળ એક રહસ્ય હોય છે. આવા કંઈક ગૂઢ અને અગમ્ય અને રહસ્યમય વાતોના કોથળામાંથી બિલાડું કાઢ્યું છે મેં. જાઓ હવે તમારા ઘરે.” કોલર છૂટ્યા પછી રસિક ફરી ફોર્મમાં આવી ગયો હતો.

અત્યારસુધી દરેક વાતને હસવામાં કાઢી રહેલ મગને પોતાનો ચહેરો ગંભીર કરીને કહ્યું, “બાપુ, આવા ધનેરાંને બહુ ચીપી ચીપીને સમજાવવા નો જવાય. મરવું જ હોય તો ભલે ગુડાતો ગામમાં.” પછી શૂટિંગ કરવા આવેલા બાકી લોકો સામે જોયું અને કહ્યું, “એ’લા હાંભળો, આ તો મરવાનો થ્યો સે, તમારે મરવું હોય તો જ રાત રોકાજો, ન મરવું હોય તો વયા જાઓ.”

વેનનો ડ્રાઈવર અને બાકીનો સ્ટાફ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા અને અંતે તેમાંથી એક જણે કહ્યું, “સર, મારા હિસાબથી આપણે ઝેરનાં પારખાં ન કરવા જોઈએ. આપણે અહીંથી જતાં રહીએ એમાં જ આપણી ભલાઈ છે.”

“જે કોઈ મારો સાથે છોડીને જશે તે પોતાની નોકરી ગુમાવશે. જેને જવું હોય તે સીધું પોતાના ઘરે જતું રહે, આજથી તમારી નોકરી છૂટી ગઈ.” સિગરેટ સળગાવતાં રસિકે જાહેર કર્યું.

  “અમને અમારો જીવ વધારે વહાલો છે. કાલે તમને લેવા આવી જઈશું. એકવાર તમને અમદાવાદ છોડી દઈશું એટલે અમે પણ છુટ્ટા.”

રસિક ક્રોધે ભરાયો, પણ તે જ સમયે થોડે દૂર ઊભા રહેલા મલુજી ઉપર પડી અને ડ્રાઈવર તરફ જોઇને હસીને કહ્યું, “હું તો મજાક કરી રહ્યો હતો. તમે કાલે આવજો. મારે આમ પણ ફક્ત કેમેરામેનની જ જરૂર છે.” એટલું કહીને તે મનમાં જ મલકાયો. હવે તે અને શ્રુતિ જ ટેન્ટમાં એકલાં રહેવાનાં હતાં, આ વિચારથી જ તેનું રોમ રોમ પુલકિત થઇ ગયું.

તે તો ખુશ થઇ રહ્યો હતો, પણ શ્રુતિનો ચહેરો પડી ગયો હતો. રસિક સાથે એકલા રહેવું પડશે એ વિચારથી જ તે ધ્રુજી ઉઠી.

રસિક બીજી દિશામાં જોવા લાગ્યો જેથી શ્રુતિ જતા રહેવાની માંગણી ન કરે. થોડી જ વારમાં સ્ટાફ રવાના થઇ ગયો અને બંને એકલાં રહી ગયા. સરપંચે ફરી રસિકને સમજાવવાના પ્રયત્નો શરૂ કર્યા, પણ તેણે તેમની કોઈ વાત ધ્યાન ઉપર ન લીધી.

અંતે સરપંચે હાર માની લીધી અને કુંવારકા માતાના મંદિરે શ્રીફળ વધેરવાની વાત કરી. રસિકે એ વાતને પણ હસવામાં ઉડાવી દીધી, પણ ડરી ગયેલ શ્રુતિ સરપંચ અને મંડળી સાથે મંદિરે ગઈ. અડધા કલાક પછી તે એકલી પાછી ફરી.

“આવી ગઈ ડરપોક બિલાડી. બે વાતો કોઈએ શું કરી લાગી મંદિરોના આંટાફેરા કરવા. આપણે પત્રકાર છીએ, આવી અંધશ્રદ્ધાઓમાં વિશ્વાસ કરવાનો ન હોય. આપણી ટીમમાં સૌથી બહાદૂર હું જ છું.”

ટેન્ટ તો બપોરે જ ઊભા કરી દીધા હતા. સૂરજે સામી ક્ષિતિજ તરફ ઢળવાનું શરુ કર્યું અને ધીમે ધીમે અંધકાર પસરવા લાગ્યો. દૂરથી કોઈ શિયાળના રડવાનો અવાજ આવ્યો. તેના અવાજમાં કંઈક એવું હતું કે બંને ધ્રુજી ઉઠ્યા. રસિકે ધ્રુજતા હાથે સિગરેટ સળગાવી અને ટેન્ટમાં સ્ટેન્ડ ઉપર કેમેરા ગોઠવવા કહ્યું અને એન્ગલ એવો રાખવા કહ્યું જેથી તેની સંપૂર્ણ ગાદી કવર થાય. પેક કરીને લાવેલું જમવાનું ખાઈને શ્રુતિએ કહ્યું, “હું બીજા ટેન્ટમાં જાઉં છું.”

“હું તને ખાઈ થોડો જવાનો છું. અહીં જ સુઈ જા ને મારી પાસે. તારે આગળ વધવું નથી? જેટલી દૂર તું મારાથી રહીશ એટલો સમય તું કેમેરા પાછળ વીતાવીશ.” શ્રુતિને થપ્પડ મારવાની ઈચ્છા થઇ આવી, પણ તે જ સમયે ટેન્ટમાં મલુજીએ પ્રવેશ કર્યો.

તેણે શ્રુતિ તરફ જોયું અને કહ્યું, “બહેન, તમારે આંયાં તંબુમાં સુવાની જરૂર નથી. તમે હાલો મારે ઘેર. મારી ઘરવાળીએ તમને બરકવા મોકલ્યો સે. સાહેબ તો બહાદૂર છે, અહીં રહી શકશે.”

શ્રુતિ સમજી ગઈ કે મલુજી ક્યારનોય બહાર ઊભો રહીને તેમની વાતો સાંભળતો હતો અને ખરા સમયે અંદર આવ્યો. તેણે મનોમન ઈશ્વરનો પાડ માન્યો અને રસિક કંઈ કહે તે પહેલાં મલુજી પાછળ ચાલવા લાગી, મલુજીના હાથનો પરચો મેળવી ચૂકેલ રસિક બોલવાની હિંમત કરવાનો નહોતો.

ક્યાં સુધી બચશે એવો વિચાર કરીને રસિક પથારીમાં આડો પડ્યો. કલાક પછી આજુબાજુની નીરવ શાંતિ તેને કઠવા લાગી. વચ્ચે જ દૂરથી આવતા પ્રાણી અને પક્ષીના અવાજ વાતાવરણને વધુ બિહામણું બનાવી રહ્યા હતા. તેને માતાના મંદિરે ન જવાનો અફસોસ થવા લાગ્યો.

અચાનક તેને લાગ્યું કે કોઈ ટેન્ટની બહારથી દોડી ગયું. કોઈકનો ચાલવાનો અવાજ આવ્યો અને રસિકે હિંમત ગુમાવી દીધી. તેને બહાર દોડી જવાની ઈચ્છા થઇ, પણ તે જાણતો ન હતો કે કોનું ઘર કઈ તરફ છે. ટેન્ટની નજીકમાં જ જોરથી શિયાળના રડવાનો અવાજ આવ્યો અને રસિકને પરસેવો વળી ગયો. તેણે ધાબળો પોતાના ચહેરા ઉપર ઓઢી લીધો અને આંખો મીંચી દીધી.

 

બીજો એક કલાક સુનકારમાં વીત્યો. હવે તેને ઊંઘ આવવા લાગી. રાતના ત્રણ વાગ્યા હતા. તેનાં પોપચાં ઉપર જાણે એક મણનો ભાર આવી ગયો હોય તેમ ઢળવાં લાગ્યાં.આંખો બંધ થતાં જ તેની નજર સામે બિહામણું દ્રશ્ય આવી ગયું. તે પોતાનું ગળું કપાતાં જોઈ રહ્યો હતો. કોઈ છરો લઈને તેના મોઢામાં નાખી રહ્યું છે. તેના પગના નાખ કોઈ ખેંચી રહ્યું છે. અચાનક તેની આંખ ખૂલી તો ત્યાં એવું કંઈ ન હતું. તેણે અસયંત થયેલા શ્વાસને સંયંત કર્યા અને પાણી પીધું. તે જ સમયે તેને ઘોડાના ડાબલાંનો અવાજ સંભળાયો. તે પગલાં નજીક આવી રહ્યાં હતાં અને તેનો શ્વાસ અદ્ધર ચડી ગયો.

તેના કાનમાં એક રુક્ષ અને કર્કશ સ્વર પડ્યો અને તલવારથી ટેન્ટનું કપડું ચિરાઈ ગયું. રસિકના મોઢામાંથી ભયંકર ચીસ નીકળી જેના પડઘા દૂર સુધી પડ્યા. ગામમાં ઘણાબધાં લોકો પોતાની પથારીમાં જાગી રહ્યા હતા, પણ ઘરમાંથી બહાર નીકળવાની કોઈની હિંમત નહોતી.

**** 

સવારે સૂર્યોદય સાથે જ ટેન્ટ પાસે ભીડ જમા થઇ ગઈ. અંદર ચોતરી ચઢે એવું દ્રશ્ય હતું. રસિકનું મસ્તક કપાઈને તેના ધડથી દૂર પડ્યું હતું. તેના દાંત બહાર પડેલા હતા. તેની આંખો જમીન ઉપર કચડાયેલી હાલતમાં પડી હતી. તેના હાથ અને પગ ધડથી અલગ થયેલા હતા. તેનું લિંગ એક ખૂણામાં કપાયેલું પડ્યું હતું અને બચેલા ધડની આજુબાજુ રક્તનું ખાબોચિયું ભરાયેલું હતું. કેમેરા સ્ટેન્ડને બદલે નીચે પડ્યો હતો. રસિકની લાશ જોઇને એક બે જણ ને ઉલટી પણ થઇ ગઈ. ત્યાં હાજર એક પણ વ્યક્તિએ આવું ભયંકર દ્રશ્ય જોયું ન હતું. શ્રુતિ ત્યાં પહોંચી તો આ ઘૃણા ઉપજે એવું દ્રશ્ય જોઇને કંપી ઉઠી.

બપોર સુધીમાં ત્યાં પોલીસ આવી ગઈ હતી અને તેની પાછળ પાછળ મીડિયા પણ પહોંચી ગયું હતું. રસિક ગુજરાતની પ્રખ્યાત ચેનલનો સ્ટાર પત્રકાર અને ચેનલના માલિકનો પુત્ર હતો. થોડી જ વારમાં ઘણીબધી ચેનલો આ મર્ડર સ્ટોરી કવર કરી રહી હતી. ગામના મોટાભાગના લોકોનો ઇન્ટરવ્યુ લેવાઈ ચૂક્યો હતો. કોઈ દૈવીય શક્તિએ રસિકને મારી નાખ્યો હોવાની સ્ટોરી મોટાભાગની ચેનલો ઉપર ચલાવાઈ રહી હતી.

સાંજ પહેલાં પોલીસે પંચનામું કરી લીધું હતું અને રસિકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ. સાવચેતી ખાતર પોલીસ ઇન્સ્પેક્ટર રઘુવીર રાણાએ વધુ તપાસ બીજે દિવસે સવારે કરવાનું નક્કી કર્યું. થોડી જ વારમાં આખું ગામ ખાલી થઇ ગયું. કોઈ રસિકની જેમ ઝેરનાં પારખાં કરવા માગતું ન હતું. શ્રુતિ પોલીસ સાથે શહેર જવા નીકળી ગઈ. મલુજી અને તેની પત્નીએ તે પોતાના ઘરે રાત રોકાઈ હોવાની સાક્ષી આપી હતી.

દિવસો સુધી તપાસ ચાલતી રહી. કેમેરાનું રેકોર્ડીંગ ફરી ફરીને તપાસવામાં આવ્યું, પણ તેમાંથી કોઈ વાત જાતનો કલુ ન મળતાં રહસ્યમય માનીને કેસને બંધ કરી દેવામાં આવ્યો.

****

ગામના લોકો આઘાતમાં હતા. સાધારણ રીતે બહારથી આવનાર લોકો તેમની વાત સાંભળીને રાત રોકાતા નહિ, તેથી આવો કોઈ પ્રસંગ બન્યો નહોતો. આવી ભયંકર રીતે કોઈને મોતને ભેટેલું જોઇને તેઓ દુઃખી પણ હતા અને ડરી પણ ગયા હતા. અત્યારસુધી મોટાભાગના લોકોને બહારની વ્યક્તિ અહીં માતાના દર્શન અને વીર સામે પ્રતિજ્ઞા વગર રાત રોકાઈ ન શકે તે વાયકા લાગતી, પણ આ ઘટના પછી તે વાસ્તવિકતા બની ગઈ હતી. ગામમાં રહેતી દરેક વ્યક્તિને એવું લાગવા લાગ્યું કે તેમનું ગામ શ્રાપિત છે. ન્યુઝ ચેનલોમાં કુંભારણ ગામ શ્રાપિત ગામ તરીકે ઓળખાવા લાગ્યું. ઘણાબધા મુલાકાતી આવતા, પણ ગામ લોકોએ હવે એવી વ્યવસ્થા કરી કે જો મુલાકાતી વાત કરવાથી ન માને તો તેને જબરદસ્તી ગામની બહાર મોકલી દેવો. આવા કામમાં મલુજી અને તેના મિત્રો પાવરધા હતા.

****  

રસિકના મૃત્યુની ઘટનાને બે મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હતો અને તે સમયે ગામમાં એક સાધુએ પ્રવેશ કર્યો. ભગવા રંગનું ધોતીયું પહેરેલ તે સાધુનું ઉપરનું અંગ વિભૂતિથી મઢેલું હતું. તેમના ગળામાં અને હાથમાં કોઈ જાનવરનાં હાડકાંની બનેલી માળા હતી. કુંભારણમાં સાવ છેવાડાનું ગામ હોવાથી ત્યાં ભાગ્યે જ કોઈ સાધુ કે સંત આવતા. તે સાધુ કુંવારકા માતાના મંદિરમાં દર્શન કરીને તેના પ્રાંગણમાં જ વાઘના ચામડાથી બનેલ આસન ઉપર બેસી ગયા. આંખો બંધ કરીને હાથમાં રહેલ માળા ફેરવવા લાગ્યા.

આ સમાચાર ગામમાં ફેલાઈ ગયા એટલે ત્યાં ભીડ જમા થવા લાગી. સામે આટલો ગણગણાટ શરૂ થયો હોવા છતાં તે સાધુ મહાત્માની આંખો બંધ હતી. વધુ એક કલાક વીત્યો એટલે સરપંચની ધીરજ ખૂટી અને કંઈ કહેવા ઊભા થયા તે જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર રઘુવીર રાણાનો ત્યાં પ્રવેશ થયો. અન્ય ગ્રામજનોની જેમ તેણે પોતાના બૂટ પ્રાગણની બહાર કાઢ્યા અને સાધુની સામે ગયા. તેમની સામે તેણે હાથ જોડીને કહ્યું, “મોડા આવવા માટે ક્ષમા કરશો મહારાજ ! તમે મારી વિનંતીને માન આપીને અહીં આવ્યા તે માટે આપનો આભારી છું.”

તેની આ વાત સાથે જ સાધુએ આંખ ખોલી અને કહ્યું, “તારી વાત કેમ કરીને ટાળી શકાય. સત્ય ઉપર ચાલતી વ્યક્તિની વિનંતી પણ મારા માટે આદેશ સમાન છે.”

રાણાએ સરપંચ તરફ જોય અને કહ્યું, “આ સિદ્ધપુરુષ ગગનગિરિ મહારાજ છે. આમને તમારી સમસ્યા કહો. તમારી સમસ્યાનું સમાધાન આ જ કરી શકશે.”

સરપંચના ચહેરા ઉપર સંતોષના ભાવ આવ્યા અને તેણે સાધુ તરફ જોઇને કહ્યું, “મહારાજ, અમારા ગામમાં ગામના બહારની વ્યક્તિ અહીં રાત રોકાઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિ વીર સામે પ્રતિજ્ઞા ન લે તો રાત્રે તેનું મૃત્યુ થઇ જાય છે. કદાચ પહેલાંના સમયમાં આ આશીર્વાદ હશે, પણ હવે અમે શ્રાપિત હોઈએ એવું લાગે છે. આપ અમારી સમસ્યાનું નિરાકરણ લાવો.”

ગગનગિરિની તેજોમય આંખો સામે બેસેલી દરેક વ્યક્તિ ઉપર ફરવા લાગી. દરેક જણના હાથ જોડાયેલા હતા. તેમણે ફરી આંખો બંધ કરી અને માળા ફેરવવા લાગ્યા. પાંચ મિનિટ પછી આંખો ખોલીને કહ્યું, “સો વર્ષથી વધુ સમય પહેલાંની આ વાત છે, તમારું આ કુંભારણ ગામ આજુબાજુના સો ગામોમાં આગળ પડતું કહેવાતું. બાકીના ગામ કરતાં અહીંના લોકો વધુ સુખી હતા. તે સમયમાં એક ખૂંખાર ડાકુ હતો છનાસિંગ, તેની નજર આ ગામ ઉપર પડી, તેણે ધમકી સાથે અનાજ અને શસ્ત્રોની માગણી કરી, પણ ગામના ઠાકોર અજાજીએ ઝુકવાની ના પાડી. ગામવાળા અને ડાકુઓ વચ્ચે ત્રણવાર ટકરાવ થયો અને ઘણાબધાં યુવાનોએ પોતાનો ભોગ આપ્યો.” ગગનગિરિ મહારાજ એવી રીતે કહી રહ્યા હતા, જાણે બધું તેમની નજર સામે બની રહ્યું હોય.

****

વર્ષ : ૧૮૯૧

સ્થળ : કુંભારણ

 

અલુજીની વાત સાંભળીને બધાં સુન્ન હતાં, પણ ઠાકોર અજાજી લાચાર હતા. તેઓ એ સત્ય સારી રીતે જાણતાં હતાં કે વધુ જુધો થાશે તો ગામની દરેક વ્યક્તિ મરી જશે, પણ છનાસિંગનો વાળ પણ વાંકો નહિ થાય.

અઘોરીઓ સાથે લાંબો સમય વિતાવી ચૂકેલ અલુજી જાણતો હતો અઘોરીઓ પાસે તલવાર કરતાં પણ વધુ ભયંકર શસ્ત્રો હોય છે. વિદ્વેષણ, ઉચ્ચાટન, મારણ, મોહન, વશીકરણ જેવાં ષટયંત્રો હોય છે. તેણે જેમને ગુરુ માન્યા હતા અને બે વર્ષ સુધી તેમની સેવા કરી હતી, તે ગુરુ અલખનાથે વચન આપ્યું હતું કે જીવનમાં એકવાર તેણે ઈચ્છેલું કામ તે કરી આપશે.

અલુજીને વિધિની ખબર હતી તેથી બલિ તૈયાર કર્યા પછી જ અલખનાથને મનથી યાદ કર્યા. બીજે દિવસે સવારે અલખનાથ ગામમાં આવી ગયા હતા. અલુજીના ઘરની બહાર પહોંચીને તેમણે અલખનો નારો લગાવ્યો એટલે અલુજી બહાર આવીને તેમના પગે લાગ્યો. અલખનાથને ઘરમાં આસન ઉપર બેસાડ્યા પછી અલખનાથે પૂછ્યું, “મેરી યાદ કયું આઈ બચ્ચા?”

અલુજીએ માંડીને વાત કરી એટલે તેમણે કહ્યું, “બચ્ચા, ઇસમેં કોન સી બડી બાત હૈ. મુઝે ઉનકે ડેરે પર લે જાવો, ઉનકો મેં ભસમ કર દુંગા.”

અલુજીએ માથું ધુણાવ્યું અને કહ્યું, “ગુરૂજી, આજ એક ડાકુ તો સુટકારો મેળવી દેહો, પણ બીજો ડાકુ આવહે તો કેમ બચહું. ઇના કરતાં જો ગામની રખા માટેની વિધિ કરીએ તો માતા ગામની રખા કરે, પસે ભલે એક ડાકુ આવે કે દહ.”

અલખનાથ વિચારમાં પડી ગયા. તેમણે થોડીવાર પછી અલુજી સામે જોયું તો તેણે કહ્યું, “એક કુંવારકા ને એક સોકરું ભોગ આપવા તયાર સે.”

 અલખનાથના કપાળ ઉપર કરચલી પડી ગઈ. તેમણે પોતાની આંખો બંધ કરી અને ધ્યાન લગાવ્યું. પંદર વીસ મિનિટ પછી તેમણે આંખો ખોલી અને કહ્યું, “બચ્ચા, ગુરુ કા આદેશ મિલા હૈ, તુમહારા કામ હો જાવેગા. કલ રાત કો તૈયારી શરુ કરેંગે ઓર પરસો વિધિ હોગી. તુમ, મેં, તીનો બલી ઓર એક સાક્ષી. ઉસસે જાદા હુવે તો મેં ચલા જાઉંગા.”

“તમારું વચન નહિ ઉથાપું.” અલુજીએ બે હાથ જોડીને કહ્યું.

અલખનાથના ગયા પછી અલુજી જઈને અજાજીને મળ્યો અને ગુરુ સાથે થયેલી વાત કહી. અંતે સાક્ષી તરીકે અજાજીએ પોતે રહેવાનું સ્વીકાર્યું. સાક્ષીદારે વિધિમાં કોઈ છેતરપીંડી તો થતી નથી એ જોવાનું હોય છે.

****

બીજે દિવસે સૂરજ આથમ્યા પછી અલખનાથ હાજર થયા. અજાજીએ મળેલી સૂચના મુજબ ‘ઓમ નમઃ શિવાય’ ના જાપ કર્યા હતા. જેનાથી તેમના મનને મજબૂતી મળી હતી. તે છતાં ક્યાંક ઊંડે એક ડર તેમના મનમાં સમાયેલો હતો. વાતાવરણ કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું.

અલખનાથે ગામની બહાર એક જગ્યાએ ત્રણ વેદી બનાવી અને તેને ગારમાટીનું લીંપણ કર્યું. તેની આજુબાજુ વિચિત્ર આકૃતિઓ દોરી અને બીજમંત્રો લખ્યા. તે પછી અલુજીને તેમણે હવીષ્ય સામગ્રી લાવવા કહ્યું. અડદ, ચોખા, દૂધ, સરસવ, રંગબેરંગી ફૂલો, અત્તર જેવી સામગ્રી હતી તેમાં. મુખ્યવિધિ તેના પછીના દિવસે થવાની હતી, પણ તે પહેલાં જેમનો બલિ આપવાનો હતો તેમની પૂજા કરવાની હતી. જે કન્યાનો બલિ આપવાનો હતો તેનું નામ કંકુ હતું અને છોકરાનું નામ ખીમો હતું.

કંકુ, ખીમો અને તે બલિ માટે લાવવામાં આવેલ બકરાને એક એક વેદી સામે ઊભા રાખવામાં આવ્યા. અજાજી અને અલુજી એક ખૂણામાં ઊભા રહી ગયા. મધ્યરાત્રે અલખનાથે જાપ કરવાનું શરૂ કર્યું. જેમ જેમ તેમના જાપ આગળ વધવા લાગ્યા તેમ તેમ તેમનો અવાજ અને ચહેરો રૂક્ષ થવા લાગ્યો. તેમનું શરીર અકડાવા લાગ્યું. તેમની ઉગ્રતા વધવા લાગી. કંકુ અને ખીમાની આંખમાં ભય ડોકાવા લાગ્યો. અલખનાથની આંખો સંપૂર્ણરીતે લાલ થવાની સાથે જ કંકુ અને ખીમો ભયથી ધુજવા લાગ્યા. ઠંડી રાતે પણ અજાજીને પરસેવો વળવા લાગ્યો. અલુજીએ પોતાની પાસે રહેલ ગાંજા ભરેલી ચલમ સળગાવી અને એક કશ લીધો. તેણે આવા ઘણા દ્રશ્યો જોયા હોવાથી તેને કોઈ લાગણી થઇ રહી નહોતી. મંત્રજાપ પૂર્ણ થયા પછી અલખનાથ કંકુ પાસે આવ્યા અને તેના કપાળ ઉપર રાખનું તિલક કર્યું. કંકુને લાગ્યું કોઈએ સળગતો અંગારો તેના કપાળ ઉપર ચાંપી દીધો હોય.

ખીમાને તિલક કરતી વખતે તેણે રાડ પાડી. તેને ઈચ્છા થઇ કે ત્યાંથી દૂર ભાગી જાય, પણ તેના પગે તેનો સાથે છોડી દીધો હતો. તે પોતાની જગ્યાએથી હલી પણ ન શક્યો. તે પછી અલખનાથે પોતાના થેલામાંથી એક ખપ્પર કાઢ્યું અને તેની ઉપર એક કાળું કપડું ઢાંક્યું. થોડીવાર પછી કપડું હટાવ્યું તો તે ખોપરીમાં ઘણીબધી મીઠાઈ મુકેલી હતી. અલખનાથે પોતાના હાથથી તેમને મીઠાઈ ખવડાવી. તે મીઠાઈ ખાધા પછી ત્રણેય બલિની આંખોમાં દેખાઈ રહેલ ડર અદ્રશ્ય થઇ ગયો. હવે જાણે તેમને કોઈ ડર ન હોય તેમ નિર્ભય બન્યા.

અજાજીને આ વિધિ શરૂ કરાવવા માટે અફસોસ થવા લાગ્યો, તેમને વિચાર આવ્યો કે આના કરતાં તો લડીને ખપી ગયો હોત.

તે જ સમયે અલખનાથ બરાડી ઉઠયા, “યેહી નિયતિ હૈ ગાંવકી, નહીતર ગુરૂજીને આદેશ નહિ દિયા હોતા, ભરોસા રખ, અહિત નહિ હોગા.” એટલું કહીને અલુજી તરફ ચલમ લાવવાનો ઈશારો કર્યો.

અજાજી સમજી ગયા કે તેમણે આવું કેમ કહ્યું. આજની વિધિ તો પૂર્ણ થઇ ગઈ હતી. અજાજીએ હાશકારો લીધો, પણ તેમને ક્યાં ખબર હતી કે આવતી રાત્રે હજી ખોફનાક દ્રશ્યો જોવાનાં છે.

ત્રીજી રાત્રે તે જગ્યાએ ફરી છ જણ જ હતા. અજાજીની સૂચના પ્રમાણે ગામની દરેક વ્યક્તિ ઘરમાં સમાઈ ગઈ હતી અને સવાર પહેલાં બહાર આવવાની નહોતી. આજે દ્રશ્ય થોડું જુદું હતું. આજે બે વેદી સામે બે માટીના પૂતળાં મૂક્યાં હતાં. એક પૂતળું સ્ત્રીનું હતું અને એક પૂતળું પુરુષનું હતું. સ્ત્રી પૂતળાના એક હાથમાં તલવાર હતી અને એક હાથમાં ખપ્પર અને પુરુષ પૂતળાના હાથમાં ત્રિશુળ હતું.

અલખનાથે પૂતળાંઓ ઉપર અભિમંત્રિત જળ છાંટ્યું, ત્યારબાદ અલખનાથે દિશાઓ બાંધવાનું શરુ કર્યું. તેણે ફક્ત સામેની દિશા ખુલ્લી રાખી. આ બધી પ્રક્રિયા વખતે તેમના હોઠ નિશ્ચિત રીતે કંપી રહ્યા હતા, જાણે કોઈ મંત્રનું રટણ કરી રહ્યા હોય. ગઈકાલે અલુજી ફક્ત મૂક દર્શક બનીને રહ્યો હતો, પણ આજે તે અલખનાથને મદદ કરી રહ્યો હતો. તેમના ઈશારા પ્રમાણે ઈચ્છિત વસ્તુ આપી રહ્યો હતો તેમ જ જયારે તે ઈશારો કરતા ત્યારે મંત્ર બોલીને આહુતિ આપી રહ્યો હતો. હંમેશાં નશામાં રહેનાર અલુજી આજે કંઈક અલગ ભાસી રહ્યો હતો. ઘણાબધાં મંત્રોના ઉચ્ચાર પછી અલખનાથ એક મોટું ખડગ બકરા તરફ આગળ વધ્યા. ગઈકાલે ધમપછાડા કરતો બકરો આજે શાંતિથી ઉભો હતો અને કંકુ તેમ જ ખીમો પોતાની વેદી આગળ ગોઠણભેર નિર્લેપ ચહેરે બેઠાં હતા, જાણે તેમને કંઈ ખબર પડતી ન હોય અથવા મૃત્યુનો સ્વીકાર કરી લીધો હોય.

અલખનાથનું ખડગ હવામાં ઉઠ્યું અને એક જ વારમાં બકરાનું મસ્તક કપાઈને વેદીમાં પડ્યું અને રક્તનાં છાંટા કંકુ, ખીમો તેમ જ અજાજી સુધી ઉડ્યા. રક્તના છાંટા ગાલ અને કપડાં ઉપર પડતાં અજાજી ધ્રુજી ઉઠ્યા. ઘણા યુદ્ધોમાં અજાજીએ રક્તથી સ્નાન કર્યું હતું, પણ ન જાણે કેમ બકરાના રક્તમાં અંગારા હોય એવું લાગ્યું.

અલખનાથે બકરાના બચેલા ધડ ઉપર કાળું કપડું નાખી દીધું. થોડીવાર પછી જયારે કપડું હટાવ્યું ત્યારે બકરાના શરીરમાં માંસ બચ્યું ન હતું. અલખનાથનો ચહેરો પ્રસન્નતાથી ચમકવા લાગ્યો. તે છતાં સાવધ હતા, કારણ આવી વિધિઓમાં નાની ભૂલ પણ જીવનનો અંત કરી દેતી હોય છે.

અલખનાથે ફરી બીજી વેદીમાં આહુતિઓ હોમવાનું શરૂ કર્યું. બીજા બે કલાક સુધી તે ટૂંકા મંત્રો બોલીને આહુતિ આપતા રહ્યા. થોડી જ વારમાં વાતાવરણ ભારે થવા લાગ્યું, ત્યાં હાજર દરેક વ્યક્તિને પોતાના શરીર ઉપર ભાર વર્તાવા લાગ્યો. ખીમો જમીન સરસો થઇ ગયો. અલુજી અને અજાજી પણ જમીન ઉપર બેસી પડ્યા. ફક્ત કંકુ અને અલખનાથ પોતાની જગ્યા ઉપર સ્થિર રહ્યા. અચાનક વાતાવરણ ચીસોથી ધમધમી ઉઠ્યું. કાન ફાડી નાખે એવી ચીસો સંભળાવા લાગી. અલખનાથ જાણી ગયા કે પરીક્ષાનો સમય છે એટલે તેમણે પોતાનું સમગ્ર ધ્યાન મંત્રોચ્ચાર ઉપર કેન્દ્રિત કર્યું. બાકી લોકોએ પહેલાંથી અપાયેલી સૂચના મુજબ આંખો બંધ કરી દીધી. કંકુ ફાટી આંખે બધું જોઈ રહી હતી.

હવે અલખનાથ ખડગ લઈને ખીમા તરફ આગળ વધ્યા. અજાજી અને અલુજીની આંખો બંધ હોવાથી તેઓ આ ભયંકર દ્રશ્ય જોવાથી બચી ગયા. કંકુ નિર્લેપ ભાવે બધું જોઈ રહી હતી. જયારે ખીમાના રક્તના છાંટા તેના ચહેરા ઉપર ઉડ્યા ત્યારે તે એક ક્ષણ માટે ધ્રુજી ઉઠી. પોતાનો અંત એકદમ નજીક છે એનો એહસાસ થતાં તે જાણે ભાનમાં આવી હોય તેમ ઉઠવા ગઈ, પણ તેનું ઢીંચણ જાણે હજારો મણનું હોય તેમ તેનો ભાર ઉપાડી ન શકી. અલખનાથ આવી શક્યતા વિષે જાણતા હતા તેથી તરત અભિમંત્રિત જળ તેની ઉપર છાંટ્યું અને તે ફરીથી પોતાના સ્થાન ઉપર સ્થિર થઇ ગઈ અને ચહેરો ફરી નિર્વિકાર બની ગયો.

ખીમાના ધડના ભક્ષણ બાદ પુરુષનું પૂતળું સજીવ થઇ ગયું તેમ થોડું હલ્યું અને ફરી સ્થિર થઇ ગયું. અલખનાથનું મન પ્રસન્ન થઇ ગયું. વિધિનું બીજું ચરણ પણ સફળ થઇ ગયું હતું. હવે ત્રીજું અને છેલ્લું ચરણ બાકી હતું. હવે અલખનાથે લાંબા મંત્રો બોલવાનું અને સાથે જ આહુતિ આપવાનું શરુ કર્યું. અલખનાથે અલુજીને દૂર આવેલા પીપળા પાસે જવાનું કહ્યું. અજાજીને પીઠ ફેરવીને ઉભા રહેવાનો ઈશારો કર્યો.

બીજા એક કલાક સુધી તે મંત્રો બોલતા રહ્યા અને આહુતિઓ આપતા રહ્યા. હવે વાતાવરણમાં જુદા જુદા પ્રાણીઓની કાળજું કંપાવી દે એવી ત્રાડો સંભળાવા લાગી. એક ક્ષણ માટે હજી સુધી અડગ રહેનાર અલખનાથ પણ ધ્રુજી ઉઠ્યા, પણ તેમણે મંત્રોનું રટણ કરવાનું શરુ રાખ્યું. છેલ્લો વારો કંકુનો હતો. ઘાઘરો, પોલકું અને ચુંદડીમાં સજ્જ કંકુના કપાળમાં અલખનાથે મોટો કંકુનો ચાંદલો કર્યો. બલિ પહેલાં કંકુનું રૂપ ચમકી રહ્યું હતું, તે કોઈ દેવી સમ ભાસી રહી હતી. અંતે તેમણે ખડગ કંકુની ગરદન ઉપર ચલાવ્યું અને મૃત થયેલી કંકુનું ધડ જમીન ઉપર પડ્યું અને તે સાથે જ સમગ્ર આકાશમાં ગર્જનાઓ થવા લાગી.

સ્ત્રીનું પૂતળું જાણે જીવિત થયું હોય તેમ હવામાં ઉડ્યું અને પીપળાના ઝાડ પાસે પહોંચી ગયું અને તેની પાછળ પુરુષનું પૂતળું પણ પીપળાની ડાળ ઉપર પહોંચી ગયું.

‘આનંદ આનંદ આનંદ’ એવો નાદ સ્ત્રીના પૂતળામાંથી નીકળ્યો એટલે અલખનાથની સૂચના પ્રમાણે અલુજીએ ‘વચન વચન વચન’ એમ એક જ શબ્દનો ત્રણ વાર ઉચ્ચાર કર્યો. સ્ત્રી પૂતળાનું ધ્યાન અલુજી તરફ ગયું અને તેણે માગ એમ કહ્યું એટલે “ગામની ચોકી કરવી પડશે. બહારની વ્યક્તિ રાત નહિ રહી શકે.”

“કરીશ, હું અને મારો પ્રચંડભૈરવ ગામની ચોકી કરીશું.” એવો અવાજ પૂતળામાંથી નીકળ્યો.

અલખનાથના કહ્યા પ્રમાણે આ એક જ વચન અલુજીએ ત્રણવાર માગ્યું. તેમણે કહ્યું હતું કે જો દેવીય શક્તિ પાસે વાત પાક્કી કરવી હોય તો ત્રણ વાર કહેવડાવવું. અજાજી આ ભયંકર અને વિશ્વાસ ન કરી શકાય એવું દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા હતા. તેમને શું સત્ય છે અને શું કલ્પના છે એ જ ખબર પડતી નહોતી. વચન આપ્યા પછી પૂતળાં અદ્રશ્ય થઇ ગયાં હતાં.

એકાદ કલાકમાં સવાર પડવાની હતી. અલખનાથ અને અલુજીએ બધું સમેટવાનું શરૂ કર્યું અને અજાજી ઢીલા શરીર સાથે ઘરે ગયા.

દિવસ ઉગ્યા પછી અલખનાથના કહ્યા પ્રમાણે ખીમા અને કંકુના બચેલા ધડના અવશેષોને જુદી જુદી જગ્યાએ દાટી દીધા અને પાછળથી ત્યાં મંદિર બાંધવાનું નક્કી કર્યું.

અઠવાડિયા પછી છનાસિંગ અને તેની ટોળકીને ગામમાં ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું. ડાયરામાં કસુંબો અને ગાંજો ખૂબ પીવાયો. રાત્રે ટોળકીની સુવાની વ્યવસ્થા મોટા ઘરમાં કરવામાં આવી. બીજા દિવસે લઇ જવાની અનાજની ગુણો, ઘરેણાં અને તલવારો છનાસિંગને દેખાડવામાં આવી. છનાસિંગ પોતાની સફળતાથી ખૂશ થઇ ગયો. તે અને તેના સાથીદારો નશામાં ચકચૂર થઈને સુઈ ગયા. તેનો જાણતા ન હતા કે તેમની સાથે શું થવાનું છે. સવાર પડ્યું ત્યારે તેમનાં ક્ષત વિક્ષત શરીરો ઘરમાં પડ્યાં હતાં. અલુજીનો દાવ સફળ થયો હતો. અનેક ગામ અને રજવાડાંને રંજાડનાર છનાસિંગ ક્રુરતાથી મૃત્યુ પામ્યો હતો.

****

ગગનગિરિ મહારાજની વાત પૂર્ણ થઇ એટલે વિરમજીએ તેમને પૂછ્યું, “મહારાજ, તે ડાકુ તો મરી ગયો, પણ તે વચન તો સો વર્ષ પહેલાનું છે. શું માતાજી અને તેમનો ભૈરવ હજી પણ ગામની રક્ષા કરી રહ્યાં છે?”

ગગનગિરિ મહારાજે સ્મિત કર્યું અને કહ્યું, “દેવતાઓની વચન ઉપર ભરોસો રાખવો. તે તમારું અહિત નહિ થવા દે. કોઈ આફત આવશે તો તે તમારી રક્ષા કરશે. તેમને લીધે જ તમારા ગામમાં સુખ છે. હું ચાહું તો તેમને પ્રસન્ન કરીને આ વચનમાંથી કદાચ મુક્ત કરી શકું, પણ તેમની છાયા તમારી ઉપરથી દૂર થશે તો બીજી મુસીબતો પણ તમારી ઉપર આવી શકે. બહારથી આવનારને કુંવારકા માતાનાં દર્શન કરીને શ્રીફળ વધેરવા કહો અને વીર આગળ વચન લેવરાવો. કોઈનું અહિત નહિ થાય.”

થોડો શ્વાસ લઈને તેમણે કહ્યું, “માતાનું છત્ર નસીબવાળાઓને મળે છે. તે તમારી રક્ષા કરી રહ્યાં છે. તમે રક્ષિત છો શ્રાપિત નહિ.” એટલું કહીને તે ઊભા થયા એટલે વિરમજી આગળ વધ્યા અને તેમના આશીર્વાદ લીધા. ગામની દરેક વ્યક્તિને આશીર્વાદ આપ્યા પછી ગગનગિરિ મહારાજ ચાલવા લાગ્યા એટલે ઇન્સ્પેકટર રાણાએ કહ્યું, “આવો મહારાજ, તમને મારી જીપમાં તમારા આશ્રમ સુધી છોડી દઉં.”

ગગનગિરિના બેઠા પછી જીપ આગળ વધી. ગામથી ઘણા દૂર પહોંચ્યા પછી રાણા હસવા લાગ્યો અને કહ્યું, “વાહ ! આજ તો મજા આવી ગઈ. સરસ સ્ટોરી પ્લાન્ટ કરી. હવે દરેક ન્યુઝ ચેનલ ઉપર આ સ્ટોરી ચાલશે અને રસિકની ફાઈલ હંમેશ માટે બંધ થઇ જશે.”

ગગનગિરિનો ચહેરો નિર્વિકાર હતો. તેમણે કહ્યું, “મેં જે કંઈ કહ્યું એ સત્ય હતું, ફક્ત એક બાબત છોડીને, તેનું કારણ અપાયેલું વચન.” તેમની બાજુમાં બેસેલ રાણા વધુ જોરથી હસવા લાગ્યો અને કહ્યું, “હવે રોલમાંથી બહાર આવ. તને તારા પૈસા મળી જશે.”

તે જ સમયે રાણાના મોબાઈલની રીંગ વાગી અને જે કહેવાયું તેનાથી તે આશ્ચર્યમાં પડી ગયો. ગગનગિરિના ચહેરા ઉપર સ્મિત હતું તેણે કહ્યું, “શું થયું? તેં જેને સાધુ થઈને આવવા કહ્યું હતું તે બીમાર પડી ગયો ને? તમારા કામ માટે તમે દેવના નામનો ઉપયોગ કરીને ભૂલ કરી છે અને તેનો ઉચિત દંડ તને પણ મળશે. તેં અને તારી બહેને સ્ત્રીલંપટ અને અનેક સ્ત્રીઓ સાથે બળાત્કાર કરી ચૂકેલ રસિકનું કાસળ કાઢવાનો પ્લાન બનાવ્યો હતો તે માર્રી જાણકારીની બહાર નથી. તારી બહેને જ રસિકને આ ગામનું નામ સૂચવ્યું હતું. રાત્રે તેં જ આવીને રસિકને ક્રુરતાથી મારી નાખ્યો અને કેમેરા તેં ચાલાકીથી બંધ કરી દીધો હતો. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું કે કેમેરા નીચે પડીને બંધ થઇ ગયો હતો. મેં ત્યાં કહેલી એક એક વાત સત્ય હતી, તેમાં અસત્ય એટલું જ હતું કે માતા ભંજના પાસે વચન અલુજીએ નહીં અલખનાથે માંગ્યું હતું. દેવ હંમેશા વચન બલિ આપનારને આપે છે. અલખનાથે માંગેલા વચનમાં ડાકુઓથી ગામનું રક્ષણ કરવાની વાત હતી, બાકી કોઈનું અહિત થવાનું ન હતું. ડાકુઓના ત્રાસથી છુટકારો મેળવ્યા પછી અજાજીએ અલખનાથને વિનંતી કરી કે જો એવી વાત ફેલાવવામાં આવે કે ગામમાં બહારની વ્યક્તિ રહે તેનું મૃત્યુ થઇ જાય તો અંગ્રેજો કે મોટા દરબારો ગામને કનડે નહિ. ગામના લોકોની રક્ષા માટે જ અલખનાથે અજાજીને કોઈને આ વાત ન જણાવવાનું વચન આપ્યું હતું. મને દરેક વાત સ્પષ્ટતથી ખબર છે કારણ મારું નામ ગગનગિરિ નહીં, પણ અલખનાથ છે.” એટલું કહીને અલખનાથે ચાલુ જીપે કુદકો માર્યો.

રાણાએ જીપ ઉભી રાખી અને પાછળ જોયું તો કોઈ નહોતું. અલખનાથ જાણે હવામાં ઓગળી ગયા હતા. બહાદૂર ગણાતો ઇન્સ્પેક્ટર રાણા ધ્રુજી ઉઠ્યો. તેણે વિચારમાં ને વિચારમાં જીપ આગળ વધારી અને તેનો ભયંકર એક્સીડેન્ટ થયો, જેમાં તેણે એક પગ ગુમાવી દીધો. દેવના નામનો ઉપયોગ કરવા માટે તેને ઉચિત દંડ થયો હતો.

 

સમાપ્ત  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ