વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિવૃત્તિ પછીનું જીવન

"નિવૃત્તિ પછીનું જીવન"


હાશ.... હવે નિવૃત્ત થયો.આખી જીંદગી ઓફિસમાં કામ કરતો હતો પણ કોઈને મારા કામની કદર નહોતી. સારું થયું કે નિવૃત્ત થયો. હવે ઓફિસમાં બધાને ખબર પડશે કે મારા વગર કેટલી તકલીફો પડવાની છે.... હવે તો બસ... આરામ..જ આરામ કરવો છે. અત્યાર સુધી મહેનત કરી. હિંમત રાખીને સારી રીતે જીવન પસાર કર્યું.હવે તૈયાર બધું મળશે. કુટુંબ માટે પણ ઘણું કર્યું. હવે સંતાનો એ પણ મારા માટે ધ્યાન આપવું પડશે...


આમ વિચારતો હસમુખભાઈ મનમાં મલકાતા આખો દિવસ ઘરમાં બેસી રહેતા હતા.

સંતાનો સારા હતા એટલે સેવા કરતા હતા.


આમને આમ બે વર્ષ સારી રીતે પસાર થયા.

પણ હસમુખ ભાઈ નિવૃત્ત પછી પ્રવૃત્તિ વગરના આળસુ બની ગયા. હવે એમને કબજીયાત તેમજ પાચનતંત્રના પ્રોબ્લેમ થવા લાગ્યા.


સંતાનોએ દવા કરાવી.થોડો વખત સારું રહેતું હતું પછી ડાયાબિટીસનો પ્રોબ્લેમ.... આમને આમ ત્રણ થી ચાર વર્ષમાં હસમુખભાઈ નંખાઈ ગયા.


હવે એમને વિચાર આવવા લાગ્યો કે ઈશ્વર બોલાવી લે તો સારું...

આમ દરરોજ વિચાર કરતા રાત્રે સુઈ જતા હતા.

એક રાત્રે આવો વિચાર કરતા ઘસઘસાટ ઊંઘી ગયા.

અને એમને યમદૂત બોલાવવા આવ્યો..

યમદૂત:-' ચાલો.. હસમુખભાઈ હવે તમારું જીવન સમાપ્ત થયું છે.મારી સાથે યમલોક.. તમે તૈયાર છો ને!'


હસમુખભાઈ આ સાંભળીને ગભરાઈ ગયા.

બોલ્યા:-' ના..ના.. હું તૈયાર નથી.હજુ તો મારે જીવવું છે.છોકરાના છોકરાના લગ્ન જોવા છે. જીંદગીની મજા માણવી છે.નવો જમાનો જોવો છે..ના..ના.. યમદૂત તમે ભૂલા પડ્યા લાગો છો.મારી સોસાયટીમાં બીજા હસમુખરાય છે તેમને લેવા આવ્યા હશો. એ નેવું વર્ષના છે.. દરરોજ એમને સવારે ચાલતા જોઉં છું..આટલી ઉંમરે એ મહેનત કરતા હોય છે..યોગા કરે છે તેમજ સામાજિક પ્રસંગે પણ જતા જોઉં છું..ના..ના.. તમે ભૂલા પડ્યા છો.'


યમદૂત:-' અરે હસમુખભાઈ.. હું તમને જ લેવા આવ્યો છું યમરાજે મને તમારો ફોટો પણ આપ્યો છે.એ જોઈને જ તમને લેવા આવ્યો છું.ઈશ્વરે તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે.તમે જીંદગીથી કંટાળી ગયા છો.એ ઈશ્વરને ખબર પડી ગઈ છે.હસમુખરાયની ઉંમર એકસો પાંચ વર્ષની છે.એ જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી એમને કશું થવાનું નથી.માટે તમે તૈયાર થઈ જાવ.'


હસમુખભાઈ જોરથી બૂમ પાડી ઊઠ્યા.....અરે કેટલી વખત કહું કે મારો વારો નથી.મારે હજુ જીવવું છે.. આજથી હું પણ સવારે ચાલવા જવાનો છું.તેમજ પ્રવૃત્તિ કરતો રહીશ. ગુસ્સો કરીશ નહીં.બસ હવે મને માફ કરો.ઈશ્વરને બીજી પ્રાર્થના કરીશ કે મને હંમેશા સદબુદ્ધિ આપજો. તેમજ મને પ્રવૃત્તિમય જીવન જીવવા દેજો..


હસમુખભાઈની બૂમ સાંભળીને એમની પત્ની જાગી ગઈ.

બોલી:-' શું થયું?‌આમ યમદૂત.. યમદૂત કેમ બોલો છો?'


હસમુખભાઈને વાસ્તવિકતા ખબર પડતા બોલ્યા કે આતો નવરા મનના વિચારો હતા. હા.. સવારે પેલા હસમુખરાય ચાલવા નીકળે એમની સાથે હું પણ ચાલવા જવાનો છું.સવારે છ વાગ્યાનો એલાર્મ મુક. ને... હા.. હવે હું મારું કામ જાતે કરીશ. જીવનમાં પ્રવૃત્તિઓનું મહત્વ શું છે એ ખબર પડી.'


હસમુખભાઈ ની પત્ની:-' સારું સારું.. હવે શાંતિથી સુઈ જાવ. ઠંડી કેટલી પડે છે.સવારની વાત સવારે..ને...હા.. શુભ શુભ વિચારવાનું અને બોલવાનું રાખજો. ને મન શાંત રાખજો.'

- કૌશિક દવે 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ