વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘધનુષ

મેઘધનુષ

                                                લેખક: પાટણવાડિયા અશ્વિનકુમાર કાંતિભાઇ

   રૂપેશ્વરી નામે એક નગરી હતી. નગરીના નામ પ્રમાણે ત્યાની રાજકુમારી પણ રૂપ-રૂપનો અંબાર હતી. તેનુ નામ હતું ધરા.  તે રાજકુમારીને પોતાના ચિત્રો દોરાવવાનો અનેરો શોખ હતો. તે દેશ દેશાવરથી ચિત્રકારને બોલાવતી પોતાના ચિત્રો દોરાવતી. એકવાર ચિત્ર દોરાવતા, તેની નજર વિવિધ રંગો ઉપર પડી. તેને રંગો વિશે જાણવાની ઈચ્છા થઇ. તેને સ્નેહ નામના ચિત્રકારને રંગો વિશે જણાવવા કહ્યું, ચિત્રકાર રાજકુમારીને વિવિધ રંગો વિશે જણાવવા લાગ્યો. તેને રાજકુમારીને કહ્યું કે પ્રકૃતિના મુખ્ય સાત રંગો છે. ત્યા રાજકુમારી બોલી, ચિત્રકાર મે પ્રકૃતિમાં કદી સાત રંગ ભેગા નથી જોયા .

ચિત્રકાર કહે,   રાજકુમારી એ કદી ભેગા- ભેગા જોવા નથી મળતા, પ્રકૃતિમાં અલગ-અલગ જોવા મળે છે . ચિત્રકાર રાજકુમારીનુ ચિત્ર દોરી ત્યાંથી રવાના થયો, પરંતુ રાજકુમારી હજુ તે સાત રંગોમાં ખોવાયેલી હતી.

રાજકુમારી પરણવા લાયક થતા, તેના પિતાને તેની ચિંતા થવા લાગી. તેને રાજકુમારીનો સ્વયંવર યોજવાનુ નકી કર્યુ. તે સ્વયંવર માટે રાજકુમારીએ શરત મૂકી,  કે જે મારી શરત મુજબ અનુસરશે તેને જ હું વરીશં. પિતાએ રાજકુમારીની વાત સાંભળી હસતા હસતા હા પાડી.

સ્વયંવરનો દિન નક્કી થયો, અને એ દિવસ આવી પણ ગયો. દેશ-દેશાવરથી વિવિધ રાજાઓ આવ્યાં. સૌં રાજકુમારી ને પરણવા આતુર હતા. રાજકુમારી પિતાના કહ્યાં મુજબ તે મહેલના ઝરુખામાં આવી, અને તેને બધા રાજકુમાર સમક્ષ પોતાની શરત મુકી કે  મેં પ્રકૃતિમાં સાત રંગો ભેગા જોયા નથી. જે રાજકુમારના શરીરમાં  સાત રંગો ભેગા સમાયેલા હશે, તેને હું વરમાળા પહેરાવીશ. રાજકુમારીની આવી વાત સાંભળી તેના પિતા સ્તબ્ધ રહી ગયા. સાથે બધા રાજકુમારોના સ્વપ્ન પણ ચકનાચુર થઇ ગયા. બધા રાજકુમારો એકબીજાને જોવા લાગ્યા. પણ એકપણ રાજકુમારમાં સાત રંગો સમાયેલા ન હતા. તેઓ ત્યાંથી વીલા મોઢે ચાલતા થયા પરંતુ એક મેઘ નામનો રાજકુમાર ઉભો રહ્યો. અને તે રાજા પાસે આવ્યો.ને રાજાને પ્રણામ કરી બોલ્યો રાજા મારામાં સાત રંગો સમાયેલા નથી.પરંતુ,  હું રાજકુમારીને સાચા મનથી પસંદ કરુ છું. મને એક સપ્તાહનો સમય આપો. રાજાને પણ તેનો વિશ્વાસ જોઇ તેને સમય આપવાનો વિચાર થયો, અને તેને એક સપ્તાહનો સમય આપ્યો.  

રાજકુમારી પણ રાજકુમારને  જોઇ તેના આત્મવિશ્વાસ પર મોહિત થઇ ગઇ. તે પણ રાજકુમારને મનોમન ચાહવા લાગી. પરંતુ તેને પોતાની શરત બરાબર યાદ હતી.

રાજકુમારને મુદત મળતા જ તે રંગોને પોતાનામાં કઇ રીતે સમાવવા તે વિશે વિચારવા લાગ્યો. વિચારતા વિચારતા તે એક જંગલમાં જઇ ચડયો.તેને હવે ખુબ ભૂખ લાગી હતી. તે એક જાંબુના ઝાડ નીચે બેઠો. તેની નીચે પડેલા જાંબુના ફળનાં રંગ ઉપર ગઇ.તેથી તે જાંબુના ઝાડને બે હાથ જોડી પોતાની મનની વાત કરવા લાગ્યો. તેની વાત સાંભળી જાંબુનું ઝાડ બોલવા લાગ્યું. રાજકુમાર બહાદુર હતો તે વાત કરવા લાગ્યો. તેની વાત સાંભળી, જાંબુના ઝાડે તેને એક દિવ્ય ફળ આપ્યું.

રાજકુમાર તે ફળ ખાઇ ગયો. તેનાથી તેના શરીરનો સાતમાં ભાગ જાંબલી થઇ ગયો. તે રંગ જોઇ ખુબ જ ખુશ થયો, અને તે બીજા છ રંગોની શોધમાં ફરવા લાગ્યો,  થાકી જતા તે ખુલ્લા આકાશ નીચે સૂતો. સૂતાં-સૂતાં તેની નજર, આકાશ તરફ ગઇ.તેને આકાશનો રંગ ગમી ગયો. તે આંખો બંધ કરી. આકાશ દેવ ને પ્રાર્થના કરવા લાગ્યો.અને પોતાના મનની વાત કહેતો ગયો. આકાશ દેવ પ્રસન્ન થઇ તેને પોતાનો નીલો રંગ પ્રદાન કર્યો.

રાજકુમારે આખો ખોલી તો તેને પોતાના શરીરમાં બીજો નીલો રંગ જોયો. હવે તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. તે હવે ઉચા ડુંગરની ટોચ પર ગયો. ત્યાં તેને વાદળ અડી-અડીને જતા હતા.તેણે વાદળ દેવને પ્રણામ કરી કહ્યુ. હે વાદળ દેવ, મને તમારો વાદળીયો રંગ બહુ ગમે છે. મને તે ન આપો?”   

વાદળદેવ કહે. તારા જેવા સાચા પ્રેમીને મારો આ રંગ આપવાનુ ચોક્ક્સ ગમશે.  તે મેઘ રાજકુમાર ને હવે ત્રણ રંગો મળી ગયા હતા. તે હવે ચોથા રંગની શોધમાં ફરી રહ્યો હતો, અને  પોતાની વેદના કહેતો ગયો.  છે કોઇ આ વેરાન જંગલમાં મારુ આ દર્દ સાંભળનાર?” તેના આ દર્દનાક અવાજથી વડ રાજાએ પોતાની વડવાઇ હલાવી. વડવાઇ હલતી જોઇ રાજકુમાર થોડો ડરી ગયો. પછી તે નજીક જઇ બોલ્યા, હે વડ દેવ મારા પ્રણામ સ્વીકાર કરો.”

 વડદાદા બોલ્યા. તુ કોણ છે? તારા શરીર પર ત્રણ રંગો કેવી રીતે?”

 રાજકુમારે પોતાની વિતક કહાણી કહી સંભાળાવી.વડદાદાએ તેની વાત સાંભળી,ખુશ થઇ તેને પોતાના દિવ્ય પાચ પાન આપ્યા.અને કહ્યું તમારે જેટલો ભાગ લીલો કરવો હોય.તેટલા શરીરના ભાગ પર પાન મુકીને દો. રાજકુમારે વડદાદાના કહ્યા મુજબ પાન મુકીને સૂઇ ગયો.

સવાર પડતા રાજકુમારનું શરીર પર હવે ચાર રંગોવાળુ થઇ ગયું હતું. તે વડદાદાને કહેવા લાગ્યો, હે વડદાદા તમારો ખુબ ખુબ આભાર માનુ છું. હવે મારે પીળા રંગની શોધમાં જવું છે.તમે જો જાણતા હોવ તો કહો..મને પીળો રંગ ક્યાંથી મળશે?”

વડદાદા કહે “આ પેલા ઊંચા પર્વતની પાછળ એક પાણીનો મોટો ધોધ છે. તેની બાજુમાં ખીણ છે. તે ખીણમાં પતંગિયાનો રાજા રહે છ. કદાચ તે તને પીળો રંગ આપી શકશે,”  

વડદાદાની વાત સાંભળતાની સાથે જ તે પર્વત ઓળંગીને ખીણ સુધી પહોંચી ગયો. ત્યાં અસંખ્ય પીળા પતંગિયા હતા. તેના જતાની સાથે પીળા પતંગિયાઓ તેને ઘેરી વળ્યા. ત્યારબાદ, એક મોટો પીળા રંગનો પતંગિયો આવ્યો. કદાચ આ જ તે પતંગીયાનો રાજા હશે, એમ માની રાજકુમારે પોતાની કથની કહી સંભળાવી. એટલે પીળા પતંગિયાઓ કહેવા લાગ્યાં, તમને પીળો રંગ આપીને અમને શો લાભ? જો તમે સાત રંગનાં થઇ જાવ તો. અમને પણ સાત રંગના રંગબેરંગી પતંગીયા બનાવાનું વચન આપો તો જ પીળો રંગ આપીએ. બોલો આપશો ?”

રાજકુમાર કહે, ચોક્કસ હું તમને રંગબેરંગી બનાવવાનું વચન આપું છું      

પતંગીયાના રાજાએ રાજકુમારને પોતાની પીળી પાંખો વડે રાજકુમારનો પાંચમો ભાગ પણ પીળો કરી આપ્યો.

રાજકુમાર કહે તમારો ખુબ-ખુબ આભાર. મારે હવે નારંગી રંગની શોધ કરવાની છે. તેથી મને હવે રજા આપો.  રજા લઇ તે રાજકુમાર ત્યાંથી છઠ્ઠા રંગની શોધ કરવા આગળ નીકળ્યો. ચાલતા-ચાલતા કેસુડાંના વનમાં જઇ ચડ્યો, તે દરેક ઝાડ ઉપર નારંગી રંગના ફુલ જોઇ આનંદિત થઇ ગયો. તે કેસુડાના વૃક્ષને બે હાથ જોડી કહેવા લાગ્યો હે વૃક્ષરાજા મને તમારો આ રંગ ખુબ જ ગમે છે. શું તમે મને તમારો સુંદર રંગ ના આપો?

 કેસુડો કહે હું તારું અહિ આવવાનું કારણ જાણું છું, તારા જેવા સાચા પ્રેમિને મને મારો રંગ આપવાથી મને ખુશી થશે..! લે આ મારા ફુલ, તેનો રસ તારા શરીરના જેટલા ભાગ પર લગાવો હોય તેટલા ભાગ ઉપર લગાવી દે.

રાજકુમારે તે પ્રમાણે કેસુડાના ફુલનો રસ તેના શરીરના છઠ્ઠા ભાગ પ્રમાણે લગાવી દીધો...

રાજકુમાર પોતાના શરીરને છ રંગ વાળુ કરી,  રાજકુમારીના નગર અને ત્યાર બાદ તે મહેલમાં પ્રવેશ્યો. રૂપેશ્વરીનગરીનાં તમામ નગરજનો તેને આશ્ચર્યથી જોઇ રહ્યાં હતાં!

તેણે રાજાનાં ખંડમાં પ્રવેશ કર્યો. રાજા પહેલા તો તેણે જોઇ ખુશ થયા, પરંતુ રાજકુમારમાં છ રંગ જોઇ નિરાશ થયા. તે  બોલ્યા અરે આ શું તારામાં છ રંગ છે. સાતમો રંગ ક્યા છે? રાજકુમારીએ તો સાત રંગની વાત કરી હતી?”  

રાજકુમાર કહે રાજા મારે એક વાર રાજકુમારીને મળ્વું છે, પછી તે જે નક્કી કરશે તેમ જ કરીશ.  તેણે રાજાની અનુમતિથી રાજકુમારીના શયનખંડમાં પ્રવેશ કર્યો.

રાજાની જેમ રાજકુમારી પણ રાજકુમારમાં છ રંગ જોઇ દુ:ખી થઇ. તેને દુ:ખી જોઇ રાજકુમાર બોલ્યો, હે રાજકુમારી હું તમને સાચો પ્રેમ કરું છું. તેનુ પ્રમાણ મારા શરીરમાં આ છ રંગ છે. હું તમારા માટે મારામાં છ રંગ સમાવી શકતો હોય તો, તમે મારા માટે માત્ર એક સાતમો રંગ તમારા અંગમાં સમાવી ન શકો?”  

રાજકુમારીને રાજકુમારની વાત યોગ્ય લાગી, તે પણ રાજકુમારને સાચો પ્રેમ કરે છે, તેવુ સાબિત કરવા પોતાના ઉપવનમાં ગઇ, ત્યાથી રાતા રંગના ગુલાબને કહેવા લાગી, હે ગુલાબ તમે તો પ્રેમના પ્રતીક છો, બે પ્રેમીઓના સાક્ષી છો. જો હું સાચા દિલથી આ રાજકુમારને  ચાહતી હોઉ તો,  તમે મને તમારો સાતમો રંગ પ્રદાન કરો.

ગુલાબ કહે: “ હે રૂપસુંદરી મારા આ રાતા રંગના ફુલોથી સ્નાન કર એટલે તારા અંગમા મારો રાતો રંગ સમાઇ જશે.  પછી રાજકુમારીએ તે પ્રમાણે જ કર્યુ. હવે તેનુ શરીર રાતા રંગનું થઇ ગયું હતું.

ત્યારબાદ મેઘ અને ધરાના લગ્ન થઇ ગયા. તે રાજીખુશીથી રહેવા લાગ્યાં. પરંતુ રાજકુમારી ધરાનું જે સાત રંગ એક જ વ્યક્તિમાં જોવાનું સ્વપ્ન હતું તે પૂર્ણ ન થયું, તેનુ તેને દુ:ખ હતું.

રાજકુમાર મેઘ કહેતો કે “ધરા આમ ઉદાસ ન થાવ, સૂર્ય ભગવાનની ઉપાસના કરો. સૂર્યનારાયણ તમારી ઇચ્છા જરૂર પુરી કરશે.

આમને આમ રાજકુમારી ઉપાસના કરતી ગઇ અને વર્ષો વિતતા ગયા, અને રજકુમારીએ એક બાળકને જન્મ આપ્યો. અને જોવા જેવી વાત એ હતી કે આ બાળકમાં સાતે રંગો સમાયેલા હતાં.

રાજકુમારીનો ખુશીનો પાર ન રહ્યો. રાજકુમારે તેનુ નામ મેઘધનુષ રાખ્યું. અને પીળા પતંગીયા ના રાજાને આપેલ વચન મુજબ રાજકુમાર અને રાજકુમારીએ પોતાના રંગો પતંગીયાઓને અર્પણ કરી દીધા. આજે પણ આપણે જોઇએ છીએ કે જ્યારે મેઘ અને ધરા ભેગા મળે છે. ત્યારે મેઘધનુષ અચુક જોવા મળે છે...અને પ્રકૃતિમાં રંગબેરંગી પતંગીયાઓ ઉંડતા જોવા મળે છે.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ