વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાદાજંલી

               સાહિત્ય ક્ષેત્રે  ડગ માંડી રહી  હતી.  શોપિઝન એ મારા સાહિત્યની કેડી હતું.   સ્પર્શ હાર્દિકભાઈએ   શોપિઝન ગુજરાતી લેખક ગ્રુપમાં મને એડ કરી હતી.   ગ્રુપમાં   સામેલ થયાંને હજુ થોડા જ દિવસ થયાં હતાં કે   ઉમંગ સરે ગ્રુપમાં જાહેરાત કરી કે  ' શ્રી  વિષ્ણુભાઈ પ્રજાપતિનું  પુસ્તક " મુગટમણી"  બ્રેઈલ લીપીમાં  પ્રિન્ટ થઈ ભાવનગર અંધઉધોગ શાળામાં આપવામાં આવશે. આપણું શોપિઝનનું પુસ્તક  હવે  દિવ્ય ચક્ષુઓ પણ વાંચી  શકશે.  તેમાં વિજયભાઈ (મોર્ડનભાઈ ) ભટ્ટનો ખૂબ જ સાથ સહકાર રહયો.  "  ગ્રુપમાં  દરેકે આભાર વ્યક્ત કર્યો. અમારાં ભાવનગરનાં અનુસંધાનમાં હોય મેં પણ દિલથી આભાર વ્યક્ત કર્યો.  એ વખતે ન તો હું મોર્ડનભાઈને જાણતી હતી કે ન મોર્ડનભાઈ મને જાણતા હતા.    સૌના આભારમાં મારો આભાર ભળી ગયો. 

         થોડા  દિવસ પછી અન્ય એક સાહિત્યિક ગ્રુપમાં  તેણે આ  પુસ્તકનો  ઉલ્લેખ કર્યો.  " મારાં ભાવનગર માટે આવું કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ આભાર મોર્ડનભાઈ ! " મેં રિપ્લાય ગ્રુપમાં મુક્યો.  મને હજુ યાદ છે.  રવિવારનો દિવસ હતો, ઘડીયાળનો કાંટો  લગભગ  એક ને ત્રીસ પર હતો. હું મારાં કામમાં વ્યસ્ત હતી.  અચાનક મોબાઈલ રણક્યો.  મેં જોયું તો કોઈ આજાણ્યો નંબર હતો. ફોન રીસીવ કર્યો.  " હેલ્લો... "   મંદિરની  ઘંટડીનો  મધુર રણકાર સંભળાય તેમ સામેથી મધઝરતો અવાજ કાને પડ્યો.  " હેલ્લો આશાબેન કેમ છો ? "  એટલે મેં પરિચય પુછ્યો ?.  " હું મોર્ડન ભટ્ટ...  તમે હમણાં ગ્રુપમાં મેસેજ મુક્યો...  મારું ભાવનગર નહીં આશાબેન આપણું ભાવનગર  કહો..." એ પછી તેણે મારી સાથે ઘણી બધી વાતો કરી. કંઈ રીતે તેણે અંધજનોની સેવા હાથમાં લીધી તેની વિસ્તૃત વાત કહી સંભળાવી અને મને ગુજરાતી મેળા સાહિત્ય ગ્રુપમાં સામેલ કરી.  એ પછી  મારી રચનાઓ તેઓ ગ્રુપમાં મુકતા રહ્યા. 

    શ્રાવણમાસ દરમ્યાન હું શિવલેખો લખતી.  તેમને ખૂબ પસંદ આવતા.  હું ઘરમાં પાર્થિવ  લિંગની પૂજા કરતી,  તેનો ઉલ્લેખ પણ તેઓ ગુજરાતી મેળામાં કરતાં. જેમ જેમ હું મારા લેખો મોકલતી તેમ તેમ તેઓ તેનાં સાહિત્ય ગ્રુપમાં મને એડ કરતાં ગયાં.   ' આશાબેન આજે તમને આ ગ્રુપમાં  એડ કર્યા છે,  તમારી રચના ત્યાં પણ મૂકજો. ' પર્સનલ મેસેજ મુકી દેતાં.  

  તેમના   એક  સાહિત્ય ગ્રુપમાં મિલન સમારોહ- કાવ્ય ગોષ્ટી હતી.  " ભાવનગરથી કોઈ આવતું હોય તો તમે પણ આવજો..." તેમનો મેસેજ આવી ગયો.   સંગાથ મળી જતાં   મોર્ડનભાઈ ભટ્ટને રૂબર થવાનો અવસર સાપડયો.  હું અને જયશ્રીબા  એડ્રેસ ખોળતા ખોળતા પહોંચ્યાં.  એલર્જીના કારણે મને મુસાફરી દરમિયાન ખૂબ જ થાક લાગે , એટલે હું કોઈને ઓળખું એ પહેલાં  એમનો મીઠો આવકાર મળ્યો.  " આવો આશાબેન... આવો જયશ્રીબા..."  રૂબર પ્રથમવાર જ મળ્યા, છતાં તેઓ દરેકને ઓળખી જતાં હતાં   જોગાનુજોગ તે દિવસે  ' ફાધર ડે' હતો.  તેની પિતાતૃલ્ય લાગણીમાં.  પલળવા મળ્યું.  તેમનો હસમુખો અને મિલનસાર સ્વભાવનો પરિચય થયો.   "જમાઈને સાથે ન લાવી " મીઠા ઠપકામાં ભીંજાવા મળ્યું.  તેઓ જે બેન્કના મેનેજર હતાં તે બેન્ક અમારાં ઘર અને ઓફિસ  વચ્ચે માત્ર પાંચ મિનિટનો સમય લાગે એટલાં જ અંતરે હતી.  મને યાદ નથી,   પણ  " બેન્કમાં તમે બન્ને લેવડ દેવડ માટે આવતાં ! " એ રીતે પણ મને તેમણે ઓળખી લીધી.  આ નાની અમથી  વાતથી એ બાબત પણ જણાય આવે કે પોતાના ગ્રાહકો પ્રત્યે પણ  કેટલા સજાગ હશે.

         તેમની ભાવનગર પ્રત્યેની લાગણી ઉડીને આંખે વળગે તેવી હતી. ગયાં શ્રાવણમાસ દરમિયાન મારાં શિવલેખો સાથે તેણે ભાવનગર શિવમંદિરો વિશે પણ લખવા પ્રેરણા આપી. હું કોઈ પત્રકાર હોય એમ રોજ એક નવાં શિવમંદિરે પહોચું.  મંદિરનાં ફોટા,  મંદિરનો ઈતિહાસ વીણી લાઉ અને મોર્ડનભાઈ ગુજરાતી મેળામાં  રોજ એક ભાવનગર શિવમંદિરને મુકે. આમાંની કેટલીક માહિતી અને ફોટા તેમણે વિકીપીડિયા પર પણ મુક્યા છે. 

       શ્રાવણમાસ પુરો થતાં  તેણે ભાવનગરનાં જાણીતા સ્થળોની યાદી મને મોકલી અને તેને ઉજાગર કરવા જણાવ્યું. ' એ હાલો હાલો તમને ગોહિલવાડ દેખાડું '  નામ આપી તેમણે મારી લેખમાળા  શરું કરી.  " લેખમાળા પુરી થયે, પુસ્તક પ્રકાશિત કરીશું." ટેલિફોનીક વાત થયેલ. એફસોસ !!. કૌટુંબિક કારણોસર હું થોડા સમયથી લખી ન શકી અને આગળ લખવાનું શરું કરું એ પહેલાં તો............

              આટલું લખતાં તો અશ્રુધારા વહી જાય છે.  ભટ્ટ સાહેબની આજીવન  આભારી રહીશ કે તેમના થકી મારાં ભાવનગરના આવા ભવ્ય અને ઐતિહાસિક વારસાને જાણવાં-સમજવા મળ્યો.  હજુ ઘણું જ તેમની પાસેથી શીખવાનું હતું,  જાણવાનું હતું,  પરંતું અચાનક આપણી સાથેની લેણ દેણ પુરી થઈ ગઈ.  આગળ હું કશું નથી લખી શકતી. જે આપણી વચ્ચે  જ છે,  તેમને શ્રધ્ધાજંલી કંઈ રીતે અર્પવી.  તેઓ લેખકોની વાર્તામાં,  કવિઓની કવિતામાં ગુંજે છે. લેખકોની  લેખમાળામાં ગુંથાયેલા છે.  દિવ્ય ચક્ષુઓની નજરથી અગળા જ નથી થયા. રવિવારના બાળમેળામાં બાળકો સાથે  રમે છે. મોર્ડન ભટ્ટ  એ મોર્ડન ભટ્ટ જ છે. પોતે અવતાર ધારણ કરશે તો પણ એ  *મોર્ડન ભટ્ટ* નહી બની શકે.  

અમદાવાદમાં તો મોતની શોકછાયા છવાયેલી છે જ,  અહી ભાવનગર પણ  પનોતા પુત્રને ગુમાવી શાકમગ્ન છાયામાં ડુબેલું જણાય આવે છે. 

(હું ક્યાંય પણ તેમના નામ સાથે " સ્વ" ન લગાડી શકી,    મોર્ડનભાઈ ભટ્ટ આપણી સાથે હતાં અને આપણી સાથે જ છે.) 


         


      

        

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ