વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનની શક્તિ

“સાવ અશક્ય છે. જીતવાની વાત તો દૂર રહી, એ અડધે સુધી પણ નહીં પહોંચી શકે!” ચોરે ને ચૌટે બસ એક જ વાત થતી હતી. લોકોને ખાતરી હતી કે વિશાખા આ સ્પર્ધામાં બૂરી રીતે હારશે!


વિશાખા એટલે જીવંતતા અને ઉત્સાહનું બીજું નામ! મનોવિજ્ઞાન સાથે અનુસ્નાતક થઈને હાલ પી.એચ.ડી.નો  અભ્યાસ કરતી હતી. તે સીતાપુર ગામના ગૌરવ સમાન હતી .

            

સીતાપુરમાં વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ દશેરાના દિવસે ગામમાં એક વિશિષ્ટ સ્પર્ધા યોજાતી. તેમાં સ્પર્ધકે વિવિધ પ્રકારની અડચણો પાર કરીને નિયત સ્થળે પહોંચવાનું રહેતું. વિજેતાના હસ્તે રાવણદહન થતું, ને એનું બહુમાન થતું. ગામમાં વિજેતાના નામનો ડંકો વાગતો! 


જોકે આ હરીફાઈ પ્રમાણમાં અઘરી રહેતી, છતાંય પોતાના કૌવતનું પ્રદર્શન કરવા અને રામ બનવાનું સન્માન મેળવવા માટે ગામના ઘણા યુવાનો સ્પર્ધામાં ઉતરતા. આ વર્ષે તાકાતવર યુવકોની સાથે મજબૂત મનોબળ ધરાવતી વિશાખાએ પણ ઝૂકાવ્યું હતું. 

            

સ્પર્ધા આડે પંદરેક દિવસનો સમય હતો. એક સ્ત્રી તરીકે બાવડેબાજ યુવાનો સામે હરીફાઈમાં ઊતરવું એ સહેલું તો નહોતું જ. વિશાખા મનની અગાધ શક્તિથી વાકેફ હતી. તેની વાંચનપ્રીતિએ તેમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ‘મનની શક્તિ’ એ તેનો પ્રિય વિષય હતો. તે જાણતી હતી કે સ્પર્ધા ગમે એટલી કપરી કેમ ન હોય, પણ મનથી જીતવું જરૂરી છે!

            

વિશાખા હરીફાઈ માટે તેના અર્ધજાગ્રત મનને વારંવાર આદેશ આપવા માંડી. સાથે સાથે શરીરને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરવા લાગી. ગામ આખું મીઠી નિંદરમાં હોય ત્યારે વહેલી સવારે દોડવું, દંડ-બેઠક કરવા, વજન ઊંચકવું વગરેમાં તે પરસેવો રેલાવતી. નવરાત્રીમાં યુવતીઓ સોળે શણગાર સજી ગરબે ઘૂમતી, ત્યારે વિશાખા સ્પર્ધા માટે મન અને શરીરને તૈયાર કરતી!

         

એમ કરતાં દશેરાનો દિવસ આવી પહોંચ્યો. સ્પર્ધા શરૂ થઈ ને લોકોના આશ્ચર્ય વચ્ચે વિશાખા એક પછી એક વિઘ્નો પાર કરવા લાગી. સાથેના યુવાનોની તાકાત સામે ઝૂક્યા વગર તે આત્મવિશ્વાસ સાથે આગળ વધતી રહી. લોકો  તાળીઓ સાથે વિશાખા.. વિશાખાના પોકારોથી તેને પ્રોત્સાહિત કરવા લાગ્યા. છેવટે વિશાખાને વિજયશ્રી વરી!

        

એ સાંજે ગામના ઈતિહાસમાં પ્રથમ વખત એક મહિલાના હાથમાં રહેલા ધનુષ્યમાંથી તીર છૂટ્યું ને રાવણદહન થયું!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ