વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમતી નવલિકા : ઇર સેવયની ક્ષણો

ગમતી  નવલિકા : ઇર સેવયની ક્ષણો

સ્પર્શ હાર્દિકની નવલિકા ‘ઇર સેવયની ક્ષણો’ અભિયાન સામાયિકના ૧ ડિસેમ્બર, ૨૦૧૮ના  અંકમાં પ્રકાશિત થઈ છે. આ નવલિકા પ્રમાણમાં લાંબી છે અને ગુજરાતીમાં લખાતી નવલિકાઓથી જુદી પડે એવી છે.  

નવલિકાનો નાયક  ઇબ્ન બતૂતા નામના એક પ્રવાસી છે. એણે માલદીવમાં છ મહિના સુધી મુખ્ય કાજીનું પદ સંભાળ્યું હતું. માલદીવની પ્રજા એના કઠોર ચૂકાદાઓથી ડરવા લાગી હતી. ખુદાના કાનૂનમાં વજીરની દખલ પસંદ ન હોવાથી એણે મુખ્ય કાજી પદનો ત્યાગ કર્યો હતો અને લાંબા પ્રવાસે નીકળી પડ્યો હતો.   

વીસ વીસ વર્ષોના પ્રવાસ દરમ્યાન કેટલાય સારાનરસા અનુભવો મેળવ્યા પછી ઇબ્ન બતૂતા   એક સંઘ સાથે જોડાઈ ગયો હતો. થયા. એ સંઘમાં શ્રમણો, સેવકો, યોગીઓ અને અસવારો હતા. તેઓ પવિત્ર શ્રીપાદ પર્વત તરફ જઈ રહ્યા હતા. એ પર્વત સિલોનના બૌદ્ધ, હિંદુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે મહત્વનું તીર્થ હતું. ઇબ્ન બતૂતાએ પવિત્ર શ્રીપાદ વિષે સાંભળ્યા પછી એને એ પર્વતના આરોહણની ઇચ્છા થઈ હતી. એને શ્રીપાદના શિખર પર પહોંચીને ‘ઇર સેવય’ની અનુભૂતી પ્રાપ્ત કરવી હતી. ‘ઇર સેવય’નો અર્થ થાય ઊગતા સૂર્યની પ્રભા. 

ઇબ્ન બતૂતાએ પ્રવાસ કઈ રીતે કર્યો, પ્રવાસમાં કેવી કેવી અડચણો આવી, એને કેવા કેવા લોકો સાથે પનારો પડ્યો, એને પોતાની જાત વિષે વિચારવાની કેવી તક મળી, એને ‘ઇર સેવય’ની ક્ષણોની અનુભૂતી થાય છે કે નહિ, એ વિષે લેખકે નવલિકામાં રસપ્રદ આલેખન કર્યું છે. અવનવી ઘટનાઓ નવલિકાને ગતિશીલ રાખે છે. 

નવલિકામાં ક્રૂર કહી શકાય એવા કાસાર ખાનનું એક પાત્ર છે. કાસર ખાન ઇબ્ન બતૂતાને જબરજસ્તીથી કયું  કામ સોંપે છે અને ઇબ્ન બતૂતા એ કામ પાર પાડે છે કે નહિ એ ઘટના નવલિકાને રસપ્રદ બનાવે છે. 

પ્રવાસ દરમ્યાન ઇબ્ન બતૂતાની મુલાકાત કંદાર્ની નામની એક સ્ત્રી સાથે થાય છે. કંદાર્ની પણ એક પ્રવાસી જ છે. એ પોતાનું વિશ્વ છોડીને મનુષ્યના વિશ્વમાં આવી હતી. એની ગતિ પણ શિખર તરફની જ હતી. એ ઇબ્ન બતૂતાની માર્ગદર્શક બને છે. એ ઇબ્ન બતૂતાની માર્ગદર્શક કેવી રીતે બને છે એ વાત નવલિકામાં એક જુદો જ રંગ ઉમેરે છે.  

કંદાર્ની જે વિશ્વમાંથી આવી હતી એ વિશ્વમાં ઇજ્જેજા સર્વોપરી દેવતા હતા. કંદાર્નીએ એ દેવતાને એક વચન આપ્યું હતું અને એ કંદાર્ની પોતે જ એ વચન તોડે છે. એ વચન કયું હતું અને કંદાર્ની એ વચન કેવી રીતે તોડે છે એનું આલેખન નવલિકાને નવો વળાંક આપે છે.

નવલિકામાં સૂર્ય, આકાશ, રાત્રિ, સાગર, ટાપુ, જંગલ, મેદાન, પર્વત, શિખર વગેરેનાં સુંદર વર્ણનો છે. પ્રદેશ અને પ્રકૃતિનાં ટૂંકાં પણ સુંદર વર્ણનો  નવલિકામાં બાધારૂપ થતાં નથી. 

નવલિકામાં ભોજન, સંગીત, નૃત્ય, મોહપાશ, અજ્ઞાત શક્તિ. કર્મ, સર્જન, ઉન્નતિ, દુર્ગતિ, દેવો, પ્રાર્થના, નિયતિ વગેરેની રસપ્રદ વાતો આવે છે.

આ નવલિકામાં પર્વતના શિખર તરફના માર્ગે જવાની કથા છે સાથે સાથે આધ્યાત્મિકતાના માર્ગે જવાની કથા પણ ગૂંથવામાં આવી છે. 

એકંદરે સરસ મજાની નવલિકા.  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ