વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અભાગિયો

            ‘ટન... ટન..’નો સ્વર વાતાવરણમાં અવરિતપણે ગુંજી રહ્યો. જેમ સુસકારો સાંભળીને વૃક્ષની ડાળી પર બેઠેલા પારેવાનું ઝુંડ ઉડે તેમ શાળા છૂટવાનો ઘંટ સંભળાતા વિધાર્થીઓ પોતપોતાના વર્ગખંડમાંથી બહાર નીકળ્યા. પરંતુ એ સહુમાં મોખરે હતો જવનિક! તે જાણે ક્યારનો આ ક્ષણની ઈંતેજારીમાં જ હતો. ઘંટનાદ હજુ શરૂ પણ થયો નહોતો ત્યાં જવનિકે કાંધે દફતર ચઢાવી ઘર તરફ દોટ લગાવી.

       સ્કુલમાંથી બહાર આવતા જ જવનિકે આંનદની કિકિયારી પાડી. વળી આજનું વાતાવરણ પણ ઘણું અલ્હાદક હતું. પરોઢિયે વર્ષા અમી છાંટણા કરી ગઈ હતી. જેના કારણે આકાશ એકદમ સ્વચ્છ હતું. જવનિકે કાંડા ઘડિયાળમાં નજર ફેરવી જોઈ. આજે સમયના કાંટા એકબીજાને મળવા જાણે આતુર થયા હોય તેમ દોડી રહ્યા હતા. તેમની ગતિ જોઈ જવનિકની મનઃગતિ તેજ થઇ. વૃક્ષની ડાળીએ બેઠેલા પંખીઓના કલરવને સાંભળી તેનું હૈયું ઝૂમી ઊઠ્યું. પંખીઓના કંઠમાંથી ચોમેર પ્રસરી રહેલા મધુર સંગીતના સુરોને જવનિક માણી જ રહ્યો હતો ત્યાં ક્યાંકથી આવી પહોંચેલું ગલુડિયું તેના પગ નીચેથી ઝડપથી પસાર થઇ ગયું. ક્ષણભર હેબતાયેલો જવનિક ગલુડિયાની માસુમિયત પર મોહી તેને પકડવા તેની પાછળ દોડી પડ્યો. જોકે ગલુડિયું માસુમ હતું પરંતુ નાદાન નહીં. આમ સરળતાથી તે જવનિકના હાથમાં આવે તેવું જરાયે નહોતું. જવનિકના ઈરાદાને ભાપી તેણે પાસે આવેલી ઝાડીઓ તરફ દોટ લગાવી અને તેની અંદર જઈને સંતાઈ ગયું. હવે ગલુડિયું પાંદડાઓની આડશ લઈને જવનિકને તેમાંથી ટગર ટગર નિહાળવા લાગ્યું; અદલ તેના બાની જેમ! ગલુડિયાની એ નજર જવનિકના હ્રદય સોંસરી ઉતરી ગઈ. બાનો કરચલીવાળો ચહેરો જવનિકની આંખ સમક્ષ તરવરી ઊઠ્યો.

       ધીમેધીમે આકાશમાં કાળા વાદળાઓ પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા. વ્યોમપટ તમ:સ્તમ બની રહ્યું. તેની કાળાશ વાતાવરણમાં ભળી રહી. જવનિકે નજર ઊઠાવી વિચાર્યું, “કળયુગમાં જયારે માનવીનો માનવી પર ભરોસો રહ્યો નથી ત્યારે આ વાદળોઓને તો શું કહેવું?”

       જવનિકના માનસપટ પર હવે બાએ કબજો કરી લીધો હતો. બા પણ કેવી કમનસીબ હતી! આખી જીંદગી પેટે પાટા બાંધી જે ઘર વસાવ્યું હતું. તેમાં જીવનના અંતિમ તબ્બકે નિરાંતની પળને તે માણી શકતી નહોતી. દાદાના અવસાન બાદ બાની જીંદગી દુષ્કર બની ગઈ હતી. જે ઘરને સ્વર્ગ સમું બનાવવા બાએ દી’રાતના ઉજાગરા વેઠ્યા હતા તેમાં હાલ તે નરકવાસ ભોગવી રહી હતી. આખી જીંદગી પેટે પાટા બાંધી જે ઘરની દીવાલો ખડી કરી હતી તેમાં બાકીની જીંદગી કકળતી આંતડીએ તે વિતાવી રહી હતી. મૃત્યુને ગળે લગાવવાની આશામાં જાણે તે તેનો પ્રત્યેક શ્વાસ છોડી રહી હતી. બિચારી બા મમ્મીના કડવા વેણ સાંભળતી જાય અને ચુપચાપ વેતરું કરતી જાય. તબિયત ઠીક હોય કે ના હોય. ઊભા રહેવાના ઠેકાણા હોય કે ન હોય. બા આખો દી’ તમને ઘરકામ કરતી જ જોવા મળે. અને મમ્મી! એ તો બસ સોફા પર બેસી બાના કામોમાંથી ભૂલો જ શોધ્યા કરે. “ચોખામાં કાંકરા રહી ગયા. ગોદડાના ટાંકા છૂટી ગયા. ટોપલામાંના શાક સડી ગયા.” તેમને તો જાણે દરેક વાતમાં બિચારા બા નડી ગયા. દોષારોપણથી થાક્યા બાદ પણ જાણે સંતોષ ન થતો હોય તેમ મમ્મીના મહેણાં-ટોણા શરૂ થઇ જતા. “તમારું ધ્યાન ક્યાં હોય છે? તમારાથી એક કામ ઢંગથી થતું નથી. કામ કરવું નથી બસ વેઠ ઊતારવી છે. ખાવા તો સમયસર જોઈએ પણ કામ કરતા જોર પડે છે.” જાણે કાસળ કાઢવાનું નક્કી કર્યું હોય તેમ આખો દી’ મમ્મી હાથધોઈને બાની પાછળ પડી રહે. આવામાં બા બિચારી કરે તો શું કરે? દીકરો જ જયારે વહુઘેલો હોય ત્યારે ફરિયાદ કોને કરવી! રાતે ઘરના કોઈક અંધારિયા ખૂણામાં બેસીને બા આંસુ સારતી રહે. જેણે આખો દી’ ગાળો ખાધી હોય ને આંસુ પીધા હોય તેને ભૂખપ્યાસ પણ ક્યાંથી લાગે? બસ ત્યાંજ ખૂણામાં સાડીને ધાબળો ને હાથને ઓશીકું માની બા પોઢી જતી. જાણે નકામી વસ્તુઓનું ગાસડું વાળીને કોઈએ અબછેટે ન મૂકી દીધું હોય.

       ઝાડીઓમાં સળવળાટ થયો. જવનિકે જોયું તો ગલુડિયું હજુપણ તેને તાકી રહ્યું હતું. જવનિકે આંખમાં આવેલ અશ્રુને શર્ટની બાંય વડે લુછ્યું. બાને છેલ્લે હસતા ક્યારે જોઈ હતી તે યાદ કરવાની જવનિક કોશિષ કરી રહ્યો. પરંતુ લાખ કોશિશ કર્યા બાદપણ તેના માનસપટ પર બાનો રડમસ અને ભયભીત ચહેરો જ ઊપસી આવતો. પેલા ઝાડીમાં લપાયેલા ગલુડિયા જેવો. જવનિકે હાથમાં પકડી રાખેલા ઓપ્ટીકેસને છાતી સરસું દબાવી લીધું. “પણ બા આજે જરૂર ખુશ થશે. મારા ગાલ ખેંચીને કહેશે કે, મારા લાડલાને મારી કેટલી ફિકર છે.”

       પવનની લહેરખી જવનિકના માથાના વાળને સ્પર્શીને વહી ગઈ. જાણે બાએ આવીને માથે હેતથી હાથ ફેરવીને આશીર્વાદ ન આપ્યા હોય! જવનિકના બા સ્વભાવે ખૂબ ભલા હતા. મહેનતુ અને ખંતીલા પણ એટલા જ. અમસ્તી ઝુપડાથી બંગલા સુધીની મઝલ તેઓએ સર કરી નહોતી. ભાવી પેઢીને કોઈ વાતની તકલીફ પડે નહીં તેની પૂરતી કાળજી તેઓએ લીધી હતી. પરંતુ કાળની ગતિ તો જુઓ! જેમના માટે તકલીફ વેઠી આજે તેઓ જ બાને તકલીફ આપી રહ્યા હતા. જોકે બાને આનાથી કશો ફેર પડતો નહોતો. તેઓ તો પ્રભુની ભક્તિ કરતા જાય અને પોતાનું કામ કરતા જાય. ન કોઈ પાસે તકરાર કે ન કોઈ આગળ ફરિયાદ. હા, પોતાનું કામ માત્ર તેમને વ્યવસ્થિત જોઈએ. તેમાં કોઈ કચાશ ન ચલાવી લે. ચોક્કસાઈ અને સ્વચ્છતાના તેઓ ખાસ આગ્રહી. જવનિકને ખરાબ અક્ષર માટે તેઓ કેટલો ઠપકો આપતા. કહેતા કે આપણું કામ જોનારની આંખે ઊડીને વળગવું જોઈએ. કોઇપણ કામ દિલ લગાવીને કરવું એવી શિખામણ તેઓ જવનિકને હંમેશ આપતા રહેતા.

       હવે તમે જ કહો કે, આવા ચીવટવાળા સ્વભાવની બા ક્યારે ભૂલો કરે શકે ખરા? ના... ના... ક્યારેય નહીં. એ તો આંખોની તકલીફ હોવાથી તેમનાથી થોડીઘણી ભૂલો થઇ જતી. પણ તેમાં એ બિચારીનો પણ શું દોષ? બાએ ઘણીવાર ટકોર કરી હતી કે, “મને આંખમાં તકલીફ છે, કશું બરાબર દેખાતું નથી.” પરંતુ પિતાજીને મમ્મીની વાતો સાંભળવામાંથી ફુરસદ મળે ત્યારે તેઓ બાની વાતને કાને ધરે ને!

       જોકે જવનિકને બાની તકલીફ જોવી જરાયે ગમતી નહીં. ઝીણી આંખે વસ્તુ જોવાનો પ્રયત્ન કરતી બાને જોઈ તેના આંખમાંથી અશ્રુઓ સરી પડતા. આખરે વ્યક્તિ સહીસહીને કેટલું સહે? અત્યાચાર માઝા મુકે ત્યારે તેના પરિણામે બળવો તો થવાનો જ. જવનિકે પણ તેમજ કર્યું. બા માટે ચશ્માં લાવવાની તેની માંગ અંતે જીદમાં પરિવર્તિત થઇ. પિતાજી આ બાબતે તેને ખૂબ વઢ્યા, તેમણે આંખો લાલ કરી. કેટલીકવાર જવનિકના ગાલ પણ લાલ થયા. પરંતુ જવનિકે નમતું જોખ્યું નહીં. છેવટે સત્યની સામે અસત્યની જીત થઇ. બા માટે ચશ્માં લાવવાની પોતાની વાત મનાવીને જ જવનિક જંપ્યો.

       અઠવાડિયા પહેલા પિતાજી ‘આઈ ચેકઅપ કેમ્પ’માં બાને ચશ્માં કઢાવવા લઈ ગયા હતા. બાને ત્યાંથી અઢી નંબરના ચશ્માં પણ મફતમાં મળ્યા હતા. પરંતુ એ ચશ્માથી બાને ખાસ કોઈ ફેર પડ્યો નહોતો. અને પડે પણ ક્યાંથી? બાને ‘મોને ફોકલ સિલીન્ડર’ નંબરની તકલીફ જે હતી. કંઈ પણ જોવું હોય તો નજર ત્રાંસી કરવી પડે. ડોકટરે કહ્યું હતું કે, “બાને આવા સાદા ચશ્માં નહીં ચાલે. તેમની માટે સિલિન્ડર કાચના ચશ્માં ખરીદવા પડશે. બજારમાં તે આઠસો રૂપિયાની આસપાસ મળી જશે.”

       પિતાજી માટે આઠસો રૂપિયા એ મોટી રકમ નહોતી. એટલું તો પિતાજી મમ્મીને હોટલમાં લઇ જતા ત્યારે એકવારનું જમવાનું બીલ થઇ જતું હતું. જવનિકે જીદ કરતા તેઓ બીજા દિવસે બજારમાંથી સિલિન્ડર કાચના ચશ્માં ખરીદી લાવવા કબુલ થયા હતા. આ માટે તેમણે હજાર રૂપિયા પણ બાજુમાં કાઢી રાખ્યા હતા. પરંતુ જયારે મમ્મીએ કહ્યું કે, “આટલા મોંઘા ચશ્માં પહેરી બાને ક્યાં જવું છે?” ત્યારે પિતાજી પાછા ઢીલા પડી ગયા અને ચશ્મા ખરીદવાની વાત અભરાઈએ ચઢી ગઈ. હવે મમ્મીને કોણ સમજાવે કે ચશ્માંએ બાનો શોખ નહીં પણ જરૂરિયાત હતી. કદાચ પિતાજી આ સારી પેઠે જાણતા હતા પરંતુ મમ્મી સામે...

       “અરે! ઊભો રહે. શાળામાંથી કેમ વહેલો નીકળી આવ્યો?” અવાજ સાંભળી જવનિકે પાછળ વળીને જોયું તો તેનો વર્ગમિત્ર ગોપી ખભે દફતર લટકાવીને તેની પાછળ આવી રહ્યો હતો.

       “જવનિક, આજે તું મેદાનમાં રમવા આવવાનો નથી?

       “ના, આજે મને નહીં ફાવે.”

       “પણ કેમ?”

       “તું આસમાન જોતો નથી! વરસાદનો કોઈ ભરોસો નહીં. ગમે ત્યારે વરસી પડશે.”

       “ચાલ હવે, વરસાદમાં તું ઓગળી નહીં જાય.”

       “પણ પલળીને બીમાર જરૂર પડી જઈશ. તને તો ખબર છે કે પરીક્ષા નજદીક છે.”

       “છોડ રહેવા દે.”

       “કેમ શું થયું?”

       “હું જાણું છું કે તું બહાના દેખાડી રહ્યો છું.”

       “હું બહાનું કેમ કરું?”

       “કારણ આજે તું મેદાનમાં અમેરિકન ફૂટબોલ લઇ આવવાનો હતો. પરંતુ એ ખરીદવા માટેના નવસો રૂપિયા તારી ગુલ્લકમાંથી નીકળ્યા નહીં હોય.”

       “બેટમજી, મારી ગુલ્લકમાંથી પુરા હજાર રૂપિયા નીકળ્યા હતા.”

       “એમ! તો દેખાડ મને.”

       જવનિકની પકડ ઓપ્ટીકેસ પર ઘટ થઇ.

       “જુઠો.” મોં મચકોડી ગોપી આગળ વધી ગયો.

       જોકે જવનિકે તેની કોઈ પરવા કરી નહીં. હા, અમેરિકન ફૂટબોલ રમવું જવનિકને ઘણું ગમતું. પરંતુ અમેરિકન ફૂટબોલ સમી બાની આંખો જોવી તેને જરાયે ગમતી નહીં. આપણી આંખો કેવી બાસ્કેટબોલ જેવી હોય છે નહીં?

       જવનિકે હાથમાંના ઓપ્ટીકેસ તરફ જોયું.

       “બા હવે મને કોઈ બહાનું દેખાડી શકશે નહીં. નહીંતર હમણાં હમણાં બાએ નવું જ શરૂ કર્યું હતું. તેમને વાર્તાની કોઈ ચોપડી વાંચવા કહીએ એટલે કાયમ એક જ વાત કહે કે, ‘બેટા, હવે મને આંખેથી દેખાતું નથી. હું તને કેવી રીતે વાર્તા વાંચી સંભળાવું?’

       જવનિકે આશભેર ઓપ્ટીકેસ પર હાથ ફેરવ્યો.

       “હવે બાની બધી તકલીફોનો અંત આવશે. તે કેટલી ખુશ થશે નહીં? હવે પહેલાની જેમ એ મને પાસે બેસાડી મારું લેસન પણ લઇ શકશે. મારી સાથે બેસી અલકમલકની વાતો કરતા ટીવી પણ નિહાળી શકશે. દેશદુનિયાના જાતજાતના પુસ્તકો વાંચી તેમાંની ભાતભાતની વાર્તાઓ મને કહી સંભળાવશે. કેટલી મજા આવશે. નહીં? વળી કામમાં થતી ભૂલોને કારણે મમ્મીના જે મહેણાં ટોણા બાને સાંભળવા મળતા હતા તે પણ હવે ઓછા થઇ જશે.”

       તેજ પવન ફૂંકાઈ રહ્યો.

       ધૂળની ડમરી ચકડોળે ચઢી.

       “પણ મમ્મી મને વઢે તો નહીં ને? વઢશે તો વઢશે. મેં ક્યાં ખોટા માર્ગે પૈસા વાપર્યા છે. ઊલટાનું પૈસાનો સદુપયોગ જ કર્યો છે ને. અમેરિકન ફૂટબોલ તો થોડા દિવસ રમ્યા બાદ ફાટી જશે. જયારે બાના આશિર્વાદ તો આજીવન મારે પડખે રહેશે. વળી બાના ચહેરા પર સ્મિત જોવા મળશે એ કંઈ ઓછું છે. ભાઈ! મારા સઘળા રૂપિયા તો ત્યાંજ વસુલ થઇ જશે. છતાંયે મમ્મી કંઈ વધારે બોલી તો તેમને કહી દઈશ કે, મારા ગુલ્લકના રૂપિયાનું હું કંઈ પણ કરું એમાં તને શું? પરંતુ મમ્મી સામે આમ ઉદ્ધતાઈથી બોલાય! અરે! કેમ ના બોલાય? મારી મમ્મી બાને કંઈ ઓછું સંભળાવે છે. હવે હું પણ મોટો થઇ ગયો છું.”

       સઘળા કાળા વાદળા ખસી ગયા.

       ચકડોળે ચઢેલી ધૂળ અદબ પલાઠીવાળી જાણે ધરતી પર બેસી ગઈ.

       આસમાન સ્વચ્છ થયું.

       જવનિકે આત્મવિશ્વાસથી ઘર તરફ પગ ઊપાડ્યા. ખુશનુમા વાતાવરણને માણતો તે આગળ વધવા લાગ્યો. માર્ગમાં કેટલાક બંગલાઓ આવતા હતા. તેમના બગીચામાં ખીલેલા પુષ્પોની સુંદરતા આજે કંઈક અનોખી જ હતી. તેના ઊપર ઊડી રહેલા રંગબેરંગી પતંગિયાઓને આ પહેલા જવનિકે કોઈ દિવસ દીઠા નહોતા. જવનિકનું ઘર થોડેક જ અંતરે હતું ત્યાં તેના પગ થંભી ગયા. હાથમાંના ઓપ્ટીકેસને એકવાર ખોલી જોવાની અદમ્ય ઈચ્છાને જવનિક રોકી શક્યો નહીં. શાળામાં મોટી રિસેસ પડતા આને લેવા તે દુકાન તરફ કેવો દોડી પડ્યો હતો. તેને આમ ધસી આવેલો જોઈ દુકાનવાળાકાકા પણ હસી પડ્યા હતા, તેઓએ ખડખડાટ હસતા કહ્યું પણ હતું કે, “બેટા, આ ખાસ ઓર્ડરથી મંગાવ્યા છે. તારા સિવાય બીજું કોઈ લઇ ગયું નહોત.”

       હવે દુકાનવાળાને શી ખબર કે તેને ઉતાવળ શેની હતી! જવનિકે ઓપ્ટીકેસ ખોલીને જોયું. “બા આમાં કેટલા સુંદર દેખાશે.” પવનની લહેરખી ફરી એકવાર તેના માથાને સ્પર્શીને નીકળી ગઈ. બાના ચહેરા પર છવાયેલી ખુશી જોવા જવનિક અધીરો અધીરો બની રહ્યો. ઓપ્ટીકેસ બંધ કરી જવનિકે ઘર તરફ જવા પગ ઊપાડ્યા. હજુ તે ગલીના વળાંક પાસે પહોંચ્યો જ હતો ત્યાં તેના પગ આંચકા સાથે આગળ વધતા અટકી ગયા. તેના ઘર આગળ આ કાળા માથાઓની ભીડ શા માટે ભેગી થઇ હતી? જાણે આસમાનના સઘળા કાળા વાદળા ધરતી પર ઊતરી આવ્યા ન હોય! વાતાવરણમાં ઓચિંતું અંધારું ફેલાઈ ગયું. વાદળોનો ગડગડાટ જવનિકના હ્રદયને કંપાવી રહ્યો.

       “બા ઘરે જ હશે ને?” જવનિકે તેના કાંડા ઘડિયાળમાં જોયું. સમયના કાંટા જાણે આગળ વધવા ડરી રહ્યા હોય તેમ પોતાની જગ્યાએ ચોંટી ગયા હતા. જવનિકે તેના કાંડાને ઝટકો મારી જોયો પરંતુ કાંટા આગળ ખસ્યા નહીં. આખરે હિમંત કરી તે પોતે જ આગળ વધ્યો. તેના પગનું સઘળું જોર જાણે હણાઈ ગયું હતું. જવનિકના ઘરમાં પ્રવેશતા જ મુશળધાર વરસાદ શરૂ થઇ ગયો.

       ઘર પાસે જામેલી ભીડ ગણગણાટ કરી રહી.

       “પણ બા અગાશી પરથી નીચે પડ્યા કેવી રીતે?”

       “કમાલ છે! બાને આટલી મોટી પાળ પણ ન દેખાઈ!”

       બાના શવ પાસે બેસીને આંક્રદ કરી રહેલ મમ્મીને જવનિક શૂન્યમન્સક નજરે જોઈ રહ્યો. બંનેની નજર એક થઇ જ હતી ત્યાં આસમાનમાં વીજળી ઝબૂકી. તેના પ્રકાશમાં ઢળી પડેલી મમ્મીની આંખો જવનિકને ઘણું બધુ કહી ગઈ. એ સાથે તેના હાથમાંથી ઓપ્ટીકેસ છૂટી ગયું. તેમાં રાખેલા ચશ્માં ઊછળીને ભોંય પર પછડાયા. “ખનનન”નો ધીમો સ્વર જવનિકના હૈયાફાટ રૂદનમાં દબાઈ ગયો. કદાચ ચશ્માંના નસીબમાં બાની આંખો નહોતી! ભોંય પર પડીને પોતાની તૂટેલી કાચમાંથી જાણે બાના શબને તાકી રહ્યો એ અભાગિયો.

(સમાપ્ત)

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ