વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈન્ટરનેટ

       "હેલ્લો"
       "હું સાયબર ક્રાઈમમાંથી બોલું છું."
       "સાયબર ક્રાઈમ.....?"
       "તારું નામ કરણ પટેલ છે ને ?"
       "હા સાહેબ."
       "તારું ફેસબૂક એકાઉન્ટ 'કરણ પટેલ પાટીદાર' નામથી છે ને?"
       "હા પણ, શું થયું છે સાહેબ ?"
       "તારા વિરુદ્ધ એક છોકરીએ ફરિયાદ કરી છે."
       "કેવી ફરિયાદ ?"
       "તું એ છોકરીને ફેસબૂક પર ગમે તેવાં મેસેજ મોકલીને હેરાન કરે છે એવી ફરિયાદ છે."
      "ન..ના સાહેબ, મેં કોઈ છોકરીને મેસેજ મોકલીને હેરાન નથી કરી."
       "તો પછી તારા વિરુદ્ધ ફરિયાદ કેવી રીતે આવી ?"
       "મને ન..ન..થી ખબર સાહેબ."
       "તેં કંઈ તો કર્યું જ છે એટલે જ જવાબ આપતાં થોથવાય છે."
       "એવું નથી સાહેબ, પોલીસવાળાથી તો સૌ કોઈ ગભરાય જાય !"
       "એ જે હોય તે પણ તારા વિરુદ્ધ ફરિયાદ આવી છે એટલે અમારે તપાસ તો કરવી જ પડશે."
       "સાહેબ હું એ છોકરીનું નામ જાણી શકું છું ?"
       "કેમ ? નામ જાણીને તારે શું કરવું છે ?"
       "એ છોકરીને મોકલેલા મેસેજ તમને બતાવતે."
       "ફરિયાદ કરનાર છોકરીએ અમને મેસેજ બતાવ્યા જ છે."
       "પણ સાહેબ, મેં એવાં મેસેજ મોકલ્યા જ નથી તો એ છોકરીએ તમને મેસેજ બતાવ્યા કેવી રીતે ?"
       "તો અમને તારું ફેસબૂક એકાઉન્ટ અને નામ કેવી રીતે મળ્યું ?"
       "એ મને શું ખબર ? પણ મને એક વાત સમજાય ગઈ છે કે, મને મીરચી મુર્ગા બનાવવા કોલ કર્યો છે."
      "ઓ....( ગાળ), હું સાયબર સેલમાંથી જ બોલું છું. તને વિશ્વાસ ન હોય તો 'ટ્રુ કોલર' એપ ઉપર નંબર શોધીને જોઈ લે અને હવે ફેસબૂક સાચવીને વાપરજે. નહીં તો મારે તને જેલની હવા ખવડાવવી પડશે."
       "કરણ કોઈ જવાબ આપે એ પહેલાં ફોન કપાય ગયો. ફોન ઉપર જેલની ધમકી મળી એટલે કરણને પરસેવો છૂટી ગયો. તે વિચારમાં પડી ગયો કે, "મારા વિરુદ્ધ કોણે ફરિયાદ કરી હશે ? મેં તો કોઈને ખરાબ મેસેજ કર્યાં જ નથી."
      "અરે ! કરણ, તું અહીં બગીચામાં ફરે છે અને હું તને કલાસમાં શોધતો હતો."
     "અજય, હું ટોઈલેટની બહાર નીકળ્યો કે તરત ફોન આવ્યો એટલે કલાસમાં જવાને બદલે અહીં આવતો રહ્યો."
     "કોનો ફોન હતો અને તું આટલો ગભરાયેલો કેમ લાગે છે ?"
     કરણે ફોન ઉપર થયેલી વાત અજયને કરી. એ સાંભળી અજયે 'ટ્રુ કોલર' એપમાં પેલો નંબર શોધ્યો તો સાયબર સેલવાળાનો જ નીકળ્યો. એ જોઈ અજયે પૂછ્યું, "કરણ, તેં કોઈ ગરબડ તો નથી કરી ને ?"
     "ના યાર ! મેં તારાથી કંઈ છુપાવ્યું છે ?"
     "તો પછી એક કામ કર, ફટાફટ ફેસબૂક ખોલ."
     પછી બંને જણાંએ કરણના ફેસબૂક અને મેસેન્જરમાં પોણા કલાક સુધી ખાંખાંખોળા કર્યા. પણ બંનેને એવું કંઈ મળ્યું નહીં કે જેને લીધે કરણ ઉપર ફરિયાદ થઈ શકે. 
     "લાગે છે કે તને કોઈ હેરાન કરે છે."
     "પણ કોણ હોય શકે ?"
     "તારી કોઈ ભૂલ નથી પછી તું શું કામ ચિંતા કરે છે ? ચાલ કલાસમાં જઈએ."
     "ના યાર, હવે કલાસ ભરવાનો મારો કોઈ મૂડ નથી."
     "તો ચાલ કેન્ટીનમાં જઈએ."
     "હા ચાલ, મૂડ ફ્રેશ કરવાં કેન્ટીનમાં જ જવું પડશે."
     "કરણ ! તારા વિજયમામા પોલીસમાં છે ને ?"
     "હા એ તો હું ભૂલી જ ગયો હતો."
     "તો એમને વાત કર એટલે એ તપાસ કરશે."
     પછી કરણે એના મામાને ફોન કરીને બધી વાત કરી. કરણે ફોન કટ કર્યો એટલે અજયે પૂછ્યું, "શું કહ્યું વિજયમામાએ ?" 
     "તપાસ કરીને ફોન કરું." એમ કહ્યું. 
     "કરણ જલ્દીથી ફેસબૂક ખોલ."
     "કેમ ? હવે શું કરવાનું છે ?"
     "તારા નામ જેવા બીજા કોઈ એકાઉન્ટ છે કે તે જોઈ લઈએ અને જો હોય તો પોલીસવાળાએ તને ભૂલમાં ફોન કર્યો હશે."
     કરણે ફેસબૂકમાં જોયું તો એના નામ જેવા બીજા ચાર-પાંચ એકાઉન્ટ્સ હતાં. એ જોઈ કરણ ખુશ થયો. 
      "જોયું મારી વાત સાચી પડી ને ! તું ચિંતા ન કર, એ કોઈ બીજો કરણ હશે."
      "હા, એવું જ લાગે છે."
      "હવે એક કામ કર. તું આ વાત તારા મામાને પણ કહી દે. જેથી એ તારા વતી રજૂઆત કરી શકે."
      એટલે કરણે વિજયમામાને ફોન કરીને બધી વિગત જણાવી. જે જાણી વિજયે કરણને ધરપત આપી અને ચિંતા ન કરવા કહ્યું. 
       છતાં બીજા દિવસે ફરીથી સાયબર સેલમાંથી કરણ ઉપર ફોન આવ્યો. 
       "કરણ, તારા મામા પોલીસ ખાતામાં છે, એમ ને ?"
       "હા સાહેબ, મામા તમને મળેલા કે ?"
       "મળેલા તો ખરા. પણ કાન ખોલીને સાંભળી લે. છોકરીની હેરાનગતિની વાત આવે એમાં હું કોઈ ઓળખાણ ચલાવી લેતો નથી."
       "પણ સાહેબ, મારા નામ જેવા બીજા ઘણા ફેસબૂક એકાઉન્ટ છે."
       "અમે છોકરીને એ બધાં જ એકાઉન્ટ્સ બતાવેલા. એમાંથી એણે અમને તારું ફેસબૂક એકાઉન્ટ બતાવ્યું. એ એકાઉન્ટ કયા નંબર ઉપરથી વપરાય છે, એ જોઈને જ મેં તને ફોન કરેલો."
       એ સાંભળી કરણ મૂંઝાય ગયો.
       "તું હમણાં કોલેજમાં છે ને ?"
       "હા સાહેબ."
       "તારું લોકેશન જોઈને જ મેં તને ફોન કર્યો છે. હું ધારું તો તું ઘરે હોય ત્યારે પણ ફોન કરી શકું છું. પણ વાત તારા પપ્પા સુધી જાય તો....."
       "એવું ન કરતાં સાહેબ."
       "તો પછી છોકરીઓને ફેસબૂક ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાનું બંધ કરી દે. મેં જોયું છે કે તારા ફેસબૂક ફ્રેન્ડમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધારે છે."
      "સાહેબ, અમારી સોસાયટીમાં અને મારા કલાસમાં છોકરીઓ વધારે છે એટલે."
       "મેં એવું બધું જાણવા ફોન નથી કર્યો. મેં કહ્યું એટલું કર નહીં તો તને પકડવા માટે મારે ગાડી મોકલવી પડશે."
       "હા સાહેબ, તમે કહ્યું એમ જ કરીશ."
       એ સાથે જ ફોન કપાય ગયો. એ સમયે અજયે કરણ પાસે આવતાં પૂછ્યું, "વિજયમામાનો ફોન હતો કે ?"
       કરણે અજયને બધી વાત કરી. એટલે અજયે પૂછ્યું, "તેં કોઈ છોકરીની છેડતી તો નથી કરી ને ?"
       "કેવી વાત કરે છે, અજય ?"
       "તો પછી કોઈની જોડે ઝઘડો થયો હતો કે ?"
       "ના, એવું કંઈ નથી થયું."
       "તો તો પછી તારી ફેસબૂક ફ્રેન્ડ બનેલી છોકરીઓમાંથી એકાદ છોકરીના ભાઈ કે બોયફ્રેન્ડના પેટમાં ચૂંક આવી હશે."
       "એવું હોય તો એ ભાઈ કે બૉયફ્રેન્ડ મને પેલી છોકરીને અનફ્રેન્ડ કરવાનું કહી શકે, પણ પોલીસમાં ફરિયાદ થોડી કરે !"
      "તો પછી તું એક કામ કર, થોડા દિવસ માટે ફેસબૂક જ બંધ કરી દે."
      પણ કરણે તો મોબાઈલમાંથી ફેસબૂક જ કાઢી નાખ્યું. છતાં ત્રીજા દિવસે ફરીથી સાયબર સેલમાંથી કરણના મોબાઈલ ઉપર ફોન આવ્યો. 
     "કરણ તેં તો હદ કરી દીધી."
     "હવે મેં શું કર્યું સાહેબ ?"
     "કાલે રાત્રે તેં ગંદી ફિલ્મ સર્ચ કરેલી ને ?"
     "એવું તો મારી ઉંમરના બધાં જ છોકરાંઓ કરતાં હોય છે. પણ તમે મારી પાછળ કેમ આદુ ખાઈને પડેલા છો ?"
     "કેમ કે તારા વિરુધ્ધ ફરિયાદ થયેલી છે."
     "પણ સાહેબ, એ ફરિયાદ તો ફેસબૂકના મેસેજ વિશેની છે ને ?"
     "તો શું થયું ? તું ફરિયાદનો બદલો લેવા માટે છોકરી ઉપર ગંદી ફિલ્મ જેવું...."
     "અરે ! સાહેબ, હું એ છોકરીને જાણતો જ નથી."
     "ગંદી ફિલ્મો જોવાવાળાનો શું ભરોસો ? એ નહીં તો કોઈ બીજી છોકરીને....."
     "હું એવો નથી સાહેબ."
     "તું ભલે સારો છોકરો હોય પણ તારા વિરુધ્ધ ફરિયાદ થયેલી છે એટલે અમારે તારા ઉપર નજર રાખવી પડે."
     "સાહેબ તમે કહેતા હોય તો હું માફીપત્ર લખી આપું. પણ આ રીતે રોજ ફોન કરીને મને હેરાન ન કરો."
     "જોયું હવે તને તકલીફ થઈ ને ! તો પછી એ છોકરીને કેટલી તકલીફ થઈ હશે ?"
    "સાહેબ, તમે મને એનું નામ આપો એટલે હું એની માફી માંગી લઉં અને આ વિષય પૂરો થાય."
    "તું સગીર છે એટલે તને જવા દઉં છું અને આ વિષય હું જ અહીં પૂરો કરું છું."
     "તમારો આભાર સાહેબ."
     "પણ એનો મતલબ એ નથી કે, તને ગમે તેવા મેસેજ કરવાની છૂટ છે. મારી નજર તારા ઉપર રહેશે જ. જો ફરી કોઈ ભૂલ થશે તો ફોન નહીં પણ ગાડી જ આવશે."
     અજય જોડે જ હતો એટલે કરણે ફોનનું સ્પીકર ચાલું રાખ્યું હતું. ફોન સામેથી કટ થયો કે તરત જ અજયે કહ્યું, "એમણે તારો વિષય પૂરો કર્યો પણ આપણને પેલી છોકરી વિશે જાણવા ન મળ્યું."
        "હા, એ તો રહસ્ય જ રહ્યું."
        "વિજયમામાને પણ કંઈ જાણવા ન મળ્યું  ?"
        "ના, એ સાહેબ જબરો છે. એને પેલી છોકરીની ચિંતા છે."
        "પણ વિજયમામાએ છોકરીના મેસેજ વાંચેલા તો એમાં છોકરીનું નામ અને પ્રોફાઈલ તો દેખાય ને !"
      "એ બધું કાઢીને મામાને મેસેજ બતાવેલા."
      "જે હોય તે, તારો કેસ બંધ થયો એટલું ઘણું છે."
      "પણ મારી ઉપર નજર રાખશે, તેનું શું  ?"
      "હા, એ તો અઘરું જ છે."
    *    *    *    *    *    *    *    *    *    *    *
      સોમવારે કોલેજમાં બંને મિત્રો ભેગા થયા ત્યારે અજયે પૂછ્યું, "હવે ફોન નથી આવતો એટલે તું ખુશ દેખાય છે."
      "અરે ! કાલે તો પોલીસની ગાડી મને શોધતી શોધતી  આવેલી  !"
      "શું વાત કરે છે ?"
     "એ સમયે હું મમ્મી જોડે બજારમાં ગયો હતો એટલે એ લોકો જતા રહ્યા હતા."
      "શું કરવા આવેલા એ લોકો ?"
      "શું ખબર ? બસ મારા વિશે પૂછીને જતા રહ્યા હતા."
      "તારા પપ્પાને પૂછેલું કે ?"
      "ના, અમારા ઘર પાસે હનુમાનજીનું મંદિર છે, ત્યાં બેસેલા લોકોને એમણે પૂછેલું. હું બજારથી આવ્યો ત્યારે એ લોકોએ મને વાત કરી."
      અજય બોલવા જ જતો હતો ત્યાં કરણના મોબાઈલમાં રીંગ વાગી. કરણે જોયું તો સાયબર સેલમાંથી  જ ફોન હતો. એણે અજય તરફ જોઈ ફોન ઊંચકયો અને સ્પીકર ચાલું કરીને પૂછ્યું, "સાહેબ, ગઈકાલે તમે જ ગાડી  મોકલેલી કે ?"
       "હા, તું ગરબડ કર્યાં જ કરે છે એટલે... "
       "હવે મેં શું કર્યું સાહેબ ?"
       "તું કાલે પબ-જી ગેમ રમતો હતો ને ?"
       "એ તો હું રમી જ શકું ને !"
       "ના, હજુ ૭ મહિના પછી તું ૧૮ વરસનો થશે."
       "તમે મારા વિશે ઘણી ખબર રાખો છો ને !"
       "રાખવી જ પડે ને ! અને હવે એ ગેમ કાઢી નાંખજે. નહીં તો ગાડી તારા ઘરે આવશે."
        એ સાંભળી કરણે તરત જ ફોન કટ કરી દીધો અને મોબાઈલ સ્વિચ ઓફ કરી નાંખ્યો. 
        એ પછી દશ દિવસ સુધી કરણના મોબાઈલ ઉપર સાયબર સેલમાંથી કોલ ન આવ્યો. પણ અગિયારમાં દિવસે ફોન આવ્યો. 
        "કરણ હવે તું ઈન્ટરનેટનો સારા કામ માટે ઉપયોગ કરે છે એ જાણી આનંદ થયો."
        "તમારી જ મહેરબાની છે સાહેબ."
       "તું વખાણ કરે છે કે કટાક્ષ કરે છે ?"
       "ના, સાહેબ હું ખરેખર તમારો આભારી છું."
       "તો વાંધો નથી. પણ કરણ તારો અત્યારનો સમય કારકિર્દી તરફ ધ્યાન આપવાનો છે. એને બદલે તું તારો સમય મોબાઈલમાં વેડફી નાખે તો તારું ભણતર બગડશે અને ફેસબૂક તો સાવ નકામું છે."
       "સાહેબ, એમાં નવા નવા મિત્રો બને છે."
       "તારી તકલીફમાં તને કેટલાં મિત્રો કામ લાગ્યા ?"
       "હા, એ વાત મને સમજાય ગઈ છે."
       "ભણવા વિશેની ઘણી માહિતી ગુગલ અને યુ-ટયુબ ઉપર હોય છે. એ જોવાનું રાખ તો તને ઘણું શીખવાનું મળશે."
        "સારું હું એવું જ કરીશ. પણ સાહેબ હું તમારું નામ જાણી શકું કે ?"
        "વિરેન્દ્રસિંહ જાડેજા." એમ કહી વિરેન્દ્રસિંહે ફોન કાપી નાંખ્યો.
        વિરેન્દ્રસિંહની બાજુમાં બેસેલા વિજયે કહ્યું, "સાહેબ મારા ભાણિયાને ઈન્ટરનેટની ખરાબ લત છોડાવીને તમે સારી આદત તરફ દોરવાનું જે કામ કર્યું છે એ બદલ હું તમારો જીવનભર ઋણી રહીશ."
           *    *    *    *    *    *    *    *    *
સમાપ્ત. 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ