વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિધવા

અમદાવાદના નવરંગપુરાના "આશીર્વાદ" બંગલાની સવાર આજે ખૂબ આનંદિત હતી અને હોય પણ કેમ નહીં! કારણ કે, આજે જોગાનુજોગ એવો હતો કે, રમેશ અને રીટાના લગ્નની વર્ષગાંઠના દિવસે જ ગયા વર્ષે વંશનો જન્મ થયો હતો, એટલે આજે રીટા અને રમેશની વર્ષગાંઠ તો હતી જ પરંતુ સાથે સાથે વંશનો પહેલો જન્મદિવસ પણ હતો એટલે એમના ઘરમાં આજે બમણી ખુશી હતી. આજે પહેલી વખત એમના ઘરમાં બે બે ખુશીઓએ એકસાથે દસ્તક દીધી હતી. બધાં જ ખૂબ ખુશ હતા. બંને પ્રસંગના ઉત્સાહને લીધે આજે "આશીર્વાદ" આનંદથી ગુંજી રહ્યું હતું.

રીટા પણ ખૂબ જ ખુશ હતી. આ ત્રણ વર્ષના લગ્નજીવનની ભેટ સ્વરૂપે આજે એના હાથમાં એનો એક વર્ષનો દીકરો વંશ હતો. 

આજે સવારથી જ ઘરમાં પાર્ટીનું આયોજન ચાલી રહ્યું હતું, જેમાં રમેશના માતાપિતા તેમ જ એનો ભાઈ મહેશ અને એની પત્ની શીલા પણ સહભાગી થવાના હતા. મહેશ અને શીલાને કોઈ સંતાન નહોતું.

આખો પરિવાર રીટા અને રમેશની એનીવર્સરી તેમ જ વંશના બર્થ ડે ની તૈયારીમાં જ પડ્યા હતા. રીટા તેમ જ શીલાના પરિવારને પણ આ પાર્ટીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. રીટાના પરિવારમાં એનાં માતાપિતા, એનાથી નાનો એક ભાઈ અને એની પત્ની અને એક નાની બહેન હતાં. જ્યારે શીલા એમના માતાપિતાનું એકનું એક સંતાન હતી.

પાર્ટીમાં આમંત્રિત બધાં જ મહેમાનો આવી ચૂક્યા હતા, પરંતુ હજુ પણ રમેશ બહાર કેક લેવાં ગયો હતો એ હજુ સુધી આવ્યો નહોતો. બધાં રમેશની રાહ જોઈ રહ્યાં હતાં. સમય વધુ પસાર થઈ ગયો હોવાથી રીટાનું મન ઉંચક થઈ રહ્યું હતું. રીટાએ રમેશને વારંવાર કોલ પણ કર્યા પણ રમેશે કોલ ઉપાડ્યા જ નહોતા, આથી રીટા સહિત દરેક લોકો ચિંતિત થઈ ગયા હતા. મહેશ જ્યાં કેકનો ઓર્ડર આપ્યો હતો ત્યાં કોલ કરી તપાસ કરવા જઈ રહ્યો હતો ત્યાં અચાનક પોલીસ દરવાજે આવી પહોંચી હતી. રમેશ તો ન આવ્યો પણ પોલીસ એની લાશ લઈને આવી. રીટાના હૃદયને એક કુદરતનો આકરો પ્રહાર વાગ્યો અને એ આક્રંદ કરતાં રુદન સાથે બોલવા લાગી, "અચાનક આ બધું શું થઈ ગયું? કેમ આમ થયું?" વંશ પણ એની મમ્મીને રડતાં જોઈને રડી રહ્યો હતો. પપ્પાને હચમચાવતાં ઉઠાડવાના પ્રયત્ન કરી રહ્યો હતો. આખું ઘર દુઃખના માતમમાં દર્દને ઝીલી રહ્યું હતું!

પોલીસે ખુબ જ દર્દ સાથે દુઃખદ સમાચાર આપતા જણાવ્યું કે, રસ્તો ઓળંગતા સામેથી આવતી ટ્રકે રમેશને હડફેટે લઈ લીધો હતો અને ઘટનાસ્થળે જ રમેશનું મૃત્યુ થયું હતું. 

રીટા હવે રમેશની વિધવા બની ચૂકી હતી. એમની ખુશીઓ આજે માતમમાં ફેરવાઈ ગઈ હતી. પરિવારનો એક ચિરાગ આજે હંમેશા માટે ઓલવાઈ ગયો હતો. વંશના માથેથી પિતાની છત્રછાયા દૂર થઈ ગઈ હતી. આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સુખનો પ્રસંગ હંમેશા માટે દુઃખમાં ફેરવાઈ ગયો હતો.

રમેશના હવે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતાં. રીટાનો આખો પરિવાર કે જે, ઉત્સાહનો પ્રસંગ માણવા આવ્યા હતા, એના બદલે દુઃખની ઘડીએ દરેક કપરી પરિસ્થિતિનો સામનો કરતા એક પછી એક વિધિઓ પતાવી રહ્યા હતા. 

રમેશના મૃત્યુ પછી રીટા હવે ખૂબ જ દુઃખી અને ગુમસુમ રહેતી હતી. એને વારંવાર રમેશ ખૂબ યાદ આવી જતો. વંશને પણ એના પપ્પા ખૂબ યાદ આવતા હતા. એ પપ્પાના નામને ઉચ્ચારતો અને રડતો હતો. અનિચ્છાએ પણ રીટા પોતાના ચહેરા ઉપર ખોટું હાસ્ય લાવીને વંશને સાચવવાના અથાગ પ્રયત્ન કરતી હતી. ધીરે ધીરે વંશ પણ આ પરિસ્થિતિ સાથે હવે જીવતાં શીખી ગયો હતો. રીટાને મનમાં થતું, 'મેં અને મારા દીકરાએ એવા ક્યાં પાપ કર્યા હશે કે, ભગવાને અમારી પાસેથી રમેશને છીનવી લીધો!'

રમેશના મૃત્યુને હવે એક વર્ષ થઈ ગયું હતું. આજે ફરી વંશનો બર્થ ડે અને રીટા અને રમેશની બંનેની એનીવર્સરી પણ હતી તથા રમેશની પહેલી પુણ્યતિથિ પણ હતી.

રીટાએ નક્કી કર્યું હતું કે, એ રમેશના મૃત્યુનો શોક નહીં પાળે પણ વંશનો જન્મદિવસ જરૂર મનાવશે. હંમેશા ખુશ રહેનારો રમેશ જો સ્વર્ગમાંથી મને દુઃખી જોશે તો એની આત્મા પણ દુઃખી થશે એમ વિચારી એણે વંશનો જન્મદિવસ મનાવવાનું નક્કી કર્યું. 

રીટા દીકરાને ખુશ રાખવા મનનાં દર્દને દૂર રાખી વંશને આનંદિત રાખવા પ્રયત્ન કરી રહી હતી ત્યારે એ જાણતી નહોતી કે, રમેશના માતાપિતાના મનમાં તો કંઈક બીજી જ રમત ચાલી રહી છે.

રમેશના માતાપિતાએ એ દિવસે રીટાના મા બાપને બોલાવ્યા હતા અને એમને કહ્યું હતું, "તમે હવે તમારી દીકરી રીટાને લઈ જાઓ અને એના બીજા લગ્ન કરાવી દો અને વંશને અમને સોંપી દો. ગમે તેમ તો યે વંશ અમારાં ઘરનો વારસદાર છે. અમે ક્યાં સુધી તમારી દીકરીને સાચવશું? એને કમાઈને ખવડાવનાર તો હવે જતો રહ્યો. હવે અમને આ ઘરમાં તમારી દીકરી નહીં પોષાય. જો એ અમારી નજર સામે વધુ ને વધુ સમય રહેશે તો એને જોઈને અમને વારંવાર દુઃખ થશે કે, તમારી દીકરી અમારા રમેશની વિધવા છે. એક વિધવા હવે અમને આ ઘરમાં ન ખપે જે ઘડી ઘડી રમેશ આ દુનિયામાં નથી એ યાદ અપાવે!"

આ સાંભળીને રીટાના પપ્પા બોલી ઉઠ્યા, "વેવાણ! આ તમે શું બોલી રહ્યા છો? તમને કંઈ ભાન છે? એ તમારા દીકરા રમેશની પત્ની છે અને વંશની મા પણ છે. એક મા થઈને તમે આવું એને કઈ રીતે કહી શકો? કોઈ દીકરાને એની મા થી જુદો કરવાની વાત કરો છો? આવું પાપ કરતાં શરમ નથી આવતી તમને?"

"એ જે હોય તે! પણ હવે મને આ ઘરમાં વિધવા ન ખપે! ઘરમાં વિધવાનું હોવું અપશુકનિયાળ ગણાય છે. પહેલાં તો એ મારા દીકરાને ભરખી ગઈ અને હવે એના નસીબની સજા મારા બીજાં દીકરા મહેશને મળે એવું હું નથી ઈચ્છતી. જો એ વધુ સમય હવે આ ઘરમાં રહી ને તો મારી બીજી વહુનો ખોળો ક્યારેય નહીં ભરાય અને હું નથી ઈચ્છતી કે, એનો ખોળો સુનો રહે."

અત્યાર સુધી ઘરમાં જે કંઈ પણ બની રહ્યું હતું એ ચૂપચાપ સાંભળી રહેલી રીટા તરત જ બોલી ઉઠી, "ચાલો પપ્પા! ઉભા થઈ જાઓ. હવે આ ઘરમાં નહીં રહી શકાય મારાથી."

રીટા સાસુ તરફ ફરીને એ ગુસ્સામાં બોલી ઉઠી, "વાહ! સાસુમા વાહ! શું તમારી વાતો છે? ખરેખર! તમે તો એવી વાતો કરો છો જાણે રમેશના મૃત્યુ માટે હું જવાબદાર હોઉં? રમેશ મારો પણ પતિ હતો. એના મૃત્યુનું જેટલું દુઃખ તમને છે ને એટલું જ મને પણ છે. આજે એક સ્ત્રી થઈને તમે મારું ઘોર અપમાન કર્યું છે. મારાં દીકરાના હાથેથી બાપનો હાથ તો ઉઠી જ ગયો છે, પરંતુ હવે તમે એની માને પણ છીનવી લેવા માંગો છો? ખરેખર! શરમ આવવી જોઈએ તમને. જાણો છો?! રમેશની આત્માને આ સાંભળીને કેટલી ઠેસ પહોંચી હશે! માના નામ પર કલંક છો તમે! આજે તમે જે કર્યું છે એ માટે હું તમને ક્યારેય માફ નહીં કરું અને હા! તમે ક્યારેય દીકરાના દીકરાને રમાડવાનું સુખ નહીં પામી શકો આ એક વિધવાનો અભિશાપ છે. યાદ રાખજો." 

રીટા એકદમ ગુસ્સામાં આટલું કહી અને વંશને લઈને એ ઘરમાંથી એના માતા પિતા સાથે બહાર નીકળી ગઈ. આજે રમેશની માતાએ ગૃહલક્ષ્મીને ગુમાવી દીધી હતી.

રીટાએ પોતાના માતાપિતાના ઘરે જઈને એમની માથે પડવા કરતાં પોતાના બાળકને સાથે લઈને પોતાના પગભર થઈને સ્વાભિમાનથી જીવવાનું મુનાસિબ માન્યું. એણે એક શાળામાં શિક્ષકની નોકરી શોધી લીધી અને શાંતિથી નોકરી કરવા લાગી અને ઘર ભાડે લઈને એમાં રહેવા લાગી અને પોતાનો બધો જ જીવ એણે વંશના ઉછેરમાં પરોવ્યો. થોડાં સમય પછી વંશ થોડો મોટો થયો એટલે એણે ટ્યુશન ક્લાસ પણ શરૂ કર્યા. થોડાં વર્ષો એણે દિવસ રાત જોયા વિના ખૂબ જ મહેનત કરી અને કમાણી થતાં એણે પોતાનું ઘર પણ ખરીદી લીધું. એ પછી એણે ક્યારેય પાછું વળીને ભૂતકાળ તરફ જોયું નહીં. 

રીટાને એકલા હાથે ઘર અને વંશને ઉછેરવો ખૂબ અઘરું લાગતું હતું. રીટા માતા પિતા બંનેની ફરજ બજાવતી હતી પણ વંશને એ બધું મેનેજ કરવાના લીધે પૂરતો સમય ન આપી શકતી એનો વસવસો એના મનમાં કાંટા સમાન ખૂંચતો હતો. વંશ જયારે ઊંઘી જતો ત્યારે રીટા એકાંતમાં રમેશને યાદ કરીને રડી પડતી હતી. એને થતું, 'કદાચ આજ રમેશ હયાત હોત તો વંશને આવું મુશ્કેલ જીવન ન જીવવું પડત!' રીટા પોતાના મનમાં જ બધી જ તકલીફોને રાખીને વંશને શકય એટલું સારું જીવન આપવા ખૂબ પ્રયત્નશીલ રહેવા લાગી હતી.

વંશ પણ હંમેશા પોતાની મા ને સંઘર્ષ કરતા જોઈને જ મોટો થયો હતો એટલે મહેનતની કિંમત એ ખૂબ સારી રીતે જાણતો હતો. એ પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને ખૂબ જ મહેનતુ પણ હતો.

રીટાનો પુત્ર હવે યુવાન અને સમજુ થઈ ગયો હતો. વર્ષોની મહેનત અને સંઘર્ષ પછી વંશ પણ હવે ખૂબ જ મોટો સરકારી ઓફિસર બની ગયો હતો અને એની પાસે નોકરીએથી પાછા આવ્યાં પછી જે સમય બચતો એ પોતાની મમ્મી સાથે વીતાવતો. બંને મા-દીકરા જાણે એકબીજાનો સહારો હતાં.

રીટાની આ પ્રગતિ જોઈને કદાચ આકાશમાંથી નિહાળી રહેલાં રમેશને પણ પોતાની આ પત્ની પર અભિમાન થતું હશે.

બીજી બાજુ રીટાને વિધવા કહીને એનું અપમાન કરનારા રમેશના માતાપિતા ક્યારેય દાદા દાદી બનવાનુ સુખ પામી શક્યા નહીં. મહેશની પત્ની શીલા ક્યારેય મા ન બની શકી. વંશ જ એકમાત્ર એમના ઘરનો વારસદાર હતો. પસ્તાવાની આગમાં બળી રહેલી રમેશની માતા એક દિવસ રીટાને મળવા આવી અને માફી માંગતા બોલી ઉઠી, "રીટા! મને માફ કરી દે. અમે લોકોએ તારી સાથે જે દુર્વ્યવહાર કર્યો એની સજા અમને કુદરતે સારી પેઠે આપી દીધી છે. હું ક્યારેય દાદી બનવાનું સુખ ન પામી શકી. શીલાનો ખોળો સૂનો જ રહ્યો. ચાલ! તું અને વંશ હવે આપણાં ઘરે ચાલો! શું આપણે બધું ભૂલીને એક નવી શરૂઆત ન કરી શકીએ?"

ત્યારે એમની વાતનો જવાબ આપતાં રીટા બોલી, "હા! જરૂર કરી શકત, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું છે. વંશ તમારો પૌત્ર જરૂર છે એ સત્યને હું ઈચ્છું તો પણ બદલી શકું એમ નથી. હા! જો વંશ ઈચ્છે તો તમે જરૂર એને મળવા આવી શકો છો અને એની સાથે સંબંધ રાખી શકો છો પરંતુ મારી પાસેથી વધુ આશા નહીં રાખતાં. જે ઘરમાં મને માત્ર વિધવા હોવાના કારણે અપશુકનિયાળ કહીને અપમાન કરવામાં આવ્યું છે એ ઘરમાં તો હું મરતાં સુધી પગ નહીં જ મૂકું."

અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલો વંશ પણ બોલી ઉઠ્યો, "અમારાં પરિવાર સાથે હવે તમારો કોઈ જ સંબંધ નથી. આપણો સંબંધ તો એ દિવસે જ પૂરો થઈ ગયો હતો જે દિવસે તમે મને મારી મા થી જુદો કરવાની વાત કરી. મહેરબાની કરીને હવે ફરી ક્યારેય આ ઘરમાં પગ મૂકતાં નહીં. તમે મારા પપ્પાની મા છો માત્ર એટલાં જ કારણથી હું તમારી આમન્યા જાળવું છું. પ્લીઝ! મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ અને ફરી ક્યારેય અહીં આવશો નહીં."

"ઠીક છે. જેવી તારી મરજી દીકરા!" આટલું કહીને દુઃખી મને રમેશની માતાએ વિદાય લીધી. રમેશની માતાને રીટા અને વંશ બંને મા દીકરો માફ ન કરી શક્યા. 

વિધવા કહીને ત્યક્ત કરવામાં આવેલી સ્ત્રીએ આજે સાબિત કરી દીધું હતું કે, કોઈ ગમે તે કહે પરંતુ જો મનમાં ઈરાદા બુલંદ હોય તો અનેક વિઘ્નો આવવા છતાં તમે જરૂર સફળતાને પ્રાપ્ત કરો જ છો. રીટાએ પણ સમાજને કદાચ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ