વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવલી


   સુગરીનાં માળામાં  હાથ નાખે, એ રીતે જીવલીએ પોતાનાં  માથામાં હાથ નાખ્યાં.  બન્ને હાથની આંગળીઓને મહાપરાણે વાળની આટીઓમાં ઘૂસાડી.  ભૂખ્યો ભોજન પર તૂટી પડે, તેમ આંગળીઓ માથા પર તૂટી પડી ને ઘસર ઘસર  ઘસાવાં લાગી.  ઉપર-નીચે,  આડે-અવળે કંઈ કેટલાંય ઘસરકા માર્યા, ત્યારે  માથામાં થોડી શાતા મળી. એ સાથે વાળની આટીઓમાં  રહેલાં કેટલાંય જીવ મરણને શરણ થયાં.

   જીવલીને હવે  પેટમાં પણ આગ લાગી હતી. આજુબાજુ જોયું.  દાળપૂરી ભરેલું પ્લાસ્ટીકનું એક ઝભલું કોઈ મુકી ગયું હશે.  જીવલીએ  એ ઝબલાને તોડયું.  અડધી દાળ  તેનાં વસ્ત્રો પર ઢોળાઈ ને અઢધી ઝબલામાં બચી. ઝડપથી તે દાળપૂરી ખાવા લાગી. ઝબલામાંની દાળ ખાલી થઈ ગઈ,  પણ પેટની આગ ઠરી નહી. પોતાના વસ્ત્રો પર ચોંટેલી દાળને  પૂરીથી ઘસડી, વસ્ત્રો પર બાઝેલો મેલ પણ  પૂરી સાથે ઘસડાઈ આવી ગયો ને જીવલી પોતાની ક્ષુધાને શાંત કરવા લાગી ગઈ.  

શહેરની વચોવચ આવેલ બગીચાની બહાર ફૂટપાથ પર જીવલી પડી રહેતી. નહાવા સાથે જીવલીને કોઈ સંબંધ નહોતો. .  છેલ્લે શરીર પર ચડાવેલ  વસ્ત્રો સાથે તેને પ્રેમ થયો હશે, એટલે  આજીવન તેને સાથ નિભાવવાનું  કદાચ વચન આપ્યું હશે ?  આ પ્રેમમાં વસ્ત્રો પોતાના રંગ રુપ ભૂલી ગયેલા હતાં. તડકો અને ધૂળ ખાયને હવે લાગતું હતું કે તે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહયાં છે. એ વસ્ત્રોમાંથી બરડાનો ભાગ ખુલ્લો થઈ ગયેલો ને વક્ષઃસ્થળ પરથી ચીમળાય ગયેલી છાતી  બહાર ડોકીયાં કરતી હતી.  ઘાઘરામાં ઘણાં  બાકોરા પડી ગયેલા,  એટલે કોઈએ મહાપ્રયત્ને ઘાઘરા પર બીજો ઘાઘરો પહેરાવી દીધેલો. બન્ને ઘાઘરાઓથી  જીવલીનાં સોટા જેવાં પગને  ઓથાર મળી રહેતો. આ રીતે જીવલીનાં હાલ એવાં થયાં હતાં કે જો કોઈ તેનું પરિચિત તેને  જુએ તો પણ  ઓળખી શકે નહી.  

 જીવલીની નજીક કોઈ જઈ શકતું નહી. એમાં ઘણાં કારણો હતાં.   પહેલું  તો તેનાં અંગ પરનાં મેલનો   પમરાટ જીવલીની રક્ષા કરતો.  વધેલી ખાવાની વસ્તુઓ અને  પોતાનાં  મળ-મૂત્રથી જીવલીની આજુબાજુ એક ચક્રવ્યૂહ રચાયેલું હતું. એ ચક્રવ્યૂને કોઈ વિંધી શકતું નહી.  છતાં કોઈ નજીક જવાની કોશીશ કરે તો ત્યાં પડેલા નાના-નાના પથ્થરો જીવલીનાં  હાથવગા  હથિયારો હતાં. 

  સ્રી પાત્ર હોવાં છતાં જીવલી આ રીતે ખુલ્લામાં સુરક્ષીત હતી. ફૂટપાથ પર સ્થિત ચા અને પાનની લારી ગલ્લા વાળાથી જીવલી થોડી પરિચિત હતી. તેથી  એ લોકો  જીવલીનાં ખાન-પાનનું ધ્યાન રાખતા. ઠંડીમાં તેને ગરમ ધાબળાઓ ઓઢાડી દેતા. તેની જીવવાની જિજીવિષા જોઈને  લારી ગલ્લાવાળાઓએ તેને જીવલી એવું  નામ આપેલું.  બાકી તેનું  સાચું નામ કોઈને ખબર નહોતી. જીવલી જન્મથી મૂંગી  કે પાગલ હશે ? તેની પણ કોઈને જાણ નહોતી.  એકવાર અહીં આવી ગઈ તે આવી ગઈ.  અહીં જ પોતાનું રહેઠાણ બનાવી નાખેલું. 

         સમય જતાં જીવલી   આક્રમક બનવા લાગી.  કોઈને વિના કારણે  મારવા દોડે.  રાહદારીઓને પકડવા દોડે. કોઈના હાથમાં રહેલી વસ્તુઓ છીનવીને ભાગે. એકવાર એક   પથ્થરનો જોરદાર ઘા કોઈ રાહદારી પર કર્યો.   નસીબજોગે  પેલાનું ધ્યાન જતા,  તેણે નિશાન ચૂકવી દીધું. 

   જીવલી  કોઈ પર હુમલો  કરે અને  તે પ્રાણઘાતક  નિવડે, એ પહેલાં લારી ગલ્લાવાળાઓએ નક્કી કર્યું  કે જીવલીને  કોઈ આશ્રમમાં મોકલી આપવી.  શહેરથી  બહાર,  નાના ગામડે ખુલ્લી વિશાળ જગ્યામાં " માનવતા" નામના એક આશ્રમ હતો,   એ આશ્રમમાં "પ્રભૂજીઓ " (પાગલો) ને સાચવવામાં આવતાં હતાં. જીવલીની જાણ આ આશ્રમમાં કરાઈ.  "માનવતા"  આશ્રમથી એક ગાડી આવી. માનવતાના  અનુભવી સંચાલક દેવદત્તભાઈ જીવલીનાં ચક્રવ્યૂહને  તોડવામાં  સફળ રહ્યા.

     જીવલીને "માનવતા" માં  લાવવામાં  આવી.  મહાપ્રત્ને પ્રથમ તો તેનાં માથા પરનાં વાળ દૂર કરી, નવડાવી સુઘડ વસ્ત્રો પહેરવામાં આવ્યાં.  આશ્રમમાં  પાગલોને નિભાવની સુંદર વ્યવસ્થા દેવદત્તભાઈએ કરેલી હતી. સાથે  મનોચિકિત્સક સારવાર પણ આશ્રમમાં ઉપલબ્ધ હતી.  જીવલીની પણ સારવાર શરું થઈ... સારવાર મળતા ધીમે ધીમે  જીવલીની આક્રમકતા ઓછી થઈ ગઈ. પરતું તેને વાચા આવી નહીં.  ' તે કોણ છે ? તેને   કોઈ સગું-વહાલું છે કે નહીં ?  તેનાં ઘરખોરડાનું  ઠેકાણું? '  વગેરે વિશે કોઈ જાણકારી મળી નહી.   

    હલે જીવલી આશ્રમમાં રહેતી. સુનમુન રહેતી.  પોતાની પ્રાથમિક સારસંભાળ જાતે કરી શકતી. આશ્રમમાં  રહેતા અન્યોની પણ સંભાળ લેવામાં  થોડી મદદ કરાવી શકતી. ક્યારેક  આશ્રમના  મંદિરમાં આરતી સમયે આવતી.   ભાવિક-ભકતોનાં  વિખારાયા પછી પણ ક્યાંય સુધી ઈશ્વરની મૂર્તિ સામે બેસી રહેતી.  દેવદત્તભાઈ આ નિહાળતા.  તેને લાગતું કે 'તે જરુર ઈશ્વરને ફરિયાદ કરે છે  !' દેવદત્તભાઈ તેને માથે હાથ મુકતા અને પૂછતા પણ ખરા... " બેટા ! શું નામ  છે તારું ? તારે મને કંઈ કહેવું છે ? "  પણ જીવલી કંઈ જવાબ આપતી નહી.  તે દેવદત્તભાઈ સામે તાકી રહેતી. 

 ક્યારેક - ક્યારેક આશ્રમના બગીચામાં પણ જતી.  ફૂલછોડને પાણી આપતી. કરમાયેલ પર્ણોને  આઘા કરતી. જમીનને ખેડતી. ખીલેલા ફૂલોને  પસારતી. જાણે પોતાના હેતથી  અંઘોળ કરાવતી હોય !!.  

રોજ સૂરજનું ઉગવું ને રોજ સૂરજનું આથમવું... નિત્યક્રમમાં વરસોના વહાણા વિતતા ચાલ્યાં. આશ્રમ પણ દેવદત્તભાઈની સેવાથી મહોરી ઉઠ્યો. તેની સુવાસ આજુબાજુના ગામને પસાર કરી શહેર સુધી પહોંચવા લાગી.  એ સુવાસથી દાનની સરવાણીઓ ફૂટવા લાગી.  કોઈનાં જન્મ દિવસ, કોઈનાં લગ્નદિવસ,   તો કોઈની પુણ્યતિથિએ લોકો યથા શક્તિ દાન આપી જતાં હતાં અને જીવલી જેવાં "પ્રભૂજીઓ" નવજીવનને પામતાં હતાં.

આજે પણ દૂર શહેરથી ઉદ્યોગપતિ વનરાજભાઈ તેમની પૌત્રીનાં  જન્મદિવસે  માતબર રકમનું દાન આપવા માટે આશ્રમમાં આવવાના હતા.  આમ તો દેવદત્તભાઈ આશ્રમ અને તેમાં  રહેલા ' પ્રભૂજીઓ 'ની પુરતી સંભાળ રાખતાં. આજે મોટી રકમનું  દાન આવવાનું હોય, સ્વયંમ  દાતા આશ્રમની મુલાકાત લેવાના  હોય,  આશ્રમમાં ચહલપહલ વધી ગઈ.  દરેક 'પ્રભૂજીઓ' ને  નવડાવી  સ્વચ્છ કપડા પહેરાવામાં આવ્યાં.  વનરાજભાઈના સ્વાગત માટે  આશ્રમનાં સ્વંયમ સેવકો ખડેપગે થઈ ગયાં. 

    આપેલ સમયે વનરાજભાઈ આશ્રમમાં  પધાર્યા. સફેદ કફની-લેંઘામાં આવેલા વનરાજભાઈને જોઈ લાગે નહી કે તે આવડી રકમનું દાન કરવાના હોય.  વનરાજભાઈ સાથે તેમના મિત્ર પ્રવિણભાઈ અને તેની  સાત વર્ષની પૌત્રી ઈશાની પણ આવ્યાં હતાં. 

   આશ્રમની મુખ્ય ઓફીસમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. '  દાનની રકમ સ્વીકારી પછી આશ્રમની મુલાકાત લઈએ !! ' એવું  નક્કી થયું.  રકમ સ્વીકારી  પહોંચ આપવામાં આવી. " હોસ્પિટલ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ વગેરે જગ્યાએ દાન આપ્યું.  કોઈએ "માનવતા" ના સુવાસની વાત  જણાવી, તો  થયું  ફૂલ નહી તો ફૂલની ખાંખડી અહીં પણ આપી આવીએ ! "  સાથે  આવેલ પ્રવિણભાઈએ  વનરાજભાઈ  માટે ટહુકો કર્યો. મહેમાનોનાં માટે અલ્પાહાર લાવવામાં આવ્યો.  પ્રવિણભાઈની પૌત્રી ઈશાનીને   ફુલછોડ વહાલા હશે,  તેણે દાદાને પુછ્યું " દાદા, દાદા ! હું પેલાં  ફૂલડા પાસે જાઉં ?" "હા બેટા !  ત્યાં ઘણાં બધાં ફૂલો છે? તને ગમશે " દેવદત્તભાઈએ   માનસીને માથે વહાલભર્યો હાથ મુક્યો, સાથે  વનરાજભાઈને પણ પૂછ્યું " તમારી લાડલી સાથે ન આવી ?"  વનરાજભાઈના ચહેરાના  હાવભાવ બદલાઈ ગયા.  ન કળાય તેવી રેખાઓ ઉપસી આવી. દુઃખતી રગ પર કોઈએ જોરદાર વાર કર્યો. દેવદત્તભાઈ પોતાએ ભોઠપ અનુભવી.

વનરાજભાઈને પાણી આપ્યું.  થોડી કળ વળતા,  ગળાને ખંખેર્યું.   " દેવદત્તભાઈ ! સેવેલા સપનાને કૂપળો ફૂટે.  એ પછી કમોસમનું એક જોરદારનું ઝાપટું  આવે છે,  ત્યારે ઘટાદાર વૃક્ષોને પણ હલબલાવી નાખે છે. ધરતી પરની ધૂળને કીચડમાં  ફેરવી નાખે છે.  આ કીચડમાં  ફૂટેલી કૂપળો ચગદાય જાય.  ઘટાદાર વૃક્ષને જોવાના સપનાઓ પણ રોળાય જાય છે.  લક્ષ્મીની કૃપા તો  પેઢી દર પેઢી  વરસતી  રહી છે.   સાથે  મારે એક  ખૂબ જ  સુંદર ઉપવન હતું.  ઉપવનને સિંચતી માળીરૂપી પત્ની હતી.  એમાં ખીલેલા ફૂલ જેવો દીકરો અને ફૂલની સુંગધ બનેલી સુંદર  સુશીલ પુત્રવધૂ,  તેના પરિપાકરૂપ વહાલનો દરિયો એવી પૌત્રી હતી.  પાટા પર સડસડાટ રેલ દોડી રહી હતી."  આટલું બોલતા તો  વનરાજભાઈની આંખોમાં જળબિંદુઓ તગતગવા લાગ્યા.  ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો.   કંઈ બોલવું કે  વનરાજભાઈને આશ્વાસન આપવું કે પછી ' ઉપવનમાં  કંઈ રીતે આગ લાગી? ' ' સડસડાટ દોડતી રેલને  ક્યાં અકસ્માત નડયો? ' એવું  પુછવું ?. કોઈને કંઈ સમજણ પડી નહી. વનરાજભાઈએ જ પોતાની વાત આગળ ચલાવી..."  પરંતુ એક દિવસ..."

અચાનક જ આશ્રમમાં  ચીસાચીસ થઈ ગઈ.    દોડતી હાફતી એક સેવિકા દેવદત્તભાઈને બોલાવા આવી... " જલ્દી ચાલો ભાઈ !! દાતાઓ સાથે આવેલ પેલી નાનકડી દીકરી... "  પોતાની દીકરીનું નામ પડતા પ્રવિણભાઈ કોઈનીએ રાહ જોયા વિના બહાર દોડી ગયા.  જેવા ગયા એવા જ ઓફીસમાં પાછા આવ્યા.  હાંફતા-હાંફતા માંડ બોલી શકતા હતા... " વ..ન.રા.જ..ભાઈ.. જલ્દી... બહાર... બહા..ર...   ત..મારી... તમારી... " 

   ઓફિસમાંથી દરેક લોકો બહાર દોડી આવ્યાં. બહારનું દ્રશ્ય જોઈ, સૌ અવાચક બની ગયાં...

જીવલીએ ઈશાનીને બાથમાં જકડી રાખી હતી. યેનકેન પ્રકારે તે ઈશાનીને છોડવા તૈયાર નહોતી.  " નહીં..  ઋત્વાને... સ્કુલે નહી જવા દઉં... " જીવલીને વાચા ફૂટી હતી. ભયના ભાવથી ચહેરો ભયાનક થઈ ગયો હતો.  માથાનાં  વાળ છુટાં થઈ ગયાં હતાં. સાડલાનો છેડો કમરેથી છુટી   ક્યાંય સુધી લાંબો થઈ ગયો હતો. તે  હાંફતી હતી,  સાથે  થરથર ધ્રુજતી હતી.  જીવલી પર   ફરી આક્રમકતાએ હલ્લો કર્યો હોય તેમ જણાય આવતું હતું.   સેવિકાઓ  જીવલી પાસેથી ઈશાનીને છોડાવા મથી રહી હતી.   " ના... ના...  નહી... નહી... ઋત્વાને  સ્કુલે નહી જવા દઉં...  ગઈ... તો... !! પીંખાયેલી પાછી આવશે... લોહીથી લથબથ આવશે.  ઋત્વા પાછી નહી આવે... તેનું શબ આવશે... હવે નહીં જ જવા દઉં... ઋત્વાને... " 

     વનરાજભાઈના  પગલા ધીમે ધીમે  જીવલી તરફ આગળ વધ્યાં.  પાછળ અન્ય લોકો પણ તેને અનુસર્યા. જીવલીએ ઈશાનીને મજબૂતથી પકડી રાખેલી હતી.  ઈશાની પણ આવા અચાનકનાં  હુમલાથી ડરી ગઈ હતી. જોર-જોરથી તે રડી રહી હતી અને જીવલીનાં બંધનમાંથી છુટવા ધમપછાડા કરી રહી હતી. વનરાજભાઈ જીવલી પાસે જઈ ઉભા રહયા.  વનરાજભાઈને જોઈ જીવલી થોડી શાંત પડી.   તે એકીટશે વનરાજભાઈને તાકી રહી.  વનરાજભાઈએ  ધીરે રહી ઈશાનીને પોતાની પાસે લઈ લીધી. જીવલીનાં માથે હાથ મુક્યો " અવંતી બેટા ! આ ઈશાની છે.  આપણી ઋત્વા નથી !! તમને  ખોળવા પણ અમે ક્યાં પાછી પાની કરી હતી !! "   આટલું બોલી તેણે જીવલીને પોતાના આશ્લેષમાં લઈ લીધી.

     ગંગાજમના  વહેણ ફરી ગયાં   અને વનરાજભાઈ,  જીવલી તથા આશ્રમમાં ઉપસ્થિત લોકોની આંખોમાં થઈ વહેવા લાગ્યાં.  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ