વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માતા-પિતાની નિષ્ફળતા

દરેક સંતાન માટે તેના પિતા હીરો અને માતા હીરોઈન હોય છે. કોઈ પણ બાળકને આપણે પૂછીએ કે "બેટા, તને ક્યો હીરો ગમે છે?" તો થોડીવાર એ વિચારશે અને પછી એના પપ્પાની સામું જોઈને જવાબ આપશે કે 'પપ્પા!' સંતાન ભલે એની માંને એવું જતાવે નહીં કે એ તેના માટે હીરોઈન છે પણ દરેક સંતાનના મનનાં કોઈક ખૂણે એવી છાપ જરૂરથી હશે કે તેની માતા હીરોઈન છે, તેની ખુબસુરતી હીરોઈન જેવી જ છે.

માતા-પિતા આર્થિક રીતે ગમે એટલા સફળ હોય પણ જો એ જેના માટે કમાય છે એને પ્રેમ ન આપી શકે, એને સમય ન આપી શકે, એની સાથે બેસીને વાતો ન કરી શકે તો એક માતા-પિતા તરીકે એમની આ બહુ મોટી નિષ્ફળતા છે. નાસમજ દીકરો કદાચ જિદ્દ કરીને એને જે જોઈએ છે એ મેળવી લેશે પણ જો એ વાતની જાણ દીકરીને થઈ કે એના માતા-પિતા એને પ્રેમ નથી કરતા તો એ દિવસથી એ માતાપિતા પાસે કશું જ નહિ માંગે અને પોતાના પગ પર ઉભા રહેવાનું એ વધારે પસંદ કરશે. જ્યારે એક દીકરાને ખબર પડે છે કે એના માતા-પિતા એને પ્રેમ નથી કરતા તો એ એમની સાથે લડીને-ઝઘડીને બધી જ વસ્તુઓ માંગી લેશે અને મજા કરશે. સમજદાર દિકરાઓ માતા-પિતાનો પ્રેમ ન પામ્યા હોય તેમ છતા એ કમાઈને માતા-પિતાની સેવા કરવાનું પસંદ કરશે. 

જે ઘરમાં હસતું-રમતુ સંતાન અચાનક ધીરે ધીરે ચૂપ થવા માંડે તો આવી પરિસ્થિતિમાં માતા-પિતાની ફરજમાં આવે છે એને પૂછવાની અને પોતે આત્મનિરીક્ષણ કરવાની. જે માતા-પિતા એમના સંતાનની ચૂપકીદીને સહજ રીતે લે છે એનું ગંભીર પરિણામ માવતરને ભોગવવું પડે છે અને એ એમની નિષ્ફળતા છે કે તેઓ તેમના વ્યસ્ત જીવનમાંથી એટલો પણ સમય ન કાઢી શક્યા કે તેમના સંતાનને તેના ચૂપ રહેવાનું કારણ પૂછી શકે. જ્યારે કોઈ સંતાન ગેરમાર્ગે જાય છે તો એનું કારણ માતા-પિતાના વાણી-વર્તન જવાબદાર હોય શકે. 'અતિ વિનાશને નોતરે'! જે સંતાનને વધારે પડતા જ લાડકોડ મળ્યા હોય, કોઈએ એને કોઈ વાત પર ટકોર ન કરી હોય એવા સંતાન પણ ગેરમાર્ગે જ‌ઈ શકે છે. 

જ્યારે તમારા સંતાનને તમારી પાસે ખોટું બોલીને કોઈ કાર્ય કરવું પડે, કોઈ વાત તમારાથી છુપાવવી પડે તો એ માતા-પિતાની નિષ્ફળતા છે. જ્યારે તમારા સંતાનને તમારી પાસે ખોટું બોલીને બહાર જવું પડે છે તો એ સમય છે સ્વમુલ્યાંકનનો! સંતાનને તમારી પાસે ખોટું બોલવું પડે, તમને કહ્યાં વગર બહાર જવું પડે તો એના માટે માતા-પિતાના વાણી વર્તન અને વ્યવહાર જવાબદાર હોય શકે. સંતાન અને માતા-પિતા વચ્ચે કાયમી નફરત હોય તો એ એમની નિષ્ફળતા છે. પહેલેથી જ માતાપિતા એમનાં અંગત કારણોસર સંતાનને પ્રેમ આપવાનું, વહાલ કરવાનું ભૂલી ગયા અને એના પરિણામ રૂપે બંનેનાં ભાગમાં આવી છે નિષ્ફળતા!

માતા-પિતાની નિષ્ફળતાનો ભોગ સંતાનને બનવાનું આવે છે. પોતાના માવતરના સાંસારિક નિષ્ફળતાની અસર એક બાળક તરીકે એનાં મનમાં ઊંડી અસર કરી જાય છે. જે દિવસે તમારું સંતાન સુસાઇડ નોટમાં તમને જવાબદાર ઠેરવે તો એ માતા-પિતાની મોટી નિષ્ફળતા છે. જેમણે એવું વિચારીને બાળક પ્લાન કર્યું હોય કે સંતાન થવાથી પતિ-પત્નિ વચ્ચે જે પણ સમસ્યા છે એનું સમાધાન આવી જશે અને પછી સમય જતા એ જ સંતાનને એનાં માવતરને કારણે આત્મહત્યા કરવી પડે તો એ માતા-પિતાની ખૂબ મોટી નિષ્ફળતા છે! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ