વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જોખણું

                    સામાન્ય રીતે લોકમાન્યતા, લોકસાહિત્ય, લોકકલા, લોકસંગીત એ બધામાં રહેલા 'લોક'નો અર્થ એટલે 'ગામડામાં રહેતો કે પ્રમાણમાં અર્ધ કે અશિક્ષિત નિમ્નવર્ગ', એવો સિમિત કરતા આવ્યા છીએ. આમાં પાયાની ભૂલ છે. લોક કે ફોક એટલે માત્ર નિમ્ન સ્તરનું કે ગામડાનો સમાજ નહીં આપણે જેને નાગરિક કહીએ છીએ તેનો પણ એમાં સમાવેશ થાય છે. એનો વ્યાપક અર્થ આમવર્ગ છે, ભૌગોલિક ઐતિહાસિક ધાર્મિક અને ભાષા કે ભાષાઓને જાતિ કે જાતિઓનો બનેલો એક બૃહદ સમાજ 'આલોક'.

                   'લોક' એટલે એક નિશ્ચિત સાંસ્કૃતિક એવા ક્ષેત્રોનો વૈવિધ્યસભર લોકસમૂહ.  એમાં નેહવાસી, રણવાસી, ગ્રામીણ અને શહેરી લોકો હોય. આ બધાના જીવન દર્શન અને અભિગમથી જ લોકસમૂહ બનેલો છે.

                    જ્યારે માલધારીઓ નેહડા વાસીઓ વનવાસી પ્રજા એટલે સામાન્ય રીતે સભ્ય નાગરિકોને લોક કહે અને પોતે 'ફોક'(Folk)જંગલવાસી એવું સામાન્ય જનસમાજ માને છે.    

                    એક માન્યતા પ્રમાણે માલધારીઓની ઉત્પત્તિની કથા ને આધારે કહું તો શિવજીના ગણ સાંબડ અને રઈ નામની પરી ના સંતાનો રાઈકા-રાયકા રબારી થયા. તે જન્મથી અલૌકિક હોવાથી સામાન્ય જનતાને લોક કહે છે. અને પોતે અલૌકિક છે, એવી માન્યતા છે.    

                    નેહવાસી પ્રજામાં સાંસ્કૃતિક વિવિધતાઓ ડગલેને પગલે ભરેલી જોવા મળે છે. અહીં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના દરેક વિસ્તાર ઉપરાંત રાજસ્થાનની સંસ્કૃતિનાં બીજ જોવા મળે છે એવો નેહડો એટલે 'વઢિયારી નેહડો'.

                    વઢિયારી નેહડો એટલે દેવી-દેવતાઓની શ્રદ્ધાથી ધરાવતો 'નેહ',  નેહડાની શ્રદ્ધા એટલે પીંછાનો કાગને કાંચળીનો નાગ.

                    જે લોકમાન્યતાઓ વિશે વિચાર કરીએ છીએ ત્યારે પ્રારંભમાં જ સ્પષ્ટતા કરવી જોઈએ કે આ માન્યતાઓ નથી કેવળ નેહવાસીની, નથી કેવળ ગ્રામજનની, એ સામાન્ય જનસમાજની છે. એમાં નાગરિક પણ છે અને નાગરિકમાં પણ એના નિમ્ન દબાયેલા સ્તરે ગ્રામ અને રણવાસી, નેહવાસી છે.

                   લોકમાન્યતાના મૂળમાં જે શ્રદ્ધાઓ છે અને એ અનુષંગે જે કંઈ વિધિ-નિષેધો અને ક્રિયાઓ છે એને અંધશ્રદ્ધા અને એમ કહેવામાં આવે છે. પણ નેહવાસી એને શ્રદ્ધા માને છે. માણસ પોતે જે કંઈ બનવા, મેળવવા માંગે છે અને એ માટેના પોતાનાથી થાય એ બધા જ પ્રયત્નો કરી છૂટે, છતાં એને પરિણામ ન મળે એવું બને. ત્યારે લાગે કે બધી કંઈ પોતાના હાથની વાત નથી. પોતાના કાબૂમાં નથી. માત્ર પુરુષાર્થ ફળતો નથી, પ્રારબ્ધ જોઈએ.


              માનવ કહે મેં કરું ને કરતબ દૂજા કોઈ,

              આદર્યાં તારાં અધવચ્ચ રે હરિ કરે હોય.


                  ઉપરવાળા દિવ્યતત્વની મહેરબાની જોઈએ. એ કામને સફળતા અપાવે એવો યોગ જોઈએ, મૂહૂર્ત જોઈએ,

                   એક બાબત એ પણ જાણવી કે સ્ત્રીમાં અજ્ઞાત એવો ભય છે. સ્ત્રીમાં ભયગ્રંથિ વિશેષ હોય છે પતિ સંતાનને એ ચાહે છે. અને  अति॒ स्नेहः खलु पाप शङकी।

                    આમ, આત્મશ્રદ્ધાને સ્થિર કરવા માટે જ વ્રત નું નિર્માણ થયું. આવા જાપ, સામે આત્મશ્રદ્ધાને ટકાવી રાખવાનું, દઢ કરવાનું એક મનોવૈજ્ઞાનિક સામાજિક ધાર્મિક સાધન તે વ્રત. આમાંથી પ્રારબ્ધવાદ, શુકન-અપશુકન,  વ્રત, નિયમ, અનુષ્ઠાન જન્મ્યાં. તે સાથે જ કોઈ સાધિત કે મંત્રીત્ પદાર્થની શક્તિમાં શ્રદ્ધા બંધાઈ. કર્તાહર્તા ઈશ્વર એ ખુશ થાય તો બધું ટકી રહી અને માંગીએ તે મળે. અેને ખુશ કરવા માટે નામસ્મરણ, ધૂન, ભજન, પૂજન-અર્ચન વ્રત નિયમ વગેરે અને આવાં અનુષ્ઠાન કરનાર પદાર્થને મંત્રથી સિદ્ધ કરવામાં આવે. તે પદાર્થમાં જ આવી શુભ અને માંગલિક શક્તિ નિર્માણની શક્તિ આપે એવી શ્રદ્ધા જન્મી. આ આસ્થાનો નેહડાનો એક પ્રસંગ-રિવાજ એટલે 'જોખણું'. આમ તો 'જોખણું' શબ્દનો અર્થ તુલામાં તોલ કરવો, તોળવું, જોખવું એવો થાય છે. પણ મોટેભાગે નેહવાસીઓ 'જોખણું' શબ્દ ઉચ્ચારે છે.

                   'જોખણું' પોતાના ઇષ્ટ પાસે રાખવામાં આવેલી બાધા-માનતા(માનગત) છે. ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે થઈને જન્મનાર બાળકને જોખવાની માનતા હોય છે. ગંભીર બિમારીમાંથી ઉગરવા પણ આવી માનતાઓ માનવામાં આવે છે. ખાસ કરીને અન્ય ભદ્રલોકોમાં દીકરાની પ્રાપ્તિનું વિશેષ મહત્વ હોય છે. જો કે નેહ દીકરીને દીકરા થી પણ અધિક પ્રેમ આપે છે. દીકરી જન્મે પણ ઘણા જોખણાં જોવા મળે છે. તો ક્યારેક મોટી ઉંમરના વ્યક્તિઓનું પણ જોખણું કરવામાં આવે છે.

                  નેહની નારીઓ કુળદેવીના કે દેવતાના મંદિરે 'જોખણું' કરવા જતી હોય છે એ ક્ષણે એમને જોવી સાંભળવી એક લ્હાવો છે ! નેહની બાઈઓના ગીતોના શબ્દો પકડવા અધરા છે. એ આલાપમાં જ ગીતો ગાય છે.


મારી મગ મગ જેવડી મેડીયું,

તલ તલ જેવડાં  કમાડ...

શેષમાના તમે મઢે જો વો,

મઢે ફુલ હાર રે.......


                   બીજી બાજુ મઢ કે મંદિરમાં બેઠેલા મેલાઘેલા માનવીનાં હૈયાં ઘણાં ઊંડાંને હેતાળ હોય છે. મંદિરના પરિસરમાં કસુંબાની રંગત જામેલી જોવા મળે છે. 'જોખણું' કરતો યજમાન પરિવાર સમગ્ર નેહના વડીલોને ચા-પાણી, કસુંબો કરાવે છે. એક બાજુ ગળાના સમ આપી કસુંબો પાતા ધીંગા ને માયાળું વઢિયારી માલધારીઓને બીજી બાજુ ગાઉં-ગાઉ ગાંણાના અવાજો સંભળાય એવા હલકારા સાથે ગવાતાં ગીત.


            એ પાવો વાજ્યો મઢડામાં નણદલ બઈ,

            મન રઈ જ્યાં ડાકલામાં.....


તો વળી,


                 ધાં ધાં નગારાં વાગે,

                 વાગે ચાંદીના ઢોલ શેષ માને મઢડે,

                 હેમનાં વાજાં વાગે રે....


                 ચિયા ભૈ તે આવે તમારી જાતરા,

                 સાથે ચિયા તે ભૈની જોડ,

                 શેષમાને મઢડે હેમનાં વાજાં વાગે રે....


                     ઉત્સાહી મોટીયારો જોખણાની વિધિમાં જોડાઈ જાય છે. કોઈ હુકમ નહીં, સ્વેચ્છાએ કાર્ય કરવાની ભાવના.

                     'જોખણા'માં  દીકરો કે દીકરી બંનેની જોખવાની વિધિમાં ફેરફાર જોવા મળતો નથી.  દીકરાનું 'જોખણું' હોય તો નવા કપડાં પહેરાવી વરરાજાની જેમ તૈયાર કરવામાં આવે છે. દીકરાની સાથે એની લાકડી, મોજડી, પાઘડી અને બોધેણું પણ તોળવામાં આવે છે. જયારે દીકરીના જોખણામાં  દીકરીને પણ નવા કપડા પહેરાવી શણગારી, ચુંદડી માથે 'ધડી' અને વાણીયું (મોજડી) ને પણ સાથે રાખી જોખવામાં  આવે છે. સાથે-સાથે દીકરી-દીકરાના હાથમાં સવાશેર સાકરની પોંહલી(ખોબો) ભરાવવામાં આવે છે. તે પોંહલીમાં રોકડા રૂપિયા એટલે સો કે તેથી વધુ રૂપિયાની નોટ ને શ્રીફળ અને સાકર વચ્ચે મૂકવામાં આવે છે. કપાળથી નાકની દાંડી સુધી લાંબુ તિલક કરી તેના પર ચોખા ચોડીને બંને હાથમાં ચોખા રાખી  તેના દીકરી કે દીકરાના માથે ઉડાડીને તેનાં મખડાં- દુખણા-મીઠડાં-ભામણાં લઈ વધાવે છે. પોંહલીમાં રાખેલ શ્રીફળને ઓછામાં ઓછી પાંચ સ્ત્રીઓ અને વધુ ૨૧ એટલે કે એકી સંખ્યામાં પોંખવામાં આવે છે. જુવાનડીયો ગીતો ગાય છે.


                    મેલડી માં ના મઢ જોડે લીમડી,

                    ત્યાં બાંધેલ ગવરી ગાય જો,

                    ગવરી ગાય તો જવે સરે,

                    મેલડીમા દૂધડે નાય રે...


                           એક ત્રાજવામાં  બાળકને બેસાડીને સામેના ત્રાજવામાં જુવાર, ઘઉંના  દાણાથી તોળવામાં આવે છે. દિકરા કે દિકરીને સીધા ગોળ,સાકર કે મીઠાઈથી તોળવામાં આવતા નથી. એના પાછળનું કારણ એ છે કે પહેલાં અનાજના દાણાથી તોલવામાં આવે છે તે દાંણા પંખીઓને ચણ તરીકે નાખવામાં આવે છે. બીજી એક માન્યતા છે કે બાળકની સાથે તોળેલી વસ્તુને  ખાઈ શકાતી નથી. એ અશોભનીય કે અપશુકન કહેવાય માટે પછી દાણા સાથે ગોળ સાકર કે બીજી મીઠાઇઓને તોલવામાં આવે છે. જોખણામાં વપરાયેલ ગોળ, સાકર કે મીઠાઈ બે ફાંકડા મોટીયારોને હાથમાં બખડિયાં(કુંડી) પકડાવીને પહેંચવા આપે. કોણ પહેલા વહેંચી રેશે એવી ફારકાઈ જોવા મળે. એમાં પણ અમૂક નિશ્ચિત વ્યક્તિઓ જ નક્કી હોય છે એજ પ્રસાદ વિતરણ કરે છે. અને છેલ્લે એટલે કહું છું ;  ભલે રે કાન અમે વગડે રે વસીએ,

       એકવાર કાન મારા નેહડે પધારજો.

- રાઘવ વઢિયારી

રઘુ શિવાભાઈ રબારી

કોલાપુર તા:રાધનપુર જિ:પાટણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ