વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંગમ

         સાગર ભાનમાં આવ્યો કે તરત એને સરિતા યાદ આવી એટલે એ મોબાઈલ શોધવા લાગ્યો. સાગરને હલતો જોઈ પલંગની બાજુમાં ખુરશી ઉપર બેસેલા ઉષાબેનની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. તેઓ બોલ્યા, "બેટા, એમ જ ઊંધી રહે."
         એ સાંભળી સાગરને ખ્યાલ આવ્યો કે એ હોસ્પિટલમાં છે. એ સરિતાને પહેલી વાર મળવા જતો હતો અને એની બાઈકનો કાર સાથે અકસ્માત થયો હતો.
         સાગરને સરિતા વિશે એના ભાઈએ જ વાત કરી હતી. એ દિવસે સાગર સોસાયટીની નજીકના સીટી બસ સ્ટેન્ડ પર ઊભો હતો ત્યારે એક યુવકે એની નજીક આવતા પૂછ્યું, "અરે ! સાગરભાઈ, તમે અહીં કયાંથી ?"
         સાગર શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં દિવાળી પછી લાઈબ્રેરીયન તરીકે જોડાયો હતો. તેણે  યુવક તરફ જોતા કહ્યું, "હું ગઈકાલે જ બાજુની સોસાયટીમાં રહેવા આવ્યો છું. આપણે કોલેજમાં બે વાર ભેગા થયા છે. પણ મને તારું નામ યાદ નથી આવતું."
         એટલામાં બસ આવતા બંને જણ બસમાં ચઢયા અને બાજુબાજુની સીટ ઉપર બેઠા. યુવકે કહ્યું, "મારું નામ સુભાષ છે અને હું બી.એસસી. કરું છું."
         "તું બી.એસસી.માં છે છતાં તને સાહિત્યમાં રસ છે એ જાણી ખુશી થઈ."
         "મને માત્ર વિજ્ઞાનને લગતા સાહિત્યમાં જ રસ છે."
         "તો પછી તું નવલકથા કોની માટે લઈ જાય છે ?"
         "એ તો સરીતાદીદી વાંચે છે."
         "તો તારા દીદી શું કરે છે ?"
         "દીદી ગુજરાતી વિષય સાથે બી .એ. કરે છે."
         "તો તેઓ જાતે પુસ્તક લેવા કેમ નથી આવતા ?"
         "દીદી ગયા અઠવાડિયે એકટીવા પરથી પડી ગયા હતા. એમને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે એટલે તેઓ કોલેજ નથી આવતા."
          "ઓહ ! વધારે વાગ્યું નથી ને ?"
          "ન..ના વધારે નથી વાગ્યું."
          પછી બંને જણ મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા. સાંજે તેઓ બસમાં જોડે જ ઘરે આવ્યા. એ સમયે રસ્તા પરથી સુભાષે સાગરને એનું ઘર બતાવ્યું.
         સોસાયટીના પ્રવેશદ્રારની નજીક જે પહેલો એપાર્ટમેન્ટ હતો એના પહેલા માળે સુભાષનું ધર હતું. સુભાષ ઘરમાં પ્રવેશ્યો એટલે બેઠક રૂમની બારી પાસે બેસીને ભીંડા સમારી રહેલી સરિતાએ પૂછ્યું, "તું જેને આપણું ઘર બતાવી રહ્યો હતો એ કોણ હતું ?"
         "કોલેજના નવા લાઈબ્રેરીયન સાગરભાઈ. હમણાં જ બાજુની સોસાયટીમાં રહેવા આવ્યા છે."
         "બરાબર."
         "એમણે આ 'મળેલા જીવ' નવલકથા મોકલાવી છે."
         "તો 'સરસ્વતીચંદ્ર' ન મળી ?"
         "ના, કોઈ લઈ ગયું છે. દસ દિવસ પછી આવશે."
         સરિતાએ ત્રણ દિવસમાં એ પુસ્તક વાંચી લીધું. પછી સાગરે 'પાટણની પ્રભુતા' નવલકથા મોકલાવી, જે એણે ચાર દિવસમાં પૂરી કરી. પછી સાગરે 'વેવિશાળ' નવલકથા મોકલી. એય એણે ચાર દિવસમાં પૂરી કરી દીધી. પણ એ પુસ્તકના અંતિમ પૃષ્ઠ પર જે લખેલું હતું તે વાંચી સરિતાને નવાઈ લાગી.
         છેલ્લા પાના પર પાના નં. ૭, ૮૬, ૧૯, ૪૩, ૭૦, ૯ એવું લખેલું હતું. એ પાના સરિતાએ ફરીથી વાંચ્યા પણ કંઈ ખબર ન પડી. પાના નંબર પણ ક્રમબધ્ધ લખેલા ન હતા. એટલે કોઈએ એમ જ લખ્યું હશે એમ વિચારી સરિતાએ સુભાષને એ પુસ્તક આપી દીધું.
         સાંજે સુભાષ સરસ્વતીચંદ્ર નવલકથા લઈને આવ્યો એ જોઈ સરિતા ખુશ થઈ ગઈ અને તરત વાંચવા લાગી. થોડી વાર વાંચી તે મમ્મીને મદદ કરવા રસોડામાં ગઈ. જમ્યા પછી તે ફરી વાંચવા બેઠી ત્યારે પુસ્તકના કેટલા પાના છે એ જોવા એણે છેલ્લું પાનું ખોલ્યું ત્યાં એને ફરીથી એ જ જોવા મળ્યું.
         પાના નં. ૭, ૮૬, ૧૯, ૪૩, ૭૦, ૯. એ વાંચી એને એક વિચાર આવ્યો અને એણે મોબાઈલ હાથમાં લઈ ટ્રુ કોલર એપ ખોલી. એમાં પાના નંબર લખીને સર્ચ કર્યું તો સાગરનું નામ આવ્યું. એટલે એણે નંબર સેવ કર્યો અને તરત વોટ્સએપ ખોલ્યું.
         સાગર ઓનલાઈન જ હતો. સરિતાએ એનો પ્રોફાઈલ ફોટો જોયો પછી મેસેજ કર્યો, "કોણ ?"
         સાગરે અજાણ્યા નંબર પરથી આવેલો મેસેજ જોયો. એણે પ્રોફાઈલ ફોટો જોયો પણ એમાં કુદરતી દ્રશ્ય હતું. છતાં એને ખ્યાલ આવી ગયો. તેણે મેસેજ કર્યો, "હું સાગર અને તમે સરિતા છો ને ?"
         "હા પણ તમને કેવી રીતે ખબર પડી ગઈ ?"
         "જે રીતે તમે મારો નંબર શોધી કાઢયો એ રીતે મેં તમારા વિશે અનુમાન કર્યું."
         "નંબર આપવાની તમારી રીત મને ગમી. પણ આ રીતે નંબર આપવાનું કારણ જાણી શકું ?"
         "તમારી સાથે વાત કરવા માટે."
         "શું વાત કરવી છે ?"
         "મારી જેમ તમને પણ સાહિત્યમાં રસ છે એટલે એ વિશે વાત કરવાની છે."
         "હા બોલો."
         "તમને સાહિત્યમાં કયારથી રસ પડ્યો ?"
         "મને નાનપણથી જ વાંચવાનું ગમતું હતું. પણ નવલકથા વાંચવાનું કોલેજમાં આવ્યા પછી ચાલુ કર્યું."
         "મારું પણ એવું જ છે. તમારો કોઈ ગમતો લેખક છે કે ?"
         "ના, સારી વાર્તા હોય તે વાંચવી ગમે."
         "મને તો રહસ્યકથા ને પ્રેમકથા વાંચવી ગમે અને તમને ?"
         "મને ઐતિહાસિક અને પ્રેમકથા ગમે."
         "તો તો તમને પાટણની પ્રભુતા જરૂર ગમી હશે."
         "હા ઘણી ગમી અને સરસ્વતીચંદ્ર મેં થોડીક વાંચી છે, એમાંય મજા આવે છે."
         "હા ગોવર્ધનરામ ત્રિપાઠીની એ એક માત્ર નવલકથા છે પણ કલાસિક નવલકથા છે."
         "હું ઘણા સમયથી વાંચવાની હતી પણ એવો સમય ન હતો. હવે મોકો મળ્યો છે તો એનો સદુપયોગ કરી વાંચું છું."
         "હા મને સુભાષે વાત કરી હતી. તમારા ક્યા પગમાં ફ્રેક્ચર છે ?"
         ફ્રેક્ચર વાંચી સરિતાને નવાઈ લાગી. એ ડાબા પગ ઉપર નજર કરતા વિચારવા લાગી, "સુભાષે અધૂરી વાત કેમ કહી હશે ?"
         પછી સરિતાએ લખ્યું, ફ્રેક્ચર ડાબા પગમાં છે."
         "તમે જલ્દીથી હરતા ફરતા થઈ જાઓ એવી શુભેચ્છાઓ."
         "તમારો ખૂબ ખૂબ આભાર."
                           *****
         બીજા દિવસે રાતે જમ્યા પછી સાગર મોબાઈલ લઈને બેઠો હતો. સરિતાને ઓનલાઈન જોઈ એણે મેસેજ કર્યો, "જય શ્રીકૃષ્ણ."
         સામેથી જવાબ આવ્યો, "જય શ્રીકૃષ્ણ."
         "આજે સુભાષ કહેતો હતો કે તમે ઘરમાં કંટાળી જાઓ છો."
         "પણ એ સામેથી મારી વાત કહે એવું લાગતું નથી."
         "એ વિશે મેં જ એને પૂછયું હતું."
         "એવું પૂછવાનું કારણ જાણી શકું ?"
         "બસ એમ જ."
         "મને ઘરમાં ભરાય રહેવાનું અને મમ્મી પાસે સેવા કરાવવાનું ગમતું નથી."
         "એવું તો મનેય ન ગમે. પણ જે થયું તે તમારા હાથમાં ન હતું."
         "હા એ વાત સાચી."
         "તો હવે એમ વિચારો કે ભગવાને વાંચવાનો શોખ પૂરો કરવાનો તમને મોકો આપ્યો છે."
         "હા આ મોકાનો હું ભરપૂર ફાયદો ઉઠાવું છું."
         "વાંચવા સિવાય તમારા બીજા શું શોખ છે ?"
         "ફરવાનો અને ગીતો સાંભળવાનો. અમે રસોડામાં હોઈએ એટલે એફ.એમ. ચાલુ જ હોય."
         "મને પણ ફરવાનું અને ગીતો સાંભળવાનું ગમે છે."
         પછી એમની વચ્ચે રોજ રાતે વાતો થવા લાગી. એક દિવસ સાગરે મેસેજમાં લખ્યું, "આજે તમે પાંઉભાજી બનાવેલી ને ?"
         "હા પણ તમને કેવી રીતે ખબર ?"
         "સુભાષ જોડે અમે ફાસ્ટ ફુડ વિશે વાત કરતા હતા ત્યારે એણે મને કહેલું."
         "અમે બહારનું ખાસ ખાતા નથી એટલે હું યુ ટયુબ પરથી શીખીને ઘરે જ કંઈ ને કંઈ બનાવું છું. આજે સવારે મેં પપ્પાને બધી શાકભાજી લાવવા કહ્યું હતું એટલે સુભાષને ખબર પડી ગઈ હતી."
         "તમે ઘરે જ એવું બધું બનાવો છો એ સારું કહેવાય. પણ પાંઉ તો બહારની વસ્તુ જ થઈ ને ?"
         "ના અમે રોટલી સાથે ભાજી ખાધેલી."
         "એ તો અતિ ઉત્તમ. હું પણ નછુટકે જ બહારનું ખાઉં છું."
         "તમારી ગમતી ડીશ કંઈ ?"
         "ડીશ ટીવી. એમાં બધું જ આવી જાય."
         સરિતાએ ગુસ્સાવાળા ઈમોજી સાથે મેસેજ કર્યો, "હું એ ડીશની વાત નથી કરતી."
         "સોરી, મને મજાક કરવાની આદત છે."
         "સારી આદત છે."
         "મને વેઢમી સાથે રસાવાળું શાક ભાવે."
         "અને મને રીંગણના રવૈયા ભાવે."
         "પણ મને કારેલા ન ભાવે."
         "મને ગુવારસીંગ ન ભાવે એટલે મારો ઉપવાસ હોય અને ઘરમાં ગુવારસીંગ હોય તો એ દિવસે બની જાય."
         "તમે ક્યાં વારે ઉપવાસ કરો ?"
         "હું દર અગિયારસે ઉપવાસ કરું છું."
         "મારાથી તો ઉપવાસ નથી થતા."
         "તમે ભીમ જેવા ભુખ્ખડ જ છો."
         "હા એટલે ભીમ અગિયારસ કરું છું."
         "વરસની એક અગિયારસ કરો છો એ પણ ઘણું છે."
         "હું એક ઉપવાસ રોજ જ કરું."
         "એ વળી કયો ?"
         "મોબાઈલનો, રાતે દસથી સવારના આઠ વાગ્યા સુધી."
         "એટલે તમે વહેલા ઊંધી જાઓ છો કે ?"
         "ના અગિયાર વાગ્યા સુધી વાંચુ છું."
         "અત્યારે કયું પુસ્તક વાંચો છો."
         "હરકીસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ."
         "પછી મને એ વાંચવા આપજો."
         "એ તો કંઈ કહેવાની વાત છે."
         "સારું ચાલો, કાલે મળીએ."
         "કયાં મળવું છે ?"
         "વોટ્સએપ પર, બીજે કયાં ?"
                      *****
         "આજે છ દિવસ પૂરા થઈ ગયા છતાં તમે સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ પૂરો નથી કરી શકયા ?"
         "મારો રોજનો એક કલાક તમારા મેસેજ વાંચવામાં પૂરો થઈ જાય છે. પછી કેવી રીતે ભાગ પૂરો થાય ?"
         "તો ઠીક છે, હવેથી મેસેજ નહીં કરું."
         "મેં કયાં એવું કહ્યું કે તમે મેસેજ ન કરતા ?"
         "તમારા કહેવાનો મતલબ તો એવો જ છે ને ?"
         "મેં ખાલી કારણ જણાવ્યું છે."
         "એટલે તમને મારી જોડે વાત કરવાનું ગમે છે ?"
         "હા, તમારી પાસેથી સારી સારી નવલકથાઓની વાત જાણવા મળે છે એટલે ગમે જ ને."
         "બસ એટલા માટે જ વાત કરવાનું ગમે છે ?"
         "હા અને તમે મારા કરતાં મોટા છો છતાં મને માન આપો છો એ ગમે છે."
         "અને હું તમને તુંકારીને બોલાવું તો ગમે કે ?"
         "હા ગમે."
         "તો પછી તારે પણ મને તુંકારીને બોલાવવો પડે."
         "પણ તમે તો મારા કરતાં મોટા છો."
         "એમ તો તારી મમ્મી તારા કરતાં મોટી જ છે છતાં તું એમને તુંકારીને બોલાવે છે ને ?"
         "એનાથી પોતીકાપણાનો ભાવ આવે એટલે."
         "એ જ કારણે હું તને કહું છું કે મને તુંકારીને બોલાવ."
         "હું વિચારીશ." એમ લખી સરિતાએ નેટ બંધ કરી દીધું.
         સરિતા ઓફલાઈન થઈ ગઈ એ જોઈ સાગર ચિંતામાં પડી ગયો, "શું એને મારી વાત ન ગમી હશે કે પછી કોઈ કામ આવી ગયું હશે ?"
         સાગરે દસેક મિનિટ સુધી રાહ જોઈ પણ સરિતા ઓનલાઈન ન આવી એટલે સાગરે મેસેજ કર્યો, "કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે."
         પછી એ પણ મોબાઈલ સાઈડમાં મૂકી પુસ્તક વાંચવા બેસી ગયો.
         બીજા દિવસે બસમાં બેસી સાગરે જોયું કે સરિતાએ હજુ એનો મેસેજ વાંચ્યો ન હતો. એને સુભાષને પૂછવાનું મન થયું પણ એ પૂછી ન શક્યો. પછી એણે નક્કી કર્યું કે એનો મેસેજ આવશે તો વાત કરીશ. એણે સાંજ સુધી ઘણી વાર વોટ્સએપ ચેક કર્યું પણ એના મેસેજ પાસે બ્લુ ટીક થઈ ન હતી. એની આતુરતાનો અંત રાતે જ આવ્યો. 
         રાતે સરિતાનો મેસેજ આવ્યો, "તેં કેમ માફી માંગી ?"
         એ વાંચી સાગર ખુશ થયો કેમ કે સરિતાએ એને તુંકારે સંબોધ્યો હતો. એણે વળતો મેસેજ કર્યો, "મેં તારી પાસે એક પ્રસ્તાવ મૂકયો એ પછી તું ઓફલાઈન થઈ ગઈ એટલે મને લાગ્યું કે તને ખોટું લાગ્યું હશે. તેથી મેં માફી માંગી હતી."
         "મને ખોટું લાગ્યું ન હતું પણ ભવિષ્ય વિશે વિચારીને ચિંતા થઈ આવી હતી."
         "કેવી ચિંતા ?"
         "દિવાળી પછી એક છોકરો મને જોવા આવ્યો હતો અને લગભગ બધું નક્કી જ હતું."
         "ઓહ ! તો પછી શું થયું ?"
         "મારું એકસીડન્ટ થયું અને મારા વિશે જાણી એમણે ના પાડી દીધી."
         "પગમાં ફ્રેક્ચર થવું એ કંઈ ના પાડવાનું કારણ ન કહેવાય. પણ એ લોકોએ ના પાડી એના પરથી એમની માનસિકતા છતી થઈ ગઈ અને તું એવા લોકો સાથે જોડાતા બચી ગઈ."
         "હા એક વાતે એ સારું જ થયું."
         "પણ આ વાતને મારી વાત સાથે શું સંબંધ, જે તને ચિંતા થઈ આવી હતી ?"
         "તારા પ્રસ્તાવનો મતલબ ન સમજું એટલી હું નાદાન નથી."
         "એ વિચારીને જ મેં પ્રસ્તાવ મૂકેલો."
         "એટલે જ મને ચિંતા થઈ આવી હતી કે જો ભવિષ્યમાં તું પણ ના પાડી દે તો ?"
         "એ બાબતમાં તું નચિંત થઈ જા. ગમે તે પરિસ્થિતિ આવે પણ હું ક્યારેય એવું ન કરું."
         "તારી સાથે આટલા દિવસ વાત કર્યા પછી મને તારા ઉપર વિશ્વાસ હતો એટલે જ મેં આ સંબંધમાં આગળ વધવાનું નક્કી કર્યું."
         "મારા પર વિશ્વાસ કરવા બદલ તારો આભાર. હું તારા વિશ્વાસનો ભંગ નહીં થવા દઉં."
         "પણ એમાં આભાર માનવાનો ન હોય."
         "તેં મારી કદર કરી એટલે આભાર તો માનવો જ પડે ને ?"
         "આભાર તો મારે માનવો જોઈએ કેમ કે તું ગમે તે પરિસ્થિતિમાં પણ મારો સાથ નિભાવવા તૈયાર છે."
         એટલે સાગરે એક ગીત મોકલ્યું, "વાદા કર લે સાજના, તેરે બીન મેં ન રહું."
         એ સાંભળી સરિતાએ પણ ગીત મોકલ્યું, "વાદા કરો નહીં છોડોગે તુમ મેરા સાથ, જહાં તુમ હો વહાં મેં ભી હું."
         એટલે સાગરે બીજું ગીત મોકલ્યું, "કીતના પ્યારા વાદા હે ઈન મતવાલી આંખો કા."
         "આપણે વાદા પરના ગીતોની શબ્દાક્ષરી નથી રમવાની."
         "આ ગીતો તો પ્રેમાક્ષરી છે. ગીત એ અભિવ્યક્તિનું સરસ માધ્યમ છે."
         "એમ તો સાંભળ, અચ્છા તો હમ ચલતે હે."
         "અભી ન જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં."
         "ઢલ ગયા દિન હો ગઈ શામ, જાને દો જાના હે."
         "તુમ જો ચલે ગયે તો હોગી બડી ખરાબી,
          તુમ્હે દિલ મેં બંધ કર દું દરિયા મેં ફેંક દું ચાબી."
         "કલ કી હસીન મુલાકાત કે લિયે, આજ રાત કે લિયે, હમ તુમ જુદા હો જાતે હે, અચ્છા ચલો સો જાતે હે."
         "ઠીક છે, શુભ રાત્રી."
         "શુભ રાત્રી."
                           ***
         એક વખત સાગરની પ્રોફાઈલ જોઈ સરિતાએ મેસેજ કર્યો, "ડી.પી. ખૂબ સરસ છે. કયાંનો પીક છે ?"
         "આ વેકેશનમાં અમે આબુ ગયા હતા ત્યાંનો છે."
         "અમે આ વખતે રાજસ્થાન ગયા હતા."
         "તું કેમ ડી.પી.માં તારો ફોટો નથી મૂકતી ?"
         "કોલેજના છોકરાઓ ફોટા સાથે છેડછાડ કરે છે એટલે ફોટા નથી મૂકતી."
         "પણ મને તો ફોટો આપી શકે ને ?"
         "હા, હમણાં મોકલું છું."
         એટલે સાગર રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી સરિતાએ ફોટો મોકલ્યો. પણ સાગરે જોયું કે એ ફોટો આંખ સુધીનો જ હતો. એ જોઈ એણે લખ્યું, "આ તો અધૂરો છે. બાકીનો ફોટો કયાં છે ?"
         "બાકીનો ફરી ક્યારેક."
         "પણ કેટલા દિવસમાં મળશે ?"
         "ત્રણ-ચાર દિવસમાં."
         "ચીજવસ્તુ હપ્તા પર મળે એ બરાબર છે પણ ફોટો હપ્તા પર મળે એ આજે જ જાણ્યું."
         "સરિતા એક જ વારમાં ઠલવાય જાય તો તો પૂર આવી જાય."
         "પણ તારા વગર અહીં દુકાળ પડયો છે એનું શું ?"
         "બસ થોડા દિવસોની જ વાત છે. મેં તારા ઉપર નજર રાખવા આંખો મોકલી જ છે."
         પછી બીજા દિવસે સરિતાએ હોઠનો ભાગ મોકલ્યો અને બે દિવસ પછી નાકવાળો ભાગ મોકલ્યો. સાગરે એ ત્રણેય ફોટા ભેગા કર્યા. પછી એણે સરિતાને મેસેજ કર્યો, "આ શું મજાક છે યાર ?"
         "કેમ શું થયું ?"
         "આ ફોટો તો સરિતા ગાયકવાડ(એથ્લીટ)નો છે."
         "એટલે તું બીજી સરિતાને પણ ઓળખે છે."
         "હા પણ હું તને હજુ ઓળખતો નથી. તારો એક પણ ફોટો મારી પાસે નથી."
         "મને જોયા વગર તને પ્રેમ કેવી રીતે થઈ ગયો ?"
         "એક વાર મેં તને બારીમાંથી જોઈ હતી. પણ તું સામે આવે તો તને ઓળખી ન શકું."
         "આ તો 'સિર્ફ તુમ' ફિલ્મ જેવું થયું."
         "પણ હવે તું ફોટો ન મોકલે તો હું વાત કરવાનો નથી."
         "બસ, પ્રેમ પૂરો થઈ ગયો. બે દિવસ પહેલા તો કહેતો હતો કે; વાદા કર લે સાજના, તેરે બીન મેં ન રહું."
         "પ્રેમ પૂરો નથી થયો પણ મારે તને જોવી છે."
         પછી સરિતાએ ફોટો મોકલ્યો. જેમાં સરિતા ગાયકવાડ એની બહેનપણી સાથે ઊભી હતી. એ જોઈ સાગરે લખ્યું, "તને જોવા હું અધીરો થયો છું અને તને મજાક સુઝે છે."
         "પણ આ વખતે મેં મજાક નથી કરી, સરિતા ગાયકવાડની બાજુમાં હું છું."
         "તું સાચું કહે છે ?"
         "એ આપણી કોલેજમાં આવી હતી ત્યારે ફોટો પાડેલો."
         "સરસ, પણ તારી એકલીનો ફોટો મોકલ."
         એટલે સરિતાએ એનો એકલીનો ફોટો મોકલ્યો. એ જોઈ સાગરે ગીત મોકલ્યું, "યે મેરી જિંદગી બેજાન લાશ થી, બરસો સે પ્યાર કો તેરી તલાશ થી, આજ મુઝે ખોયી હુઈ તકદીર મિલ ગઈ, તેરી તસવીર મિલ ગઈ."
         સરિતાએ પણ ગીતથી જવાબ આપ્યો, "તુમ ને રખ તો લી તસવીર હમારી. પર યે ના હો કી જીસ તરહ મૌસમ બદલતા હે વૈસે હી તુમ કો ભી દેખું રંગ બદલતે હુએ."
         "ના એવું ન થાય."
          પછી થોડીક વાતો કરી બંને પુસ્તક વાંચવા બેઠા.
                                 *****
          એક દિવસ સાગરે મેસેજ કરી પૂછ્યું, "તારા અકસ્માતને મહિનો થવા આવ્યો તો તારું પ્લાસ્ટર કયારે દૂર કરવાના છે ?"
         "આજે જ પ્લાસ્ટર કાઢયું."
         "તો કાલે કેમ મને વાત ન કરી ?"
         "એમ તો પ્લાસ્ટર બે દિવસ પછી કાઢવાના હતા. પણ આજે મને ખૂબ જ ખંજવાળ આવતી હતી એટલે કઢાવી નાખ્યું."
         "તો હવે ચાલવામાં તકલીફ નથી પડતી ને ?"
         "ના નથી પડતી. પણ ડોકટરે કહ્યું છે કે એડી ઉપર વધારે વજન ન આપતા."
         "મતલબ હજુ થોડા દિવસ ઘરમાં જ રહેવું પડશે."
         "આટલા દિવસ રહી તો થોડા દિવસ વધારે રહી લઈશ."
         "પણ મને ઉતાવળ છે એનું શું ?"
         "તને શેની ઉતાવળ છે ?"
         "તને જોવાની અને મળવાની."
         "એમ ! પણ જનાબ તમારે થોડી રાહ જોવી પડશે."
         "પણ કેમ ?"
         "કેમ કે હું લંગડાતી ચાલે તને મળવા નથી આવવાની. પછી તું મને ના પાડી દે તો ?"
         "બસ આટલો જ વિશ્વાસ છે મારા ઉપર ?"
         "ના, તારા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ મારો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો છે."
         "શું તને એવું લાગે છે કે તારી ચાલને લીધે જ તારો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો છે ?"
         "હા એવું જ છે."
         "તો તારો આત્મવિશ્વાસ પાછો આવે ત્યારે જ આપણે મળીશું."
         દસ દિવસ પછી સરિતાએ મળવાનું નક્કી કર્યું. એ જ દિવસે સાગરની બાઈકનો કાર સાથે અકસ્માત થયો હતો. સાગર બાઈક પરથી ઉછળીને રોડ ઉપર પટકાયો અને સામેથી પસાર થઈ રહેલી ટ્રકનું પાછલું ટાયર એના જમણા પગ ઉપર ફરી વળ્યું. પછી એ બેભાન થઈ ગયો હતો.
         બીજા દિવસે સાગર ભાનમાં આવીને કંઈક શોધી રહ્યો હતો એ જોઈ ઉષાબેને પૂછ્યું, "બેટા શું જોઈએ છે તને ?"
         "મમ્મી, મારો મોબાઈલ કયાં છે ?"
         "તારો મોબાઈલ પણ ટાયર નીચે આવી ગયો હતો."
         એ સાંભળી એ વિચારવા લાગ્યો કે સરિતાએ એને ઘણા ફોન કર્યા હશે અને મને તો એનો નંબર પણ નથી ખબર. હવે એને જાણ કેવી રીતે કરું ?
         એ સમયે એને યાદ આવ્યું કે એનો પગ પણ ટાયર નીચે આવી ગયો હતો. તેથી એણે ચાદર હટાવીને જોયું તો ઘુંટણની સ્હેજ નીચેથી એનો પગ જ ન હતો.
         ઉષાબેને સાગરનો હાથ પકડયો અને રડતાં રડતાં બોલ્યા, "બેટા, અમે તારો એટલો પગ બચાવી ન શક્યા."
         "હવે સરિતાને ફોન કરવાનો કોઈ મતલબ નથી." એમ વિચારી સાગરે એની મમ્મીને સરિતા વિશે વાત કરી અને કહ્યું, "મમ્મી, જો સરિતા અહીં આવે તો એને કહી દેજે કે મને ભુલી જાય."
         એ વાકય રૂમમાં પ્રવેશી રહેલી સરિતાએ સાંભળ્યું અને તે સાગર પાસે જતા બોલી, "યાદ છે સાગર, તેં એક દિવસ કહેલું કે હું ગમે તે પરિસ્થિતિમાં તારો સાથ નહીં છોડું."
         "હા કહેલું પણ..."
         સાગર આગળ બોલે એ પહેલા સરિતાએ કહ્યું, "તો પછી તેં કેવી રીતે માની લીધું કે હું તારો સાથ છોડી દઈશ ?"
         "પણ ઉછાળા મારતો સાગર હવે લંગડો થઈ ગયો છે."
         "પણ સરિતા સાગરને ન મળે એવું તેં કયાંય જોયું છે ?"
         "નથી જોયું પણ હું તને ખુશ જોવા માંગુ છું."
         "તારા વગરની ખુશી શું કામની સાગર ? અને તને એ વાતની ચિંતા છે ને કે તું લંગડો થઈ ગયો છે." એમ કહી સરિતા ખુરશી ઉપર બેઠી અને ડાબા ઘુંટણની નીચેનો નકલી પગ કાઢીને સાગરની બાજુમાં મૂકી દીધો.
         એ જોઈ સાગરની આંખો પહોળી થઈ ગઈ. તે બોલ્યો, "આ શું સરિતા ?"
         "સુભાષે તને અધૂરી વાત કરેલી અને આને લીધે જ મારા લગ્ન થતા અટકી ગયા હતા. એટલે હું નિરાશ થઈ ગઈ હતી. પછી તું મળ્યો અને મેં નકલી પગથી ચાલવાનો પ્રયત્ન કર્યો."
         "અને મળવાનો દિવસ આવ્યો ત્યારે મારું એકસીડન્ટ થઈ ગયું. ઠીક છે હવે ફરી પૂછું છું, તું મારો સાથ આપીશ ને ?"
         એ જ સમયે સરિતાના મોબાઈલની રીંગ વાગી, 
"દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે, 'તને ભીંજાવું ગમશે કે કેમ ?'
  એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ."

                          સમાપ્ત. 
         
        

         



         
         

         



         


         

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ