વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આથમતા સૂરજે અજવાળું

"સ્મિત, કિસ્મત પાસે ક્યાં કોઈનું ચાલ્યું છે? કદાચ આપણો સાથ અહીં સુધીનો જ હશે." - આંખોમાં તો આંસુ હતા જ પરંતુ શબ્દોને પણ આંસુમાં ઝબોળીને હીનાએ કહ્યું.
"ચૂપ... બિલકુલ ચૂપ. આપણો સાથ અહીં સુધીનો જ નથી. શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આપણે સાથે છીએ. શું થયું અગર આપણે એક નથી થઈ શકતા. રસ્તાનું અંતર આપણા સંબંધમાં અંતર નહિ લાવી શકે. તું અફસોસ ના કરીશ. પ્રેમ કર્યો છે તો હું તારો સાથ કાયમ નિભાવીશ. ભલે ઘરના લોકો નથી માનતા. આપણે એમની ઉપરવટ જવું પણ નથી. કુદરત છે ને... એના હાથમાં સોંપી દઈએ. આપણો ન્યાય એ કરશે." - આંસુ તો પોતાની આંખમાં પણ હતા. એને નજર અંદાજ કરીને સ્મિતે હીનાના આંસુ લૂછયા.
"મારે તારી જરૂર છે. તારી જરૂર પડશે. શું તું મને સાથ આપીશ?" - હીનાએ હાથ લંબાવ્યો.
"તું બસ મને યાદ કરજે. હું સામે આવીને ઉભો રહીશ." - સ્મિતે પણ પોતાની હથેળી હીનાના હાથ ઉપર મૂકી દીધી.

                  બસ પ્યારની પ્યારથી આ છેલ્લી મુલાકાત હતી. એ પછી સ્મિત અને હીના બંને જાણતા હતા કે તેઓ એકાંતમાં આમ મળી શકવાના નથી. એક જ ગામમાં હતા. એક જ શેરીમાં રહેતા હતા એટલે ક્યારેક જોવા મળવાનો અવકાશ ચોક્કસ હતો. આમ જોવા જઈએ તો લગ્ન પણ થઈ શકે એમ હતા પણ...
                 સ્મિત દેખાવડો સાથે હોશિયાર પણ હતો. આખું ગામ એમના સંબંધ વિશે જાણતું હતું. ઘરના લોકોને પણ એ વાતની જાણ હતી જ. બધાં એવું જ સમજતા હતા કે એ બંને લગ્ન કરશે. પહેલા તો હીનાના ઘરે પણ કોઈ વાંધો ન હતો. પરંતુ હીનાના મમ્મી કોમલબેનના કોઈએ એવા કાન ભર્યા હતા કે કોમલબેન આ સંબંધના વિરોધી બની ગયા.
                પછી શું બે યુવાન હૈયા એક સાથે છેલ્લી વાર ધબકી રહ્યા હતા. શબ્દો કરતા આંખોથી વધારે વાત થઈ રહી હતી. એકબીજાના આંસુની ભીનાશ એકબીજાને ભીંજવી રહી હતી. દર્દથી તડપતા હૃદયની ધ્રુજારી હોઠ અનુભવી રહ્યા હતા અને ડુસકા હવાને સમર્પિત થઈ રહ્યા હતા. આખરે આ છેલ્લું મિલન હતું.
               આજ પછી સ્પર્શની ભાષા આ શરીર વિસરી ચુકવાનું હતું. અત્યારે હાથમાં જે હાથ છે એ આજ પછી ક્યારેય મળવાનો નથી. એકબીજાની નિકટતાનો આજ છેલ્લો દિવસ હતો. ચાહતની આ ક્ષણો બંને આંસુમાં બરબાદ કરી રહ્યા હતા. કદાચ એકબીજાને મન ભરીને નિહાળી રહ્યા હતા.

"મારા લગ્ન નજીકમાં જ લેવાશે." - હીનાએ કહ્યું.
"કંઈ વાંધો નહિ. એકબીજાને દૂરથી જ જોયા કરીશું. દૂરથી જ ચાહ્યા કરીશું." - સ્મિતે કહ્યું.
"ના રે... હું તો મળવા આવીશ તને. હું તને નહિ ભૂલી શકું."
"હું નહિ મળું તને. ભુલીશ તો હું પણ નહીં. કિન્તુ હું નથી ઇચ્છતો કે મારા લીધે તારો સંસાર ખોરવાય. મેં ચાહયી છે તને. તારી ખુશીમાં મારી ખુશી છે. તું મને ક્યારેક જોવા મળીશ ને તો પણ મને સંતોષ થઈ જશે. મને એમ થશે કે મારી જિંદગીને આજ મેં જોઈ. પણ તારે એવું કંઈ જ નથી કરવાનું જેનાથી તને કોઈ તકલીફ થાય." - સ્મિતે બોલતા બોલતા ગળે આવેલા ડુસકાને ઓગાળી દીધું.
"સ્મિત, મને ફરીથી એ ગીત સંભળાવને જે ગીત સાંભળીને હું તારા તરફ ખેંચાય આવી હતી અને આપણાં સંબંધની શરૂઆત થઈ હતી."

                   સ્મિતે આંસુ લૂછયા અને એના મધુર કંઠે ખોળામાં માથું નાખીને સુતેલી હીનાના માથામાં હાથ ફેરવતા ફેરવતા ગીત શરૂ કર્યું.

"ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં, ફૂલ નહિ મેરા દિલ હૈ,
પ્રીતમ મેરે મુજકો લીખના ક્યાં એ તુમ્હારે કાબીલ હૈ..."

              બસ આ તરફ ગીત પૂરું થયું અને આ તરફ બે યુવાન હૈયા પ્યારના ધબકારને દબાવીને એકબીજાથી છુટા પડ્યા. ફક્ત દેહથી છુટા પડ્યા બાકી આત્મા તો પ્યારના રંગોથી રંગાયેલો હતો. લાગણી માટે લક્ષ્મણ રેખા દોરીને બંને પોતપોતાની જિંદગીમાં આગળ વધ્યા. જીવનના કોલાહલમાં બંને ખોવાઈ ગયા.
                સમય સમયનું કાર્ય કરતો ગયો. હીનાને એની જ જ્ઞાતિમાં એક સારો છોકરો શોધીને પરણાવી દીધી. પરંતુ હૃદયમાં રહેલા સ્મિતને - પ્યારને હીના કેમ ભુલાવે? રાતના અંધકારમાં પણ સ્મિતના નામથી ઉજાસ ફેલાઈ જતો. હોઠ સ્મિતના નામથી સ્મિતને વળગી પડતા. બહુ કપરું લાગે છે ભીતરમાં રણને રાખીને ચહેરા ઉપર વસંતને મહેકતી રાખવી. આંખમાં ઉભરાય આવતા ખારા જળને મીઠા ઝરણામાં તબદીલ કરતા નવ નેજા પાણી ચડી જાય છે.
                  જીવનના એકાંતમાં અગાસી ઉપર બેસીને હીના કેટલીયે વાર રડી છે. મીઠો પવન હીનાના આંસુને સ્પર્શ કરીને ખારો થયો અને પછી એ પણ રડ્યો છે. જીવનના કોલાહલમાં પણ હીનાને સ્મિત વગરની એકલતા ખટકી છે. તમામ રંગો હોવા છતાં જાણે જિંદગી સાવ રંગ વિહીન લાગતી હતી. હૃદય હથેળી ઉપર ચીરીને સ્મિત સાથેની મીઠી યાદો વાગોળતી ભીની આંખે હસી છે ત્યારે ખૂબ જ અસહ્ય દર્દ ભીતર જાગ્યું છે.
                      અસહ્ય હતું છતાં સહન કરવું પડ્યું છે. મૂંઝાયેલા મનને એકાંત અર્પિને શાંત કર્યું છે. રાત હીના માટે નીંદ નહિ પરંતુ રુદન લઈને આવતી. ઓશીકું એના આંસુનું સાક્ષી હતું. રૂમનું એકાંત એના કેટલાય ડુસકાની ગવાહી પૂરે એમ હતા. પરંતુ હીનાની જેમ એ પણ મૌન જ રહ્યું. કપરું લાગતું, દર્દ થતું છતાં પણ આંખ બંધ કરીને ખુદની લાગણીનું કતલ કરવું પડતું. નિર્દોષ દિલને સજા થતી અને આંખો રડી પડતી.
                  શહેરની ભાગ દોડ અને જવાબદારી છતાં હૃદયમાં પ્યારથી વાવેલા પ્રણયના છોડનું શ્વાસ આપીને જતન કર્યું. એક સેકન્ડ એવી ન હતી કે જ્યારે હીનાને સ્મિતની યાદ ન આવી હોય. એક રાત એવી ન હતી કે સ્મિતને યાદ કરીને ઓશીકું ભીનું થયું ન હોય. સાસરું સારું હતું. કોઈ વાતની કમી ન હતી. પરંતુ હૃદયને સ્મિતની કમી હર હંમેશ મહેસુસ થતી. સ્મિત હીનાની એ કમી હતો જે ક્યારેય પુરી થવાની ન હતી. આંસુના દરિયામાં ડૂબેલા સ્મિતને બચાવવા હીના સતત રડીને એ દરિયો ઉલેચવાની કોશિશ કરતી પરંતુ અફસોસ કે આંખમાં રહેલો એ દરિયો ખાલી થવાને બદલે વધતો જતો હતો.
                  લોકો કહે છે સમય જતાં દિલના દર્દ ઓછા થઈ જાય છે. પરંતુ અહીં તો દિલ ઉપર લાગેલા ઘાવ નાસુર બની ગયા હતા.
                 ક્યારેક તો હિના એટલી બેચેન થઈ જતી, એટલી વિહ્વળ થઈ જતી કે શરીરમાં જાણે લોહી થીજી જતું. ધબકાર મંદ થઈ જતા. શ્વાસ ફુલાઈ જતા. જાણે આંખ સામે શૂન્યાવકાશ ફેલાઈ જતો. જિંદગીમાં જિંદગી જ ના હોય એવું લાગતું. આંખ સામે જ યાદો બરફનો ઢગ થઈને ખડકાઈ જતી. ઉદાસીમાં સ્થિર આંખો દીવાલ ઉપર સ્મિતની તસ્વીર બનાવતી અને પછી એ જ આંખો આંસુથી એ તસ્વીરને મિટાવી પણ દેતી.મનમોહક રંગો મનમાં જ વિલીન થઈ જતા અને ગળે ડૂસકું આવી જતું. આજીબાજુ નજર કરીને હીના ડુસકાને ભીતર જ ખાળી દેતી.
                      જ્યારે સ્મિતની હાલત પણ કંઈક એવી જ હતી. સ્ત્રી આંસુનો સહારો લઈ શકે પરંતુ પુરુષની કમનસીબી કે એ આંસુ પણ વહાવી શકતો નથી. હીનાનો વિરહ સ્મિત માટે પણ અસહ્ય બની ગયો. રોજ ઘર બહાર નીકળી જતો પરંતુ જવું ક્યાં એ ખબર પડતી નહિ. દિશાઓ અજાણી લાગતી. રસ્તા અજાણ્યા લાગતા. મંજિલ ખબર હોવા છતાં સફર માટે કદમ ઉપડતા નહિ. આંખના ખૂણે આવેલા આંસુને પુરુષત્વ બતાવવું પડતું. મિત્રોના વર્તુળ વચ્ચે પણ એકલતા સાલતી.
                 શબ્દોએ જાણે સ્મિતથી મોં ફેરવી લીધું હતું. મૌનને સ્મિતે સ્વીકારી લીધું હતું. ઘણું ઘણું બોલવું હતું પરંતુ સાંભળવા વાળું કોઈ હતું નહીં. કોઈના ખોળામાં માથું નાખીને દિલનો બોજ હળવો કરવો હતો પરંતુ પ્યારથી માથામાં ફરે એ હાથ એનાથી કોસો દૂર હતા. મોબાઈલમાં રહેલી હીનાની તસ્વીરોથી મનને રાજી રાખવાનું થતું.
                      એકાંતમાં છાતી ઉપર હીનાની એ તસ્વીર રાખીને દિલની દવા કરવી પડતી. રોગ મટતો તો નહીં પરંતુ રાહત જરૂર થતી. દિવસમાં કેટલીયે વાર સ્મિત તસ્વીરો જોયા કરતો. મન બહેલાવતો.
                  જ્યાં જ્યાં હીના અને એ મળતા એ તમામ જગ્યાએ સ્મિત ફરતો. એક પથ્થર ઉપર બેસીને એની નજરથી જ હિના અને સ્મિતના મિલનને માણતો. હસતો. રડતો. હૃદયને બહેલાવતો. ક્યારેક એકલો એકલો હીના સાથે વાત કરી લેતો. આનંદ થતો. થોડી રાહત થતી. પ્યારના એ છોડને સ્મિત પણ મુરઝાવા દેતો નહિ. એનું સિંચન કરવું જેટલી હીનાની ફરજમાં હતું એટલું જ સ્મિતની ફરજમાં હતું. પરંતુ એક વાત હતી કે હીના અને સ્મિત છેલ્લી વાર મળ્યા ત્યારે જે ગીત સ્મિતે ગાયું એ છેલ્લી વાર હતું. એ પછી ક્યારેય સ્મિતે એ ગીતના શબ્દોને હોઠ સુધી આવવા દીધા નથી.
                      સ્મિતની દરેક સાંજ નદી કિનારે અદ્રશ્ય હીનાના સંગાથમાં જ ગુજરતી. સંધ્યાના એ રંગો સાથે જાણે હિના હસીને સ્મિતની આંખોમાં સમાઈ જતી. સ્મિત પોતાની એકલતાને હીનાની યાદ સાથે એકાંતમાં પરિવર્તિત કરતો. એને ગમતું. જેટલો હીનાનો પ્યાર કરાર આપતો એટલી જ એની યાદો દર્દ આપતી. છતાં સહન કરી જતો.

"હીના યાદ આવે છે?" - અગાસી ઉપર મોબાઈલમાં ધીમા અવાજે ગીત સાંભળતા સ્મિતને એની પત્ની પૂજાએ પૂછ્યું.
"હમ્મ... ના, ના. આ તો બસ એમ જ." - સ્મિતે ગીત બંધ કરતા પૂજાને બેસવા માટે જગા આપી અને પૂજાને ખબર ના પડે એમ આંખના ખૂણા સાફ કર્યા.

                  નિર્દોષ મને લગ્નની પ્રથમ રાત્રીએ જ સ્મિતે પૂજાને એના અને હીનાના સંબંધ વિશે કહી દીધું હતું. વર્ષો થઈ ગયા હીના કેટલીયે વાર સ્મિતની સામે આવી હશે પરંતુ સ્મિતે હીના સામે આંખ ઊંચી કરીને નથી જોયું. બસ હીનાના ચહેરા ઉપર રહેલી ખુશી અને આંખોમાં એના માટે રહેલો પ્યાર જોઈને સ્મિત સમજી જતો કે એ સુખી છે. પૂજાને સ્મિત ઉપર વિશ્વાસ હતો. ભૂતકાળ બધાનો હોય છે. પરંતુ માણસ વર્તમાનમાં કેવું છે એ મહત્વનું છે. સ્મિત પૂજાને સમર્પિત હતો.
              વર્ષો પસાર થઈ ગયા. સંસાર આગળ ચાલ્યો. હીનાના ઘરે એક પુત્ર હતો. સ્મિતના ઘરે પણ એક પુત્ર અને એક પુત્રી હતા. ઉંમર શરીરને લાગી હતી. જીર્ણ શરીર થતું હતું. કિન્તુ પ્યાર અને યાદો હજુ એવી જ તરોતાજા હતી. નવપલ્લવિત હતી. મનમાં જે પ્યાર વર્ષો પહેલા હતો એ જ પ્યાર આજે પણ હતો.
                રસ્તાનું અંતર પણ બંને વચ્ચે ઓછું થઈ ગયું હતું. હીના સ્મિતના ઘરે અવર જવર કરતી. ક્યારેક સ્મિત પણ હીનાના ઘરે જઈ આવતો. ભૂતકાળમાં સ્મિતના લીધે કેટલીયે તકલીફ મૌન બનીને હીનાએ વેઠી છે પરંતુ ક્યારેય એ તકલીફથી ડરી જઈને પ્યારના પુષ્પને ઠેબે નથી ચડાવ્યું. જ્યારે પણ જરૂર પડતી હીના સ્મિતને ફોન કરી લેતી. સ્મિત એને મદદ કરવા હાજર જ હોય. બંને પોતાની મર્યાદામાં રહીને પ્યારની પવિત્રતાને જાળવતા. મુશ્કેલ સમયમાં સ્મિત હીનાને રસ્તો બતાવતો. હિના સ્મિતને અનુસરતી. બંને નદીના બે કિનારા હતા. એકબીજાના હતા છતાં એકબીજાથી દૂર હતા. ચાહતમાં આ એક એવો વિયોગ હતો કે નજર સામે હોવા છતાં દુરી હતી.
                  એકબીજાને પામી ન શકવાનો ગમ જીવન બની ગયો હતો છતાં એકબીજાને આધાર આપવાની ઘેલછા જિંદગી હતી. દિલમાં રહેલા વેરાન રણને છુપાવીને નજરથી ફોરમ ફેલાવવાની કલા તો આ બંને પાસે જ હતી. એકબીજાનું દર્દ છુપાવીને તેઓ સુખી છે એવું સાબિત કરી શકતા હતા.
                    જિંદગીના દોરમાં એક અજીબ વણાંક આવ્યો. જગતને કોઈની નજર લાગી. આખા વિશ્વમાં કોરોનાની મહામારીથી હાહાકાર ફેલાઈ ગયો. હોસ્પિટલોમાં પગ મુકવાની જગ્યા નહોતી. ભાઈ ભાઈનો ન રહ્યો. અફરા તફરી મચી ગઇ. લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. એકબીજાના સ્પર્શથી લોકો દૂર ભાગવા લાગ્યા. શ્વાસ અટકવા લાગ્યા. સ્મશાનમાં અગ્નિદાહ માટે પણ ભીડ હતી. યુવાનીમાં લોકો જીવનથી હાથ ધોઈ રહ્યા હતા.
                આ સમયમાં હીનાએ પણ પોતાની જિંદગીથી હાથ ધોયા. શરીર તો રહ્યું પરંતુ શરીરનો શણગાર ચાલ્યો ગયો. લાલ રંગથી કાયમ માટે દુશ્મની થઈ ગઈ. હીનાનો પતિ એ મહામારીનો ભોગ બન્યો અને એક પુત્રની જવાબદારી હીનાના માથે મૂકીને એણે અનંતની વાટ પકડી.
                હીના માથે તો જાણે આભ ફાટ્યું. આમ પણ કુટુંબના લોકો ચેનથી રોટલો ખાવા દેતા ન હતા. અને હવે પતિનો સાથ નથી ત્યારે એ કેટલી હદે જઈ શકે એ પૂછવું જ શું! જિંદગી કડવી લાગવા લાગી. સ્મિત સાથેની મીઠી યાદો હોવા છતાં પતિ વગર મોળા કંસાર જેવું હતું. ગમે તેમ હીનાનો પતિ હીનાનો શણગાર હતો. ભલે એ હીનાની લાગણી સમજતો નહિ પરંતુ હીના માટે એ આડો દેવા બરાબર તો હતો જ.
                  પતિના ગયા બાદ ઘણો સમય એ સાસરીમાં રહી. દીકરો પણ હવે મોટો થઈ ગયો હતો. નોકરી ધંધો કરતો થયો હતો એટલે વધુ કંઈ ચિંતા ન હતી. હીના રાત્રીની વિરાની આંસુથી છુપાવી દેતી. ક્યારેક મન બહુ જ વિહ્વળ હોય ત્યારે સ્મિત સાથે વાત કરી લેતી. ક્યારેક સ્મિતને જોવાનું મન થાય તો પિયર આંટો દઈ આવતી. પરંતુ એનાથી શું જીવનના દર્દનો ઉપચાર શક્ય હતો?
                ગમે તેમ તોય જીંદગી તો નિરાધાર જ ને. મન ખૂબ જ બેચેન થઈ જતું. દીકરાના લગ્ન બાદ પણ હીના એની ઉદાસી દૂર કરી શકી નહીં. પ્યાર કર્યાનો વિયોગ અને પતિની કમી એના શરીરને ઉંમર કરતા વધુ ઝડપથી ખાઈ રહી હતી. સર્વસ્વ જાણે એના હાથમાંથી છૂટી રહ્યું હતું. હથેળી ખોલતા જ હાથ ખાલી લાગતા. ક્ષણોનો મહેલ ક્ષણમાં તૂટતો લાગતો. બધું જ જાણે મનના ફલક ઉપર વિખેરાઈ જતું. બધું જ અંધકારમય લાગતું. ક્યાંય કોઈ આશાનું કિરણ નજર આવતું નહિ.
               શ્વાસ ખુદ હીનાને છોડી રહ્યા હતા. જીવનમાં આમ પણ કોઈનો સાથ હતો નહિ. નીરસ જિંદગીને ધક્કા મારીને અહીં સુધી પહોંચાડી હતી. હવે હીના થાકી હતી. ભીતરથી તૂટી રહી હતી. ઉષા અને સંધ્યાના રંગો આંખને સ્પર્શતા પરંતુ રંગત ઉપજાવી શકતા નહિ. થાકી ગયેલી હીનાને કોઈનો આધાર જોઈતો હતો.
                 સ્મિતની આંખો એ બધું કળી રહી હતી પરંતુ અફસોસ કે પગમાં પડેલી મજબૂરીની બેડીઓ એને આગળ વધતો અટકાવતી હતી. હાથ હીના તરફ લાંબો થતો પરંતુ હવાની અદ્રશ્ય દીવાલને ભેદીને હીના સુધી પહોંચતો નહિ. મુઠ્ઠી બંધ કરીને પોતાની નિષ્ફળતાને ભરતો સ્મિત એક નિઃસાસા સાથે ખુદને કોસી લેતો. અજીબ કસમકસ હતી. પ્યારની નૈયા નજર સામે જ ઝોલા ખાઈ રહી હતી. એ બચાવી શકતો હતો, બચાવવાની ઈચ્છા હોવા છતાં બચાવી શકતો ન હતો.
                  પૂનમની રાત્રીને આંસુમાં ભીંજવતી હીના જિંદગીનું સરવૈયું નજર સામે ચકાસી રહી હતી. જેટલી ખુશીની ક્ષણો હતી એથી વધારે દર્દ હતું. જિંદગીની કડવી મીઠી યાદો નજર સામે જ ચિત્રપટ્ટ માફક દેખાઈ રહી હતી. જીવવાની આશા હવે મરી પરવારી હતી. આમ પણ જીવવાની તમન્ના હતી જ કોને? ફક્ત શ્વાસની આવન જાવન હતી. જિંદગી ક્યાં હતી જ. હીનાએ એક ઊંડો શ્વાસ લીધો. પરંતુ હૃદયમાં બળતી દાહ ઓછી થઈ નહિ. ઉલટાનું ચિંગારીને હવા મળી. આંખોમાં યાદોના ભડકા થયા. હીના એ હાથ હેઠા મૂક્યાં. ત્યાં જ એના કાને મધુર કંઠે ગવાતા ગીતના શબ્દો પડ્યા અને એની આંખોમાં રોશની ફેલાઈ ગઈ :

"ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં, ફૂલ નહિ મેરા દિલ હૈ,
પ્રીતમ મેરે મુજકો લીખના ક્યાં એ તુમ્હારે કાબીલ હૈ..."


(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ