વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ

   વાત અહીંયા એક છોકરાની અને છોકરીની છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લાંબા સમયથી મિત્રતામાં રહ્યા પછી તે બંને ને લાગ્યું કે તે બંને એક બીજાને સારી રીતે સમજી શકે છે અને ધીરે ધીરે સંબંધ પ્રેમમાં પરિવર્તિત થયો. બંને એ બહું બધા સપના જોયા અને ઇચ્છાઓનું પોટલું પણ બાંધી દીધું. 


   પણ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે નાની નાની વાતે ઝઘડો થતો રહેતો, દલીલો થતી રહેતી. ઝઘડામાં બંને એક બીજાને ના કહેવાનું કહી દેતા, અને અંતે થોડા સમય પછી બંનેમાંથી કોઈ માફી માંગીને એ દલીલનો અંત કરી દેતા. કેમકે બંને જાણતા હતા કે તે બંને ને એકબીજા વગર ચાલવાનું નથી, ઝઘડા તો થતા રહેશે પણ સબંધ તો આપણો છે ને. 


   છોકરો ઈચ્છતો હતો કે તેની ગર્લફ્રેન્ડ તેનું કહેલું કરે, બીજા કોઈની સાથે વાતો ના કરે, ક્યાંય જાય નહીં, અને જાય તો છોકરાને જણાવીને જાય. વાતે વાતે છોકરો પ્રશ્નો કરતો રહેતો, તે એની પ્રકૃતિ હતી. અને પછી છોકરી સામે છોકરાને એવું કહેતી કે તને મારી ઉપર વિશ્વાસ નથી. અને આવી રીતે એક નાની વાત ઝઘડાનું સ્વરૂપ લઈ લેતી. જ્યારે પણ ઝઘડો થતો ત્યારે છોકરી એવું જ કહેતી કે તને વિશ્વાસ નથી, તું મને જકડીને રાખે છે, અને તું મારી ઉપર શંકા કરે છે.


   છોકરાને તેની ગર્લફ્રેન્ડ ઉપર વિશ્વાસ તો હતો જ, પણ તેને ડર હતો કે કદાચ તે તેની ગર્લફ્રેન્ડ ને ખોઈ ના બેસે. તેની ગર્લફ્રેન્ડ બીજા કોઈ છોકરા સાથે વાત કરે તે નહોતું પસંદ. અને તે જ્યારે તેની ગર્લફ્રેન્ડ ને સવાલ કરે તેની સાથે દલીલ કરે તો વાત વિશ્વાસ અને શંકા ઉપર આવી જતી. અને ક્યારેક વાત ધમકી અને સંબંધ તોડવા સુધી આવી જતી. પ્રેમ ક્યારેક ભાર બની જતો અને પરિસ્થિતિ તે ભારને સહન ન કરી શકતી. પ્રેમ બંને એકબીજાને કરતા હતા પણ છોકરો જે વાત ને ડર સમજતો હતો એ જ વાત ને છોકરી શંકા અને અવિશ્વાસ સમજતી હતી. 


   એક દિવસ છોકરો આશ્રમમાં બેઠો હતો. છોકરાને અસ્થવ્યસ્થ અને મુંઝવણમાં જોઈને ગુરુજી એ તે છોકરાને પૂછ્યું કે શું વાત છે?

છોકરાએ ગુરુજીને વિગત વાર વાત જણાવી, અને ગુરુજી પાસે આ પરિસ્થિતિનો ઉકેલ માંગ્યો.


   ગુરુજીએ બધી વાત સાંભળી અને સમજીને છોકરાને બે કાગળ અને એક પીન(ટાંકણી) આપી. અને કહ્યું કે આ બે કાગળ માંથી એક કાગળ જ્યાં પવન વધુ આવતો હોય ત્યાં પીન વડે ટીંગાળવાનો છે અને એક કાગળ તારે બંધ રૂમમાં રાખવાનો છે અને તે રૂમની બારીઓ ખુલી રાખવાની. જે કાગળ તે ટીંગાડ્યો છે તે કાગળને તારે રોજ સાંજે જોવાનો કે ત્યાં છે કે નહીં અને જે કાગળ તે રૂમમાં રાખ્યો છે તે કાગળને તારે ત્રણ દિવસ સુધી જોવાનો નથી, મતલબ કે એ રૂમ ત્રણ દિવસ સુધી ખોલવાનો નથી. ત્રણ દિવસ પછી તું મારી પાસે આવજે.


   ગુરુજીનો આ કોયડો તો છોકરાની સમજમાં ના આવ્યો, પણ જેમ ગુરુજીએ કહ્યું હતું તેમ તેને એક કાગળ રૂમમાં મૂકી ને રૂમની બધી જ બારીઓ ખોલી નાખી અને દરવાજો બંધ કરી દીધો અને જ્યારે બીજો કાગળ ધાબે જ્યાં પવન આવતો હતો ત્યાં ટીંગાડ્યો.

રોજ સાંજે ટીંગાડેલા કાગળને જોઇ લેતો. પણ બે દિવસ પછી સાંજે તે જોવે છે તો ટીંગડેલો કાગળ તો ફાટીને ઉડી ગયો અને ત્યાં માત્ર પીન જ રહી ગઈ. 


   આ જોઈને છોકરાને થયું કે કાગળ તો ઉડી ગયો, તો જે કાગળ રૂમમાં છે તેનું શું થયું હશે? પણ ગુરુજીએ ત્રણ દિવસ સુધી એ દરવાજો ખોલવાની ના પાડી છે, મુંઝવણમાં મુકાઈ ગયો. તેના મનમાં સવાલ થયો કે બંને કાગળ વચ્ચે શું લેવાદેવા? તે તેના મનમાં ઉદભવેલા સવાલના જવાબ માટે પોતાને રોકી ના શક્યો. જવાબ જાણવાની અને રૂમમાં રહેલા કાગળને જોવાની ઉતાવળમાં તે દોડતો ગયો ને ઝડપથી રૂમનો દરવાજો ખોલ્યો. જેવો તેને દરવાજો ખોલ્યો કે રૂમમાં પડેલો કાગળ જોરથી, ઝડપથી ખોલેલા દરવાજાના પવનથી ઉડીને બારીની બહાર જતો રહ્યો. 


   બીજા દિવસે તે વધેલી પીન લઈને ગુરુજી પાસે ગયો, ગુરુજીએ માત્ર પીન જોઈને તે છોકરાને સવાલ કર્યો કે કાગળ ક્યાં ગયા? છોકરાએ જવાબ આપ્યો કે જે કાગળ ટીંગાડ્યો હતો તે ફાટીને પવનમાં ઉડી ગયો, અને જે કાગળ રૂમમાં હતો તે પણ મેં મારી જિજ્ઞાસા કારણે ઉતાવળમાં જોરથી અને ઝડપથી દરવાજો ખોલવાથી ઉડી ગયો. 

   છોકરાનો જવાબ સાંભળી ગુરુજી હસવા લાગ્યા. ગુરુજીને હસતા જોઈને છોકરાએ ગુરુજીને પૂછ્યું કે હસવાનું કરણ શુ છે? મને કંઈ સમજ ના પડી. તમારા આ કોયડાની પાછળ મર્મ શું છે?


   ગુરુજી એ છોકરાને સમજાવતા જવાબ આપ્યો કે, બસ આજ તો મર્મ છે. કાગળ પવનમાં ઉડી જ જાય, અને તે જ કાગળની પ્રકૃતિ છે. તે જ નિયમ છે. તે જે કાગળ ટીંગાડ્યો હતો તે કાગળ અમુક હદ સુધી તેની પ્રકૃતિને રોકી શક્યો, પણ અંત સુધી નહીં. જેવો પવન થોડો વધુ આવ્યો કે તે પીનમાંથી ફાટીને ઉડી ગયો. અહીંયા તે કાગળને ટીંગાડીને જે કર્યું એ તે તારા માટે, તારા સ્વાર્થ માટે કર્યું, પરંતુ  પ્રકૃતિના વિરુદ્ધ કર્યું. અને ત્યાં માત્ર પીનનું નિશાન જ રહી ગયું. કાગળ પોતાની જાતે ફાટીને પણ સ્વેચ્છાએ ઉડી ગયો અને તું એને રોકી ના શક્યો. કેમ કે તે જ તેનો નિયમ અને પ્રકૃતિ છે.


   જ્યારે જે કાગળ રૂમમાં હતો તે કાગળને તું ઈચ્છતો હોત તો ઉડતા રોકી શક્યો હોત. પણ તું ના રોકી શક્યો કેમ કે તેની પાછળ તારી પ્રકૃતિ અને તારો સ્વભાવ જવાબદાર છે. તારી ઉતાવળ ના કારણે સલામત અને બંધ રૂમમાં રહેલો કાગળ પણ ઉડીને જતો રહ્યો. તારી વધુ પડતી ઈચ્છા, જિજ્ઞાસા, અને ઉતાવળના કારણે તે કાગળ ખોઈ દીધો. જો તે દરવાજો પ્રેમથી ખોલ્યો હોત, હલકા હાથે ખોલ્યો હોત તો અત્યારે તારી પાસે કાગળ સલામત હોત.


   અર્થાત તું પ્રેમમાં જે રોક ટોક લગાવે છે, ઝકડી રાખવા જે પણ પીનો મારે છે તે યોગ્ય નથી. પ્રેમ ભલે વ્યક્તિ થી થાય, પણ તે વ્યક્તિ એ જ કરે છે જે તેની પ્રકૃતિ હોય છે. ભલે પછી તું એને બંધ રૂમમાં પુરીને રાખે કે પછી બાંધીને. જો તે વ્યકતિ જવાની જ છે તો એ જઈને જ રહેશે. જો તે વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ છોડીને જાય છે તો તે એ વ્યક્તિની પ્રકૃતિ છે. અને જો એ વ્યક્તિને જવા માટે, છોડવા માટે તું મજબૂર કરે છે તો એ તારી પ્રકૃતિ છે. અને બને રીતે નુકશાન તારું જ છે. તો પછી સારું એ જ છે કે પ્રેમમાં પ્રેમથી રહેવું. તો જ્યારે તને મજબૂરીમાં છોડીને જાય ત્યારે એ મજબૂરીનો ટોપલો આપના માથે લેવો એના કરતાં સારું છે કે તું એ બાબત તેની પ્રકૃતિ ઉપર છોડી દે.


   તું જેને પ્રેમ કરે છે તેના સ્વભાવ અને તેની પ્રકૃતિને પણ પ્રેમ કર, માત્ર વ્યક્તિને જ નહીં. ક્યારેય તેની પ્રકૃતિ કે સ્વભાવની વચ્ચે ના આવ. વધુ પડતી જિજ્ઞાસા પણ એટલી જ ઘાતક સાબિત થતી હોય છે. જો એ વ્યકતિ તારું જ છે તો તારું જ રહેશે, ભલે ને પછી પરિસ્થિતિ ગમે તેવી હશે, અને તે વ્યક્તિ ગમે ત્યાં હશે, તે ચાલીને તારી પાસે આવી જ જશે. અને જો એ તારું નથી જ તો પછી તું એને બાંધીને કે ટીંગાડીને રાખીશ તો પણ અંતે એ તારું નહીં જ હોય. પણ હા, જો તું તેમાં ઉતાવળ કે ભાર આપીશ તો પછી તેનું નુકશાન તારે જ ભોગવવું પડશે. કોઈ પણ વાત હોય કે સવાલ હોય, તેનો ઉકેલ હંમેશા પ્રેમથી જ આવતો હોય છે. તું જેને પ્રેમ કરે છે તેને માત્ર પ્રેમ કર, તેના સ્વભાવ, તેની પ્રકૃતિને પ્રેમ કર પછી તારે સવાલો પૂછવાની કે તેને જકડી રાખવાની આવશ્યકતા નહીં રહે. તે સામેથી તને બધું જણાવી દેશે. તું બસ સમયની સાથે ચાલ, અને પ્રેમની અનુભૂતિ કર. સંબંધમાં માત્ર પ્રેમ કરવાની જ નહીં, પરંતું પ્રેમથી રહેવાની પણ જરૂર હોય છે. તું તારું બધું જ તેની આગળ સમર્પિત કરી દે, તે સપનામાં પણ તારી સાથે વિશ્વાસઘાત નહીં કરે.

વિશ્વાસઘાત કરીને કોઈ ખુશ નથી રહી શક્યું, અને તે બાબતની ચિંતા કરવાની જરૂર તારે કે મારે નથી. 


   દુનિયામાં દરેક વ્યક્તિને કંઈકનું કંઇક ખોવાનો ડર તો રહેતો જ હોય છે. અને જ્યારે વ્યક્તિ કંઇક ખોઈ બેસે છે ત્યારે તેમાં વાંક પણ પોતાનો જ હોય છે, અને તે સ્વીકારવાની જગ્યાએ દોષનો ટોપલો વિધાતાના ઉપર આવી જાય છે. અને જ્યારે વાત પ્રેમ અને વિધાતાની આવે તો ખુદ ભગવાન કૃષ્ણ પણ વિધાતા આગળ લાચાર હતા તો આપણે કોણ છીએ? કૃષ્ણ પ્રેમ રાધાને કરતા હતા, અને મીરા કૃષ્ણને પ્રેમ કરતી હતી. તો પણ કૃષ્ણના લગ્ન થયા રૂકમનીજી સાથે. એ વિધાતાના લેખ છે જે ખુદ ભગવાન પણ નથી બદલી શક્યા.


✍️ચિંતન પટેલ "અક્ષ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ