વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મહત્યા - છેલ્લો રસ્તો નથી!

જીવનમાં અમુક કિસ્સાઓ એવા હોવા જોઈએ જે તમને મરવાના વિચારો વચ્ચે જીવાડી જાય. જ્યારે જીવનમાં નકારાત્મક પરિબળો ઉભા થાય અને પછી એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જે તમને મરવા માટે મજબુર કરે ત્યારે ભૂતકાળમાં બનેલા અમુક હાસ્યાસ્પદ પ્રસંગ યાદ કરવાનાં કાં તો પછી પ્રેરણાદાયી પ્રસંગોને! આપણા બધાનાં જીવનમાં નાનપણમાં કે ગમે ત્યારે એવી ઘટના થ‌ઈ જ હશે જેને આપણે યાદ કરીએ અને એ વાત આપણને હસાવી જાય. જીવનમાં ઘટતી દરેક ઘટમાળ આપણા પોતાના માટે પ્રેરણારૂપ હોય છે. આપણા બધાનાં જીવનમાં કોઈ એક ગીત, કોઈ એક ભાષાનું સાહિત્ય એવું હશે જે આપણામા જીવવા માટેની હામ ભરે. આપણે વાતચીત દરમિયાન એક વાત ક્યારેક કહેતા હોઈએ છીએ કે એ ગીત મારા દિલની બહુ નજીક છે, હું એ ગીતના શબ્દોને સારી રીતે કનેક્ટ કરી શકું છું અને આવી કેટલીય વસ્તુ, ઘટના હશે જે તમને તમારી નકારાત્મક પરિસ્થિતિમાં જીવાડતી હશે. એવું ગીત કે સાહિત્ય આપણી પાસે ન હોય તો એક એવી વ્યક્તિ હોવી જોઈએ જેને આપણે ગમે ત્યારે ફોન કરીને કહી શકે અને એ આપણી પડખે ઊભી રહે, આપણને બચાવી લે અને સર્વે એવું કહે છે કે દરેકના જીવનમાં એક એવી પ્રિય વ્યક્તિ હોય છે જેને આપણે મરતા પહેલા કહીએ છીએ કે હવે 'હુ દુનિયાને અલવિદા કહેવા જ‌ઈ રહ્યો છું! બસ જ્યારે તમે એ તમારા પ્રિય વ્યક્તિને જાણ કરો છો એ તમને કોઈ પણ રીતે બચાવી લે, તમને ફરીથી જીવનની પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપે એ વ્યક્તિ સાચા અર્થમાં તમારું પ્રિય વ્યક્તિ, એ પછી ચાહે મિત્ર હોય કે અન્ય કોઈપણ!

જ્યારે આપણી સામે રોજ આત્મહત્યાના વધુ સમાચાર આવતા થયા છે ત્યારે એક વાત સમજવી અને યાદ રાખવી ખૂબ જરૂરી બની જાય છે અને એ છે કે આત્મહત્યા- છેલ્લો રસ્તો નથી! આત્મઘાતી વિચારો એક છટકું છે! આત્મઘાતી વિચારોનું ઉદભવ સ્થાન છે આપણી સામે આવતી પરિસ્થિતિ અને સંજોગો. આપણે એની સામે લડી નથી શકતા, હારી જ‌ઈએ છીએ અને ત્યારે આપણને એવું લાગે છે કે 'બસ, હવે જીવવા જેવું નથી'! પણ શું આપણા મરી જવાથી બધી વાતનું સમાધાન આવી જશે? આપણે મરીને, આપઘાત કરીને દુનિયાની નજરમાં કાયર સાબિત નથી થવાનું પણ એ જે તે નબળી પરિસ્થિતિ કે નબળા સંજોગો સામે લડત આપીને દુનિયાની સામે એક ઉદાહરણ તરીકે ઊભું થવાનું છે અને એમને કહેવાનું છે કે 'જિંદગી એ મને મરવાનો મોકો આપ્યો', પણ મેં એ વિકલ્પ પસંદ ન કરીને, મેં એને હરાવવાનું નક્કી કર્યું.

આ દુનિયામાં કશું જ કાયમી નથી હોતું તો જ્યારે આપણા જીવનમાં એવી કોઈ ક્ષણ આવે કે જ્યાં આપણને એવું થાય કે બસ હવે મરી જવું છે ત્યારે એટલું તો યાદ આવવું જોઈએ કે આ ક્ષણ કાયમી નથી રહેવાની. આ પરિસ્થિતિ પણ જતી જ રહેવાની છે પણ ત્યારે આપણે એટલી વધુ પડતી પ્રતિક્રિયા આપી દેતા હોઈએ છીએ કે ત્યારે આત્મઘાતી વિચારો આવવાનાં બંધ નથી થતાં, એ વિચાર આપણી પર હાવી થઈ જાય છે અને બીજું કંઈ જ આપણને વિચારવા નથી દેતું, પણ એ નકારાત્મક વિચારોને આપણી પર હાવી નથી થવા દેવાનાં, આપણે એની પર હાવી થઈ જવાનું છે!

આત્મહત્યા- છેલ્લો રસ્તો નથી!

મરી જવાના વિચારો વચ્ચે,
તમારું ક્ષણિક રોકાઈ જવું જરૂરી હોય છે,

એ સંજોગ, એ પરિસ્થિતિ ક્યાં કાયમી રહેવાના છે,
જ્યાં સુધી એ પસાર થાય, 
બસ એટલીવાર માટે તમારું રોકાઈ જવું જરૂરી હોય છે,

ઉતાવળ કરીને કોઈ પગલાં ન ભરીને,
બસ તમારું એક એક કદમ ચાલવું જરૂરી હોય છે,

આવશે કોઈ, આવીને ભેટશે તમને અને કહેશે,
'કે હું છું ને તારી સાથે',
બસ એવું કોઈ મળે ને, ત્યાં સુધી રોકાઈ જવું જરૂરી હોય છે,

ઈશ્વર છે દયાળું, એ માનવની જેમ નિષ્ઠુર નહિ બને,
એથી તમારા મરવાના વિચારો વચ્ચે એ મોકલશે,
જે તમને બચાવી શકે અને ફરીથી જીવાડી શકે! 

મનની લડાઇ ખૂબ સંઘર્ષમય અને પીડાદાયી હોય છે. સરહદી લડાઈ જીતવા માટે શસ્ત્રો છે પણ મનની લડાઇ જીતવા માટે? જે વ્યક્તિ મનનાં સંઘર્ષ સામે ટકી જાય છે એ જ જીવી જાય છે કારણ કે એની સામે જિંદગી રોજ સવારે અસ્તિત્વનો પ્રશ્ન મૂકે છે અને એનો જવાબ નથી હોતો. માણસ આ‌ મનની લડાઇ લડતા લડતા એટલો થાકી જાય છે, હારી જાય છે કે એને એના અસ્તિત્વથી કોઈ ફેર પડતો નથી. મનની લડાઇ જીતવા માટે એની પાસે શસ્ત્રો ન હોવાં એને એનું અસ્તિત્વ ટૂંકાવી દેવું વ્યાજબી લાગે છે. જેને આ મનની લડાઇ લડતા લડતા એને જીતવાના શસ્ત્રો મળી જાય છે એ જિંદગીની બાજી મારી જાય છે. મનની લડાઇ જીતવાના શસ્ત્ર ગમે તે હોય જેમ કે વાંચન, જર્નલિંગ વગેરે...

જે ઓરા કે વાઇબ્સ તમને નકારાત્મકતા તરફ લઈ જાય છે ત્યાંથી તમારું દૂર ચાલ્યા જવું હિતાવહ છે અને ત્યારે આ નકારાત્મકતા ને હરાવી શકાશે, બાકી જે ઓરા કે વાઇબ્સ તમને નકારાત્મક બનાવતી હોય અને એની જાણ તમને હોવા છતાં તમે ત્યાં જ રહેશો તો શક્ય છે કે એ તમને વધારે નકારાત્મકતા તરફ લઈ જાય. 

મનમાં ચાલી રહેલા સંઘર્ષનું એક કારણ ભૂતકાળમાં બનેલી અમુક નકારાત્મક ઘટનાઓ હોય છે, જેના વિશે આપણે સતત વિચાર્યા કરીએ છીએ અને ધીરે ધીરે એ વિચાર આપણને ખૂબ નકારાત્મક બનાવી દે છે અને પરિણામે એની અસર આપણા મન પર પડે છે. આપણે ભૂતકાળ અને ભવિષ્યમાં જીવીએ છીએ પણ વર્તમાન ક્ષણને માણવાનું ચૂકી જ‌ઈએ છીએ એના કારણે મનમાં સંઘર્ષ ઊભા થાય છે. મનમાં ચાલી રહેલા સંઘર્ષ સામે જીતવા માટે એક ઉપાય એ પણ છે કે ભૂતકાળની જે નકારાત્મક ઘટનાઓ છે એને ભૂલી જવી. સ્વીકૃતિ એ ચાવી છે. જે દિવસે આપણે ભૂતકાળની ઘટનાઓને સ્વીકારી લ‌ઈશુ અને ભવિષ્યમાં કે વર્તમાનમાં જે કંઇ થશે એને આપણે સ્વીકારી શકીશું ત્યારે આ મનનાં સંઘર્ષ ટળી જશે. જીવનમાં જે કંઈ થાય છે એને સ્વીકારીને આગળ વધવું જરૂરી છે, બાકી જો આપણે એવા પ્રશ્નોમાં અટવાઇ જ‌ઈશુ કે 'મારી સાથે જ કેમ આવું થયું'? તો એ નકારાત્મકતા તરફ લઈ જશે અને મનમાં સંઘર્ષ ઉદ્ભવી શકે છે અને જો એની સામે લડતા નહિ આવડે તો અંતે એ અનિચ્છનીય પગલા લેવા માટે પ્રેરિત કરી શકે છે પણ એ નકારાત્મક પ્રેરણાને આપણી પર હાવી ન થવા દ‌ઈને, ખુદમાં હકારાત્મક પ્રેરણા ઊભી કરવાની છે અને એનાં માટે આપણે એટલું જ વિચારવાનું છે કે 'આની પહેલા પણ આપણે આવા કેટલાય એવા પરિબળો સામે ઝઝુમી છીએ જ્યાં એવા અનિચ્છનીય પગલા લેવા પડે પણ ત્યારે ટકી ગયા તો આ પરિસ્થિતિમાં પણ ટકી જ‌ઈશુ'! બસ, આટલો વિશ્વાસ પોતાના માટે કેળવવાનો છે! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ