વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણપ્રિયા

“હેલ્લો ફ્રેન્ડ્સ, જય શ્રીકૃષ્ણ. હું છું આપનો હોસ્ટ અને દોસ્ત વિવાન, અને આપ જોઈ રહ્યા છો ઈન્ડિયા’સ મોસ્ટ સેલિબ્રેટેડ રિયાલીટી શો – “કૃષ્ણપ્રિયા – ધી અલ્ટિમેટ ક્રિશ્ના લવર” નો મેગાફિનાલે..!!” હજારોની મેદનીના તાળીઓના ગડગડાટ વચ્ચે પણ પાસેથી વહી રહેલા યમુનાના નીર શાંત હતા. પુનમના ચંદ્રના પ્રતિબિંબ સાથે આજે સ્ટેજની ઝાકમઝાળ ભરેલી રોશનીઓનું પ્રતિબિંબ પણ એમાં નિર્લેપતાથી વહી રહ્યું હતું. કદંબના વૃક્ષો પર બેઠેલા બ્રાહ્મીણી પક્ષીના યુગલને રિયાલીટી શોના હોસ્ટ વિવાનની ઉર્જાસભર એન્કરિંગથી કશો ફેર નહોતો પડી રહ્યો, પણ ટીવી પર લાઈવ જોઈ રહેલી કરોડો ઓડિયન્સ એની ફેન હતી. “આઈ મસ્ટ ટેલ યુ ગાય્સ કે આજ સુધી ઇન્ડિયન ટીવી પર સેંકડો રિયાલીટી શોઝ થઈ ગયા. ડાંસિંગ, સિંગિંગ, ટેલેન્ટ હંટ્સ વગેરે કેટકેટલાય શોઝ અત્યાર સુધીમાં ટીવીના ઇતિહાસમાં થઈ ચૂક્યા છે, પણ આ ટાઈપનો, એક યુનિક કહી શકાય એવો ભક્તિરસથી ભરપૂર ટીવી રિયાલીટી શો આટલો સફળ થઈ શકે અને આટલા અભૂતપૂર્વ કહી શકાય એવા ટી.આર.પી. મેળવી શકે એ ફક્ત અને ફક્ત ભારતમાં જ શક્ય છે.” ફરી એક વાર તાળીઓના ગડગડાટથી લાઈવ ઓડિયન્સે પોતાનો ઉત્સાહ દેખાડ્યો, “આ શો કે જેમાં હજારો પાર્ટિસિપંટ્સ પોતાની કૃષ્ણભક્તિ પુરવાર કરવા અને પોતાના કૃષ્ણ પ્રત્યેના પ્રેમની અનન્યતાને ઉજવવા કટિબધ્ધ રહ્યા. કેટકેટલીય પરીક્ષાઓ અને કેટકેટલાય રાઉન્ડસમાંથી પસાર થઈને આપની વચ્ચે હાજર છે આપણાં ચાર મેગાફાઇનલિસ્ટ્સ ! આજે આ મેગાફિનાલેની ફાઇનલ વોટિંગ અપીલ કરવા આપણે એમને એક પછી એક બોલાવીશું અને જેને ભારતની જનતા આપશે સૌથી વધારે વોટ્સ, એ હશે કૃષ્ણની અનન્ય ભક્ત, અનન્ય પ્રિયા જેને આપણે કહીશું – કૃષ્ણપ્રિયા – ધી અલ્ટિમેટ ક્રિશ્ના લવર. ક્યાંય જતાં નહીં, આપણે તરત પાછા ફરીશું એક નાનકડા વિરામ બાદ.”

ડાયરેક્ટરના કટ સાથે કેમેરામેન અને અન્ય ક્રુ મેમ્બર્સને થોડી રાહત મળી અને મેકઅપ આર્ટિસ્ટ્સ, કોશ્ચ્યુમ આર્ટિસ્ટ્સ અને તેમના આસિસ્ટંટ્સ વિવાન અને ચારેય ફાઇનાલિસ્ટ કોન્ટેસ્ટંટ્સ તરફ દોડ્યા અને યથાયોગ્ય મથામણ કરવા લાગ્યા. ચારેય ફાઇનાલિસ્ટ્સ કોઈ પણ બ્રહ્માણ્ડ સુંદરીઓથીય ચાર ચાસણી ચડે એટલી સુંદર હતી, તેમજ એમના ચેહરા પરની આભા એમને સેટ પરના બાકી વ્યક્તિઓ કરતાં અલગ તારવતી હતી. ચારેયને કોઈ ઠઠારા, કોઈ સજાવટની આવશ્યકતા જણાઈ રહી નહોતી, પણ કશોય અવિવેક ન લાગે એ માટે એવું ન કરવાનું કહેવાનું તેઓ ટાળી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. જોકે દરેક દુન્યવી પ્રક્રિયાઓથી નિર્લેપ એ ચારેય સૌમ્યતાથી બસ કૃષ્ણલીન બની પ્રેમભક્તિ કરી રહી હતી. કોઈ કોશ્ચ્યુમ આર્ટિસ્ટ એક ફાઇનલિસ્ટની સુંદર પણ સાદી કેસરી સાડીના પાલવની ઝીણી ઝીણી પાટલીઓ સરખી કરી રહી હતી, તો કોઈ જ્વેલરી આર્ટિસ્ટ બીજી એક ફાઇનલિસ્ટની કાનની રાજવી બાલીઓને.

______

 

“અરે ભક્તિ-વક્તિ કશું જ નહીં, દાદી.” વિવાનને ગઈ કાલે જ પોતાની દાદીથી થયેલો વાર્તાલાપ યાદ આવી રહ્યો હતો, “મેં તો આ શો હોસ્ટ કરવાનું એટલે સ્વીકાર્યું કે મને હતું કે તને એ ગમશે. પછી તો લોકોને પણ એ એટલું જ ગમવા માંડ્યુ. અને લોકોને ગમે એ કરવાનું અમારું કામ છે. હા, પૈસા પણ સારા આપ્યા છે ચેનલ વાળાઓએ મને, પણ આ શો કરવાથી હું કઇં ભક્ત થોડી થઈ ગયો? હું તો સ્પષ્ટ પણે માનું છું કે આ ભગવાન વગેરે બધી કલ્પનાઓ છે. સાચા ભગવાન તો છે આ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સમુદ્ર, વર્ષા અને વૃક્ષો. આ પ્રકૃતિને જ હું તો ઈશ્વર માનું છું.”

“તો આટલાં આટલાં લોકોની આસ્થા વિષે તું શું કહીશ, દીકરા?” વિવાનના દાદીએ ખૂબ જ શાંતિથી, હળવું સ્મિત આપતા પૂછ્યું.

“અરે, લોકો માટે બનાવેલું લોકભોગ્ય સાહિત્ય અને એના પોપ્યુલર પાત્રો. તો આ તો રહેવાનુંજ ને! જો દાદી, તું બહુ ભોળી છે, અને એટલી જ ભોળી છે આ દુનિયાની જનતા. વિશ્વ નામની આ સંસ્થા સરળતાથી, આદર્શોથી અને પરસ્પર પ્રેમથી રહે એટલે આપણાં કેટલાક હોશિયાર, જ્ઞાની પૂર્વજોએ આ વાર્તાઓ ઘડી. અને એને એક બાજુ આપ્યા દુર્ગુણોથી ભરપૂર, અહંકારી, ક્રોધી, અરાજક વિલેન્સ અને એક બાજુ આપ્યા સોહામણા, નટખટ, આદર્શ, સદગુણી હિરોઝ. અરે ના ના, સુપરહિરોઝ. એમાં પાછું એ કથાનકોમાં એ લોકોએ, સ્માર્ટલી, કેટલીક જાણીતી જગ્યાઓ નાખી, કેટલાક સાચા કિસ્સાઓ ઉમેર્યા, કેટલાક સાચા સહાયક પાત્રો પણ. ફેક્ટ ફિકસન યુ નો? કાળક્રમે લોકોએ એને એક્ચ્યુઅલ હિસ્ટરી તરીકે સ્વીકારી લીધું. અરે, તને એક ઉદાહરણ આપું દાદી. લોકો તો અરુણ ગોવિલને અને દિપીકા ચિખલિયાને પણ પગે લાગતાં એટલા ભોળા હતા. આજની વાત થોડી અલગ છે. નહીંતર આજે ય એટલા જ ભોળા લોકો હોત, તો એમ.સી.યુ.ના સુપરહીરોઝની પુજા કરતાં હોત. હલ્ક ચાલીસા બોલતા હોત અને કેપ્ટન અમેરિકાના મંદિરો બનતા હોત.”

“આજના લોકો ભક્તિભાવ નથી રાખતા એમ?” દાદી હજુ સુંદર સ્મિત વ્હેરી રહ્યા હતા, “આ જો ને, તારા જ શો માટે કેટલાય લોકો લાઇન લગાવીને ઊભા હતા ને ઓડિશન આપવા? બધા તારા જેવા નાસ્તિક થોડી હોય?”

_______

 

“વિવાન સર, વિવાન સર.. વી આર રેડી. આગળ વધારીએ શો ને?” લાઉડના ભૂંગળામાં ડાયરેક્ટરની બૂમ સંભળાતા વિવાનની તંદ્રા તૂટી અને તે વર્તમાનમાં પાછો ફર્યો.

“ઓકે. તો આપણાં પહેલા ફાઇનલિસ્ટને આપણે કહીશું કે એ પોતાની વોટ અપીલ કરે અને પોતાની આ શોની એંડિંગ સ્પીચ આપે. ઓવર ટુ ધી બ્યુટીફુલ લેડી.”

એ કોન્ટેસ્ટંટ આજે દરરોજ કરતાં પણ સુંદર લાગી રહી હતી. સાદગીથી સજેલી. કોઈ દુન્યવી આભૂષણ નહીં, પણ જાણે ભક્તિ જ એનું આભૂષણ બની રહી હતી. ભગવા રંગની સાદી સાડી, પગરખાં પણ નહીં. સ્ટેજ પર માઇકની પાસે આવીને પ્રીતિભરી નજરોથી ઓડિયન્સને થોડી ક્ષણો જોતી રહી. ઓડિયન્સને પણ જાણે એનું ઘેલું લાગ્યું હોય એમ દરેકના ચહેરા પર કરુણા ઉદ્ભવી હતી.

“જય શ્રીકૃષ્ણ.” એનાં પદ્મપંખડી શા હોઠ જાણે કોઈ દૈવિક શક્તિથી આપોઆપ ચાલી રહ્યા હતા, “ક્ષમા કરજો. પણ હું વોટ અપીલ કરવા માગતી નથી.”

ઓડિયન્સમાં સન્નાટો છવાઈ ગયો. દૂરથી આવતા તમરાંઓના અવાજ પણ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા હતા. આજ સુધી કોઈ પણ રિયાલીટી શોમાં આવું થયું નહોતું. પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ મને વોટ આપજો – ની જગાએ વોટ અપીલ કરવાનો સવિનય ઇનકાર?!

ડાયરેક્ટરને થોડી ક્ષણે ભાન થયું અને એ હજુ તો ‘કટ’ બોલવા જઇ જ રહ્યો હતો કે વિવાને એને હળવેકથી ઈશારો કરીને ના કહી. આશ્ચર્યચકિત તો વિવાન પણ એટલો જ હતો, પણ એને લાગી રહ્યું હતું કે હજુ કશુંક નવું આવશે. અને એની ધારણા સાચી પડી. એ યુવતી કરુણાસભર સ્મિત સાથે આગળ બોલવા લાગી. “કૃષ્ણ મારાં છે, એવું કદાચ કહું તો અતિશયોક્તિ કહેવાય. એવો મારો હક્ક પણ શો? પણ હું તો કૃષ્ણની થઈ શકું ને? મારા પર એમનો અબાધ હક્ક. કૃષ્ણપ્રિયા કહેવાડવાનો મને અનન્ય હક્ક પણ શો? અને કોઈ મને એવું કહે તો હું મનમાં રાજી ચોક્કસ થાઉં, પણ એવું કોઈ પાસે કહેવડાવવાનો આગ્રહ પણ શો? અને મારા પક્ષે વધારે વોટ્સ પડે, એ તો મારો સામાજિક સ્વીકાર થયો કહેવાય. જ્યારે મારા પરિવારજનોએ પણ મારાં પ્રેમને સ્વીકાર નથી આપ્યો, તો હું સમાજ પાસેથી એ અપેક્ષા રાખું એ વધુ પડતી કહેવાય. હું તો ભક્ત છું, બસ. મારી એ ભક્તિ જો દિવાનગીની હદ સુધીની હોય તો એ પણ મારો વિષય છે. ખૂબ જ અંગત વિષય. પણ હા, એટલું કહી શકું સમાજને કે આ રીત તમે પણ ક્યારેક અપનાવી જોજો, કૃષ્ણ તમારા હ્રદયને ખૂબ શાતા આપશે.”

પ્રેક્ષકોમાંથી કોઈ પણ હજુ સુધી સમજી નહોતું શક્યું કે આ શું બોલાઈ રહ્યું છે સ્ટેજ પરથી! પણ જે બોલાઈ રહ્યું હતું એ ફક્ત અકલ્પનીય જ નહોતું, અદ્ભુત પણ હતું. કોઈ એક વહેલો તંદ્રામુક્ત થનાર પ્રેક્ષક તાળી વગાડી ઉઠ્યો કે એ હજારોની મેદનીએ પણ તાળીઓના ગડગડાટથી આ ઉદબોધનને વધાવી લીધું. વિવાન અને ડાયરેક્ટર મનોમન નાચી ઉઠ્યા. આ ક્લિપ દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાઈ જવાની હતી.

થોડા સમય સુધી આ ઉદબોધનને એનકેશ કર્યા બાદ તેણે બીજી કોંટેસ્ટંટને વોટ અપીલ કરવા આમંત્રણ પાઠવ્યું. દેખાવમાં એ ફાઇનલિસ્ટ મહિલા આ પહેલાની ફાઇનલિસ્ટ કરતાં ખૂબ જ અલગ હતી. એકદમ જ રાજવી લાગે એવા વસ્ત્રો, બેશકિમતી આભૂષણો અને એવી જ ગરિમાસભર ચાલ. જાણે કોઈ સમૃધ્ધ સામ્રાજ્યની રાજરાણી જ જોઈ લો. એની આભામાં જાણે ચારેય લોક અંજાઈ જાય. પણ મુખ પર એવી જ સૌમ્યતા, એ જ ભવ્ય ભક્તિભાવ.

સ્ટેજ પર માઇક પાસે પધારતાં જ એ ગર્વિત સ્મિત સાથે બોલી ઉઠ્યા, “વોટ અપીલ તો હું પણ નહીં કરું. અને હું તો હક્કથી કહીશ કે કિશન મારા છે. કિશનને જેમ પ્રેમ ગમે છે, જેમ ભક્તિ ગમે છે એમ એને એના પર જતાવેલો હક્ક પણ ગમે છે. એની પાસે હક્કથી ઉઘરાવેલો પ્રેમ એ ચારગણો કરીને પરત આપે છે. હું એને ચિઠ્ઠી લખું તો એ દોડતાં આવે, પણ મારે એ પણ સમજવાનું કે એ મુજ એકલીના કઇં થોડી છે? એ તો સમસ્ત બ્રહ્માણ્ડમાં એ દરેકના છે જે એમને પ્રેમ કરે છે. મને આપ સૌના વોટ્સ નહીં, પણ આપ સૌના આશીર્વાદ જોઇયે કે હું બસ આ જ ભાવનાથી, આ જ સંયમથી, આ જ સમતુલાથી કૃષ્ણભક્તિ કર્યા રાખું, તો આપોઆપ જ હું કૃષ્ણપ્રિયા બની રહીશ.”

એકવાર ફરી સ્તબ્ધ તાળીઓનો ગડગડાટ યમુનાકિનારે વહી ઉઠ્યો.

“અદ્ભૂત... અદ્ભૂત...! બીજું તો શું કહી શકાય?” તાળીઓ ધીમી પડતાં જ વિવાનનો અવાજ ગુંજી ઉઠ્યો, “એક નાનકડા કોમર્શિયલ બ્રેક પછી આપણે ફરી પાછા મળીશું બાકીના બંને ફાઇનાલિસ્ટ્સની વોટ અપીલ સાંભળવા.” અને ડાયરેક્ટરની ‘કટ’ની બૂમ પછી ફરી વિવાન એની દાદી સાથેના વાર્તાલાપમાં વહી ગયો.

______

“વાત નાસ્તિકની નથી. હું ય આસ્તિક છું. પણ મારી આસ્થા સત્યતામાં છે. હું બસ આ કપોળકલ્પિત વાર્તાઓના નાયકોને ભગવાન નથી માનતો. હું માનું છું કે એમને પૂજવા નહીં જોઇયે, બલ્કે એમના આદર્શો અનુસરવા જોઇયે. જો દાદી, હું મારું કામ ઈમાનદારીથી કરું છું. એ કામ કરતી વખતે કોઈ પણ વ્યક્તિને હાનિના પહોંચે, એનું મન ન દુભાય, એની સાથે કઇં ખોટું ન થાય, એ ધ્યાન રાખું છું. અને મારા મતે એ જ ધર્મ છે, એ જ આધ્યાત્મ છે. અને એવું જ ન હોવું જોઇયે? આપણે કર્મ પ્રત્યે પ્રીતિ કે ધર્મ પ્રત્યે પ્રીતિ રાખવાની જગ્યાએ આઇડોલ્સ પ્રત્યે પ્રીતિ રાખીએ છીએ, અને એટલે જ આપણાં સમાજમાં ગેરરીતિઓ ચાલ્યા રાખે છે. લોકો ખોટું કરશે અને ગંગામાં નહાઈ આવશે, બસ ધોવાઈ ગયા પાપ ! પણ જો ખોટું કામ જ ન કરીયે તો પાપ લાગે જ શેના? બીજું, કે હું આ ભગવાનમાં માનું છું, અને હું પેલા ભગવાનમાં માનું છું એ વાત પણ ન આવે ને? એટલે ટંટો ફસાદ પણ બંધ.”

“વાત તો તારી ય ખોટી નથી, દીકરા.” દાદીનું સ્મિત થોડું મંદ પડ્યું, “ગેરમાર્ગે તો આપણે દોરાયા જ છીએ, પણ એ તો એટલે કેમકે આપણે ભગવાનને પૂરું સમજી નથી શક્યા. એ તો આપણું જીવન સરળ કરવા માગે છે, અને આપણે જ આ જીવનને જટિલ બનાવ્યા રાખીએ છીએ. એ બધા પ્રશ્નો જે તું કહે છે, એ આપણી ગેરસમજોને લીધે છે. જોકે, કૃષ્ણ જેવા ઈશ્વરને તો સમજવાનીય જરૂર નહીં, બસ તમે એને પ્રેમ કર્યા રાખો તોય નિર્મળ થઈ જવાય. પણ હા, એ પ્રેમ પણ એટલો જ નિર્મળ હોવો જોઇયે. અને હું તારી વિચારસરણીને આદર આપું છું, સત્કર્મ એ તો બહુ મોટો ધર્મ છે જ, અને તું તારો ધર્મ અને તારો કર્મ ખૂબ શ્રધ્ધાથી નિભાવે છે. પણ જો એમાં ઈશ્વરપ્રેમની સુગંધ ભળે, તો તને જ અલૌકિક આનંદની અનુભૂતિ થશે.”

“આનંદ? આનંદ તો મને દરેક વસ્તુઓમાંથી મળે છે. આ લૌકિક વસ્તુઓ પણ કઇં ઓછી અલૌકિક થોડી છે? જો આ તારી ચાર મૂર્તિઓ, જે તે કૃષ્ણની ચોતરફ બેસાડી છે. શું કમાલ કરી છે ને શિલ્પકારે? હું ભલે ભગવાનમાં ન માનતો હોઉં, પણ તોય આ મૂર્તિઓ જોવાની ગમે. જાણે, જીવ રેડી દીધો છે કલાકારે!”

“હા હા હા, સાચું. કૃષ્ણનો પ્રેમ જ્યારે હ્રદયને સ્પર્શે ને, ત્યારે જીવંતતા આપોઆપ જ આવી જાય. અને આ ચારેય મૂર્તિઓ તો છે જ કૃષ્ણની ભક્તિનું જીવંત સ્વરૂપ એવી વ્યક્તિઓની.”

“એક્સસેલન્ટ, દાદી. કેવો મસ્ત આઇડિયા આપ્યો તમે અજાણતાં જ. ફાઇનલમાં હું મારી ચારેય ફાઇનાલિસ્ટ્સને આ મૂર્તિઓ જેવી જ વેશભૂષા કરાવું તો? હું હમણાં જ મારા ડાયરેક્ટરને ફોન કરું છું, એને અનુકૂળ લાગે તો કોશ્ચ્યુમદાદા અને મેકઅપદાદાને એ પ્રમાણેનું બ્રીફ આપી દઈએ.”

_______

વિવાન પોતાના આઇડિયાની સફળતા પર પોરસાઈ રહ્યો હતો, ચારેય ફાઇનલિસ્ટ્સ એ વેશભૂષામાં દીપી ઉઠી હતી. અત્યાર સુધીના એપિસોડ્સમાં મોર્ડન વસ્ત્રોમાં શોભતી આ કનટેસ્ટંટ્સ પર ફાઇનલમાં જાણે કૃષ્ણપ્રીતિનો કળશ ઢોલાયો હોય એમ લાગતું હતું. જો કે પોતાની જ પેઢીથી વિવાનને એ આશા બિલકુલ નહોતી કે નાનકડી ઇનસ્ટાની રીલને કે યુટ્યુબના વિડીયોને પણ લાઈક, સબ્સ્ક્રાઈબ કરવાનું વિનવવાવાળી એ પેઢીમાંની આ ચાર લલનાઓમાંથી બે, વોટ માગવાની પણ ના કહી દેશે. અને આ બધી પણ અત્યારસુધીના રાઉન્ડસમાં તો લળી લળીને વોટ્સ માગતી જ હતી ને! ખબર નહીં આ ફાઇનલમાં શું સ્ટ્રેટેજી કરી રહી છે? એને હવે ત્રીજી ફાઇનાલિસ્ટની વોટ અપીલ સાંભળવાની અધીરાઇ જાગી હતી. ડાયરેક્ટરે જેવું ‘રોલિંગ’નો ઈશારો કર્યો, એ બોલી ઉઠ્યો, “મિત્રો, કૃષ્ણભક્તિની વર્ષામાં આ માહોલ ભીંજાઇ જ ગયો છે, ત્યારે આપણી ત્રીજી ફાઇનલિસ્ટ પર શું છે એની અસર? ચાલો બોલાવીયે એમને અને જાણીએ કઈ રીતે કરે છે એ વોટ અપીલ?”

ભવ્યતા અને ગરિમાના મિશ્રણ સમી એ તેજ નારી માઇક સામે આવીને ઊભી રહી. રાજવી ઠાઠમાઠ તો એનાય ક્યાં ઓછા હતા? અનુભવોનું ભાથું પણ ચહેરા પર દેખાઈ રહ્યું હતું, પણ આંખોની ચંચળતા હજુ ય અકબંધ લાગી રહી હતી.

“શું કહું? મને વોટ આપો એમ? હું વોટ નહીં માંગુ એમ? એ બધી તો આપની મરજી. હું આવા ક્ષુલ્લક સાદ શેને આપું? હું સાદ આપું તો કૃષ્ણ ખુદ દોડતો આવે, અને એ સાદ આપે તો હું.” સ્ટુડિયો ઓડિયન્સને ફરી ઘેલું લાગ્યું, “કૃષ્ણપ્રિયા તો હું છું જ. ભલા, મિત્રો કોને વહાલા ન હોય? આમાંથી કેટલાય લોકો પોતાના મિત્રો સાથે આવ્યા હશે ને આ શો જોવા? હેં ને? પૂછી જુઓ તો તમારા હ્રદયને? કે સાચા મિત્રથી વહાલો કોઈ વ્યક્તિ ખરો? હું તો અહીં આપ સૌને જોવા આવી છું. પોતાના મિત્રની લોકપ્રિયતા જોવાની મજા જ કૈંક અલગ છે. અને ઘેલું કોને નથી કૃષ્ણનું તો?” એણે બાકીની ત્રણેય ફાઇનલિસ્ટ્સ સામે પ્રીતિથી જોયું, “પણ જ્યારે અહીં એક સાથે જ ચાર-ચાર કૃષ્ણવીઓ ભેગી થાય તો એ અત્યાનંદ છોડાય કે? કૃષ્ણ વઢે તો તો મારાથી.” પ્રેક્ષકોનું મુક્ત હાસ્ય અનાયાસે જ હવામાં ભળ્યું, અને આ કૃષ્ણાની પણ ઘેલછાને ઉત્સાહથી વધાવી લેવાઈ.

“અતિ ઉત્તમ.. અતિ પ્રીતિમય..! ચાલો હવે મળીએ આજની આખરી ફાઇનલિસ્ટને. જાણીએ એમના વિચારો. માણીએ એમની વોટ અપીલ..!” વિવાન સ્ટેજ પર ફરી શોભી ઉઠ્યો.

ભાતીગળ ચણિયા-ચોળી પહેરેલી એ કન્યા જ્યારે સ્ટેજ પર માઇક પાસે આવી ત્યારે પ્રેક્ષકો એક પણ શબ્દ સાંભળ્યા વિના જ મંત્રમુગ્ધ થઈ ગયા. સુંદર તો બધી ફાઇનલિસ્ટ હતી જ, પણ આ ભીનેવાન કન્યાની વાત જ કૈંક અલગ હતી. મુગ્ધ પણ એ કરે, અને પોતે ય જાણે મુગ્ધા. કોઈ ખાસ ઠાઠ નહીં, કોઈ વધારે પડતું શૃંગાર નહીં, કોઈ ભારે અલંકાર નહીં, પણ એ ગ્રામ્યકન્યાની મોહિની આંખોને ઠારતી હતી. કદાચ સાચા પ્રેમીઓ આવા જ દેખાતા હશે?

“વોટ તો હું પણ નહીં માંગુ. કેમ કે હું જાણું છું કે લોકોના વોટ તો મારી પાસે જ છે. કાન્હાનું નામ લેવા સાથે જ મારું ય નામ ત્રિલોકમાં આપોઆપ આવી જ જાય છે, અને આવતું જ રહેશે. અને કૃષ્ણપ્રિયા કોણ, એ તો કૃષ્ણ જ નક્કી કરે ને?! ખેર, મારા મત મુજબ લોકો પર આ નક્કી કરવાનો ભાર મૂકવો પણ યોગ્ય નથી. અમારા ચારમાંથી કૃષ્ણપ્રિયા કોણ એ નક્કી તો હું પણ ન કરી શકું અને આ ત્રણ પણ ન કરી શકે.” આટલું કહી એ ત્રણેય જ્યાં બેઠી હતી ત્યાં ગઈ અને ત્રણેયને પ્રેમપૂર્વક હાથ પકડી માઇક પાસે ખેંચી લાવી અને ચારેય એકબીજા પ્રત્યેની અપાર લાગણીથી છલોછલ એક-બીજાનો હાથ પકડીને નેહભરી દ્રષ્ટિએ ઊભી રહી.

પ્રેક્ષકોની તાળીઓ ઊભી રહેવાનું નામ નહોતી લઈ રહી. સાચે જ, ચારેયમાંથી કોને વધાવવી એ એમના માટે શક્ય નહોતું બની રહ્યું, અને જરૂરી પણ નહોતું રહ્યું. ખાસી એવી વાર પ્રેક્ષકોને એમને વધાવવાનો મોકો આપ્યા પછી વિવાન એમની પાસે આવ્યો અને એક દ્રષ્ટિ આદરભાવ સાથે એમની તરફ કરી એમને કહ્યું, “આપ સૌની વિનંતી વ્યક્તિગત રીતે મને ગ્રાહ્ય છે, પરંતુ એક હોસ્ટ તરીકે મારે મારું કામ કરવું પડશે. આપ સૌની વોટિંગ ડિટેલ્સ, વોટ મોકલવા માટેનો વોટ્સએપ નંબર વગેરે ટી.વી. ઓડિયન્સને એમના ટીવીની સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યું હશે. આપ ચારેયને બસ વિનંતી છે કે આપ આપનું નામ પ્રેક્ષકોને કહો, જે પણ ફાઇનલિસ્ટ પ્રેક્ષકને યોગ્ય લાગે એનું નામ એ વોટ તરીકે એ વોટ્સએપ નંબર પર મોકલી આપશે. ઓવર ટુ યુ.”

અને ચારેય ક્રુષ્ણપ્રિયાઓ એક એક કરીને પોતાનું નામ બોલતી ગઈ, “મીરાં”, “રૂક્મણી”, “દ્રૌપદી” અને “રાધા” ..!

‘પણ, એમના નામ તો કૈંક અલગ જ..’ વિવાનને શું કહેવું એ પ્રજ્ઞા જ ન રહી. એ નિશબ્દ બની એ ચારેયની આંખોમાં સસ્મિત કરુણા, ગરિમા, મૈત્રી અને પ્રીતિને જોતો રહ્યો. આંખોમાં ઝળઝળિયાના કારણે એ દ્રશ્ય એને ધૂંધળું થતું દેખાયું અને દાદીના એ શબ્દો યાદ આવ્યા, “કૃષ્ણનો પ્રેમ જ્યારે હ્રદયને સ્પર્શે ને, ત્યારે જીવંતતા આપોઆપ જ આવી જાય.”

 

-     હાર્દિક રાયચંદા

hardik.raychanda@gmail.com

9825198717

Date: 02.06.2022

 

       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ