વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તેમાં મારો શો વાંક?



                  તેમાં મારો શો વાંક?


લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે અને વરરાજા બનવા થનગનતો જીગલો એટલે આપણો જીગ્નેશ મોહનલાલ માંકડ પણ સોળે કળાએ ખીલ્યો છે. આમ તો ફાંગી આંખવાળી સુધાને પહેલી વાર જોઈને જીગ્નેશે તેને નાપસંદ કરેલી પણ તેના બાપાએ સમજાવ્યું, "અલ્યા મારી વીંટીમાંના નંગ, તું કયો મોટો હીરો છે તે સામે તને હિરોઈન જોઈએ. આપણે માંકડ. જરા સમજ, એનો બાપ રસિકલાલ હાથી પૈસાદાર છે. મોટી મિલનો માલિક. એમની આ એકની એક દીકરી છે. ભવિષ્યમાં તારા બેય હાથમાં લાડુ."


"પણ મને એની સાથે પ્રેમ નથી." જીગ્નેશે ફાફડા સાથે જલેબી મોઢામાં ઓરતાં કહ્યું. જીગ્નેશને એમ કે કોઈકની સાથે લવ થાય પછી એને પરણું એમાં ને એમાં ઉંમર વધતી ગઈ અને લવ થવાના ચાન્સીસ ઘટતા ગયા.


"દર વખતે લગ્ન પહેલાં પ્રેમ થાય એવું જરૂરી નહીં બકા, એ તો પરણ્યા પછીયે પરાણે કરવો પડે. અમને જ જો. ગાડું ગબડાવે રાખવાનું. હું ફાફડા જેવો સીધો સપાટ અને તારી મા જલેબી જેવી ગઈળી પણ ભારે વાંકી એમાં તું આથેલા મરચા જેવો પાઇકો. એ તો એમજ હોય. કઢીની માફક ઉકળેલો સંસાર છે, ચાઇલા કરે." મોહનલાલે સમજાવેલું. પછી તો જીગ્નેશ સમજી ગયો અને તેની થનાર ધર્મપત્ની સુધાય સમજી ગઈ. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. એરેન્જ્ડ મેરેજ માટેની બધી એરેન્જમેન્ટ થઈ ગઈ. 


જીગ્નેશને પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી તેવામાં આમતેમ ડાફોડિયા મારતા બાબુમામા પધાર્યા. વ્હાલા ભાણિયા જીગ્નેશને પાટેથી ઉઠાડવાની જવાબદારી તેમના શિરે હતી. આગલી સાંજે સંગીત સંધ્યામાં એક પછી એક પરફોર્મન્સ પર પરફોર્મન્સ આપ્યા બાદ થાકીને ઠૂસ થઈ ગયેલા બાબુમામા સવારે મોડા ઊઠ્યા એટલે એ બ્રેકફાસ્ટ કરવા પહોંચ્યા ત્યાં સુધીમાં ફાફડા જલેબી પતી ગયેલા એટલે ચા સાથે એકલા બિસ્કીટ અને આથેલાં મરચાં ચાવી જઈ એમણે જેમતેમ નાસ્તો પતાવ્યો. ભૂખ્યા ડાંસ મામા બીચારી મામી પર તાડૂક્યા, ''તારાથી મને ઉઠાડાય નહીં?''


"પાટલેથી જીગલાને ઊઠાડવાનો છે. હવે એમાં ઉતાવળ કરો નહીંતર ઈ બેઠો રેસે ને એનો બાપ માંકડ તમારૂં લોહી પી જસે."


"જીગલો ક્યાં ગ્યો?" મામાએ બૂમ પાડી.


પીઠી ચોપડેલો પીળો ચટ્ટાક ચહેરો, માવોપડીકી ખાઈને લાલ થયેલા દાંત, કાબરચીતરા ભૂખરા વાળ, હળદરના ડાઘ ન દેખાય માટે પહેરેલો કાળો કુરતો અને ઉજાગરાને લીધે વારંવાર બીડાઈ જતા પોપચાં. મામાએ તેને ન ઓળખ્યો તેમાં એનો શો વાંક? પાટે બેઠેલા જીગલાએ મામાને વળતી બૂમ પાડી, "મામા, હું આંયાં છું." બોલીને તેણે મોઢામાં ઠૂંસેલા કિવામવાળા પાનનો રેલો આંગળીથી હોઠની અંદર ધકેલ્યો. બાબુમામાને થયું, 'ભલે બેઠો, આને ઉઠાડવા જેવો નથ.' મામા હાથ ઝાલી ઉઠાડવા ગયા તેમાં પાટલા પર બેઠક જમાવીને બેઠેલા જીગ્નેશે ઊભા થવા મામાનો હાથ ખેંચ્યો. સંતુલન ગુમાવી મામા જીગ્નેશ પર પડ્યા. વરરાજાને ઘોડીએ ચડાવવાનો હતો માટે પછી તો ચાર જણે મળીને બેવને માંડ ઊભા કર્યા.


એમ તો બીજે દિવસે ઘોડી પર ચઢીને વાજતે ગાજતે આવેલા વરરાજા જીગ્નેશે પોતાની થનાર પત્ની સુધાનેય ન ઓળખી એમાંય એનો શો વાંક? આગલી રાત્રે ગર્લ્સ બેચલર્સ પાર્ટીમાં બહેનપણીઓએ સુધાને એટલું બધું પીવડાવેલું કે પીણું ઠઠાડીને સુધબુધ ખોઈ બેઠેલી સુધા સવારમાં ઉઠતાવેંત બાથરૂમના બંધ બારણા સાથે ભટકાઈ તેમાં કપાળે લીંબુ જેવડું ઢીમડું ઉપસ્યું અને પગે ઠોકર વાગી. એ ઢીમડું ઢાંકવા મેકઅપવાળીએ એવો મેકઅપ કર્યો કે એક તરફની કાળી આઇબ્રો ચામડીના રંગ સાથે ભળી ગઈ અને માથા પરની દામણી વડે ઢીમડું ઢાંકવા જતાં એ બીચારી કપાળે ત્રાંસી લટકી રહી. ઉતરેલો ચહેરો ચમકે માટે ગાલ પર શાઈનીંગવાળો ચમકિલો પાવડર ચોપડેલો. વાળની હેરસ્ટાઇલ જાણે સુગરીનો માળો. તેમાં વળી ગુલાબના ફુલ ખોંસેલા. 


ખેર! જીગ્નેશને 'સ' બોલતાં હંમેશાં જીભ કચરાઈ જતી માટે તે સુધાને પ્રેમથી શુધા બોલાવતો તો ગિન્નાયેલી સુધાને શ બોલવા જતાં તેની જીભ જલેબીની જેમ ગૂંચળું વળી જતી અને વળી મોઢામાંથી થૂંક ઉડતી તે ખાળવા ગુસ્સામાં એ જીગ્નેશને જીગનેસ્સ પોકારી પડકારતી. બાકી આંખે ફાંગી સુધા હતી શરમાળ, હંમેશા નજર નીચી જ રાખે.


ડીજે.ને તાલે નાચતી જાન માંડવડે આવી ઊભી રહી. દીકરાને પરણાવવાની હોંશમાંને હોંશમાં જીગ્નેશની માએ ગરબા કમ ભાંગડાના મિશ્રણ જેવો એવો ડાન્સ કર્યો કે તેની અડફેટે ચડનાર ચાર જણા ઘાયલ થઈ ગયા તેમને માટે એમ્બ્યુલન્સ બોલાવવી પડી બોલો. 


બીજી તરફ ઢોલ ઢબુક્યા અને શરણાઈઓ વાગી. જીગ્નેશ ઘોડી પર સવાર હતો. ઘોડી ઊંચી અને વરરાજા ઠીંગણો. જીગ્નેશ ઉતાવળે કુદકો મારી ઉતરવા ગયો તેમાં તેની ચોયણી ફાટી. એ તો સારૂં કે કાન ફાડી નાખતા ઢોલના અવાજમાં ચોયણીનું ધીમું ચરરર... દબાઈ ગયું. બાજુમાં ઉભેલા અણવરે એને ઝાલી લીધો. જીગ્નેશે અણવરને કાનમાં કહ્યું, "મારી ફાઈટી છે"


"એલા તારી અત્તારથી ફાટે છે તો આગળ શું થશે? જરા હિંમતથી કામ લે."


"ગમે ત્યાંથી બીજી લાવી આપ. બદલી લઊં."


"હેં? બીજી? તારી તો હિંમતને દાદ દેવી પડે. તે તારે છેક હવે બદલવી છે? તને કંઈ ભાન છે? મોઢામાંથી પહેલાં ભસતા શું થતું'તું? હમણાં પેલી વરમાળા પહેરાવવા આવશે. અને હવે તારે બીજી જોઈએ?" અણવર બનેલા રાજુએ જીગરી મિત્ર સામે બે હાથ જોડ્યા અને જીગલાએ બન્ને પગ જોડી રાખ્યા. છેવટે તો ઈજ્જતનો સવાલ હતો. ચાસણીમાં ઝબોળેલું હોય તેમ જીગ્નેશે મોઢું પરાણે હસતું રાખ્યું.


કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવાની વિધિ પતી અને ઠેસ વાગેલી હોવાથી એક પગે લંગડાતી સુધા વરમાળા લઈને આવી. તેની બહેન શીલાએ એના બાવડે ચોંટીયો ભરી કાનમાં કહ્યું, "આમ ઝટઝટ ન ચલાય. ધીમી ચાલ અને આંખો નીચી રાખ, એક તો તું ફાંગી... આપણા બાપાના પૈસા જોઈને પેલો તને પરણવા તૈયાર થયો છે સમજી?"


સમજી ગયેલી સુધા નીચી નજર રાખી વરમાળા પહેરાવવા આવી પહોંચી. દરેક લગ્નોમાં થાય છે તેમ આ તરફ સુધાને તેની બહેનપણીઓએ ઊંચી કરી અને પેલી તરફ દેખાવડા હટ્ટાકટ્ટા લાંબા નાકવાળા લંબુ અણવર રાજુએ બટકા જીગલાને તેડી લીધો. રાજુની અટક પોપટ હતી એ જુદી વાત છે. જીગલો ચોયણીને વધુ ચીરાઈ જતી બચાવવા "ના ના" કરતો રહ્યો તેમાં અણવરે તેને વધુ ઊંચો કર્યો. સુધાના હાથ જીગ્નેશના ગળા સુધી પહોંચી ન શક્યા એટલે તેણે વરમાળા હવામાં  ફંગોળી. ત્રાંસી આંખે દેખતી સુધાની વરમાળા ત્રાંસી થઈને અણવર રાજુના લાંબા નાક પરથી સરકીને તેના ગળામાં જઈ પડી. ડઘાયેલા રાજુએ જીગ્નેશને હેઠે પછાડ્યો અને સુધા તરફ જોયું. સુધાની નજર તેને મળી. તે મલકી પડી, એ જોઈ જીગ્નેશે પોતાના હાથમાં પકડેલી વરમાળા ઝટઝટ  સુધાના ગળામાં પહેરાવી દીધી. રાજુએ સમય વરતી પોતાના ગળામાંથી માળા કાઢી જીગ્નેશને પહેરાવી દીધી. આમ તો તેનો હાથ સુધાને વરમાળા પરત કરવા એની તરફ લંબાયો હતો પરંતુ એ તરફ કોઈનુંયે ધ્યાન ન ગયું.


કાજુ, બદામ અને જ્યુસ તેમજ પાણીના ગ્લાસ ભરેલી ટ્રે ઝાલી હારબંધ ઊભેલા વેઇટરોએ જાનૈયાઓનું સ્વાગત કર્યું. ભૂખ્યા થયેલા જીગ્નેશે ટ્રેમાંથી ડ્રાયફ્રૂટનો મુઠ્ઠો ભર્યો તેવો જ નાકમાંથી બોલતો વેઇટર ભડક્યો, ''યેં મહેંમાંનોં કેં લિંયેં હૈં.''


"અબે, હમ વરરાજા હૈ"


"લેંકિંન મહેંમાન નૈં હૈં નાં."


બેન્ડવાજાવાળાઓએ પહેરેલ સાફો જીગ્નેશના સાફાને મળતો આવતો હતો તેમાં ગામડિયો વેઇટર ઊંધુ સમજી બેઠો. તેને ચોખ્ખી તાકીદ કરાયેલી કે બેન્ડવાજાવાળાઓને અંદર આવતા રોકવા. અપમાનિત જીગ્નેશે તેને લાફો ઠોકી દીધો. વેઈટર ટ્રે પડતી મૂકી જીગ્નેશને ધક્કા મારી બહાર ધકેલવા માંડ્યો, "સબ બેન્ડબાંજાવાલેં બહાંર નીંકલોં. અંદર નૈં ઘૂંસનેંકાં."


"તુમ હમ કો ક્યા સમજતા હૈ? મૈં વરરાજા હૂં."


"હંમ સંબ સમજતાં હૈં." પેલો ગાલ પંપાળતો બોલ્યો.


તેવામાં સુધાની માએ આવીને વેઇટરને ધમકાવ્યો. બધી બાબતમાં નાક ખોંસવાની ટેવ ધરાવતો રાજુ પોપટ વચ્ચે પડ્યો ત્યારે માંડ મામલો શાંત પડ્યો અને જીગ્નેશ ઉર્ફે જીગલો સાફો સરખો કરી માંડવે પહોંચ્યો. ચોરીમાં બેસવા જાય તો ચોયણી વધુ ફાટવાનો ભય હતો. તેણે ફરી અણવર રાજુને ચોયણી તરફ ઇશારો કરતાં કાનમાં ફૂંક મારી, "મારી ફાઈટી છે."


ભલું પૂછવું. રાજુ કંઈક જુદું જ સમજ્યો હતો.


"હિંમત રાખ, હવે કંઈ ન થાય." રાજુએ લાંબુ નાક ઊંચું કર્યું.


તેવામાં ગોરમા'રાજે આજ્ઞા કરી, "વરરાજા, આસન ગ્રહણ કરો."


જીગ્નેશ ઊવાચ: "મારે બેસવું નથી."


"બેસવું તો પડશે જ."


"પણ મારે ઊભા ઊભા પરણવું છે."


સૌ વિચારમાં પડ્યા. અણવર રાજુ પોપટ વહારે આવ્યો. તેણે કન્યાની મા માયાવતીના કાનમાં પોતાનું લાબું નાક ખોસીને ધીમેથી કહ્યું, "વાત,જાણે એમ છે કે આને બીજી જોઈએ છે."


"હેં સુંઉંઉં કીધું?" કન્યાની મા માયાવતી ગાંજી જાય તેમ નહોતી. તેણે જમાઈનો કાંઠલો પકડ્યો, "સું સમજો છો તમારા મનમાં હેં? જમાઈરાજ, તમે અમને છેતરવા માંગો છો સુંઉં? બીજી કોઈ નહીં મળે. જે છે તે આ જ છે. અમારી બીજી મોટી છે ઈ આનાથી મોટી છે ઈને પરણાવી દીધી છે. સું?" આ અલૌકિક દૃશ્ય જોઈ ફોટોગ્રાફર ધડાધડ ફોટા પાડવા માંડ્યો. આવો મોકો ફરી મળે ન મળે!


"બબબ બેસવામાં જજજજોખમ છછછ છે." જીગલો થોથવાયો, "મમમને છોડો." પણ જાજરમાન માયાદેવી મહા માયા હતી. જમાઈનો કાંઠલો બરાબર પકડી રાખી તેમણે સુધાની સખીને રાડ પાડી, "આ ભાગે ઈ પહેલાં સુધાને ઉઠાડીને ઝટ લઈ આવ સુંઉં... સુધા પાછી ઊંઘી નથી ગઈને?" ગોરમા'રાજ 'કન્યા પધરાવો સાવધાન.' બોલે તે પહેલાં માયાવતીદેવી સાવધાન થઈ ગયા.


દામણી હેઠળ ઢીમડું સંતાડતી સુધાએ માહ્યરામાં પ્રવેશ કર્યો. તેની ફાંગી આંખોને હેન્ડસમ અણવરના દર્શન થતાં એ શરમાઈ. અણવરે તેની સામે જોઈને આંખ મીંચકારી. બન્ને વચ્ચે લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું મીઠું મીઠું કુછ કુછ હોતા હૈ થયું જે સૌના ધ્યાન બહાર હતું. હવે રાજુનું ધ્યાન જીગલા પરથી હટીને માત્રને માત્ર સુધા પર કેન્દ્રિત થયું.


"બેસી જાઓ જોઉં. સું?" ફરમાન છોડતી સુધાની મા માયાવતીનો તાર સપ્તકમાં રેલાતો ઘાંટો સાંભળી જીગલાને બદલે સુધાના પપ્પા આદતવશ તેના સ્થાને બેસી ગયા. મા'રાજને આ લગ્ન પતાવી બીજે પતાવવા જવાનું હોવાથી તેમણે અગડંબગડં મંત્રોચ્ચાર શરૂ કર્યા.


"હું ફેરા ફરવા તૈયાર છું." જીગ્નેશે બે પગ વચ્ચે ચોયણી દબાવી રાખી હોંકારો કર્યો.


"સુંઉંઉં? જમાઈરાજ, એમ ઉતાવળ નો થાય. બધું વિધિવત કરવું પડે. તમને વધુ રૂપિયા આપીસું. સું? બોલો બીજુ સું સું જોઈએ છે?" કહેતાં જમાદાર જેવા જાજરમાન માયાવતીએ જીગ્નેશનો હાથ ખેંચી તેને બાજોઠ પર બેસાડ્યો તેમાં તેના બન્ને પગ વી આકારે પહોળા થઈ ગયા અને ચરરર કરતી ચોયણી વધુ ફાટી. બીજો કોઈ ઉપાય ન સૂઝતાં,  જીગ્નેશે સાસુમાને દયામણે ચહેરે વિનંતી કરી, "તમારી સેફ્ટીપીન કાઢીને આપો."


"હાય હાય. તો તો છેડો સરકી પડે સું?"


"જોઈશે જ. મારી સેફ્ટીનો, મારી ઈજ્જતનો સવાલ છે." જીગલાને એમ કે જમાઈ તરીકે રોફ જમાવું.


'અટાણે ગાડી બંગલાને બદલે સેફ્ટીપીન માંગે છે? આનું ચસકી ગયું લાગે છે સું?' સુધાની મા માયાવતીને થયું, સેફ્ટીપીન આપવાથી જમાઈની ઈજ્જત બચતી હોય તો ભલે એમ, પોતે સેફ્ટી ખાતર સાડીનો છેડો ઝાલી રાખશે. એણે સું... સુંના સીસકારા બોલાવી સાડીની વિવિધ પાટલીમાં તેમજ છેડામાં ખોસેલી ત્રણ મોટી સેફ્ટીપીનો ભાવિ જમાઈને પકડાવી. તે લઈ જીગલો ઊભો થઈ ગયો.


"બાથરૂમ ક્યાં છે?" તેણે બે પગ દબાવી મુદ્દાનો પ્રશ્ન કર્યો.


"આમ અધવચ્ચે જવું પડશે?" માયાવતીએ મોં મચકોડ્યું. 


"હા. અધવચ્ચેથી ફાઈટી છે." કહી જીગલો દોડ્યો. રાજુનું ધ્યાન સુધાને નીરખવામાં હતું. ફોટોગ્રાફરે ધડાધડ ચાંપો દાબી દોડતા જીગ્નેશના ફોટા પાડ્યા. આગલી હરોળમાં બેસીને જ્યુસ પીતા જીગ્નેશના બાપા ચમક્યા. એ જીગ્નેશ પાછળ "શું થયું? શું થયું?" કરતા દોડ્યા. તેમની પાછળ, "ક્યાં જાવ છો?" કહી જીગ્નેશની મમ્મી દોડી.


જીગ્નેશ બાથરૂમમાં ભરાયો. દરવાજો અંદરથી લૉક કરી ચોયણી ખેંચીને કાઢી. જ્યાંથી બીચારી ચીરાઈ હતી ત્યાં સેફ્ટીપીનો મારી. પાછી ઝટપટ પહેરવા જાય ત્યાં તો નાડું ખેંચાઈ ગયું. ભારે થઈ! આ વળી બીજી ઉપાધિ. જીગ્નેશ ચોયણીના નાડાનો લટકતો એક છેડો પકડી ગૂંચવાઈને ઊભો રહ્યો. બહારથી તેના પૂજ્ય પિતાશ્રીએ બુમ પાડી, "આમ અચાનક તને હું થ્યું જીગલા?"


"નાડી નથી પકડાતી." અંદરથી જીગલો બોલ્યો.


"હેં? ડોક્ટર બોલાવીએ?" બહાર બાપા ગભરાયા.


"ડોક્ટર આવીને શું કરશે? આ નૈ ચાલે. ક્યારનો કહું છું, બીજી લાવી આપો." અંદરથી ડૂસકું આવ્યું.


"તને જે ગમતી હોય તેની હાયરે પૈણાવસું પણ આવાં પૈહાદાર સસરા ફરી નો મળે. હમજ બેટા, કહું છું, બા'ર નીકર. છોકરી ફાંગી તો ફાંગી, એ તો લગન પછી પ્રેમ થૈ જાય."


"એ બધી વાત છોડો. મારી તો નીકરેય જૂની ફાટલી છે. મને એમ કે કોણ જોવાનું. પરણ્યા પછી સસરાને પૈસે નવી લેવાની હતી." છેવટે જીગ્નેશે ઉતરી જતી ચોયણી એક હાથે ઝાલી બીજા હાથે બારણું ખોલ્યું, "પપ્પા, મને તમારી કાઢી આપો."


"મૂરખ, તો હું સું કરૂં?" બાપા મોહનલાલ માંકડે તેને એક ઠોકી દીધી. ગાલ પંપાળવા જતાં જીગલાના હાથમાંથી ચોયણી છૂટી ગઈ. સાફો એક તરફ ઊલળ્યો. બીજી તરફ સુધાની શરમ છૂટી ગઈ. તે અણવર રાજુનો હાથ પકડી ગ્રાઉન્ડ બહાર દોડી ગઈ. રાજુ પણ તેની સાથે દોડ્યો. ફોટોગ્રાફરે ફોટા પાડ્યા. બબૂચક ઠીંગણા જીગ્નેશ કરતાં ઊંચો રાજુ સ્માર્ટ અને હેન્ડસમ હતો. વળી મીઠા મધુરાં સ્પંદનો જગાવતો લવ એટ ફર્સ્ટ સાઇટ! મ્યુઝિક સિસ્ટમવાળાએ ગીત વહેતું મૂક્યું, 'અરે! ઐસા મૌકા ફિર કહાં મિલેગા..."


માબાપની મદદથી ચોયણીમાં નાડું નાખી, જેમતેમ સેફ્ટીપીનો મારી જિગ્નેશ માહ્યરામાં પાછો આવ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. સુધા હાથી સાથે રાજુ પોપટ ઊડી ગયો હતો. ગોરમા'રાજે  બધું સમેટી લીધું હતું. 


આવા ભવાડા જોઈને જીવ બાળવાને બદલે પેટ ઠારવા, ભૂખ્યા થયેલા જાનૈયાઓ અને મહેમાનો કોઈનીયે રાહ જોયા વગર મસાલેદાર બિરયાની, દહીંમાં તરબતર દહીંવડા, ગરમાગરમ ઉતરી રહેલી કેસર જલેબી અને ઉપરથી ઠંડા મધુર આઈસ્ક્રીમ સાથે સ્વાદિષ્ટ ભોજન પર તૂટી પડ્યા હતા.


"હાય હાય, ભાગી ગઈ." માયાવતીએ પોતાનો મેકઅપ રેલાઈ ન જાય તેનું ધ્યાન રાખીને હાઈ વોલ્યુમની પોક મૂકી. ફોટોગ્રાફરે આ રેર ફોટા પાડવાની તક ઝડપી લીધી. મ્યુઝિક સિસ્ટમવાળાએ સમજ્યા વગર ગીત વગાડ્યું, "જા ઊડ જા રે પંછી કે અબ યે દેસ હુઆ બેગાના..."


"સર, પોઝ આપો, મસ્ત ફોટો ખેંચું." ફોટોગ્રાફર જીગ્નેશ તરફ કેમેરા તાકતો બોલ્યો. એને એનું પેમેન્ટ મળવાની ચિંતા સતાવતી હતી.


"બીજુ શું ખેંચી આપે?" જીગલાએ દાંત કચકચાવીને પૂછ્યું. પછી ફરી બબડ્યો, "શુધા, આમાં મારો શું વાંક? સુંઉંઉં..."


જીગલો બબડતો રહ્યો. સુંઉંઉં... બોલવા જતાં તેની જીભ જલેબીની જેમ જ ગૂંચળું વળીને કચરાઈ ગઈ. સુધાને મેરેજ કરતાં પહેલાં જ મીઠો મીઠો લવ થઈ ગયો. જીગ્નેશ સાથે નહીં, રાજુ સાથે. સમજુ સુધા બધું સમજી ગઈ હતી.


માયાવતીને પોક મૂકતી જોઈને હરખાતા સુધાના પપ્પા, 'જા સુધા જા, મા માયાવતી કી ચુંગાલ સે છૂટ કે જી લે અપની જિંદગી.' એવું કંઈક હરખભેર બોલ્યા પણ તે સાંભળવા સુધા ઊભી નહોતી રહી.


જીગ્નેશ બધાને પૂછી રહ્યો હતો, "ભઈ, આમાં મારો શો વાંક?"

*************

સુષમા શેઠ.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ