વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફિનિક્સ ઊર્જા


અનુરાગના નિશ્ચેતન શરીર પાસે આશા ધબાક કરી બેસી પડી!

'અનુરાગ એ અનુરાગ સાંભળોને! ઉભા થાવને, આમ કેમ પડ્યા છો! જોવોને પોલીસ મને કેવા કેવા પ્રશ્નો કરે છે!? અને આ જોવો બાકી હોય એમ આપણા સગા વ્હાલા પણ ઠીક લાગે એમ મારા પર જ બૂમાબૂમ કરે છે! તમે કંઈક તો બોલો!? તમારી આશુને આ લોકો ગમે તેમ બોલે છે અને તમે છો કે આંખ પણ નથી ખોલતા! મારાથી એવી શું રીસ ચડી!? મને એક વખત તો કહો!આપણા ત્રણ નાના ભૂલકાઓને જોઈને તો ઉભા થાવ!'

આશા અને તેના ત્રણ માસૂમ બાળકો આશાને વીંટળાઈ અનુરાગ પાસે બેઠા હતા, અને ટોળે વળી ઉભેલા સગા સ્નેહીઓ જેને જે મનમાં આવ્યું એ ગમે તેમ બફાટ કર્યે જતા હતા... ઉપરથી પોલીસનો ખોફ!

બાળમાનસમાં ઉઠતા અનેક સવાલ! આ ઘટનાથી અત્યંત ડઘાયેલા બાળકો રડતા રડતા આશાને, 'પપ્પા કેમ જમીન પર સૂતા છે? પપ્પા કેમ કંઈ બોલતા નથી? મમ્મી કેટલી બધી ઠંડી છે પપ્પાને જમીન પર કેટલું ઠંડુ લાગતું હશે!? પપ્પાને બેડ પર સૂવાનું કહે ને મમ્મી! મમ્મી આપણા ઘરે પોલીસ કેમ આવ્યા છે? પપ્પાની તબિયત સારી ના હોય તો ડોક્ટરને બોલાવાયને! તો પોલીસ કેમ આવી!?' 

નિશા, 'મમ્મી હું દોડીને ડોક્ટરને બોલાવી લાવું..!?' અમિષા મમ્મીના આંસુ લૂછતી, 'મમ્મી તું રડે એ પપ્પાને જરાય ગમતું નથી તને ખબર છે ને ! તો પછી કેમ રડે છે!'

અનુરાગને વીંટળાઈને બેસેલી આશાએ, અનુરાગને હચમચાવી મૂક્યો...'અરે તમે ખરા છો! આ શું તમને કંઈ સંભળાતું, દેખાતા નથી કે શું!? બસ હવે બહુ થયું જલ્દી બેઠા થાવને..! અનુરાગ...અનુરાગ... સાંભળોને! એક વખત તો આંખો ખોલો!

આશા અનુરાગ સાથે અઘટિત ઘટના ઘટી છે, એ માનવા જ તૈયાર નહોતી... તેમ છતાં, અનુરાગને આમ નિશ્ચેતન પડેલા જોઈ, આશાની સબ્રનો બાંધ તૂટી પડયોને જોર જોરથી બરાડા પાડતી, પોક મૂકી રડવા લાગી... બાજુમાં બેઠેલા અણસમજ બાળકો પાંચ વર્ષનો દેવાંશ, છ વર્ષની અમિષા અને સાત વર્ષની નિશાને શું થઈ રહ્યું છે!? એની કોઈ સમજ પડતી નહોતી, પણ મમ્મીને રડતી જોઈ એ ત્રણેય પણ જોર જોરથી રડી પડ્યા!

આજુબાજુ ટોળે ઉભેલા, અને કહેવાતા સગા સ્નેહી સૌ કોઈ જાતભાતની વાતોમાં અને મ્હેણાંટોણાં વરસાવવામાં બીઝી હતા... કોઈને આશાના દુઃખની કોઈ પરવા જ ક્યાં હતી! આશા પર ફરિયાદની જડી વરસાવતા એ અનુરાગના સગા સંબંધીને બસ અનુરાગને ગુમાવ્યાનું દુઃખ હતુ!

જમીન પર નિશ્ચેતન પડી રહેલા અનુરાગનો આત્મા પણ આશા અને બાળકોને જોઈ કદાચ વિચારતો હશે, 'મેં બીજું બધું વિચાર્યું પણ, આશા અને બાળકો માટે વધુ વિચારવાનું જ રહી ગયું!!! એ લોકો માટે વધુ વિચાર્યું હોત તો સારું હતું!!! મેં વગર વિચાર્યું ઉતાવળમાં આવું પગલું કેમ ભરી લીધું!? હવે મારી આશા અને આ ત્રણ ભૂલકાંઓનું શું થશે?'

અનુરાગે પ્રાયશ્ચિત્ત રૂપે યમરાજને કદાચ આજીજી કરી હશે! કદાચ યમરાજે પણ એમની વાત સ્વીકારી હોય એમ રડતી, અંદરથી તૂટીને વિખરાયેલી આશામાં રહેલી બીજા આશા જીવીત બની બેઠી હોય એમ અચાનક આશાના આંસુઓ સુકાવા લાગ્યા!

અનુરાગના નિશ્ચેતન શરીર પાસે બેસેલી આશા, સમાજની પરવા કર્યા વિના ભૂલકાઓને પ્યાર કરતી અને તેમના બાળમાનસને ધ્યાનમાં રાખી બાળકોને સમજાવવા લાગી, 'પપ્પા હવે આકાશનો મોટો સ્ટાર બની ગયા આપણે રોજ સાંજે તેમને મળવા ઉપર અગાસીએ જાશું!' બાળકો આશ્ચર્યથી મમ્મી સામે જોતા રહ્યા! દેવાંશ, 'હેં...મમ્મી તું આવું કેમ બોલે છે!? શું પપ્પા હવે કાયમ આમ સૂતા જ રહેશે!?' આશા દેવાંશના માથે હાથ ફેરવતી, 'બેટા હું તમને ત્રણેયને શાંતિથી સમજાવીશ...

આશા ત્રણેય છોકરાઓ પર ખૂબ વ્હાલ વરસાવતી, અંદરને અંદર આંસુ વહાવતી રહી!મન માનવા તૈયાર જ નહોતું થતું કે, અનુરાગ આવું પગલું ભરી શકે! આશા છોકરાઓથી દૂર ખસી, 'અનુરાગ તમને આવી કુબુદ્ધિ કેમ સૂજી કે પછી, કોઈ કાળ તમારા પર સવાર થયો હતો!? તમે આવું પગલું કેમ ભર્યું!?આ તો કદી ના ઉકેલાય એવો કોયડો બની ગયો! શું વાત હતી? મારી સાથે એક વખત તો વાત કરવી હતી, આવું અજુગતું પગલું થોડું ભરી લેવાઈ!? અફસોસ અને અફસોસ... પણ હવે શું? પ્રભુને ગમ્યું તે ખરું!'

અનુરાગને છેલ્લી વિદાય આપવાનો સમય થયો! સગા સ્નેહી માંથી એક માત્ર નવીનભાઈ હતા જે આશાના દુઃખમાં સહભાગી બની ઉભા રહ્યા... આશાએ નવીનભાઈને પહેલા જ કહી દીધું કે, 'બધી તૈયારી થઈ જાય પછી હું દેવાંશને લઈ અનુરાગને મુખાગ્નિ આપવા આવું છું.' 


નવીનભાઈએ થોડી આનાકાની કરી આશાને સમજાવવા કોશિશ કરી, પણ આશાની જીદ પાસે નમતું જોખી નવીનભાઈ એ સ્મશાનમાં બધાને, 'અહીં આપણે બધા કંઈ પણ બોલ્યા વિના અનુરાગની વિધિ પૂર્ણ કરીએ કેમકે આશાભાભી દેવાંશને લઈ આવતા જ હશે.

આશા દેવાંશને લઈ સ્મશાન પહોંચી, ત્યાં ટોળે વળી ઉભેલો લોકો વાતો કરતા ઉભા હતા. બ્રાહ્મણ દ્વારા છેલ્લા મંત્રોચાર અને વિધિ ચાલતી હતી. નવીનભાઈ છેલ્લી તૈયારી કરાવવામાં વ્યસ્ત હતા.

મૃત્યુશૈયા પર મૂકેલા અનુરાગના દેહ પર લાકડા ગોઠવી દીધા હતા અને મુખને ફૂલોથી બરાબર ઢાંકી દેવાયો હતો. દેવાંશની સમજ બહાર આશા, બાળમાનસમાં સંતોષાય એવા જવાબ આપતી પ્યારથી તેને સમજાવતી દૂર ઉભી રહી. 

હૃદયથી રડતી વલોવતી અને તૂટી ગયેલી આશા, અંદર અંદર સમસમી ઉઠી હતી! આશાના પગમાં મણ મણના વજનિયા બાંધ્યા હોય એમ, મહા પરાણે અને મજબૂત મનોબળ કરી, દેવાંશને નવીનભાઈના હાથમાં સોંપ્યો. 

નવીનભાઈ એ દેવાંશને તેડી અનુરાગની પ્રદક્ષિણા કરી, મંત્રોચાર દ્વારા ચિતાને અગ્નિદેવને સોંપવાની વિધિ પૂર્ણ કરી. વિધિ પૂર્ણ થઈ એટલે આશા, નવીનભાઈને હાથ જોડી, દેવાંશને લઈ ફટાફટ ત્યાંથી નીકળી ગઈ!

થોડા દિવસોમાં ઘર પરિવાર વાળાએ આશાને જ અનુરાગના મૃત્યુની દોષી માની ઘરની બહાર તગેડી મૂકી! આશા ભણેલી નહોતી એટલે નોકરી મળવાનો તો કોઈ ચાન્સ નહોતો! અનુરાગ શું અનંતવાટે ગયો કે તેની સાથે આશાની આશા પણ ગાયબ!

આશા અને ત્રણ ભૂલકાઓની શરૂ થઈ સંઘર્ષ કહાની! અનુરાગ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો એટલે આશાને પેન્શન મળવાની પણ કોઈ શક્યતા નહોતી. એક માત્ર નવીનભાઈ હતા જે એમનાથી બનતી સહાય કર્યા કરતા!

કહેવાય છે, પ્રભુ એક દરવાજો બંધ કરે તો બીજા અનેક દરવાજા ખોલી આપે. ફિનિક્સ પક્ષીની જેમ જાણે અનુરાગની રાખ માંથી નીકળેલી અલૌકિક શક્તિનો સંચાર આશામાં થયો હોય એમ, આશાએ નાના ભૂલકાઓની મા બાપ બંને બની નવજીવનની શરૂઆત કરી!

ઘરમાંથી વગર વિચાર્યે તગેડી મૂકેલી આશાને નવીનભાઈ ભાભીના સ્નેહ હૂંફ મળ્યા. આશા સવારથી રાત સુધી લોકોના ઘરકામ કરવા લાગી! 

બે ત્રણ મહિનાને અંતે થોડા રૂપિયા ભેગા કરી, એક નાની રૂમ ભાડે રાખી અને છોકરાઓ સાથે ત્યાં રહેવા ચાલી ગઈ. થોડા મહિના નવીનભાઈ ભાભીએ જ આશાને અનાજ કરિયાણું ભરી આપ્યું.

લોકોના ઘરકામ અને છોકારોને સંભાળતી આશાના કપાળ પર રહેલું વિધવાનું નિશાન જોઈ, તે બદનજરનો શિકાર બનતા માંડ માંડ બચી!

ભવિષ્યનો વિચાર કરી, આશા કમને શહેર છોડી જવા મજબૂર બની. સમાજની પરવા કર્યા વિના, હૃદયથી અનુરાગની ખૂબજ માફી માંગતી આશા એ અનુરાગના નામનો મોટો ચાંદલો કપાળ પર લગાવ્યો! ગળામાં અનુરાગના નામનું મંગળસૂત્ર પહેરી ચાલી નીકળી બાળકોને લઈ બીજા શહેરમાં વસવાટ કરવા!

આશા લોકોના ઘરકામ કરતા માંડ માંડ બાળકોની અને પોતાના પેટની ભૂખ સંતોષી શકે એટલું કમાતી થઈ. છોકરીઓની સ્કૂલ ફીના પૈસા તો ક્યાંથી ભેગા થવાના? આશાએ નિશા અને અમિષાને સરકારી સ્કૂલમાં ભણવા મૂકી અને દેવાંશને પોતાની સાથે લઈ, લોકોના ઘરે કામ કરવા લાગી.

વખત જતા બાળકો મોટા થવા લાગ્યા નાના દેવાંશનું પણ સ્કૂલમાં એડમિશન કરાવ્યું. નિશા અને અમિષા થોડી સમજદાર થતા તે બંને પણ આશાને સહાય કરવાનું કહેવા લાગી. માસૂમ દીકરીઓના મુખે આ વાત સાંભળી આશાનું દિલ ચિરાઈ ઉઠ્યું! આશાને જોરથી ચીખ પાડવાનું મન થઈ આવ્યું! આશા અંદરથી સળગતી હતી પણ તમાચો મારી ગાલ લાલ બનાવતી બોલી, અરે મારી ઢીંગલીઓ... 'હું છું ને! તમે બસ સરસ ભણી ગણી લો, પછી તમે કામ કરજો અને હું આરામ કરીશ!'

થોડો સમય તો આશા એ દીકરીઓને મનાવી લીધી. આશા આખો દિવસ ખૂબ કામ કરી થાકી જતી, એ જોઈ નિશા અને અમિષાએ જીદ કરી! 'મા ગમે તેમ બસ અમે તારી મદદ કરશું... આમ પણ થોડા વર્ષમાં અમારી કોલેજ ફી પણ ભરવી પડશે ને! આપણે થોડા થોડા પૈસા બચાવવાના શરૂ કરી દઈએ!?' 

દીકરીઓના મુખે આવી સમજ ભરી વાત સાંભળી આશાને અનુરાગની બહુ યાદ આવી ગઈ અને અંદર દબાવેલો ડૂમો વેગથી બહાર આવ્યો અને........!

કહેવત છે ને, દૂધના દાઝેલા છાશ પણ ફૂંકીને પીવે, એમ આશા ખરાબ નજરથી માંડ બચી હોવાથી છોકરીને પોતાની સાથે બહાર લઈ જવું જરાય યોગ્ય ના લાગ્યું. આશાને અંદરને અંદર આ વાતે ખૂબ વલોવી મૂકી! તે વિચારવા લાગી કાશ હું ભણેલી હોત તો આજે આ દિવસ જોવો ના પડત! ઘરની પરિસ્થિતિ જોતા અને દીકરીઓના ભણતરની વાત વિચારી, આશા એ દીકરીઓ ઘરે બેસીને કામ કરી શકે, એવા કામની શોધ શરુ કરી!

અનુરાગના નામનો ચાંદલો કરતી આશા કદી અનુરાગને ભૂલી નહોતી પણ જયારે બાળકોના મોંથી આવી સમજદારી ભરી વાતો સાંભળતી ત્યારે છોકરાઓથી છુપાવીને, અનુરાગના ફોટા પાસે પોક મૂકી રડી પડતી અને પોતાનું ભારે મન થોડા અંશે હળવું થાય! કારણકે આશાની વાત સાંભળવા તો કોઈ હતું નહીં બસ ખાલી અનુરાગનો ફોટો હતો જેની પાસે તે મન હળવું કરે!

આશાએ નિશા, અમિષાને સમજાવી કે હજુ થોડાવર્ષો બાકી છે, ત્યાં સુધીમાં હું વધુ કામ કરી પૈસા ભેગા કરી લઈશ તમે ફીની ચિંતા છોડી દો. છેલ્લે જયારે દીકરીઓ એ ખૂબ જીદ કરી ત્યારે આશાએ તેમની પાસે નમતું જોખ્યું!

બાજુમાં ચાલતી ઘડિયાળ ફેક્ટરીમાંથી ઘડિયાળના મોગરામાં હોલ પાડવાના ત્રણ મશીન લાવી ઘરે મૂક્યા! આશાએ સખ્તાઈથી સમજાવી રાખેલું કે એકલા હોય ત્યારે મશીનને ત્રણ માંથી કોઈએ હાથ પણ નહીં અડાડવાનો.

આશા આખો દિવસ લોકોના ઘરના કામ કરતી. બંને છોકરીઓ સવારે સ્કૂલે જતી અને બપોરે ઘરે આવી ઘરનું કામ, દેવાંશને સંભાળવાનો અને સ્કૂલનું હોમવર્ક કરી, મમ્મીની રાહ જોતી બેસે. 

આશા આવે એટલે જમી પરવારી, ઘરનું કામ પતાવી, આશા નિશા અને અમિષા થાક્યા પાક્યા મોગરામાં હોલ પાડવા બેસે. 

મોડીરાત સુધીમાં ત્રણેય થઈને લગભગ બસ્સો ત્રણસો જેટલા મોગરામાં હોલ પાડતા! તેના બદલામાં માંડ માંડ વીસ ત્રીસ રુપિયા હાથમાં આવે!

નિશા અને અમિષા થોડી મોટી થતા રજાની રાહ જોઈ બેસતી કે રજા આવે એટલે વધુ કામ કરી વધુ પૈસા એકઠા કરીએ! ઘણા વર્ષો બધાએ લોકોના ઉતરેલા કપડાં પહેરી કામ ચલાવ્યું... બસ ફક્ત દિવાળીએ આશા ત્રણેય છોકરાઓને નવા કપડાં ખરીદી પહેરાવે!

ધીમે ધીમે થોડી બચત થવા લાગી! આશાએ સિલાઈ મશીન ખરીદી લીધું. આશા અને બંને છોકરીઓ સાથે મળી નાની મોટી સિલાઈનું કામ પણ કરવા લાગ્યા અને આકરી મહેનત રંગ લાવી!

બંને છોકરીઓનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે બંનેએ એકજ કંપનીમાં જોબ શરુ કરી. ખૂબ કપરા અને સંઘર્ષ ભર્યા દિવસો હવે ઢળવાની તૈયારીમાં હતા.!

બંને છોકરીઓ આશાને હવે કામ છોડાવવાનો પ્રયત્ન કરવા લાગી, પણ આશાની આંખ સામે હજુ ત્રણેયને બરાબર સેટ કરવાની જવાબદારી પણ હતી! 

નિશાએ માંડ બે ત્રણ મહિના નોકરી કરી ત્યાંજ એક સુખી સંસ્કારી કુટુંબના છોકરાનું માંગુ આવ્યું. નિશાએ ઘણી આનાકાની કરી કે મમ્મી આટલી જલ્દી શું છે? હું તને થોડું કમાઈને આપું પછી જ સાસરે જઈશ! આશાએ ત્યારે પ્યારથી નિશાને ખૂબ સમજાવી અને પરણાવી દીધી. નિશા પરણીને સાસરે ગઈ, સારા વેવાઈ મળ્યા હોવાથી આશાનું અડધું દુઃખ ઓછું થઈ ગયું!

વખત આવ્યે અમિષા માટે પણ નિશાના સાસુ સસરાએ સારું ઠેકાણું શોધી આપ્યું એટલે આશાએ અમિષાને પણ ખુશી ખુશી સાસરે વળાવી.

આશા હજુ પોતાનું કામ કરવાનું છોડ્યું નહોતું. સ્વાવલંબી આશાને બીજા કોઈ પાસે હાથ લંબાવવો જરાય મંજૂર નહોતો. બસ હવે તેને ફક્ત દેવાંશ ભણી ગણીને બરાબર સેટ થઈ જાય એની રાહ હતી!

વખત આવ્યે દેવાંશ માસ્ટરડીગ્રીમાં સારા માર્ક્સથી પાસ થઈ ગયો અને કોલેજ કેમ્પસ માંથી જ જોબની ઓફર મળી!

વર્ષો પછી આશાની આશા અને મહેનત રંગ લાવી.. કંપની તરફથી દીકરાને વેલ ફર્નિશડ ઘર અને કાર મળ્યા. નાની એવી રૂમ માંથી આશા અને દેવાંશ મોટા બંગલામાં શિફ્ટ થયા!

કહેવત છે ને 'નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ... ' હમણાં સુધી દૂર ભાગતા સગા સંબંધીઓની ફરી લાઈન લાગવા લાગી!

સમય હવે પાણીના રેલાની જેમ ચાલવા લાગ્યો... હમણાં સુધી લોકોના પડ્યા બોલ ઝીલતી આશાના, હવે પડ્યા બોલ ઝીલાવા લાગ્યા!

સારું માંગુ જોઈ સમય આવ્યે, આશાએ દેવાંશને ધામધૂમથી પરણાવ્યો!

વર્ષો સુધી ખૂબ સંઘર્ષ કરતા અનુરાગના પરિવારમાં, આજે અનહદ ખુશીની પળો જીવન મહેકાવવા આવી પહોંચી! આશાની અને બાળકોની અથાગ મહેનત રંગ લાવી... વહેલી સવારમાં તૈયાર થઈ આશા, આજે મુક્ત મને ખુશી ખુશી અનુરાગના ફોટા સાથે વાતો એ વળગી!

નવી ફ્રેમમાં બિરાજમાન થયેલો અનુરાગનો ફોટો જોતી આશાને, આશા થઈ આવી કે હમણાં અનુરાગ કંઈક બોલે! 

અનુરાગનો ફોટો જોતા, આશાને લાગ્યું જાણે અનુરાગ મંદ મંદ મલકી રહ્યો છે! તેજોમય દેખાતા અનુરાગનો ફોટો જોતી આશા, જાણે અનુરાગ સામે ઉભો હોય એવો અહેસાસ કરવા લાગી!

અનહદ ખુશ આશા, આજે અનુરાગના ફોટા સામે દીવાઓની હારમાળા પ્રગટાવતી હર્ષના આંસુ વહાવતી વાતોમાં મગ્ન બની ઉભી હતી! એક દિવ્ય જ્યોત જાણે ફોટાની બહાર નીકળવા ઉત્સુક બની હતી!

અનુરાગની હાજરીનો અહેસાસ કરતી આશાની ખુશી શબ્દોમાં કઈ રીતે વર્ણવી શકાય!

નાની અદિતિ આવી આશાની સાડીનો પાલવ ખેંચવા લાગી, અને હસતી હસતી, 'દાદી, હું દાદાજીનો ફોટો લઈ જાઉં છું, તમે જલ્દી આવજો હોં!' નહીં તો આપણી ઓફિસ "આશા" નું ઉદ્દઘાટન કોણ કરશે..!  

(સમાપ્ત)

* * * * * * * * * * * * * *

સત્ય ઘટનાથી પ્રેરાયને મેં આ વાર્તા અહીં રજૂ કરી છે... આપણી આસપાસ આવા અગણિત આશા અને અનુરાગ રહે છે. અલગ અલગ પરિસ્થિતિથી હારી જઈ, વગર વિચાર્યું અજુગતું પગલું ભરી બેસે છે, પરિણામ સ્વરુપ પરિવારના અન્ય સભ્યોને વગર વાંકે અત્યંત કપરો સમય અને સંઘર્ષ ભર્યું જીવન જીવવાનો વખત આવે છે. અજુગતું પગલું ભરતા પહેલા લાખ વખત વિચારવું જોઈએ કે આ અમૂલ્ય દેહને અગ્નિમાં હોમાવાને બદલે અથાક પ્રયત્ન કરી ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી માર્ગ શોધવો. આપણને મળેલો આ માનવ દેહ અનમોલ છે, એ વાત કદી વિસરવી ના જોઈએ. કપરી અને આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમતા લોકો માટે ગમે તેમ બોલવું કે મ્હેણાંટોણાં ને બદલે, સગા સ્નેહી અને સમાજના લોકોનું પણ કર્તવ્ય છે કે શક્ય એટલી એમને મદદ કરવી જોઈએ... ખાસ તો પરિવારના અન્ય સભ્યોએ પણ આશાની જેમ હિંમત હાર્યા વગર, અથાગ મહેનત કરી પરિસ્થિતિથી હાર્યા વગર તેનો સામનો કરવો જોઈએ... 

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःख भाग्भवेत्।
ॐ शान्तिः शान्तिः शान्तिः॥

* * * * * * * * * * * * *
Leena Mehta Parekh લીનાનંદ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ