વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિલનનો વિરહ!

 

અંધારાના ઓળા ચારેકોર પથરાઈ ગયા હોવાથી ગંગાબાને ધ્યાન આવ્યું કે રાત થઈ ચૂકી છે! દિવસભર વૈશાખી વાયરા ધૂળની ડમરીઓ ઉડાડીને થાક્યા હતા. બારી પરની ધૂળ આંગળીના ટેરવે લૂછી ધ્રુજતા હાથે ગંગાબા એ દીવો ઓલવ્યો અને ખાટલામાં આડા પડ્યા. સૂવાનો તો માત્ર પ્રયત્ન જ કરવો હતો ને, બાર મહિના થયા આ આંખોનો તો ઉજાગરો જ હતો! આવતીકાલે વૈશાખી તેરસ છે એમ વિચારી બા શૂન્યમનસ્ક થઈ ગયા. મન ભારી થઈ ગયું. હ્રદયે એક નિસાસો નાખ્યો અને આંખ મીંચી જેમ તેમ ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

આખી રાત પડખા ઘસ્યા પછી વહેલી પરોઢના અંધારા-અજવાળા ભણી નજર કરી ગંગાબા ઉઠયા, આખું શરીર કળતું હતું.ખાટલાની ઇસ પકડી માંડ ઊભું થવાયું. નિત્યક્રમ મુજબ આંગણામાં આવી લીમડાનું દાતણ તોડ્યું અને ચાવવા લાગ્યા. કોઠી માંથી દાણા લઈ પંખીઓને ચણ નાખ્યું, ટોળામાંથી વિખૂટું પડેલું એકાદ પંખી આકાશમાં ઉડતું જોઈને ગંગાબાથી ફરી એક નિઃશ્વાસ છૂટી ગયો. .ઘઉંલીને ઘાસ આપી માથે હાથ પસવારી આંગણું વાળવા બેઠા. સુકાયેલા પાંદડાને વીણી એકબાજુ ઢગલો કર્યો, લીલા ઝાડવાને પાણી આપ્યું. કાળુડી કૂતરી ને એના ગલૂડિયા માટે રાતે બનાવી રાખેલા રોટલા આપી, એમની ભૂખ સંતોષી. ઉજાગરાથી થાકી ગયેલી આંખોમાં આજે તેજ ન હતું. કારણ કે રાતી થયેલી આંખોની કુમાશ જોવા આજે મિલુ ન હતો!

ચોવીસ વર્ષનો કાચો, કુંવારો પુત્ર, મિલન - એનું નામ! નામ તેવા ગુણ. બધાના સમાધાન કરાવી સંબંધોનું મિલન કરાવી દેતો, હસતો, હસાવતો મિલન આજે ભૂતકાળ બની ગયો હતો! પોતાનો ભોળો પુત્ર છળબાજ, પરિણીત સ્ત્રીના પરિચયમાં આવ્યો ને એના મોહજાળમાં એવો તો અટવાઈ ગયો કે બહાર જ ન આવી શક્યો, સમાજમાં જમાવેલી પોતાની શાખ રાખ થઈ જશે, એ બીકથી એણે જીવન ત્યજી મૃત્યુ વ્હાલું કર્યું…અને એ ઘટનાને આજે પૂરું એક વર્ષ થયું હતું.

...અને ગંગાબા ભૂતકાળમાં સરી પડ્યા. કૂવેથી પાણી ભરીને આવતા આંગણામાં બચુ પટેલ અને પોતાના બાપાને પોતાના સગપણની વાત કરતા સાંભળી ગંગા  શરમથી પાણી-પાણી થઈ ગઈ હતી. કરસન બાપાના કુલ ત્રણ સંતાનો પૈકીના એકમાત્ર પુત્ર હરિની વાત સગપણ માટે આવી હતી. બે જોડીયા ભાઈ - બહેન સહિત તેમના ત્રણ સંતાનો હતાં,પણ તાવમાં ભાઈ - બેનના મૃત્યુ બાદ ઘણા વર્ષ બાદ હરિનો જન્મ થયેલો. હરિ એટલે ગામનો સોહામણો યુવક. હરિનો જીવથી પણ વધારે જતન રેવામાં અને કરશનબાપા એ કર્યો હતો. જ્યારે હરિના લગ્નની વાત આવી ત્યારે ગામની  જ તેમજ રેવામાં એ પોતે જ 'નજરાવી' રાખેલ ગંગા ઉપર પસંદગી ઉતારી હતી, હરિએ પણ હોંકારો આપી દિધો હતો એટલે આજે બચુ પટેલ વાત નાખવા આવ્યા હતા. વાત સાંભળી ગંગા પણ મનમાં તો રાજી થઈ ગયેલી .આવો સોહામણો અને સંસ્કારી પતિ કોને ન ગમે? ગંગા ખુદ પણ ગુણિયલ તેમજ ઘરરખુ છોકરી હતી.એને પામવું સૌભાગ્ય કહેવાય! અને બન્ને પક્ષે હા થઈ અને ત્યારબાદ ઘડિયા લગ્ન પણ લેવાયા. હરિ સાથેનું સુખદ દામ્પત્ય જીવન ગમે તેને ઈર્ષ્યા પમાડે તેવું હતું. હરિ એકનો એક હતો, પોતે વ્યવહારકુશળ તેમજ સમજદાર હોવાથી હરિનું ઘર સુપેરે સાચવી લીધું. દિવસો ગયા, મહિના થયા અને એમ કરતાં વર્ષ વીત્યું, એવામાં પોતાને સારા દિવસો રહ્યાના સમાચાર મળ્યા. પોતાના સારા સમાચારથી હરિ જે હર્ષઘેલો થયો હતો, એ વાત યાદ કરતા આજે પણ ગંગાના ચહેરા પર શરમની સુરખી છવાઈ ગઈ! રેવામાં તો તે દિવસથી જ શીરો ઘુંટવા લાગ્યા! અને… અને પછી પૂરા દિવસે રૂપાળા રાજકુમાર જેવા પુત્રનો જન્મ થયો...એ દિવસ તે કંઈ ભુલાય! હરિના બાપાએ આખા ગામમાં પેંડા વ્હેચ્યા હતા, ને રેવામાનો તો દાદી બનવાનો હરખ મા'તો નહોતો.હરિએ ગંગા પાસે આવીને હળવેકથી કહેલું કે આનું નામ આપણે રાખીશું-મિલન. આપણા બેયના પ્રેમ, લાગણી અને સંસ્કારોનું મિલન!

...અને મિલનની ત્રણ વર્ષની વયમાં જ હરિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. તે દિવસે તો જાણે ગંગા પર આભ ફાટ્યું હતું.પોતાના સુખ  પર કોઈકની નજર લાગી . ખોળામાં ધાવણું છોકરું અને ઘરમાં વૃદ્ધ  માતા - પિતા,બધાનો આધાર જતો રહ્યો હતો. જુવાનજોધ વિધવાનું દુઃખ શું હોય, એ ગંગાથી વિશેષ કોણ જાણી શકે! પણ મિલનની કાલીઘેલી વાતો અને એને મોટો થતો જોઈ પોતાનું દુઃખ ભૂલવા લાગી હતી. જુવાન દીકરાના દુઃખમાં  રેવામાં અને બાપા પણ બે વર્ષના ગાળામાં જતા રહ્યા. મિલનની પાંચ વર્ષની વયમાં એણે પિતા,દાદા,દાદી બધું ખોઈ દીધું .સમય વીતતો ગયો, મિલુ મોટો થતો ગયો. ગંગાબાના જીવનનો એકમાત્ર આધાર હવે માત્ર મિલન જ  હતો. પુત્રવધૂ લાવવાના અભરખા જ્યાં જોવાતા હતા, ત્યાં... ત્યાં... એણે અચાનક એક દિવસ ઓરડીની આડીમાં સાડીથી ટુંપો ખાધેલા મિલુને…!

ઘઉંલી ગાય એના વાછરડાને ચાટતા ભાંભરી અને એને દોહતા ગંગાબા એકદમ ભૂતકાળમાંથી  જાગ્યા...! આંખને ખૂણે આવેલા આંસુ ગાલ પરથી સરકી દૂધની પવાલીમાં પડ્યા. દોહાઈ અધૂરી મૂકી દીધી. વાછરડાને દૂધ પીવા ઘઉંલી પાસે છૂટો મૂકી દીધો અને પોતે ભારેપગે રસોડામાં ગયા.

ન્હાઈ-ધોઈને ગંગાબા ભગવાન પાસે દીવા-બત્તી કરવા આવ્યા. હાથમાં દીવો પ્રગટાવી દીવાની શગને અનિમેષ નજરે જોઈ રહ્યા હતા . ભગવાનના ફોટાની બાજુમાં મિલનનો ફોટો રાખ્યો હતો, દીવાની જ્યોતની આરપાર મિલનના ફોટામાં પોતાનું પ્રતિબિંબ જોઈ ગંગાબા ફરી વિહ્વળ થઈ ગયા. ભગવાનથી એમને એક જ ફરિયાદ હતી.આજે મિલનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી,ને સાથે એનો જન્મદિવસ પણ!! દીવો હાથમાં રાખી ભગવાન સાથેના કાલ્પનિક સંવાદમાં બા આજે હૈયાવરાળ ઠાલવી રહ્યા હતા. "એક વર્ષ મિલુ વગર જતું રહ્યું… એક દિવસ પણ જેના વગર મને નહોતું ચાલતું, એના વગર હું કેમ જીવી ગઈ, ઈશ્વર?? ઘોડે ચડવાની વયમાં મારો કાંધોતર મને મૂઈ ને શુંકામ જીવાડીને જતો રહ્યો…?? બધા જતા રહ્યા,એમની ભેગી હું પણ જતી રહી હોત તો..?? હું દૂધની દાઝેલ, અભાગણી બાઈ, સુખ જોવા જ ન પામી, જુવાનીમાં મારી ચૂડી નંદવાણી ને હવે... હવે... આ…વયમાં જીવતેજીવ હું મરેલી પડી છું… ભગવાનીયા, મને, જવાબ દે… મને જવાબ દે... મારા ક્યા જનમના લેખાજોખા તું ચૂકતે કરી રહ્યો છે… મારો લાડકડો દીકરો મને પાછો આપ... પાછો આપ...મારા લાડકા મિલુડા દીકરા... તું પાછો આવ... તું પાછો આવ...!" ઘરની નીરવ શાંતિમાં બાના પ્રશ્નોના પડઘા પડી રહ્યા હતા, અને આંખોમાંથી ગંગા-જમુનાનો અવિરત પ્રવાહ અસ્ખલિત ધારે વહી રહ્યો હતો.બા પોક મૂકીને રડી રહ્યા હતા. દીવાની વાટમાં હવે ઘી પૂરું થવા આવ્યું હતું,ક્યારે તે ઓલવાઈ જશે, એ નક્કી નહોતું!  આજે આંસુ કેમે કરીને રોકાતા ન હતા.

બપોર થઈ રહ્યા હતા. તિથિ હોવાથી ખીર બનાવવા બા જેમતેમ રસોડા સુધી પહોંચ્યા. ચૂલો સળગાવી તપેલું ચડાવ્યું. તપેલામાં દૂધ નાખી, સાકર નાખી અને ચડવા દીધું. દૂધ ઉકળતું હતું, સાથે મન પણ…! ચમચો લેવા ઊભા થયા ને વિચારતા હતા કે ખીર બનાવીને બાજુમાં રઘલો છે, એને ખવડાવી આવીશ, એ પણ મિલુ જેવડો જ… એક જ દિવસે બેઉ જન્મેલા. સાથે મોટા થયા, રમ્યા, ભણ્યા. રઘલાના આવતા મહિને લગન પણ લેવાશે. મારો મિલુ હોત તો એના પણ... વિચારોના વમળમાં ગંગાબા ખોવાતા ગયા. એક પછી એક ઘટનાઓ દ્ર્શ્યપટ પર કેમેરાના રૉલની જેમ આવતી ગઈ. હરિ સાથે પોતાના લગ્ન, રાજીપો, હરિ સાથેનું  પોતાનું સુખદ લગ્નજીવન, મિલનના આગમનની ખબર, મિલુનો જન્મ, ખુશાલીના પેંડા, એનું બાળપણ, અકસ્માતમાં હરિનું મૃત્યુ, મિલન જ જીવનનો આધાર… અને અચાનક એક સવારે દિઠેલું એ દ્રશ્ય. આડીમાં લટકતો મિલનનો નિષ્પ્રાણ દેહ...!

પૂરા આવેગથી ગંગાબા એ ચીસ પાડી. ....."મિ..લુ..ડાડાડા…" ને એ કારમી ચીસ સાથે ધબ્બ કરતા તેઓ રસોડામાં ઢળી પડ્યા..રસોડામાં નીરવ શાંતિ પથરાઈ ગઇ. ઘડિયાળના કાંટાનો ટકટક અવાજ સંભળાઈ રહ્યો હતો. આંગણામાં ચણવા આવેલું છેલ્લું પક્ષી ફફડાટથી ઉડી રહ્યું હતું . ઘઉંલી વાછરડા માટે ભાંભરી રહી હતી. કાળુડી  ગલુડિયાને શોધવા મથી રહી હતી. દૂધ ઉભરાઈ રહ્યું હતું.દીવો ઓલવાઈ ગયો હતો . ગંગાબાના શ્વાસ થંભી ગયા હતા… મિલનનો વિરહ ગંગાબાના જીવન પર વ્યાપી નિજગૃહે જઈ રહ્યો હતો!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ