વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાજવંતી

                   લાજવંતી

                'લાજવંતી' રાગના સૂર સમગ્ર હોલમાં રેલાતા હતાં. વિલંબિત એકતાલ ઉપર બડા ખયાલમાં ખોવાયેલો સમગ્ર હોલ "સરસ્વતી સદન" બની ગયો હતો. તાનપુરા પર લજ્જાની આંગળીઓ ફરી રહી હતી. રાગ લાજવંતીની બંદિશો લજજાનાં ગળામાંથી ખળખળ વહેતાં ઝરણાની જેમ  રેલાતી હતી. તબલા ઉપર સંગત કરતાં યુવાનની આંગળીઓ સરળતાથી જુગલબંધી પણ કરતી હતી. છેલ્લા તરાનામાં  હોલ ઝૂમી ઊઠ્યો. તાળીઓનાં ગડગડાટ થયાં. લજજાએ બે હાથ જોડી દર્શકોનું અભિવાદન કર્યું. લજ્જા.. લજ્જા.. એકધારી બૂમોથી લજ્જા તંદ્રામાંથી બહાર આવી અને ખાટલામાં બેઠી થઈ ગઈ. તેણે ખાટલાની પાસે પપ્પાને ઊભેલા જોયાં.  

                લજ્જા, સરોજબેન અને શિરીષભાઈનું એક માત્ર સંતાન. તે કલાની કસબી. સંગીતમાં સ્નાતક.. ગાવામાં સૂરીલી. સરગમનો સપનામાં સત્સંગ કરતી લજ્જાને તેના પપ્પાએ ટકોરી, 'બેટા, કોરોના કાળમાં બધાં સંગીત સમારોહ બંધ થઈ ગયા છે. આપણો સાઉન્ડનો ધંધો પણ ઠપ છે. તું કંઈક કામ શોધ તો આવકનું કોઈ બીજું સાધન ચાલુ થાય. રાગડા તાણે કંઈ દિ નીકળે તેવું લાગતું નથી. ઘરનાં બે છેડા માંડ માંડ ભેગા થાય છે. આર્થિક ઉપાર્જન માટે કંઈક નવુ વિચારવું પડશે...' લજ્જા પણ પપ્પાની વાત સાંભળી વિચારવા લાગી કે આનંદ સાથે આવકનું આગમન થાય તો મઝા પડી જાય. પપ્પા, પણ ખુશ અને હું પણ.. પરાણે ઢસરડો કરવામાં મજા નહીં.

                  બીજે દિવસે પપ્પા સાથે તેને બેંકમાં જવાનું થયું. પપ્પા મેનેજરની કેબીનમાં લોન અંગેના કાગળો ભરતા હતા ત્યારે તે બહાર સોફા પર જઈને બેઠી. થોડીવારમાં તો કેટલાય અભણ તથા ઓછું ભણેલા લોકોથી તે ઘેરાઈ ગઈ. કોઈ તેને પૈસા ભરવાની સ્લીપ ભરી આપવાં  કહેતું તો કોઈ તેને પાસબુકમાં કેટલા પૈસા આવ્યા તે બતાવવા વિનંતી કરતું. અડધા કલાકમાં કંઈ કેટલાય ગ્રાહકોનાં મનની મૂંઝવણ તેણે  દૂર કરી દીધી. સી.સી.ટી.વી.સ્ક્રીન ઉપર મેનેજર આ બધું જોતાં હતા. તેણે લજ્જાનાં પપ્પાને પૂછ્યું, 'બહાર તમારી દીકરી બેઠી છે? અહીં હંગામી ધોરણે નોકરી કરવામાં તેને રસ ખરો?'

પપ્પાને તો જોઈતું હતું ને વૈદે કહ્યું. લજ્જાએ પણ ખુશી ખુશી નોકરી કરવાની 'હા' પાડી. 

     મેનેજરે તેને બીજા દિવસથી જ નોકરી પર આવવા કહ્યું. તેના માટે ખૂણાની જગ્યા ખાલી કરવામાં આવી. ત્યાં એક નાનકડું ટેબલ અને ચાર ખુરશીઓ ગોઠવવામાં આવ્યાં. મેનેજરે તેને બેન્કની સામાન્ય સુવિધાઓ વિષે માહિતગાર કરી અને કઇ રીતે ગ્રાહકોને મદદ કરવી તે સમજાવ્યું. લજ્જા તો સમજણનો સાગર. કામ શીખતાં તેને વાર ના લાગી. 

'હું તમને કઈ રીતે મદદ કરી શકું?'ના ટેબલ માટે તે  એકદમ યોગ્ય હતી. ખૂણો જરા ગંદો હતો. તેણે જોયું કે ખુરશીની પાછળ ખુલ્લાં કબાટમાં કેટલીય ફાઇલોમાંથી ધોળાં ધૂળ ખાતાં કાગળિયાં ચામાચીડિયાની જેમ લટકી રહ્યાં હતા. પંખો ચાલુ થતાં થોડી થોડી વારે લજ્જા ઉપર ધૂળનો અભિષેક થતો... ભેજથી દીવાલોની પોપડીઓ ઉપસી આવેલ અને ધીરે ધીરે દિવસ દરમિયાન થોડી થોડી ખરતી પણ ખરી..પરંતુ આ ધૂળથી ભરેલો ખૂણો ધીરે ધીરે સૌથી વધારે ગ્રાહકોનાં ધાડાથી ભરાવા માંડ્યો. જોણે કાદવમાં કમળ ખીલી ઉઠ્યું.

       શાખામાં પાસબુક ભરવાનું મશીન તો હતું જ. ઘણાં ગ્રાહકોને મશીનની માયાજાળ ગમતી નહીં. અભણ ગ્રાહકો ત્યાં જતાં ખચકાતા કારણ એ જ કે મશીન તો મૌન રહે! પેન્શન જમા થયું? સબસીડી ક્યારે આવશે? આવા ઘણાં પ્રશ્નોનાં જવાબ તે આપતું નહીં. પાસબુક ભરાઈ જાય પણ ગ્રાહકોનાં મનમાં ઉદભવતા સવાલોનોનાં જવાબોનું શું? કંઈક ખૂટે છે તેવો ભાવ મશીન સાથે થતો. લજ્જા તો બેંક અને ગ્રાહક વચ્ચેનો સેતુ.

લજ્જા બેંકનાં ગ્રાહકોની જીવનશૈલીથી પરીચિત થતી ગઈ. તેમનાં ખાતામાં બેલેન્સ હોય તો મોબાઈલમાં ના હોય! 

મોબાઈલ નંબર પાછો ખાતાં જોડે જોડેલ ના હોય!

એ.ટી.એમ.નું મોબાઈલ સાથે જોડાણ પણ અઘરો વિષય બની જતો. ટૂંકમાં સેકન્ડ હેન્ડ મોબાઈલનું બજાર દેશમાં ગરમાગરમ  પણ ફોનમાં બેલેન્સનાં ફાંફાં હોય. પાસબુક જોડે પ્રણયવાળા તો ઢગલાં ગ્રાહકો. સો રૂપિયાની જમારાશિ પણ ઘણાં ગ્રાહકોનાં અધર પર સ્મિત લાવી દેતી. 

      મેનેજરે તેનો શ્રેણિકભાઈ જોડે પરિચય કરાવ્યો. તે બેંકનાં સારા ગ્રાહકોમાંના એક. બેંક માટે સારા ગ્રાહક એટલે તગડી જમારાશિવાળું ખાતુ. બેંકોની સ્પર્ધાત્મક હરીફાઈમાં તેમને સાચવવા ખૂબ જરૂરી.  

શ્રેણિકભાઈએ જતા જતા લજ્જાને કહ્યું, 'કોઈ તમારાં જેવા બેન હોય તો મારે ઓફિસમાં રાખવાનાં છે. ધ્યાનમાં હોય તો કહેજો. ખાસ તો તમારાં જેવા જ...! મિલનસાર અને મદદરૂપ સ્વભાવવાળા.'

તેમણે તેમનો ફોન નંબર લજ્જાને લખીને આપ્યો.

        થોડા દિવસ પછી પડોશી રેખાબેન લજ્જા પાસે આવ્યાં. બેન્કનું કામ પત્યા પછી તેણે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું, 'બાળકો મોટા થઈ ગયાં. હવે ઘરમાં એટલું કામકાજ રહ્યું નથી. કંટાળો આવે છે. કોઈ કાર્યાલયને લગતું કામ હોય તો કેજો. કામ નું કામ અને બે પૈસા પણ રળાય.'

લજ્જાએ તેમની સામે જોયું. એકદમ બેઠીદડી, શ્યામલ રંગ... જાણે સામે ઘઉંનું પોટલું પડ્યું હોય અને તેની પર નાની ઢોચકી ગોઠવી હોય તેવો ઘાટ.. એ વિચારમાં પડી કે આમને કઈ જગ્યાએ કામ અપાવું? તેને શ્રેણિકભાઈ એકદમ યાદ આવ્યા. તેમનો નંબર તેણે રેખાબેનને આપ્યો. 

બીજે દિવસે શ્રેણિકભાઈનો ફોન આવ્યો. 

તેઓ બોલ્યાં, 'લજ્જા, પેલા રેખાબેન આવેલાં...મારે તો ટેલીફોન ઓપરેટરનું કામ રહે... થોડાં ચપળબેન જોઈએ...ગૃહિણી ના ચાલે. કોલેજની વિદ્યાર્થીની પણ ચાલશે.પાર્ટ ટાઈમ પણ ચાલે...'

લજ્જાએ કહ્યું, 'ચોક્કસ ધ્યાનમાં રાખીશ.'

લજ્જા વિચારમાં પડી કે રેખાબેન શ્યામવર્ણી છે તેથી તો નાપાસ નથી થયા ને! કે તેમની સ્થૂળતા તેમની દુશ્મન બની! ફોન ઉપાડવામાં તો વળી કઈ હોંશિયારી જોઈએ! 

         અઠવાડિયા પછી એક મા અને દીકરી બેંકમાં ખાતુ ખોલાવવા આવ્યાં. મૂળ કલકત્તાનાં. અમદાવાદમાં કાયમ માટે સ્થાયી થવાના વિચારથી આવેલાં. લજ્જાએ  તેમને ખાતુ ખોલી આપ્યું. બીજે દિવસે પાસબુક લઈ જવા માટે જણાવ્યું. જતાં જતાં માતા બોલી, 'આ મારી દીકરી કસક.. તેનાં માટે કોઈ નોકરી હોય તો બતાવજો. અમે શહેરમાં અજાણ્યાં છીએ.' લજ્જાએ  તેમની દીકરી સામે જોયું. બિલકુલ સફેદ બતક જેવી. પાછી ભણેલી પણ ખરી. લજ્જાએ તરત જ શ્રેણિકભાઈનો નંબર આપી દીધો. વધુમાં જણાવ્યું કે શ્રેણિકભાઈની ઓફિસ બાજુમા જ છે મળતા જવું હોય તો જઈ શકાય.' તે ખુશ થઈ. બંને જરૂરિયાતમંદ. કસક ચોક્કસ ત્યાં સેટ થઈ જશે. તે કંઈક મદદ કર્યાનાં ભાવ સાથે સંતોષનાં સાગરમાં સરકી ગઈ.

         બીજા દિવસે શ્રેણિકભાઈનો ફોન આવ્યો. તેમણે કસક અંગે પૂછપરછ કરી. 

તેમણે પૂછ્યું, 'કસક બેંકમાં તમને મળવા આવી હતી? મારી કોઈ વાતચીત થઇ?'

લજ્જા બોલી, 'ના.. ખાતુ ખોલાવ્યા પછી આવી જ નથી. કેમ નોકરીનું ગોઠવાઈ ગયું?'

જવાબની જગ્યાએ  ફોન મૂકાઈ ગયો. લજ્જાએ કસકને ફોન લગાવ્યો. સામેથી કોઇ પ્રત્યુત્તર ના મળ્યો. કસકની માતાએ પણ ફોન ના ઉપાડ્યો! કોઈ કામમાં હશે તે વિચાર સાથે તેણે પોતાનાં મનને બીજી બાજુ વાળ્યું. થોડા દિવસ પછી બેંકમાં કસકનાં દર્શન થયાં. તેણે સિફતપૂર્વક  લજજા સામે જોવાનું ટાળ્યું. કસક પાસબુકનાં કાઉન્ટર ઉપરથી પાસબુક લઈ સીધી  દરવાજા બાજુ ગઈ. લજ્જાએ કસકને રોકી. નોકરી અંગે પૂછપરછ કરી. કસકે જણાવ્યું, 'હાલ નોકરી મળી ગઈ છે. ટ્રાવેલ કંપની છે. ઘરની નજીકમાં જ છે. પગાર પણ સારો છે.'

લજ્જાએ પૂછ્યું, 'શ્રેણિકભાઈને ત્યાં ના ગોઠવાયું?' પ્રશ્ન સાંભળીને જાણે વાંસની ટોપલીમાંથી બિન સાંભળી ફણીધર ઊંચો થાય તેમ કસકે ટટાર ડોક કરી...આંખો કાઢી...તેની દુઝતી  રગ ઉપર અજાણતાં જ હાથ મૂકાઈ ગયાનો લજ્જાને ખ્યાલ આવી ગયો.

'તેમને ક્યાં કર્મચારી જોઈએ છે? તેમને તો કમ્પેનિયન જોઈએ છે.'

લજ્જાનાં મુખ પરથી સ્મિત સંતાઈ ગયું. અચાનક જાણે ચૈત્ર મહિનામાં વીજળી ત્રાટકી.

કસક બોલી, 'તમે તેમને બરાબર ઓળખો છો?'

'ના'

'તો તમને બરાબર ઓળખાણ આપું...તેમની પત્ની બીમાર છે. લકવો  થયો છે. ખાટલામાંથી ઊભાં થઈ શકતા નથી.'

તે શ્વાસ લેવા રોકાઈ અને પાછી બોલી, 'શ્રેણિકભાઈને ખભે માથું મૂકી વાત સાંભળનારની શોધ છે. નોકરીમાં ખાસ કંઈ કામકાજ જ નથી... પાંચ હજાર પગાર, નવો મોબાઈલ અને નવું પર્સ લટકામાં...પણ તેમને સ્પર્શની ભાષા ગમે છે...'

લજ્જા દિગ્મૂઢ થઈ તેને સાંભળી રહી.

શબ્દોનાં તીરથી તે ઘવાઈ.. શરમથી પાણી પાણી થઈ ગઈ.

'બેન, આવાં માણસ પાસે મોકલો છો! વચેટિયાનું કામ કરો છો?  કેટલા મળે છે?' 

તે દરવાજો ખોલી ઝડપથી બહાર નીકળી ગઈ.

લજ્જા  તો લજામણીનો છોડ બની એકબાજુ લજવાઈને બેસી પડી.

        થોડાક દિવસ પછી શ્રેણિકભાઈના ઘરનો ડોરબેલ વાગ્યો. કોઈ યુવાન સ્ત્રીએ દરવાજો ખોલ્યો. સામે ઊભેલી બે યુવાન છોકરીઓને તેણે આવકાર આપ્યો. ઓળખાણ આપતાં બંને છોકરીઓ બોલી, 'હું લજ્જા અને આ મારી સખી કસક. હું બાજુની બેન્કમાંથી આવી છું. શ્રેણિકભાઈ અમારી બેન્કનાં માનવંતા ગ્રાહક છે. શ્રીમતી  શ્રેણિક શાહ માટે આ પુષ્પગુચ્છ લાવી છું. તેમને લકવો થયો છે તે જાણ્યું...જલ્દી સાજા થાય તેવી શુભેચ્છા સાથે... પણ તમારો પરિચય?'

'હું પણ એક કર્મચારી જ છું. મારું નામ નીપા. ઘરમાં ઓફિસ છે તેમાં કામ કરું છું.'

પુષ્પગુચ્છ સામે જોઈ  નીપા બોલી, 'પુષ્પગુચ્છ  આપવાં ઘેર આવ્યા!'

'ના...ના... અમારે બેંકની  મેડીક્લેમ પોલીસી પણ ભાભીને સમજાવવી છે. ભાભી માંદા છે ને...પથારીમાંથી ઊભા  થઈ શકતા નથી તેથી ઘેર આવ્યાં. ભાભીની પથારીવશ પરિસ્થિતિમાં આ પોલીસ બહુ જરૂરી. માંદગીનુ  કંઈ કહેવાય નહીં.ઘણીવાર લંબાઈ પણ જાય. મેડીકલેમ મદદરૂપ થાય. એક હોય તોય બીજો કામમાં આવે...' ત્યાં બાજુનાં રૂમમાંથી ઉધરસનો અવાજ સંભળાયો.

લજ્જા બોલી, 'ભાભી, વધુ માંદા લાગે છે!'

નીપા બોલી, 'ભાભીને તો લકવો મારી ગયો છે. અંગ જકડાઈ ગયું છે. તો તે કઈ રીતે તમારી મેડિકલેમ પોલિસી સમજીને સહી કરશે! તમારે ભાઈને જ સમજાવવી જોઈએ...'

'ભાઈને તો સમજાવી જ છે... મુખ્ય કામ તો ભાભીની તબિયત જોવાનું છે... મળવાનું છે...રજા આપો તો અંદર જઈએ...'

'આજકાલ બેંકે આવી ઘર ઘરની સુવિધા આપવાં માડી છે!' તેમને અંદર જતાં રોકતાં નીપા બોલી.

'અરે, અમને અંદર ભાભી પાસે લઈ જાઓ. બેંક તરફથી લાવેલ પુષ્પગુચ્છ આપી દઈએ... ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પણ...'

'હું એમ કંઈ તમને અંદર ના જવા દઉં. મંજૂરી જોઈએ.'

'ઓહ, અમે પણ ખોટાં લમણાં લઈએ છીએ.'

ત્યાં દરવાજાનો બેલ વાગ્યો. એક બેન ઝડપથી અંદર પ્રવેશ્યા.

તે ધબ દઈને સોફા પર બેસી પડ્યાં. મુખ્યરૂમમાં અજાણી બે છોકરીઓને જોઈ તે વિચારમાં પડી ગયાં. તેણે અમીને પૂછ્યું, 'આ કોણ છોકરીઓ છે? આપણાં ગ્રાહક છે?'

'તમારો મેડીકલેમ  લેવા આવ્યા છે...બાજુની બેન્કમાંથી...'

'તમારી ઓળખાણ?'

લજ્જાએ પોતાની ઓળખ આપી.

બેન બોલ્યા, 'લજ્જા, સમર્પણ બેંક...મારી પાસે તો મેડીક્લેમ  છે. ભગવાનની દયાથી હજુ કોઈવાર તેનો ઉપયોગ કરવો પડયો નથી.'

નીપાએ લજજા અને કસક સામે જોઈ કહયું, 'અરે, હું તમને સરખો પરિચય કરાવવાનો  ભૂલી જ ગઈ... આ શ્રીમતી શ્રેણિક શાહ. એટલે કે અનાર શાહ...અમદાવાદનાં જાણીતા  વકીલ. હું તેમની ઘરમાં બનાવેલી ઓફિસમાં જ કામ કરું છું.'

લજ્જા બોલી, 'અમને જણાવવામાં આવ્યું હતું કે તમને લકવા થયો છે...એટલે તમારી ખબર જોવા આવેલ...સાથે સાથે પોલીસીનું પણ વિચારેલ.પરંતુ...'

'ના.. હું તો સંપૂર્ણ સ્વસ્થ છું. તમને કોઈ ગેરસમજ થઈ છે. બોલો, હું તમને કંઈ રીતે મદદ કરી શકું?'

'એક અમારા ગ્રાહક છે. જે જુઠાણાં ફેલાવે છે... માનસિક અને શારીરિક શોષણ કરવા તત્પર હોય છે...તેની સામે કેસ કરવો છે. તમે મદદ કરી શકશો?'

'ચોક્કસ.. લકવાગ્રસ્ત પણ લડી શકે છે.' ખડખડાટ હાસ્ય સાથે અનાર બોલી.

પછી તેણે લજ્જાને પૂછ્યું, 'તમે માનસિક કે શારીરિક શોષણનો ભોગ બન્યા છો?'

'ના...હું નહીં. હું તો જૂઠાણાંનો ભોગ બની છું. આ મારી સખી કસક..તેની મજબૂરીનો લાભ લેવાનો પ્રયત્ન થયો છે. વધુમાં તો તે  જ તમને કહેશે.'

અનારે કસક સામે જોઈ પૂછયું, 'બોલો, હું તમને કઈ રીતે મદદ કરી શકું? તમારે કેસ કરવો છે?'

કસક બોલી, 'અમારે મદદની જરૂર નથી... પરંતુ તમારા પતિ સામે કેસ કરવામાં અમારી મદદની તમારે જરૂર હોય તો કહો... માનહાનિનો, ગૌરવભંગનો, બદચલન પતિ સાથે છુટાછેડાનો...

તમને હેમખેમ જોઇને આનંદ થયો.' આટલું કહી લજ્જા અને કસક ઊભાં થઈ ગયાં.

જતાં જતાં કસક બોલી, 'શ્રીમાન શ્રેણિક શાહ તો નફફટ છે. તેમનામાં  લેશમાત્ર લજજા  નથી... માટે વધુ વિચાર્યા વગર તમે પણ લજ્જા મુકી આ બાબતમાં આગળ વધો.'

લજ્જાએ પુષ્પગુચ્છ ટેબલ પર મુકતાં કહ્યું, 'આ તમારા માનસિક લકવાગ્રસ્ત પતિ માટે. અમારા તરફથી...'

કસક ઘરમાં સજાવેલી ફૂલદાની જોઈ બોલી, 'અરે, આ ફૂલદાનીમાં  એક ફૂલ સડી ગયું છે. ફેંકી દો નહીં તો વાતાવરણ ગંધાઈ જશે.'

અનાર તૂટક અવાજે બોલી, 'મને પણ થોડી ગંધ તો...'

લજ્જા બોલી, 'માનસિક રોગ તો કોરોના કરતા પણ જોખમી. મારો તો હમણાંથી સંગીત સાથે સંપર્ક તૂટી ગયો છે. આજે તમારાં ઘેર આવ્યાં પછી મારી લાજ સચવાઈ ગઈ.'

        સાંજે ઘેર જઈ લજ્જાએ ઘણાં સમય પછી તાનપુરો હાથમાં લીધો. સમગ્ર ઓરડો તેનાં પ્રિય લાજવંતી રાગના તરાનાથી જાણે ફરીથી જીવિત થયો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ