વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હા કંટાળો વિપુલ ઝરણું


હા કંટાળો વિપુલ ઝરણું… 

"આકાશ, પ્લીઝ. નીચે આવી જા. આવી રીતે ફોર્સફુલી તુ કોઈને તારી વાત માનવા મજબુર ન કરી શકે."

કોલેજ બિલ્ડીંગનાં ધાબે પાળી પર ટીંગાઈને બેસેલા આકાશને જોઈ માહિરા ટેન્શનમાં આવી ગઈ હતી. માહિરા મનોમન આકાશને ચાહતી હતી, પરંતુ આકાશના મનમાં તો શાલિની વસી હતી. એ જ શાલિની, જે આકાશ સામે જોવા પણ તૈયાર ન હતી. તે કંટાળી ગયો હતો શાલિનીની બેરૂખીથી. ઘણા મહિનાઓની કોશિશ બાદ આજે આકાશે નક્કી કરી લીધું હતું. શાલિની સીધી રીતે નહી માને તો… 

આકાશે બાજુમાં રાખેલી બેગમાંથી એક પેન કાઢી નીચે સરકાવી. છેક પાંચમા માળેથી નીચે પછડાયેલી પેનનાં બધા ભાગ છુટા પડી ગયા અને કેમ્પસમાં હાજર દરેકનાં કપાળે પરસેવો બાઝી ગયો. પ્રિન્સીપલ દવે સરે તરત જ પોલીસને જાણ કરી પરિસ્થિતિની ગંભીરતા જણાવી. આકાશને કેવી રીતે મનાવવો, એ કશ્મકશ વચ્ચે સહસા માહિરાને આકાશની બહેન સમાયરા યાદ આવી. હંમેશા ભણવામાં અવ્વલ રહેતી સમાયરા પોતાનો મોટા ભાગનો સમય લાઈબ્રેરીમાં જ ગાળતી. માહિરા તરત જ સુપરવાઇઝર મિશ્રા મેમને સાથે લઈ લાઈબ્રેરી તરફ દોડી, એ વાતથી અજાણ કે લાઈબ્રેરીમાં હજુ એક ઝટકો તેની રાહ જોઈને બેઠો છે!

***

સામાન્ય રીતે એકલ દોકલ વિદ્યાર્થીઓની હાજરીને કારણે જીવંત રહેતી લાઈબ્રેરી આજે ઘણી સુષુપ્ત હતી. મુખ્ય વાંચનાલયમાં કોઈ વિદ્યાર્થીની હાજરી નહોતી. લાઈબ્રેરીયન મેમ પણ ઝોકાં ખાતાં હતાં. એવામાં ઝડપી પગલાંનાં અવાજે તેમની ઉંઘમાં વિક્ષેપ કર્યો. સામેથી ઉતાવળી ચાલે ચાલી આવતી માહિરા સામે અણગમાથી જોઈ મોટું બગાસું ખાવાનું શરૂ કર્યું પરંતુ પાછળ જ મિશ્રા મેમને જોઈ એ બગાસું અધવચ્ચે જ અટવાઈ ગયું. આખું ખૂલેલું મોં સટાક્ કરતું બંધ થઇ ગયું. બિચારા બગાસાનું બાળ-મરણ થઈ ગયું! 

ખાલી વાંચનાલય પર અછડતી નજર નાંખી મિશ્રા મેમે અધિરાઈથી માહિરા સામે જોયું. માહિરાનાં ચહેરા પર ઉચાટની સાથે ધરપત પણ હતી. તે જાણતી હતી કે સમાયરા ક્યાં હશે. મુખ્ય વાંચનાલયની ડાબી દિવાલે લાઈનસર ક્યુબિકલ બનાવેલા હતા. જે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના સંપૂર્ણ કોન્સન્ટ્રેશન સાથે ભણવા માંગતા હોય એમના માટે આ એક ખાસ વ્યવસ્થા હતી. કોલેજ તરફથી લાઈબ્રેરીનો ઉપયોગ દરેક વિદ્યાર્થી માટે સુલભ હતો, પરંતુ આવા ક્યુબિકલ માટે સ્પેશ્યલ પેઈડ મેંબરશીપ લેવી પડતી. જોકે, આજકાલના છોકરાંઓ લાઈબ્રેરીનો ઉપયોગ જ બહુ સિમિત કરતાં, એમાં આવા ક્યુબિકલ માટે એક્સ્ટ્રા ખર્ચો કોણ કરે? પરંતુ સમાયરા અલગ હતી. તે હંમેશા ક્યુબિકલમાં જ ભણતી. તેણે સ્પેશ્યલ મેંબરશીપ લીધેલી હતી. અતિધનાઢ્યની કેટેગરીમાં આવતા તેના પિતા એકપણ સવાલ વગર તેને જેટલા જોઈએ એટલા રૂપિયા આપતા, એટલે આવા 'શાહી શોખ' તેને પોસાતા. 

જમણી બાજુથી ત્રીજું- સમાયરા દરેક વખતે આ જ ક્યુબિકલમાં ભણતી. આમ જુઓ તો બધા ક્યુબિકલ ખાલી જ રહેતા, પણ સમાયરા આ જ પ્રીફર કરતી. આ ક્યુબિકલ પણ અન્ય ક્યુબિકલ જેવું જ હતું. એક ખુરશી, એક ટેબલ, સાઈડમાં એક ખાનું,એક નાનકડો વોલફેન અને પોણો દરવાજો. હા, જમીનથી એક ફૂટ જેટલી જગ્યા છૂટે એ રીતે દરવાજો રાખવામાં આવ્યો હતો કે જેથી અંદર બેઠેલા વિદ્યાર્થી પર આંશિક ધ્યાન રાખી શકાય. 

માહિરાએ ઉતાવળે સમાયરાનાં ક્યુબિકલનો દરવાજો ખોલ્યો અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. સમાયરા ખુરશીનાં ટેકા પર માથું ઢાળીને બેઠી હતી. કદાચ તે બેહોશ હતી! ટેબલ પર તેના બેગની બાજુમાં એક જાડી બુક પડી હતી, જે અધખુલ્લી હતી અને તેના પાના કાતરીને વચ્ચે બનાવેલ એક હીડન સ્પેસમાં સફેદ પાવડર ધરાવતી અડધી તોડેલી પડીકી હતી. થોડોક પાવડર આજુબાજુ પણ ઢોળાયેલો પડ્યો હતો. પહેલી નજરે જ સમજાય જાય એવું હતું કે આ ડ્રગ્સનો કેસ હતો… 

મિશ્રા મેમે એક કડક નજરે લાઈબ્રેરીયન તરફ જોઇ તરત જ દવે સરને કોલ કરી ત્યાંની પરિસ્થિતિનો ચિતાર આપ્યો. સાથે જ આકાશ વિશે અપડેટ પણ લઈ લીધી. આકાશ તેના બેગની બધી વસ્તુઓ એક પછી એક નીચે ઘા કરી દરેક વખતે ઘડીક હસતો, ઘડીક રડતો શાલિની પર પ્રેશર વધારી રહ્યો હતો. દવે સરે એ બંનેને ત્યાં જ રહેવાનું કહી ડોક્ટર શાહને કોલ કર્યો અને આખી પરિસ્થિતિ જણાવી. ડો. શાહ એક સાઈકિયાટ્રીસ્ટ હતા અને વર્ષમાં બે વખત કોલેજના વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરતા. ડો. શાહે તાકીદે સ્પોર્ટ્સ રૂમમાં પડેલી બધી નેટ ભેગી કરી આકાશના પડવાની શક્યતા હોય ત્યાં નીચે એક સેફઝોન તૈયાર કરવાની સૂચના આપી. ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમણે આકાશ અને સમાયરાનાં પિતાનો કોન્ટેક્ટ નંબર લઈ એમની સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ ત્યાંથી પણ કંઈક અણધાર્યું સાંભળવા મળશે એવી એમની ધારણા નહોતી. 

***

"હેલો, મે આઈ ટોક ટુ મિ. દાસાણી? હું ડો. શાહ."

"હેલો ડો. શાહ. હું હમણા તમને જ કોલ કરવાનો હતો."

દાસાણીના નંબર પર એક જાણીતો અવાજ સાંભળીને ડો. શાહને નવાઈ લાગી. આ તો… 

"ઈન્સ્પેક્ટર પટેલ…!"

ડો. શાહે શંકિત થતા પૂછ્યુ. 

"યસ ડો. શાહ. સહી પહેચાને."

"પણ…મેં તો મિ. દાસાણીનો નંબર.. "

"બરાબર છે. આ મિ. દાસાણીનો જ નંબર છે. પણ એક પ્રોબ્લેમ છે. હી ટ્રાઈડ ટુ કમીટ સ્યુસાઇડ."

"વ્હોટ? એ પણ.. "

"એ પણ એટલે?"

"લુક પટેલ સર, એમના બંને બાળકો અત્યારે બહુ નાજુક કંડિશનમાં છે. એમનો સન - આકાશ કોઈ છોકરીને પરાણે પ્રેમમાં પાડવા માટે કોલેજના ધાબે ચડીને બેઠો છે અને એક પછી એક વસ્તુ નીચે ફેંકી બધાને ગભરાવી રહ્યો છે. અને એમની ડોટર - સમાયરા કોલેજની જ લાઈબ્રેરીમાં ડ્રગ્સનો ઓવરડોઝ લઈને મોતને આમંત્રણ આપી બેઠી છે. અને હવે મિ. દાસાણી પણ… એકજ પરિવારના ત્રણ - ત્રણ સભ્યો એકજ સમયે આપઘાતની કોશિશ કરી રહ્યા છે! ઇટ્સ વિયર્ડ, ઈઝન્ટ ઈટ?"

"યસ, ડોક્ટર. મને પણ ઉપરાઉપરી આ ત્રણેય કેસ માટે કોલ આવ્યા ત્યારે આવું જ આશ્ચર્ય થયું હતું. બટ, અત્યારે એના પર વિચારવાનો સમય નથી. મેં એક ટીમને કોલેજ રવાના કરી દીધી છે અને બીજી ટીમ સાથે હું અહીં, દાસાણીની ઓફિસે આવ્યો છું."

"ઓકે. વેલ, હાઉ ઈઝ મિ. દાસાણી?"

"હી ઈઝ સેફ. એક્ચ્યુઅલી એમણે તૈયારી તો ઘણી કરી હતી. ગન વીથ ગોલ્ડ બુલેટ્સ, ટેબ્લેટ્સ, પોઈઝન, શાર્પ નાઈફ… બસ, હિંમત જ ન મળી એ બધાનો ઉપયોગ કરવાની… ડેસ્પરેટલી વન બાય વન બધી વસ્તુઓ હાથમાં લઈ પાછી મૂકે, એમાં એમના પીએની નજરે ચડી ગયા. તરત જ અમને કોલ આવ્યો અને મિ. દાસાણી કોઈ ડિસીઝન લે એ પહેલા અમે પહોંચી ગયા. સો હી ઈઝ સેફ ફોર નાઉ. બટ, હી ઈઝ બ્રોકન. આઈ થીંક એમને બહુ જલ્દી તમારી સાથે મુલાકાત ગોઠવવી પડશે."

"થેંક ગોડ હી ઈઝ સેફ. સમાયરા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ ગઈ છે અને હવે હું આકાશને હેન્ડલ કરવાની કોશિશ કરીશ. આયમ જસ્ટ ટુ મિનિટ્સ અવે ફ્રોમ કોલેજ. બસ, ત્યાં સુધીમાં એ કોઈ ઉતાવળું પગલું ન ભરી બેસે."

"બેસ્ટ ઓફ લક ડોક."

વાત પૂરી થઈ એટલે શાહે ગાડીના બ્લ્યુ ટુથ સાથે જોડાયેલો મોબાઈલ ડીસ્કનેક્ટ કર્યો. કોલેજના ગેટ પાસે જ ગાડી પાર્ક કરી ઝડપી ચાલે મુખ્ય બિલ્ડીંગ તરફ ગયા. આકાશે નીચે ઘા કરેલી કેટલીય વસ્તુઓ વેરણછેરણ થઈને પડી હતી. તેનુ બેગ પણ નીચે આવી ગયું હતું. હવે કદાચ ફેંકવા માટે કંઈ બચ્યું નહી હોય એટલે આકાશ પાળી પર ઉભો થઈ ગયો હતો. તે જોરથી રાડો પાડી શાલિનીને મનાવવાની અંતિમ કોશિશ કરી રહ્યો હતો. શાલિની પણ હીબકા ભરતી, આંખોમાં આંસુ સાથે તેની તરફ જ જોઈ રહી હતી. પોતાના કારણે કોઈનો જીવ જાય એ તો કેવી રીતે સહન થાય? પરંતુ એ કારણે એવી વ્યક્તિ સાથે રિલેશન કેવી રીતે રાખી શકાય જેની મમ્મી જ એની માટે… 

શાલિની નિર્ણય લેવા અક્ષમ હતી. તેનાં તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા આકાશે એક પગ ઉંચો કર્યો. હવે તે એક જ પગે ડગુમગુ થતો ઉભો હતો. બેલેન્સ ગયું કાં જશે… ડો. શાહે શાલિનીનો નંબર ડાયલ કર્યો. વાઈબ્રેટ થતા મોબાઈલની સ્ક્રીન પર ડોક્ટરનો નંબર જોઈ શાલિનીએ નેકબેન્ડ દ્વારા કોલ રિસીવ કર્યો. શાહે માત્ર એટલું જ કહ્યું, "મારી પર વિશ્વાસ રાખીને અત્યારે હા પાડી દે. એકવાર એને નીચે આવી જવા દે. પછી હું સંભાળી લઈશ." શાલિની કશુંક બોલવા ગઈ, પણ શાહે મોકો ન આપ્યો. "પ્લીઝ… ટ્રસ્ટ મી." શાલિનીએ આંખો જોરથી ભીંસીને બંધ કરી. બંધ આંખોનાં પરદા પર આકાશની મમ્મી - વિરક્તી દાસાણીનો ચહેરો ઉપસી આવ્યો. સાથે જ તેમનો માયાળુ અવાજ પણ સંભળાયો,"બેટા, જે પણ નિર્ણય લે તે સમજી વિચારીને લેજે. પછી કહેતી નઈ કે મેં તને ચેતવી નહોતી… " ત્યાં જ ફરી ડો. શાહનો અવાજ ગુંજ્યો, "ટ્રસ્ટ મી." તેણે નિર્ણય લઈ લીધો. અત્યારે આકાશને બચાવવા માટે જે કરવું પડે એ કરવા તેણે પોતાની જાતને તૈયાર કરી. એક ઊંડો શ્વાસ લઈ તેણે આંખ ખોલી, પરંતુ સામેનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. 

શાલિનીએ આંખ ખોલી એ સમયે એકસાથે બે સાઈરન કોલેજમાં પ્રવેશી. એક પોલીસવેન હતી અને બીજી એમ્બ્યુલન્સ. આટલો જમેલો ને એમાંય પોલીસ તથા એમ્બ્યુલન્સની એન્ટ્રીથી આકાશ મનોમન પોતાના પ્લાન પર પોરસાયો. મમ્મી સાચું જ કહેતી હતી. તેણે ખરેખર લોકોને ગભરાવી દીધા હતા. પોલીસની વેન ત્યાં જ આવીને ઉભી રહી, પરંતુ એના આશ્ચર્ય વચ્ચે એમ્બ્યુલન્સ આગળ વધી ગઈ! તે કન્ફ્યુઝ થઇ ગયો. અચાનક આખી ભીડ તેને છોડી લાઈબ્રેરીની દિશામાં જોવા માંડી. થોડીવાર માટે છવાયેલો સન્નાટો ત્યારે ભેદાયો જ્યારે એમ્બ્યુલન્સ પરત આવીને ત્યાં ઉભી રહી અને એમાંથી માહિરા બહાર નીકળી. આંસુભીની આંખે આકાશ તરફ જોઈ તે એટલું જ બોલી શકી, "સમાયરા… " એક મોટા હીબકાં સાથે માથું ધુણાવતી તે ફરી એમ્બ્યુલન્સમાં બેસી ગઈ, પરંતુ આકાશને એક જોરદાર ઝટકો લાગ્યો. એમ્બ્યુલન્સ…. સમાયરા માટે…! તે વધુ કંઈ સમજે એ પહેલા તેનુ બેલેન્સ ગયું અને… 

… અને પાળી પર ટેકવેલો એકમાત્ર પગ લસરી ગયો. તેણે પાળી પકડવાની કોશિશ કરી, પરંતુ વ્યર્થ. એટલું સારું થયું કે સ્પોર્ટ્સની નેટની સાથે પોલીસની ટીમે એમની સાથે લાવેલી નેટ બાંધી દીધી હતી જેથી એક ઘણો મોટો સેફઝોન બની ગયો હતો. પરંતુ કોઈના ધ્યાનમાં એ ન આવ્યું કે આકાશે ફેંકેલું પરિકર સ્પોર્ટ્સ નેટમાં ઉભું ફસાયું છે અને એની અણી ઉપર તરફ જ સ્થિર છે. બરાબર એ જ જગ્યાએ જ્યાં આકાશનું માથું… 

ત્યાં હાજર બધાનાં શ્વાસ રોકાઈ ગયા. હવા પણ જાણે થંભી ગઈ! એક તીણી ચીસ અને… એકસાથે બે પેશન્ટને લઈ એમ્બ્યુલન્સ ત્યાંથી રવાના થઇ. આ સમાચાર મિસિસ દાસાણી સુધી પહોંચાડવા કેવી રીતે? ઈં. પટેલે ડો. શાહને રિક્વેસ્ટ કરી કે પોલીસની ટીમની સાથે એ પણ મિ. દાસાણીના ઘરે પહોંચે અને ઓછામાં ઓછો આઘાત પહોંચે એ રીતે મિસીસ દાસાણીને એમના પરિવારના ત્રણેય સભ્યો વિશે માહિતી આપે, એ વાતથી બેખબર કે એક મોટો આઘાત તો મિ. દાસાણીના ઘરે તેમની રાહ જોઈને બેઠો છે..! 

***

ટીંગટોંગ…
ટીંગટોંગ…. ટીંગટોંગ… 

ઉપરાઉપરી બેલ વગાડવા છતાં દરવાજો ખૂલ્યો નહી એટલે અહીં પણ કંઈક અજુગતું બનવાની આશંકાએ ડો. શાહે દરવાજો તોડી દેવાનું સૂચન કર્યું. ઈ. પટેલે સબ ઇન્સ્પેક્ટર વસાવાને ડો. શાહની સૂચનાઓ અનુસરવા કહ્યું હતુ, જેથી તેમણે તરત જ એ આલિશાન બંગલાનો દરવાજો તોડવાનો હુકમ કર્યો અને સાથે રહેલ હવાલદારની જોડીએ એના પર અમલ કર્યો. 

એક, બે ને ત્રીજા ધક્કે સ્ટોપર તૂટી એ સાથે જ બંને હવાલદાર અંદર તરફ પછડાયા. ઘરમાંથી વિચિત્ર ગંધ બહાર ધસી આવી અને વસાવા તથા શાહ એ બંને હવાલદારને ટપીને ત્વરિત અંદર દોડી ગયા. ગંધનો પીછો કરતા કરતા રસોડાની બાજુમાં રહેલ નાનકડા મંદિર પાસે પહોંચ્યા. અહીં જબરૂં કૌતુક રચાયું હતું. મંદિરમાં ભગવાનના ફોટાની સાથે એક મધ્યમ આકારનું શિવલિંગ પણ હતું, પરંતુ તેની ઉપરની જલધારી એની જગ્યાએ નહોતી. મિસિસ વિરક્તી દાસાણી શીવલીંગની બરાબર સામે પદ્માસન વાળીને બેઠાં હતાં. હાથમાં રહેલી રૂદ્રાક્ષની માળાનો મણકો ધીમી ગતિએ આગળ વધતો હતો, શિવલિંગ પર જડાયેલી નજર પલક પણ ઝપકાવતી નહોતી. હોઠ ધીમી ગતિએ ફફડી રહ્યા હતા અને કંઈક જાપ કરતાં હોય એવા અસ્પષ્ટ ઉચ્ચાર સંભળાયા. અને એ જલધારી - એમનાં માથે લટકતી જલધારીમાંથી એક એક ટીપું કરીને કોઈક પ્રવાહી અત્યંત ધીમી ગતિએ ટપકી રહ્યું હતું. દરેક ટીપાનો મસ્તક સાથે સંગમ થતાં જ હળવી ધુમ્રસેર ઉઠતી હતી અને એ વિચિત્ર ગંધ વધુ તીવ્ર બનતી જતી હતી. 

"એસિડ…!"
ડો. શાહે કાચી સેકન્ડમાં જ એ વિચિત્ર ગંધના એક ભાગને ઓળખી લીધો. આપોઆપ જ બીજો ભાગ પણ ઓળખાઈ ગયો - એ એસિડને કારણે બળતા ચામડી અને માંસની ગંધ… એમની નજર સામે જ જલધારીનાં છિદ્ર પાસે લટકી રહેલું ટીપું ટપક્યું અને… 

… વસાવાએ ઉતાવળે બાજુમાં રહેલ ફ્લાવર વાઝ વચ્ચે ધરી દીધો. ટીપું એની પર ઝીલાયું એ સાથે જ વિરક્તી દાસાણીએ જાણે સમાધિમાંથી જાગૃત થયા હોય એવી દ્રષ્ટિએ વસાવા તરફ જોયું. એસિડની અસર હોય કે બીજું કંઈ, પણ વસાવાને એ નજરમાંથી આગ ઝરતી હોય એવું લાગ્યું. ડો. શાહે સમયસૂચકતા વાપરી તરત જ બાવડું ઝાલી વિરક્તીને એમના સ્થાનેથી ખેંચી લીધા, જેથી વધુ ટીપા તેમનાં મસ્તક પર ન પડી શકે. 

ડો. શાહે પોતાની કારકિર્દીમાં આત્મહત્યાના ઘણા કેસ જોયા હતા, પરંતુ આ રીતે આત્મહત્યા…! આ તેમની સમજની બહાર હતું. ચાર વ્યક્તિઓનો એક પરિવાર, એ પરિવારના બધા સભ્યો જુદા જુદા સ્થળોએ જુદા જુદા કારણોસર આત્મહત્યાની કોશિશ કરે, અને એ પણ એક જ સમયે! કેસ ઘણો પેચીદો હતો. ખૂબ ઊંડું રીસર્ચ માંગી લે એવો. પરંતુ અત્યારે પ્રાથમિકતા મિસિસ દાસાણીનાં ઈલાજને આપવાની હતી. 

મિસિસ વિરક્તી દાસાણી - તેમનું વ્યક્તિત્વ સમજથી બહાર હતું. એક તો એમની જલધારીનાં ઉપયોગની રીત, એને કારણે માથા પર થયેલ ઘારૂં, બળી ગયેલા વાળ અને તાળવામાંથી બહાર દેખાતું માંસ, છતાં એમની જગ્યાએથી ઉભા કરનાર સામે એવો હુંકાર કર્યો કે એકવાર તો સામેવાળો ડરી જાય. એમનાં ચહેરા પર પીડા નહી, દ્રઢતા દેખાતી હતી, પરંતુ શરીર જવાબ આપી ગયું. વસાવા અને શાહ સામે ઉગામેલો હાથ હવામાં જ રહી ગયો અને એ બેહોશ થઈ ઢળી પડ્યાં. ડો. શાહે તાબડતોબ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. સમાયરા, આકાશ અને હવે વિરક્તી, બધા એક જ હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં. એમની પ્રાથમિક સારવાર થાય એટલા સમયમાં મિ. દાસાણી સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ક્યાસ મેળવવાનું વિચારી ડો. શાહે ઈં. પટેલને કોલ કર્યો. 

***

"યસ મિ. દાસાણી, હું જાણુ છુ કે તમે અત્યારે બહુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. તમારા બંને સંતાનો, તમારા પત્ની… અને તમે પણ. આવો અઘરો નિર્ણય લેવાનું કારણ જાણી શકું?" 

ડો. શાહે ફેરવી ફેરવીને એકનો એક પ્રશ્ન નહી નહી તોય આ દસમી વખત પૂછ્યો, પરંતુ દાસાણીની શૂન્યમાં તાકી રહેલી દ્રષ્ટિમાં કોઈ સંચાર ન થયો. ડો. શાહે ફરી એક કોશિશ કરી. 

" જેટલી હિંમત મરવા માટે જોઈએ છે, એનાથી અડધી જ હિંમત જીવવા માટે લગાવવામાં આવે તો ભલભલી વિકટ પરિસ્થિતિમાંથી પાર ઉતરી જવાય.. બ્લા બ્લા બ્લા… લુક મિ. દાસાણી, હું અહીં કોઈ જ્ઞાનની વાતો કરવા નથી આવ્યો. તમે બિઝનેસમેન છો એટલે બિઝનેસની ભાષામાં સમજાવું. આત્મહત્યા એ કાયદાકીય ગુનો છે અને એના માટે આકરી સજાની જોગવાઈ છે. તમે ભલે હિંમત ન કરી શક્યા, પરંતુ એની સજા તમને લાંબા કરી દેશે. આમાંથી બચવા માટે તમારી પાસે માત્ર એકજ દરવાજો છે, હું. માત્ર ને માત્ર મારો રિપોર્ટ જ સાબિત કરશે કે તમે જે ન કરી શક્યા એ આત્મહત્યાની કોશિશ હતી કે નહી. તો મને કો-ઓપરેટ કરવું તમારા જ ફાયદામાં છે. હવે પછી એક્ઝેક્ટ એક મિનિટ - પૂરી ૬૦ સેકન્ડ હું અહીં છુ. ત્યાં સુધીમાં જો તમે વાતની શરૂઆત નથી કરી, તો હું અહીંથી જતો રહીશ અને કાલે મારો રીપોર્ટ સબમીટ થઈ જશે. ધેન ડોન્ટ બ્લેમ મી."

ટીક… ટીક… ટીક… ટીક… ટીક… 
એકદમ પીનડ્રોપ સાઇલન્સ વચ્ચે પૂરી ૫૮ વખત ટીક ટીક સંભળાયું એટલે ડો. શાહ પોતાની બેગ લઈ દરવાજા તરફ આગળ વધ્યા. એમનો હાથ દરવાજાના હેન્ડલને અડ્યો એ સાથે જ અવાજ સંભળાયો, "કંટાળો." ડો. શાહના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. તરત જ પાછા ફરી તે પોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા. એકપણ શબ્દ બોલ્યા વિના માત્ર દાસાણીના ચહેરાને તાકી રહ્યા. દાસાણીએ ધીમે ધીમે બધા પડળ ખોલી દીધા. બિઝનેસમાં અચાનક આવેલા મોટા નુકશાનને કારણે તે નાસીપાસ થઇ ગયા હતા. એમાંથી ઉગરવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. ધીમે ધીમે સ્ટ્રેસ એટલો વધી ગયો કે એ મેનેજ ન થઈ શક્યો. છેવટે એટલા કંટાળી ગયા કે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું. બધી વ્યવસ્થા કરી પરંતુ એને અમલમાં મૂકવાની હિંમત એકેય દુકાનમાં ન મળી! ! 

દાસાણીની આખી આપવીતીમાં ક્યાંય બાકીના ત્રણેયનો ઉલ્લેખ નહોતો. એમના આ કારનામાનું કારણ ક્યાંય મળ્યું નહી. ડો. શાહે એ વિશે કરેલા દરેક પ્રશ્નનો એક જ જવાબ મળ્યો, "મેં એ બધાને પૂરી સ્વતંત્રતા આપી છે. હું કોઈની લાઈફમાં દખલ નથી કરતો. મારે તો હું ભલો ને મારો બિઝનેસ ભલો." ડો.શાહના કપાળે ફરી સળ ઉપસી આવ્યા. 

***

"હેલો ડો. શાહ. પટેલ હીયર. એક બેડ ન્યૂઝ છે. મિસિસ દાસાણી ઈઝ નો મોર."

"શીટ્! વૉટ અબાઉટ આકાશ એન્ડ સમાયરા?"

"ધે બોથ આર સ્ટીલ અનકોન્શ્યસ."

" હંમ્. મિ. દાસાણીના સ્ટેટમેન્ટ પરથી તો માત્ર એમનુ રીઝન મળ્યું. ડોન્ટ નૉ બાકી બધાનો કોયડો કેવી રીતે ઉકલશે?"

"ઉકલશે. એ પણ ઉકલશે. વી હેવ અ વિડિયો રેકોર્ડિંગ ઓફ મિસિસ દાસાણીસ ડાઈંગ ડેક્લેરેશન."

"ડાઈંગ ડેક્લેરેશન? યુ મીન એ ભાનમાં આવેલાં? આટલું સિવિયર ડેમેજ થવા છતાં!"

"હા. એવું લાગ્યું જાણે પોતાની વાત કહેવા માટે જ એ ભાનમાં આવેલાં. બસ, એ પછી તરત જ… "

"ઓહ! હું એ રેકોર્ડિંગ જોઈ શકુ?"

"અફકોર્સ યસ. એટલે તો તમને કોલ કર્યો છે. પણ એ માટે તમારે અહીં આવવું પડશે. એન્ડ યસ, મિ. દાસાણીને પણ અહીં લાવવાની વ્યવસ્થા કરવી પડશે. મિસિસ દાસાણીનો ખાસ આગ્રહ હતો કે એમના પરિવારના જે સભ્યો બચી જાય તેમણે આ વિડિયો અચૂક જોવો."

***

" થાકી ગઈ છું હું, કંટાળી ગઈ છું. આ ખુશ હોવાનો અભિનય કરીને, બધાનું ધ્યાન રાખીને ત્રાસી ગઈ છું. મને હતું કે એ બધાની જિંદગીનું કેન્દ્ર હું છું. પણ ના, બધા પોતાની જિંદગીમાં વ્યસ્ત છે, મસ્ત છે. હું તો ક્યાંય નથી! વિરેન્દ્રને બિઝનેસમાંથી ફુરસત નથી તો આકાશ મિત્રોમાંથી નવરો નથી પડતો. સમાયરાને એ ભલી ને એની બુક્સ ભલી. આ બધામાં હું ક્યાં? મારૂં અસ્તિત્વ શું? મબલખ પૈસો અને ભૌતિક સગવડો એ જ સુખ છે? મેં તો ક્યારેય પૈસાની ઈચ્છા નથી કરી? વધારાની કોઈ સગવડનો મને મોહ નથી. જ્યારે પરિવારના સભ્યો જ પોતાના ન રહે ત્યારે જીવીને કરવું ય શું?"

વિરક્તી દાસાણીનાં શબ્દે શબ્દે પીડા ટપકતી હતી. માથા પર એસિડ ટપકવાને કારણે જે પીડા થઈ હશે, કદાચ એનાથી પણ વધારે! દરેક શબ્દ સાથે આંખમાંથી ટપકતાં આંસુ વાતાવરણને ગંભીર બનાવી રહ્યાં હતાં. વિડિયો જોનાર દરેક વ્યક્તિનાં મનોમસ્તિષ્કમાં વિરક્તી દાસાણીની છબિ એક સમજદાર વ્યક્તિ તરીકે સ્થાપિત થઈ રહી હતી. પણ અચાનક તેમનાં હાવભાવમાં પરિવર્તન આવ્યું. શબ્દો દાંત વચ્ચે ચવાઈને બહાર આવતા હોય એમ એક એક અક્ષર છૂટો પાડીને તે બોલ્યાં, "અને એકલા મરીને ય કરવું શું?"

સન્નાટો છવાઈ ગયો આખા રૂમમાં. મિસિસ દાસાણીનાં ચહેરા પર જે રીતે ભાવપલટો થયો હતો એનાથી ડો. શાહને અંદાજો આવી ગયો કે વિરક્તી દાસાણીને સિવિયર મૂડ સ્વિંગ્સનો સામનો કરવો પડતો હશે. મે બી બિકોઝ અૉફ મેનોપોઝ! વિચારો ખંખેરી ડો. શાહ ફરી સચેત થઈ ગયા. એમને ખાત્રી હતી કે હવે એવું કંઈક આવશે જેનાથી આખો કેસ ક્રિસ્ટલ ક્લિઅર થઈ જશે. એમણે સંપૂર્ણ ધ્યાન સ્ક્રીન પર કેન્દ્રિત કર્યું. 

"એકવાર તો વિચાર આવ્યો કે બધાને ઝેર આપીને હું યે ઝેર ખાઈ લઉં, પણ જીવ ન ચાલ્યો. મારા જ હાથે મારા જ પરિવારને… કેવી રીતે? અને એટલે મેં બીજો રસ્તો અપનાવ્યો. મારી અંદર ખદબદ થતો કંટાળો એ ત્રણેયનાં જીવનમાં પણ પ્રવાહીત કરી દીધો." 

વિરક્તીનાં ચહેરા પર વારંવાર થઈ રહેલો ભાવપલટો દરેક વખતે એક નવો જ ઝટકો આપતો હતો. 

"મેં જ આકાશને કહ્યું કે વહુ તરીકે શાલિની યોગ્ય છે. એ જ આ ઘરની વહુ બનવી જોઇએ. અને બીજી તરફ શાલિની સામે આકાશનું સાચું ચારિત્ર્ય ખુલ્લું કરી દીધું. મને ખાત્રી હતી કે કોઈ પણ શાલીન છોકરી આવા છોકરાને પસંદ ન જ કરે. બસ, આકાશના મનમાં એટલો સંઘર્ષ ઉભો કર્યો કે અંતે એ પણ કંટાળી ગયો. એનુ ગરમ લોહી અવહેલના સહન ન કરી શક્યું. કોલેજની પાળે ચડવાનો આઈડિયા મેં જ એને આપ્યો. એ ખાત્રી સાથે કે શાલિની કોઈ કાળે હા નહી પાડે અને એ કંટાળીને જાતે જ… "

ઘેરી સ્તબ્ધતા… એક મા ઉઠીને પોતાના દીકરાને! અનબિલીવેબલ.. હજુ તો એ આંચકો પચે ત્યાં ફરી વિરક્તી દાસાણીનો અવાજ આવ્યો, 

"સમાયરા - હા, એ સિન્સિયર હતી. ખૂબ ભણતી હતી. બસ ભણતી જ હતી. બીજું કંઈ અસ્તિત્વમાં જ નહોતું એની માટે. હું પણ નહી! અને એક દિવસ ખબર પડી કે યાદશક્તિ વધારવાની લા'યમાં એ ડ્રગ્સના રવાડે… "

એક ડુસકું આવી ગયું વિરક્તીને. બોલવાનો થાકોડો વરતાતો હોય એમ ચહેરા પર પીડા વધતી જતી હતી, પરંતુ આ પીડા એ ઉકળાટની હતી જે હજુ સુધી અંદર ધરબાઈ રહેલો હતો. એની સામે તો કદાચ માથાની પીડા પણ કોઈ વિસાતમાં નહોતી! 

"ડ્રગ્સ! અને એ પણ મારી દિકરી! મેં એને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ એ ન માની. ઉલટું અમારી વચ્ચે અંતર ઔર વધી ગયું. હવે એ કંટાળી ગઈ હતી, મારાથી. મારી કેરથી, મારા પ્રેમથી. એક દિવસ તો એણે મોઢે જ કહી દીધું, 'મોમ, તારી રોજની કટકટથી કંટાળી ગઈ છું. ઈનફ ઈઝ ઈનફ. ડોન્ટ ઈન્ટરફીયર ઈન માય લાઈફ.' મેં જોયું કે મારા જીવનમાં પ્રસરેલો કંટાળો હવે મારા બંને સંતાનોનાં જીવનમાં પણ ફેલાઈ ચૂક્યો હતો. બસ, પછી એક દિવસ એની સાથે બુચ્ચા કરવા માટે મેં જ એને એ પડીકી… "

વિરક્તીનાં શ્વાસોચ્છ્વાસ અનિયમિત થઈ રહ્યા હતા. બોલવામાં અત્યંત શ્રમ પડતો હોવા છતાં તેમણે બોલવાનું ચાલું રાખ્યું. 

"રહી વાત વિરેન્દ્રની, તો એમના બિઝનેસ સિક્રેટ મેં જ રાઈવલ કંપનીને આપ્યા હતા. મને હતું કે કદાચ ધંધો મંદો પડશે તો એ મારી માટે સમય… પણ ના, એ તો વધુ ને વધુ સમય બિઝનેસને પાછો બેઠો કરવામાં જ કાઢવા લાગ્યા. ભૂલી જ ગયા કે ઘરે કોઈ છે જે રાહ જોઈ રહી છે… ઘણોઘણો પૈસો છે અમારી પાસે. હવે વધારેનું શું કામ છે? મેં ઓફિસ જવાનું ચાલું કર્યું. વિભિષણ બની બધી મહત્ત્વની બાબતો હું લીક કરતી ગઈ, ખોટ વધતી ગઈ, પરંતુ વિરેન્દ્ર પાછા ન આવ્યા. હા, કંટાળો હવે એમના જીવનમાં પણ ફેલાઈ ગયો હતો. ધીમે ધીમે મેં જ એમના મનમાં આત્મહત્યાનું બીજ રોપ્યું."

દાસાણી આ સાંભળી અવાચક થઈ ગયા. આવું તો એમણે ક્યારેય વિચાર્યું જ નહોતું. વિરક્તી ઘણીવાર ફરિયાદ કરતી કે કશે ગમતું નથી, એકલું એકલું લાગે છે, બહુ કંટાળો આવે છે. પણ એનો કંટાળો આવું રૌદ્ર રૂપ ધારણ કરશે એવો તો સપને ય ખ્યાલ નહોતો. અજાણતા જ જમણો હાથ છાતી પર સ્હેજ ડાબે મૂકાઈ ગયો. એ તરફ કોઈનું ધ્યાન ન ગયું. બધા તો અત્યારે એકચિત્ત થઈ માત્ર ને માત્ર વિરક્તીને સાંભળી રહ્યા હતા અને મનમાં ક્યાંક ને ક્યાંક એમની સરખામણી પોતાની તથા પોતાના પરિવારની સાથે કરી રહ્યા હતા. 

વિરક્તીનાં ડોળા ઉપર ચડી રહ્યા હતા. ડોક્ટરે આરામ કરવાનું કહ્યું પરંતુ વિરક્તીએ ના પાડી. તેમને કદાચ ખબર પડી ગઈ હતી કે આ છેલ્લો મોકો છે. જો અત્યારે પોતાની વાત પૂરી નહી કરે તો ફરી ચાન્સ નહી મળે. ઠરડાતા અવાજે ડચકાં ખાતા ખાતા ફરી પોતાની વાત આગળ વધારી. 

"આઠ માર્ચ - વિશ્વ મહિલા દિવસ, મારો - અમારા બધાનો જન્મ દિવસ. મેં જ આજનો દિવસ પસંદ કર્યો. હા કંટાળો વિપુલ ઝરણું… અમારા બધાનાં જીવનમાં ફેલાયેલું એ ઝરણું આજે એકસાથે સૂકવી નાંખવા માટે. એક જ સમયે - ત્યાં કોલેજમાં આકાશ અને સમાયરા, ઓફિસે વિરેન્દ્ર અને ઘરે હું… હું મારા પરિવારને બહુ પ્રેમ કરું છું. આવતા ભવે પણ આ જ પરિવાર જોઈએ મને. એના માટે બધાનું સાથે મરવું પણ એટલું જ જરૂરી છે. શિવજી પાસે એ એક જ યાચના કરી છે. મને ખાત્રી છે કે મારી એકમાત્ર અને અંતિમ ઈચ્છા શિવજી જરૂર પૂરી કરશે."

વિરેન્દ્ર દાસાણીની છાતી પર ભીંસ વધતી જતી હતી. તેનુ શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. ચહેરો ડાબી બાજુ ખેંચાઈ ગયો અને ગળામાંથી કંઈક વિચિત્ર અવાજ નીકળ્યો. સૌથી પહેલું ધ્યાન ડો. શાહનું ગયું. તેમણે કાર્ડિયાક અરેસ્ટને ઓળખી તરત જ પ્રાથમિક ઉપચાર શરૂ કર્યો. સામે સ્ક્રીન પર ધીમા અવાજે જાણે કોઈ જાપ જપતા હોય એમ વિરક્તીનાં હોઠ ફફડી રહ્યા હતા અને ધીમો છતાં સ્પષ્ટ અવાજ સંભળાઈ રહ્યો હતો. 

"હે શિવ, હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું. આવતા ભવે પણ મને આ જ પરિવાર મળે. અને મારો પરિવાર પણ મને એટલો જ પ્રેમ કરે…
હે શિવ, હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું. આવતા ભવે પણ મને આ જ પરિવાર મળે. અને મારો પરિવાર પણ મને એટલો જ પ્રેમ કરે…
હે શિવ, હું મારા પરિવારને ખૂબ પ્રેમ કરું છું. આવતા ભવે પણ મને આ જ પરિવાર મળે. અને મારો પરિવાર પણ મને એટલો જ પ્રેમ કરે… " 

વિડિયો પૂરો થયો. વિરક્તીનાં શબ્દોની સાથે શ્વાસોચ્છ્વાસ પણ અટકી ગયા. આ બાજુ ડો. શાહની મહેનત પણ ફીકી પડી. વિરેન્દ્ર દાસાણી પણ વિરક્તીનાં પગલે પગલે ચાલી નીકળ્યા હતા. એ સમયે જ ઈં. પટેલનો મોબાઈલ રણક્યો. હોસ્પિટલથી ફોન હતો. આકાશ અને સમાયરા પણ… 

***

"ક્યારેક સમજુ માણસની સમજણ નીચે ધરબાયેલા ઈમોશન્સ, તેણે કચડી નાંખેલ અણસમજ, પીડા, કંટાળાનો જ્વાળામુખી ફાટે, તો તેનું પરિણામ કોઈ કલ્પી ન શકે એટલું ભયંકર આવે છે. વિરક્તી દાસાણી જેવી સમજદાર વ્યક્તિ આવું પગલું ભરે, અને પોતાના આખા પરિવારને એમાં સાથે ખેંચે એ કેટલું આઘાતજનક! એના કરતા એના પરિવારે એના કંટાળાને ઓળખ્યો હોત, એ કંટાળાને ડીપ્રેશન સુધી પહોંચતા રોક્યો હોત તો?"

ડો. શાહે પોતાની અંતિમ નોંધ સાથે રીપોર્ટ તૈયાર કરી દીધો. ઉપરાંત સ્પેશ્યલ રેડ માર્ક સાથે આ કેસ અભ્યાસક્રમમાં સંમિલિત કરવાની ભલામણ પણ કરી. 

"હા કંટાળો વિપુલ ઝરણું 
અંતરમનમાં વસ્યું છે, 
ખુદ ડુબતું સૌને ડુબાડતું
ધસમસતું એ ધસ્યું છે. "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ