વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉપવાસ

 

‘ આય.. આય... આય.... બચુડા.... હ.....  ઉભી રાખ. ‘  બોલતાં  રાઠોડે ધીમી પડેલ બાઇકનું સ્ટીયરીંગ પકડી જ  લીધું.  એટલે બાઇકને ઊભી રાખ્યાં વગર તેને ચલાવનાર   યુવાનનો છૂટકો જ ના રહ્યો. તેણે બાઇક ઊભી  તો રાખી  પરંતુ પોતાને જવા દેવા માટે આજીજી કરવાં લાગ્યો.

‘ સાહેબ ભૂલ થઈ ગઈ;  જવા દો ‘

‘ ભૂલ થઈ ગઈ…!?  એમ તો કેમની ભૂલ થાય   ‘લ્યા! ‘ બોલતા   રાઠોડે બાઇકની  ચાવી કાઢી લીધી પછી બાઇકનું નીરીક્ષણ કરતાં, ‘ તમારું આ જ દૂ;ખ છે. આટલી મોંઘી  બાઇક લઈને ફરો  છો  અને દંડ ભરતાં જોર આવે છે. ‘

પછી સ્લીપમાં રકમ લખીને  યુવાનને આપતાં, ‘ ચલ, લાઇસન્સ નીકાળ’।  

 ‘ સાહેબ, દંડ ભરું છું ‘ યુવાને ચૂપચાપ ખિસ્સામાંથી દંડની રકમ કાઢી ને રાઠોડ  સામે ધરી.

‘મે કહ્યું ને લાઇસન્સ બતાવ.‘

‘સાહેબ જવા દો ને‘

‘ તારી તો... લાઇસન્સ નથી એમ કે’ને ટોપા ‘ રાઠોડે હાથમાં રહેલ ડંડો પછાડ્યો.  

‘ સાચું કહ્યું સાહેબ,  મારી પાસે લાઇસન્સ નથી. કારણ આ બાઇક મારી નથી  મારા મિત્રની છે. ‘

‘ જયાફત કરવા ઉપડયો છે કે  સ્પીડમાં બાઇક ચલાવવી પડી અને એય ભાન ના રહ્યું કે આ નો એન્ટ્રી છે. ‘ રાઠોડે આંખ મીચકારી.

‘ ના સાહેબ જયાફત કરવા નથી નીકળ્યો પણ મારા પપ્પાને હોસ્પીટલમાં દાખલ કર્યા છે. તત્કાળ ઓપરેશન કરવાનું છે. પણ પે’લા પાંચ લાખ  જમા કરાવું તો જ ડોકટર  ઓપરેશન કરે  તેમ છે. મારી પાસે રૂપિયા નથી. છેલ્લા બે દિવસથી તેની વેતરણમાં છું.  તેના ટેન્શનમાં નો એન્ટ્રીનું બોર્ડ દેખાયું નહી.  સાહેબ જવા દો  તો સારું.  દંડના સો રૂપિયા પણ મારા માટે તો વધારે છે.  પણ મે ભૂલ કરી છે એટલે તે હું ભરી દઇશ. ‘ યુવાન હાથ જોડીને વિનવણી કરી રહ્યો.

 

પણ, આ તો પોલીસ ખાતું. લાગણી, લાચારી બધાને ધોઈ પીવે. પેટમાં એટલું તો ઊંડે ઉતારી દે કે પેલું ક્યારેય  બહાર ના આવી શકે.

 

‘ આવા નાટકવેડા બહુ જોયા છે. ચલ અમારા સાહેબ પાસે. તારી આ એકટિંગ ત્યાં કરી બતાવજે. ‘

 

પોતાને જવા દેવા માટે યુવાન વારંવાર વિનવણી કરતો રહ્યો  પણ રાઠોડના બહેરા કાને કશું  સંભળાયું નહી. તે યુવાનને લઈને તેના સાહેબ પાસે આવ્યો.

 

‘ સાહેબ,  મસ્ત પાર્ટી   છે. નો એન્ટ્રી માં ઘુસ્યો છે અને પાસે લાઇસન્સ પણ નથી.  દિવસ સુધરી જવાનો. આજે તો પારણા કરી જ દો.’ રાઠોડે પોતાના સાહેબને રિપોર્ટ આપ્યો. રાઠોડનું સાંભળી નજીકમાં ઉભેલા ચૌધરી અને મેમણ પણ ત્યાં આવી પહોચ્યા.

 

સાહેબે આંખો ઉપરથી  ગોગલ્સ ઉતાર્યા અને જીપના બોનેટ ઉપરથી કૂદકો મારીને નીચે આવ્યા  અને પગ પહોળા કરીને ફિલ્મી હીરોની જેમ ઊભા રહ્યા.

 

‘ આ રાઠોડ કહે છે તે સાચું છે?’

 ‘ હા સાહેબ,  નો એન્ટ્રીમાં ઘુસ્યો તથા પાસે લાઇસન્સ પણ નથી. તે બંને  વાત  સાચી  છે. પરંતુ મારા પપ્પાનું તાત્કાલિક ઓપરેશન કરવાનું છે અને તે માટે પાંચ લાખની વ્યવસ્થા કરવાની ફિરાતમાં બે દિવસથી ફરી રહ્યો છું. તેથી ટેન્શનમાં  મારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે દંડની રકમ હું ચોક્કસ ભરીશ. પરંતુ સાહેબ તેનાથી વધારે આપવાની મારી હેસિયત નથી. મહેરબાની કરીને મને જવા દો..  તો..  સારું... ’.   પાછળનાં શબ્દો બોલતા યુવાનના ગળામાં ડૂમો ભરાયો હોય તેમ શબ્દો થોડા આઘાપાછાં થયા.

સાહેબ ધારદાર નજરે  થોડી ક્ષણો આ યુવાન સામે જોતા રહ્યા.

‘ છોકરા, દંડની રકમ ભરી દે.  રાઠોડ  બાઈકની  ચાવી આપી દે.   ચૌધરી આ યુવાન પાસેથી હોસ્પિટલનું નામ તથા અન્ય વીગતો  લખી દે જે.  જો છોકરા આ મારો ફોન નંબર છે. 98........ બીજી કોઈ જરૂર હોય તો જણાવજે. પણ હા એટલું યાદ રાખજે આમાનું કશું ખોટું નીકળ્યું તો તારી ખેર નથી પાતાળમાથી પણ શોધી કાઢીશ. ચલ જલ્દી ભાગ અહીથી. “ 

 

‘ પણ સાહેબ ....’

‘ રાઠોડ..  ’ સાહેબની આંગળી ઊંચી થયેલી જોતાં રાઠોડે આગળ બોલવાનું માંડી વાળ્યું અને યુવાનને ચાવી આપી દીધી.

અને સાહેબ ફરી જીપના બોનટ ઉપર જઈને ગોઠવાયા.

 

રાઠોડ, ચૌધરી અને મેમણ  ચાલવા લાગ્યા.

‘ સાહેબ શું કરવા બેઠા છે, સમજાતું નથી.’ ચૌધરી

 ‘ આજે તો પાછી બાપાની પુણ્યતિથિ કે જન્મ તિથી પણ નથી’  મેમણ

‘ શ્રાધ્ધે ય પતી  ગયા છે ‘ રાઠોડ

  ‘ હા લ્યા,  આમાનું તો એકે ય નથી તો પછી ઉપવાસ કરવાનું કારણ નાં સમજાયું! ’ ચૌધરી

‘ સાહેબને પૂછવું તો પડશે, નહી તો આમ ને આમ આપણે ભૂખે મરવાનો વારો આવશે’, ત્રણેય એક સાથે બોલી ઉઠ્યા.

તે ત્રણેયની ચિંતા વ્યાજબી હતી. કારણમાં હતા  સાહેબના ઉપવાસ  જે  એક જ દિવસ ચાલતા. માં- બાપની જન્મ તિથી તેમનો   શ્રાધ્ધનો દિવસ  અને બીજી ઓક્ટોમ્બર આ પાંચ  દિવસ સાહેબનો ઉપવાસનો દિવસ.  તે દિવસે સાહેબ તનથી અને મનથી પણ ભૂખ્યા રહેવાનુ પસંદ કરતાં.   પણ પછી પારણા એવા તો કરતા  કે પેટ ફાટું ફાટું થઈ જતું!  પરંતુ આ વખતે ઉપવાસ વધારે ચાલ્યા હતા.  લાગલગાટ આ પાંચમો દિવસ હતો  શિકારને  તેમના હાથમાથી સાહેબે જવા દીધો હતો. તે ત્રણેય મૂડ વગર ટ્રાફિકને હેન્ડલ કરી રહ્યા.

 

તેમની ચારેયની ટીમ હતી.  આ ત્રણેય શિકારને પકડી લાવતા અને પછી સાહેબ તેનો રસ નીકાળતાં. પછી સરખે ભાગે વહેચાતું.  તેમાં તો  આટલા ઓછા પગારમાં તથા આટલી મોઘવારીમાં પણ બધા એશોઆરામથી રહેતાં હતાં!             

પરંતુ છેલ્લા કેટલાય  દિવસોથી તેમની સડસડાટ ચાલતી ગાડીમાં પંચર પડ્યું હતું.

“ સાહેબ  કાંઇ સમજાતું નથી. લાગલગાટ આ  પાંચમો દિવસ છે અને ખાલી પેટે  ઘરે જઇ રહ્યા છીએ. મારો તો ઘેર જવા પગ પણ નથી ઉપડતો. “  ટેબલ ઉપર ગ્લાસ અને ચવાણું મૂકતાં મેમણ બોલ્યો.

“ ત્રણ દિવસથી દીકરાએ ફીફાની વિડીયો ગેમ મંગાવી છે. આજે નહી લઈ જવું  તો મારે તો ઘરની બા’ર સૂવાનો વખત આવશે. બૈરીએ આજે છેલ્લું અલ્ટીમેટમ આપી દીધું છે,’’ ચૌધરી  મ્હોમાંનો  મસાલો વોશ બેસિનમાં થૂંકતા  બોલ્યો.  

“  સાહેબ ઉપવાસ તો ઘણા લાંબા ચાલ્યા. પારણા કરો હવે, ” બોલતા રાઠોડે  હાથમાની બોટલનું પ્રવાહી ચારેય  ગ્લાસમાં  રેડ્યુ.  જો કે અવાજમાં રહેલો   વિનંતીનો સૂર સ્પષ્ટ ઉપસી આવતો હતો.

સાહેબે તે ત્રણેયની સામે વારા ફરતી નજર નાંખી. તેમની નજરમાં નહોતી ઉપરી અધિકારીની કડકાઇ પરંતુ જાણે કે મજબૂરી હતી!  તેમને  પોતાને જ ખબર નહોતી  પડતી કે આવું કેમ થાય છે. ઉપવાસ તોડવાની ઈચ્છા જ  થતી  ન હતી!  

 

“ ખબર નથી પડતી પણ  ઇચ્છા જ જાણે કે મરી પરવારી છે.  પરંતુ તમને ત્રણેયને પારણા કરવાની છૂટ છે. પણ હા, ખાવાનું  મારી જોડે લાવશો નહી કે પછી  મારા  દેખાતા ખાશો નહી. “

 

અને પછી ટેબલ ઉપરથી ગ્લાસ લઈ સાહેબે એકી શ્વાસે ગ્લાસમાનું પીણું ગળા નીચે ઉતાર્યું  અને  ઊઠીને બહાર જઈને બુલેટ ઉપર ગોઠવાયા અને  તેને રોડ ઉપર મારી મૂકી. પેલા ત્રણેય મૂઢસા બારીમાથી સાહેબને જતાં જોઈ રહ્યા અને પછી એક બીજા સામે જોયું. તેમની નજરો વાતો કરી રહી :   

 “  હે...  સાહેબ જ  આ બોલ્યા? “

“   વધારે પડતી ચઢાઈને તો નથી આવ્યા ને! “

“ ઘોડા ઘાસ સે દુશ્મની કરેગા તો ખાએંગા  ક્યાં!’’

ત્રણેયના ચહેરા ઉપર મૂંઝવણ સ્પષ્ટ તરી આવતી હતી. ચૂપચાપ તેમણે ટેબલ  ઉપરની વસ્તુઓનો વીંટો વાળ્યો અને ઘરના રસ્તે પડ્યા.

જમીને  સાહેબ  ડ્રોઈંગ રૂમના સોફામાં ગોઠવાયા. બંને સંતાનો યુનીટ ટેસ્ટની તૈયારી કરવા બેઠા. પત્ની રસોડુ આટોપવામાં તથા ત્યાર પછી પિયરથી આવેલા ફોનમાં બીઝી  બની ગઈ. સાહેબે   રીમોટ હાથમાં લીધું અને નિરુદેશ ચેનલ ફેરવતા રહ્યા. તેમના મનગમતા એક પણ શૉમાં તેમને  મજા આવતી ન હતી  અને એમ જ  રાત્રિના  અગિયાર વાગ્યા હતા, તેમનો સૂવાનો સમય થયો હતો.  તેમણે  ટી.વી. બંધ કર્યુંને પથારીમાં લંબાવ્યું. મનમાં ખબર નહી પણ એક અંજપો સતાવી રહ્યો હતો.

 

તેમના પિતાજી કાંતિલાલ માસ્તર એટલે આખા ગામમાં એક  સન્માનનીય વ્યક્તિ. એકલા ગામમાં જ કેમ મહીસાગરના  આખા વિસ્તારમાં જાણીતી   તથા આદરણીય  વ્યક્તિ. ગાંધી બાપુના ગયા પછી  તેમનો જન્મ થયેલો એટલે ગાંધી બાપુને કાંતિએ  રૂબરૂ  જોયેલા તો  નહી પણ તેમની વાતો અન્ય  પાસેથી સાંભળીને, વાંચીને, અભ્યાસમાં ભણીને પછી  તેમના રસ્તે ચાલવાનું પ્રણ લીધેલું  અને આજીવન તેને વળગી રહ્યા.

“ શું મળ્યું તેનાથી?” કડવી દવા જીભે મુકાઇ ગઈ હોય તેમ મોઢામાં કડવાશ વ્યાપી ગઈ હતી. સાહેબે ઊઠીને વોશ બેસિનમાં કોગળો કર્યોને પાછુ  પલંગમાં લંબાવ્યું.

 

અભાવ- સદંતર અભાવવાળી જિંદગી જીવ્યા હતા. પોતે તો જીવ્યા તે તો સમજ્યા, તેમને  શોખ હતો અભાવમાં જીવવાનો!!  પણ અમને બધાને પણ દરેક બાબતે તરસ્યા રાખ્યા. શું અધિકાર હતો તેમને અમારી જિંદગી તકલીફવાળી બનાવવાનો! દાદાનું ઘર તો   ખાધે -પીધે સુખી  હતું. તેમની  મદદ લેવામાં તેમનો ક્યો ગરાસ લૂંટાઈ  જતો હતો! અરે!  આમાં મદદ  લેવાની પણ  ક્યાં હતી  દીકરા તરીકેનો અધિકાર હતો તેમનો!  પણ કહે, “ વગર મહેનતનું મને કશું ના ખપે પછી તે બાપા દાદાની મિલકત પણ કેમ ના હોય!!?     જાત મહેનત જિંદાબાદ,  બાવળામાં બળ છે પછી શું ગભરાવું!? “  તેમની વાતમાં પાછી મા ભળી હતી.   બાપુની બધી વાતમાં હા જી હા કરતી રહેતી. બંને  વેદિયા નહી તો!  મોટા બાપાના અને નાના કાકાના છોકરા કેવી લે’ર કરતા જ્યારે અમે બધા ભાઈ બહેન સતત તોછડમાં મોટા થયા. ભલું થજો આ નોકરીનું કે બે પાંદડે તો  થવાયું.

 

સાહેબે પોતાના વિશાળ તથા આધુનિક સુખ સુવિધાથી સજ્જ બેડરૂમમાં નજર ફેરવી.  ઈટાલીયન વિશાળ બેડ, તેની ઉપરનું શરીર ખુપી જાય તેવું ગાદલું, મંદ મંદ પ્રકાશ ફેલાવતું ઈટાલીયન ઝૂમ્મર,  ઈટાલીયન ગાલીચો.... સંતોષભરી નજરે  તેઓ જોઈ રહ્યા.  બેડની સામે રાખેલ આયનામાં તેમનું પ્રતિબીંબ  પડતું હતું તેને  જોતાં જ તેમના ચહેરા ઉપર હાસ્ય આવ્યું    તેમાં જિંદગી જીવ્યાનું  એક અભિમાન જો હતું!      

 

 મોટાભાઇ તો પાછા બાપાની જેમ જ આદર્શનું પૂતળું. નોકરીનો ઓર્ડર આવ્યો ત્યારે રાજી થવાને બદલે, “ જો કિશન,  બાપા પાસે પૈસા હતા નહી પણ નામ ખૂબ કમાયા છે  તેમનું નામ બગડે તેવું કશું કામ આપણે કોઈ ભાઈ-બહેને કરવાનું નહી.   પોલીસ ખાતું એટલે સૌથી ભ્રસ્ટ ખાતું. સારો માણસ અહી ટકી ના શકે.  મારુ માન તો આ નોકરી જવા દે. બીજી નોકરી લઈ લે. ઓછા પૈસામાં પણ સારી  રીતે જીવાય જ છે ને! ’ પણ કિશન નહતો માન્યો  અને  બાકી હતું તે    પિતાજીએ તેને ટેકો જો આપ્યો હતો.

“ મોહન, ગંદકી સાફ કરવા કીચડમાં વ્યક્તિએ જાતે જ ઊતરવું પડે. મને મારા કીશન ઉપર ભરોષો  છે કે કીચડમાં રહીને પણ ડાઘરહિત કમળની જેમ ખીલશે તથા ત્યાની ગંદકી પણ સાફ કરશે.’’

“ બાપુજી તમે વધારે પડતો વિશ્વાસ રાખો છો,’’ મોટાભાઇ નારાજ થતાં બોલ્યા.  

“ તમે કિશનને ઓળખાતા નથી. તેના માટે પૈસો એ જ પરમેશ્વર છે.’’ 

મોહન તેના નાના ભાઈની નસ નસથી વાકેફ હતો. અભાવગ્રસ્ત જિંદગી પ્રત્યેની નાના ભાઈની  નફરતથી તે અજાણ ના હતો.  બાપુજીના આદર્શો પ્રત્યેની ચીડ કિશનના વાણી વર્તનમાં હમેશા જોવા મળતી  એટલે તે ડરતો હતો નાના ભાઈની લપસણી ભૂમિ પ્રત્યેની આગે કૂચથી!  

પણ કાંતિલાલને પોતાના સંતાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. તે મક્કમ હતા.

“ આ મારો વિશ્વાસ છે. તમારામાં રોપેલા મારા સંસ્કારો ઉપર મને સંપૂર્ણ ભરોશો છે તે વિશ્વાસના જોરે હું કહું છુ. તેને તું મારામાના વધારે પડતાં આત્મ વિશ્વાસમાં પણ ખપાવી શકે.’’

 કિશન મોટાભાઇ તથા બાપુજીને સાંભળી રહેલો. આમ પણ મોટા ભાઈ તો  જ્યારે ને ત્યારે આ જ લેકચર આપે. જીવો તમ તમારે આ જિંદગી,  તમને કોણ ના પાડે છે!? પણ આપણે અભાવવાળી જિંદગીમાં પાછું નથી જવું. તે બબડ્યો હતો જો કે  બહાર શબ્દો તો બીજા આવ્યાં હતા.

“ મોટાભાઇ,  મારે ક્યાં કશું ખોટું કરવું છે. કોઈને નુકશાન પહોચાડીને મારે ક્યાં નફો કરવો છે  તે પિતાજીનું  નામ બગડવાનું છે!?   માટે  તમે  ચિંતા ના કરશો. પણ  જે ખોટું કરે છે તેને શિક્ષા તો કરવી પડે ને? હું કશું ખોટું કરું તો બાપા જ  શિક્ષા નહોતા કરતાં! આમાં હું કશું ખોટું બોલ્યો છુ.’’ 

“ તું ભૂલે છે કિશન, તારી શિક્ષા અને બાપાની   શિક્ષામાં ફેર એટલો  છે  કે,  બાપા  આપણી    ભૂલ ઉપર પોતાની જાતને શિક્ષા કરતાં જ્યારે તું..... “

“  હું સામેવાળાની ભૂલ હશે  તો તેને જ શિક્ષા કરીશ. “

“ ભૂલ નક્કી કરનાર તું કોણ?’’

“ બસ મોહન’’ 

અને પિતાજીએ બંને ભાઈઓ વચ્ચેની ચર્ચા અટકાવી હતી.

સંતાનોની  ભૂલ ઉપર કાંતિલાલ માસ્તરને પોતે સંસ્કાર આપવામાં  નિષ્ફળ ગયા હોય તેવું લાગતું. પોતાની  ફરજ  પ્રમાણિકતાથી  નિભાવી નથી તેવું તે અનુભવતા અને પછી  અન્ન-જળનો ત્યાગ  કરતાં. તેમના આ ઉપવાસની  ગંભીર અસર પડતી  અને  બધા ભાઈ બહેન સહમી જતાં. જો કે નાનો  દીકરો કિશન  આ બાબતે ઓછો ગંભીર હતો. તેને તો સખ્ખ્ત ચીઢ હતી બાપાના  આ ઉપવાસ પ્રત્યે.  ભારાડી તો હતો જ સાથે સાથે  જિદ્દી પણ હતો એટ્લે બાપાના ધૈર્યની હમેશા કસોટી કરતો. જો કે એક વાત કહેવી પડે કાંતિલાલ માસ્તરની,  તેઓ    ક્યારેય હારતા નહી પછી ભલે ને  સામે  તેમના જ  જીન્સ ધરાવતા   સંતાનો  હોય કે પછી સરકારી અધિકારીઓ હોય. તેઓ એમની વાત મનાવીને જ ઝંપતા.

 

મહીસાગરથી નજીકનું તેમનું ગામ. ગામની વસ્તી પાંચસોની આજુ બાજુ. તો પણ ગામમાં એક પણ નિશાળ નહી. ગામના છોકરાને પાંચ કિલોમીટર ચાલીને બાજુના ગામની નિશાળમાં જવું પડે. એટલે મોટા ભાગના માબાપ છોકરાને નિશાળે મોકલે નહી. બાપા આ બધુ જુવે અને નિસાસો નાખે  અને પછી તો મંડ્યા ઘરની પરસાળમાં જ છોકરાને ભણાવવા. સાથે સાથે સરકારી ઓફિસોમાં લખાણ પટ્ટી કરવા લાગ્યા તથા  ઓફિસોના આંટાફેરા ચાલુ કર્યા. લાગલગાટ પાંચ વર્ષ આ હડિયાપટ્ટી કરી ત્યારે પાંચ ધોરણ સુધીની નિશાળની મંજૂરી આપી અને તેમાય પાછી શર્ત મૂકી કે છોકરા ભણવા નહી આવે તો નિશાળ બંધ કરી દેવામાં આવશે. એ પાછું બીજું ટેન્શન! કારણ  ગામની   મોટા ભાગની  વસ્તી ખેડૂતોની. તેઓ  છોકરાને ભણાવવામાં માને નહી. “ અમારે છોકરાને ક્યાં નોકરી કરાવવાની છે.  મોટો થઈને ખેતી જ સંભાળવાની છે ને  પછી તેને ભણાઈને શું કામ! અત્યારથી ખેતરે આવતો-જતો થશે તો ખેતીના કામથી ટેવાતો થશે “ આવી માન્યતા ઘર કરી ગયેલી. એટલે ગામમાં ખાસ કોઈ ભણેલું ના મળે.

 

કાંતિલાલ  યુવાન થતાં ગાંધી બાપુના રંગે રંગાઈ તો ગયા  હતા,  પરંતુ શું કરવું તેની કોઈ સમજ  પડતી ના હતી. એટલે પછી સેવાદળમાં જોડાયા હતા અને સેવાદળની પ્રવૃતિના ભાગ રૂપે  આ ગામમાં આવ્યા હતા.  તેમના ધ્યાનમાં  આ  વાત આવી અને  પછી તો ગામના  છોકરાને ભણાવવાનું પ્રણ લીધું અને ગામમાં જ રોકાઈ ગયેલા અને ગામના  લોકોએ પ્રેમથી   ‘માસ્તર’ નામ પાડી દીધેલું. ગામની સાથે  આજુબાજુના ગામોમાં પણ તેમનું માન હતું આદરભાવથી લોકો તેમનું નામ લેતા. તેમના હાથ નીચે ભણેલા કેટલાય યુવાનો ઉચ્ચ પદ નિભાવતા હતા. જ્યારે પણ મળે ત્યારે બાપુનું નામ આદરથી લેતા. તો વળી ઘણા તો તેમના  બીજી ઓક્ટોમ્બરના નિર્જળા  ઉપવાસ તથા મૌન વ્રતમાં પણ જોડાતા.

“ આ ઉપવાસથી  શું મળે?”  કિશનના મનમાં પ્રશ્ન ઉદભવતો. 

ગાંધી બાપુનો જન્મ દિવસ બીજી ઓક્ટોમ્બર એટલે કાંતિભાઈના માટે નિર્જળા  ઉપવાસનો દિવસ. તો ગામ લોકો માટે તો જાણે તહેવાર. નિશાળનાં કમ્પાઉન્ડમાં વડલાના ઝાડ નીચે પાથરણાં પથરાય અને પછી ગામની સાથે આજુબાજુના ગામના  આગેવાનો, યુવાનો,તાલુકા મથકેથી અધિકારીઓ   આવે અને કાંતિભાઈની સાથે ઉપવાસ ઉપર બેસે. તો ઘણા ખરા એમ ને એમ પણ બેસે. એક બાજુ વૈષ્ણવ  જન તો તેને કહીએ.... ગવાતું જાય તો બીજી બાજુ   રેંટિયા ઉપર સૂતરની આંટી ક્ંતાતી જાય તો ત્રીજી બાજુ છોકરાઓને પેંડા અને ચવાણુંનો નાસ્તો વહેચાતો જાય. અને આમ આખો દિવસ જાણીતા- અજાણીતા ચહેરાઓથી ગામ ધમધમતું રહે. આખું વર્ષ સુષુપ્ત રહેતું ગામ આ દિવસે રણઝણી  ઊઠે.  

     

 પિતાજીના દેહાંત પછી ગામ લોકોએ  તેમની   યાદમાં આ બધુ  ચાલુ રાખ્યું છે. તેમાં પણ ઘણા આગેવાનો જોડાઇ છે  અને પોતાને ધન્ય સમજે છે.  જો કે કિશન  આમાં ક્યારેય જોડાતો નહી. તેને તો પિતાજીના ઉપવાસ  બાબતે પહેલેથી  ચીઢ હતી તેણે એક દિવસ પિતાજીને પુચ્છયું હતું.

“ આનાથી શું મળે? “

“ કશું નહી “

“ તો પછી શું કરવા દેહને કષ્ટ આપો છો.” 

પિતાજી  હસી પડ્યા હતા.

“ કશું પ્રાપ્ત થવાનું  હોય તો જ  કાર્ય કરવું તેવી દુનિયાદારી  ક્યાંથી શીખ્યો!? અઠવાડિયે એક દિવસ પેટને આરામ આપીએ તો શરીર માટે  સારું છે, તેમ મનને સ્થિર રાખવું આપણાં કહ્યામાં રાખવું જરૂરી છે. તેને  સારી બાબતમાં વાળીએ તો તેની શક્તિ પણ વધે અને આના માટે મનને આરામ આપવો જરૂરી પણ છે. દેહની  શુધ્ધિની જેમ આત્માની  શુધ્ધિ  પણ જરૂરી છે એવું હું માનું છુ. “

“ પણ તેમાં બીજા બધાને શું કરવા જોડો છો.  ઘરના ખૂણે કરો તો ના ચાલે “

“ ચાલે ને ના કેમ ચાલે!? પણ  ગાંધી બાપુના   વિચારો વધારે ને વધારે લોકો સુધી પહોંચે તો સારું  એવી એક ઈચ્છા રહ્યા કરે છે. “

“  પડ પૂછ કર્યા વગર તું જોડાતો હોય તો!?  “ વચ્ચે જ માં બોલી ઉઠી હતી.  

“ જોઈશ “  તેણે વાતનો વીંટો વાળ્યો હતો.   

 અને બાકી હતું તે તેની નોકરીએ પૂરું કર્યું હતું. તેની નોકરી જ એવી હતી કે , “ પોતે જો રજા પાડીને આમાં જોડાઈ તો સિધ્ધાંતવાદી   પિતાજી  અવશ્ય દુ:ખી થાય! અને પિતાજી દુખી થાય તેવું પોતે કોઈ કાળે  કરે નહીં “  તેની આ દલીલ  સિધ્ધાંતવાદી પિતાજીની સાથે ઘરના લોકોમાં પણ અવશ્ય સ્વીકારાતી. અને આમ કિશન દૂર જ રહ્યો હતો. તે ખુશ હતો, અતિ ખુશ- પોતાની મનચાહી જિંદગીથી.

પરંતુ  સડસડાટ દોડતી તેની જીંદગીની ગાડી પાટા પરથી ઉતરી પડી હતી. 

 

આ બધી મોંકાણ તે દિવસથી  શરૂ થઈ  છે!!

“સાહેબ,  મોટા સાહેબ તમને બોલાવે છે “   કોન્સટેબલ પૂજારાએ કિશનને કહ્યું.

“ કેમ? “

“ મને નથી ખબર. તમને બોલાવવાનું કહ્યું એટલે બોલાવા આવ્યો છુ. “

મને શું કરવા બોલાવતા હશે? હશે કશું કામ. વિચારતા કિશન “ મે આઈ કમ ઇન સર” બોલતો  એસ.પી. સાહેબની  ઓફિસની અંદર  આવવા રજા માંગી રહ્યો.

“ યસ..   યસ.. “

કિશન અંદર આવીને ઉપરી અધિકારીને સેલ્યુટ આપીને ઊભો રહ્યો.

“ સાહેબ, આપે મને યાદ કર્યો “

“ અરે, ઈન્સ્પેકટર   કિશન તમે ઊભા કેમ છો. હેવ  અ  સીટ “    

સાહેબ આટલું બધુ માન કેમ આપી રહ્યા છે!?   તેનું આશ્ચર્ય થઈ રહ્યું હતું સાથો સાથ  મૂંઝવણ પણ તે   અનુભવી  રહ્યો હતો.   

“ કાંતિલાલ માસ્તર તમારા પિતાજી થાય મને હમણાં જ તેની ખબર પડી. આવી ઉમદા વ્યક્તિના તમે પુત્ર છો. ખરેખર તમે ભાગ્યશાળી છો. “

 હાશ.... કિશનનો અટકી રહેલો શ્વાસ છૂટો થયો.

“ હા સાહેબ,’’ આગળ શું બોલવું તે તેને સમજાયું નહી.

પછી તો કલાક સુધી  કિશને સાહેબ   સાથે  પિતાજીની વાતો કરી. પિતાજીની અમુક અંતરંગ વાતો સાંભળીને સિંઘ સાહેબ અભીભૂત થઈ ઉઠ્યા. કિશન તો  સાહેબના આ લાગણીવેડા ઉપર મનોમન હાસ્ય પણ વેરી રહ્યો.

“ ઈન્સ્પેકટર  કિશન,   બીજી ઓક્ટોમ્બરે  તમારા પિતાજી ધ્વારા રખાતા મૌન વ્રત તથા નિર્જળા ઉપવાસ તથા અન્ય બાબતોથી હું વાકેફ છુ.  થોડા દિવસ પછી બીજી ઓક્ટોમ્બર છે. હું ઇચ્છું છુ કે  આપણાં  આ પોલીસ ભવનમાં  તેવા કાર્યક્રમનું આયોજન કરીએ. સંપૂર્ણ પણે તો પોલીસ સ્ટેશન બંધ ના રાખી શકીએ  પરંતુ આપણે આપણી ફરજની સાથે સાથે ગાંધી બાપુને તમારા પિતાજી જેવી અંજલિ આપીએ તો કેવું રહેશે? “

“ હું કાંઇ સમજયો નહી સાહેબ “

“  સ્ટાફ મેમ્બર્સ એક એક કલાક વારા ફરતી રામ ધૂન બોલાવે, ચરખો કાંતે, ગાંધી બાપુનું ચાહીતું “ વૈષ્ણવ જન... “ ભજન ગાઈએ. જેને ઉપવાસ કરવો હોય તે ઉપવાસ પણ કરે. મારુ આ સૂચન કેવું લાગે છે.? “ કિશન હા કે ના પાડે તે પહેલા સાહેબને કામ સંદર્ભે મળવા આવેલ અન્ય સ્ટાફ મેમ્બર્સ સાહેબનું આ સૂચન વધાવી લીધું  અને પછી તો આખાય પોલીસ ભવનમાં વાત ફેલાઈ ગઈ. સાહેબનું સૂચન હતું- કોણ ના પાડે!?

અને બીજી ઓક્ટોમ્બરે કિશનના પિતાજીની જેમ જ ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.  પિતાજીની હયાતીમાં કે તેમની  બિન હયાતીમાં  કિશન ક્યારેય આ ઉજવણીમાં જોડાતો નહી. કશું ને કશું બહાનું કાઢીને તે છટકી જતો  પરંતુ આ વખતે તેવું થાય તે શક્ય હતું નહી.

“ એક કામ કરો,   પિતાજીની જેમ તમે પણ નિર્જળા ઉપવાસ અને મૌન વ્રત રાખો. આમ પણ સાહેબ પિતાજી માટે અહોભાવ ધરાવે છે. તમારું આ તપ જોઈને સાહેબની ગુડ બુક માં આવી જશો તો  ઝડપથી પ્રમોશન મેળવશો. “

“ ચલ ચલ અવે. પિતાજી એ તો ટાઇલા કર્યા. મને એમના જેવા ટાઇલા  કરવા નહીં ફાવે. “

“ રહો ત્યારે ઇન્સ્પેક્ટરના ઇન્સ્પેંક્ટર. ભગવાન  એક ચાંસ આપે છે ત્યારે મ્હો ધોવા જાવ છો. મારા બાપના કેટલા ટકા ..... “ બબડતી પત્ની પડખું ફરી ગઈ હતી કિશનને વિચારતો કરીને.

 

 સવાર સુધી કિશન વિચારતો રહ્યો હતો અને પછી પત્નીના કહ્યા પ્રમાણે વર્તયો હતો. સાહેબ ખુશ હતા. ઉપરી અધિકારી ધ્વારા તેમના આ સુંદર અને નવતર કાર્યની પ્રશંષા કરવામાં આવી હતી. આમ સહુ ખુશ હતા. બધા પોત પોતાના રૂટીનમા પાછાં  ફર્યા હતા. પણ એક કિશન હતો જેના ઉપવાસ ચાલી રહ્યા હતા  પારણા કરવાનું તેને મન થતું નહતું.    

      

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ