વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પગદંડી

       હાશ!  એક લાંબો હાશ કારો મનમાં અંદર સુધી ફરી વળ્યો. છેલ્લા દોઢ વર્ષથી રાત દિવસ જોયા વગર. બસ એક જ કામ પાછળ રચ્યા પચ્યા રહેતા હતા. દિવસ અને રાત ક્યાં પસાર થતા હતા એ જ ખબર ન હતી. કદાચ અરીસાની સામે ઊભા રહીને પોતાના ચહેરાને પણ જોયો ન હતો. આખરે આ દોઢ વર્ષ લાંબી મુસાફરીનો અંત આવ્યો હતો.

         આ દોઢ વર્ષમાં આવતા પ્રસંગો પણ તેમની સાઈડમાંથી પસાર થઈ ગયા હતા તેઓ માત્ર ફોન પર કે કવર પર જ પ્રસંગમાં હાજર રહ્યા હતા. કવર પર રહેવું જ પડે એમ હતું ને. કુટુંબના દરેક સભ્યો સમજતા હતા. આખરે તેમાં બે ત્રણ પરિવારની પરિસ્થિતિ પણ તેમના જેવી જ હતી. આખરે આ એક તપસ્યા જ હતી ને.

    "ભાવિની આજ તો એવું લાગે છે, છૂટયા આપણે... જાણે વરસોથી ભાગતાં હતાં અને જાણે એનો કોઈ અંત જ ન હોયને એવું લાગતું હતું."

    "સાચી વાત છે તમારી, પણ હજી તો ખાલી અર્ધવિરામ જ આવ્યું છે."

     "હા તારી વાત સાચી છે, પણ જોજેને પૂર્ણ વિરામ પણ સારું જ આવશે. અને નવી શરૂઆત પણ ઉતમ જ રહેશે"

    "હા જરૂર આખરે બધાંએ મહેનત જ એવી કરી છે ને. તો ફળ પણ સારું જ મળવાનું. દિવસ રાતનું ભાન રાખ્યા વગર જ મહેનત કર્યે રાખી છે."

      "આપણાં બંને બાળકો ઘણાં સમજુ છે. તેમણે મહેનત કરવામાં જરા પણ પાછી પાની નથી કરી સાચે જ મને બંને બાળકો માટે ગર્વ છે"

     ભાવિની બહેન અને તનુજભાઈ બંને બેંકમાં નોકરી કરતા હતા. બેંક પ્રાઇવેટ હતી એટલે તેમને પણ ટાર્ગેટ પ્રમાણે કામ કરવું પડતું હતું.તનુજભાઈ બેંકમાં લોન વિભાગમાં હતા. જ્યારે ભાવિની બહેન અકાઉન્ટ વિભાગમાં કામ કરતા હતા. બંનેની બેંક પણ અલગ અલગ હતી.પ્રમાણ અને ઋતુજા બંને તેમના લાડકાં અને સંસ્કારી બાળકો હતાં. ઋતુજા દસમાં ધોરણમાં હતી અને તેનો મોટો ભાઈ પ્રમાણ બારમાં ધોરણમાં. પરીક્ષા તો આ બંને ભાઈ બહેનોની હતી પણ તેમની સાથે સાથે ભાવિનીબહેન અને તનુજભાઈએ પણ ઘણી બધી મહેનત કરી હતી. નવમા ધોરણના દિવાળી વેકેશનથી લઈને બોર્ડની એક્ઝામના છેલ્લા દિવસ સુધી તેમણે પોતાના છોકરાંઓ ભેગા ભેગા ઘણી જ મહેનત કરી હતી. તેમના અભ્યાસમાં અનુકૂળતા બની રહે તે માટે જેટલી બને તેટલી સગવડો પૂરી પાડી હતી. કોચિંગ ની સાથે સાથે તેમના અભ્યાસમાં બંને માતા પિતાએ રસ લીધો હતો. 

      બંને છોકરાંઓની વાંચવાની થિયરી ઘણી જ અલગ હતી. વહેલી સવારે ઊઠીને વાંચવું ગમતું તો બીજાને રાતના જ વાંચવું ગમતું. આ બંનેને તકલીફ ન પડે એ માટે વારાફરતી માતા પિતા પણ જાગતા હતા. નાસ્તો ચા કે તેમના ફેવરિટ પિત્ઝા ગરમાં ગરમ ઘરની અંદર જ બનાવી આપતાં. ભાવિની બહેનની જેમ જ તનુજ ભાઈની રસોઈ પણ સારી થતી હતી. ખાવાપીવાના શોખીન તનુજભાઈ રસોઈ બનાવવામાં પણ નિપુણ બની ગયા હતા. બાળકોનું સ્વાસ્થ્ય ન બગડે એટલે આ દોઢ વર્ષમાં ક્યાંય પણ બહાર જમવા નહોતાં ગયાં.

     છોકરાંઓનું શિડયુલ સાચવવા માટે માતાપિતાએ પોતાનું શીડ્યુલ પણ એ જ રીતે ગોઠવી નાખ્યું હતું. અભ્યાસ કરતાં બાળકો થાકે તો તેમના મનોરંજનની વ્યવસ્થા પણ ઘરમાં કરી રાખી હતી. અલગ અલગ રમતો અને મૂવી તેઓ બાળકો સાથે એન્જોય કરતાં. તેમના મિત્રો સાથે મળી નાની નાની પિકનિકનું આયોજન પણ કરતાં. જોકે તેમાં ખાણી પીણીની વસ્તુઓ ઘરમાં જ બનાવેલી રહેતી. હોટલમાં જમવા જવા સિવાયની કોઈ પણ વસ્તુ કે ઈચ્છા હોય તરત જ પૂરી કરી દેતાં.

      પરીક્ષા દરમ્યાન વારાફરતી નોકરીમાં રજાઓ મૂકી દીધી હતી. લેવા મુકવા પણ પોતે જતા. હજી સુધી તેમણે વાહન ચલાવવાની છૂટ નહોતી આપી. સાઇકલ પણ નજીકના વિસ્તારમાં અને કોચિંગ ક્લાસમાં જવા માટે જ વપરાતી. બાકી માતાપિતા સ્કૂલે મૂકી અને લઈ આવતાં.

      આ પરિસ્થિતિ ક્યારેક બંને ભાઈ બહેનને અકળાવી દેતી પણ તે માતાપિતાની લાગણીઓને સમજતાં હતાં. એટલે તેમણે પણ ઘણી જ મહેનત કરી હતી. પાછું પ્રમાણ બારમાં ધોરણમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેને પણ પોતાનાં રાત.દિવસ એક કરી દીધાં હતાં મહેનત કરવામાં. 

      એક્ઝામ પૂરી થઈ એટલે જાણે માથા પરથી એક મણનો ભાર ઓછો થઈ ગયો. રીઝલ્ટની ચિંતા તો હતી જ ખરી પણ એ તો બે મહિના પછીની વાત હતી. એક્ઝામ પત્યા પછી ચારે જણા ઘણી બધી જગ્યાએ ફરવા પણ ગયા. બંને ભાઈ બહેન બધે ફરી આવ્યા પછી મામાના ઘરે રોકાઈ ગયા. આખું વેકેશન ખુબ મજામાં વિતી ગયું. છેલ્લા દોઢ વર્ષમાં કરેલી મહેનતનું વળતર જાણે આ રજાઓમાં મેળવી લીધું.

      દસમાં ધોરણનું પરિણામ પહેલાં આવ્યું. હવે તો ઓનલાઇન જ પરિણામ જોઈ લેવાતું હતું. લેપટોપની સામે બેસેલાં ચારેયના ધબકારા વધી ગયા હતા. નેટવર્ક વિક હોવાને કારણે ઘણી બધી મહેનત પછી પરિણામ જાણી શક્યાં. ઋતુજા પાસ થઈ ગઈ હતી. સતોતેર ટકા જ માત્ર આવ્યા હતાં. આમતો હવે પર્સેન્ટાઇલ જ ગણવામાં આવતાં હતા. પણ એ માત્ર કહેવા પૂરતા જ બાકી આજ પણ ટકાવારીને વધારે મહત્વ અપાતું હતું. દીકરીના ટકા જોઈ ભાવિની બહેન અને તનુજભાઈનું મન નિરાશામાં ગૂંચવાઈ ગયું. જોકે તેમણે દીકરીને તો ખૂબ સારું કહી બિરદાવી પણ ખરી. બંને ભાઈ બહેને પણ માટે પિતાના ચહેરા પરની  પીડા પારખી લીધી. માતાપિતાની અપેક્ષાઓ તો નેવું નવાણું ટકાવારીની હોય એ સ્વાભાવિક જ છે. 

     તનુજભાઈ અને ભાવિની બહેને મન મનાવી લીધું હજી પ્રમાણનું પરિણામ બાકી હતું. તેમણે એક સરસ મજાની ઘડિયાળ દીકરીને પ્રેમથી ભેટ આપી. 

     પણ હવે તેમના મન પર પ્રમાણના પરિણામનો પણ ભાર રહેવા લાગ્યો. આટલી સગવડ છતાં તેમની દીકરી તેમના ધારેલા ટકા લાવી શકી ન હતી. પરીક્ષાના ઉજાગરાનો આ અંત ન હતો પણ ઉજાગરાની શરૂઆત જ હતી. પણ એક ખટકો તનુજભાઇના મનમાં ઘર કરી ગયો. બંને ભાઈ બહેન પણ અંદર અંદર મૂંઝાઈ રહ્યાં હતાં. પણ ભાવિની બહેને બધાને સમજાવીને સાચવી લીધાં. ભાવિની બહેનને મન ટકાવારીનું એટલું મહત્વ ન હતું.તેઓ આવડતને વધારે મહત્વ આપતાં. 

      પ્રમાણના પરિણામ માટે પણ ઘણી બધી અપેક્ષાઓ તનુજભાઇએ બાંધી રાખી હતી. જેનો છૂપો ભય પ્રમાણના ચહેરે પણ છલકાઈ જતો હતો. તેને પણ તેના પરિણામનો ભય હતો. પેપર સારાં જ ગયાં હતાં છતાં. ભયતો હેરાન કરતો જ હતો. 

    આખરે પ્રમાણનું પરિણામ પણ આવી ગયું. તે. જોવાં ફરી લેપટોપ સામે આશાભરી આંખે આખું પરિવાર બેસી ગયું. પોતાનાં દીકરા દીકરીના પરિણામ સાથે માતાપિતાનું પણ માનસિક પરિણામ જોડાયેલું હોય છે.  અને નંબર નાખતાં જ સામે પ્રમાણના માર્કસ દેખાયા. પણ તનુજભાઈની નજરતો ટકાવારીની કોલમ જ શોધતી હતી. તેમની નજર બધા જ માર્કસ પર ફરતાં ફરતાં ટકાવારી પર જઈ ચડી. માત્ર સિંતેર ટકા જ પ્રમાણ ને મળ્યા હતા. આટલું ઓછું પરિણામ જોતાં જ તનુજભાઈને ધક્કો લાગ્યો. સાથે તેમના ગુસ્સો પણ ફાટી નીકળ્યો.

     "આ શું છે પ્રમાણ, આટલા બધા ઓછા ટકા? મને તારાથી આવી અપેક્ષા ન હતી. કેટલી બધી મહેનત તારા અને તારી બેન પાછળ કરી. રાત દિવસ તમારા ભેગા જાગ્યા. જે જોઈએ તે તમને અપાવ્યું. પણ તમે બંને ભાઈ બહેને મને નિરાશ કર્યો. પ્રમાણ તું ભણવામાં હોશિયાર હતો બસ એટલે જ મેં તને સાયન્સ લેવડાવ્યું હતું. ત્યારે થોડી તો મહેનત કરવી હતી તો તું આજે ઘણા બધા પર્સન્ટેજ લઈ આવી શક્યો હોત અહીં તો તું ક્યાંય સારી કોલેજમાં એડમિશન નહીં મેળવી શકે તારા પર્સન્ટેજ ખૂબ ઓછા છે બેટા તે તો મારી અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી નાખ્યો તમને બંને ભાઈ બહેનને જરા પણ તકલીફ ન પડે એનું ધ્યાન અમને રાખજો પણ તમે જરા પણ મહેનત ન કરી." બોલતાં બોલતાં ગળે ડૂમો ભરાઈ ગયો. ભાવિની બહેને તેમને પાણી આપ્યું. 

     સામે જ બંને ભાઈ બહેન માથું નીચું રાખીને ઊભાં હતાં. પાસ હોવા છતાં પણ જીવનભર માટે ફેલ થઈ ગયાં હોય તેવી નિરાશા તેમના મનમાં પ્રસરી રહી હતી. ભાવિની બહેન પણ ચૂપચાપ એક ખૂણામાં ઊભાં હતાં. 

      સોફા પર નિરાશ થઈ ને બેઠેલા તનુજ ભાઈએ પોતાનો હાથ જોરથી માથાં પર પછાડ્યો. "ભાવિની ખબર નહિ ક્યાં કસર રહી ગઈ આપણાંથી. જે આ બાળકોએ સાવ આવું પરિણામ આપણને આપ્યું." 

"તનુજ એવું નથી બાળકોએતો  ઘણી મહેનત કરી જે હતી, બધુંતો આપણી નજર સામે જ હતું ને?"

    "તું આને મહેનત કહીશ? માતાપિતા પોતાના સંતાનો માટે ઘસાઈ જાય તેનું કઈ નહીં? બાળકે ક્યારેય પણ પોતાના માતાપિતાનો વિચાર કરવાનો જ નહિ? " બોલતાં બોલતાં અચાનક જ તે ચૂપ થઈ ગયા. આ શબ્દો એ તેમને ભૂતકાળમાં પહોંચાડી દીધા જ્યારે કોલેજની પરિક્ષામાં તેમનું પરિણામ આવ્યુ. તેમણે પોતાના તરફથી જેટલી બંને એટલી મહેનત કરી હતી પણ ભાષા તેમને કોઠે પડતી ન હતી. પિતાના આગ્રહવશ ભાષાને પોતાનો વિષય બનાવ્યો હતો. સ્વાભાવિક હતું. ગમે તેટલી મહેનતે પણ પરિણામ તો ઓછું જ આવવાનું હતું. તે વિચારતા કાશ હું પોતાની મરજીથી જન્મ્યો હોત? તો કદાચ આ અપેક્ષાઓના રસ્તા પર માત્ર પોતાની જ અપેક્ષા હોત.

      જ્યારે આ બધાં માટે તેમના પિતાએ તેમના પર ગુસ્સો કર્યો ત્યારે મનમાં ખૂબ દુઃખ થયું હતું. ત્યારે પણ તેમની અપેક્ષાઓ અધૂરી રહી હતી. પિતા તેની પરિસ્થિતિ સમજશે અને હવે તેને પોતાનો વિષય રાખવા દેશે. પણ એવું થયું ન હતું. જ્યારે નાનકડો  પ્રમાણ તેમના હાથમાં આવ્યો ત્યારે મનમાં નક્કી કર્યું હતું કે તે પોતાના બાળકને તેની ઈચ્છા મુજબ અભ્યાસ કરવા દેશે. માતાપિતા ક્યારેય પણ પોતાના બાળકો પર ઉપકાર નથી કરતા. ક્યારેય મમતાની લાગણીને ઉપકારનું નામ ન જ આપી શકાય."

     એકદમ શાંત થઈ ગયેલા તનુજભાઈને જોઈને ત્રણેયને ચિંતા થવા લાગી. પ્રમાણ તેમની પાસે આવીને જમીન પર બેસી ગયો. તેમના સામે જોઈને વાત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

"સોરી પપ્પા, સોરી. હું પાછી ખૂબ મહેનત કરીશ. ખૂબ મહેનત કરીશ."

    તનુજભાઈએ પોતાના દીકરાના માથાં પર હાથ રાખ્યો. "તારે સોરી કહેવાની જરૂર નથી બેટા. સોરી તો મારે કહેવું જોઇએ. મે મારી અપક્ષાઓનો ટોપલો તારા ઉપર, તમારા બંને ઉપર ઢોળી દીધો. મારા પપ્પાએ જે કહ્યું એ મે કર્યું, મારી અપેક્ષાઓ ત્યાં જ દબાવી દીધી અને આજે એ મે તારા પર લાદી દીધી. હવે બસ બેટા આ અપેક્ષાઓની ખો ખોની રમત હવે બસ."

      ત્રણેય તનુજ ભાઈને આશ્ચર્યથી જોતાં રહ્યાં. પાણી પીવા રોકાયેલા તનુજ ભાઇએ પોતાના દીકરાનો હાથ પોતાની હથેળીઓમાં દબાવીને કહ્યું. " સાયન્સ લેવા મે તને ફરજ પાડી હતી. તને સ્પોર્ટ્સ ગમે છે ને? તું સ્પોર્ટ્સમાં જ આગળ વધે જે. મારી પગદંડી પર નહિ પણ તારા રસ્તા પર ચાલજે. બેટા તમે મારી અપેક્ષાઓનો ભાર ઉપાડવા વાળો મજૂર નથી. તમે તો મારી હિંમત છો."

     પ્રમાણ અને ઋતૂજા બંને પોતાના પિતાને પ્રેમથી ભેટી પડ્યા. ભાવિની બહેનના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. "એક વાત સમજી લ્યો જ્યારે પણ તમારી બનાવેલી પગદંડી પણ નિષ્ફળતા ચોક્કસ મળવાની જ પણ નિરાશ નહિ થવાનું બસ આગળ વધવાનો પ્રયત્ન કરવાનો જ્યારે પણ તમને મુશ્કેલી પડેને ત્યારે અમે ચોક્કસ મદદ કરવાનો પ્રયત્ન કરશું" આંખનાં આંસુઓને રોકતાં ભાવિની બહેને કહ્યું.

    અચાનક તનુજભાઇ સોફા પરથી ઝડપથી ઉભા થઇ ગયા. તેમના આ વર્તનથી ત્રણેય ચોંકી ગયા. પણ તેનુજ ભાઈ હસીને બોલ્યા ચાલો સમયસરના પરિણામ માટે સેલિબ્રેશન તો કરવું જ જોઈએ. આજે આપણે બહાર જમશું અને વોટર પાર્કમાં ફરશું.

    "ચાલો મારો ટાઈમ ન બગાડો હું તૈયાર થવા જાઉં છું." કહી તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા. આખા ઘરમાં એક તનુજભાઇને જ તૈયાર થવામાં વાર લાગતી હતી.

      પ્રમાણ અને ઋતુજાના ચહેરા પર સંતોષની ખુશી છવાઈ ગઈ ભવિષ્યની ચિંતાઓમાં હવે તે એકલાં ન હતાં તેમનું પરિવાર તેમનું પરિવાર તેમની સાથે હતું.

    હાશ!  એક લાંબો હાશ કારો તનુજભાઈના મનમાં અંદર સુધી ફરી વળ્યો. જાણે વર્ષોનો ઉપાડેલ ભાર હળવો થઈ ગયો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ