વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચાં મોતી

" હિમાંશુ ! સારું કર્યું તું આવી ગયો. હું એકયુપ્રેશરના પોઈન્ટ આપવાનું આપણું સાધન શોધી રહી હતી. હજુ હું બે દિવસ પહેલાં તો ખરીદીને લાવી હતી અને અહીં જ તો મુક્યું હતું. "

" એ ફિશ જેવું લાલ રંગનું હતું મમ્મી ? "

" હા...હા...એજ ! મને ઘૂંટણ બહું દુઃખે છે તો થયું કે એનાંથી પોઈન્ટ આપું. તે જોયું છે ? "

" હા મમ્મી ! મારાં મિત્રનાં મમ્મીને પીઠનો દુઃખાવો થતો હતો. મેં એમને આપી દીધું . "

" આપી દીધું મતલબ ? કાયમ માટે ? "



" હા મમ્મી ! તમે એમજ સમજો. એ બિચારાં કેટલાં સાધારણ છે. હવે પાછું થોડું મંગાય ? "

" પણ... હું બે દિવસ પહેલાં જ લાવી હતી. "

" હવે જવાદો એ વાત ! તમે મને સો રૂપિયા આપશો ? "

" બિલકુલ નહીં. જવાદે એ વાત ! "

" તમે મને દર મહિને સો રૂપિયા પૉકેટ મનીના આપો છો. આ મહિને મારે એડવાન્સમાં જોઈતા હોય તો મળે કે નહીં ? આવતાં મહિને મને નહીં આપતાં. થાયને એવું ? "

" પણ...મને એતો કહે તારે અત્યારે એવો તો કયો ઇમરજન્સી ખર્ચ આવી ગયો છે ? "

" કોઈપણ કાર્ય તમે કરવાં જઈ રહ્યાં હોય તેની ચર્ચા કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી ન કરવી જોઈએ એવું તમે જ‌ મને એકવાર કહ્યુ હતું. યાદ આવ્યું મમ્મી ? "

" મને મારાં દીકરા પર પુરો વિશ્વાસ છે. લે આ તારાં સો રૂપિયા ! "

         ચૌદ વર્ષનો હિમાંશુ પોતાનાં મમ્મી પાસેથી સો રુપિયા લઈને સીધો જ સુથારની દુકાને ગયો. ત્રણ દિવસ પહેલાં તેણે તેમનાં ગામનાં સુથાર કરશન કાકાને બગલમાં ભરાવીને ચાલવા માટેની બે ઘોડી  ( અપંગ માણસ તેનો ટેકો લઈને ચાલે ) બનાવી આપવાનો ઑર્ડર આપ્યો હતો. આજે સો રૂપિયા આપીને એ ઘોડીઓ પોતાની શાળામાં છોકરાંઓને પાણી પીવડાવતા અપંગ કમળામાને આપવાની હતી. પગ વગરનાં બિચારાં કમળામા બેઠકનાં ભાગથી ઢસડાઈને ચાલતાં હતાં. હિમાંશુથી એમની આ પરિસ્થિતિ જોઈ શકાતી નહોતી. એણે મનોમન નક્કી કર્યું હતું કે પોતે‌ કમળામાને આવી સ્થિતિમાંથી જરૂર છૂટકારો અપાવશે. અને.... હિમાંશુ તે દિવસે
શાળાએથી સીધો જ કરશન કાકાની દુકાને ગયો અને કમળામા માટે ચાલવાની ઘોડીનો ઑર્ડર આપી દીધો હતો... ! આજે તેમને પોતાના પગ પર ચાલતાં જોવાનું હિમાંશુનુ સપનું સાકાર થવા જઈ રહ્યું હતું....

     હિમાંશુ નાનો હતો ત્યારથી જ પરગજુ હતો. તે હંમેશાં ઘરડા, અશક્ત અને બિમાર લોકોને મદદરૂપ થવા તત્પર રહેતો. એ ઘરમાં હોય ત્યારે કોઈ ભિખારી ખાવાનું લીધાં વગર ન જતાં. ઘરે કામ કરવાં આવતાં મંગુમાસીના બાળકો માટે ઉત્તરાયણ માં પતંગ , ધૂળેટીમાં રંગ અને પિચકારી, દિવાળીએ નવાં કપડાં અને મીઠાઈ હંમેશા એ પોતાનાં પપ્પાને યાદ અપાવીને ખાસ મંગાવી લેતો.પોતાના જરૂરિયાતમંદ સહાધ્યાયી મિત્રોને નોટબુક, પેન, કંપાસ બોક્ષ...જેવી વસ્તુઓની હંમેશાં મદદ કરતો. એકવાર એવું બન્યું કે પોતાની શાળામાંથી બે દિવસના પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યું હતું. બધાં બાળકો પ્રવાસમાં જવાં માટે ખૂબ ઉત્સુક હતાં. પોતાનાં વર્ગનો એક વિદ્યાર્થી એક ખૂણામાં બેસીને આંસુ સારી રહ્યો હતો. હિમાંશુનું ધ્યાન તેનાં તરફ ગયું. પ્રવાસમાં જવાનું હોવાથી બધાં ખૂબ જ ખુશ હતાં  પરંતુ.....આ કેમ રડી રહ્યો છે ? હિમાંશુ તેની પાસે બેસી ગયો...

" દોસ્ત ! તું કેમ રડી રહ્યો છે ? તારે પ્રવાસમાં આવવું છે ? શું ફી ભરવાનો પ્રોબ્લેમ છે ? "

" ના યાર ! એવું તો નથી. પણ... "

" અરે જે કંઈ હોય મને ખચકાયા વગર કહી શકે છે. કોઈ વાત અન્યને કહેવાથી તેનું હલ નીકળી શકે અને આપણાં હૈયા પરનો ભાર હળવો થઈ શકે છે દોસ્ત ! અગર...વ્યકતિ વિશ્વાસ મુકવા લાયક જણાય તો ! "

" અરે હિમાંશુ ! તારા પર હું આંખ મીંચીને વિશ્વાસ કરી લઉં. વાત પૈસાની પણ નથી. પરંતુ.... મારો પગ ખોડો હોવાથી મારાં મમ્મી મને ના પાડે છે."

" આજે સ્કૂલેથી છૂટીને હું તારી સાથે જ તારાં ઘરે આવું છું. તને તેડીને ફેરવી શકીએ એટલાં બધાં મિત્રો છે તારી સાથે ! "

              અને....ખરેખર હિમાંશુ છૂટીને એ દિવ્યાંગ મિત્ર મહેશ સાથે એનાં ઘરે ગયો. અને એનાં મમ્મીને ખાતરી આપી કે બધાં મિત્રો ભેગાં મળીને મહેશનુ પુરતું ધ્યાન રાખવામાં આવશે અને બધાં તેની સાથે પડછાયાની જેમ તેની સાથે રહેશે. હિમાંશુની વાત સાંભળીને મહેશના મમ્મીની આંખમાં આંસું આવી ગયાં....

                બધાં હિમાંશુનાં મમ્મી સંગીતાબેનને હંમેશા કહેતાં કોઈ ફરિશતો રસ્તો ભૂલી ને તમારાં ઘરમાં આવ્યો છે ! સંગીતાબેનની છાતી ગજગજ ફૂલી જતી ! 

         એમને એમ સમય સરકી રહ્યો હતો. હિમાંશુ યુવાન થયો. તેનાં સેવાકાર્યો બમણાં વેગથી ચાલી રહ્યાં હતાં. હવે....એને પૈસા માટે હાથ લાંબો કરવાની ક્યાં જરૂર હતી ! પોતે સારું એવું કમાવા લાગ્યો હતો. આવકનો ૧૦ % હિસ્સો જરુરીયાતમંદ લોકો પાછળ વાપરવો જોઈએ એવું એ માનતો હતો.

        લગ્નલાયક થતાં પોતાનાં જ સમાજની એક ગુણવાન કન્યા સાથે તેનાં લગ્ન નક્કી કરવામાં આવ્યાં. હિમાંશુએ તેની સાથે આ વાતની ચર્ચા કરી. તેની ભાવિ પત્નીએ તેનાં આ કાર્યમાં સહભાગી બનવાનું સહર્ષ સ્વીકારી લીધું. સોનલનો અવાજ ખૂબ સરસ અને ભાવવાહી હતો. એક સાંજે પતિ પત્ની શહેરની  પ્રજ્ઞાચક્ષુ સંસ્થાની મુલાકાતે ગયાં. ત્યાં તેઓ તેનાં સંસ્થાપક, સંચાલક અને પદ્મ શ્રી એવોર્ડ દ્વારા સન્માનિત મુકતાબેન ડગલીને મળ્યાં. સુંદર મજાની ઊર્જાના અવિરત પ્રવાહ સમી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને મળ્યાં. તેમની દુનિયામાં તેઓ કેટલી ખુશ હતી ! સોનલે આવી દીકરીઓ માટે બાળવાર્તાઓ નો ઓડિયો બનાવવાનો વિચાર પોતાનાં પતિ હિમાંશુ સમક્ષ રજૂ કર્યો....

" નેકી ઔર પૂછ પૂછ ! તારાં આ કાર્ય માં હું તન, મન અને ધનથી તારી સાથે જ છું !  તું આજથી જ આ ભગીરથ કાર્યનો શુભારંભ કરી દે ! એમપી થ્રી માં તૈયાર થયેલી આ વાર્તઓનો લાભ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને મળવાં લાગ્યો ! પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજને આ દિવ્ય યુગલનો ઘણો લાભ મળ્યો. સુંદર અવાજે ગાતી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને શાસ્ત્રીય સંગીતની તાલીમ મળવાં લાગી. તેમનાં દ્વારા ભજવાયેલા નાટકને ઘણાં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યાં...

ત્યારબાદ આ દંપતીએ શહેરનાં અનાથ બાળ છાત્રાલય તરફ નજર દોડાવી. હિમાંશુ હંમેશા બધાંન  એકજ વાત કહેતો હતો " જો...તમારી પાસે કલાક કે બે કલાકની પણ ફૂરસદ હોય તો તમે તમારાં શહેરમાં ચાલતાં ઘરડાઘર, અનાથાલય, સરકારી હોસ્પિટલ, પછાત વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા, કોઈપણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સંકુલો ની મુલાકાત તમારાં બાળકોને સાથે રાખીને કરવી જોઈએ. કેટલીયે આંખોનાં ખૂણે અટકીને સુકાઈ ગયેલાં આંસઓ  તમારાં એક સ્મિત માત્રથી કે નાનીસી મદદ માટે લંબાયેલા હાથને જોઈને ખુશ ન થાય તો મને કહેજો ! કંઈ પણ સારું કામ કરવાં માટે પૈસા હોવાં જરૂરી નથી. તમે દુઃખી વ્યક્તિનુ દુઃખ બે મીઠાં શબ્દો બોલીને પણ ભાંગી શકો છો. ઘરડા અશક્ત લોકોની પાસે દસ પંદર મિનિટ બેસવાથી તેનાં જીવનમાં નૂતન ઉર્જા ભરી શકો છો.

   એક દિવસ આ દંપતીને વિચાર આવ્યો કે આપણે અનાથ બાળકીઓને દત્તક લઈએ તો ? વિચારને તરત જ અમલમાં મૂકવામાં આવ્યો. તેમણે બે બાળકીઓને દત્તક લીધી અને તેઓને હર્યો ભર્યો પરિવાર આપ્યો. દિવ્યાંગ કન્યાઓને સરકારી લાભો અપાવ્યાં. તેઓની સાહિત્ય પ્રત્યેની રુચિ પારખીને તેઓની સાહિત્ય યાત્રાને વેગવંતી બનાવવા ઘણી જહેમત ઉઠાવી. શહેરમાં ચાલતાં વજાભગતના રામરોટી સેવા યજ્ઞમાં જોડાયાં.  પાંચ વિધવા અને ગરીબ બહેનોને રોજગારી મળી રહે એટલે ઘરે આવીને રોટલા બનાવવાંનું કામ આપ્યું. હિમાંશુ ભાઈએ દિવ્યાંગ લોકોની પ્રતિભા ખીલવવાં ખૂબ જ જહેમત ઉઠાવી ન કોઈ સન્માન કે કોઈ વાહ વાહી મેળવવા માટે ! ખરેખર જે કંઈ કર્યું  ભાઈચારાની ભાવનાથી, માનવતાને મહેકતી રાખવાં માટે કર્યું....

               સ્વાતિ નક્ષત્રમાં છીપ એક પળ માટે ખુલી હશે અને એક જલબિંદુનુ કેવું સૌભાગ્ય હશે કે એ સાચું મોતી બન્યું હશે ! હિમાંશુભાઈ જેવાં સાચાં મોતી સમાજ રૂપી દરિયામાં જવલ્લે જ પાકે છે ! કોટિ કોટિ વંદન અને નમન આવાં વીરલાને....્્ .્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ