વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છોડીને તો ભણાવાય જ નહિ!


આખો વાસ આજે એક જ વાત કરતો હતો. 'ધમાની છોડી ધમુડી બીજે ઠેકાણેથી પાછી આવી! મુઈ ક્યાંય ઠરતી જ નથી. પેલી વખત તો જાણે સમજ્યા કે છોકરો આદમીમાં નો'તો, બીજીવારનો છોકરો તો કે છે કે બવ સારો હતો. એનેય સરકારી નોકરી હતી. બીજીવારનું તો જોયેલુ ને જાણેલું હતું. એકવાર બગડયુ'તું એટલે સો ગરણે ગાળીને સબંધ કર્યો'તો.'

ધમાને વહાલી દીકરી ઠેકાણે પાડીને માંડ હાશ થઈ હતી. એ હાશકારો માંડ ત્રણ મહિના ચાલ્યો ત્યાં તો ધમૂડી એની 'કાશ' લઈને પાછી આવી હતી.

વાસવાસીઓને તો શું! વાતો કરવામાં ને ધમુનું આ વખતનું કારણ જાણવામાં રસ હતો. એનું આ રીતે આવતા રહેવું એ કેટલું યોગ્ય કે અયોગ્ય છે એનો નિર્ણય કરવા જાતજાતની દલીલો થતી ને પછી સમજણવાળી ગણાતી ડોશીઓ ને ડોસાઓ જાતે જ જજ બનીને ચુકાદો આપતાં. વાતના મૂળમાં આખા વાસની ના હતી તો પણ ધમાએ છોડીને ભણાવી હતી એ જ કારણ હતું!

ધમાનો બાપ દેવો પીવામાં દેવું કરીને મરી ગયેલો. એણે વળી ધમાને બે ચોપડી ભણાવેલો. બસ ત્યારથી એણે નક્કી કરેલું કે હું ભલે ભણી ન શક્યો પણ મારી 'પરજા'ને તો મારે ભણાવવી જ! નાતના બીજા છોકરા દારૂ પીતા, ચોરી કરતા ને જુગારેય રમતા. એમની બાઈડિયુંને ધોકાવીને શૂરવીર બનતા. પણ ધમાએ મહેનત મજદૂરીનો રસ્તો લઈ પરસેવાની કમાણી ખાઈને જીવવાનું નક્કી કરેલું.
છોકરાઓને ભણાવવા એણે ઠીકઠીક મૂડી પણ ભેગી કરેલી.

મોટી દીકરી ધમું હોંશીયાર હતી. ભણતી ત્યારે નિશાળમાં કાયમ પહેલો નંબર લીધેલો. ગામમાં સાત ધોરણ સુધીની નિશાળમાં એ ભણી રહી ત્યારે આચાર્ય સાહેબે ધમાને બોલાવીને છોકરીને ઉઠાડી લઈ એની જિંદગી બરબાદ ન કરવા સમજાવેલો.

"દીકરી ભણે એમ છે, તારું નામ ઉજાળશે. ડોકટર બનશે કે મોટી મેડમ બનશે. તારે ક્યાં અગવડ છે, છોકરીને આગળ ભણાવજે."

ધમાએ સાહેબની શિખામણ માથે ચડાવી. દીકરી તો અંતરમાં વહાલી હતી. અને કયા બાપને ન હોય! પણ કુટુંબ, સગાવહાલાં અને વાસવાસીઓએ સલાહોનો વરસાદ વરસાવ્યો.

'ભણાવ એની ના નથી. પણ પછી શું? દીકરી તો પારકી થાપણ! એની પાછળ ગમે તેટલો ખરચ કરો તો પણ લેખે ન લાગે. નોકરી કરે ને પગાર લાવે ઈ તો ઈની સાસરીવાળા લઈ જાય. ઈ બધું તો ઠીક, આપણા સમાજમાં ભણેલા છોકરા ક્યાં છે? છોડી ભણશે તો એને સારામોળાની ભાન આવશે. મોળું ગોઠશે નય ને સારું મળશે નય! કંઈ ઘરે થોડી રખાય છે? દસ સુધી ભણેલો છોકરો હજારે માંડ એક મળે છે. માસ્તર તો કે; ઈને તો કે'વું પડે. ઈની ફરજમાં આવે અટલે ઈતો કે. પણ છોડી આપડી છે. ઈને સારે ઠેકાણે વળાવવાની હોય. પાછું ભણીનેય શું! વાસીદા વાળવાના, રાંધવાનું ને લૂગડાં ધોવાના ને વાસણ ઘહંવાના. કોકના ખેતરે કેડ વાળીને આખો દી મજૂરી કરવાની હોય બયરાવને! ઈમાં ભણતરની શું જરૂર. ઘર ખાતુપીતું હોય ને છોડી સુખી હોય તો બીજું આપડે જોવેય શું!'

ધમો આવી સલાહોથી સાવ ઘેરાઈ ગયેલો. ધમું આગળ ભણવાની જીદ કરતી હતી. આચાર્ય સાહેબ ઘરે આવીને ફરીવાર કહી ગયા. ધમાએ કુટુંબની સલાહો એમની આગળ રજૂ કરી ત્યારે સાહેબે કહ્યું,

''ભલામાણસ, એવી ચિંતા શુંકામ કરછ. ભગવાને એને આવું ભેજું આપ્યું છે તો એને લાયક છોકરો પણ બનાવ્યો જ હશે. તારી જ્ઞાતિમાં કોક તો નીકળશે જ. છોકરી ભણશે તો સામેથી જ કોઈ એને શોધતુ શોધતુ આવી ચડશે. તારે સગપણ ગોતવા પણ જવું નહિ પડે. 'વાસ'ના માણસો કરતા ભગવાન ઉપર ભરોસો રાખ. દીકરીના નસીબ આડે પાણો શીદને બને છે."

સાહેબના મોંએથી નીકળેલો 'પાણો' શબ્દ ધમાના કપાળમાં વાગેલો.

'હું તો ધમૂડીનો પિતા. પિતા તો પાણા દૂર કરે. કંઈ પાણો ન બને! ના ના ક્યારેય ન બને. મારી ધમુ ભણશે. ભણશે ગણશે ને આગળ વધશે. કુટુંબ તો ઘેલસાગરુ કહેવાય. ભરોસો તો ભગવાનનો જ હોય. સાહેબ કે છે ઈ જ સાચું. દસ ધોરણ સુધી તો ભણાવવી જ છે. પછી બવ એવું હશે તો ઉઠાડી લેશું.'
ધમાએ એમ વિચારીને ધમુનો મારગ થોડે આઘે સુધી મોકળો કરી આપ્યો.

કુટુંબની લાખ ના છતાં ધમુ તાલુકાની હાઈસ્કૂલમાં દાખલ થઈ. વહેલી સવારે ધમો રોજ એને બસમાં મૂકી આવે. બપોરે એ એકલી આવતી રહે. વાસનું લોક મોં મચકોડતું રહ્યું ને ધમુ ભણતી રહી.

દસમાં ધોરણમાં ધમુએ હાઈકુલમાં પહેલો નંબર લીધો. ધમાને તાલુકે બોલાવીને એમનું સન્માન કરવામાં આવ્યું. એના પ્રગતિશીલ વિચારોને બિરદાવવામાં આવ્યા. કોક આગેવાને એમ પણ કહ્યું કે ધમાભાઈ જેવા લોકોની, એમના સમાજને જરૂર છે. જે દીકરીઓને ભણાવવાનું સાહસ કરી શકે. દીકરીઓ ભાર નથી પણ સમાજનો આધાર છે. આપણે આશા રાખીએ કે આ દીકરી ધમુ હજી આગળ ભણીને એના કુટુંબ, ગામ અને આપણા તાલુકાનું નામ પણ રોશન કરે!'

લોકોએ તાળીઓનો ગડગડાટ કરી મુક્યો. ધમાને શાલ ઓઢાડવામાં આવી. છાપાના ફોટોગ્રાફરોએ કેમેરાની ફ્લેશલાઈટોથી એની આંખો આંજી દીધી. ધમાની છાતી તે દિવસે ગજગજ ફૂલેલી.

બીજે દિવસે છાપામાં ફોટા આવ્યા. ગામે બહુ વખાણ કર્યા એટલે વાસવાસીઓએ પણ પરાણે વખાણ કરવા પડયાં. ધમુ તો ઉપડી પણ ઉપડતી નહોતી. ગામના ઉઠી ગયેલા છોકરાઓને સાવ નપાવટ કરાર દેવામાં આવ્યા.

'વાસ'ના વડીલોએ ધમા ઉપર આવીને સલાહના ઘડા ઢોળ્યા,

'ધમા, હવે આટલું બસ હો! પછી છોડી હાથમાં નો રે. બારમું ભણે પછી કોલેજ કરે. કોલેજમાં આવે એટલે અઢાર વરસની થઈ જાય. જુવાન દીકરીને રેઢી નો મુકાય. આ સન્માન ને વખાણ ઉપર પાણી ફરી જાય. એટલે આપણે આટલું ઘણું. હવે છોડીને ઉઠાડી લ્યો.ઘરકામ શીખવાડો ને કોકની વાડીએ મજૂરીએ મોકલો."

વળી, વહાલી દીકરીએ જીદ પકડી. ઘર અને વાડી કરતા એને ચોપડીયું વધુ વહાલી લાગતી હતી. 'બાપા, મારે ભણવું છે. મારી બધી બેનપણીયું ભણવાની છે. તો હું શું કામ ન ભણી શકું.'

"દીકરી, પછી આપણી નાતમાં તારે લાયક ભણેલો મુરતિયો નો મળે. કુટુંબના મોટેરાની વાત માનવી પડે બેટા. તારે પારકે ઘેર જાવાનું છે." બાપનું દિલ માંડ આટલું બોલી શક્યું. સમાજના છોકરા ન ભણે એમાં મારી દીકરીએ પણ ન ભણવું એ ક્યાંનો ન્યાય? છતાં રહેવું તો હતું સમાજમાં. એટલે એના નિયમો પાળ્યા વગર છૂટકોય ક્યાં હતો!

"બાપા, તો હું લગન જ નહિ કરું. હું નોકરી કરીશ, પગાર લાવીશ. તમને ભારે નહિ પડું બાપા, પણ મને ભણવા દ્યો." દીકરી કરગરીને રડવા લાગી.

હાઈસ્કૂલના આચાર્યને ખબર પડી કે પ્રથમક્રમે આવેલી છોકરીને એનો બાપ ભણાવવા માંગતો નથી. ધમાને તાબડતોબ બોલાવ્યો.

"ભલામાણસ, બાપ ઉઠીને દીકરીનું જીવન બરબાદ કરીશ? તારી દીકરી કલેકટર થાય એમ છે. એને તું છાણ વાસીદું કરાવીશ? કોકના ખેતરમાં મજૂરી કરાવીશ? પછી કોક રખડેલને પરણાવીશ? બાપ છો કે…" આગળના શબ્દો સાહેબ તો ગળી ગયા પણ ધમો કળી ગયો.

ધમુની શૈક્ષણિક સફર આગળ ચાલી. બારમાં ધોરણના પરિણામ પછી બધી જ ઘટનાઓનું પુનરાવર્તન થયું ને ધમુ પહોંચી કોલેજમાં!

શહેરની હોસ્ટેલમાં રહીને ધમુ ભણવા લાગી. વેકેશનમાં ગામ આવે ત્યારે વાસના ડોસલા એને જોઈ રહેતા. ધમુના તોરતરીકા બદલાયા હતા. કોલેજમાં ભણતી હોવાથી વાસની બીજી છોકરીઓથી અલગ તરી આવતી. ચહેરા પર અનેરી આભા પ્રવતર્તી. જીન્સ અને ટીશર્ટમાં હતી એની કરતા રૂપાળી દેખાતી, સુંદર રીતે ઓળેલા વાળ અને ટીપટોપ ચહેરો! ઉજળિયાત વરણની છોકરીઓ સાથે ફ્રેન્ડશીપને કારણે એની બોલી અને ઉચ્ચાર એકદમ શુદ્ધ થયા હતા. પર્સનાલિટી ડેરિંગ અને ડેસિંગ હતી.. ગામના છોકરા બજારના ખાંચામાં સંતાઈને સીટી મારતા. ધમુ એકાદને પકડીને તમાચો ઠોકી દેતી. કે ક્યારેક આંખો બતાવીને ડારતી. પરીણામે એ માથાભારે છોકરી તરીકે પ્રખ્યાતી પામી.

"ના પાડી'તી તોય ભણાવી. એની હાર્યની છોડીયું તો સાસરે જતી રહી. એકાદ બે તો ભાણીયા રમાડતી પણ થઈ ગઈ. તેં આ છોડીને ભણાવીને ઈની જિંદગી બગાડી નાખી. ગામ આખાના છોકરાવ હાર્યે બાજતી ફરે છે. કોણ આનો હાથ જાલશે." 'વાસ'ના વડીલોએ વળી એમની ચિંતા વ્યક્ત કરીને ધમાને ઠપકો આપવા માંડ્યો.

''બેટા ધમુ, એમ જેની ને તેની સાથે બજાય નય. આપડે નજર નીચી રાખીને મૂંગામૂંગા ઘેર આવતું રે'વુ. જો ગામમાં તારી બદનામી થાય છે."

"બાપા, છોકરાઓ છેડતી કરે છે. મને જોઈને સીટી મારે છે. તોય મારે નજર નીચી રાખવાની? બદનામી થાય એવા કામ તો એ લોકો કરે છે; તોય બદનામી મારી થાય છે? બાપા હું તો એવું કંઈ કરતી નથી કે મારે નજર નીચી કરવી પડે. માથું શરમથી ઝૂકી જાય એવા ચાળા કરતા છોકરાઓને કેમ કોઈ કંઈ કહેતું નથી? એ લોકોને જવાબ આપવો એ પણ મારો ગુનો છે?" ધમુએ પૂછેલા સવાલનો જવાબ ધમા પાસે નહોતો.

કુટુંબ, સમાજ અને સાંકડી વિચારધારાવાળા વાસવાસીઓએ આખરે ધમુનું ભણતર છોડાવ્યે જ છૂટકો કર્યો. ધમુ ન આર જઈ શકી કે ન પાર થઈ શકી. આટલું બધું ભણેલી દીકરીને લાયક મુરતિયો શોધવાની જવાબદારી ધમાને ઊંઘવા દેતી નહોતી.

'અમે તો પહેલા જ કીધું'તું. ભાઈ આ તો સાપનો ભારો કહેવાય! બવ આગુડીનું થવા જેવો સમય નથી.અમારી વીજુડી પણ હુંશિયાર જ હતી, તે જોવો કેવી ઠેકાણે પડી ગઈ! વહેલી ચાર વાગ્યે ઉઠીને કામે વળગી જાય છે ને ઠેઠ રાતના દસ વાગે ત્યારે સુવા પામે પણ થાકે નહિ હો! ઈના સાસુ સસરા તો કાંય વખાણ કરે! આને ખોરડું ઉજાળ્યું કેવાય. આ ધમૂડીએ ભણીને શું ઉકાળ્યું કહો જોય!'

વાસના નાકે બેસીને વીજુનો બાપ ગર્વ લેતો હતો. પણ વીજુ માથે શું વીતે છે એની ખબર તો વીજુને જ હતી. ઘરવાળો દારૂ ઢીંચીને આવતો. કારણ વગર મારતો. વીજુએ ભેગા કરેલા રૂપિયા ઝુંટવી જતો. તોય વીજુ તો ઠેકાણે જ પડી ગયેલી કહેવાતી!

પરાપૂર્વથી ચાલી આવતી જીવનની ઘટમાળ જેવા યંત્રના એક પુર્જા જેવી જિંદગીઓ ઠેકાણે પડી ગયેલી ગણાતી હતી!

સાવ અભણ છોકરાઓને ધમુ ના પાડતી હતી. બે ચાર છોકરાઓ વધુ ભણેલા હતા એમણે કોલેજ પુરી ન કરી હોવાથી ધમુને ના પાડી. આખરે દસ ભણીને મામલતદાર કચેરીમાં પટ્ટાવાળાની નોકરી કરતા ચંદુ સાથે ધમુનું નક્કી થયું. ધમુ પરણીને સાસરે ગઈ.

"તું કોલેજમાં ભણતી એટલે તારે લફરું તો હશે જ બોલ્ય. કોની કોની સાથે તારે લવ હતો?" સુહાગરાત શરૂ થાય એ પહેલાં ધમુનો ઇન્ટરવ્યૂ શરૂ થયો.

ધમુના ગુસ્સાનો પાર ન રહ્યો. પણ આખરે એ સવાલ પૂછનારની પત્ની હતી. પરાણે હસીને એણે જવાબ આપ્યો,

"કોલેજમાં ભણતી હોય એટલે લફરું જ હોય? હું કોલેજમાં ભણવા જતી'તી. લવ કે લફરાં કરવા નહોતી જતી. તમે એવી શંકા શુંકામ કરો છો."

"બયરાની જાત કોયદી સાચું નો બોલે! તું દાંત કેમ કાઢછ? તારા ગામમાંથી મને બધા રિપોર્ટ મળેલા જ છે. સાચું બોલ, ગામમાંય તું ચાલુ હતી ને?"

ભણેલી ગણેલી એક છોકરી પર શું વીતી હશે? આવા નિર્લજ્જ સવાલ સાંભળીને! છતાં બાપાની આબરૂ એને રાખવાની હતી.

"એવું કાંય નથી.તમને કોકે ભરમાવેલા છે. હું સાચું જ બોલું છું."
ઓશિકાના કવરમાં વધારાનું રૂ પરાણે ઠુંસવામાં આવે એમ ગુસ્સો, નફરત અને ધિક્કાર હૈયાની દાબડીમાં દાબીને ધમુએ ધીરેથી જવાબ આપ્યો. પણ એની આંખો એ સહી ન શકી.

"એમ રોશો તો બધું ખોશો. ખા તારા બાપના સમ, તો હું માનું." પતિએ ઉકેલ બતાવ્યો.

"મારા બાપાના સમ. મારી બાના સમ. તમે કહેતા હોવ તો મારા નાનાભાઈ બહેનના પણ સમ બસ? હું સાવ કુંવારી છું." ધમુએ આંસુ લૂછી નાંખ્યા.

"તો ઠીક.." એટલું બોલ્યા પછી પતિદેવ એના પડખામાં સુઈ ગયો. ન તો એણે પતિપણું દેખાડ્યું કે ન તો પુરુષપણું!

ઘર આખાનો ઢસરડો કરીને રાતે ધમુ ઊંઘી જતી. પતિ મોડી રાતે આવીને પડખામાં ભરાઈ જતો. ક્યારેક ગાળો દેતો, ક્યારેક મારતો. ધમુ સામો જવાબ આપે તો વધુ મારતો. ભણેલી છો એટલે સામી થાય છે?

ધમાને કોઈએ દીકરીના દુઃખ વિશે ખબર આપ્યા. તરત એ બાપ એની વહાલી દીકરીને ઘરે પાછી લઈ આવ્યો.

"જોયું? અમે તો કીધું'તું. પણ માસ્તરનું માન્યો. આવીને પાછી? આપડામાં કોઈ ભણાવે છે છોડીયું ને? હંધાય બુદ્ધિ વગરના ને આ એક જ ડાયો? આવી ને પાછી?" અનુભવી વાસવાસીઓએ ધમુના પિતૃગૃહે પરત ફરવાની ઘટનાના પ્રત્યાઘાત આપ્યા.

હવે? ધમુએ ફરી પરણવાની ના પાડી. એને અધૂરું ભણતર પૂરું કરવું હતું. પણ એમ કંઈ ચાલે? આટલું ભણ્યે આ દશા થઈ છે તો વધુ ભણીને શું કરશો? કુટુંબની લોખંડી સાંકળે ફરી ધમુને બાંધી દીધી.

ઈચ્છાઓ અને મહેચ્છાઓને લોખંડી સંદૂકમાં બંધ કરીને બીજે ઠેકાણે, બીજવર શોધીને ધમુને ઠેકાણે પાડવામાં આવી. એ અરજણ વળી એ જ કચેરીની એમ્બેસેડર ચલાવતો હતો. એના બહાર રખડવાના શોખને કારણે કચકચ કરતી પહેલી પત્નીને એણે જ સાવ ઠેકાણે પાડી દીધી હોવાનું પહેલી જ રાતે અરજણે જણાવી દીધું. બળાત્કાર શબ્દ ધમુએ સાંભળ્યો તો હતો; એ રાતે અનુભવ્યો પણ ખરો. ધમુને ભણવાની આવડી મોટી સજા થશે એની ખબર નહોતી. કોઈને ન કહેવાય કે ન સહેવાય એવી દારુણ જિંદગી એનું નસીબ હતી.

ત્રણ મહિનાને અંતે એનું મન વિદ્રોહ પોકારી ચૂક્યું. ભણી ન હોત તો ચોક્કસ કૂવો પુરત. પણ એનું ભણતર જિંદગીનો જંગ એમ વગર લડયે મેદાન છોડવાની ના પાડતું હતું.
વહેલી સવારે કોઈને કહ્યા વગર આવતી રહી. કાયમ માટે.

એનાથી સહન નહિ થાય એવું હશે તો જ પાછી આવી હોય ને! માબાપે રડતી દીકરીના આંસુ લૂછી નાખ્યા.
કુટુંબે તો વાટમાં આવતી નદીમાં કેમ ન પડી, ને રેલના પાટે કેમ ન પડી? એવા સવાલોથી સત્કારી. વળી વાસ વાતોએ વળગ્યો. ધમાની ધમૂડી
બીજીવાર પાછી આવી. આ બધો પ્રતાપ ભણતરનો જ હોવાનું સાબિત થયું.

ધમાએ પ્રાથમિકશાળા અને હાઈસ્કૂલના સાહેબને નોતર્યા.

''તમે ભણાવવાનું કીધું એટલે મેં ભણાવી. લ્યો હવે, આ છોડીનું મારે શું કરવું એ તમે જ કયો!"

"અમે ભણાવવાનું કહ્યું હતું. અધવચ્ચેથી ઉઠાડીને પરણાવી દેવાનું નહોતું કહ્યું. રસોઈ કાચી હોય ત્યારે ચુલેથી ઉતારી લ્યો તો ખવાય? અને ખાવ તો પચે?" સાહેબોએ કહ્યું.

"આટલું ભણી તોય આ દશા..હજી વધુ ભણી હોત તો વાંઢી રખડેત." 'વાસ'ના એક વડીલે એમની હાજરી છતી કરી.

"વાંઢી ન કહો દાદા. કુંવારી હોત એમ કહો. પણ સુખી હોત. ભણતર તો સોનુ કહેવાય, પણ એના ઘરેણાં બનાવીને પહેરો તો સોનુય શોભે ને તમેય શોભો. સોનાની લગડીને ગળે બાંધીને કંઈ ફરાતું નથી. આ છોકરી આજથી અમારી છે. એને ઠેકાણે પાડવાની જવાબદારી પણ અમારી જ છે." કહી ગુરુજનો ઊભા થયા.

ધમુ ફરી હોસ્ટેલમાં ગઈ. કોલેજ પુરી કરી. હા, યુનિવર્સિટીમાંય પ્રથમ આવી! ગુરુજનોએ ચીંધેલા માર્ગે ચાલીને મામલતદાર થઈ. પહેલું પોસ્ટિંગ એના જ તાલુકામાં થયું.

છાપામાં એના લેખ છપાયા. ગામ ફાટયા મોઢે ને આંખે ધમુમાંથી ધર્મીસ્ઠા મેડમ બનેલી ધમાની ધમૂડીને જોઈ રહ્યું. વાસની બોલતી આ વખતે બંધ થઈ ગઈ!

પહેલે દિવસે ઓફિસની બહાર બેઠેલો પટ્ટાવાળો નવા મેડમને સલામ મારવા ઊભો થયો. સુશોભિત વસ્ત્રોમાં સજ્જ અને ઠસ્સાથી ચાલ્યા આવતા મેડમને જોઈ એના મોમાંથી શબ્દ નીકળ્યો..'તું..?' પણ મેડમની આંખ ફરતા જ એ શબ્દ પાછો ગળામાં ગરીને નવા સ્વરૂપે બહાર આવ્યો, 'નમસ્તે મેડમ..'

મેડમે અંદર જઈને બેલ માર્યો.
ચંદુ ચપરાશી દોડીને અંદર ગયો. જીભ બોલી, 'જી મેડમ' ને હાથની હથેળી ઊંધી થઈને કપાળે ટીચાઈ ગઈ.

"ઓફિસના પુરા સ્ટાફને અંદર મોકલ. તું અને પેલો ડ્રાઈવર પણ આવો." મેડમનો સત્તાવાહી અવાજ સાંભળી ચંદુ દોડ્યો.

થોડીવારે સમગ્ર સ્ટાફ મેડમની સામે કતારબંધ ઊભો રહ્યો. ચંદુથી માંડીને નાયબ મામલતદાર સુધીના દરેક જણ કંઈક નવાઈથી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ યંગ લેડીને તાકી રહ્યા હતા.

"કરપ્શન માટે મહેસુલખાતું બદનામ છે. આ ઓફિસમાં મારા એક બે સ્નેહીઓ નોકરી કરે છે" કહી મેડમ અટક્યા. ચંદુ અને અરજણ પર એક ક્ષણભર નજર સ્થિર કરીને એમણે આગળ ચલાવ્યું, "એમના દ્વારા મેં જાણ્યું હતું કે અહીં કેવા કેવા વહીવટ મારા પુરોગામી સાહેબોના સમયમાં ચાલતા હતા. સરકાર જે પગાર આપે છે એ તો વાપરવો જ ન પડે એટલી આવક તો આ ઓફીસ 'ઉપરથી' મેળવે છે નહિ? તમે બધા વર્ષોથી આ કરી રહ્યા છો. ગરીબ, અભણ કે ભણેલા અને લાચાર લોકોને ધક્કા ખવડાવી ખવડાવીને કેમ ખંખેરવા એની અગણિત કલાઓ આપ સૌ જાણો છો. આ ઓફિસના પટ્ટાવાળા અને ગાડીનો ડ્રાઈવર પણ પોતાને અડધો સાહેબ સમજતો ફરે છે એ હું જાણું છું."

મેડમે પેલા બંને તરફ ફરી કડકાઈથી
જોયું. બેમાંથી એકેય નજર મેળવી શકે એમ નહોતા.

"પણ આજથી એ બધું ભૂતકાળ બની ગયું. અહીં પોતાના કામ માટે આવનારને કોઈપણ પ્રકારે સતામણી થતી મારા ધ્યાનમાં આવશે તો નોકરી ગઈ સમજજો. હું ભ્રષ્ટાચારની સખત વિરોધી છું. લીગલ કામ કરી આપવું એ આપણી સૌની ફરજ છે. ઈલીગલને લીગલ બનાવી, પૈસા એંઠવાની આદત ભૂલી જજો. દરેક જણ એના કામમાં ચોક્કસ હોવો જોઈશે. કામ સમયસર અને ચોખ્ખું હોવું જોઈશે. કોઈની સાથે મારે અંગત અદાવત નથી, પણ કામમાં ઓગણીસ-વીસ પણ હું ચલાવીશ નહિ. કોઈને એની ફરજ યાદ ન દેવડાવવી પડે એ વાતનું ધ્યાન રાખવું. મારી આગળ ચમચાગીરી કરવા કોઈએ આવવું નહિ. નાવ યુ કેન ગો.."

બધા મેડમના સત્તાવાહી હુકમને તાબે થઈ પીઠ ફર્યા. 'અંદરોઅંદર કોઈને પણ, મારા વિરુદ્ધ ગપસપ કરતા જોવાનું મને નહિ ગમે.' એ શબ્દો દરેકની પીઠ પર જાણે ધક્કો મારતા હોય એમ પડ્યા!

ચંદુ અને અરજણ બહાર નીકળીને એકબાજુ ઊભા રહ્યા. બંને કંઈ વાત કરે એ પહેલાં મેડમને આવતા જોઈ બીડીના ઠૂંઠાનો ઘા કરીને અરજણ ગાડીનો દરવાજો ખોલવા ધસ્યો.

"આટલી ગંદી ગાડી? તું આખો દિવસ ઝખ મારે છે? ચાલ અત્યારે ને અત્યારે ગાડી ધોઈને સાફ કરી નાખ. એકપણ ડાઘો રહી ગયો તો નોકરીમાંથી ગયો સમજજે!" નવા મેડમ ગુસ્સે થઈ ગયા.

અરજણે નજર ઊંચી કરી, 'તું..?' બીજી જ સેકન્ડે એ તુંકારો ગળી ગયો. 'સોરી મેડમ. જી મેડમ..એકેય ડાઘ નહિ રહેવા દઉં.'

માથે ઊભા રહી ધર્મિષ્ઠામેડમે અરજણ પાસે આખી ગાડી લૂછાવી.
પછી ગાડીમાં બેસીને ગાડી ચલાવતા અરજણને કહ્યું, "અરજણ, તારો આભાર માનું એટલો ઓછો છે. આજે હું જે કંઈ છું એ તારા પ્રતાપે જ છું."

અરજણ કંઈ સમજ્યો નહિ. જે તોરમાં મેડમ બનેલી ધમુએ ગાડી સાફ કરાવી હતી એ જોતાં તો એને ડર પેસી ગયો હતો કે હવે એનું આવી બનવાનું! પતિ હતો ત્યારે બેરહેમીથી ત્રાસ આપ્યો હતો. એકએક વાતનો બદલો લીધા વગર આ બાઈ રહેવાની નથી એમ સમજી એ ધ્રુજી રહ્યો હતો!

"જી..જી..મેડમ." પરાણે એટલા શબ્દો એના મોંમાંથી નીકળ્યા.

"તેં મને પ્રેમથી સાચવી લીધી હોત તો હું આગળ ભણી ન શકત. તારા ત્રાસને કારણે હું ભાગી હતી. પછી મારા બાપાએ મને ભણાવી. હવે તું સુધરી જજે. બધી ધમુડિયું ધર્મિષ્ઠા બની શકે એવી હોતી નથી. નવું બયરું ઘરમાં બેસાડ ત્યારે એને મારી પાસે લઈ આવજે. એની એકપણ ફરિયાદ હશે તો તું ગયો કામથી એ નક્કી જાણજે. ખાલી નોકરીમાંથી જ નહીં કાઢું, જેલમાં પણ પુરી દઈશ સમજ્યો? ચાલ હવે ગાડી ચલાવવામાં ધ્યાન આપ. અને ગંદી ગાડી મને ગમતી નથી એ યાદ રાખજે."

અરજણ પણ મેડમની આંખ ઓળખી ગયો.

સાતઆઠ ચોપડી ભણેલા, સમાજના બે છોકરામાંથી એક પટ્ટાવાળો હતો ને બીજો ગાડીનો ડ્રાઈવર હતો. એ બંને ક્યારેક એ સમાજની ભણેલી, એ જ છોકરીના વર હતા!

તોય ચોરે બેઠેલા ડોસાડગરાં કહે છે કે ધમાની છોડી ભણીગણીને મડમ બની. પણ ઈનો હાથ કોણ ઝાલશે? છોડીયુંને ભણાવાય તો નય જ હો!

ડોસા ડગરા વાતો કરતા રહ્યાં. જે સમાજમાં ભણેલા છોકરાં મળતા ન હોવાનું મનાઈ રહ્યું હતું એ જ સમાજમાંથી મામલતદાર થયેલી છોકરી માટે લાયક છોકરાઓના માગા પણ આવવા માંડ્યા. પણ આ વખતે ધમુએ જ રીજેક્ટ કર્યા.

આખરે બે વર્ષ પછી જ્ઞાતિનો ઈન્સ્પેકટર થયેલો છોકરો ધર્મિષ્ઠાને પરણી ગયો. ધમાની છોકરી મામલતદાર અને જમાઈ પોલીસ ઈન્સ્પેકટર હતા. તોય વાસવાસીઓ વાતો કરતા કે કેવડી થઈ ત્યારે વળી એક મળ્યો! એની હાર્યની છોડીયુના ભાણીયા તો પૈણાવે એવડા થયા છે. ભાય, તમે ગમે ઈમ કયો પણ છોડીને ભણાવાય તો નય જ!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ