વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રસોઈ

વાર્તા : રસોઈ   

‘લાભુબેન, તમે કાંઈ જોયું?’ રંજન બોલી.

‘શું જોવા જેવું છે?’  

‘તમારો મુરતિયો આવે છે.’

‘બે છોકરાંની મા થઈ ગઈ છું. ભાભી, હવે મુરતિયો કેવો ને વાત કેવી?’

‘અરે પણ જુઓ તો ખરાં. તમારી તરફ જ નજર નાખતો આવે છે.’ 

લાભુએ જોયું ને તરત જ નજર ફેરવી લીધી. એનાથી હસી પડાયું. એ બોલી, ‘તમેય શું ભાભી, મારી મજાક ઉડાવો છો.’

‘પણ જુઓ તો ખરાં. વારેવારે તમારી તરફ જ નજર નાખે છે.’

રંજનની વાત સાવ ખોટી નહોતી. ઘનશ્યામ શેઠ એમના ઓળખીતાઓ સાથે લાભુ અને રંજન જે તરફ બેઠાં હતાં એ તરફ જ આવી રહ્યા હતા. તેઓ વાતો કરતાં કરતાં વારેવારે લાભુ તરફ નજર નાખતા હતા. આ વાત રંજનના ધ્યાનમાં આવી ગઈ હતી.

ઘનશ્યામ શેઠ તેઓ એ વાતનું પણ ધ્યાન રાખી રહ્યા હતા કે બધાંને જમવાનું વ્યવસ્થિત રીતે મળી રહે. જેને ત્યાં પ્રસંગ હતો એ એમના ખાસ મિત્ર હતા. કેટરર ઘનશ્યામ શેઠનો પરિચિત હતો તેથી ઘનશ્યામ શેઠ પીરસનારાઓને હકથી સૂચનાઓ આપતા હતા.

લાભુના ફોઈના દીકરાના લગ્નપ્રસંગે ભવ્ય રિસૅપ્શન હતું. લાભુ અને રંજન હાજરી આપવા આવ્યાં હતાં. એ જ પ્રસંગમાં ઘનશ્યામ શેઠ પણ આવ્યા હતા. જમણવાર જામ્યો હતો. લાભુ અને રંજન પણ પ્રસન્ન ચિત્તે જમી રહ્યાં હતાં. આમ તો બુફે હતું. જેમને જે વાનગી જોઈતી હોય એ જાતે જ કાઉન્ટર પર જઈને લઈ આવતા હતા. વિશેષમાં કેટરર દ્વારા જમનારાઓને બેસવા માટે ટેબલખુરશીની અને પીરસનારાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

બધી લેણાદેવી, સમજદારીની અને પરિસ્થિતિને સ્વીકારી લેવાની વાત છે. વર્ષો પહેલાંની ઘટનાને યાદ કરીને લાભુ અને ઘનશ્યામ શેઠ નરવું નરવું હસી લેતાં હતાં. એમની જગ્યાએ બીજાં હોય તો મોઢાં ચડાવે, આંખોમાં નફરત લાવે, મનમાં કડવાશ લાવે, ભલાં હોય તો રસ્તો પણ બદલાવી નાખે. લાભુ અને ઘનશ્યામ એકબીજાંને જોઈને વિચલિત નહોતાં થઈ જતાં. આ રીતે લાભુ અને ઘનશ્યામ શેઠ  વિશિષ્ટ હતાં.    

વર્ષો પહેલાં ઘટના એવી ઘટી હતી કે લાભુ અને ઘનશ્યામ વચ્ચે સગપણની વાત ચાલી હતી. ત્યારે ઘનશ્યામ હજી ઘનશ્યામ જ હતો, શેઠ બન્યો નહોતો.  

પહેલાં ઘનશ્યામ લાભુને ત્યાં આવ્યો હતો. લાભુના ઘરે એક નાનકડા ઓરડામાં મુલાકાત ગોઠવાઈ હતી. અભ્યાસ ક્યાં અને કેટલો કર્યો, શાનો શોખ છે, ફલાણા ફલાણાને અમારા ઓળખીતા છે, એવી એવી ટૂંકી વાતો શરમાતાં શરમાતાં થઈ હતી. ઘનશ્યામે લાભુને ખાસ પૂછ્યું હતું, કે તને રસોઈ બનાવતાં આવડે છે ને? લાભુએ હા પાડી હતી.

પોતપોતાનાં સપનાં વિષે કશી ચર્ચા થઈ નહોતી. એવી ચર્ચા થાય એવો જમાનો હજી આવ્યો નહોતો.  જેમના સગપણની વાત ચાલતી હોય એ છોકરાછોકરી ઘરની બહાર મળે એવી ક્રાંતિ હજી થઈ નહોતી.  એમને વડીલોની ચોકીદારી હેઠળ ઘરમાં જ એકાદ ઓરડામાં મળવાની તક આપવામાં આવતી હતી. એ મુલાકાત પણ સાવ અંગત નહોતી રહેતી. કોઈને કોઈ ડોકિયાં કરતુ રહેતું. પંદરવીસ મિનીટ થાય ત્યાં તો સમય સમાપ્તિની ઘોષણા થઈ જતી હતી. ઠેકાણું બતાવનાર, વડીલોની ઇચ્છા, પરિવારની છાપ, છોકરાછોકરીની ગોઠવાઈ જવાની શક્તિ અને નસીબ પર બધું આધારિત હતું.

ઘનશ્યામને લાભુ ગમી હતી. લાભુના ભાડાના ઘર સાથે એને મતલબ નહોતો. લાભુના પરિવારની આર્થિક સ્થિતિ સાથે એને મતલબ નહોતો. લાભુને પણ ઘનશ્યામ ગમ્યો હતો, પરંતુ એકલો મુરતિયો ગમે શું વળે? મુરતિયાનું ઘર પણ ગમવું જોઈએ ને? જે ઘરમાં જિંદગી કાઢવાની હોય એ ઘરને અને એ ઘરમાં રહેનારાંઓને જોવાં તો પડે ને? પછી લાભુ એના મમ્મીપપ્પા સાથે મહાવીર પાર્કમાં ઘનશ્યામનું ઘર જોવા ગઈ હતી.  

ઘનશ્યામનો પરિવાર મધ્યમ વર્ગનો હતો. ખાધેપીધે સુખી હતો. પરંતુ ઘરમાં સભ્યો ઝાઝા હતા. કુલ આઠ સભ્યો. ઘનશ્યામ, એનાં માબાપ, એની ચાર નાની બહેનો અને એક નાનો ભાઈ.  

લાભુએ આટલા બધાની રસોઈ બનાવવાની થાય. મહેમાનો આવે ત્યારે જવાબદારી વધે પણ ખરી. રસોઈ સિવાયની જવાબદારી પણ ખરી. વળી, ઘનશ્યામને મસાલાનો ધંધો હોવાથી ઘરે ધંધાની પળોજણ પણ ખરી. ઘરમાં પણ મરીમસાલાની ગંધ આવતી હતી.

વડીલોની કૃપાથી છોકરાછોકરી વચ્ચે ફક્ત બે વખતની મુલાકાત થાય એવું નક્કી થયું હતું. પહેલી  મુલાકાત લાભુના ઘરે થઈ ગઈ હતી. બીજી અને છેલ્લી મુલાકાત ઘનશ્યામના ઘરે ગોડાઉન જેવા એક ઓરડામાં ગોઠવાઈ હતી.

બસ, પહેલી મુલાકાત વખતે થઈ હતી એવી જ વાતો ફરીથી થઈ હતી. જોકે, આ મુલાકાતમાં  ઘનશ્યામે લાભુને મસાલાના ધંધા વિષે સારી એવી જાણકારી આપી હતી.

મુલાકાત પૂરી થયા પછી  વડીલો તરફથી તરત જ લાભુ પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. વળી, એ જવાબ ‘હા’માં જ હોય એવી વડીલોની અપેક્ષા હતી.

પરંતુ લાભુએ તરત જ જવાબ આપ્યો નહોતો. ઘરે આવીને એણે એની મમ્મીને કહ્યું હતું, ‘મમ્મી, ઘરમાં માણસો સમાતા નથી. છોકરો સારો છે. પરિવાર સારો છે, પણ મારી પણ મર્યાદા છે ને? તમે મને  રસોઈ બનાવતાં તો શીખવાડ્યું છે એટલે હું બેચારની રસોઈ બનાવી શકું, પણ આઠદસ જણની  જવાબદારી મારાથી નહિ લેવાય. મારે ખેંચાવું પડશે. ભલે સામાન્ય ઘર હોય, ભલે એક રૂમ રસોડું હોય, ભલે મોટો ધંધો ન હોય, ભલે ઘરેણાં પહેરવાં ન મળે, પણ પરિવાર નાનો હોવો જોઈએ.’

મમ્મીએ લાભુને બહુ સમજાવી હતી, પણ લાભુ માની નહોતી. લાભુના પપ્પાને લાભુની ઇચ્છાની ખબર પડી તો એમણે કહી દીધું કે, ‘દીકરીની ઇચ્છા વિરુદ્ધ નિર્ણય નથી લેવો. જે થશે તે જોયું જશે.’ 

વાત આગળ વધી નહોતી. સગાંવહાલાંએ ગોઠવેલો માંચડો તૂટી પડ્યો હતો. વડીલો નારાજ પણ થઈ ગયા હતા. એમનું માનવું હતું કે લાભુ માટે આ ઠેકાણું સારું હતું. થોડા વરસ કામ કરવું પડત, પછી તો શેઠાણી થઈને રહેત.

પછી તો બંનેને ગમતાં ઠેકાણાં મળી ગયાં હતાં. બંને પોતપોતાની જિંદગીમાં ગોઠવાઈ ગયાં હતાં.

આવું તો ઘણાંની જિંદગીમાં બનતું હોય છે. એકબીજાંને મળે, વાતો કરે, એકબીજાંનાં ઘર જુએ, કુંડળીઓ પણ મેળવે અને પછી આગળ ન વધે. જિંદગીમાં ફરીથી મળવાનું ન થાય અને થાય તો બંને જણાં નજર ફેરવી લે. જેનો અસ્વીકાર થયો હોય એના મનમાં કડવાશ પણ રહે.

પરંતુ, ઘનશ્યામ પહેલેથી જ ઉદાર મનનો માણસ. એણે પણ પહેલેથી જ સવળું લીધેલું કે, ‘સારું થયું કે છોકરીએ પહેલેથી જ જવાબદારી લેવાની ના પાડી દીધી. લગ્ન પછી હાથ અધ્ધર કર્યા હોત તો? સલવાણી ગરબે રમત ને?’

ઘનશ્યામની આવડત અને એના મળતાવડા સ્વભાવના કારણે એનો ધંધો વધ્યો હતો અને પછી તો ઘનશ્યામ શેઠ તરીકે ઓળખાવા લાગ્યો હતો.   .    

ઘનશ્યામ શેઠ લાભુ અને રંજનના ટેબલની નજીક આવ્યા. એમણે પીરસનારાઓને બોલાવીને લાભુ અને રંજનને સારી રીતે જમાડવાની સૂચના આપી.

ઘનશ્યામ શેઠ થોડા દૂર ગયા ત્યારે રંજને ધીરેથી લાભુને કહ્યું, ‘જોયું ને? તમારું કેટલું ધ્યાન રાખે છે! પણ એમાં એમનોય વાંક નથી. લાભુબેન, તમે હજી પણ એવાં જ લાગો છો જેવાં એ વખતે હતાં.’

‘બસ કરો ભાભી.’ એવું કહેતાં કહેતાં લાભુ હસી પડી. રંજને પણ એને હસવામાં સાથ આપ્યો. દૂર ગયા પછી પણ લાભુ તરફ નજર નાખી રહેલા ઘનશ્યામ શેઠના ચહેરા પર પણ હાસ્ય પ્રગટી ગયું.

લાભુ અને રંજન વચ્ચે બે સખીઓ વચ્ચે હોય એવો સંબંધ હતો. એકબીજાંને પોતાની અંગત વાત પણ કહી શકતાં હતા. રંજન પહેલેથી જ બોલકી હતી. સ્વભાવે ખુશમિજાજી હતી. એણે લાભુના જીવનમાં પણ રસિકતાનો રંગ ઉમેર્યો હતો.

‘ભાભી, તમને પણ કાટ નથી લાગ્યો. મારા ભાઈએ તમને જ્યારે પસંદ કર્યાં હતા ત્યારે તમે જેવા હતાં એવાં જ આજે છો.’ લાભુએ વળતો ઘા કર્યો.

‘તમરા ભાઈની વાત જ જવા દો. મારો મૂડ ન બગાડશો.’

‘કેમ? કશી તકલીફ જેવું છે?’

‘તકલીફ તો રોજની છે.’

‘કેવી તકલીફ?’

‘એ જ કે તમારા ભાઈ વારેવારે શંકા કર્યાં કરે છે.’

‘કેવી શંકા?’

‘ઘણાય મને લાઇન મારે છે એવી શંકા.’

‘હે ભગવાન!’

‘હવે તમે જ કહો. હું પણ તમારી જેમ બે મોટાં છોકરાંની મા છું કે નહિ? મારી પણ ઉમર તો થઈ ગઈ છે ને?’    

‘પણ તમે હજી ઉમર થઈ ગઈ હો એવાં લાગતાં નથી હો ભાભી. પછી મારા ભાઈનો શું વાંક?’

‘હવે તમે બસ કરો હો.’ રંજને લાભુના મોઢા પર હાથ મૂકી દીધો.

‘કેમ? બોલવું સારું લાગે છે. સાંભળવું વસમું લાગે છે?’

એ જ વખતે શેઠાણી પણ પધાર્યાં. ઘનશ્યામ શેઠનાં પત્ની, શારદાગૌરી. શેઠાણીને શોભે એવો જ દેહ, એ દેહને શોભે એવાં જ વસ્ત્રો અને ઘરેણાં અને આ બધાંને સાર્થક કરે એવો સ્વભાવ! હસમુખો અને ઉદાર સ્વભાવ! કોઈ ઓળખીતાં  હોય કે ન હોય, પણ બધાંને ‘જય શ્રી કૃષ્ણ’ કહેતાં કહેતાં તેઓ લાભુ અને રંજન પાસે પહોંચ્યાં. એમણે લાભુ અને રંજનને પણ ‘જય શ્રી કૃષ્ણ’ કર્યાં અને ઘનશ્યામ શેઠ તરફ આગળ વધ્યાં.

‘લાભુબેન, ત્યારે તમે ના ન પાડી હોત તો તમે પણ અત્યારે શેઠાણી હોત.’ રંજન બોલી.

‘ભાભી, મને જરાય અફસોસ નથી. એ વખતે મેં સમજીવિચારીને જ ના પાડી હતી. ઘરમાં કોઈને મારો નિર્ણય ગમ્યો નહોતો, પણ એ મારો જ નિર્ણય હતો. મારાથી ઝાઝા માણસોની રસોઈ થાય એમ નહોતી.’

થોડી વાર મૌન રહ્યા પછી એ બોલી, ‘મને જેવું જોઈતું હતું એવું જ ઠેકાણું મળ્યું છે. નાનો પરિવાર મળ્યો છે. સ્વતંત્રતા મળી છે. લગ્ન પછી જેટલું ફરાય એટલું ફરી લીધું છે. શાંતિથી જીવ્યાં છીએ. એ વાત અલગ છે કે મારે અત્યારે પંદર માણસોનાં ટિફિન બનાવવાં પડે છે, પણ બધી નસીબની વાત છે.’

લાભુએ પણ હસીને જ જવાબ આપ્યો, પરંતુ એનાં હસવામાં રહેલું દર્દ રંજનથી અસ્તું ન રહ્યું. 

લાભુને એની પસંદગી મુજબ જ ઠેકાણું મળ્યું હતું. વસંત વીમા એજન્ટ હતો. દેખાવડો અને હોશિયાર હતો. એકલો જ રહેતો હતો. એનાં માબાપ ગામડે રહેતાં હતાં. એમને શહેરમાં આવવું નહોતું. ભાડાનું નાનકડું ઘર હતું, પરંતુ લાભુને પૂરી સ્વતંત્રતા હતી. બે જણની જ રસોઈ બનાવવાની. દર રવિવારે બગીચામાં જવાનું અને લારી પર ખાઈ લેવાનું. મહિનામાં એકાદ વખત ફિલ્મ જોવા જવાનું. ન દિવસે કોઈ ટોકનાર કે ન રાત્રે કોઈ રોકનાર. એકબીજાંને ખુશ રાખવામાં તેઓ કોઈ જાતની કસર રાખતાં નહોતાં. લગ્નજીવનની શરૂઆતમાં જ આવું વાતાવરણ મળે તો પછી બીજું શું જોઈએ?  

બે સંતાનો થયાં હતાં. મોટી દિવ્યા અને નાનો રવિ. સંતાનો મોટાં થયાં પછી જવાબદારી વધી હતી. વસંતની એકલાની કમાણી કમાણી ઓછી પાડવા લાગી હતી. ઘર બહુ જ કરકસરથી ચલાવવું પડતું હતું. મોંઘવારી અને ખર્ચા વધવા લાગ્યાં ત્યારે લાભુએ પણ કમાવું પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી હતી. લાભુનો અભ્યાસ એવો નહોતો કે એને વધારે પગારવાળી નોકરી મળે. વળી, એ નોકરી કરવા જાય તો બે છોકરાં કોણ ઉછેરે? ઘરનાં કામ કોણ કરે? બહુ વિચારવિમર્શ અને અનુભવી સગાંઓની સલાહ પછી નક્કી થયું હતું કે લાભુ ટિફિનો તૈયાર કરે અને ઘરાકોને પહોંચાડે.

લાભુએ ટિફિનો તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. એણે ઘરાકોને ટિફિનો પહોંચાડવા માટે શામળ નામના એક છોકરાને નોકરી પર રાખી લીધો હતો.  

લાભુની મહેનતના પરિણામે જ દિવ્યા અને રવિ સારું ભણી શક્યાં હતાં. નાનું તો નાનું પણ ઘરનું ઘર થઈ ગયું હતું. દિવ્યાના લગ્ન પણ સારી રીતે કર્યાં હતાં. રવિની પણ ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ હતી. એની ટ્રેનિંગ પૂરી થાય પછી તો એનો પગાર પણ ચાલુ થઈ જવાનો હતો. રાહતના દિવસો દૂર નહોતા.   

પરંતુ લાભુને હવે હવે થાક લાગતો હતો. દિવ્યા સાસરે નહોતી ગઈ ત્યાં સુધી મદદ કરતી હતી. રવિ પણ એનાથી બનતી મદદ કરતો હતો, પરંતુ લાભુ રવિના અભ્યાસ પર અસર ન થાય એનું પણ ધ્યાન રાખતી હતી. વસંત તો પહેલેથી જ જરાય મદદ કરતો નહોતો. હવે તો એ પાનખર જેવો થઈ ગયો હતો. એને હવે બગીચે જવાનું ગમતું નહોતું. ફિલ્મોમાં રસ પડતો નહોતો. એ માત્ર ને માત્ર વીમાની પોલીસીઓ વેચવામાં રચ્યોપચ્યો રહેતો હતો. બીજાને જીવન સુખમય બનાવવાના પ્લાન બતાવનાર પાસે પોતાનું જીવન સુખમય થાય એવા પ્લાન વિષે વિચારવાનો પણ સમય નહોતો.

‘લાભુબેન, ઝાંખા ન થાઓ. બધું સારું થઈ જશે. તમારો રવિ પણ કમાતો થઈ જવાનો છે. તમારી કસોટી પૂરી થવામાં જ છે.’

‘એ તો છે જ, પણ...’

‘બોલો. શું કહેવા માંગો છો?’

‘વસંતનો સ્વભાવ સાવ ખોચરો થઈ ગયો છે.’ કહેતાં કહેતાં તો લાભુની આંખો ભીની થઈ ગઈ.  

‘જવાબદારીના લીધે એવું થાય. રવિ કમાતો થઈ જશે એટલે બધું બરાબર થઈ જશે. તમારે પણ ટિફિનો નહિ બનાવવા પડે.’

‘ભાભી, મને તો મારું જીવન લિમિટેડે ભાણા જેવું લાગવા માંડ્યું છે. જીવનમાં બધું જ માપસરનું જ મળતું હોય એવું લાગે છે.’ 

‘મળશે, બધું જ અનલિમિટેડ મળશે. હજી જિંદગી ક્યાં પૂરી થઈ ગઈ છે.’ 

ઘનશ્યામ શેઠની સૂચનાનું પાલન કરતા હોય એમ પીરસનારાઓ વારેવારે લાભુ અને રંજનને પીરસવા આવી જતા હતા. એમને ના પાડવામાં ખાવાનું રહી જતું હતું તેથી રંજને પીરસનારાઓને કહ્યું, ‘હવે જોઈતું હશે તો અમે  જાતે લઈ આવીશું. તમે ન આ આવો તો ચાલશે.’

થોડી વાર થઈ ત્યાં તો ઘનશ્યામ શેઠે પીરસનારાઓને ફરીથી મોકલ્યા.

‘લાભુબેન, આજે તો એવું લાગે છે કે તમારો મુરતિયો શાંતિથી જમવાય નહિ દે.’

‘પીરસનારાઓ ઘરે ન આવે તો સારું.’

લાભુની એ વાત પર રંજનને એટલું હસવું આવ્યું કે એ ઓતરાઈ ગઈ.

એ જોઈને ઘનશ્યામ શેઠે પાણી મોકલાવ્યું.

‘હવે બોલવાનું બંધ. જમવામાં ધ્યાન આપીએ.’ રંજન બોલી.

‘ભલે.’ 

ત્યાં તો લાભુબેનના કાકાના દીકરા ભાઈ થાય એવા બટુકભાઈ આવી પહોંચ્યા. બટુકભાઈ સેલ્સમેન હતા. દુકાને દુકાને જુદી જુદી ‘મજેદાર’ કંપનીની ચોકલેટ અને પીપરમેન્ટ પહોંચાડવાનું કામ કરતા હતા. તેઓ કામકાજમાં ઝડપી હતા અને બોલવામાં પણ ઝડપી હતા.  તેઓ માનતા હતા કે, ‘ઝડપનું બીજું નામ જાદુ.’      

‘જય શ્રી કૃષ્ણ લાભુબેન.’ બટુકભાઈ બોલ્યા.

‘જય શ્રી કૃષ્ણ ભાઈ.’

‘કેમ છો  બધાં?’

‘મજામાં.’

‘ટિફિનનું કેવું ચાલે છે?’

‘સારું ચાલે છે. ચારપાંચ ઘરાકો તો તમે જ મેળવી દીધા છે.’

‘હા, ટિફિનનું એક ઘરાક તો આ સામે દેખાય.’ બટુકભાઈ બોલ્યા.

‘કોણ?’

‘આ પેલા ઘનશ્યામ શેઠ. તમે એમને ટિફિન પહોંચાડો છો તોય નથી ઓળખતાં?     

‘એમને ત્યાં મારું ટિફિન નથી જતું.’

‘કેમ? તમારો માણસ એમને રોજ ટિફિન તો પહોંચાડે છે. મેં જ તો તમને ફોનથી એમેનું એડ્રસ આપ્યું હતું અને રોજ  બે જણનું ટિફિન પહોંચાડવાનું કહ્યું હતું.’

‘કયું એડ્રસ?’

‘બત્રીસ, શાંતિકુંજ સોસાયટી. ગાંધીબાગ પાસે.’

‘હા, ત્યાં તો રોજ ટિફિન જાય છે. એ એમનું ઘર છે?’

‘હા. એ લોકો પહેલાં મહાવીર પાર્કમાં રહેતાં હતાં. મોટો પરિવાર હતો. ચાર બહેનો અને બંને ભાઈઓનાં લગ્ન થઈ ગયાં પછી બંને ભાઈઓ જુદા થયા. મહાવીર પાર્કનું મકાન નાના ભાઈના ભાગે ગયું. ઘનશ્યામ શેઠ શાંતિકુંજ સોસાયટીમાં રહેવા ગયા. એમનાં બા અને બાપુજી મોટા ભાગે ઘનશ્યામભાઈને ત્યાં જ રહેતાં હતાં. એમના ગુજરી ગયાં પછી તો પરિવાર સાવ નાનો થઈ ગયો. બાકી હતું તે ઘનશ્યામભાઈના બને દીકરા અમેરિકામાં સેટ થઈ ગયા. બાકી રહ્યાં શેઠ અને શેઠાણી. શેઠાણીને બીપી રહે છે એટલે રસોઈ બનાવામાં તકલીફ થતી હતી. રસોઈ બનાવવા માટે એક બાઈ રાખી હતી, પણ એ બહુ ગુલ્લા પાડતી હતી. એટલે એમણે ટિફિન બંધાવવાનું નક્કી કર્યું. કોઈ વ્યવસ્થિત ટિફિન પહોંચાડે એ માટે એમણે મને વાત કરી. મેં તમને એમના એડ્રસ પર ટિફિન પહોંચાડવા માટે ફોન કર્યો. ઉતાવળમાં નામ આપવાનું રહી ગયું. વાંધો નહિ. હું હવે ઓળખાણ કરાવીશ. બહુ મજાના માણસ છે.’ બટુકભાઈએ ઝડપથી ઘનશ્યામ શેઠની જીવનગાથા કહી દીધી.

બટુકભાઈએ લાભુને ઘનશ્યામભાઈની જીવનગાથા તો કહી તો દીધી, પરંતુ એમને ખબર નહોતી કે લાભુબહેન અને ઘનાશ્યામ શેઠ વચ્ચે વર્ષો પહેલાં મુલાકાત થઈ હતી અને ત્યારથી તેઓ એકબીજાથી પરિચિત હોવા છતાં અપરિચિત છે.

પોતે શામળ દ્વારા જે એડ્રસ પર ટિફિન પહોંચડે છે એ એડ્રસ ઘનશ્યામ શેઠનું છે એ જાણ્યા પછી લાભુના મગજને આઘાત અને નવાઈનો બેવડો માર પડ્યો. કોઈ કાલ્પનિક કથામાં જ બને એવી ઘટના બની હોવાથી એને સમજ ન પડી કે શું બોલવું.

‘હું એક કામ કરું. પહેલાં ઘનશ્યામ શેઠને મળી લઉં પછી એમની સાથે તમારી ઓળખાણ કરાવું છું.  ઘનશ્યામ શેઠ ખરેખર મળવા જેવા માણસ છે. શારદાગૌરી તો એમનાથી પણ સવાયા છે.’ એવું ઝડપથી કહીને બટુકભાઈ ઝડપથી ઘનશ્યામ શેઠ તરફ ગયા.

લાભુનું મગજ ફેરફૂદરડી ફરવા લાગ્યું હોવાથી એણે પોતાના કપાળે હાથ મૂકી દીધો એ જોઈને રંજન પોતાના મોં પર હાથ રાખીને હસવા લાગી.

‘યે ક્યા હો રહા હૈ’? રંજન બોલી.’ 

‘ભાભી, જિંદગીમાં નસીબ જેવું તો કાંઈક છે જ હો. હું આઠ જણની રસોઈ બનાવવા તૈયાર નહોતી પણ મારે અત્યારે કુલ અઢાર જણની રસોઈ બનાવવી પડે છે. અને આ ઘનશ્યામ શેઠના નસીબમાં મારા હાથની રસોઈ જમવાનું લખ્યું જ હશે એટલે રોજ જમે છે.’ લાભુ હળવી થતાં થતાં બોલી.  

‘તમારી વાત સાચી છે. બાકી, આ શહેરમાં ટિફિન બનાવનારાઓ ક્યાં ઓછા છે? આ તો એવું થયું કે ટિફિન ટિફિન પર લિખા હૈ ખાનેવાલે કા નામ.’  

લાભુ અને રંજન જમવાનું પૂરું કરે તે પહેલાં તો શારદાગૌરી એમની પાસે આવ્યાં. એમણે લાભુને કહ્યું, ‘મને તો હમણાં બટુકભાઈએ કહ્યું ત્યારે ખબર પડી કે અમારે ત્યાં ટિફિન તમે મોકલાવો છો.’

‘મને પણ હમણાં જ ખબર પડી કે મારું ટિફિન તમારે ત્યાં આવે છે.’ લાભુએ કહ્યું.

‘બેન, તમે રસોઈ બહુ જ સરસ બનાવો છો. અમને તો બહુ જ માફક આવી ગઈ છે. તમે એક કામ કરશો?’

‘બોલો.’

‘તમે અમારી ઘરે રસોઈ બનાવવા આવશો?’  

[સમાપ્ત]  

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ