વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઢિસ્કિયાઉં..!

“રાક્ષસ છે તું, રાક્ષસ...! ક્યાંય નિરાંત નહીં મળે તને.” પોતાને ગાળો આપી રહેલી એ સ્ત્રીના કપાળ પરથી લોહી વહી રહ્યું હતું. એનો ચેહરો આખો રક્તરંજિત થઈ ગયેલો. પોતાના જીવ માટે કરગરવાનું તો એ સ્ત્રીએ થોડી મિનિટોથી બંધ કરી નાખેલું. જીવ બચાવવાના નિરર્થક મરણિયા પ્રયાસો પણ એણે બંધ કરી નાખેલા. એ જાણતી હતી કે આ એની છેલ્લી ક્ષણો છે. પોતાના પરિવારજનોને યાદ કરી લીધા પછી હવે એ એને શ્રાપ આપી રહી હતી. અને શા માટે નહીં? એ સ્ત્રીની આવી હાલત માટે જવાબદાર તો પોતે જ હતો ને!

જો કે આ બધી વાતોથી એને આજ સુધી કોઈ દિવસ ફરક નહોતો પડેલો. એનું કામ હતું એ. જીવ લેવો – ક્યારેક તડપાવી ને, ટોર્ચર કરી ને તો ક્યારેક સીધેસીધું જ. જેવો કોન્ટ્રાક્ટ. પણ આજે એને ક્યાંક ક્યાંક અંદર ઊંડેથી જાણે કૈંક ડંખી રહ્યું હતું.

આવું તો કદાચ બહુ પહેલા થયું હતું. જ્યારે પહેલી વાર એણે કોઈનો જીવ લીધેલો. એ પછી તો કૈંક કેટલાય જીવોને એણે સ્વધામ પહોંચાડેલા. અને ક્યારેય એનો જીવ તરડાતો નહીં. ગેંગમાં બધા એને એટલે જ ધોની કહેતા. કેપ્ટન કૂલ. કેપ્ટન કકડી. એના ચહેરા પર સ્મિત આવી ગયું. ક્યાં એમ.એસ.ધોની અને ક્યાં પોતે?! એક પ્રખ્યાત અને એક કુખ્યાત. હા, બંનેએ કારકિર્દી લગભગ સાથે જ શરૂ કરેલી. 2004માં માહીએ પહેલી ઇન્ટરનેશનલ મેચ રમેલી અને માઈકે પહેલું ખૂન. મહત્વની મેચોમાં દબાણની પરિસ્થિતિમાં ખૂબ જ ઠંડકથી નિર્ણય લઈ શકતા પૂર્વ કપ્તાનની જેમ જ એકદમ ઠંડકથી અને ક્રૂરતાથી પોતાનું કામ કરી શકતા માઈકનું નામ કોન્ટ્રાક્ટ કિલિંગની દુનિયામાં ખૂબ આગળ પડતું હતું.

“અવગતે જશે તારો જીવ. મર્યા પછી પણ તને શાંતિ નહીં મળે.” એના ફાટેલા હોંઠ પોતે એને ખૂબ જ ફટકારેલી એની ચાડી ખાઈ રહ્યા હતા. “અકર્મી.. નરાધમ..” ઓહ! હવે તે બોર કરી રહી હતી. માઈકે બેક પોકેટમાં સ્ટાઇલથી ભરાવેલી પિસ્તોલ કાઢી. અહા! બેરેટો નેનો નામની એ પિસ્તોલ એની મનપસંદ હતી. 2011નું એ મોડેલ જ્યારથી એણે વસાવેલું, એનો એ દીવાનો બની ગયેલો. સેફ્ટી લોક ખોલીને એણે જ્યારે એ પિસ્તોલ પેલીના લમણાં પર મૂકી ત્યારે એની કોરી ધાર લાલ આંખો જાણે માઈકની આત્મા સુધી ઉતરી ગઈ.

“ઢિસ્કિયાઉં..!!!”

ગનશોટના એ અવાજ સાથે માઈકની ઊંઘ ઊડી. ઓહ! આવું સપનું?!!  માઇકનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું. ગઈ કાલે રાત્રે વધારે જ પીવાઇ ગયું હશે. એણે મનોમન વિચાર્યું. આંખો પણ સરખી ખૂલી નહોતી રહી. જેમતેમ ટેકો દઈને ઊભો થતાં એણે ધૂંધળું ધૂંધળું જોયું તો એ પોતાના ફાર્મહાઉસની ટેરેસ પર હતો. ઓહ, નો! વધારે ઢીંચવામાં ભાન નહીં રહ્યું હોય. કાલે ટેરેસ પર જ ઊંઘી ગયો હોઈશ. લથડિયા ખાતો ખાતો એ ઊભો થયો અને લોખંડની સીડી પરથી નીચે ઉતરવા લાગ્યો.

મૌસમ પણ વીફરવાની તૈયારીમાં હતી. કાળા વાદળાઓ આવવાના શરૂ થઈ ગયા હતા. ફાર્મના વૃક્ષો વરસાદની હેલીને આવકારવા તૈયાર હોય એમ લાગ્યું. આ ફાર્મહાઉસ એક જ સ્થળ હતું જે એનું પોતીકું હતું. એની ધારણા કરતાં પણ વધારે ઝડપથી આ વૃક્ષોએ વૃધ્ધિ દેખાડી હતી. અને કેમ ન હોય, એ વૃક્ષોને ખાતર તરીકે માનવ શબોથી પોષણ મળ્યું હતું! કેટકેટલાય વિક્ટિમ્સને મારીને એણે અહીં દાટયા હતા! એના ચહેરા પર ગર્વીલું સ્મિત ઉપજયું.

ફર્સ્ટ ફ્લોર પર આવેલા પોતાના લેવિશ બેડરૂમમાં જઇને માઈકે શાવર લેવાનું નક્કી કર્યું. કદાચ એનાથી કાલનો હેંગઓવર થોડો ઓછો થાય અને માથું ઉતરે. બાથરૂમમાં નાહવા જતાં પહેલા બેડરૂમની મસમોટી ફ્રેંચ વિન્ડોમાંથી માઇકની નજર ફરી ફાર્મના ઊંચા વૃક્ષો પર પડી. અરે! આ શું? આ બાળક અહીં ક્યાંથી? જાંબુડી રંગનો ટીશર્ટ અને બ્લૂ શોર્ટ પહેરીને ઉભેલો એ બાળક ફાર્મહાઉસની ટેરેસ તરફ એકીટશે કૈંક જોઈ રહ્યો હતો. કદાચ કોઈ પરિવાર આ બાજુ ભૂલું પડી ગયું હશે. શાવર લઈને ફટાફટ એમને અહીંથી ભગાડું.

બાથરૂમમાં અનાવૃત થઈને માઈકે ગરમ પાણીનું શાવર ચાલુ કર્યું. માથા પર, વાળ પર, શરીર પર પાણીની કંટ્રોલ્ડ ધાર ચાલુ થઈ, પણ હજુ એની ચામડી એ પાણીનો સ્પર્શ બિલકુલ જ અનુભવી નહોતી રહી. પીવામાં લિમિટ રાખવી પડશે. સાલું, સાબુની સુગંધ પણ વર્તાઇ નથી રહી.

શાવરથી માથું ઉતરશે એ આશા તો ઠગારી નીવડી. બાથરોબ પહેરીને બેડરૂમમાં આવેલા માઈકે વિચાર્યું. માથામાં હથોડાની જેમ વાગતા સણકા હજુ ય ચાલુ હતા. દરરોજની જેમ નાહયા પછી માર્લબોરોના કશ લેવાની ઈચ્છા પણ આજે નદારદ હતી. એ શૂન્યવત જ બેડ પર થોડી વાર પડ્યો રહ્યો. ફ્રેંચ વિન્ડોમાંથી આકાશનો ટુકડો દેખાઈ રહ્યો હતો. વાદળાઓ ખાસા એવા ઘેરાઈ ગયા હતા. કોઈ પણ સમયે આભ તૂટી પડે એવી શક્યતા હતી. પેલો બાળક? એને ફરી યાદ આવ્યું એટલે એ ઊભો થયો અને બારી પાસે આવી ઊભો રહ્યો. હજુ પણ એ એકીટશે ત્યાં જ જોઈ રહ્યો છે!! એને નવાઈ લાગી.

બારીનું શટર હળવેકથી ખોલીને એણે બાળકને બૂમ પાડી, “ઓયે..!!” પેલાને સંભળાયું હોય એવું લાગ્યું નહીં. આમ પણ એ બંગલોથી ખાસો એવો દૂર હતો. ટેરેસ તરફ એકીટશે જોયા રાખવાની એની ક્રિયામાં કોઈ ખલેલ પહોંચી નહોતી. અહીંથી કદાચ અવાજ ત્યાં નહીં પહોંચતો હોય. એણે ફરી એક વાર જોરથી બૂમ પાડી જોઈ. પરિણામ ફરી શૂન્ય! હજુ એક કોશિશ કરી જોઉં, નહિતર નીચે જઉં. એ ફરી બૂમ પાડવા જતો જ હતો કે એ બાળકે એની સામું જોયું. માઈકે બારીમાંથી હાથ કાઢી ઈશારો કરતાં બૂમ પાડી, “જતો રહે અહીં થી! કોના ભેગો આવ્યો છે? પપ્પા કે મમ્મી ક્યાં તારા?” પેલા પર કઇં અસર થઈ હોય એવું જણાયું નહીં. એક જ જગ્યાએ સ્થિર ઊભો રહીને એ ફક્ત આ બાજુ જોયા રાખતો હતો. માઇકને વધુ નવાઈ લાગી. એ બાથરૂમમાં ગયો ત્યારે પણ છોકરો લગભગ આ જ જગ્યાએ એકદમ સ્થિર ઉભેલો.

મેઘગર્જના સાથે સાંબેલાધાર વરસાદ ચાલુ થઈ ગયો. માઈકે આદતવશ જ હાથ બારીની અંદર લઈ લીધો. પણ એની નવાઈ ત્યારે વધી જ્યારે આટલા વરસાદ છતાંય પેલો છોકરો હજુ ત્યાં જ સ્થિર ઊભો રહીને આ બાજુ જોઈ રહ્યો હતો. વ્હોટ ધ હેક! માઇક અચરજથી એની સામું જોઈ રહ્યો, ત્યાં પેલા છોકરાએ ફરી માઇક તરફથી નજર હટાવીને મોઢું ટેરેસ તરફ ફેરવ્યું! અને ફરી એકીટશે ટેરેસ તરફ જોઈ રહ્યો.

નીચે જ જવું પડશે. માઇક ફટાફટ વોર્ડરોબ પાસે આવીને કપડાં પહેરવા લાગ્યો. જીન્સ અને ટૂંકું ટીશર્ટ પહેરીને એ નીચે જવા જઇ જ રહ્યો હતો કે એને યાદ આવ્યું કે રેઇનકોટ પહેરવું પડશે. ગેસ્ટ રૂમની કેબિનેટમાં પડ્યું છે. ગેસ્ટરૂમમાં પહોંચતા જ માઇકની નજર ગેસ્ટરૂમની બારીથી બહાર દેખાતા ફાર્મના બીજા ભાગ પર પડી. એને અચરજ થયું. બીજો એક અજાણ્યો વ્યક્તિ કે જે અત્યારે પોતાના ફાર્મમાં હતો! આ વ્યક્તિ બંગલોથી એટલો દૂર પણ નહોતો જેટલો પેલો છોકરો હતો. આમ તો એ કઈં ગભરાવા જેવું નહોતું કરી રહ્યો, પણ માઇકને ફાર્મમાં એકલતાની આદત હતી એટલે એને અજુગતું લાગ્યું. એ થોડો સ્વસ્થ થયો. પેલા છોકરાનો બાપ હશે? ના. પેલાના કપડાં પરથી એ પૈસાદાર ઘરનો લાગ્યો, જ્યારે આ માણસ– ઇન કર્યા વગરનું ભૂખરું ગામડિયું શર્ટ અને ડાર્ક કોફી રંગની ફોર્મલ પેન્ટ. ના, પેલા બાળકનો બાપ તો નહીં જ હોય. હા, કદાચ કેર ટેકર, ડ્રાઈવર, ગાઈડ એવું કૈંક. અચરજ ભરી વાત તો એ હતી કે આ વ્યક્તિ પણ એક જ જગા એ સ્થિર ઊભો ઊભો એક જ તરફ એકધારું જોઈ રહ્યો હતો! આ પણ ફાર્મ હાઉસની ટેરેસ તરફ....?!!  ધોધમાર વરસાદની વચ્ચે પણ એ માણસ જાણે કોઈ મુર્તિ જેવી સ્થિરતા ધરી ઊભો હતો.

“અલા ઓય..! કોણ છે તું? અહીં શું કરે છે?” માઈકે ઘાંટો પાડતા કહ્યું. અહીં પણ જવાબમાં કઇં જ નહીં. પેલાએ નજર પણ ખસેડી નહીં. “મારી પ્રોપર્ટી પરથી બહાર નીકળ, ભઈ.” માઈકે ફરી ઘાંટો પાડ્યો. એક તો આમ પણ એનું માથું ફાટફાટ થતું હતું, ઉપરથી ઘાંટા પાડવામાં લમણાની નસો વધારે ખેંચાઇ રહી હતી. પેલાને ફરી કોઈ ફેર ન પડ્યો. જ્યારે વ્યક્તિથી કઇં નક્કર થઈ ન શકતું હોય, ત્યારે તે ધૂંધવાઈ જતો હોય છે. માઇક પણ ધૂંધવાયો. બારીને ખોલીને બરાડો પાડવા જ જતો હતો કે પેલા માણસે માઇક સામે જોયું. માઇક જ્યાં હતો ત્યાં જ ઊભો રહી ગયો. પેલા વ્યક્તિની આંખમાં ફક્ત એક જ લાગણી હતી – અતિતીવ્ર ક્રોધની. ક્ષણેકમાં જ એ વ્યક્તિ ફરી મોઢું ફેરવી ફરી ટેરેસ તરફ એકીટશે જોવા લાગ્યો. માઇક જેવા ક્રૂર માણસની અંદરથી પણ ભયનું એક લખલખું પસાર થઈ ગયું.

ફરી સ્વસ્થતા ધારણ કરી એણે રેઇનકોટ કાઢીને પહેર્યું અને નીચેના ફ્લોર પર જવા સીડી બાજુ જવા લાગ્યો. ઓહ, આ સીડી પર પાણી ક્યાંથી વહી રહ્યું છે?  એનું ધ્યાન બાલ્કનીના દરવાજા તરફ ગયું જે થોડું ખુલ્લું રહી ગયું હતું અને ત્યાંથી વાછટનું પાણી આવી સીડીઓ પર વહી રહ્યું હતું. એ બાલ્કની તરફ ઝડપથી એ દરવાજો બંધ કરવા પહોંચ્યો. બાલ્કનીની બહારનું દ્રશ્ય જોઈ એ આભો જ બની ગયો. બાલ્કનીમાંથી દેખાતા ફાર્મના ભાગમાં ત્રણેક અજાણ્યા વ્યક્તિઓ એકદમ સ્થિર ઊભા રહીને બંગલોની ટેરેસ તરફ જોઈ રહ્યા હતા. એકટક, અપલક, સ્થિર..!!! શું થઈ રહ્યું છે આ બધું?  આઈ થિંક આઈ શુડ કોલ સમવન. માઈકના ધ્રુજી રહેલા હાથ પેન્ટના ખિસ્સામાં મોબાઈલને ફંફોસવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. મોબાઈલ ક્યાં રહી ગયો? ઓહ! સવારથી ધ્યાન જ નથી રહ્યું કે મોબાઈલ ક્યાં રહી ગયો. શું ટેરેસ પર જ તો નથી રહી ગયો? અરે આવા વરસાદમાં પલળી ગયો હશે તો કામ પણ નહીં કરે. માઇક હવે વિચારવા લાગ્યો કે નીચે ફાર્મ તરફ જવું કે ઉપર ટેરેસ પર. ત્યાં એને અચાનક જાણે ઝબકારો થયો. પેલા ત્રણમાંથી કદાચ એક ને એ ઓળખતો હતો. ક્યાંક તો જોયો હતો પહેલા એને. એણે ફરી બાલ્કનીમાં જઇને એ ત્રણ વ્યક્તિઓ તરફ જોયું. હા, એ ત્રણમાંથી એણે પેલા એક ને ક્યાંક જોયેલો. પણ ક્યાં?

એણે ટેરેસ પર જવું એવો નિર્ણય કર્યો. પાંચ લોકોની સામે કદાચ હું એકલો પહોંચી ન વળું. જો કે મારી બેરેટો નેનો સામે આ પાંચમાંથી કોઈ પણ ટકે એમ નથી જ. એણે બેક પોકેટમાં પડેલી પિસ્તોલ પર પ્રેમથી હાથ ફેરવ્યો. પણ કદાચ આ લોકોમાંથી ય કોઈ પાસે હથિયાર હોય તો? મદદ માટે મોબાઈલ મેળવવો જરૂરી હતો. લોઅર ટેરેસ પર પહોંચી એણે લોખંડની પેલી સીડી પરથી ટેરેસ પર જવાનું નક્કી કર્યું.

લોઅર ટેરેસનો દરવાજો ખોલતા જ વરસાદની વાછટ એના ચહેરા પર ઉડવા લાગી. ગઈકાલ સુધીની કાળઝાળ ગરમીની ઋતુ પછી આ અચાનક જ આવેલી હેલી ખૂબ આહ્લાદક હતી. પણ માઇકને એ અનુભવાય એવી પરિસ્થિતી જ ક્યાં હતી?

લોઅર ટેરેસમાંથી અપર ટેરેસની સીડી સુધી એ ચાલી રહ્યો હતો ત્યાં ફરી એની નજર ફાર્મ પર પડી. એક, બે કે ત્રણ નહીં સેંકડો માણસો!!!! કોઈ પણ વ્યક્તિની આત્મા સુધ્ધાં કાંપી ઊઠે એવું એ દ્રશ્ય હતું. થોડા થોડા અંતરે, કોઈ નજીક, કોઈ દૂર ઊભું હતું પણ બધા જ એકદમ સ્થિર. અને બધાં જ એક જ તરફ જોઈ રહ્યા હતા. ફાર્મ હાઉસની અપર ટેરેસ તરફ. એકીટશે, અપલક, અનિમેષ. માઇક અવિશ્વાસથી બધાને જોતો જ રહ્યો. પણ, આ શું? આ બાઈ તો..! આ એ જ આંખો..!! એ જ કોરી ધાર આંખો જે મને શ્રાપ આપી રહી હતી. પણ એને તો મેં મારી નાખી હતી. અને એ તો અહીં હાજરાહજૂર ઊભી છે..! અરે, હા. હવે પેલો ય ઓળખાયો...!!! બિહારીનો ભાઈ – શું નામ હતું એનું? હા, વિકાસ. સિધ્ધિવિનાયકની બહારથી એને ઉપાડેલો અને અહીં જ દાટેલો. આઠેક વર્ષ તો થયા...! તો એ આજે, અહીં..! વોટ ધ #%ક!!  માઇક દરેક વ્યક્તિને ધ્યાનથી જોવા અને ઓળખવા લાગ્યો. હા, પેલો બાળક તો.. આર.કે. ઇંડસ્ટ્રીઝવાળા લહિયાનો દીકરો જેને ત્રણ વર્ષ પહેલા એક ખંડણીના કેસમાં મારેલો..! આ દરેક તો... અત્યાર સુધીમાં મે જેને જેને ઉપર પહોંચાડયા છે એ બધા જ...!!!

અચાનક જ બધા વ્યક્તિઓએ એક સાથે જ, એકદમ યંત્રવત માઇકની સામે જોયું. દરેકની આંખો જાણે માઇકની આત્મા વીંધી રહી હતી. માઇકની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી હતી. એ થરથર ધ્રુજી રહ્યો હતો. ફરી બધા વ્યક્તિઓએ એક સાથે જ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો. હાથની પહેલી બે આંગળીઓ અને અંગૂઠાથી જાણે હાથમાં પિસ્તોલ પકડી હોય એવી મુંદ્રા કરી અને માઈકની સામે ધરી. માઈકે જો ટેરેસની રેલિંગને પકડી ન હોત તો એ ડરથી ફસડાઈ જ પડ્યો હોત એટલા એના પગ કાંપી રહ્યા હતા. એ દરેક વ્યક્તિઓએ હવે એક સાથે પોતાના એ પિસ્તોલની મુદ્રાવાળા હાથને પોતાની તરફ જ વાળ્યા. કોઈએ એ બે આંગળીઓ પોતાના લમણાં પર મૂકી, તો કોઈ એ પોતાના હ્રદય પર, કોઈ એ પોતાના પેટ તરફ તો કોઈ એ પોતાની કનપટ્ટી પર. જે વ્યક્તિને મેં જે જગ્યાએ ગોળી મારી હતી ત્યાં જ. અને એક સાથે જ બધાએ નીચલી બંને આંગળીઓથી જાણે એ પિસ્તોલનું ટ્રિગર દબાવ્યું.

 “ઢિસ્કિયાઉં..!!!”

એક સાથે જાણે સેંકડો પિસ્તોલ ગાજી ઉઠી અને એ દરેક વ્યક્તિના લોહીની પિચકારીઓથી આખું ફાર્મ રક્તરંજિત થઈ ઉઠ્યું. એક સાથે એ દરેક વ્યક્તિ જ્યાં ઊભી હતી ત્યાં જ ઢળી પડી. અને એમના લોહી વરસાદના પાણીમાં વહી ઉઠ્યા. માઇકની આંખો ફાટીની ફાટી રહી ગઈ. આ બધું શું થઈ રહ્યું છે? ચોક્કસ આ એક સપનું જ હોવું જોઇયે. માઈકે આવેશમાં આવીને રડતાં રડતાં પોતાના ચહેરા પર ચાર-પાંચ તમાચા ચોડી દીધાં. ના, એ સ્વપ્ન નહોતું. આ કલ્પના નહોતી. માઇક આગળ શું કરે એ હજુ તો વિચારતો હતો, ત્યાં તો એ બધા વ્યક્તિઓ કે જે થોડી ક્ષણો પહેલા જ ઢળી પડ્યા હતા એ બધા ફરી ઊભા થયા. હજુ એમના અંગોમાંથી લોહી વહી રહ્યું હતું, પણ જાણે એમને કોઈ જ ફરક નહોતો પડી રહ્યો. ઊભા થઈને એ બધાં માઇક સામે જોઈ રહ્યા હતા. કેપ્ટન કુલ તરીકે ઓળખાતા માઇકની હવે બધી જ કુલનેસ નદારદ થઈ ચૂકી હતી. એ ફક્ત હાંફળો ફાંફળો થઈને એ દરેક વ્યક્તિને જોઈ રહ્યો હતો. એ વ્યક્તિઓએ ફરી પોતપોતાનો હાથ ઉપર કર્યો અને અપર ટેરેસ તરફ આંગળી ચીંધી અને એ બાજુ જોવા લાગ્યા. જાણે એ માઈકને એ તરફ જવાનું કહી રહ્યા હોય.

માઇક ધીમી ચાલે લોખંડની સીડી તરફ આગળ વધ્યો અને અપર ટેરેસ પર જવા સીડી પર ચડવા લાગ્યો. વરસાદનું જે પાણી લોખંડની એ સીડી પરથી વહી રહ્યું હતું, એમાં થોડું પાણી ઉપરની અગાશી પર ભરાયેલા પાણીમાંથી પણ ઉતરી રહ્યું હતું. માઇકે ધ્યાનથી જોયું તો એ પાણીમાં પણ થોડું થોડું લોહી ભળેલું હતું. ઓહ, શી#!! આ લોકોમાંથી થોડા ઉપર પણ હશે કે શું? માઇકને લાગ્યું કે એનું હ્રદય આ પરિસ્થિતિમાં ધમણની જેમ દોડતું હશે. જો કે એને હજુ પણ ફક્ત અનુભવાઈ રહ્યા હતા લમણાંમાં, સહન ન થઈ શકે એવા, સણકાં. હીબકાં ભરતો ભરતો એ જેવો ટેરેસ પર પહોંચ્યો કે ફ્લોરની સફેદ ટાઇલ્સ પર ફેલાયેલું લોહી એને દેખાયું. એ લોહીના સ્ત્રોત તરફ માઇકનું ધ્યાન ગયું કે એ જડવત બની ગયો. એ ઢળેલી લાશ કે જેના લમણેથી અપાર લોહી વહી રહ્યું હતું એ લાશ માઈકની પોતાની જ હતી!!!

એની આંખો જરા ધૂંધળી પડી અને ગઇકાલ રાતનું દ્રશ્ય એની સમક્ષ સ્પષ્ટ બન્યું.

“અવગતે જશે તારો જીવ. મર્યા પછી પણ તને શાંતિ નહીં મળે.” એના ફાટેલા હોંઠ પોતે એને ખૂબ જ ફટકારેલી એની ચાડી ખાઈ રહ્યા હતા. “અકર્મી.. નરાધમ..” ઓહ! હવે તે બોર કરી રહી હતી. માઈકે બેક પોકેટમાં સ્ટાઇલથી ભરાવેલી પિસ્તોલ કાઢી. સેફ્ટી લોક ખોલીને એણે જ્યારે એ પિસ્તોલ પેલીના લમણાં પર મૂકી ત્યારે એની કોરી ધાર લાલ આંખો જાણે માઈકની આત્મા સુધી ઉતરી ગઈ.

“ઢિસ્કિયાઉં..!!!”

પેલીનું શરીર હજુ તો ઢળ્યું જ હતું કે માઇકને પોતાના માથાના પાછળના ભાગ પર કોઈ મેટલનો સ્પર્શ અનુભવાયો હતો. માઈકે હળવેકથી પાછળ જોયું હતું અને પોતાના કટ્ટર દુશ્મન ઉસ્માનને કુટિલ સ્મિત સાથે હાથમાં પિસ્તોલ પકડેલો જોયો હતો. “ફાઇનલી ગોટ યુ.” ઉસ્માન બોલ્યો હતો અને માઈકના લમણા પર પિસ્તોલ મૂકીને ટ્રિગર દબાવ્યું હતું.

“ઢિસ્કિયાઉં..!!!”

માઇકની ધૂંધળી પડેલી આંખો ફરી સ્પષ્ટ બની. હવે એને સમજાઈ રહ્યું હતું કે કેમ એને સવારથી લમણામાં સણકા ઉપડી રહ્યા હતા. કેમ એને શાવરનું પાણી કે વરસાદી વાતાવરણની ઠંડક અનુભવાઈ નહોતી રહી. કેમ એને નાહયા પછી સીગરેટ પીવાની તલબ નહોતી જાગી રહી. કેમ એ પોતાના હ્રદયના ધબકારા અનુભવી શકતો નહોતો. કેમ એને એ બધા જ વિકટીમ્સ દેખાઈ રહ્યા હતા જેને એણે વરસો પહેલા મોતને ઘાટ પહોંચાડી દીધેલાં!! એણે ફરી એ બધાં સામે જોયું. ફાર્મમાં ફેલાયેલા એ બધાં જ વ્યક્તિઓ માઇક સામે અટ્ટહાસ્ય કરી રહ્યા હતા, અને પોતાની તરફ ધીરે પગલે આગળ વધી રહ્યા હતા!!

- હાર્દિક રાયચંદા (તા. 25.03.2023)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ