વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરવરિશ

                   "પરવરિશ


અમદાવાદ શહેરમાં ડિસેમ્બરની ઠંડીએ ખુબ જોર પકડ્યું હતું. ચોતરફ ઠંડીથી લોકજીવન થીજી ગયું હતું. રસ્તાની ફૂટપાથની બાજુમાં રાતવાસો ગુજારતો મજુરવર્ગ લાકડાના તાપણાં કરીને કાળજા કંપાવતી ઠંડીથી ખુદને રક્ષણ આપી રહ્યા હતા. મૂંગા જાનવર પણ માટીમાં ખાડો કરી ઓથ મેળવી ખુદને ઠંડીથી બચાવી રહ્યા હતા. ઠંડીથી થીજેલા શહેરમાં વૈભવના ઘરનું વાતાવરણ ખુબ ગરમ હતું. બધા ખુબ રોષે ભરાયેલ હતા. પરિવારના સભ્યોના અવાજ એટલા ઉંચા હતા કે, શાંત વાતાવરણમાં આખી સોસાયટી એક એક શબ્દ આરામથી સાંભળી શકતી હશે. એકબીજાની વિરુદ્ધમાં બોલીને વાતાવરણ એટલું ગરમ થઈ ગયું હતું કે, પાંચમાં ધોરણમાં ભણતો રુદ્ર થરથરી રહ્યો હતો. હા, આ ધ્રુજારી ઠંડીની નહીં પણ વડીલો દ્વારા થતા સંવાદના લીધે ઉદ્દભવી રહેલ ડર ની હતી.


વૈભવ ના પરિવારમાં પાંચ સદશ્યો રહે છે વૈભવના માતાપિતા, વૈભવની પત્ની અને એમનો પુત્ર રુદ્ર. વૈભવ જાજુ ભણેલો નહોતો છતાં આવડતના લીધે સારી એવી પ્રતિષ્ઠા અને નામના નાની ઉંમરમાં જ પામેલો હતો. વૈભવની પત્ની સારું ભણેલી અને ખુબ સમજુ હતી. વૈભવના માતાપિતા ખુબ જુનવાણી વિચારો ધરાવતા હતા. પિતા તો સાત ધોરણ સુધી ભણ્યા હતા પણ માતા બિલકુલ અભણ હતા. એમને લખતા કે વાંચતા આવડતું નહોતું. વૈભવની પત્ની દિવ્યા હતી. દિવ્યાને ઘરમાં સેટ થવા માટે ખુબ મથામણ થતી હતી. પણ એ સમજુ હતી આથી વાત સાચવી લેતી હતી. પણ એની આવડત જ એની સાસુના આંખમાં કણાની માફક ખટકતી હતી. અને ઇર્ષામાં અહમ તથા સસરાની જોહુકમી ઘી હોમવાનું કામ કરતી હતી. વળી, વૈભવ અને દિવ્યાના પ્રેમલગ્ન હતા આથી મહદંશે એ ડર પણ તેઓને હતો જ કે, આ નવી આવેલ વહુ ક્યાંક દીકરાને પોતાનો ન કરી લે! બસ, આ એ જ સ્વભાવ આજ આખા ઘરને એકબીજાથી દૂર કરી રહ્યો હતો. સાવ નાની અમથી વાત કેમ વણસી ગઈ એ દિવ્યા આજ સમજી જ નહોતી શકતી..


વૈભવ ખુબ ગુસ્સામાં દિવ્યાને તાડુકીને હડધૂત કરી રહ્યો હતો."દિવ્યા! તને ખબર છે કે, પપ્પાને કોઈ એની વસ્તુઓ અડે એ પસંદ નહીં તો પછી તારે શું કામ એમની પેન લેવી જોઈએ?"


"અરે વૈભવ! હું રુદ્રને એની પરીક્ષાની તૈયારી કરાવતી હતી. રુદ્રને પેપર લખી આપવા પેન લીધી. અને પપ્પા હાજર નહોતા તો એમને એક પેન માટે શું પૂછવા રાહ જોવી? એમ વિચારી મેં એમના કબાટમાંથી પેન લીધી હતી. અને એ વાતની મેં માફી પણ માંગી લીધી છે. પણ પપ્પા એક આ પેનની વાતમાંથી બધી જૂની વાતો યાદ કરીને ગરમ થાય અને ગુસ્સે થાય એમાં મારો પહેલા પણ વાંક નહોતો અને આજ પણ નથી."


"તું તારી વકાલત ન કર. સો વાત ની એક જ વાત તારે સામે કોઈ જ જવાબ નહીં આપવાનો. જે કીધું હોય એમ કર. એક દિવસ રુદ્ર ન ભણે તો શું ફેર પાડવાનો? ખરેખર હો! એક તો આખો દિવસ થાકીને આવીએ અને રોજ કોઈને કોઈ રકજક ચાલુ જ હોય! હવે તો મરુ તો છૂટો તમે બધાય.. થાક્યો આ રોજની રામાયણથી."


હવે વૈભવના મમ્મી બોલી ઉઠ્યા, "આ દિવ્યા આવી ત્યારથી આવું જ થાય છે. કોઈને શાંતિથી રહેવા નથી દેતી!"


"મમ્મી! તમને જો દિવ્યાથી જ તકલીફ હોય તો દિવ્યાને હંમેશા માટે એના પિયર જ મોકલી દવ. એ હોય તો તકલીફ થાય ને?"


આટલીવારથી ચૂપ હવે વૈભવના પપ્પા પણ બોલ્યા," તું તારી મા ને ધમકી આપે છે, એના બદલે તારી આ પાવર વારી બાયડીને કે ને. બધું કરીને એ ઠાવકી થાય. દર વખતે આમ જ થાય છે. ત્યાં કેમ તારી બોલતી બંધ થઈ જાય છે?"


વૈભવનો મગજ બરાબરનો ગરમ થઈ ગયો અને ગુસ્સામાં ખુરશીના ઘા, ને દરવાજામાં પોતાના હાથ પછાડવા લાગ્યો. અને જોરજોરથી લાલ ઘુમ આંખોથી ગુસ્સો અને મોઢે થી આગ વરસાવતા બોલી રહ્યો "હું મારી બાયડી કે એમ જ નથી કરતો. પહેલા એને જ કીધું ને. એ ન જોયું તમે?"


રુદ્ર આવા વાતાવરણથી થી ડરીને થરથરવા લાગ્યો હતો. દિવ્યા બાળકની પીડાને જ અત્યાર સુધી જોતી આવી હતી. પણ હવે સહનશક્તિ જ નહોતી છતાં એ વૈભવના ગુસ્સાને જાણતી હોવાથી ચૂપ રહેવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ નહોતો. એ ફક્ત રુદ્રને પોતાના રૂમમાં લઈને જતી રહી હતી. 


દિવ્યા રૂમમાં આવ્યા બાદ રુદ્રને શાંત પાડી ઉંઘાડવા લાગી હતી. દિવ્યાને થયું કે હું રુદ્રની પરીક્ષાની તૈયારી કરાવવા ઈચ્છતી હતી. એના બદલે વાત કેવી વધી ગઈ! એને એની સખીના શબ્દો યાદ આવ્યા, "તું ખોટી લગ્નની ઉતાવળ કરે છે, પ્રેમ તારો આંધળો છે. એ પરિવાર એટલું ભણેલું નથી. તને ખુબ તકલીફ થશે! તું શાંતિથી વિચાર.. હજુ મોડું નથી થયું." આ શબ્દ યાદ આવતા દિવ્યા પારાવાર અફસોસ કરવા લાગી હતી. 


વૈભવ અને દિવ્યા થોડા સમય બાદ સ્કૂલની મિટિંગમાં ગયા હતા. રુદ્રનું રિઝલ્ટ ખુબ ખરાબ આવ્યું હતું. એ પેપરમાં કઈ જ સરખું લખતો નહોતો. દિવ્યા તો આવું થવાનું કારણ સમજી શકતી હતી આથી એ રુદ્રને કંઈ જ ન બોલી પણ વૈભવ એને ઘરે આવીને ખુબ ખિજાઈ રહ્યો હતો. રુદ્ર ગભરાઈને રોવા લાગ્યો હતો. દિવ્યા વચ્ચે કઈ બોલે તો એનું આવી બને આથી એ ચૂપ રહી હતી.


રાત્રે ઊંઘતી વખતે દિવ્યા મનોમંથન કરી રહી હતી. એને થયું કે ઘરનું વાતાવરણ જ અનુકૂળ નથી તો રુદ્ર પોતાનું મન કેમ ભણતરમાં લગાડી શકે? જ્યાં મોટા બધા જ અંદરોઅંદર ઝગડતા હોય ત્યાં એ શું કઈ નવું શીખી શકે? દિવ્યાના મનમાં ડર પેસી ગયો કે, જેમ વૈભવ એના માતાપિતાના ઝગડાઓ જોઈને અજાણતાં જ એ શીખી ગયા એમ ક્યાંક રુદ્ર પણ આવો જ નહીં થઈ જાય ને! આ વિચાર આવતા દિવ્યાએ વૈભવને ખુબ સમજાવ્યું કે રુદ્ર હવે મોટો થઈ રહ્યો છે તો તમે એની સામે ગુસ્સે ન થાવ! બોલવાની ભાષા સારી રાખો. આપણું અનુકરણ જ બાળક શીખવ્યા વગર શીખી જાય છે તો તમે સહેજ ધ્યાન રાખતા જાવ! પણ વૈભવ એમ કઈ દિવ્યાની વાત સમજી શકે? એ સાંભળ્યું ન સાંભળ્યું કરી વાત જ ફગાવી દેતો હતો.


દિવ્યાના દિવસો આમને આમ વીતવા લાગ્યા હતા. સમય રેતી સમાન સરતો જતો હતો. દિવ્યા રુદ્રની આમ પરવરિશ થાય એ બિલકુલ ઈચ્છતી નહોતી. પણ દિવ્યાની વાત કોઈ સમજી શકે એ ક્યાં શક્ય હતું? રુદ્ર નવમાં ધોરણમાં આવી ગયો હતો પણ ઘરનું ન વાતાવરણ બદલ્યું કે ન કોઈનો ગુસ્સો બદલ્યો. બસ, ફેર એટલો પડ્યો કે એ ઝઘડામાં હવે વધુ એક અવાજ ઉમેરાય ગયો હતો અને એ હતો રુદ્રનો! 


એ બાળક જીવનમાં અમૂલ્ય એવું ભણતર તો ન શીખ્યો પણ ઘરની અંદર કેમ પોતાની વાતને સાચી ઠેરવવી એ દલીલ કરતા અવશ્ય શીખી ગયો હતો.


બાળક સ્કૂલથી શીખે એના કરતા વધુ ઘરમાંથી જ શીખે છે. સાવ નિર્દોષ બાળકને જેમ વાળો એમ એ વળે છે. પણ જયારે માતાપિતા પોતે જ સારા નરસાની સમજ ધરાવતા નથી ત્યારે બાળકને શું યોગ્ય સંસ્કાર આપી શકે! 

આવાજ રોજબરોજના કારણ વગરના ઝગડા અને અહમ ના લીધે ઉત્તપન્ન થતુ તંગ વાતાવરણ રુદ્રના ભવિષ્યને ભરખી ગયું હતું. રુદ્ર દસમાં ની પરીક્ષામાં ફેઈલ થઈ ગયો અને વારંવાર ત્રણ પ્રયાસ કરવા છતાં પણ એ પાસ ન થયો તે ન જ થયો. રુદ્ર અંતે પપ્પાના ધંધામાં જોડાય ગયો હતો.


દિવ્યાએ જોયેલ રુદ્ર માટેના સ્વપ્ન બધા જ ચૂર ચૂર થઈ ગયા હતા. સમય જતા રુદ્રમા પણ એના પિતા અને દાદાની રોફ જમાવવાની ઝલક દેખાવા લાગી હતી. એક કુમળા બાળકને આપેલ પરવરિશ ખોખલી સાબિત થઈ હતી. દિવ્યા બધું સમજતી હતી છતાં લાચાર હતી. દિવ્યાએ કરેલ દરેક પ્રયાસ એના એક તરફથી જ થઈ રહ્યા હતા. જો એમાં આખો પરિવાર એની સાથે હોત તો શું રુદ્રનું ભવિષ્ય કંઈક અલગ જ ન હોત? 

દિવ્યાને આ વસવસો તો આજીવન રહેવાનો જ હતો પણ એને મનોમન નક્કી કર્યું કે, રુદ્ર સાથે જે થયું એ પણ હવે રુદ્રના બાળકોને આવી પરિસ્થિતિ ક્યારેય નહીં જોવી પડે! 


સમયનું ચક્ર હવે ફરી ગયું હતું. દિવ્યાના સાસુસસરા પ્રભુ ચરણ પામ્યા હતા. દિવ્યા ખુદ હવે દાદી બનવાનું સૌભાગ્ય પામી ચુકી હતી. રુદ્રના સીમા નામની શિક્ષિત છોકરી સાથે લગ્ન થઈ ગયા હતા. રુદ્ર અને સીમાના બાળકનું નામ વ્યોમ રાખ્યું હતું. દિવ્યા વ્યોમને ખુબ પ્રેમથી રાખતી અને જો જીદ કરે તો એને સમજાવતી પણ હતી. રમતા રમતા ભણાવતી હતી. વ્યોમ ખુબ સારી રીતે બધું સમજતો હતો. એ પોતાના દાદીની વાતને માન પણ આપતો હતો. ઘરમાં બધું એટલું સરળ વાતાવરણ રહેતું કે વૈભવનો ગુસ્સો તો સાવ ઓગળી જ ગયો હતો અને રુદ્ર પણ ઘરનું સારું વાતાવરણ રહે એ માટે પોતાની ભાષા સારી વાપરતો હતો. દિવ્યા જે પરવરિશ રુદ્રને આપવા ઈચ્છતી હતી એ હવે વ્યોમને આપી રહી હતી. સીમા પણ પોતાના સાસુની ભાવનાને સમજી શકતી હતી. આથી એ પણ હંમેશા સાસુજીના વલણથી ખુશ જ રહેતી હતી.


દિવ્યાની ધીરજનું એને ખુબ સારું ફળ મળ્યું હતું. એના જિંદગીના આખરી પડાવમાં એને પોતે ઈચ્છતી હતી એવો પરિવાર અને એમના મનનો સુમેળ કેળવી શકી હતી. દિવ્યા ખુબ ખુશ હતી. આજ એને એના મમ્મીના શબ્દ યાદ આવ્યા, "દિવ્યા યાદ રાખજે તે પ્રેમ કર્યો છે તો તારી ધીરજનું ફળ તને મળશે જ!" દિવ્યા પોતાના વિચારોમાં જ હતી ત્યાં જ વ્યોમ બૂમો પડતો હરખાતો દાદી પાસે આવ્યો અને બોલ્યો, "દાદી હું કોલેજ ફર્સ્ટ આવ્યો છું. અને મને કોલેજના કેમ્પસ સિલેકશન માંથી જ મને ખુબ સારી કંપનીમાં જોબ મળી ગઈ છે!"


દિવ્યાએ ખુબ ખુશ થતા ફક્ત હરખના આંસુ સાથે જ વ્યોમને શુભેચ્છા પાઠવતા પોતાની બાહોમાં સમાવી લીધો હતો. દિવ્યા આજ ખરા અર્થમાં જીતને માણી રહી હોય એવી લાગણી અનુભવી રહી હતી. એના કલેજે ખુબ રાહત આજ અનુભવાઈ રહી હતી. પોતાનું કર્મ એણે સિધ્ધ કર્યું હોય એવો સંતોષ એના ચહેરા પણ ચમકી રહ્યો હતો. 


- સમાપ્ત 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ