વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લક્ષ્ય

                       "લક્ષ્ય"


શારદાબેનનું શરીર અસહ્ય વેદનાઓને તરત જ ભૂલીને ચહેરા પર આછું હાસ્ય વેરવા લાગ્યા જયારે નર્સે એમ કહ્યું કે, "તમે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે." શારદાબેન આ ચોથી વખત માતા બનવાનું સૌભાગ્ય મેળવી રહ્યા હતા. પુત્રના જન્મની ખુશી એમને એટલી હતી કે એ પોતે નવ મહિના જે પરિશ્રમ કરીને પોતાના અન્ય ત્રણ બાળકો અને પેટમાં ઉછરતા બાળકની સંભાળમાં જે તકલીફ વેઠી એ બધી જ ભૂલી ગયા. નર્સે બાળકને માતાની પાસે રાખ્યું અને બહાર રાહ જોઈ રહેલા ગોવિંદભાઈને સમાચાર આપવા ગયા હતા. નર્સે એમને પુત્રના પિતા બનવાના વધામણાં તો આપ્યા સાથોસાથ ભલામણ પણ કરી કે, શારદાબેન કદાચ હવે માતા બનશે તો એમનો જીવ બચાવવો મુશ્કેલ થશે. આ વખતે તો ભગવાને જ એમને બીજો જન્મ આપ્યો એમ કહીએ તો પણ ખોટુ નથી. ગોવિંદભાઈએ હરખાતા ચહેરે શુભેચ્છાનો સ્વીકાર કર્યો અને શારદાનો જીવ બચાવવા તથા બાળકને સહીસલામત સોંપવાનો આભાર વ્યક્ત કરતા હાથ જોડ્યા અને શારદાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


ગોવિંદભાઇ રૂમમાં અંદર પ્રવેશ્યા અને શારદાને હરખાતા બોલ્યા, "અંતે આપણા ઘરે દીકરાનો જન્મ થયો, હું ખુબ ખુશ છું શારદા!"


"હા, ત્રણેય બેનને સાચવવા હવે એનો ભાઈ આવી ગયો. આપણા ઘડપણનો સહારો આવી ગયો. બાળકના માથે હળવુ ચુંબન કરતા બોલ્યા મારે આનું નામ 'શ્યામ' રાખવું છે. તમને ગમે છે ને?"


"હા, આ જ નામ સરસ છે. એને પણ કાન્હાજીની જેમ ખુબ પીડા વેઠીને જન્મ લીધો છે. તારી આ પ્રસુતિ ખુબ કઠીન હતી, બેને કીધું હવે તું મા ન બને તો જ સારું. માંડ બચી તું! તને કંઈક થઈ જાત તો મારી ત્રણેય દીકરીઓનું શું થાત?"


"તમે દુઃખી ન થાવ. ભગવાન બધુ સારુ જ કરશે. અને હા! મારી દિકરીઓ ભુખી થઈ હશે, જાવ એ ત્રણેય સવારની ભૂખી હશે એને માટે કંઈક દૂધ લેતા જજો. રોટલા તો મેં બે દિવસ ચાલે એટલા બનાવી જ લીધા હતા."


"સારું. તારું ધ્યાન રાખજે હું ઘરે જાવ છું."


ગોવિંદભાઇ ઘરે ગયા અને શારદાબેન પોતાના દીકરાને જોઈ રહ્યા. ઘેરો રંગ, ઘાટા વાળ, આકર્ષિત ચહેરો અને સહેજ ખોલી બિડાઈ જતી કથ્થાઈ આંખો.. શારદાબેનને મનોમન થયું કે, રાજાના દીકરા જેવો પ્રભાવ અને સુંદરતા ધરાવતો મારો દીકરો ગરીબના આંગણે જન્મ્યો! એક ઊંડો નિઃસાસો શારદાબેનથી છૂટી ગયો.


શારદાબેન મોટા શેઠના ઘરે આખો દિવસ બધું જ કામ કરતા અને રાત્રે પોતાના ઘરે આવી જતા. ખુબ જ ગરીબ હતા. સાસુસસરા બીમાર જ રહેતા અને ત્રણ દીકરીઓ હતી જે બે-બે વર્ષના અંતરે હતી. આમ ઘડી ઘડી સુવાવડમાં શારદાબેનનું શરીર પણ તંદુરસ્ત નહોતું. ગોવિંદભાઇ કબીલાબજારનું કામ કરતા આથી રેંકડી લઈને સવારથી જાય, ક્યારેક વકરો થાય અને ક્યારેક બે ચાર દિવસ સુધી પણ કઈ જ ન મળે એવું પણ થતું હતું. ઘણીવાર પાણી પીને સુવાનો વારો આવતો હતો. પણ શ્યામના જન્મની સાથે જ જાણે પરિવારનું ભાગ્ય બદલવાનું હતું, એ ક્યાં કોઈ હજુ જાણતું હતું. 


શ્યામ જેમ દેખાવડો હતો એમ ભાગ્યશાળી પણ એટલો જ હતો. એનો જન્મ થયો અને થોડા દિવસોમાં જ ગોવિંદભાઈને એક શેઠના બંગલે ચોકીદારની નોકરી મળી ગઈ હતી. આથી એમના પરિવારને એક ચોક્કસ આવક દર મહિને નક્કી થઈ ગઈ હતી.


શારદાબેન પંદર દિવસની રજા પુરી થયા બાદ પોતાના શેઠના ઘરે કામ પર લાગી ગયા હતા. શ્યામ નાનો હતો, આથી શારદાબેન ત્રણચાર વાર અમુક કામ પતાવી વચ્ચે વચ્ચે ઘરે જતા હતા. એમને શ્યામને મૂકીને કામ પર જવું પસંદ નહોતું પણ છોકરાઓના ભરણપોષણ માટે કામ કરવું જ પડે એમ હતું.


શારદાબેનના જીવનમાં થોડી શાંતિ શ્યામના જન્મબાદ થઈ હતી. દીકરીઓ પણ ખુબ ડાહી હતી આથી શ્યામનો ઉછેર સરળતાથી થઈ રહ્યો હતો. દિવસો સારા હતા આથી ખુબ ઝડપથી પસાર થઈ રહ્યા હતા. જોતજોતામાં શ્યામ બે વર્ષનો થઈ ગયો હતો. બીમારીના લીધે ગોવિંદભાઈના મમ્મીપપ્પા છ જ મહિનાના અંતરે ગુજરી ગયા હતા. ઘરમાં અચાનક અમુક જ મહિનાઓમાં ઘરના બે વડીલ દેવચરણ પામ્યા એની ખોટ ચારેય બાળકોમાં સૌથી વધુ શ્યામને થઈ રહી હતી. શ્યામ એના માતાપિતા કરતા વધુ એના દાદાદાદી સાથે રહ્યો હતો. શ્યામને એમની ગેરહાજરી ખુબ સાલતી હતી, આથી હવે શારદાબેન શ્યામને એની સાથે જ શેઠના ઘરે લઈ જતા હતા. શેઠાણી પણ દયાળુ સ્વભાવના હતા. આથી શ્યામ આખો દિવસ શારદાબેન જોડે રહે એ વાત થી એમને બિલકુલ તકલીફ થતી નહોતી. શ્યામ જેટલો દેખાવડો હતો એટલો જ સમજુ અને બીજાના મનમાં પોતાની માયા જગાવી દે એવો પ્રભાવશાળી પણ ખરો, આથી શેઠાણીની પણ તેના પ્રત્યે અમીદ્રષ્ટિ રહેતી હતી.


શ્યામ આખો દિવસ સુંદર ઘરમાં જ રહેતો આથી દિવસ આખો ખુબ સરસ રહેણી અનુભવતો હતો. રાત્રે ઘરે આવે એટલે એને પોતાનું કાચું મકાન ખુબ અગવડતા વાળું લાગતું હતું. એ પોતાના પપ્પાને કહેતો પણ ખરા કે પપ્પા આપણું ઘર કેમ આવું છે? આપણે ક્યારે મોટું ઘર થશે? ગોવિંદભાઇ એકદમ નિખાલસતાથી કહેતા દીકરા તું મોટો થાય એટલે એવું ઘર તારે બનાવવાનું છે. તું બનાવીશ ને? બસ, આમ અજાણતા જ ગોવિંદભાઈએ શ્યામને એક લક્ષ્ય દેખાડ્યું અને લક્ષ્યને પૂરું કરવાના ધ્યેય સાથે શ્યામ પોતાનું જીવન જીવવા લાગ્યો હતો.


શ્યામ ચાર વર્ષની ઉંમરમાં શેઠાણીની મદદથી એક સામાન્ય શાળામાં ભણવા જતો હતો. શ્યામ એટલું તો સમજી જ ગયો હતો કે, ભણવું જીવનમાં ખુબ જરૂરી છે. અને એને ભણવામાં પણ ખુબ રસ હતો. ખુબ જ મહેનત કરતો અને ખુબ સરસ માર્ક સાથે પાસ પણ થતો હતો. એક ઝુપડપટ્ટીનો છોકરો આટલો હોશિયાર એ વાત પર ઘણી વાર શિક્ષકો પણ ચર્ચા કરતા હતા. ખુબ અલગ જ વ્યક્તિત્વ શ્યામનું હતું જે ધીરે ધીરે બધાની આંખમાં ચમકી રહ્યું હતું. શ્યામ નાની ઉંમરમાં ઘણી નામના મેળવી રહ્યો હતો. શ્યામ આઠમા ધોરણમાં આવી ગયો હતો. ભણતરમાં પુરેપુરા યોગદાન સાથે એના પપ્પાને તથા ક્યારેક મમ્મીને એની નોકરીમાં પણ મદદ કરતો હતો. શ્યામ એની ત્રણેય બહેનને પણ હંમેશા ખુશ રાખવાની અને એને જે જોતું હોય એ લાવી આપતો હતો. શ્યામને ક્યારેય કોઈ કામ કરવામાં ન શરમ આવતી કે ન આળસ આવતી, એ પોતાનું લક્ષ્ય કે એક સુંદર ઘર બનાવવું એ વિચારમાં જ સતત પ્રયત્નશીલ રહેતો હતો. એ ક્યારેક એમના શિક્ષકોને કેમ ઝડપથી બધું યાદ કરતા શીખવું એનું માર્ગદર્શન પણ લેતો રહેતો હતો. શ્યામે ખુબ મહેનતની સાથોસાથ દસમુ ધોરણ તો પૂરું કર્યું અને સાથોસાથ એક સાડીના શોરૂમમાં પાર્ટ ટાઈમ નોકરી પણ શરૂ કરી દીધી હતી. એના પગલાં એટલા સારા હતા કે, એના શોરૂમમાં આવ્યા બાદ ઘરાકી પણ ખુબ રહેતી હતી એ શેઠની નજરમાં આવી જ ગયું હતું. આથી શેઠને શ્યામ પર ખુબ પ્રેમ રહેતો હતો. એ શ્યામની નિખાલસતાને જોઈ શકતા હતા. એમણે શ્યામને કમ્પ્યુટર પણ શીખવી દીધું અને શોરૂમના બધા જ એકાઉન્ટની જવાબદારી શ્યામને સોંપી દીધી હતી. બારમાં ધોરણના વેકેશનમાં શ્યામ મોટા મોટા શેઠને ત્યાં સાડીઓના સેમ્પલ લઈને જતો અને એમાંથી મોટાભાગનું વેચાણ કરીને જ આવતો હતો. એક ગજબનો સેલ્સમેનશીપ પાવર એનામાં હતો જે શ્યામને માટે એક નવો રસ્તો બાંધી રહ્યો હતો. શ્યામની સારી એવી આવક હવે ઘરને માટે મદદરૂપ થતી હતી. એક નાનું પાકું એકરૂમ રસોડાનું ઘર લઈ લીધુ હતું, શારદાબેન અને ગોવીંદભાઈએ ત્રણેય દીકરીઓને માટે હવે યોગ્ય જીવનસાથી શોધવાનું શરૂ કરી દીધું હતું. ખુબ સારા પરિવારના યુવકો સાથે એમની દીકરીઓને પરણાવીને ગોવિંદભાઈએ ક્ન્યાદાનનું પુણ્ય લીધું હતું. 


બહેનના લગ્ન પણ થઈ ગયા હતા. ઘરમાં હવે ત્રણ જ સભ્યો રહ્યા હતા. અને હવે શ્યામ ખુબ સારું કમાઈ લેતો હોય, શ્યામે હવે એના મમ્મી પપ્પાને કામ કરવાની ના પાડી દીધી હતી. હવે એ બંને પોતાનું જીવન શાંતિથી વિતાવતા હતા. એ બંને ઘણીવાર કહેતા કે,આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આ શ્યામ જેવા દીકરાને પામીને આપણે આટલું સુંદર જીવન જીવીએ છીએ! 


શ્યામની અથાગ મહેનત અને લક્ષ્યને પામવાની ખેવનાના લીધે  એ ખુબ પ્રગતિ તરફ વધી રહ્યો હતો. એકદમ તેજ મગજ અને બોલવામાં ખુબ સારી ફાવટનાં લીધે ખુબ સરસ વેચાણ સાડીઓનું  કરી શકતો હતો. વળી, શ્યામની નીતિ સાચી હતી, એણે વધુ રૂપિયા કમાવવા માટે ક્યારેય ખોટો રસ્તો પસંદ નહોતો કર્યો. આથી ભગવાન પણ એને અનુરૂપ ફળ આપતા જ હતા. એ શોરૂમની સાથે સાથે ફેક્ટરીમાં પણ કામ કરી રહ્યો હતો. શેઠની પ્રગતિ પણ વધી હતી આથી શ્યામને ફેક્ટરીનો મેનેજર બનાવી દીધો હતો. 


શ્યામની પ્રગતિ એના નોકરીમાં તો થઈ જ હતી સાથોસાથ એના જીવનમાં પણ થઈ હતી. શોરૂમની સેક્રેટરી સાથે શ્યામે પ્રેમલગ્ન કર્યા હતા. એ પણ ખુબ ભણેલી હતી આથી ઘરમાં હવે શ્યામ અને એની પત્ની દિવ્યા એમ બે વ્યક્તિની આવકમાં ઘર ખુબ સારી રીતે ચાલતું હતું. શ્યામે ખુબ સારી સુવિધાવાળો એક ફ્લેટ લીધો હતો. શ્યામ હજુ એ ફ્લેટથી સંતોષ માને એમ તો નહોતો જ! એનું ખુદનું લક્ષ્ય સુંદર ઘર હજુ પૂરું થયું નહોતું. 


દિવ્યાએ એક દિવસ શ્યામને એક સારા સમાચાર આપ્યા હતા. દિવ્યા ગર્ભવતી બની હતી. શ્યામ આ સમાચાર સાંભળીને ખુબ ખુશ થઈ ગયો હતો. શારદાબેન અને ગોવિંદભાઈની ખુશીનો તો પાર જ નહોતો. શારદાબેનને પોતાના ગર્ભવતી સમયના કઠિન દિવસો યાદ આવી ગયા! એમને મનોમન નક્કી કરી જ લીધું કે, મેં જેટલો કષ્ટ ગર્ભવતી બની ત્યારે વેઠ્યો એવું મારી પુત્રવધૂને હેરાન નહીં જ થવા દઉં! શારદાબેન ખુબ ધ્યાન વહુનું રાખતા હતા. જોતજોતામાં સીમંતનો દિવસ પણ આવી ગયો હતો. ખુબ ધામધૂમથી શ્યામે એ વિધિ કરી હતી. ત્રણેય બહેનો પણ ભાઈની ખુશી જોઈને ખુબ ખુશ થતી હતી. અંતે દિવ્યા અને શ્યામ ઘરે એમના કુળને દીપાવનારનો જન્મ થઈ ગયો હતો. શ્યામ એક પુત્રનો પિતા બની ગયો હતો. શ્યામ જાણે જીવનમાં બધું જ પામી ચુક્યો હતો એવી ખુશી મેળવી રહ્યો હતો, છતાં મનનાં ખૂણે પોતાના સુંદર ઘરનું લક્ષ્ય આંખમાં રમ્યા જ કરતું હતું. શ્યામે એક વધુ સાહસ લીધું અને હવે એ ખુદ એક શોરૂમ બનાવી રહ્યો હતો. બહુ જ નાની ઉંમરમાં આટલી કમાણી કરવી ક્યાં સહેલી હતી? પણ શ્યામને એના પુરુષાર્થની સાથે ભાગ્ય પણ સાથ આપી રહ્યું હતું. શોરૂમ ખુબ સારું ચાલતું હતું. શ્યામ પોતાના લક્ષ્યની નજીક હોય એવું એ અનુભવી રહ્યો હતો.


શ્યામ બધી જ જવાબદારી ઉપરાંત અમુક બચત પણ કરી લેતો હતો. શ્યામે પોતાની થોડી બચત હતી એને પોતાના લક્ષ્યને પૂરું કરવા વાપરી હતી. અમદાવાદમાં એક ખુબ સારા વિસ્તારમાં ત્રણ બેડરૂમનો ખુબ જ સુવિધાવાળો બંગલો નોંધાવ્યો હતો. હા, એ પોતાના હાલના ઘરથી ખુબ દૂર હતું. પણ જે વિસ્તાર હતો એ ખુબ જ રમણીય હતો. એ બંગલાની સોંપણી એક જ વર્ષમાં મળવાની હતી. શ્યામ હવે એના લક્ષ્યની એકદમ નજીક પહોંચી ગયો હતો. શારદાબેન અને ગોવિંદભાઇ માટે આ તો એક સુંદર સ્વપ્ન સમાન બધું લાગી રહ્યું હતું. એ બંને એટલા ખુશ હતા કે, એ કહેતા "જેવા બંગલાઓમાં અમે કામ કર્યું એ બંગલાના માલિક બનશું એ તારી મહેનતનું જ પરિણામ છે." આટલું બોલતા બંને લાગણીશીલ થઈ જતા હતા. શ્યામ તરત જ બોલી ઉઠતો કે હું આ બધું કરી શકું એ તમારા આશીર્વાદનું જ પરિણામ છે. 


બંગલાનું કામ પૂર્ણ થઈ ગયું હતું. ફર્નીચરનું થોડું જ કામ બાકી હતું. શ્યામે વાસ્તુપૂજા માટે મુરત પણ કઢાવી લીધું હતું. પણ અચાનક બધી જ ખુશી છીનવાય જશે એ ક્યાં શ્યામને ખબર હતી! અચાનક એકદિવસ ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. ભૂકંપમાં શ્યામના  બંગલાને ખુબ નુકશાન થયું હતું. તેઓ રહેતા હતા એ ફ્લેટમાં એટલું નુકશાન નહોતું થયું. શ્યામના જીવનમાં આ પહેલી વખત એને હારનો સામનો થયો હતો. એને ખુબ પારાવાર દુઃખ થયું હતું. જીવનમાં પહેલીવાર અવળું પાસું ઝીલ્યું હતું, આથી એ ખુબ નિરાશ થઈ ગયો હતો. એનું બધું જ રોકાણ એમાં વપરાય ગયું હતું. વળી, બંગલાને નુકશાન પણ એટલું થઈ હતું કે, એમાં સમારકામ વગર ત્યાં રહેવા જવાય એ શક્ય જ નહોતું! 


શ્યામને સતત ઉદાસ જોઈને ગોવિંદભાઈએ આજ પહેલીવાર એને સમજાવવાની જરૂર જણાઈ હતી. ગોવિદભાઈ બોલ્યા, "દીકરા 

તું બહુ જ ચિંતિત લાગે છે. તું આમ નિરાશ ન થઈશ. તે જયારે કઈ જ નહોતું છતાં આટલું બધું મેળવ્યું છે. ભૂકંપે ભલે એ બંગલામાં નુકશાન પહોચાડ્યું પણ આ ઘર અને શોરૂમ માં એટલું નુકશાન નથી. તારા બધા રસ્તા હજુ ખુલ્લા જ છે. તું સ્વસ્થ મનથી જે હજુ છે એને જો, એને ફરી પહેલાની જેમ જ મહેનત ચાલુ રાખ, દીકરા મારુ મન કહે છે તું જરૂર સફળ થઈશ!"


"હા, પપ્પા તમારી વાત સાચી છે." એમ કહી એ પોતાના પપ્પાને ભેટી પડ્યો હતો. પપ્પાની વાતથી શ્યામ થોડું સારું અનુભવી રહ્યો અને એનામાં ફરી પહેલા જેવો જ જોશ જાગી ઉઠ્યો હતો. શોરૂમની સાથે એક રેસ્ટોરન્ટ ખોલવાની ઈચ્છા શ્યામે દિવ્યા સમક્ષ રજૂ કરી અને એને સાંભળવા માટે દિવ્યાની ઈચ્છા શું છે એ વિશે પૂછ્યું હતું. દિવ્યાએ સહર્ષ શ્યામની વાતને સ્વીકારી હતી. કલ્પના બહારનો એનો બંને ધંધો ચાલતો હતો. એને બે વર્ષ પછી ફરી પોતાના લક્ષ્યને પૂરું કરવા એ બંગલામાં સમારકામનું કાર્ય હાથ ધર્યું હતું. અને હવે એની ધીરજ રંગ લાવી હતી. આખરે ખુબ પુરુષાર્થના અંતે એ પોતાના લક્ષ્યને પામ્યો હતો. ખુબ ધામધૂમથી શ્યામે વાસ્તુપૂજન રાખ્યું હતું. શારદાબેનના શેઠાણી અને ગોવિંદભાઈના શેઠ તથા શ્યામના શોરૂમ વાળા માલિક પણ વાસ્તુપૂજામાં આવ્યા હતા. જેને પણ જુવો એ બંગલાના બે મોઢે વખાણ કરતું હતું. લક્ઝુરિસ બંગલાનું નામ શ્યામે 'લક્ષ્ય' જ રાખ્યું હતું. 


શ્યામે પોતે જે લક્ષ્ય રાખ્યું હતું એ એને મળ્યું જ! જીવનમાં જો કોઈ ધ્યેય નક્કી કર્યો હોય તો એ પૂરો કરવા કુદરત રસ્તા કરી જ આપે છે, પણ એ ધ્યેય તો આપણે જ નક્કી કરવો પડે છે.


- સમાપ્ત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ