વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડોન્ટ ફર્ગેટ મી

--------------------------------------------। ડોન્ટ ફરગેટ મી.. ।----------------------------------------------------------

                                        ----અર્જુનસિંહ.કે.રાઉલજી

આકાશમાં ઘરઘરાટી થઈ એટલે અવનિશની લેપટોપમાં ફરતી આંગળીઓ અટકી ગઈ .તેણે ઉંચે નજર કરી , એક પ્લેન લેન્ડીંગ માટે ત્રાંસું થઈને નીચું નમ્યું હતું... અવનિશ તેના તરફ તાકી રહ્યો ...આવુંજ એક પ્લેન વરસો પહેલાં તેની સુયશાને લઈને ઉડી ગયું હતું..તેણે એક નિસાસો નાખ્યો –મનોમન બબડ્યો પણ ખરો કે ,” વો દિન હવા હુએ જબ પસીના ગુલાબ થા , આજ તો ઇત્ર લગાતે ભી ખુશ્બુ નહીં આતી યહાં ..” તેણે ખોંખારો ખાધો –જાણે કે ગળામાં કશુંક અટકી ગયું હોય એમ લાગ્યું..! કેટલાં બધાં વરસો કાળની ગર્તામાં વિલીન થઈ ગયાં..?! હવે આવી રાહ જોવાનો કશો અર્થ નથી –એવું એ પણ સમજતો જ હતો –છતાંય આ મન મર્કટ માને તો ને ? તેણે લેપટોપમાં નજર ગોઠવવાનો પ્રયાસ કર્યો.. પણ નજર તો ... પ્લેનમાંથી ઉતરીને એક્ઝીટમાંથી બહાર આવતા મુસાફરો તરફ જ હતી .. આ તો રોજનું થઈ ગયું હતું..જ્યારથી ...! તેણે પોતાના વિચારોની ગાડીને બ્રેક મારી .

        આ ડોમેસ્ટીક એરપોર્ટ હતું-એટલે ઇંટરનેશનલ ફ્લાઇટો અહીં આવતી જ નહોતી ..પણ ઇંટરનેશનલ ફ્લાઇટોમાંથી બોમ્બે , દિલ્હી કે ચેન્નાઇ ઉતરેલા અહીંના મુસાફરો આવી ડોમેસ્ટીક ફલાઇટોમાં ભરાઇ ભરાઇને અહીં ઠલવાતા હતા ..!

        શરુઆતમાં તો તે અહીં આવીને આ એરોડ્રામની લોન્જમાં કલાકોના કલાકો સુધી બેસી રહેતો હતો .અહીં આવતી બધીજ ફ્લાઇટોમાંથી ઉતરતા પેસેન્જરો તરફ તાકી રહેતો – જાણે કે કસ્ટમ તરફથી તેની આંખોમાં લેસર ગન ફીટ કરવામાં ના આવી હોય ..! એકે એક પેસેન્જરને તે તાકી રહેતો –દરેકના ચહેરામાં સુયશાનો ચહેરો શોધવાનો પ્રયત્ન કરતો ..! સહેજ લાંબા કાળા ઘાટ્ટા વાળવાળી ઓરત જૂએ , ડાબા ગાલમાં ખંજન પડતાં જૂએ , એટલે એક પાગલની માફક તે તેની પાછળ દોડી જતો –ઓરતો ખરેખર તેનાથી હેરાન થઈ જતી ... એરપોર્ટ ઓથોરીટીને ફરીયાદ કરતી -  એરપોર્ટના સિક્યોરીટીવાળા તેનાં હાડકાં પણ ખોખરાં કરવાનું છોડતા નહીં , તો પણ તેના વર્તનમાં કોઇ ફરક પડતો નહીં..બીજા દિવસે સવાર પડે એટલે તે બધુંજ ભૂલી જતો –એક માત્ર ચહેરો યાદ રહેતો –સુયશા .. તે પાછો લોન્જમાં આવી ગોઠવાઇ જતો ... છેવટે એરપોર્ટ ઓથોરીટીએ તેને તડીપાર કરી દીધો –તેના માટે લોન્જ્માં દાખલ થવા ઉપર પ્રતિબંધ લગાડી દીધો .સિક્યોરીટીવાળા તેને જૂએ એટલે તરત જ ડંડા લઈ તેને એરપોર્ટની બહાર હાંકી કાઢતા –જેમ ઉભી બજારે દોડતી ગાયોને હાંકી કાઢવામાં આવે તેમ ..! આખરે કંટાળીને તેણે પોતાનું સીટીમાનું ત્રણ મજલા મકાન વેચી દીધું અને આ ફ્લેટમાં બીજા માળે , બરાબર એરપોર્ટની સામે જ વસવાટ કરી લીધો –એક બાયનોક્યુલર પણ વસાવી લીધું ... એક્ઝીટમાંથી બહાર આવતા પેસેંજરો તરફ તે તાકી રહેતો , ડાઉટ પડે તો બાયનોક્યુલરથી ચહેરો જોતો , ઓળખવાનો પ્રયત્ન કરતો ... અને એ ચહેરાઓના મેળામાં સુયશાને શોધવાનો પ્રયાસ કરતો ...!બસ હવે તો વાર્તા અને નવલકથા લેખન , બાઇનોક્યુલર અને સુયશાની શોધ ..આજ તેનું જીવન બની ગયાં હતાં..એ સિવાય બીજી કોઇ વાતો કે બાબતોમાં તેને કોઇ રસ નહોતો ..! તેની વાર્તાઓ ઘણી બધી હરીફાઇઓમાં પ્રથમ અને દ્વિતીય ઇનામો મેળવતી હતી , તેની એક નવલકથાને તો સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ મળ્યું હતું ..એક નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી , તો વળી તેની એક પ્રયોગાત્મક નવલકથા બુકર પ્રાઇસ માટે પણ નોમિનેટ થઈ હતી .હવે તેની ગણના ગુજરાતીના અગ્રગણ્ય લેખકોમાં થતી હતી ...ગુજરાતીનાં સૌથી વધુ વેચાતાં ન્યુઝ પેપરો તેમની પૂર્તિઓમાં તેની વારતાઓની કોલમો ચાલુ કરવા હરીફાઇ કરતાં હતાં..જુદા જુદા સમારંભોમાં તેને ચીફ ગેસ્ટની ઓફરો થતી હતી ..! પણ એ માટે તેની પાસે ટાઇમ જ ક્યાં હતો ? તે તો બસ તેની સુયશાની રાહ જોતો હતો ..તેના શબ્દો –ડોન્ટ ફરગેટ મી –તેના મનમાં પડઘાયા કરતા હતા..! બાકી એક વખત તો સુયશના પપ્પા બટુકરાયને તેની કોઇ કિંમત નહોતી , તેને મગતરૂં માનતા હતા , અને એટલે તેને સુયશાના માર્ગમાંથી હટાવી દીધો હતો ...!

        …..પણ હવે પાંત્રીસ પાંત્રીસ વરસના ગાળા પછી તેની સુયશા અહીં પાછી ફરવા થોડી બેસી રહી હોય ..?! તે તો પોતાનાં સંસારમાં એવી તો વ્યસ્ત થઈ ગઈ હશે કે અવનિશ નામનો કોક મગજનો ફરેલ યુવાન તેના જીવનમાં આવ્યો હતો અને પોતે તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી –એ વાત પણ તે ભૂલી ગઈ હશે ..?! પછી આ શહેરમાં તેને મળવા પાછા આવવાની તો વાત જ ક્યાં હતી ? “ ના..ના.. મારી સુયશા એવી નથી જ ..” તે લગભગ ચીસ પાડી ઉઠ્યો ,” તેણે પોતે જ તો છેલ્લે મને મેસેજ મોકલ્યો હતો –મારી રાહ જોજે .હું જરૂર પાછી આવીશ..ડોન્ટ ફરગેટ મી ” તેણે પોતાની જીભ હોઠો ઉપર ફેરવી ..અને નજર એક્ઝીટમાંથી બહાર આવતા મુસાફરો પર કેંદ્રિત કરી ..ડાઉટ પડ્યો ત્યારે બાઇનોક્યુલર આંખે લગાડ્યું.. પણ અફસોસ – તેને દરરોજની માફક , દર વખતની માફક જ નિરાશ થવું પડ્યું . એક આછો નિસાસો તેના મોંમાંથી  નીકળી ગયો ..અને નજર સમક્ષ સુયશા સાથેના એ દિવસો એક વીડીયોની માફક તરવરવા લાગ્યા .

                +                                                               +

        આમ તો તે જથરવથર જ રહેતો હતો , કેટલાય દિવસ સુધી દાઢી નહોતો કરાવતો , વાળ પણ જાણે કે નાછૂટકે જ કપાવતો .લધર વધર કપડાં , પેન્ટ કે શર્ટના મેચીંગની તો વાત જ ના થાય , ક્યારેય ઇસ્ત્રી કરાવવાની નહીં ... મસ્ત મૌલાની જેમ ભટકતા રહેવાનું ..મન થાય તો કોલેજના ક્લાસ એટેન્ડ કરવાના , નહીં તો બંક ... કાં તો લાયબ્રેરીમાં હોય , કાં તો સ્ટેશન ઉપરના એ.એચ.વ્હીલરના બુકસ્ટોલ ઉપર ચોપાનિયાં ગોડવતો હોય , અથવા તો હોસ્ટેલની રૂમમાં લેપટોપ ઉપર કંઇક આડા અવળા અક્ષરો ઘુંટ્યા કરતો હોય ..! તેને લખવાનો ગાંડો શોખ હતો –ક્યારેક વાર્તાઓ , ક્યારેક લઘુકથાઓ લખ્યા કરતો , ચોપાનિયાં અને મેગેઝીનો વાંચ્યા કરતો ... બસ , પોતાની મસ્તીમાંજ મસ્ત રહેતો ...તેને ના તો ભણવામાં કોઇ રસ હતો , ના તો કુટુંબમાં...હા.. તેને આર્ટસમાં જવું હતું ..પણ બાપાએ તેને બળજબરીથી સાયન્સમાં ભણવા મૂક્યો હતો ..! તેને ડોક્ટર કે એંજીનીયર બનવામાં કોઇ રસ નહોતો –એટલે તે ખરેખર તો નાસીપાસ થઇ ગયો હતો ...!

        એવામાં તેની એક વાર્તા “ ડોન્ટ ફરગેટ મી..”  શોપિઝન એપ ઉપર પ્રકાશિત થઈ હતી .પ્રકાશિત થતાની સાથે જ વાચકોના એવા જબરજસ્ત રીવ્યુ આવ્યા કે તે પોતે ગદગદ થઈ ગયો ..માત્ર એટલુંજ નહીં..પણ તેની આ વાર્તા વાંચ્યા પછી જે ફોન આવ્યો ,” તમારી હાર્ટ ટચીંગ સ્ટોરી –ડોન્ટ ફરગેટ મી.. મારા હ્રદયને સ્પર્શી ગઈ છે , એટલી બધી મને ગમી ગઈ છે કે હું તમને અભિનંદન આપવા રૂબરૂ મળવા માંગું છું અને હોટલ અપ્સરામાં તમને પાર્ટી આપવા માંગુ છું-તમારી વાર્તાની સફળતા બદલ ..બોલો આવશો ? “ તે ઘડીભર તો મોબાઇલ સામે જ તાકી રહ્યો હતો –તેને ખરેખર વિશ્વાસ જ નહોતો આવતો –કે આવું બની શકે ખરું ? એક વાર્તામાં આટલી બધી તાકાત હોઇ શકે ખરી ? “

“ શું વિચારો છો લેખક મહાશય ? સ્વપ્ન જેવું લાગે છે ? પણ આ સ્વપ્ન નથી જ .. હું સુયશા જ બોલું છું –ગર્લ્સ હોસ્ટેલમાંથી ...અહીં આર્ટસમાંજ ભણું છું.., બોલોને ...જવાબ તો આપો ..તમે અવનિશ જ બોલો છોને ? “  

“ હા..હા.. હું અવનિશ જ બોલું છું... બોલો ક્યારે હોટલ અપ્સરામાં આવવાનું છે ? કેટલા વાગે ? અને હું તો તમને ઓળખતો નથી .. “ તેણે માંડ માંડ થૂંક ગળે ઉતારતાં કહ્યું હતું..

“ ઓળખવાની ચિંતા ના કરો – માત્ર આવતી કાલે સાંજે સાતને પાંચ મિનિટે હોટલ અપ્સરાના એસી હોલમાં અગિયાર નંબરના ટેબલ ઉપર પહોંચી જજો .. હું આપની પહેલી ત્યાં પહોંચી જઇશ , અગિયાર નંબરનું ટેબલ અગાઉથી જ બુક કરાવી લઈશ ..”

તે વિચારતો રહ્યો .કોણ હશે આ સુયશા ..કેવી હશે ? તેનો સ્વભાવ કેવો હશે ? શોપિઝન એપ ડાઉનલોડ કરેલ છે એટલે તે સાહિત્ય રસિક છે એ વાત તો નક્કી ..! ચોક્કસ જ જામશે અમારી મૈત્રી ... તે મનોમન ખુશ થઈ ગયો –અને આવતી કાલની જ રાહ જોવા લાગ્યો ..?!

                        +                                       +

        બરાબર શાર્પ સાતને પાંચે તે હોટલ અપ્સરાના એસી હોલમાં અગિયાર નંબરના ટેબલ પાસે જઈને ઉભો રહ્યો –આખી રાત ઉંઘ જ ક્યાં આવી હતી ? સામે બેઠેલી યુવતીને તે એકીટશે તાકી જ રહ્યો .. પલક ઝપક્યા વિના જ ... આ આતો ઓરત છે કે સ્વર્ગમાંથી ઉતરી આવેલી કોઇ અપ્સરા ..?! લાંબા કાળા ઘાટ્ટા વાળ , ગોળમટોળ ચહેરો , અણિયાળી આંખો ... લાલ ગુલાબી ગાલ , ડાબા ગાલમાં પડતાં ખંજન .. જાણે કે તેને પોતાની આંખો ઉપર વિશ્વાસ જ નહોતો પડતો ...?! આવું સૌંદર્ય અહીં હોઇ શકે ?

“ આપ જ અવનિશ ? “ પેલી યુવતી બોલી –જાણે કે રૂપાની ઘંટડી જેવો સુમધુર સ્વર .

“ જી...જી..હા.. “ તેની તો જીભ પણ થોથરાવા માંડી હતી .

“ નાઇસ ટુ મીટ યુ ..માય સેલ્ફ સુયશા ... શહેરના નામી બિલ્ડર બટુકરાયની એકલૌતી દિકરી ..” તેણે મધુર હાસ્ય વેરતાં કહ્યું .. તે તો તેના દાડમની કળી જેવા દાંત તરફ જ તાકી રહ્યો ..પણ ,” અને ખાસ તો તમારી સ્ટોરી – ડોન્ટ ફરગેટ મી –ની ચાહક...” સુયશાએ પોતાનો જમણો હાથ લંબાવી તેના તરફ ધરતાં કહ્યું ..તેણે તેના લાંબા થયેલા હાથમાં પોતાનો જમણો હાથ મૂકી દીધો ..તરત જ સુયશા આગળ બોલી ,” અને હવે તમારી પણ ચાહક ..”

        તે તો જોતો જ રહી ગયો . સુયશાએ જ તેને ખુરસી ઉપર બેસાડ્યો –અને તેની સામે મેનુ મૂકી દીધું ... તેને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ અલ્લડ યુવતી તેના જેવા લધર વધર , લગભગ ગામડાનો જ લાગે , પાગલ પણ લાગે ...એવા યુવક ઉપર એક વાર્તાના કારણે જ આટલી બધી ઓળઘોળ થઈ જાય .. પણ ના.. આ વાસ્તવિકતા જ હતી ..! સુયશા બહુ જ તેજ અને ઝડપી હતી –“ આપ જ અવનિશ “ થી શરૂ થયેલી એ મુલાકાત છેવટે એકબીજાને કોઇપણ પ્રકારની શરમ વિના ચુંબનથી પૂરી થઈ .. અને પછી તો મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો –કોલેજ ઓછી થવા માંડી , તેનું પોતાનું લખવાનું પણ ત્રુટક ત્રુટક થઈ ગયું.. જોત જોતામાં તો લગભગ અગિયાર માસ વીતી ગયા . સુયશાએ અવનિશનું આખું વ્યક્તિત્વ જ બદલી નાંખ્યું .. લધર વધર અવનિશને જાણે કે ફિલ્મનો હીરો જ બનાવી દીધો .સલમાનખાન , ઋત્વિક કે રણવીરને પણ પાછળ પાડી દે –તેવો તેનો લુક બનાવી દીધો . એકબીજાને સાથે જીવવાના અને સાથે મરવાના કોલ પણ અપાઇ ગયા ..!

        બટુકરાયના આલિશાન રાજમહેલ જેવા ઘરમાં પણ બન્ને વિના રોકટોક અવરજવર કરતાં હતાં.. સુયશાએ તેને પોતાના મંગેતર તરીકે પોતાના પપ્પા , મમ્મી , પોતાનાં કુટુંબીજનો અને મિત્રવર્તુળમાં પણ તેની ઓળખાણ આપી દીધી હતી .વાસ્તવમાં તો તેના પપ્પાનો આજ શહેરમાં બંગલો હતો – પણ બહેનપણીઓ સાથે રહેવા મળે એ માટે સુયશા હોસ્ટેલમાંજ રહેતી હતી ...વાસ્તવમાં તો તેનાં મમ્મી-પપ્પાને તેના માટે ટાઇમ જ નહોતો . તેની મમ્મી ક્લબો અને પાર્ટીઓમાંજ વ્યસ્ત રહેતી હતી , જ્યારે બટુકરાયને તો પોતાના ધંધામાંથી દિકરીના ઉછેર માટે ટાઇમ જ ક્યાં હતો ..?! આથી અવનિશ અને સુયશા એકબીજામાંજ વ્યસ્ત રહેવા લાગ્યાં –જાણે કે તેઓ પતિપત્ની હોય તે રીતે જ બટુકરાયના મહેલમાં અને હોટલોમાં રહેવાં લાગ્યાં હતાં...એમાંજ એક દિવસ .... ?!

        જે હોટલમાં એ લોકો રાતે રોકાયાં હતાં .. તે હોટલમાંથી સવારે નીકળતાં હતાં ...બરાબર તે સમયે તેમનો ભેટો બટુકરાય સાથે જ થઈ ગયો .બટુકરાય પણ તેજ હોટલમાં અન્ય કોઇક ઓરત સાથે ત્રીજા માળની રૂમમાં રોકાયા હતા –બટુકરાયે એમને જોયાં અને એ લોકોએ બટુકરાયને જોયા . સુયશા તો પોતાના પપ્પા સાથેની ઓરત તરફ તાકી જ રહી ..?! બસ , આ એક જ વાત તેમના વિયોગનું કારણ બની ગઈ ..!

                                        +                       +

તે દિવસે સુયશાની બર્થ ડે પાર્ટી હતી . તેને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.. બટુકરાય તરફથી અને સુયશા તરફથી તો ખાસ . તેને પણ હવે તો સુયશાનું જાણે કે વ્યસન થઈ ગયું હતું –તેના જીવનની જરૂરિયાત થઈ ગઈ હતી સુયશા . તે પાર્ટીમાં વહેલો પહોંચી ગયો હતો .. મહેમાનો આવવાના શરૂ થઈ ગયા હતા ..જો કે ખાસ અંગત સિવાય કોઇને પણ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું . ટેબલ ઉપર થાળીઓ ગોઠવાઇ ગઈ હતી .. તે અને સુયશા બાજુબાજુમાંજ બેઠાં હતાં..સુયશાની બીજી પણ એક બે બહેનપણીઓ આવી ગઈ હતી .. એ લોકો પોતપોતાની રીતે વાતો કરતાં હતાં..એવામાં તે ઉઠીને બાથરૂમ ગયો ..!

        આ દરમ્યાન જ બટુકરાય આવી ગયા હશે ...અને એમનો મોબાઇલ રણક્યો , મોબાઇલમાં તેમણે નામ વાંચ્યું ,અને પછી સુયશા અને તેની બહેનપણીઓ તરફ નજર કરી –કદાચ મોબાઇલમાં જે વાત કરવાની હતી , તે તેમનાથી છુપાવવાની હતી , આથી વાત કરતા કરતા તેઓ બાથરૂમ તરફના ખૂણામાં આવી ગયા , તેમને ખબર નહોતી કે અવનિશ બાથરૂમમાં છે ,આથી તેમણે વાત ચાલુ રાખી –અવનિશ વાતો સાંભળતો હતો , તે બટુકરાયનો અવાજ ઓળખતો હતો , આથી બાથરૂમમાંજ તેમની વાતો સાંભળતો બેસી રહ્યો

---હા.. ભાઇ..હા.. એ અવનિશ તો કંઇક વાર્તાઓ અને ટુચકા જેવું લખે છે , સાલો સાવ મુફલિસ છે –એ મારી સુયશાને શું સુખી કરવાનો છે ? પણ આ છોકરી એનાથી એવી અંજાઇ ગયેલ છે કે તેને છોડવા તૈયાર જ નથી –પણ હું બટુકરાય છું-શહેરનો સૌથી વધારે ધનાઢ્ય ...આવા મુફલિસને મારી પરી જેવી દિકરી પરણાવી તેને દુ:ખી થવા દઉં...? એ તો નાસમજ છે , પણ હું બધુંજ સમજું છું..એટલે જ આ પ્લાન બનાવ્યો છે –સાંભળી લો ... આજના મેનુમાં મેં કેસર કેરીનો રસ રાખ્યો છે અને આ મુફલિસનો રસ તો અલગથી જ આવશે ... એને શંકા પણ નહીં પડે –પણ એમાં ઘેનની –બેભાન કરનારી પડીકી તારે કોઇ ના જુએ એ રીતે સરકાવી દેવાની –જે મેં તને કાલે આપી હતી –પણ વધારે નહીં..

--------- સામેવાળો શું બોલે છે તે તેને તો સંભળાતું જ નહોતું..

----- જો પાર્ટી પૂરી થયા પછી એ અહીંજ રોકાવાનો છે એટલે એ બરાબર ઘેનમાં આવી જાય , બેભાન થઈ જાય એટલે તારે પેલા મન્નુ દાદાને ફોન કરી દેવાનો –હું તો નીકળી જઈશ.. મન્નુ દાદો એનું ઠેકાણું પાડી દેશે –કાંતો ગાઢ જંગલમાં એવી જગ્યાએ છોડી દેશે અથવા દરિયાની વચ્ચોવચ્ચ ...જ્યાંથી પાછા ફરવાનું તેના માટે શક્ય જ નહીં બને ... એને પૂરો કરીને મારે જોખમ નથી લેવું...!

        બાથરૂમમાં બેઠાં બેઠાં આ વાતો સાંભળતા અવનિશની તો આંખો જ ચકારાઇ ગઈ .. બટુકરાય ત્યાંથી ખસી ગયા ..બાથરૂમની તિરાડોમાંથી તેણે જોયું તો પાર્ટીમાં ભીડ વધી ગઈ હતી એટલે લાગ જોઇને તે બાથરૂમમાંથી બહાર આવી ગયો . કોઇને સહેજ પણ શંકા ના પડે તે રીતે પોતાની જગ્યાએ ગોઠવાઇ ગયો .પાર્ટીમાં તેણે ભરપેટ ખાધું...અને રસ પણ ખાવાનો ઢોંગ કર્યો ... પાર્ટી પત્યા પછી તેણે બેભાન થવાનું નાટક પણ ભજવ્યું...મન્નુ દાદો તેને ઉઠાવી ગયો , દરિયામાં અધવચ્ચે છોડીને જતો રહ્યો .. તેને તરતાં તો આવડતું હતું , પણ એટલું બધું પરફેક્ટ નહીં કે ઉંડા દરિયામાંથી તરીને બહાર આવી શકાય –તે પાણીમાંજ બેભાન થઈ ગયો ...પછી કોણે તેને બચાવ્યો તેની પણ તેને ખબર ના પડી –બસ , ભાનમાં આવ્યો ત્યારે પાર્ટીને પાંચ છ દિવસ વીતી ગયા હતા ..તેણે સુયશાના મોબાઇલ ઉપર ફોન કર્યો તો તેણે કટ કરી નાખ્યો , ફરી કર્યો તો પણ કટ કરી નાખ્યો .તેણે લગભગ સાત આઠ વખત રીંગ કરી , પણ સુયશા કટ જ કરી નાખતી હતી .. તેને લાગ્યું કે કદાચ તેના પપ્પા કે મમ્મી આજુબાજુ હશે એટલે સુયશા વાત નહીં કરતી હોય ..! પણ તેણે લાગલાગટ આઠ દિવસો સુધી ફોન કર્યા પણ એજ હાલત ..! તેને લાગ્યું કે તેના બાપાએ તેને તેની સાથેનો સબંધ તોડી નાખવા જ કહ્યું હશે , એટલે હવે તો સુયશાને ભૂલી જવામાંજ મજા છે ..અને ધીરે ધીરે તે સુયશાને ભૂલવાનો પ્રયાસ કરવા લાગ્યો ..?!

                        +                                       +

આ વાતને અને આ પ્રસંગને લગભગ ચારેક મહિના વીતી ગયા હતા .તે સુયશાને લગભગ જ ભૂલી ગયો હતો .હવે તેણે પોતાનું સમગ્ર ધ્યાન લખવામાંજ કેંદ્રિત કરી દીધું હતું.. તેની વાર્તાઓ અને નવલકથાઓ ધદાધડ બહાર પડી રહી હતી અને જબર જસ્ત લોકચાહના મેળવી રહી હતી , એવામાં અચાનક એક દિવસ તેના મોબાઇલમાં સુયશાનો વોટસ એપ મેસેજ આવ્યો ,” હું આવતી કાલે સવારે એર ઇંડિયાની મુંબઈ ફ્લાઇટમાં મુંબઈ અને ત્યાંથી ન્યુયોર્ક જઈ રહી છું..તારે છેલ્લછેલ્લી મને જોવી હોય તો એરપોર્ટ ઉપર આવી જજે –પણ મને દૂરથી જ જોજે ...નજીક આવવાનો પ્રયાસ ના કરતો , તારા જાનનું જોખમ છે ..બાય ...” મેસેજ વાંચીને તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો .. તેણે મનોમન નક્કી કર્યું કે તે સુયશાને જોવા , તેનાં છેલ્લાં દર્શન કરવા અવશ્ય જશે ...

        તે દિવસે રાતે ફરીથી સુયશાનો મેસેજ આવ્યો ,” મારી રાહ જોજે ..હું અવશ્ય પાછી આવીશ ..ડોન્ટ ફરગેટ મી ..” બસ , ત્યારનો તે સુયશાની રાહ જોઇ રહ્યો છે , સુયશા અવશ્ય પાછી આવશે ...?!

                +                               +                       +

        અડધી રાતે તેના ફ્લેટનો ડોરબેલ રણકી ઉઠ્યો .. તે ઉંઘમાં હતો એટલે બારણું ખખડાવ્યું..બારણું ધમધમાવ્યું..તે આંખો ચોળતો ચોળતો ઉભો થયો અને બારણું ખોલ્યું તો ...તેની આંખો ચકળ વકળ થઈ ગઈ ,” સુ..ય..શા.. તું...” કહીને બન્ને જણ એકબીજાંને બાઝી પડ્યાં..સુયશા અંદર આવી.. પછી શું થયું તેની કોઇને ખબર નથી પણ બીજા દિવસનાં ન્યુઝપેપરોની હેડલાઇન હતી ,” જાણિતા લેખક અવનિશનું રહસ્યમય સંજોગોમાં અવસાન ..તેમના ગળા ઉપર કોઇક જંગલી પશુનાં દાંતનાં નિશાન ...” વાતાવરણ જાણે કે ઘુમરાઇ ઘુમરાઇને કહ્રેતું હતું ,” ડોન્ટ ફરગેટ મી..”

---------------* -----------------------------*--------------------------------------------------

                                        --42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

                                        વડોદરા-390020.(મો) 9974064991 .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ