વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ-ઝરણું

હજારો નફરતના દરિયા ખેડ્યાં પછી,
એક પ્રેમ ઝરણ ફૂટ્યું છે મુજ મહી!


વૃષિકા! એને વાંચનનો ખૂબ શોખ હતો. નાનપણથી જ એ બાળ ભાસ્કર, ઝગમગ ને ચંપકની વાર્તાઓ વાંચે, જોડકણાં જોડે, ઉખાણાં વાંચે અને એની બીજી સખીઓને પણ તે ઉખાણાં પૂછે! નાની હતી ત્યારે એનાં બા ને વાર્તા વાંચી સંભળાવે અને બા એનાં વાંચનના વખાણ કરે અને એ સાંભળીને તે ખુશ થતી. જેટલી શોખીન વાંચવાની હતી વૃષિકાને રમતગમતનો પણ એટલો જ શોખ! એ વેકેશનમાં સાંજ પડે સખીઓ સાથે રમવા નીકળી જાય અને પછી બધી બહેનપણીઓ શોરબકોર ને કિલ્લોલ કરીને આખી સોસાયટી માથે લે. આમ ને આમ બચપણ જતું ગયું અને આવી ગયો સમય યુવાનીનો. વૃષિકા નાનપણમાં જે બહેનપણીઓ સાથે રમતી હતી એ બધાનાં લગ્ન થ‌ઈ ગયા તો કોક વળી વિદેશ જ‌ઈ સેટલ થઈ ગઈ અને અહીં રહી ગઈ વૃષિકા એકલી!

વૃષિકા જેમ જેમ મોટી થતી ગઈ એમ એને સતત એવું લાગતું કે એને એના માતા-પિતા તરફથી અવગણના મળી રહી છે, પણ એમાં માતા-પિતાનો પણ દોષ નહોતો. વૃષિકા પિતાની લાડકી એથી એમણે વૃષિકા પ્રાઈવેટ લિમિટેડ તરીકે કંપની ખોલી, સીઇઓ તરીકેનું પિતાનું વ્યસ્ત શિડ્યુલ અને માતા ખાનગી કંપનીમાં સીએ તરીકેની ફરજ બજાવે. માતા-પિતા જે કંઇ કરી રહ્યા હતા એ ફક્ત વૃષિકાની ખુશી માટે કરી રહ્યા હતા પણ પૈસા કમાવાની ધૂનમાં માતા-પિતા ક્યાંક એ ભૂલી ગયા કે અમારી એકમાત્ર દિકરી વૃષિકાને પૈસા કરતા પ્રેમ, હૂંફની વધારે જરૂર છે. માતા-પિતાની વ્યસ્તતાને કારણે તે ઉદાસ, નાખુશ અને ધીરે ધીરે હતાશ રહેવા લાગી. એ કોલેજમાં આવી ત્યારે એણે પાર્ટ ટાઇમ નોકરી શરૂ કરી દીધી હતી, જેનું એક જ કારણ હતું કે તેને ઘરે એકલા રહેવું ગમતું નહોતું અને હતાશા, નિરાશાથી દૂર રહેવા માટે એણે નોકરી કરવાનો વિચાર કર્યો.

વૃષિકાનુ સપનું હતું કે તે આર્મી ઓફિસર બને પણ તેની મમ્મીના માતૃત્વને કારણે એ શક્ય ન બન્યું. જ્યારે એ કોલેજ કરતી ત્યારે એણે એનું અધુરું રહી ગયેલું સ્વપ્ન જીવવા માટે એનસીસી જોઈન્ટ કર્યું. જ્યારે જ્યારે એ ખાખી વર્દી પહેરતી ત્યારે એના રોમેરોમમાં દેશપ્રેમ છલકાતો હતો. એનસીસી B અને‌ C સર્ટિફિકેટ પાસ હોવા છતાં ન જાણે કેમ હવે તેને આર્મી ઓફિસર બનવાની ઈચ્છા ત્યજી દીધી.

૨૦ વર્ષની વૃષિકામા એવું જ જોબન છલકાતું હતું જે દુનિયાની દરેક જુવાન વ્યક્તિમાં છલકાતું હોય. ભૂરી આંખો, સ્ટેપ કટ વાળ, નાજુક નમણી ચાલ અને મેકઅપ ના નામે વૃષિકા ફક્ત પાવડર, કાજળ એટલું જ વાપરતી. આમ તો એ આધુનિક જમાનાની, પણ એને ભપકાદાર મેકઅપ ક્યારેય નહોતો ગમતો. એ સાદગીની ચાહક હતી. એ જ્યારે પણ ગાડીમાંથી ઉતરે ત્યારે સેલ્ફ ડ્રાઇવ કરીને આવતી વૃષિકા પર ક્ષણવાર માટે કોલેજના છોકરાંઓની નજર રોકાઈ જતી. બધા એવું જ માનતા કે કોઈ રહીશ ઘરની હશે, પણ તેને કોઈને એ જણાવવું ક્યારેય યોગ્ય નહોતું લાગ્યું કે આ ગાડી પોતાની કમાણીમાંથી ખરીદી છે. 

વૃષિકા ભણવામાં હોશિયાર હોવાથી ઘણા છોકરાઓ એ કોશિશ કરી એની સાથે મિત્રતા કેળવવાની પણ તે જરૂર અને કામ પુરતો જ બધાને પ્રતિસાદ આપતી. અંતર્મુખી હોવાને કારણે એને બહુ કંઈ ખાસ બહેનપણી નહોતી. એ એની દુનિયામાં જ મસ્ત રહેતી. ક્યારેક ચાલુ લેક્ચરમા તે અન્યમનસ્ક બની કંઈક ઉંડા વિચારોમાં ખોવાઈ જતી અને પછી જ્યારે પ્રોફેસર એને બોલાવે ત્યારે એના વિચારોની તંદ્રા તૂટતી. પ્રોફેસર જ્યારે ભણાવતા ત્યારે પણ એ નોટબુકના છેલ્લા પાને કંઈક ને કંઈક લખતી રહેતી. એનું ધ્યાન ભણવામાં ઓછું અને કવિતાઓ લખવામાં વધારે રહેતું. 

જે દિવસથી વૃષિકાનુ આર્મી ઓફિસરનુ સપનું તૂટ્યું એ‌ પછી એણે ક્યારેય બીજા નવા સપનાંઓ ન જોયા. સમાજ અને મમ્મી-પપ્પાના સવાલો "વૃષિકા તારે હવે આગળ કારકિર્દીમાં શું કરવું છે?" વૃષિકાને આવા પ્રશ્નો સતત અકળાવતા રહેતા અને એમને સારું લગાડવા વૃષિકા સરકારી નોકરીની તૈયારી મને-કમને કરતી રહી અને પરીક્ષા આપતી રહી પણ સફળ ન થતાં એની હતાશા વધુ ઘેરી બની. આ બધાની વચ્ચે વૃષિકાના માતાપિતા એ જાણવાની તસ્દી ન લીધી કે એમની લાડકી દીકરીને શું ગમે છે, એને શું કરવું છે કારકિર્દી ક્ષેત્રે. આ તમામ હતાશા વચ્ચે વૃષિકા કોલેજના એસાઈનમેન્ટ, પ્રેઝન્ટેશન અને નોકરીના કામના ભારને સંભાળતી રહી. જે પરિસ્થિતિમાં, જે ક્ષણે લોકો જિંદગી ખતમ કરી દેવા જોખમી અને અનિચ્છનીય પગલા ભરે છે એવા સમયે વૃષિકા એ સહારો લીધો ડાયરી, પુસ્તકો અને પ્રકૃતિનો! તે જ્યારે પણ નાખુશ હોય ત્યારે પ્રકૃતિના સાંનિધ્યમાં જ‌ઈને બેસે, ગીતો સાંભળે અને ક્યારેક આજુબાજુની વસ્તુઓનું, બાબતોનું નિરીક્ષણ કરે.

આ મન પણ કેવું લપસણુ છે,
ખબર નહીં ક્યાં, ક્યારે અને કોના માટે લપસી પડે છે!


જે વૃષિકા એ કોલેજમાં કોઈ છોકરાને ભાવ નહોતો આપ્યો, એ વૃષિકાને સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા, એ વ્યક્તિ સાથે પ્રેમ થવા લાગ્યો, એના માટે લાગણી કેળવાતી ગ‌ઇ. એક દિવસ એ લાઈબ્રેરી જવાના બહાને આ છોકરાને મળવા ગ‌ઈ અને એ પછી એ બંને વચ્ચે કેટલીય મુલાકાતો થતી રહી, ક્યારેક એ વૃષિકાને મળવા આવતો તો ક્યારેક એ તેને કોઇ બહાને મળવા જતી અને એમ એ રીતે એમની વચ્ચે રચાતું ગયું પ્રેમનું ઇન્દ્રધનુષ! 

એક દિવસ વૃષિકાના માતાપિતા એ તેને પાસે બેસાડી અને પૂછ્યું, 'બેટા, તેં લગ્ન વિશે વિચાર્યું છે? 'તને કોઈ છોકરો પસંદ હોય તો અમને કહી શકે છે'! આ સવાલ સાંભળતા જ વૃષિકા પહેલા થોડું શરમાઈ ગઈ. આ જોઇને તેના પપ્પા એ મમ્મીને મજાકમાં કહ્યું કે "આપણી રાજકુમારી એ આપણી જાણ બહાર રાજકુમાર શોધી લીધો છે". આ સાંભળી ત્રણેય જણા થોડું હસ્યા અને પછી વૃષિકા એનાં પ્રેમી ઋષભ વિશે માહિતી આપતા કહે છે- "અમે છેલ્લા ત્રણ વર્ષથી લીવ‌ઇન રીલેશનશીપ નિભાવી રહ્યા છીએ અને હવે આપની મંજૂરી સાથે અમે લગ્ન કરવા ઈચ્છીએ છીએ. શુ આપ અમારા આ પ્રેમલગ્ન ને સ્વીકારશો?"

આ સાંભળતા વૃષિકાની માતા એને માથે હાથ ફેરવે છે અને કહે છે - 'બેટા, અમને તારી પસંદ પર પૂરો વિશ્વાસ છે. તેં તારા માટે પસંદ કરેલો છોકરો ખરાબ નહિ જ હોય, પણ તેં આ વાત અમને પહેલા કેમ ન જણાવી?'

વૃષિકા થોડા ગુસ્સામાં બોલે છે - 'શું કહું અને કેવી રીતે કહું? તમે બંને જણાએ મને સમય આપ્યો છે? મારી સાથે બેસીને પ્રેમથી વાત કરી છે કોઈ દિવસ? પપ્પા એમની મીટિંગમા વ્યસ્ત હોય અને તું તારા ક્લાયન્ટ સાથે, જ્યારે તમને લોકોને મારા માટે સમય જ નથી તો પછી હું શું કામ તમને કશું જણાવું?' તમે મને પ્રેમ આપવામાં નિષ્ફળ રહ્યા એટલે મારે પ્રેમને બહાર શોધવો પડ્યો અને તમને લોકોને ખબર છે આ પ્રેમની સતત ઝંખના માટે મને કેટલાંય છોકરાઓ સાથે આકર્ષણ અને પછી પ્રેમ થતો ગયો, પણ એ બધાનાં સ્વાર્થી પ્રેમ હતા, એ લોકોની અયોગ્ય માંગણી મેં પૂરી ન કરી એથી એ બધાં જ મને તરછોડીને જતા રહ્યા અને એ પછી હું સતત એક વર્ષ સુધી હતાશ રહી છું અને જ્યારે મેં જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો ત્યારે મને ઋષભ મળ્યો અને એણે મને બચાવી લીધી. જ્યારે જ્યારે હું એની સાથે મરવાની વાત કરતી ત્યારે એ મારી પડખે ઊભો રહેતો અને મને પ્રેમથી સાંત્વના આપતો અને કહેતો- 'હુ છું ને તારી સાથે', 'હું તને કંઈ જ નહી થવા દઉં', હું તને સાચવીશ અને તને પ્રેમ, તારી કાળજી પણ રાખીશ'! અંતે વૃષિકા રડમસ અવાજે એટલું જ બોલી શકી- "એ છોકરો ગર્વને પાત્ર છે જેણે તનની સુંદરતા કરતા મનની સુંદરતાને વધારે મહત્વ આપ્યું, જેના માટે મનની સુંદરતા અગત્યની હોય એવી વ્યક્તિ મને જીવનમાં ક્યારેય દગો નહીં આપે અને તમારા કરતા સવા‌ઈ ખુશી આપશે મને!"

 આ બધું સાંભળીને વૃષિકાના માતાપિતાના મનમાં મિશ્ર લાગણીઓ થવા લાગી. ઘડીકમાં તેઓને તેમની દીકરીની સમજદારી પર ગર્વ થતો કે એણે લોકોની અયોગ્ય માંગણી પૂરી ન કરીને એ ખુદના મનને કાબુમાં રાખી શકી, બાકી જે સમયે લોકો દેહ માટે અંધ થ‌ઈને પ્રેમનું નાટક કરીને માસૂમ દીકરીઓને ફસાવે છે અને પછી એનું ગંભીર પરિણામ આવતું હોય છે એ વખતે તેમની દીકરી એ પોતાના પર સંયમ જાળવી રાખ્યો અને વૃષિકાના માતાપિતા ને એ વાતનો વસવસો થતો રહ્યો કે પૈસાને એટલું બધું મહત્વ આપી બેઠા, અમે એ પણ ભૂલી ગયા કે અમારું એકનું એક સંતાન પૈસા નહિ પણ અમારો‌ પ્રેમ અને સમય માંગે છે અને અમે એને સમજવામાં, એ વ્હાલ ન આપી શક્યાનો રંજ જિંદગીભર ડંખતો રહ્યો. વૃષિકાના માતાપિતાના આંખોમાં અશ્રુઓના વાદળ ઘેરાયા પણ ક્યાં માબાપની હિમ્મત ચાલે પોતાની દીકરીની સામે રડવા માટે અને એ આંસુઓને અલવિદા કહીને તેમણે વૃષિકાના માથે હાથ મૂક્યો અને તેને ભેટી લીધી અને સાથે પ્રેમલગ્નની મંજૂરી પણ આપી.

એ દિવસે રાત્રે વૃષિકા ખૂબ ખુશ હતી, નાના બાળકની જેમ કૂદી રહી હતી અને ગીત ગણગણી રહી હતી. એ રાત્રે જ્યારે ઋષભનો વિડિયો કોલ આવ્યો ત્યારે એણે બધી વાત કરી. આ સાંભળીને ઋષભના હરખનો પાર ન રહ્યો, તે પણ નાના બાળકની જેમ નાચી ઉઠ્યો અને ગીત ગાવા લાગ્યો. તેને ગીત ગાવાનો શોખ હતો, એના સુરીલા અવાજ પર તો વૃષિકા મોહી પડી હતી. વિડિયો કોલમાં સામે છેડે બંને ખૂબ ખુશ હતા, એકબીજાથી દૂર હતા તેમ છતા એકસાથે જ હોય એવું લાગી રહ્યું હતું. પછી વૃષિકા એ તેને પૂછ્યું- 'બોલ ઋષભ! હવે ક્યારે કરવા છે કંકુના?' ઋષભ એ જવાબ આપ્યો, "વૃષિકા! તને ખબર તો છે કે હું અત્યારે હૈદરાબાદ ટ્રેનિંગમા આવેલો છું, ત્યાંથી આવું એ પછી જ થશે ને કંકુના!" વૃષિકા એ હસતા હસતા જવાબ આપ્યો, હા‌ યાર, પણ તારી સાથે રહેવા માટે મેં એટલી બધી રાહ જોઈ છે એટલે હવે તારી સાથે મંગલ ફેરા ફરવાની ઉતાવળ, તાલાવેલી અને ઉત્સુકતા જેવી અનેક ઉર્મીઓ એકસાથે હિલોળે ચઢી છે." 

અઠવાડિયા પછી જ્યારે ઋષભ ટ્રેનિંગમાથી પાછો આવે છે એના બીજા જ દિવસે વૃષિકા અને ઋષભના માતાપિતા સાથે ઋષભના ઘરે મુલાકાત ગોઠવાય છે. 

"જ્યારે બંને જણા વચ્ચે અગાઢ પ્રેમ હોય ત્યારે દીકરીના માતાપિતા તરીકે તેણે પસંદ કરેલા છોકરામાં સંસ્કાર સિવાય કશું જોવાનું બાકી નથી રહેતું અને માતાપિતા તરીકે એ આપણી જવાબદારી છે કે આપણે દીકરીની પસંદ પર ભરોસો મૂકીએ કે એણે એના માટે જે પાત્ર શોધ્યું હશે એ સંસ્કારી હશે."

વૃષિકાના માતાપિતા ઋષભ સાથે ઘણી વાતો કરે છે અને હાશકારો મેળવે છે કે તેમની લાડકી દીકરી એ જે જીવનસંગી પસંદ કર્યો છે એ યોગ્ય છે અને ત્યારે એનાં ઘરે બેસીને જ બંનેની સગાઇની તારીખ નક્કી થાય છે. આગામી મહિનાની ૧૭ તારીખે બિનસત્તાવાર રીતે મળવાના દૌરમાથી હવે સત્તાવાર રીતે મળવાનો સમય શરૂ થઈ ગયો. પહેલા જે મમ્મી-પપ્પાથી ખોટું બોલીને, કોઈક બહાને મળવા‌ જવાતું, હવે મમ્મી-પપ્પાને જાણ કરીને અને હવે તેઓ સામેથી જ બંને જણાની મુલાકાત ગોઠવે છે, રાત્રે કોઈ રેસ્ટોરાંમાં બંને જણા માટે ડીનર લાઈટ કેન્ડેલનુ આયોજન થાય છે. 

વૃષિકા અને ઋષભ બંને સાદગીના ચાહક! બંનેમાંથી કોઈને ધૂમધામ ગમતી નહિ એટલે એમણે રજિસ્ટર મેરેજ કરવાનો નિર્ણય કર્યો. જે ધામધૂમથી લગ્ન કરવામાં એ ખર્ચો થાય એ ન કરીને એનો ખર્ચ બચાવીને એમાંથી એમણે જરૂરિયાતમંદોને પુસ્તકો અને બીજી એમને અભ્યાસ લગતી વસ્તુઓ આપવાનું નક્કી કર્યું. 

સગાઈ થયાનાં એક વર્ષમાં બંને જણા લગ્નના બંધનમાં બંધાયા. જીવનમાં પહેલીવાર કંઈક પોતાની પસંદનું થયું, પોતાનું ધાર્યું થયું છે, બાકી જીવનમાં આટલા વર્ષ મમ્મી-પપ્પા સાથે મનમેળ ન હોવા છતાં એમની માન-મર્યાદાનુ ધ્યાન રાખીને એમનું કહ્યું કરતી આવતી વૃષિકા ને આજે અનેરો આનંદ થતો હતો. તેને એમ લાગતું હતું કે ઋષભ સાથે લગ્ન કરીને જાણે એનો બીજો જન્મ થયો હોય, તેને તે બાળકની જેમ જીવી લેવા માંગે છે. એ દિવસે રાત્રે વૃષિકાને ઋષભના ચુસ્ત આલિંગનમાં ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ન રહી. 

આમ તો વૃષિકાને નોકરી કરવાની ઈચ્છા નહોતી, પણ ઋષભનો એવો આગ્રહ હતો કે તેની પત્ની વૃષિકા નોકરી કરે તો સારું. વૃષિકાના મનમાં વર્ષોથી ઉદ્ભવેલા નફરત નામના ઝેરનું મારણ મળ્યું હતું. ઋષભની સાથે તે ખુદને પણ એટલો જ પ્રેમ કરતી. ખુદની અંદર પ્રેમની અમીધારા વહેતી કરવામાં સૌથી મોટો ફાળો પુસ્તકો અને ડાયરીનો હતો. જ્યારે પણ એને કંઈ થાય એટલે મનનો ઉભરો એ ડાયરીમાં લખીને શાંત કરી દેતી. હવે જ્યારે એને ઋષભ મળ્યો છે ત્યારે એને કોઈ જ નકારાત્મકતા નથી જોઈતી, એને બસ પુસ્તકો વાંચવા છે અને પોતાની લાઈબ્રેરી ખોલવી છે.

ઋષભ વૃષિકાના દરેક સપનાથી અવગત હતો. એ ચાહે પુસ્તકાલય ખોલવાનું સપનું હોય કે પછી આર્મી ઓફિસર બનવાનું! ઋષભ એ વૃષિકાનો વર્દી વાળો ફોટો જોયો હતો અને એ દિવસથી તેણે નક્કી કરી લીધું હતું કે તે લગ્ન પછી વૃષિકા ને આર્મી ઓફિસર બનાવશે. 

એક રવિવારે સવારે ઋષભ અને વૃષિકા બંને સાથે ચા નાસ્તો કરવા બેઠા અને ઋષભ‌ એ પૂછ્યું - વૃષિકા! એક વાત કહે, "તારે આર્મી ઓફિસર બનવું છે?"

આ સાંભળતા વૃષિકાની આંખોમાં ભેજ આવી ગયો અને તેણે માથું હલાવીને "ના" પાડી. પછી તે ભૂતકાળના દિવસોમાં ખોવાઈ ગ‌ઈ. આ જોઇને ઋષભ એ તેને વ્હાલથી માથે હાથ ફેરવ્યો પણ વૃષિકાની વિચાર તંદ્રા તૂટી નહિ એટલે ઋષભ એ તેણે હલબલાવી અને પછી વૃષિકા સ્વસ્થ થતા બોલી- પહેલા બનવું હતું પણ હવે નહિ. ઋષભ તેને સમજાવે છે - વૃષિકા! તું અત્યાર સુધી તારી સાથે થયેલા દરેક અન્યાય સામે લડી છું, તને સત્યનો પક્ષ લેવો ગમે છે તો પછી તારે સંરક્ષણ ક્ષેત્રે જવું જોઈએ અને તારી બુદ્ધિમત્તાથી દેશને ઉજાગર કરવો જોઈએ. એ કાબેલિયત તારામાં છે. તને ભલે પોતાની જાત પર વિશ્વાસ ન હોય પણ મને તારી પર પૂરો ભરોસો છે કે તું એક દિવસ સંરક્ષણ ક્ષેત્રમાં જરૂર જવા તૈયાર થ‌ઈશ અને દેશની સેવા કરીશ. 

વૃષિકા આ બાબત પર થોડો વિચારવાનો સમય માંગે છે. એક દિવસ ઋષભ ભારતીય સેનાની વેબસાઇટ પર કંઈક જોઈ રહ્યો હતો અને એની નજર એક બેનર પર પડી. જેમાં લખ્યું હતું- એન.સી.સી B સર્ટિફિકેટ તથા C સર્ટિફિકેટ ધરાવનાર મહિલા ઉમેદવાર માટે ઓપન ઈન્ટરવ્યુ. વય મર્યાદા: ૨૪ વર્ષ! આ વાંચતા જ ઋષભને યાદ આવ્યું કે આ ઈન્ટરવ્યુ માટે વૃષિકા લાયકાત ધરાવે છે. એણે આ વાત વૃષિકાને જણાવી. વૃષિકા એ ના પાડી આ ઈન્ટરવ્યુમા જવા માટે. 

ઋષભ એ વૃષિકાને સમજાવી અને કીધું કે તારું વર્ષો‌ જૂનું સપનુ સાકાર કરવા માટે આ છેલ્લી તક છે એને તું ન ગુમાવીશ. છેવટે તું મારું માન રાખીને, આપણા પ્રેમનું માન રાખીને પણ તારે આ ઈન્ટરવ્યુ આપવા જવું જોઈએ. વૃષિકા! તું સમજ, બધાને આવા મોકા નથી મળતા. જ્યારે તક સામેથી આવીને તારા અધુરા રહી ગયેલા સપનાનો દરવાજો ખખડાવ્યો છે ત્યારે તું પાછીપાની નહિ કર. યા હોમ કરીને તું જા ઈન્ટરવ્યુ આપવા. હું આવીશ તારી સાથે, હું તને આ ઈન્ટરવ્યુમા લ‌ઈ જ‌ઈશ. બહુ આનાકાની પછી વૃષિકા તેના પ્રેમનું માન રાખીને ઈન્ટરવ્યુ આપવા જાય છે અને હાલ તે ભારતીય સેનામાં કર્નલની ફરજ બજાવે છે અને એ સાથે તેણે પોતાનું પુસ્તકાલય પણ ખોલ્યું છે. વૃષિકાને ફરીથી વર્દીમાં જોઈને ઋષભની છાતી ગજગજ ફૂલે છે.

સાચે જ:
જે અધુરા રહી ગયેલા સપના પૂરા કરવા માટે સાથ, સહકાર અને પ્રોત્સાહન આપે,
એ સાચો પ્રેમ નથી તો બીજું શું છે? 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ