વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક સાંકળ તોડીએ

આપણી આસપાસ રોજના આટલા બધા મોતના આંકડા આવતા હોય ત્યારે આપણને માનવતા તરીકે એ પ્રશ્ન અચૂક થવો જોઈએ કે "આખરે મોત શું કામ"? "આત્મહત્યા શું કામ"? આપઘાત અને મોતના સમાચાર વાંચ્યા પછી પણ જો આવા સવાલ ન થાય આપણા મનમાં તો સમજવું કે આપણી અંદરથી સહાનુભૂતિ અને સંવેદના એ વિદાય લ‌ઈ લીધી છે. આવા સમાચાર સાંભળી કે વાંચીને જ્યારે આપણી સામે નબળી પરિસ્થિતિ ઊભી થાય અને ત્યારે એની સામે લડવા કરતા મરવાની ઇચ્છા થઇ આવે ત્યારે એટલું જ વિચારવાનું છે કે આપણે મોત અને આપઘાતની કડીને હવે તોડવાની છે, એ સાંકળને ચાલુ નથી રાખવાની. કોઈ એક વ્યક્તિ આ કડીને તોડીને સમાજમાં ઉદાહરણ તરીકે બહાર આવશે ત્યારે બધાને પ્રેરણા મળશે જિંદગી જીવવાની અને પરિસ્થિતિ સામે બાથ ભીડવાની. 

આખરે લોકો મરવા માટે શું કામ મજબુર થાય છે? એની પાસે કોઈ એવું દોસ્ત નહિ હોય જેની સામે એ મન હળવું કરી શકે? આપણે જ્યારે જે તે વ્યક્તિની સુસાઈડ નોટ વાંચીએ છીએ ત્યારે એક કારણ એ પણ લખ્યું હોય છે કે "સામાજિક દબાણ, પારિવારિક અશાંતિ કે અન્ય કોઈ નિષ્ફળતા!" જ્યારે મૃતકનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે છે ત્યારે એક કારણ બહાર આવે છે "ડીપ્રેશન"! આ શબ્દ, આ બીમારી વિદેશની ધરતી પર સહજ સામાન્ય છે જ્યારે ભારત જેવા દેશમાં આ એક Taboo છે. અહીં કોઈ એ સમજવા કે સ્વીકારવા તૈયાર જ નથી કે જે તે વ્યક્તિને ડીપ્રેશન હોય શકે અને એ વાત આપણે સમજી કે સ્વીકારી નથી શકતા એટલે જેને ખબર પડે છે કે એ હતાશ છે, ડીપ્રેસ્ડ છે પણ એ તબીબ પાસે જતા ખચકાય છે ફક્ત એ જ કારણથી કે "સમાજ એને પાગલ માનશે!" આપણી માનસિકતા એને ડીપ્રેશનની સારવાર લેતા રોકી રહી છે અને અંતે પરિણામ મોત સિવાય કશું જ નથી આવડતું અને ત્યારે આપણે ઠાલાં નિસાસા નાંખીએ છીએ કે એણે મને એકવાર વાત કરી હોત તો હું એને બચાવી લેત. પણ ત્યારે આપણે એ સવાલ ખુદને પૂછવાનો છે કે આપણે એને એવું વાતાવરણ આપી શક્યા ખરા કે મનમૂકીને આપણી સાથે વાત કરી શકે. 

ડીપ્રેશનના કારણો ગમે તે હોય પણ આપણે ક્યાંક ને ક્યાંક એવું ગંભીર વાતાવરણ સર્જી દ‌ઈએ છીએ કે અંતે એને ડીપ્રેશન આવે. લોકોને ડીપ્રેશનથી આપણે ઓછેવત્તે અંશે બચાવી શકીએ છીએ. આપણે આપણા ભરખમ સપના બહુ નાની ઉંમરથી એના કૂમળા ખભા પર નાખી દેતા હોઈએ છીએ. માતાપિતા તરીકે આપણે સંતાન પાસેથી આપણા સપના પૂરા કરાવાનો આગ્રહ રાખીએ છીએ, ક્યારેય એના પોતાના સપના વિશે આપણે પરવા નથી કરતા. આપણે આપણા સપના પૂરા કરવામાં આપણાં સંતાને પણ કંઈક સપના જોયા હશે એ ભૂલી જ‌ઈએ છીએ. 

આપણે આપણા સંતાનો પર કેટલી નાની વયથી દબાણ આપી દેતા હોઈએ છીએ એની આપણને જાણ હોવા છતાં આપણે અજાણ બની જ‌ઈએ છીએ. આપણે આપણા સંતાનોને આપણી સફળતાની વ્યાખ્યામાં બેસાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એને પોતાની સફળતાની વ્યાખ્યા કરવા નથી દેતા, એને એ મોકો જ નથી આપતા કે એ સફળતા વિશે વિચારી શકે અને પોતાની વ્યાખ્યામાં ખુદને બેસાડી શકે. એ જ્યાં સુધી સફળતા અંગે વિચારે ત્યાં સુધીમાં એના માટે મોડું થઈ ગયું હોય છે અને પછી એને તમે એના માટે લીધેલા નિર્ણયથી યુટર્ન લેવાની ઈચ્છા હોય તો પણ એ લ‌ઈ શકતો નથી. પરિણામે ગાડરિયો પ્રવાહ બનીને મને કમને તમે બતાવેલા રસ્તા પર ચાલવું પડે છે અને અંતે ડીપ્રેશન સિવાય કશું જ હાથમાં આવતું નથી.

સમાજે આપણને બધાને એક ચોક્કસ સમય મર્યાદામાં બાંધી દીધા છે. સમાજ માટે એ જ સફળતા છે કે જે તે ઉંમર સુધી ભણી-ગણીને દાંપત્ય જીવનમાં ગોઠવાઈ જ‌ઈએ, શું આનાથી બહાર બીજી કોઈ સફળતા ન હોય શકે? ધારો કે કોઈના લગ્ન મોડા થાય કે એ નોકરી-ધંધા સિવાય એ અન્ય રીતે આર્થિક સ્ત્રોત ઉભો કરે તો એ સફળતા નથી? જે દિવસે આપણે બધા અને સમાજ આ સમય મર્યાદાથી આગળ વિચારશે ત્યારે ડીપ્રેશન અને આત્મહત્યાના બનાવો ઓછા થ‌ઈ જશે. વસેલા કે મોડા આપણે આપણે બધાંએ સમાજે આપેલી સફળતાની વ્યાખ્યામાથી બહાર નીકળીને કંઈક અલગ પરિપ્રેક્ષ્યમાં વિચારવું પડશે. એક સ્વસ્થ સમાજ માટે આ ડીપ્રેશન અને આત્મહત્યાની કડી તોડવી પડશે. 

શું આપણું મનોબળ એટલું નબળું છે કે આપણી સામે ડીપ્રેશન જીતી જાય? આપણે એની સામે હારવાનું નથી, એની સામે જીતવાનું છે અને જીતવા માટે આપણે એવો માહોલ, એવું વાતાવરણ આપવું પડશે કે જે તે વ્યક્તિનાં મનમાં ચાલી રહેલી વાત એ આપણને કે બીજા કોઈને કરી શકે. જ્યાં સુધી આપણે એ માહોલ નહિ આપીએ ત્યાં સુધી હતાશ રહેતી વ્યક્તિ એના મનનાં અંધકાર સામે એકલી લડશે અને એ ઉદાસી, એ અંધકાર એટલો બધો ઘેરો બની જશે કે તેને આત્મહત્યા સિવાય બીજા કોઈ વિચાર નહિ આવે અને આપણા ભાગમાં આવશે વસવસો, રંજ એને એ વાતાવરણ આપી ન શક્યાનો કે આપણી વ્યક્તિ આપણને આવીને એનાં મનની દરેક વાત કરે. 

આપણે જ્યારે સ્ક્રીન સાથે એટલા બધા જોડાઇ ગયા છીએ અને વાંચન, પુસ્તકો બધું પાછળ છૂટતું જાય એટલે આપણે આ હતાશા સામે હારી જ‌ઈએ છીએ, એને પહોંચી વળવા માટે આપણું મનોબળ નબળું પડે છે. મનોબળ મક્કમ કરવા માટે વહેલાં કે મોડા આપણે વાંચન તરફ વળવું પડશે. કેટલાંય એવા પુસ્તકો છે જે આપણને હતાશાની સામે રક્ષણ આપી શકે, તેમાંથી બચાવી લે. પુસ્તકોમાં એ તાકાત છે કે નકારાત્મક વિચારોને સકારાત્મકતામા પરિવર્તિત કરી શકે, આત્મહત્યાના વિચારોનાં વમળમાંથી બહાર લાવી શકે. જે દિવસે આપણે પુસ્તકો કે અન્ય કોઈ વાંચન સાથે ફરીથી જોડાઈશુ ત્યારે આ ડીપ્રેશન, આપઘાતની કડી કે સાંકળ તૂટશે.

આપણું રાજી કે ખુશી થવું કે ઉદાશ કે હતાશ થવું બધું જ આપણાં વિચારો પર નિર્ભર છે. આપણે ધારીએ ત્યારે એક ક્ષણમાં ખુશ કે ઉદાસ થઈ શકીએ છીએ. ખુશ રહેવા માટે આપણને એવા સ્ત્રોત જોઈશે જે આપણાં વિચારો બદલી શકે, ખુશ રાખી શકે અને એવો એકમાત્ર સ્ત્રોત એટલે પુસ્તકો! ખુશ રહેવા માટે આપણે આપણા મગજમાં એવું કોડિંગ કરવાનું છે પછી દુનિયાની ગમે તેવી પરિસ્થિતિ સર્જાઈ જાય તેમ છતા આપણાં વિચારોમાં એ નકારાત્મકતા ન આવે અને એના માટે આપણે પુસ્તકો તરફ જવું પડશે, એને આપણા સારથી અને સાથી બનાવવા પડશે ત્યારે આ આખી સાંકળ તૂટશે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ