વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ V/S ગેમ

        “દિવ્યા, હવે આખરી નિર્ણય તારો છે. તું વિચાર કે પ્રેમ અને ગેમમાંથી તું કોને વધુ પ્રાધાન્ય આપીશ?”

        જો તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે તો...

        પ્રેમ V/S ગેમમાં તમે કોને વધુ મહત્વ આપશો?

        પણ શરત માત્ર એટલી કે...

        ગેમ લોહી બની તમારા નસેનસમાં વહી તમને જીવંત રાખતું હોય અને પ્રેમ શ્વાસ બની તમારા શરીરમાં પ્રાણ ફૂંકતો હોય!

        હાલ કંઈક આવી જ પળોજણમાં દિવ્યા પડી હતી.

****

        સરદાર કોલેજના દ્વિતીય વર્ષની વિધાર્થીની દિવ્યા સ્વભાવે ઝનૂની અને જીદ્દી હતી. ક્રિકેટ પ્રત્યે તેને નાનપણથી લગાવ હતો. જે ઉંમરે બીજા બાળકો ફુગ્ગા માટે રડતા તે ઉંમરે દિવ્યા બેટ-બોલ માટે તડપતી. ક્રિકેટ દિવ્યાનો પ્રેમ હતો પરંતુ તેના એ પ્રેમ સાથે તેના ઘરમાં કોઈને પ્રેમ નહોતો. પરંતુ દિવ્યાને આનાથી કશો ફરક પડતો નહોતો કારણ ક્રિકેટ તેનું જીવન હતું. તેનો દિવસ ક્રિકેટથી શરૂ થઇ ક્રિકેટ પર જ પૂરો થઇ જતો.

        આવા જ એક ક્રિકેટમય દિવસે....

        દિવ્યાનો ફોન રણકી ઊઠ્યો. તેણે સ્ક્રીન પર નજર ફેંકી ઝડપથી કોલ ઊઠાવી મોબાઈલને કાને અડાડતા કહ્યું, “બોલ અવની.”

        “વહાલી, આજે તને મળેલ મેન ઓફ ધી મેચ માટે અભિનંદન.”

        “આભાર.”

        “દિવ્યા! તારા પાસેથી આવા મોળા પ્રતિસાદની અપેક્ષા નહોતી.”

        “કંઈ નહીં યાર. તું તો જાણે જ છે કે મારા પિતાને મારું ક્રિકેટ રમવું જરાયે ગમતું નથી. મારા હાથમાં મેન ઓફ ધી મેચની ટ્રોફી જોઈ તેઓ ખુશ થવાને બદલે રોષે ભરાયા. તેઓને તો બસ એવી દીકરી જોઈએ કે જે ભણવાની સાથે ઘરનું કામકાજ સંભાળે.”

        “તને યાદ છે ને કે ચાર દિવસ પછી જે. કે. કોલેજની ટીમ વિરુદ્ધ આપણી સેમીફાઈનલ છે?”

        “હા.”

        “અમે રોજ રાતે આઠ વાગે પ્રેક્ટીસ કરવા કોલેજના મેદાનમાં ભેગા થવાના છીએ. હવે તારા પિતા પ્રેક્ટીસમાં આવવા માટે તને પરવાનગી આપશે?”

        “અહીં તેમની પરવાનગી કોણ માંગે છે.”

        “મતલબ?”

        “હું તેમને જુઠું કહી દઈશ કે તારા ઘરે ભણવા માટે જાઉં છું.”

        “તું તો જબરી છું. મુસીબતમાં તું કાયમ મને જ આગળ ધરી દે છે.”

        “હવે તેં મારી સાથે દોસ્તી કરી છે તો નિભાવી પડશે જ ને.”

        બંને બહેનપણીઓ ખિલખિલાટ હસી પડી.

*****

        પરંતુ દિવ્યાનું જુઠ ઝાઝું ટક્યું નહીં.

        એકદિવસ સુધાકરભાઈ ઓફિસમાંથી આવતાવેંત બોલ્યા. “દિવ્યા, આજે મારો દોસ્ત રાઘવ મળ્યો હતો; કહેતો’તો કે તેણે રાતે સાડા આઠ વાગે તને ક્રિકેટના મેદાનમાં પ્રેક્ટીસ કરતા જોઈ હતી. ક્રિકેટ ખાતર અમારી સામે ખોટું બોલતા તને શરમ નહીં આવી? ખરેખર તો તારે ક્રિકેટની પ્રેક્ટીસના બદલે તારા માતા પાસેથી ઘરકામની તાલીમ લેવી જોઈએ. જો તેમાં કચાશ રહી જશે તો લગ્નબાદ ગૃહસ્થી ચલાવવામાં તને ઘણી તકલીફ પડશે.”

        સુલોચનાબેન અશ્રુભીની આંખે બોલ્યા, “બેટા, તું તારા પિતાજીની વાત સાંભળતી કેમ નથી?”

        “મા, ઘરકામમાં સમય બરબાદ કરવાને બદલે હું ક્રિકેટમાં મારું યોગદાન આપું છું તેમાં શું ખોટું છે?”

        “જો ઘરકામ કરવું તને ગમતું નથી તો આ ઘરમાં શું કામ રહે છે?”

        “અજી, આ શું બોલી રહ્યા છો?”

        “સુલોચના, તારી દીકરીને આમપણ કોલેજમાંથી સ્પોર્ટ કોટા હેઠળ હોસ્ટેલમાં રહેવાની સગવડ મળી છે. તો છોને એ ત્યાં રહી તેની મનમાની કરતી. હું નથી ઈચ્છતો કે તેના કારણે મારી નાની દીકરી કાવ્યા પર ખોટી અસર થાય.”

        “ઠીક છે જો તમે ઈચ્છો છો કે હું હોસ્ટેલમાં રહું તો જેવી તમારી મરજી. આમપણ આ ઘરમાં મારો જીવ રૂંધાય છે.”

        દિવ્યા તેનો સામાન ભરીને ઘરમાંથી બહાર નીકળી ગઈ. સુલોચનાએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે માની નહીં.

        “સુલોચના, તેને જવા દે. ક્રિકેટથી પેટ ભરી શકાતું નથી આ વાત જયારે તેને સમજાશે ત્યારે આપોઆપ ઘરે પાછી આવી જશે.”

        “પરંતુ લાડકોડમાં ઉછરેલી આપણી દીકરી હોસ્ટેલમાં કેવી રીતે રહી શકશે?”

        “જેમ બીજી છોકરીઓ રહે છે.”

        પરંતુ સુધાકરભાઈએ ધાર્યું હતું તેનાથી ઉલટ દિવ્યાએ હવે ક્રિકેટ માટે વધુ સમય ફાળવવાનું શરૂ ર્ક્યું. દિવ્યા દિવસરાત મેદાનમાં રહીને ક્રિકેટની પ્રેક્ટીસ કરતી. સેમીફાઈનલ જીતીને પોતાની ટીમને ફાઈનલમાં પહોચતા જોવાનું જાણે તેનું સ્વપ્ન બની ગયું હતું.

         આખરે સેમીફાઈનલનો એ દિવસ આવી ગયો જેનો દિવ્યા બેસબ્રીથી ઇંતેજારી કરી રહી હતી.

        મેચમાં દિવ્યાની ટીમ ટોસ જીતી અને તેઓએ પ્રથમ બેટિંગ લેવાનો નિર્ણય કર્યો. દિવ્યાએ ઓપનીંગમાં જઈને ૯૮ બોલમાં ૧૨૦ રન કરીને ટીમને મજબુત સ્થિતિ આપી. જોકે દિવ્યાની ટીમના બોલરના ખરાબ પ્રદર્શનને કારણે પહાડ જેવો વિશાળ લાગતો ૩૦૪નો લક્ષાંક જોતજોતામાં કડડભૂસ થઇ ગયો. હવે પરિસ્થિતિ એ આવી કે વિરોધી ટીમને ૬ બોલમાં માત્ર ૨ રન જોઈતા હતા. ટીમના કેપ્ટન રાધિકાએ ઘણા મનોમંથન બાદ દિવ્યાને બોલિંગ આપવાનો નિર્ણય કર્યો. દિવ્યા કેપ્ટનની પસંદગી પર ખરી ઉતરતા પ્રથમ ત્રણ બોલમાં હેટ્રિક લઈને વિપક્ષી છાવણીમાં સોપો પાડી દીધો હતો. દિવ્યાના કાતિલ સ્વિંગનો ભોગ બનેલી ત્રણમાંથી બે તો રમતમાં જામેલી ખેલાડી હતી.

        વિપક્ષી ટીમે હવે ત્રણ બોલમાં બે રન કરવાના હતા જેમાંથી એક બોલ ડોટ ગયો. પાંચમાં બોલ પર વિપક્ષી બેટર એલબીડબલ્યુ થતા માંડ માંડ બચી ગઈ. દિવ્યાને કારણે નિર્જીવ બની ગયેલી રમતમાં ફરી એકવાર જાન ફૂંકાઈ હતી. મેદાનની બહાર ઊભેલા પ્રેક્ષકો શ્વાસ થામીને છેલ્લા બોલ ફેંકાવાની રાહ જોઇ રહ્યા હતા.

        હરીફ ટીમના પ્લેયરોના “સિક્સ સિક્સ”ની પોકાર વચ્ચે દિવ્યાએ પવનવેગે બોલ ફેંક્યો. વિપક્ષી બેટરે તેની બેટ વીંઝતા બોલ હવામાં ઉછળ્યો. આ જોઈ સૌ કોઈના જીવ તાળવે ચોટી ગયા. કેપ્ટન રાધિકા ગીધની જેમ બોલનો પીછો કરતા દોડી રહી. ઈ.સ. ૧૯૮૩ના વર્લ્ડકપનું દ્રશ્ય જાણે ફરી એકવાર દોહરાઈ રહ્યું હતું.

        દિવ્યા હતું એટલું જોર લગાવી ચીખી, “કેચ... રાધિકા કેચ...”    

        પરંતુ અફસોસ!

        રાધિકાની આંગળીઓ વચ્ચેથી બોલ છટકી ગયો. અહીં હરીફ ટીમના બેટરોએ બે રન દોડી લીધા હોવાથી વિપક્ષી છાવણીમાં વિજયનો જશ્ન શરૂ થઇ ગયો. ફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન રગદોળાઈ જતા દિવ્યા હતાશ થઈને પોતાની જગ્યાએ ઊભી રહી.

        સૌ કોઈ દિવ્યાની પીઠ થાબડી રહ્યા હતા પરંતુ તેનાથી તેને સંતોષ થયો નહીં. તે ઉદાસ થઈને ખૂણામાં આવેલી ખુરશી પર જઈને બેસી ગઈ.

        “વેલ પ્લેડ...”

        દિવ્યાએ આંખ ઊઠાવીને જોયું તો ચોંકી પડી, “વિક્રાંત સર તમે!”

        વિક્રાંત કોલેજની બોયઝ ટીમનો કપ્તાન હતો.

        રાધિકાને આવેલી જોઈ વિક્રાંત બોલ્યો, “કેપ્ટન, તમારી નાની અમથી ભૂલને લીધે તમારા આ હોનહાર ખિલાડીની સઘળી મહેનત એળે ગઈ.”

        “સોરી સર...”

        “ઇટ્સ ઓકે.” વિક્મે હાથ લંબાવતા કહ્યું, “દિવ્યા, અભિનંદન... બેટિંગની સાથોસાથ તારી બોલિંગ પણ કમાલની છે.”

        વિક્રાંત સાથે હાથ મેળવતા દિવ્યાના શરીરમાંથી વીજળી દોડી ગઈ.

        રાધિકાએ કુતુહલથી પૂછ્યું, “વિક્રાંતસર, તમે અમારી આખી મેચ જોઈ!”

        “હા, હું ઓફિસમાં અમારા ફાઈનલ ટીમના પ્લેયરોની લીસ્ટ જમા કરાવવા આવ્યો હતો ત્યારે ફિલ્ડ પર રમી રહેલી દિવ્યાની બેટિંગ જોઈ મારા પગ અટકી ગયા.”

        “વિક્રાંત સર...”

        “દિવ્યા, પ્લીઝ તું મને સર ન કહીશ.”

        દિવ્યાએ તીરછી નજરે વિક્રાંત તરફ જોયું.

        વિક્રાંતે બાજી સંભાળી લેતા કહ્યું, “તારા જેવી હોનહાર ખિલાડી સર કહે એ મને ગમે નહીં. બાય ધી વે તું શું કહી રહી હતી.”

        “આ મેચ જીતવા મેં દિલોજાનથી મહેનત કરી હતી. પરંતુ અફસોસ મારા નસીબમાં ફાઈનલ રમવાનું નહીં હોય.”

        “તારે ફાઈનલ રમવી છે?”

        “વિપક્ષી ટીમમાંથી ફાઈનલ રમીને શો ફાયદો.”

        “હું વિપક્ષી ટીમની નહીં પરંતુ મારા ટીમની વાત કરું છું. અમારો બેસ્ટ બેસ્ટમન પ્રવીણ ઇન્જર હોવાથી ફાઈનલ રમી શકશે નહીં. જો તું કહેતી હોય તો હું પ્રવીણના ઓપ્શનમાં તારું નામ લીસ્ટમાં ઉમરી દઉં.”        

        વિક્રાંતના હાથમાંના કાગળ તરફ જોતા દિવ્યા બોલી, “આ શક્ય છે?”

        “હા, બોયઝ ટીમમાં એક લેડી ક્રિકેટરને લઇ શકાય છે. તારું નસીબ સારું છે કે ઓફીસમાં લીસ્ટ જમા કરાવવા પહેલા મારા નજરમાં તારી રમત આવી.”

        રાધિકા તરત બોલી, “અમારી દિવ્યા રમશે.”

        “રાધિકા, આ શું બોલે છે? હું છોકરાઓ વચ્ચે કેવી રીતે રમી શકું?” દિવ્યા કંઈક વિચારીને બોલી, “મારી સાથે રાધિકાને પણ તમારી ટીમમાં જગ્યા આપો તો?”

        “સોરી, નિયમ પ્રમાણે બોયઝ ટીમમાં એક જ મહિલા ક્રિકેટરને સ્થાન આપી શકાય છે. વળી તને ખબર હોવી જોઈએ કે ફિલ્ડ પર છોકરો હોય કે છોકરી ઓળખાય તો ખિલાડી તરીકે જ છે.”

        રાધિકાએ કહ્યું, “દિવ્યા, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય.”

        “હું તમારી ટીમમાંથી રમવા તૈયાર છું.”

        “વેરી ગુડ. આવતા રવિવારે કોલેજના આજ મેદાનમાં આપણી ફાઈનલ મેચ થવાની છે. તું કાલ સવારથી અમારી સાથે પ્રેક્ટીસ કરવા જોડાઈ જા.”

        “ઠીક છે.”

        વિક્રાંતની ટીમમાં જોડાવાથી દિવ્યાનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. જોકે દિવ્યાનું ટીમમાં જોડાવું કેટલાક ખિલાડીઓને ગમ્યું નહોતું. એક સાંજે તે પ્રેક્ટીસ કર્યા બાદ બોયઝ કલબ પાસેથી પસાર થતી હતી ત્યારે અંદર ચાલી રહેલી રકઝકને સાંભળી અટકી ગઈ.

        “વિક્રાંત, પ્રેમની રમત મેદાનની બહાર સારી લાગે; મેદાનની અંદર નહીં.”

        “આશુતોષ, જબાન સંભાળીને મારી સાથે વાત કર.”

        “આમાં હું શું ખોટું બોલ્યો! બધા જાણે છે કે તું એ છોકરી પર ફિદા થઇ ગયો છું. બાકી ફાઈનલમાં એક છોકરીને ટીમમાં કયો કપ્તાન શામિલ કરે?”

        “હું ફિદા જરૂર થયો છું પરંતુ એ છોકરીની રમત પર. ઇન્જરીને કારણે પ્રવીણ રમી શકવાનો નથી ત્યારે એનું બેસ્ટ ઓપ્શન દિવ્યા જેવી ધુરંધર બેટર જ હોઈ શકે.”

        થોડી રકઝક બાદ આશુતોષ માની ગયો.

        વિક્રાંત પોતાના પર આટલો વિશ્વાસ રાખે છે એ જાણી દિવ્યાને તેના પ્રત્યે માન ઉપજ્યું. આ ઘટના બાદ દિવ્યા મોટાભાગનો સમય વિક્રાંત સાથે વિતાવવા લાગી. વિક્રાંત સાથે પ્રેક્ટીસ કરવાથી તે ઘણીબધી ટેકનીકથી અવગત થઇ. ફુરસદના સમયે વિક્રાંત અને દિવ્યા એકબીજાના ક્રિકેટ સ્કીલની તારીફ કરતા. દિવ્યાના રમતની આજદિન સુધી કોઈએ આટલી તારીફ કરી નહોતી. પરિણામે તે મનોમન વિક્રાંતને ચાહવા લાગી હતી.

        ફાઈનલ મેચની આગલી રાતે દિવ્યા આખી રાત પડખા ફેરવતી રહી. તે કોઇપણ સંજોગોમાં સરસ રમત રમી વિક્રાંતનું દિલ જીતવા માંગતી હતી.

        ફાઈનલ મેચના દિવસે મેદાન ફરતે પ્રેક્ષકોની ભીડ જામી ગઈ. કોલેજની મહિલા ક્રિકેટ ટીમ પણ દિવ્યાને પ્રોત્સાહન આપવા ઉમકળાભેર આવી હતી.

        આખરે અમ્પાયરો દ્વારા ટોસ ઉછાળવામાં આવ્યો.

        વિરોધી ટીમ ટોસ જીતતા તેઓએ પહેલી બોલિંગ કરવાનું નક્કી કર્યું.

        અત્યાર સુધી થયેલી મેચમાં વિક્રાંત અને પ્રવીણ ઓપનીંગ કરતા. આથી સ્વાભાવિકપણે આજે ઓપનીંગમાં વિક્રાંત સાથે દિવ્યા જ મેદાનમાં ઉતરવાની હતી. પરંતુ આશુતોષે આ વાતનો વિરોધ કરતા કહ્યું હતું કે, “વિરોધી ટીમની બોલિંગ મજબુત છે. એવામાં નવીસવી છોકરીને મેદાનમાં ઉતારવું જોખમભર્યું છે.”

        આશુતોષની આ તર્ક સાથે બીજા ખિલાડીઓ પણ સહમત થયા. પરિણામે વિક્રાંત સાથે આશુતોષને ઓપનીંગમાં ઉતારવાનું નક્કી થયું.

        આશુતોષે પહેલા બોલમાં જ ફોર ફટકારી મેચનો શુભારંભ કર્યો. પોતાને બેસ્ટ સાબિત કરવા આશુતોષ રનોનો વરસાદ વરસાવી રહ્યો હતો. પરિણામે મેચની શરૂઆતની પાંચ ઓવરમાં તેમની ટીમનો સ્કોર ૬૪ રનનો થઇ ગયો. વિક્રાંતની આગેવાનીમાં ટીમનો ભવ્ય વિજય થશે એ વિચારી દિવ્યા ખુશ થઇ રહી હતી. જોકે તેની આ ખુશી ઝાઝી ટકી નહીં. છઠ્ઠી ઓવરના પહેલા બોલમાં જ સિક્સ મારવાના ચક્કરમાં આશુતોષ વિકેટકીપર દ્વારા સ્ટમ્પઆઉટ થઇ ગયો. પછી તો એક પછી એક ખિલાડીઓ પેવેલિયન ભેગા થઇ રહ્યા. દસ ઓવરના અંતે ટીમનો સ્કોર છ વિકેટના નુકસાન પર ૭૪ રનનો હતો. હવે સાતમી વિકેટ પણ પડી જતા દિવ્યાને મેદાનમાં ઉતારવી જ પડી.

        “દિવ્યા, હવે પછીના બે બેટ્સમેન એકદમ કમજોર છે.” વિક્રાંતનો ઉદાસ ચહેરો જોઇને દિવ્યાનું હ્રદય પીસાઈ રહ્યું. તેણે વિક્રાંતને હિંમત આપતા કહ્યું, “તું જરાયે ચિંતા ન કરીશ. હું મારી વિકેટ સાચવું છું અને તું રનરેટને સાચવ.”

        મેચ ફરી એકવાર શરૂ થઇ.

        દિવ્યા એક છેડે વિકેટ સંભાળી રહી હતી અને બીજે છેડે વિક્રાંત ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યો હતો. ૪૫ ઓવર સુધી પહોંચતા ટીમનો સ્કોર સાત વિકેટના નુકસાન પર ૧૮૬નો થઇ ગયો. જેમાં વિક્રાંતના ૯૪ અને દિવ્યાના માત્ર ૨૮ રન હતા!

        “દિવ્યા, આપણો સ્કોર ૨૩૦નો આંકડો પાર કરી ગયો તો સમજ આપણી જીત પાક્કી છે.”

        દિવ્યા થાકીને લોથ થઇ હતી પરંતુ વિક્રાંતને સાથ આપવા તે પીચ પર મક્કમતાથી દટી રહી. બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે ૪૬મી ઓવરના બીજા બોલમાં વિક્રાંતનો કેચ સ્લીપમાં ઝીલાઈ ગયો. હવે મેચની સઘળી જવાબદારી દિવ્યાના શિરે આવી ગઈ હતી.

        વિક્રાંતે પીચ છોડતા પહેલા કહ્યું, “દિવ્યા, તારે સ્ક્રોરમાં બસ હજુ ૩૦ રન વધાવવાના છે.”

        દિવ્યાએ વિક્રાંતની વિકેટ ખેરવનાર બોલર સાથે બદલો લેતા ૪૬મી ઓવરના આખરી બે બોલ પર ચોગ્ગા ફટકારી દીધા. દિવ્યા લક્ષાંક સુધી પહોંચવા ઝઝૂમી રહી હતી પરંતુ સામે છેડે સાથ ન મળતા તેમની ટીમ ૧૯૮ના મામુલી સ્કોર પર સમેટાઈ ગઈ.

        હવે બેટિંગનો વારો હરીફ ટીમનો હતો.

         “કેચ...” વિક્રાંતે દિવ્યા તરફ બોલ ફેંકતા કહ્યું, “પહેલી ઓવરમાં જ હરીફ ટીમની વિકેટો ખેરવી તારે તેમની કમર તોડી દેવાની છે.”

        પહેલી ઓવરમાં વિકેટ ખેરવી વિક્રાંતનું દિલ જીતવાના ઈરાદે દિવ્યાએ પૂરી તાકાતથી બેટ્સમેન તરફ બોલ ફેંક્યો.

        પરંતુ આ શું?

        પુરૂષ ક્રિકેટમાં વપરાતો બોલ વજનમાં ભારે હોવાથી દિવ્યાને જોઈએ તેવી સ્વીંગ મળી નહીં. પરિણામે દિવ્યાએ પહેલી ઓવરમાં જ ૨૮ રન આપી દીધા! આ સાથે વિક્રાંતના દિલને જીતવાની તેની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું.

        આશુતોષ રોષભેર બોલ્યો, “વિક્રાંત, યાદ રાખ આજની મેચ આપણે હારીશું તો તારા ખોટા નિર્ણયને લીધે. હું આ બાબતે ઉપર ફરિયાદ કરીશ. જોઉં છું કે તું હવે તારી કેપ્ટનશીપ કેવી રીતે ટકાવી રાખે છે.”

        વિક્રાંતે ઉદાસવદને દિવ્યા તરફ જોતા તે સંપૂર્ણપણે ભાંગી પડી. વિક્રાંતની ચિંતા હળવી કરવાને બદલે તેણે તેની મુશ્કેલીઓમાં ઔર વધારો કરી દીધો હતો. હરીફ ટીમનો ઉત્સાહ વધી જતા તેઓ રનોનો વરસાદ વરસાવી રહ્યા.

        દિવ્યા જીત માટે ઈશ્વરને મનોમન પ્રાર્થના કરતી રહી.

        આખરે તેની પ્રાર્થના ફળી...

        સુશીલ નામના બોલરે એક જ ઓવરમાં હરીફ ટીમની મુખ્ય બે વિકેટો ખેરવી તરખાટ મચાવી દીધો. આનાથી બીજા બોલરોનો પણ ઉત્સાહ વધી જતા હરીફ ટીમ પત્તાના મહેલની જેમ વિખરાવા લાગી. એક સમયે આસાન લાગતો સ્કોર હવે તેમના માટે પહાડ સમો થઇ ગયો હતો. છેલ્લી ઓવરમાં હરીફ ટીમને ૧૪ રન કરવાના હતા.

        વિક્રાંતે છેલ્લી ઓવરની જવાબદારી ફૂલ ફોર્મમાં ચાલી રહેલા સુશીલને જ સોપી.

        સુશીલે પાંચ બોલ ઘણા સારા નાખ્યા પરંતુ સામેની ટીમના બેટ્સમનોએ કુશળતાપૂર્વક બેટિંગ કરી ૧૨ રન બનાવી દીધા.

        હવે સ્થિતિ એક બોલ ને બે રનની આવી ગઈ.

        મેદાનમાં હાજર સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા.

        મેચ ગમે ત્યારે ગમે તે રુખ લઇ શકતી હતી.

        ચાર દા’ડા પહેલા રમેલી સેમીફાઈનલની યાદ તાજી થતા દિવ્યાનું હ્રદય ફાટફાટ થઇ રહ્યું.

        “કમ ઓન સુશીલ... કમ ઓન...” દિવ્યા તાળીઓ પાડતી પોતાની સાથે સુશીલને પણ પ્રોત્સાહન આપી રહી.     

        સુશીલે આખરી બોલ ફેંકતા બેટ્સમેને પૂરી તાકાતથી તેની બેટ ફરાવી.

        હવામાં ઉછળેલો બોલ આશુતોષની દિશામાં ગતિ કરી રહ્યો.

        આ જોઈ વિક્રાંત મોટેથી બોલ્યો, “કેચ ઈટ... આશુતોષ... કેચ ઈટ...”

        બોલ સીધો આવીને આશુતોષના ખુલ્લા પંજા પર અફળાયો. સૌ આનંદથી ચિચિયારીઓ પાડવા જતા જ હતા ત્યાં આશુતોષના પંજામાંથી બોલ છટકી હવામાં ફંગોળાયો.

        “અરે! આશુતોષ...” આમ કહી વિક્રાંત લમણે હાથ મુકવા જતો જ હતો ત્યાં બોલ પર વાઘણની જેમ તરાપ મારવા હવામાં ઉછળેલી દિવ્યાને જોઈ તેના મુખમાંથી સરી પડ્યું, “શાબાશ...”

        કેચને ઝીલ્યા બાદ મેદાન પર પછડાયેલી દિવ્યા કોઈ કરતબબાજની જેમ ગુલાંટ ખાઈને ઊભી થઇ ગઈ.

        આ જોઈ પ્રેક્ષકો હર્ષની ચિચિયારીઓ પાડી ઊઠ્યા.

        દિવ્યા એક પગે ફુદરડી લઇ પાછળ વળી અને આશુતોષ તરફ આંગળી ચીંધતા બોલી, “હું જાણતી હતી કે તું કેચ જરૂર છોડીશ.”

        વિક્રાંત પાગલોની જેમ દોડતો આવ્યો અને દિવ્યાને ભેટી પડ્યો. દિવ્યા પણ ભાન ભૂલી તેની આગોશમાં સમાઈ ગઈ. પરંતુ બીજી જ ક્ષણે પરિસ્થિતિનું ભાન થતા તેઓ ઝડપથી એકબીજાથી અળગા થઇ ગયા.

        “દિવ્યા, તારી કોણીમાંથી લોહી ઝમી રહ્યું છે.”

        “તારી આગેવાનીમાં ટીમ જીતી તેની ખુશી સામે આ ઈજા કંઈ નથી.”

        વિક્રાંતે દિવ્યાના ગાલ પર હળવી ટપલી મારતા કહ્યું, “તું ખરેખર પાગલ છું.”.

        તેમના મિલનને જાણે વધાવી રહ્યા હોય તેમ પ્રેક્ષકો આનંદની ચિચિયારી પાડી રહ્યા.

        ફાઈનલ મેચ બાદ દિવ્યા કોલેજના બોયઝ ટીમની મુખ્ય ખિલાડી બની ગઈ. પ્રવીણ ઠીક થઇ જતા આશુતોષની ટીમમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી. દિવ્યા અને વિક્રાંત હવે એકબીજા વગર એક પળ પણ રહી શકતા નહોતા. તેઓનું પ્રેમ પ્રકરણ આખા કોલેજમાં મશહુર થઇ ગયું હતું.

****

        વિક્રાંતરૂપી પ્રેમી મેળવીને દિવ્યા ઘણી ખુશ હતી. એક ઢળતી સાંજે જયારે વિક્રાંતે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેણે હર્ષભેર તેનો સ્વીકાર કરી લીધો. બંને પ્રેમીપંખીડાની જોડી મળીને કોલેજની ટીમને એકપછી એક જીત અપાવી રહી હતી. પરંતુ એક દિવસ અચાનક વિક્રાંત કોલેજમાં આવતો બંધ થઇ ગયો! દિવ્યાએ ચિંતિતિ થઈને વિક્રાંતને ઘણા ફોન લગાવી જોયા પરંતુ તેનો ફોન રેંજથી બહાર આવતો હતો.

        આખરે વિક્રાંત સાથે થયું શું?

        આ ચિંતામાં દિવ્યા બે દિવસથી ઊંઘી શકી નહીં.

        ત્રીજા દિવસની રાતે...

        દિવ્યા ક્રિકેટ પીચ પર ઊભી રહીને વિક્રાંત સાથે વીતેલી પળોને વાગોળી રહી હતી. સ્ટેડીયમની ફલડ લાઈટમાં જાણે તે પ્રકાશથી નહાઈ રહી હતી.

        ઓચિંતામાં પાછળથી સ્વર આવ્યો, “દિવ્યા...”

        વિક્રાંતના અવાજને ઓળખી જતા દિવ્યા હર્ષભેર પલટી અને દોડીને તેને ભેટી પડતા બોલી, “વિક્રાંત, આ ત્રણ દિવસથી તું ક્યાં હતો? મને જતા પહેલા તેં કશું જણાવ્યું પણ નહીં. મને તારી કેટલી ચિંતા થઇ રહી હતી.”

        “બસ... દિવ્યા, બસ...” વિક્રાંતે હાથમાંનો કાગળ આગળ ધરતા કહ્યું, “આ જો...”

        “આ શું છે?”

        “મને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ લાગી ગઈ છે.” વિક્રાંત હર્ષભેર આગળ બોલ્યો, “હવે આપણે ઝટ લગ્ન કરીને આગળની જીંદગી સુખેથી વીતાવીશું.”

        “પછી ક્રિકેટનું શું થશે?”

        “દિવ્યા, હું ક્રિકેટ રમતો હતો તે મારા ઘરવાળાઓને બિલકુલ પસંદ નહોતું. ત્રણ દિવસ પહેલા મારા પિતાએ જીદ કરતા હું મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્ટરવ્યું આપવા ગયો હતો. મારા સારા નસીબે મને ત્યાં નોકરી મળી ગઈ છે. તને ખબર છે? તેઓ મને મહિનાના ત્રીસ હજાર રૂપિયા આપશે.”

        “અને ક્રિકેટ?”

        “દિવ્યા, મારા પિતાજી સાચું જ કહે છે કે ક્રિકેટથી કંઈ પેટ ભરાવવાનું નથી. આપણા ભારત દેશની ૧૪૦ કરોડની આબાદીમાં નેશનલ ટીમના અગિયાર ખેલાડીમાં સ્થાન મેળવવું લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે.”

        “મતલબ તું ક્રિકેટ નહીં રમે.”

        “ના...”

        “પણ ક્રિકેટ તો તારી આત્મા હતી ને?”

        “ભૂખ્યે પેટ આ શરીર જ નહીં રહે ત્યારે આત્માને પંપાળવાનો શો અર્થ? દિવ્યા, આપણી લાઈફ હવે સેટ છે. લગ્ન કરીને આપણે બંને સુખેથી ખાઈપીને આનંદ કરીશું.”

        “પણ તારી જેમ હું ક્રિકેટ વગર જીવી શકતી નથી. પ્રોફેશનલ ક્રિકેટ બનવા મેં મારું ઘર છોડી દીધું છે. હવે જયારે મારા માતાપિતા મારી સામે આવશે ત્યારે હું તેમને શો જવાબ આપીશ? કે હું તારી સાથે લગ્ન કરીને ગૃહસ્થી સંભાળું છું?”

        “દિવ્યા, જો તું એમ વિચારતી હોઈશ કે લગ્ન બાદ મારા માતાપિતા તને ક્રિકેટ રમવા દેશે તો એ ભૂલી જા. બીજું કે હું મારા માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ ડગલું ભરું નહીં.”

        દિવ્યા ચૂપ રહી.

        “દિવ્યા, હવે આખરી નિર્ણય તારો છે. તું વિચાર કે પ્રેમ અને ગેમમાંથી તું કોને વધુ પ્રાધાન્ય આપીશ?”

        “વિક્રાંત, જો તારી જેમ દરેકે નાસીપાસ થઈને ક્રિકેટ રમવાનું છોડી દીધું હોત તો આજે ભારતમાં પ્રોફેશનલ ક્રિકેટરનો આંકડો પચ્ચીસ હજાર સુધી પહોંચ્યો નહોત. તેઓ બધા ક્રિકેટ રમીને થોડું ઘણું કમાવી રહ્યા છે. તેમના મન આવક કરતા; મનની શાંતિ વધુ મહત્વની છે.” થોડું અટકી દિવ્યા આગળ બોલી, “ક્રિકેટ મારો આત્મા છે. હવે જો એ જ નહીં રહે તો મારા જેવી બેજાન સાથે લગ્ન કરીને તું ખુશ રહી શકીશ? મને માફ કર... પણ હું તારી સાથે સબંધ જોડવાના ચક્કરમાં ક્રિકેટથી મારો નાતો તોડી શકતી નથી.”

        સ્ટેડીયમની લાઈટ ઓછા વોલ્ટેજને કારણે લપકઝપક થઇ રહી.

        દિવ્યાએ ધીમા અવાજે ‘બાય’ કહી ત્યાંથી જવા પગ ઉપાડ્યા.

        વિક્રાંત હતાશાથી તેને જતી જોઈ રહ્યો.

        વાતારવણમાં એક ગમગીની ફેલાઈ ગઈ.

        “દિવ્યા...”

        દિવ્યાએ પાછળ વળીને જોયું.

        “તું મારી જાન છું. જો તું જ મને છોડીને જતી રહી તો હું તો મરી જ જઈશ.”

        આ સાંભળી દિવ્યાની આંખમાં અશ્રુ આવી ગયા. એક બાજુ તેનો પ્રેમ હતો તો બીજી બાજુ તેની ગેમ હતી. શું પ્રેમને બદલે ગેમને પ્રાધાન્ય આપી તેણે કશી ચૂક કરી હતી?

        “દિવ્યા, તેં આજે મારી આંખો ખોલી મને ભૂલ કરતા અટકાવ્યો છે. હું એ કેમ ભૂલી ગયો કે મારી પહેલા ઘણા લોકો સ્ટ્રગલ કરીને ક્રિકેટર બન્યા જ છે. જો તું છોકરી થઈને આટલી હિંમત બતાવી શકે છે તો છોકરો થઈને હું કેમ નહીં?” વિક્રાંતે હાથમાંના એપોઇન્ટમેન્ટ લેટરને ફાડી દેતા કહ્યું, “આઈ લવ યુ દિવ્યા. મને તું જોઈએ. જો તું સાથે હોઈશ તો હું દુનિયાને ટક્કર આપી શકીશ.”

        દિવ્યા દોડીને વિક્રાંતને ભેટી અને ચોધાર અશ્રુ વરસાવતા બોલી, “પણ તારા માતાપિતા રાજી થશે?”

        “હવે જે થશે તે જોવાઈ લેવાશે. પણ આજ પછી આપણા બંનેને કોઈ અલગ કરી શકશે નહીં. જો મારા માતાપિતા વધુ દબાણ કરશે તો તારી જેમ હું પણ મારું ઘર છોડીને હોસ્ટેલમાં રહેવા આવી જઈશ. પછી આગળ જેવી ભગવાનની મરજી.”

        દિવ્યાના અશ્રુથી વિક્રાંત ભીંજાઈ રહ્યો.

        “વિક્રાંતઽઽઽ... દિવ્યાઽઽઽ...”

        સુશીલનો અવાજ સાંભળી બંને જણા ચોંકી ઊઠ્યા.

        “અરે! હું તમને બંનેને આખા ગામમાં શોધી રહ્યો છું અને તમે અહીં છો.”

        “કેમ શું થયું?”

        “દોસ્ત, તારું પર્ફોર્મન્સ જોઇને આ વખતની જીપીએલમાં તારું સિલેકશન થઇ ગયું છે.”

        “સાચે?”

        “હા... અને દિવ્યા તારું પણ ગુજરાતની મહિલા ટીમમાં સિલેકશન થઇ ગયું છે?”

        દિવ્યા અને વિક્રાંત એકબીજાને વળગી પડ્યા. તે બંનેની આંખોમાં ખુશીના અશ્રુ હતા અને કેમ ન હોય? આખરે તેઓ જીતી જે ગયા હતા પ્રેમની ગેમ.  

(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ