વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ યાત્રા

 

ટીક્-ટીક્ ઘડીયાળનો કાંટો ઝડપથી  ભાગતો હતો. ઘડીયાળમાં  જોયું તો દસના અંકની સામે સપ્રમાણ કાંટો આવી ગયો હતો. સાડા દસ તો મારે ઓફીસ પહોંચવાનો ટાઈમ હતો. હવે માત્ર વીસ જ મિનિટ બાકી હતી. મારી ગાડી આજે બગડી હતી અને મારે સિટીબસમાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. આકુળવ્યાકુળ થતા મેં  રસ્તા ઉપર નજર કરી, ‘ક્યાંય બસ આવતી નજરે પડે?’  દોડતી રીક્ષાઓ અને ભાગતી ગાડીઓમાં મને ક્યાંય સિટીબસ નજરે ન પડી. આજુબાજુ જોયું,  મારાં જેવાં કેટલાંય મુસાફરો બસની રાહ જોઈ રહ્યાં હતાં. લાગતું હતું કોઈને ઉતાવળ ન હતી. કોઈ મોબાઈલનાં સ્ક્રીન ઉપર નીચી મૂંડી કરી બેઠા હતાં, તો ક્યાંક સરખી સાહેલીઓ વાતોએ વળગી હતી. 

 

ઉચાટ ભર્યા મને હું બસની રાહ જોઈ રહ્યો. ‘હવે બસ ન આવે તો રીક્ષા કરી લઉં.',  વિચારતો હતો ત્યાં જ 10:15 વાગ્યાની બસ આવી. મનમાં થોડો હાશકારો થયો. 'ક્યારેક દશ મિનિટ મોડું થાય તો ચાલે!', એમ વિચારતા હું બસમાં ચડયો. અંદર કોઈ સીટ ખાલી ન હતી.  'પ્રથમ વખત જ બસમાં મુસાફરી કરવી પડી રહી છે અને એ પણ ઊભા - ઊભા જ’, એમ વિચારતો હતો ત્યાં જ એક સીટ પર મારી નજર પડી. તે સીટમાં એક જગ્યા ખાલી હતી. હું ત્યાં જઈને બેસી ગયો. એ સીટમાં બારી પાસે એક યુવતી બેઠી હતી. હું બાજુમાં બેઠો,  એટલે તેણે મારી તરફ ડોક ફેરવી. 'આવી સુંદર યુવતીની બાજુમાં હું બેઠો...!!', મારી જાત પર મને ગર્વ થયો.  મારા શર્ટના કોલર મેં ઊંચા કર્યા અને મનોમન ગર્વ અનુભવી રહ્યો.

મેં એક નજર તેની તરફ નાખી. વડલાની વડવાઈ જેવા કર્લી-કર્લી વાળ તેનાં આખાયે વાંસાને ઢાંકતાં હતાં. ગોળ ચહેરો અને તેનાં સારા ભાગ્યની ચાડી ખાતું મોટું કપાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. આંખો ઉપર ગોગલ્સ ચડાવેલાં હતાં,  એટલે તેની બે આંખોમાં મારી આંખ પરોવી શક્યો નહીં,  પણ ધારી લીધું કે તેની આંખો માંજરી જ હશે. સપ્રમાણ દેહ પર ચડાવેલ ગાઉન તેને એક નોખી ગરિમા બક્ષતું હતું.  તેની દિશામાંથી આવતી હળવી હળવી સુંગધ તેનાં દેહની હતી કે દેહ પર છંટકાવેલ સ્પ્રેની હતી,  તે હું નક્કી કરી શક્યો નહી. મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી,  તેનો આજ મને આનંદ આવ્યો.  મારું સ્ટોપ આવતા હું ઉતરી ગયો. મને થયું, 'મારી સાથે તે પણ ઉતરે,  પણ કદાચ તેને હજુ આગળ સ્ટોપ પર ઉતરવાનું હશે! '

 

આજે બીજો દિવસ થયો. મારી ગાડી હજી પણ રીપેર થઈ નહીં. ગેરેજવાળો બહારગામ ગયો હતો.  'આજે પણ બસમાં ઓફીસ  જવાનું!!', એ વિચારે મને  ફરી કંટાળો આવ્યો, પરંતુ તરત જ ગઈ કાલની બસની મુસાફરી યાદ આવતાં મેં  રોમાંચ અનુભવ્યો. થોડા ઉત્સાહ સાથે હું  બસ સ્ટોપ ઉપર પહોંચ્યો. ગઈકાલનો જ  10:15 નો સમય થતા દૂરથી બસ આવતી નજરે પડી. ગઈ કાલવાળી યુવતી મારી નજર સમક્ષ તરવરી.  "રોજ ડોશીમાં લાડવો ન આપે !'"  મેં  મન મનાવ્યું. બસ નજીક આવતાં હું બસમાં ચડયો. આજ થોડી ગિર્દી વધારે હતી. 'આજ બેસવાની જગ્યાં મળશે નહીં.’, વિચારતા હું આજુબાજુ જોવા લાગ્યો.  મારા આશ્ચર્ય વચ્ચે  ગઈ કાલની સીટ પર જ  પેલી યુવતી બેઠી હતી.  હું ગિર્દીને કોતરતો ત્યાં પહોંચ્યો.  તેની સીટ પાસે ટેકો દઈને ઊભો રહી ગયો.  આગળનું સ્ટોપ આવતાં કેટલાંક પેસેન્જર ઉતર્યા અને તેની બાજુમાં પણ જગ્યાં ખાલી થઈ.  હું ત્યાં  બેસી ગયો. આજે પણ તેનાં રંગરુપ ગઈકાલ જેવાં જ તરોતાજા હતાં. ગાઉનને બદલે તેણે  સલવાર કમીજ પહેર્યા  હતાં.  તેનાં શરીરનાં ઉભારો મારા તનને એક હળવી ઝણઝણાટી અર્પતા હતાં. મારા બેસતાં જ આજે પણ તેણે મારી તરફ ડોક ફેરવી અને એક મંદ સ્મિત આપ્યું. મારા તને જાણે જળવાયુંનો અહેસાસ કર્યો. મને થયું, ' બસ તેની ગતિ ધીમી કરી નાખે !, બસમાં કોઈ ખરાબી ઊભી થાય!,  સમય થંભી જાય ! ',  હું મનોમન ઈશ્વરને પ્રાર્થી રહ્યો. આવું કંઈ થયું નહી. મારું સ્ટોપ આવતાં જ મારે ઉતરી જવું પડ્યું.

 

વધુ એક દિવસ ઉગ્યો. આજે મારી બસની ત્રીજા દિવસની મુસાફરી હતી. આજે તેણે પોતાની બાજુમાં પર્સ મૂકી જગ્યા રોકી રાખેલ હતી. કદાચ  મારા  માટે  જ હશે ? મારાં આવવાથી તેણે  પર્સ લઈ મને જગ્યા ખાલી કરી આપી. આભાર વ્યક્ત કરી હું બાજુમાં ગોઠવાયો. મારામાં હવે થોડી હિંમત આવી ગઈ હતી. મેં વાતની શરૂઆત કરી. "Hi "   " Hi"  મધુર ઘંટડી  જેવો તેણે  પણ સામે વાટકી વહેવાર કર્યો.  " મારું નામ કૃણાલ !"  હું થોડો આગળ વધ્યો.  " મારું નામ ઈશાની " તેણે પોતાનું નામ જણાવ્યું. "કેમ છો તમે?" મેં હાલ પુછ્યાં. "મજામાં  ! " તેણે મંદ સ્મિત સાથે  જવાબ આપ્યો.  "રોજ આ સિટીબસમાં જ મુસાફરી કરો છો?" વાતનો તંતુ બાંધવા  મેં કોશિશ કરી. " હા "  તેણે  ગરદન નમાવી. આગળ શું બોલવું મને કંઈ સમજ ના પડી.  બસની ઘરઘરાટી અને અન્ય પેસેન્જરોનાં કોલાહલ વચ્ચે પણ ચૂપકીદી જેવો માહોલ સર્જાય ગયો.  મારા સ્ટોપને પણ જલ્દી આવી જવું હતું...

         દિવસ દરમિયાન ઈશાની મારા મગજ પર છવાયેલી રહી.  તેનાં  કર્લી વાળનો આશેરો સ્પર્શ, તેનાં ગોગલ્સમાં મારું પ્રતિબિંબ,  તેનો મધુર રણકો,  મારા માટે રોકી રાખેલ જગ્યાં... આ બધું જ મન પર ચિત્રપટની જેમ ચાલતું  હતું. તેની  આવી મધુર યાદો  શું  પ્રેમની નિશાની  હશે  ? તેને  યાદ  કરતાં  જ ગગનમાં વિહાર  કરવાનું  મન  થઈ આવે,   આને  કદાચ પ્રેમ  કહેવાતો  હશે ?   આ પહેલા  ક્યારેય પણ કોઈ યુવતીએ મારાં મસ્તિષ્ક  પર કબજો  જમાવ્યો  નથી,  શું આ પ્રેમ  હશે  ? તેને પણ મારી પ્રત્યે કંઈક કૂણો ભાવ હશે, એટલે જ મારાં માટે જગ્યાં રીઝવર્ડ રાખી હોય... આવતી કાલે જરુર હું મારી લાગણીઓ તેની સમક્ષ ખૂલ્લી કરીશ એમ વિચારી મેં  આખો દિવસ અને રાતને પસાર કરી લીધી.

         બીજા દિવસે સવારે ગેરેજવાળો ગાડી  રિપેરીંગ કરી મુકી ગયો. ગાડીને અવગણી હુું સિટીબસમાં જવાની તૈયારી કરતો હતો,   ત્યાં જ  મમ્મીનો અવાજ કાને અથડાયો "બેટા ! માસી હોસ્પિટલમાં એડમીટ છે,  તેની સંભાળ અને ટીફીનની વ્યવસ્થા આપણે શિરે છે.  તું મને ત્યાં ઉતારી ઓફીસ જજે ! "  "ઓહ!" મારાથી એક હળવો નિશ્વાસ નખાય ગયો.  મમ્મી પાસે કંઈ બોલી શકાય નહીં.   હું મમ્મીને લઈને નિકળ્યો.  આ ક્રમ ત્રણ દિવસ ચાલ્યો.  ત્રણ વર્ષ જેવાં  ત્રણ દિવસ પસાર કરી હું ચોથા દિવસે ઓફીસ જવા સિટીબસ પકડી.    પરંતુ મને ભારે નિરાશા સાંપડી.  ઈશાની આજે બસમાં  નહોતી.  ' કંઈ નહી,  આવતી કાલ છે જ !'  બીજા દિવસે  પણ  બસમાં ઈશાની નહોતી.   લગલગાટ મેં  આખું અઠવાડીયું  રજાને બાદ કરતાં  બસની મુસાફરીમાં કાઢી નાખ્યું. પણ ઈશાની ન આવી.  મને મારી જાત પર જ ગુસ્સો આવ્યો.  ' સાવ ડફોળ !! થોડી હિંમત દાખવવી હતી તારે... કમસે કમ મોબાઈલ નંબરની આપ લે તો કરી હોત...  તારા માટે જગ્યાં રીઝવર્ડ રાખતી હતી,  તો મોબાઈલ નંબર જરુર આપી શકેત તને..'  ખેર હવે કંઈ થવાનું ન હતું. કંટાળી  મેં ફરી ગાડી પર ઓફીસ જવાનું શરું કરી દીધું.

          સમય વિતતો ચાલ્યો,  પણ ઈશાનીનાં અંગની સુગંધ મારી નાસિકા પર અકબંધ રહી.  ધીમે ધીમે ઘરમાં  મારાં લગ્નની વાતો થવાં  લાગી.  તે માટે  મારે લાયક છોકરીઓ જોવાનું શરું થઈ ગયું. રજાના દિવસે છોકરીઓ જોવાનો  કાર્યક્રમ નક્કી થાય. છોકરી   મહેમાનો વચ્ચે પાણીનાં ગ્લાસ લઈને આવે એટલે મારી નજર તેનાં  વાળ પર પડે... " ના ચાલે તેનાં  વાળ કર્લી નથી..."  વળી બીજે ક્યાંક જઈએ  " ના તેણે ગોગલ્સ નથી પહેર્યા... " હું જ પોતાને ઠપકો આપું  ' ઘરમાં થોડા ગોગલ્સ પહેર્યા હોય? '  ક્યાંક મને છોકરીનું કપાળ નાનું લાગે, તો કોઈ જગ્યાએ ચહેરાની સુંદરતા ઓછી પડે.   મારાં વિવાહને લઈ હવે ઘરમાં કજિયા-કંકાસ થવાં  લાગ્યાં.  " આપણે લાયક પાત્ર હોય તો થોડું ઘણું જતું કરવું પડે. તારે કેવી છોકરી સાથે પરણવું છે? કંઈ ઐશ્વર્યા રાય તને ગળામાં વરમાળા પહેરાવવા નહીં આવે !!"  મારે કેમ કહેવું ઘરનાને  ? કે "મારે ઐશ્વર્યા રાયની નહી,  ઈશાનીની વરમાળા પહેરવી છે. "  હા! ઈશાની સાથે વાત થઈ હોત અને જો તે મને વરમાળા પહેરાવવા તૈયાર હોત તો હું જરુર ઘરે જાણ કરી દેત અને  ઈશાનીને સૌ સ્વીકારી પણ લેત.

     કંટાળી ઘરનાં સૌએ મારાં વિવાહની વાત ઓછી કરવા લાગ્યાં.  મેં મારી ઓફીસનાં કામમાં મન પરોવી દીધું.   ઈશાનીને  મળવાની આશા મુકી દીધી.  ક્યારેક ક્યારેક બસમાં જતો,  પણ ઈશાની મળતી નહી. મેં મારાં  નસીબને સ્વીકારી લીધું.  .

         સમય સરતો ચાલ્યો.  આજ ઓફીસમાં  પટ્ટાવાળો  રજા પર હતો. એકાદ બે જરુરી પત્રો  કેટલીક ઓફીસમાં પહોચાડવાનાં હતાં. બોસે મને બોલાવી આ કામ સોપી દીધું.  જાવક રજિસ્ટરમાં  નોંધ કરી, હું  પરબીડીયા લઈ નિકળી પડયો.  મેં જોયું તો અમુક પરબીડીયા  મ્યુનિસિપલ ઓફીસનાં  હતાં, તો એકાદ બે સ્કુલોનાં હતાં.  પ્રથમ મ્યુનિસિપલ ઓફીસનાં  પરબીડિયા પહોંચાડી દીધાં.  હવે સ્કુલો તરફ વળ્યો.  એક પરબીડિયું  શહેરની મધ્યે સ્કુલનું હતું.  તે પ્રથમ આપી દીધું.   છેલ્લું વધેલું પરબીડિયાનું સરનામું  જરા દૂરનું હતું.   તે સરનામે હું  પહોચ્યો. સ્કુલ વિશાળ જગ્યામાં ફેલાયેલી હતી. સ્કુલની લીલોતરી ઊડીને   આંખે વળગે તેવી હતી. નાના બાળકો  માટે   ખેલકૂદના  અવનવાં  સાધનો હતાં, તો રમતગમતને  પ્રોત્સાહન આપવા મેદાનને  વિકસિત કરાયેલું   હતું.  હું  પાર્કિંગમાં  ગાડી પાર્ક કરી  પરબીડીયું  લઈ સ્કુલનાં પરિસરમાં દાખલ થયો. મુખ્ય ઓફીસમાં   પરિસરને વટાવી જવાનું હતું.  એક એક ક્લાસ વટાવતો હું ચાલવા લાગ્યો. બાળકોનાં કોલાહલ અને શિક્ષકોનાં  અવાજોથી સ્કુલ ગુંજતી હતી.  છેલ્લા ક્લાસ પાસેથી પસાર થયો કે  કોઈ પરિચિત જેવો મધુર અવાજ કાને પડ્યો.  " બાળકો! દેકારો ન કરો ... ચાલો અભ્યાસમાં ધ્યાન આપો..." હું બે ડગલાં  પાછળ ફર્યો.   મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. મારી નજરની સામે ઈશાની હતી. . આજે તેણે સાડી પહેરેલી હતી... એક શિક્ષિકાની રુપે તે મારી  સામે  હતી.  એક નખશિખ શિક્ષિકા  મારી નજર સામે હતી.  અહીં તે ક્લાસ લઈ રહી હતી.  અહીં તેણે ગોગલ્સ આંખો પર ચડાવેલા ન હતા. તેની આંખો આજ હું જોઈ  શકતો હતો. મારી ધારણા મુજબ  તેની  આંખો  માંજરી જ હતી, પરંતુ  માત્ર તેના ચહેરાની સુંદરતા વધારતી હતી.   બ્રેઈલ લિપીમાં  તે બાળકોને શિક્ષણ આપી રહી હતી.  સામે રહેલા સ્કુલનાં  બોર્ડ પર મેં નજર કરી તો સામાન્ય શિક્ષણ સાથે અંધજન શિક્ષણનું બોર્ડ પણ ચિતરેલું હતું. "તમે શિક્ષિકા?" મારા મોઢામાંથી  એકદમ જ ઉદગાર નિકળી ગયો  !  અરે તમે ? " મારો અવાજ સાંભળી તે મને ઓળખી ગઈ. "  પ્રતિક્ષા ખંડમાં  બેસો.  હું ક્લાસ પુરો કરી આવું છુું... " 

 પ્રતિક્ષાખંડમાં  હું તેની પ્રતિક્ષા કરતો બેઠો.   ઘડિયાળનાં કાંટાએ ગોકળ ગતિ પકડી. એક એક ક્ષણ એક એક કલાક બની ગઈ.  હું તેને મળવા રોમાંચિત થઈ રહ્યો હતો.  ' ઈશાની આવે એટલે મારા દિલની વાત જણાવી દઉં.  I love you, તને હું  પ્રેમ કરું છું, मै तुमसे  प्यार  करता हुं, मी तुझ्यावर प्रेम करतो મને આવડે છે એટલી ભાષામાં તેને  પ્રપોઝ કરી દઉં. તું મારા પ્રેમનો સ્વીકાર કરીશ  ?, તું મારી જીવનસંગીની બનીશ ? " કંઈ કેટલાંય  શબ્દો મેં  ગોઠવી નાખ્યાં.

  15-20 મિનિટ બાદ તે આવી.  સ્કુલનાં દરેક સ્થળથી તે પરિચિત હશે ?,  આસાનીથી કોઈ સહારા વગર તે આવી શકી. મારી પાસેની ખુરશી પર બેસી ગઈ.  મારા મળી ગયાનો આનંદ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય રહ્યો હતો.  તે થોડી શરમાયેલી અને થોડી ગભરાયેલી હતી.  " કેમ છો? "  તેણે પૂછ્યું.  " હવે મજામાં !" મારો જવાબ તે સારી રીતે સમજી ગઈ.  પ્રથમ તો મેં તેનો મોબાઈલ નંબર માંગી લીધો.  ખુશી ખુશી તેણે પોતાનો મોબાઈલ નંબર મને આપ્યો.  " આજ તમે મળ્યાં તો... " કંઈ રીતે શરુઆત કરવી મારે,  મનોમન હું મુંઝવણ અનુભવી રહ્યો હતો. " જુઓ ! આ સ્કુલ છે, આપણે અહીં વધારે વાતો નહી કરી શકીએ..."  " આવતી કાલે સ્કુલ બાદ મળીએ?" મેં તક ઝડપી લીધી. બીજા દિવસે કોફીશોપ પર મળવાના વાયદા સાથે અમે છુટા પડ્યાં.

 સવારથી જ સ્પ્રેની આખી બોટલ ખાલી કરી દીધી. જેમ તેમ કરી દિવસ પસાર કર્યો. પાંચ ક્લાકે  તેની સ્કુલ પુરી થઈ જતી હોય , ઓફીસેથી હું પણ ક્લાકની વહેલી રજા લઈ નિયત સ્થળે પહોંચી ગયો. દશ મિનિટ થતાં  ઈશાની પણ આવી ગઈ.  આજ તેણે પહેરેલાં ટોપ અને જીન્સ પરથી  મને મળવાનો ઉત્સાહ સ્પષ્ટ જણાય આવતો હતો.

મારી સામેની ખુરશીમાં તે બેઠી. અમે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો. હતી એટલી હિંમત એકઠી કરી મેં વાતની શરૂઆત કરી દીધી...  " પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય,  તમને જોયાં પછી મને ખબર પડી ગઈ.  મારા દિલની વાત તમને જણાવવી હતી,  પણ તે વખતે થોડો ડર હતો..." " તો પછી તમે કેમ બસમાં આવવાનું બંધ કરી દીધું ?"  તેણે મારી વાત અધવચ્ચેથી કાપી.  મેં માસીનાં હોસ્પિટલાઈઝ થયાની વાત જણાવી,  " ચોથા દિવસે હું આવ્યો,  પણ તે દિવસથી તમારો કોઈ અણસાર નહીં.  ઘણાં  દિવસ તમને  ખોળ્યાં,  પછી મેં  નિરાશ થઈ તમને મળવાની આશ મુકી દીધી.  જોકે ઊંડે પણ એક આશા તો જીવંત રાખી જ હતી.  જે આજે ફળીભૂત થઈ." અમે બન્ને ખડખડાટ હસી પડ્યાં.  " તમે કેમ બસ મૂકી દીધી ? ખબર છે, હું તમને કેટલો યાદ કરતો હતો. પરિવારે  કેટલીય છોકરીઓ મને દેખાડી. એક પણ તમારી સાથે ઊભી રહી શકે તેવી નહોતી." 

" સ્કુલમાં અમારે સ્ટાફબસની શરુઆત થઈ ગઈ,  એટલે પછી સિટીબસની કોઈ જરુર  ન રહી. " તેનાં જવાબથી મને સ્કુલ ટ્રસ્ટી ઉપર રોષ ચડયો. પરંતુ ઈશાની મને મળી ગઈ છે, એટલે જાજો વખત ટકયો નહીં.

" તમારી આંખો તો ખૂબ સુંદર છે? તો પછી... ?? જોકે મને તેની સામે કોઈ બાધ નથી.. " મારા મનમાં  ઉભરેલો પ્રશ્ન મેં  પુછી લીધો.

" સુંદર, માંજરી આંખો લઈને હું જન્મેલી હતી.  બાળપણમાં  એક સમયે  સખત તાવથી મને આંચકી આવી  અને મારી આંખોની રોશની... " ઈશાનીએ પોતાના નસીબ પર એક નિશ્વાસ નાખ્યો.

તેમાંથી બહાર કાઢવા સાથે લાવેલ ગુલાબનાં ફૂલોનો ગુલદસ્તો મેં તેમને આપ્યો, " શું  તમે આ સ્વીકારશો ?  " તેણે શરમાતાં-શરમાતાં તે ગુલદસ્તો લઈ લીધો. હું હવામાં ઉછળી પડ્યો અને  આટલાં દિવસના મારાં મનનાં  બધાં જ ઉભારો મેં તેની સમક્ષ ઠાલવી દીધાં. તેણે પણ એક ઘડી ગગનમાં વિહાર કરી  લીધો.

અંતે એકમેકનાં પ્રેમનો સ્વીકાર થતાં  મેં  તેને પુછ્યું " ઈશાની તમને ખબર છે? મારી ટુ-વ્હીલ ગાડીમાં  પણ મેં  ત્રણ વ્હીલ લગાડેલાં છે!"

" હા !  એ તમારા માટે ઘણું જરુરી છે."  મને હતું તે ચોકી જશે,  પણ  ખૂબ જ સહજતાથી તેણે જવાબ આપ્યો. 

" પણ તને કેમ ખબર ?" હું એક વચન પર આવી ગયો.

" ઈશ્વર એક ખામી આપે છે,  તો સામે હજાર શક્તિ પણ આપે છે.  દૃષ્ટિ ભલે ન હોય પણ કર્ણપટલ તેનાથી હજાર ગણાં કામ કરે છે. જ્યારે જ્યારે તમે મારી પાસે આવતા, ત્યારે તમારી કાખઘોડીઓનો ઠ્ક ઠ્ક અવાજ બધું  જ જણાવી   દેતો હતો. તમે મારી બાજુમાં  બેસતા એ  તરફનો તમારો પગ અડધો કપાયેલ છે. સ્પર્શ પારખવાની શક્તિ પણ અમને અનેક ગણી મળી છે. હવે હું  પુછી શકું તમારાં પગનાં હાલ વિશે ? "  હું તેના જવાબથી અચંબો પામી ગયો.

" હા  તમારી જેમ મને પણ બાળપણમાં  એક અકસ્માત નડયો હતો અને મારાં પગ..." મેં સાચી વાત જણાવી જ દીધી.

થોડી કળ વળતાં હું  ફરી પ્રેમ મૂડમાં  આવી ગયો. 

" જો તમને મારાં પગ સામે  કંઈ બાધ ન હોય તો તમે મારી જીવનની કાખઘોડી બનશો? " આખરે મેં  પૂછી જ લીધું.

" મારું ને તમારું બસયાત્રામાં મળવું, ઈશ્વરી સંકેત  હોય શકે. શાહરૂખાન અને  અનુષ્કા શર્માની ફિલ્મ "રબને બનાદી  જોડી " ની જેમ અને પ્રેમ એ તો ઈશ્વરનાં આશિર્વાદ છે. પ્રેમ  એક અનુભૂતી છે,  પ્રેમ  એ અહેસાસ છે, જે  માત્ર અનુભવી શકાય છે. શ્વાસમાં-વિશ્વાસમાં  ભરી શકાય છે.   પ્રેમને તમે જેટલો સમાવશો, એટલી હળવાશ અનુભવશો અને આકાશમાં ઊડી શકશો.  પ્રેમ આત્મા સાથે  થાય છે,  કોઈનાં  દેહ સાથે નહી.  તમે પણ મારો પહેલો પ્રેમ છો.  મેં તમને પ્રેમ કર્યો છે, તમારા દેહને નહીં !!. દેહનો પ્રેમ એતો નરી વાસના છે,    શરીરની જરૂરિયાત છે. પ્રેમમાં વ્યકિતની  અપૂર્ણતા અડચણ નથી બનતી.  તમને પણ ક્યાં મારી દૃષ્ટિ સામે  બાધ છે,  જોકે મેં  આઇ બેંકમાં મારું નામ નોંધાવેલ છે.  ટૂંક સમયમાં જ મને દૃષ્ટિ મળી જશે"? " તેનાં તરફથી સુંદર જવાબ મળ્યો.

" એમ હોય  તો  હું  એક આંખ ડોનેટ કરી દઈશ." મેં તેનો હાથ પકડી લીધો.

" પણ હું  તમને મારો એક પગ ડોનેટ નહી કરી શકું..!" મેં પકડેલાં હાથ  પર તેણે  જોર  આપ્યું અને અમે બન્ને ફરી ખડખડાટ હસી પડ્યાં...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ