વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમની સિફારિશ.

        “અરે! કેશવ તું?”

      શાળાકાળના મિત્ર કેશવને આટલા વર્ષો બાદ પોતાના ઘરે આવેલો જોઈ શશાંક જાધવ આનંદિત થઇ ગયો.

      “દોસ્ત, તું મુંબઈ છોડીને વડોદરા શું આવ્યો અમને બધાને સાવ વિસરી જ ગયો.” કેશવ સોફા પર બેસતા બોલ્યો, “આજે ધંધાર્થે અહીં વડોદરા આવવાનું થયું તો વિચાર્યું કે ચાલ લગે હાથ તને પણ મળતો જાઉં.”

      “આ તેં ખૂબ સારું કર્યું. તને જોઇને શાળાના દિવસોની યાદ તાજી થઇ ગઈ.”

      પરસેવાથી રેબઝેબ થઇ રહેલા કેશવને જોઈ શશાંકે એ.સી. ચાલુ કરતા કહ્યું, “અરે! પ્રિયા સાંભળે છે?”

      “જી બોલો.”

      “એક ગ્લાસ ઠંડુ પાણી લઇ આવ.”

      “એ લાવી હો.”

      “આ પ્રિયા એટલે...” કેશવ તેના મસ્તિષ્ક પર જોર લગાવતા બોલ્યો, “યાદ આવ્યું? તું કોલેજમાં પ્રિયાનાજ ગળાડૂબ પ્રેમમાં પડ્યો હતો ને? મને હજુ યાદ છે કે તું જયારે પણ મળતો ત્યારે બસ તેની જ વાતો કરતો રહેતો. પ્રિયા આમ.. પ્રિયા તેમ... એકવાર પ્રિયાની વાતો કરવાની શરૂઆત કરી કે પછી તને આખો દા’ડો ખૂટી પડતો. અરે! હા, તેં તારા કાંડા પર પ્રિયાના નામનું ટેટુ પણ બનાવ્યું હતું ને?”

      શશાંકે મુસ્કુરાઈને પોતાનો હાથ આગળ ધરતા કહ્યું, “હા, એ પણ પૂરા એક હજાર રૂપિયા ખર્ચીને. કોલેજકાળમાં જયારે પિતાજી તરફથી હાથખર્ચી માટે માંડ પચાસ રૂપિયા મળતા ત્યારે ટેટુ કોતરવા માટે હજાર રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરી હતી તે મારું મન જાણે છે.”

      ટ્રેમાં પાણીના ગ્લાસ લઇ આવેલી પ્રિયાએ શરારતથી આંખો નચાવતા કહ્યું, “તમારા કંજૂસ મિત્રને લગ્નના દિવસે પણ ટેટુ પાછળ હજાર રૂપિયા ખોટા ખર્ચી નાખ્યા હોવાનો અફસોસ થઇ રહ્યો હતો. કહેતા’તા કે તું મને મળવાની હતી ત્યારે મેં આ ટેટુ શું કામ બનાવ્યું.”

      “અરે! તું પણ...” શશાંકે કેશવ તરફ જોઇને કહ્યું, “પ્રિયાને આમ જ મજાક કરવાની આદત છે. બાય ધી વે આ મારો દોસ્ત કેશવ છે.”

      પ્રિયાએ ટેબલ પર ટ્રે મૂકી કેશવને નમસ્કાર કરતા કહ્યું, “તમારા આ મિત્રને મેં આ પહેલા કદી જોયા નથી.”

      “અરે! ભાભી, વડોદરા આવ્યા બાદ શશાંક મને ભૂલી જ ગયો. તેણે તમારા લગ્નની કંકોત્રી પણ મને મોકલાવી નહોતી. હવે આવવાજવાનું થાય નહીં ત્યારે આપણી એકબીજા સાથે ઓળખાણ કેવી રીતે થાય?”

      પ્રિયા સસ્મિત વદને રસોડામાં જતી રહી.

      “ભાઈ વાહ! તું નસીબવાળો છે કે આખરે તું તારા પ્રેમને પામી શક્યો. બાકી અમે... જેની સાથે પ્રેમ થયો તે બીજે પરણી ગઈ અને જેને પરણ્યા તેની સાથે આજદિન સુધી પ્રેમ થયો નથી.”

      બંને મિત્રો ખડખડાટ હસી પડ્યા.

      રસોડામાંથી ચાનો ટ્રે લઇ આવેલી પ્રિયાએ બંને મિત્રોની વાત સાંભળીને કહ્યું, “સાચો પ્રેમ પામવા કરતા તેને ઓળખવો ખૂબ જરૂરી છે. જો પ્રેમને ઓળખવામાં જરા અમથી ચૂક થઇ જાય તો જીંદગીભર પસ્તાવું પડે.”

      પ્રિયાએ ચાનો ટ્રે ટેબલ પર મુક્યો અને ખાલી ગ્લાસવાળા ટ્રેને ઊઠાવીને અંદર રસોડામાં જતી રહી.

      કેશવે ચાનો ગરમાગરમ ઘૂંટ ગળા નીચે ઊતારતા કહ્યું, “પ્રિયાભાભી ખરેખર દેખાવે સુંદર અને સ્વભાવે સંસ્કારી છે. પરંતુ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કોલેજમાં હતા ત્યારે પ્રિયાભાભી તને કોડીનો ભાવ પૂછતાં નહોતા. તો આખરે તારા જેવા કાગડાના મોઢામાં પ્રિયાભાભી જેવું દહીંથરું આવ્યું કેવી રીતે?”

      “દોસ્ત, નસીબ ક્યારે કેવી કરવટ લે તે કોઈ જાણતું નથી.” ભૂતકાળની યાદો શશાંકના મસ્તિષ્કમાં તાજી થઇ રહી. “જોકે આ એક લાંબી કહાની છે.”

      કેશવે ઘડિયાળમાં જોતા કહ્યું, “તો મને પણ ક્યાં ઉતાવળ છે? મારી ટ્રેનને આવવામાં હજુ પાંચ કલાકની વાર છે. તેથી તું તારી કહાની શાંતિથી સંભળાવી શકે છે.”

      “પ્રિયાને મેં સૌપ્રથમ કોલેજની લાયબ્રેરીમાં જોઈ હતી. લાલ ડ્રેસ પરિધાન કરેલી પ્રિયાને જોતા જ મારા દિલની ધડકનો તેજ થઇ ગઈ હતી.”

      “મતલબ તને પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો હતો.”

      “યસ... મારે પ્રિયાને હાંસિલ કરવું હતું પરંતુ તેની સુંદરતાથી અંજાયેલો હું મારી દિલની વાત તેની આગળ કહી શકતો નહોતો. મને ડર હતો કે ક્યાંક એ મારા જેવા સામાન્ય દેખાવવાળા છોકરાના પ્રેમપ્રસ્તાવને ઠુકરાવી ન દે.”

      “પરંતુ જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી છોકરી દેખાવ કરતા છોકરાના દિલને વધુ પ્રાધાન્ય આપે છે.”

      “તારી બધી વાત સાચી. પરંતુ એકવાર પ્રેમમાં પડ્યા બાદ પ્રિયપાત્રના નકારનો ડર મન પર એવો હાવી થઇ જાય છે કે વ્યક્તિને કશી સુદ્ધબુદ્ધ રહેતી નથી.

      હવે હું આખો દિવસ પ્રિયાની યાદોમાં ખોવાયેલો રહેતો. કોલેજમાં છોકરા છોકરીઓનું અમારું એક મોટું ગ્રુપ હતું. મને આમ ગુમસુમ બેઠેલો જોઈ તેઓ મારી પૂછપરછ કરતા રહેતા. જોકે દિલની વાત કહી હાંસીપાત્ર બનવા કરતા; ચૂપ રહી તેમની વાતને ટાળી દેવું મને વધુ યોગ્ય લાગતું. જોકે કોલેજના પ્રથમ દિવસથીજ મારી દોસ્ત બનેલી સમીક્ષાને ટાળવું થોડું અઘરું હતું. અમે બંને કોલેજમાં સાથે જ આવતાજતા હોવાથી એ મારી સઘળી આદતોથી સારી પેઠે વાકેફ હતી. એકવાર તેણે મને સીધું જ પૂછી લીધું કે તું પ્રિયાને ચાહવા લાગ્યો છે ને?”

      “પણ સમીક્ષાને આ વાતની જાણ કેવી રીતે થઇ?”

      રસોડામાંથી આવેલી પ્રિયાએ ટેબલ પર ગરમાગરમ બટાકાપૌંઆની બે ડીશ મુકતા કહ્યું, “આમના ચહેરાના હાવભાવથી!”

      “કમાલ છે?”

      “અરે! એમાં કમાલ જેવું શું છે? હું આખો દિવસ પ્રિયાને બાઘાની જેમ તાકતો રહું તો કોઈને પણ શંકા જવાની.”

      “કેશવભાઈ, હવે તમે આવ્યા જ છો તો જમીને જજો.”

      “ના... ભાભી, તમે આપેલા આ પૌઆ ખાઈને જ મારું પેટ ભરાઈ જશે.”

      “હવે બેસોને... જમવાના ટાઈમ સુધી તે પચી પણ જશે.”

      શંશાકે મુસ્કુરાઈને કહ્યું, “પ્રિયાની વાતને ટાળવું મુશ્કેલ છે.”

      “ઠીક છે. તમે આટલો આગ્રહ કરો છો તો હું હવે જમીને જ જઈશ.”

      પ્રિયા જમવાની તૈયારી કરવા રસોડામાં જતી રહી.

      “તેં પ્રિયાભાભી આગળ તારા દિલની વાત કરી કેવી રીતે?”

      “એક દિવસ સમીક્ષાએ મને પોરસ ચઢાવતા કહ્યું કે પ્રેમમાં શરમાઈશ તો આગળ જતા કરમાઈ જઈશ. પ્રિયપાત્રને દિલની વાત કહીં નહીં તો આજીવન તેનો પસ્તાવો થતો રહે છે.”

      “પછી શું થયું?”

      “એક દિવસ પ્રિયા લાયબ્રેરીમાં એકલી બેઠી હતી ત્યારે મોકો જોઇને હું તેની પાસે ગયો. તેની સામે આવેલી ખુરશી પર મને બેસતા જોઈ પ્રિયા તાડૂકી ઊઠી....”

      ભૂતકાળનું દ્રશ્ય શંશાકની આંખ સામે તાદ્રશ્ય થઇ રહ્યું.

*****

      “ઓય! આટલી ખુરશીઓ ખાલી છે તો ત્યાં જઈને કેમ બેસતો નથી?”

      શંશાક ખુરશીને પ્રિયાની નજીક સેરવતા બોલ્યો, “હું તને કંઈક પૂછવા માંગું છું.”

      “ભણવા બાબત તને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે છે. બાકી એ સિવાયની કોઈ એલફેલ વાતો પૂછી તો તમાચા મારી મારીને તારા ગાલ લાલ કરી દઈશ.”

      પ્રિયાના મોઢે આવી વાત સાંભળી શશાંક ઘબરાઈ ગયો.

      “હવે આમ મારા મોઢા સામે શું જુએ છે? જે પૂછવું છે તે જલદી પૂછ.”

      “પ્રિયા...”

      “હા બોલ.”

      “આઈ...”

      “શું કહ્યું?”

      “આ ઇકોનોમિકસના બીજા ચેપ્ટર માટે કોઈ સારી રેફરેન્સ બુક છે?”

      પ્રિયા ઝડપથી બે ત્રણ પુસ્તકોના નામો બોલી ગઈ.

*****

      “પછી... પછી શું થયું?”

      તંદ્રામાંથી બહાર આવેલા શશાંકે કહ્યું, “પ્રિયાને દેખાડવા ખાતર લાયબ્રેરીમાંથી તેણે સુચવેલા પુસ્તકોમાંનું એક પુસ્તક ઊઠાવીને હું ઘરે પાછો આવતો રહ્યો.”

      બંને મિત્રો ખડખડાટ હસી પડ્યા.

      “ખરેખર પ્રિયપાત્ર આગળ સૌ કોઈ હિંમત હારી બેસતા હોય છે.”

      “પણ એ દિવસની ઘટનાથી મને એક વાતની જાણ થઇ.”

      “એ શું?”

      “પ્રિયાને અભ્યાસની વાતો કરવામાં ઘણો રસ છે. બસ પછી શું... હું રોજ લાયબ્રેરીમાં જતો અને પ્રિયાને અભ્યાસ બાબતે કોઈકને કોઈક પ્રશ્ન પૂછતો રહેતો. કેટલીકવાર તે મને પાસે બેસાડીને પુસ્તકમાંની અઘરી બાબતોને સમજાવતી પણ ખરી. પુસ્તકના પાના ફેરવતી વખતે તેની આંગળીઓ સાથે અચાનક થઇ જતા સ્પર્શથી હું રોમાંચિત થઇ જતો. ધીમેધીમે અમારા વચ્ચે દોસ્તી થઇ ગઈ. હવે કોઈ દિવસ હું લાયબ્રરીમાં નહીં જઉં ત્યારે પ્રિયા ચિંતિત થઇ મારા ખબરઅંતર પૂછતી.”

      “મતલબ પ્રિયા હવે મનોમન તને ચાહવા લાગી હતી.”

      “શરૂઆતમાં હું પણ એમ જ સમજ્યો હતો.” થોડું અટકીને શશાંક આગળ બોલ્યો, “દોસ્ત, યુવાનીના દિવસો જ એવા હોય છે કે કોઈ છોકરી હસીને બે શબ્દ બોલે એટલે આપણે તેને પ્રેમનો ઈશારો સમજવા માંડીએ છીએ. હું પણ આવી ગલતફહેમીનો શિકાર થયો. પ્રિયાએ મારી સાથે હસીને વાતો કરતા મારી હિંમત ખૂલી અને એક સાંજે ઝરમરતા વરસાદમાં મેં તેનો હાથ પકડીને હિંમતભેર કહી દીધું કે પ્રિયા, આઈ લવ યુ...”

      “પછી?”

      “પછી શું? એક સણસણતો તમાચો ગાલ પર પડતા મારી આંખ સામે અંધારું છવાઈ ગયું. મારી આ હરકત બાદ પ્રિયાએ મારી સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી. મેં તેને મનાવવાના ઘણા પ્રયત્નો કરી જોયા પરંતુ તે નહીં માની તે નહીં જ માની.

      મારા મિત્રોને જયારે આ વાતની જાણ થઇ ત્યારે તેઓ પ્રિયા પર ઘણા રોષે ભરાયા. સમીક્ષા તો પ્રિયા સાથે ઝઘડો કરવા જતી હતી પરંતુ મેં તેને રોકી લીધી.

      પ્રિયાના પ્રેમને પામવા હું અધીરો થઇ રહ્યો હતો. તેની એક ઝલક જોવા હું તેના ઘરની બહાર કલાકો સુધી ઊભો રહેતો. દિવસરાત પ્રિયાના ખ્યાલોમાં રચ્યાપચ્યા રહેવાને કારણે મારા અભ્યાસ પર તેની માઠી અસર થવા લાગી. રાતભરના ઉજાગરાઓને લીધે મારી આંખ ફરતે કાળા કુંડાળા બની ગયા હતા. મારી હાલત જોઈ મારા સગાસંબંધીઓ અને મિત્રો ચિંતિત થઇ ગયા. પરંતુ પ્રિયાનું પાષણ હ્રદય પીગળ્યું નહીં. ઉલટ મને તેની પાછળ આમ હાથ ધોઈને પડેલો જોઈ તેણે મારી પર પોલીસ કેસ ઠોકી દીધો. મને હજુયે યાદ છે કે જયારે પોલીસ અમારા બારણે આવી ઊભી રહી હતી ત્યારે મારા માતાપિતાના હોંશકોશ ઉડી ગયા હતા.”

*****

      “શશાંક ઘરે છે?”

      “હા પણ... તેનું શું કામ છે!”

      “બોલાવો તેને.”

      “શશાંક, પોલીસવાળા તને મળવા આવ્યા છે.”

      “મળવા નહીં પરંતુ ધરપકડ કરવા.”

      “પણ મારા દીકરાએ કર્યું શું છે?”

      “તમારા દીકરા પર પ્રિયા નામની છોકરીએ છેડતીનો કેસ દાખલ કર્યો છે.”

      હું પગથીયા ઉતરીને નીચે આવ્યો ત્યારે મારી માતા ચોધાર અશ્રુએ રડતા બોલી, “દીકરા, આ હું શું સાંભળી રહી છું?”

      મારા સદનસીબે એ દિવસે મારા કોલેજના મિત્રો પ્રોજેક્ટવર્ક કરવા મારા ઘરે જ આવ્યા હતા.

      સમીક્ષાએ મારી માતાની સમજાવટ કરતા કહ્યું, “આંટી, ઓલી પ્રિયાડીને જરૂર કોઈ ગલતફેહમી થઇ ગઈ છે. હું તમારા દીકરાને સારી પેઠે જાણું છું. તે આવી હરકત કરી જ શકશે નહીં”

      સમીક્ષાના પિતા રઘુનાથ શહેરના પ્રખ્યાત હીરાના વ્યાપારી હતા. તેમની પોલિટીકલ ઓળખાણો ઘણી બધી હતી. સમીક્ષાએ જયારે તેના પિતાની ઓળખાણ આપી ત્યારે પોલીસવાળા મને ચેતવણી આપીને જતા રહ્યા હતા. જોકે આ ઘટના બાદ હું એવો તો ડરી ગયો કે મેં સપનામાં પણ પ્રિયાનો પીછો કર્યો નહીં. પરંતુ હા, સપનામાં આવીને તે મને સતાવતી જરૂર હતી.”

      “ઓહ! તો આખરે તમારા બંનેના લગ્ન થયા કેવી રીતે?”

      “હું વહેલીતકે એ વાત પર આવું છું.” શશાંકે ખોંખારો ખાઈ આગળ ચલાવ્યું, “એકદિવસ જયારે મને ખબર પડી કે પ્રિયાને સંગીતમાં રસ છે ત્યારે મેં તેની પર પ્રભાવ જમાવવા અમારી કોલેજમાં આયોજિત ગાયન સ્પર્ધામાં ભાગ લીધો. તું તો જાણે જ છે કે મારી માતા કુશળ ગાયિકા હોવાથી મને નાનપણથી તેમની પાસેથી ગીત ગાવાની સારી એવી તાલીમ મળી હતી.

      હવે, ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બનીને હું પ્રિયાના દિલોદિમાગ પર છવાઈ જવા માંગતો હતો. સ્પર્ધા એક મહિના પછીથી હોવાથી મેં દિવસરાત ગાયનનો અભ્યાસ કર્યો.

      સ્પર્ધામાં મેં “તેરે બીના જિંદગી સે કોઈ શિકવા તો નહીં’ ગીત ગાઈ સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગીત દ્વારા હું મારા દિલની વાત પ્રિયા સુધી પહોંચાડવા માંગતો હતો. હું જાણતો હતો કે તે હોલમાં કશેક બેસીને મારું ગીત જરૂર સાંભળતી હશે. મારું ગીત પૂર્ણ થયા બાદ હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.”

      “ઓહ! તને પ્રથમ નંબર મળ્યા બાદ પ્રિયા તારી પર આફરીન પોકારી ગઈ હશે. નહીં?”

      “અહીં જ તો લોચો થઇ ગયો.”

      “મતલબ?”

      “સ્પર્ધામાં હું બીજા નંબરે વિજેતા થયો હતો.”

      “ઓહ! તો પ્રથમ ક્રમાંકે વિજેતા કોણ થયું?”

      “પ્રિયા.”

      “વ્હોટ?”

      “હા... તેણે પોતાના સુમધુર કંઠે ગાયેલા ગીત ‘હમ હોંગે કામિયાબ’ પર પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. જો મને પહેલા ખબર હોત કે પ્રિયા પણ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે છે તો મેં તેમાં ભાગ લેવાની મુર્ખામી કરી જ નહોત.

      જોકે સ્પર્ધાને લીધે મને પ્રિયા સાથે હાથ મેળવવાનો લાભ મળ્યો હતો. તેના હાથના સુંવાળા સ્પર્શથી મારા રોમરોમમાં રોમાંચની લહેરખી પ્રસરી ગઈ હતી. આ ઘટના બાદ પ્રિયા મારી ગાયન કળાથી ખુશ થઈને ફરી એકવાર મારી સાથે બોલવા લાગી હતી.

      મને ઘણીવાર પ્રિયા આગળ પ્રેમપ્રસ્તાવ મુકવાની અદમ્ય ઈચ્છા થઇ હતી. પણ ભૂતકાળના અનુભવે હું જોખમ લેવાને બદલે પૂરી તૈયારી અને આયોજન સાથે પ્રિયા આગળ મારા દિલની વાત મુકવા માંગતો હતો. હું કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા મારા પ્રેમપ્રસ્તાવને પ્રિયા સુધી પહોંચાડવાનું વિચારતો હતો. મારા ખ્યાલથી આપણા કરતા કોઈ બીજી વ્યક્તિ આપણી તારીફ કરે ત્યારે તે સરળતાથી સામેવાળાના હ્રદયમાં ઊતરી જતી હોય છે.

      બસ આજ વિચારી હું સમીક્ષા પાસે જઈ અશ્રુભીની આંખે બોલ્યો, “સમીક્ષા, તું પ્રિયા આગળ કરીશ મારા પ્રેમની સિફારિશ?”

      સમીક્ષા તરત સાથ આપવા તૈયાર થઇ ગઈ. એકદિવસ તે મને લઈને પ્રિયા પાસે ગઈ.

      શશાંકના માનસપટ પર એ દિવસની ઘટના રમી રહી.

*****

      “પ્રિયા, સાંભળે છે?”

      પ્રિયાએ પ્રશ્નાર્થ નજરે અમારી તરફ જોયું.

      “હું તને એક વાત કહેવા આવી છું.”

      “શું?”

      “પ્રિયા, ઘણીવાર સાચા પ્રેમને ઓળખવામાં થાપ ખાઈ આપણે ખોટી વ્યક્તિને દિલ આપી બેસીએ છીએ. જો સમયસર આપણને આપણી ભૂલ સમજાય નહીં તો આગળ જતા તેનો ભારોભાર પસ્તાવો થાય છે.”

      “તું આખરે કહેવા શું માંગે છે?”

      “શશાંક તારા વગર એક પળ પણ જીવી શકતો નથી. તે તને દીવાનાની જેમ ચાહે છે. તું નથી જાણતી પરંતુ તેણે તારા નામનું ટેટુ પણ હાથ પર બનાવ્યું છે. હવે તું જ કહે કે આનાથી વધુ સાચા પ્રેમની સાબિતી બીજી કંઈ હોઈ શકે છે?”

      “સમીક્ષા, કોલેજમાં આવ્યા બાદ પણ તેં તારું બાળપણ હજુસુધી જાળવી રાખ્યું છે એ બદલ સૌ પહેલા હું તને અભિનંદન આપું છું.”

      “કેમ આમ બોલે છે?”

      “તો પછી બીજું શું બોલું?” પ્રિયાએ તેનો હાથ આગળ ધરતા કહ્યું, “હવે મારા હાથ પર આ નાગનો ટેટુ જોઈ તું એમ જ કહીશને કે હું નાગને દિલોજાનથી ચાહું છું. આ બધી બાલીશ વાતોથી હું જરાયે પ્રભાવિત નહીં થાઉં.”

      “ચાલ ટેટુની વાત જવા દે પરંતુ તારી યાદમાં શશાંક ખાતોપીતો નથી કે પૂરતું ઊંઘતો પણ નથી. તેની આવી હાલત જોઇને પણ તને તેની દયા આવતી નથી?”

      પ્રિયાએ શશાંકની કથળેલી હાલત તરફ એક નજર ફેંકતા કહ્યું, “શશાંક, મને ખરેખર તારી દયા આવી રહી છે. હું તને જરૂરથી સલાહ આપીશ કે પ્રેમમાં પડવા કરતા તારે અભ્યાસમાં ધ્યાન લગાવવું જોઈએ. જો મન લગાવીને ભણીશ તો આગળ જતા તારી લાઈફ સેટ થઇ જશે.”

      “પ્રિયા, શંશાકના પ્રેમને ઠુકરાવીને તું ઘણી મોટી ભૂલ કરી રહી છે. દીવો લઈને શોધતા પણ તને શશાંક જેવો પ્રેમી નહીં મળે.” સમીક્ષા મારી તરફ જોઇને અશ્રુભીની આંખે બોલી, “શંશાક સો ટચનો હીરો છે. તેની જોડે જે છોકરી લગ્ન કરશે તે ખરેખર ભાગ્યશાળી હશે. આખરે તેમાં શું કમી છે? દેખાવે હેન્ડસમ છે. ભણવામાં પણ હોંશિયાર છે. ખાધેપીધે સુખી ઘરનો એકનો એક દીકરો છે. મને વિશ્વાસ છે કે શંશાક તને રાણીની જેમ રાખશે. તારો પડ્યો બોલ ઝીલી તને દુનિયાનું તમામ સુખ આપશે. પ્રિયા, મારી વાત માન અને શશાંકના પ્રેમના પ્રસ્તાવને કબુલ કર.”

      “સમીક્ષા, આને પ્રેમ નહીં પરંતુ આકર્ષણ કહેવાય છે.”

      “આમ કહી તું માત્ર તારી જાતને ભરમાવવાની કોશિશ કરી રહી છે. તું બસ એકવાર તારા દિલ પર હાથ મુકીને કહે કે તને શંશાક ગમતો નથી.”

      “શશાંક મને ગમે છે પરંતુ એક દોસ્ત તરીકે.”

      “તું વાતને ગોળ ગોળ ફેરવી રહી છું.”

      “તમે બંને મળીને હવે મારા દિમાગને ગોળગોળ ફેરવી રહ્યા છો.”

      “પ્રિયા, હજુપણ કહું છું કે મોડું થાય તે પહેલા તારા દિલની વાત સાંભળી લે.”

      શશાંક હાથમાંનો ગુલાબ પ્રિયા આગળ ધરતા ઘૂંટણીયે બેઠો. એ સાથે આસમાનમાં વીજળી ચમકી ઊઠી.

      પ્રિયાએ કંઈક વિચારતા કહ્યું, “સમીક્ષા, એક વાત કહું?”

      “શું?”

      “મારા બદલે તમે બંને પોતપોતાના દિલની વાત કેમ સાંભળતા નથી?”

      “હું કંઈ સમજી નહીં.”

      “સમીક્ષા, જરા તારા દિલને પૂછ કે શશાંક દુઃખી થશે એ વિચારી તું કેમ આટલી વ્યથિત થઇ રહી છું? વળી મને સમજાવવા શશાંક તેના ઢગલો મિત્રોને છોડીને ફકતને ફક્ત તને જ કેમ અહીં લઇ આવ્યો? હકીકતમાં હું નહીં પરંતુ શંશાક તેના સાચા પ્રેમને ઓળખવામાં થાપ ખાઈ મારા જેવી ખોટી વ્યક્તિને દિલ આપી બેઠો છે. મારી વાત પર શાંતિથી વિચાર કરી જોશો તો તમને ચોક્કસપણે તમારો સાચો પ્રેમ મળી જશે.”

      ઓચિંતી આસમાનમાં વીજળી ચમકી. તેના પ્રકાશમાં બંનેએ એકબીજા તરફ જોયું.

*****

      પ્રિયાએ સોફા પર આવીને બેસતા કહ્યું, “એ દિવસે પહેલીવાર અમને અહેસાસ થયો કે અમે બંને એકબીજા માટે જ બન્યા છીએ.”

      “પહેલીવાર મારા ધ્યાનમાં આવ્યું કે પ્રિયા કરતા સમીક્ષા અનેકગણી ખૂબસૂરત છે.”

      “કહેવાય છે ને કે વ્યક્તિ પાસે કોઈ ચીજ હોય ત્યારે તેની કિંમત તેને ઝટ સમજાતી નથી.”

      “કેશવ, તું જાણે છે કે ગાયન સ્પર્ધામાં ત્રીજો નંબર કોનો આવ્યો હતો?”

      કેશવે નકારમાં માથું ધુણાવ્યું.

      શશાંકે મુસ્કુરાઈને સામે બેઠેલી પોતાની પત્ની પ્રિયા તરફ જોઇને કહ્યુ, “સમીક્ષાનો.”

      “મતલબ તમે પ્રિયા નહીં પરંતુ સમીક્ષા છો?”

      પ્રિયાએ હકારમાં માથું હલાવ્યું.

      “તો પછી શશાંક તમને સમીક્ષાને બદલે પ્રિયા કહીને કેમ બોલાવે છે!”

      “અમારા લગ્ન ગોઠવાયા ત્યારે તેઓને બીજીબધી ચિંતાઓ કરતા હજાર રૂપિયા ખર્ચીને હાથ પર બનાવેલા પ્રિયાના નામના ટેટુની ચિંતા સતાવતી હતી. તેઓ વારેઘડીએ ટેટુને ભૂંસવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહેતા.”

      “પ્રિયાએ ત્યારે મને કહ્યું હતું કે તમારા હાથ પર ટેટુ આટલું સરસ દેખાય છે ત્યારે તેને ભૂંસવાની શી જરૂર છે? પરંતુ મારી પરેશાની જુદી હતી. હું વિચારતો હતો કે જો સમીક્ષા સાથે લગ્ન થઇ ગયા બાદ કોઈ મારા હાથ પર પ્રિયાના નામનું ટેટુ જોશે તો એ શું વિચારશે? વળી હું ટેટુ પરના પ્રિયાના નામને પણ સમીક્ષાના નામ સાથે બદલી શકતો નહોતો. મારી આ મુશ્કેલી જાણ્યા બાદ પ્રિયાએ કહ્યું હતું કે...”

      “ડીયર, ટેટુ બદલી શકાતું નથી ત્યારે આપણે મારું નામ જ બદલી દઈએ.”

      “મને પ્રિયાની આ યુક્તિ ઘણી ગમી ગઈ. આમપણ અમારા મરાઠીઓમાં લગ્નબાદ છોકરીનું નામ બદલવાની પરંપરા હોવાથી મેં સમીક્ષાનું નામ પ્રિયા રાખી દીધું.”

      “વળી જે પ્રિયાને કારણે મને શશાંક જેવો હમસફર મળ્યો તેની યાદને આમ મિટાવી દેવાનો શો અર્થ?”

      “વાહ પ્રિયાભાભી, તમારી યુક્તિ અને સમજદારીની દાદ આપવી પડે.”

      “તમે બેસો હું હમણાં તમારી માટે ગરમાગરમ જમવાનું લઇ આવું છું.”

      પ્રિયાભાભીના અંદર જતા જ કેશવ બોલ્યો, “શશાંક, તું ખરેખર નસીબવાળો છું કે તને પ્રિયાભાભી જેવી પત્ની મળી. પણ એક વાત પૂછું?”

      “પૂછ.”

      “તને તારા પહેલા પ્રેમ એવી પ્રિયાની યાદ તો સતાવતી જ હશે ને?”

      “જયારે પ્રિયાએ કહ્યું હતું કે મને તેના પ્રત્યે માત્ર આકર્ષણ છે ત્યારે મને એ જરાયે ગમ્યું નહોતું. પરંતુ આજે પંદર વર્ષ બાદ મને તેની વાત સાચી લાગી રહી છે. ખરેખર યુવાનીમાં પ્રિયા સાથે મને જે થયું હતું તે માત્રને માત્ર આકર્ષણ જ હતું. તેને કોઇપણ સંજોગોમાં પ્રેમ કહી જ ન શકાય.”

      “આ વાત તું આટલી ખાતરી સાથે કેવી રીતે કહી શકે છે?”

      “ત્રણ મહિના પહેલા વેકેશનમાં અમો પતિપત્ની સિમલા ફરવા ગયા હતા ત્યારે પ્રિયા સાથે મારી ઓચિંતી ભેટ થઇ હતી. દરઅસલ પ્રિયા પણ તેના પતિ નીરજ સાથે ત્યાં ફરવા આવી હતી.”

      “પ્રિયા તને જોઇને ચોંકી ગઈ હશે ને?”

      “ના રે! ઉલટ હું તેનું ભરાવદાર શરીર જોઇને ચોંકી ગયો હતો. સાચું કહું તો તે સમયે પ્રિયા સાથે લગ્ન નહીં થયાના અફસોસ કરતા મને ખુશી વધારે થઇ હતી. હવે આને આકર્ષણનો ખેલ ન કહેવાય તો બીજું શું કહેવાય?”

      “ઓહ! મારા ખ્યાલથી પ્રિયાના હાથ પરનો નાગ ફેલાઈને અજગર થઇ ગયો હશે. નહીં?”

      “અરે હા! સિમલામાં પ્રિયા મળી હતી ત્યારે તેના હાથ પર નાગનું ટેટુ દેખાયું નહોતું! જો આ વાત ત્યારેજ મારા ધ્યાનમાં આવી હોત તો ટેટુ તેણે કેવી રીતે ભસ્યું તે અંગે જરૂર પૂછી લીધું હોત.”

      પ્રિયા ગરમાગરમ ભોજનની થાળી લઇ આવતા બંને મિત્રો ભોજનની તારીફ કરતા જમવામાં મશગુલ થઇ ગયા.

       અહીં રસોડામાં પ્રિયા ખાલી બોટલોમાં પાણી ભરીને ફ્રીજમાં મુકતી હતી ત્યારે તેનો મોબાઈલ રણક્યો. પ્રિયાએ કોલ ઊઠાવી મોબાઈલ કાને અડાડતા કહ્યું,

      “બોલ... અરે! કંઈ ખાસ નહીં... તેમના મિત્ર મુંબઈથી આવ્યા છે તો તેમની આગતાસ્વાગતામાં પડી છું... શું કહ્યું? અરે! આભાર તો મારે તારો માનવો જોઈએ. તું તો જાણે જ છે કે કોલેજના પહેલા દિવસથી હું શશાંકના પ્રેમમાં પડી હતી; પણ એ બુદ્ધુ મારા પ્રેમના ઇશારાઓને સમજતો જ નહોતો. એવામાં જયારે એ તારા તરફ આકર્ષાયો ત્યારે હું ઘણી નાસીપાસ થઇ ગઈ હતી. પરંતુ તેં જયારે કહ્યું કે તું નીરજને દિલોજાનથી ચાહે છે અને તેની સાથે જ લગ્ન કરવાની છું ત્યારે મારા મનમાં ફરી એકવાર આશા બંધાઈ. એવામાં શશાંકે જયારે તારી આગળ તેના પ્રેમના પ્રસ્તાવને મુકવાની જવાબદારી મને સોંપી ત્યારે મારા મસ્તિષ્કમાં ચમકારો થયો. મેં તરત કોલ જોડીને મારી આખી યોજના તને સમજાવી દીધી. જોકે નાગના બનાવટી ટેટુનો આઈડિયા દોડાવી તે શશાંકના માથેથી પ્રેમનું ભૂત જબરું ઉતારી દીધું હતું.

      પ્રિયા, શશાંકને શું ખબર કે એ દિવસે હકીકતમાં તે મને લઈને નહીં પરંતુ હું જ તેને લઈને તારી પાસે આવી હતી કરવા મારા પ્રેમની સિફારિશ.”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ