વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પસંદગી

---------------------------------------------------------। પસંદગી ।--------------------------------------------------------

                                                ----અર્જુનસિંહ.કે.રાઉલજી.

      જોરથી ઝાટકો લાગ્યો –અવનિને ... તેણે દેવનો બરડો પંપાળવાનો છોડી બા તરફ નજર કરી –માત્ર નજર નહીંજ...પણ કરડી નજર ..!” બા શું જોઇને આ વાત કરતાં હશે ? ક્યાં જીજુ અને ક્યાં હું ?” અવનિ ઉભીને ઉભી સળગી ગઈ ..! તેની આંખોમાંથી બા તરફ જાણે કે અંગારા વરસતા હતા ..! નહીં નહીં તો ય દસ વરસ મોટા હશે અવનિ કરતાં તેના જીજુ –સૌમિલ..! કાગડો દહીંથરુ લઈ ગયો –એવી કહેવત એમને એમ નહીં પડી હોય . હા.. દેવ તેને વહાલો છે ,  તેની સાથે હળી ગયો છે , અવનિ સિવાય કોઇ પાસે રહેતો નથી અને એ જોરજોરથી રડતો હોય અને અવનિ એને ઉંચકી લઈ લે તો તે તરત જ છાનો રહી જાય છે –એ બધી વાત સાચી છે , પણ એનો અર્થ એવો નથી કે દેવ માટે કે પછી સૌમિલ જીજુ માટે તેણે પોતાના જીવનનુંજ બલિદાન આપી દેવું..!પોતાના પ્રેમનું બલિદાન આપી  શહીદી વહોરી લેવી ...! બા શું જોઇને આવી વાત કરતાં હશે ? આવી વાત કરતાં બાની જીભ કેમ કપાઇ જતી નહીં હોય ? જીભે કાંટા પણ નહીં વાગતા હોય..? તેને બા ઉપર એવો તો ગુસ્સો આવતો હતો કે ના પૂછો વાત ..!

        વાત જ એવી હતી . તેની દીદી શોભા ચાર મહિના પહેલાંજ અચાનક એક્સીડંટમાં મરી ગઈ .તેનું એકટીવા કોઇક  પૂરપાટ ઝડપે ધસમસતી ટ્ર્ક સાથે અથડાયું...આમ તો વાંક તેનો નહોતો , ટ્રકવાળાનો જ હતો –તેજ રોંગ સાઈડ આવતો હતો , તેનું એક્ટીવા લગભગ દસ ફૂટ સુધી ખેંચાયું , અને તે ત્યાંને ત્યાંજ ખલાસ થઈ ગઈ –તેનું ડેડબોડી ઘેર આવ્યું , ત્યારે ઓળખાય એવુંયે રહ્યું નહોતું.. તે સમયે આ દેવ ચાર મહિનાનો હતો , અવનિએ જ દેવને સંભાળી લીધો –દીદીના અક્સ્માતના સમાચાર મળતાંની સાથે જ તે મમ્મી-પપ્પા સાથે શોભાની ઘેર આવી હતી –ત્યારથી જ તેણે દેવને સંભાળ્યો હતો , તેને માની ખોટ પડવા દીધી નહોતી .દેવ તેની સાથે જ સૂઇ રહેતો .રાતે ત્રણ –ચાર વખત તો દેવ દૂધ પીવા ઉઠતો , અવનિ જ તેને ચમચીએ ચમચીએ ગાયનું દૂધ પીવડાવતી .દેવ તેને બાઝીને જ સૂઇ જતો .અવનિ સિવાય તે બીજા કોઇ પાસે રહેતો નહોતો .તેને નવડાવવાનો , તેનાં પેશાબ –ઝાડો સાફ કરવાનાં એ બધીજ જવાબદારી અવનિએ જ ઉપાડી લીધી હતી .દીદી પછી તેજ તેની મા બની ગઈ હતી .મમ્મી-પપ્પા દીદીની બધી વિધિ પતી ગયા પછી પાછાં ઘેર આવ્યાં-પણ સાથે દેવને લઈને , જે અવનિનો જ હેવાયો થઈ ગયો હતો . ત્યારથી જ અવનિ જ તેને રાખતી હતી , સાચવતી હતી ..અને એટલે જ બાએ પ્રપોઝલ મૂક્યું કે અવનિને બીજા જોડે વળાવવી એના કરતાં તેના જીજુ સૌમિલ સાથેજ પરણાવી દઈએ તો તે વધારે યોગ્ય કહેવાય ..! દેવને સગી માસી જ મા તરીકે મળે , આથી બીજી કોઇ અપરમાનો ત્રાસ દેવને સહન ના કરવો પડે .

        જીજુ સૌમિલની ઉંમર માંડ ચાલિશ બેતાલીશની જ  હશે .. એટલે એ કંઇ આખી જિંદગી એકલા તો રહેવાના નહોતા ..! અને બીજી કોઇક ઓરત સાથે લગન કરે તો દેવને પરાયું થાય –તેનો વસ્તાર થાય તો દેવ સાવકો જ થઈ જાયને ..?! કેમ જાણ્યું બીજી ઓરત તેને સગી મા જેવો પ્રેમ આપશે ? એના કરતાં અવનિ હોય તો દેવને પારકું કે પરાયું તો ના લાગેને ? શોભાના આત્માને પણ દેવને સુરક્ષિત જોઇ શાંતિ મળે ..?! આ બધાંજ દેવનો વિચાર કરે છે પણ કોઇ અવનિનો વિચાર કરતું નથી .અવનિ જો સૌમિલ જીજુને વરે , તો તેના અવિનાશનું શું થાય ? તેના અવિનાશને તો જીવતે જીવ મરવાનો જ વારો આવેને ? ! તેમનો ચાર વરસ જૂનો પ્રેમ , એક બીજાંને આપેલાં વચનો , સાથે જીવવા-મરવાના આપેલા કોલ , બધું જ વ્યર્થ જાયને ..! ના..ના.. મારા અવિનાશને દગો તો ના જ કરાય ..?! બધાંજ સપનાં રગદોળાઇ જ જાયને ?!ઘરનાં બધાંય તેના અને અવિનાશના સબંધ વિશે જાણતાં જ હતાં.. ..અવનિએ ક્યારેય મમ્મી પપ્પા કે ઘરનાંથી પોતાનો પ્રેમ છૂપાવ્યો જ નહોતો ..! તેના પપ્પાએ આ સબંધને મંજૂરીની મહોર પણ મારી જ દીધી હતી ..આવતા વૈશાખ મહિનામાં તો તેનાં અવિનાશ સાથે લગ્ન થવાનાં હતાં-તેના પપ્પાએ તેને વચન આપ્યું હતું..તેમણે અવિનાશને જોયો જ હતો ..તેમને ગમતો પણ હતો –પણ એ બધીજ વાત દીદી શોભાના મરણ પહેલાંની હતી , હવે સંજોગો બદલાઇ ગયા હતા ..!  અવનિ મનોમન સૌમિલ અને અવિનાશની સરખામણી કરવા માંડી .

        અવનિ અને અવિનાશ લગભગ સરખી ઉંમરનાં હતાં..કદાચ અવનિ અવિનાશ કરતાં એકાદ વરસ નાની હતી .અગિયારમા ધોરણથી જે તે બંને સાથે ભણતાં હતાં , સાથે ફરતાં હતાં , સાથે વાંચતાં હતાં.. ! કોલેજમાં પણ બંનેએ સાથે જ એડમીશન લીધું હતું , સાથે જ કોલેજ જવાનું ને સાથે જ પાછાં આવવાનું... લાયબ્રેરીમાં પણ સાથેને સાથે જ .. દેખાવમાં પણ આભ જમીનનો ફરક ..! ક્યાં સલમાનખાન કે ઋત્વિક રોશન જેવો દેખાતો અવિનાશ અને ક્યાં બેસી ગયેલા ડાચાવાળા તેના જીજુ સૌમિલ ..?! ભણતરમાં પણ કેટલો ફેર ? સૌમિલ જીજુ તો માંડ માંડ નવમા સુધી પહોંચેલા .. કંપનીમાં વર્કર તરીકે નોકરી કરતા હતા , દેખાવમાં પણ જાણે કે કોલસાની ખાણમાંથી ખેંચીને કાઢ્યા હોય , તેવા જાણે કે ડામરનું પીપ જ જોઈ લ્યો ..! ડાબા ગાલ ઉપર મોટો કાપો તેમને એક ડોન જેવા જ દર્શાવતો હતો ..?! નહીં કપડાં પહેરવાનું ઠેકાણું..લધર વધર ... કાંતો પેંટ ઠેઠ ડુંટી સુધી ઉતરી ગયેલો હોય અને શર્ટનાં પણ બે-ત્રણ બટન ટૂટેલાં જ હોય અથવા ખુલ્લાં હોય ..! ક્યારેય કપડાંને પ્રેસ કરાવવાનું તો શીખ્યા જ નહોતા .પગમાં કાયમ સસ્તાં સ્લીપર જ હોય ..! અરે ! એ તો ઠીક પણ સાસરે આવે ત્યારે પણ કોઇ એટીકેટ જ નહીં..! કાયમ ત્રીસ નંબર બીડી ચૂસતા રહેતા .મોંઢામાંથી કાયમ તમાકુ અને ધુમાડાની વાસ આવતી હોય .બોલવાનાં પણ ઠેકાણાં નહીં..બોલે ત્યારે હંમેશાં થૂંક ઉડતુંજ રહે ..! ઢંગધડા અને ધડ-માથા વગરની તો એમની વાતો .?! અરે ! દીદીના મરણ પછી જ્યારે આવે ત્યારે અવનિ તરફ તો લોલુપ નજરે જ તાકી રહે –અધૂરું હોય તેમ તેના તરફ જોઇને હોઠ ઉપર જીભ ફેરવતા રહે –ક્યારેક જાણ્યે હોય કે અજાણ્યે અવનિ તરફ આંખ પણ મીંચકારે ..! તેને પોતાની દશા શિકાર માટે બાંધેલા બકરા જેવી જ લાગતી હતી ..!

        આ બધું ઠીક , જાણે સમજ્યા , પણ દારૂનું પણ વ્યસન .તે પણ પાછી પોટલી .દેશી જ .દારૂ પીને ગાળો પણ બોલતા અને દીદીને મારતા પણ ખરા ..છેલ્લા કેટલાય વખતથી દીદી આવે ત્યારે આ બધી જ ફરિયાદો કરતી ..?! મમ્મી-પપ્પા તેને સાંત્વના પણ આપતાં, એકાદ બે વખત પપ્પાએ તેમને ધમકાવ્યા પણ હતા –પણ તેમના ઉપર તેની કોઇ અસર થતી નહીં..હસતા રહેતા . આવા સૌમિલ જીજુ સાથે લગ્ન....?!   ના બાપા , ના.. તેમની સાથે લગ્ન કરવાં, એના કરતાં આખી જીંદગી કુંવારાં રહેવું સારું..અવનિએ મનોમન માતાજીને યાદ કર્યાં , અને કંઇક બાધા પણ રાખી ..?!

+                                               +

કાલે રાતે જમણવારથી પરવારી , બધાં વાસણ ઉટકી નાખી અવનિ દેવને ઘોડિયામાં નાખી

હીંચકાવતી હતી , મમ્મી અને પપ્પા ક્યાંક બહાર ગયાં હતાં ત્યારે બા તેની પાસે આવ્યાં , તેના માથે હાથ ફેરવી બોલ્યાં ,” જો દિકરા અવનિ , તું અમારા માટે અળખામણી નથી , અમે તો સૌ તારા સુખમાં જ રાજી છીએ , પણ ક્યારેક માણસે સંજોગોનો પણ શિકાર થવું પડે છે ..આપણે માત્ર આપણા જ સુખનો વિચાર કરીએ એવા આપણા સંસ્કાર નથી ..માણસે ક્યારેક પોતાના કુટુંબ માટે , ક્યારેક પોતાનાં માબાપ માટે તો ક્યારેક પોતાનાં ભાઇ ભાંડુ માટે પણ બલિદાન આપવું પડે છે .પોતાના નકરા સ્વાર્થ માટે જીવીએ તો એવા જીવનનો કોઇ મતલબ નથી , પોતાનાં ભાઇભાંડુ માટે પોતાના સુખ અને પોતાની  આશાઓની બલિ ચડાવતાં મનને જે આનંદ અને સંતોષ મળે છે –તેવો આનંદ તો સ્વર્ગમાં પણ નથી મળતો ..”

અવનિ ઘડીભર તો એ કાળા સાલ્લાવાળી બા તરફ તાકી રહી , તેની ફિલોસોફી તે સારી

રીતે સમજી ગઈ હતી .આથી જ ગુસ્સાથી તમતમતા અવાજે બોલી , અરે ! બોલી નહીં પણ લગભગ બરાડી જ , “ એટલે તમે કહેવા શું માંગો છો , બા..?”

        “ હું શું કહેવા માંગું છું , તે તું સારી રીતે સમજે છે , બેટા ..સવાલ માત્ર તારા જીવનનો નથી , પણ એક માસુમ બાળકના જીવનનો પણ છે , મેં તારા બાપને કહ્યું છે કે આપણે કોઇ ઉતાવળ નથી ..અવનિને સારી રીતે વિચારવા દો .. કોઇ બળજબરી કરવાની નથી ...પણ પછી સૌમિલકુમારનું બીજે ક્યાંક ગોઠવાઇ જાય અને આપણે હાથ ઘસતાં રહી જઈએ ..એવું ના બને ..માટે ચારે બાજુનો વિચાર કરી નિર્ણય લેવામાં જરા ઉતાવળ કરજે દિકરી ..” તે ગુસ્સાથી ડોસી તરફ તાકી રહી .તેની આંખો તો અંધારામાં પણ ચમકતી બિલાડીની આંખોની માફક તમતમતી હતી .

                +                                       +                       +

        તે દિવસે સવારે સાડા દસ વાગ્યે તેના પપ્પા ઓફિસ જવા નીકળ્યા હતા , અને તરત જ પાછા આવ્યા .ટિફીન પણ પાછું લાવ્યા હતા ..! તેની મમ્મી કે બા કંઇ બોલે તે  પહેલાં જ હાંફળા ફાંફળા થતા બોલ્યા ,” કોઇ અવનિ ઉપર કોઇપણ પ્રકારની બળજબરી ના કરશો ..જાણો છો બાજુની સોસાયટીમાં રહેતા પેલા સુમનલાલની એકની એક દિકરી નવ્યાને કોઇક હલકા વરણના છોકરા જોડે લફરું થઈ ગયું હતું.. તેનાં માબાપે તેને ખૂબ સમજાવી , એક એકથી ચડિયાતા છોકરાઓ બતાવ્યા પણ નવ્યાને કોઇ જ છોકરો પસંદ નહોતો આવતો ... તેણે તો બસ રીતસર જ જીદ પકડી હતી , તે જે છોકરા સાથે પ્રેમમાં હતી , તેની સાથે જ લગ્ન કરવાની . સુમનલાલે પણ કહી દીધું કે તારે તારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરવું હોય તો મારી લાશ ઉપરથી જ જવું પડશે ...! મારા જીવતે જીવ તો હું મારા કુટુંબને કલંક લાગે તેવું નહીંજ થવા દઉં ...! બસ , પછી શું જોઇએ ? વહેલી સવારે જ્યારે આખું ઘર નિરાંતે ઉંઘતું હતું ત્યારે પંખા ઉપર લટકીને મરી ગઈ ..! “ આખું ઘર તેમના મોંઢા તરફ તાકી રહ્યું..બધાંજ સમજતાં હતાં કે તેઓ શું કહેવા માંગે છે ..?! તેમનો નિર્દેશ અવનિ તરફ હતો –ખાસ તો તેમણે બા તરફ જોયું અને જાણે કે મનોમન બાને કહેવા લાગ્યા ,” બા , તું અવનિ ઉપર કોઇપણ પ્રકારનું દબાણ ના કરતી , તેને ટોર્ચર ના કરતી ..આજકાલની છોકરીઓનો કોઇ વિશ્વાસ નહીં , ક્યારે શું કરી બેસે ..?! ગુસ્સાના આવેગમાં કોઇ આડું અવળું પગલું ના ભરી બેસે ..”

        બા પણ જાણે કે પોતાના દિકરાના મનોભાવ સમજી ગઈ હોય એમ અવનિ તરફ જોતાં બોલી ,” ના રે ના.. આપણી અવનિ તો ખૂબ સમજદાર છે , તે ક્યારેય આવું ઘરને અને માબાપને કલંક લાગે એવું પગલું ક્યારેય ના જ ભરે ...અને આપણે ક્યાં અવનિ ઉપર દબાણ કરીએ છીએ ..આપણે તો તેને સમજાવવાનો જ પ્રયાસ કરીએ છીએને ? અને અવનિ વિચારીને જ જવાબ આપશે –આખરે દેવ તેનો પણ ભાણો જ છે ને ? કેટલો વહાલો છે દેવ તેને ? “ બાએ ફરી પાછું અવનિને આડકતરી રીતે સૌમિલ જીજુને અપનાવવાનું જ કહ્યું –તેમનો સંકેત તો એજ હતોને ? ઇમોશનલ બ્લેકમેઇલ જ કહેવાયને આ તો ? પણ તે પણ શું કરે ? બાનું મોંઢુંજ તોડી લેવાનું અને બાને ઉતારી પાડવાની જ તેને ઇચ્છા થતી હતી , તો પણ તેના સંસ્કાર તેને અટકાવતા હતા . બાકી આપઘાત કરવાનું પગલું ભરે તેટલી પાગલ તો તે નહોતી જ.. ! તે કોઇપણ હિસાબે અવિનાશને છોડવા માંગતી નહોતી..! તે પોતાના પ્રેમને દગો કરવા માંગતી નહોતી જ ..!

                        +                               +

        તે દિવસે સાંજે જે સમાચાર આવ્યા તેણે તો આખા કુટુંબને હચમચાવી નાંખ્યું...! સમાચાર જ એવા હતા . હજુ તો કુટુંબ દિકરી શોભાના અકાળે થયેલા અવસાનના શોકમાંથી મુક્ત પણ નહોતું થયું..ત્યાં તો બીજો આઘાત તેમના ઉપર આવી પડ્યો ...! તેમના એકના એક જમાઇ સૌમિલ જે કંપનીમાં વર્કર તરીકે કામ કરતા હતા , તે કંપનીમાં એકાઉન્ટ સેકશનમાં એક બે નહીં પણ પૂરા રૂપિયા પાંચ લાખની ચોરી થઈ હતી , ઉચાપત થઈ હતી ..સૌમિલને એ રકમ બેંકમાં જમા કરાવવા મોકલ્યા હતા , ત્યાંથી જ તેઓ એ રકમ લઈને ફરાર થઈ  ગયા હતા ..! તેમનો કોઇ પત્તો જ નહોતો ..! ચોખ્ખો ચારસો વીસનો કેસ હતો . કંપનીએ પોલિસ ફરિયાદ પણ નોંધાવી હતી , એટલે પકડાશે એટલે તેઓ સીધ્ધા જેલ ભેગા જ થઈ જશે ..! ઓછામાં ઓછા વીસ વરસ તો તેમણે જેલમાંજ કાઢવાં પડશે .આખું ઘર શોકમગ્ન થઈ ગયું.. સૌમિલકુમારને બચાવવાનો કોઇ ઉપાય જણાતો નહોતો ..! શું કરવું-તેની પણ કોઇને સમજ પડતી નહોતી ... બધાંજ દુ:ખમાં હતાં... પણ એક અવનિ કદાચ મનોમન ખુશ થતી હતી કે ચાલો આ બહાને જીજુ સાથેના લગ્નમાંથી તો તે બચી ગઈ ..! પણ દેવનું શું ? તેનાં અવિનાશ સાથે લગ્ન શક્ય બનશે ખરાં ? એ એક વિક્ટ પ્રશ્ન જ હતો ...રામ જાણે સવારે શું થવાનું છે ?

                +                               +                       +

        કર ભલા તો હો ભલા જેવો જ ઘાટ થયો .સૌમિલ જીજુના કોઇ સમાચાર નહોતા , તેમાં અવિનાશ રૂબરૂ તેના પપ્પાને મળવા આવ્યો અને તેણે જે વાત કરી , તે તો....?! જલેબી હંમેશાં મીઠી હોય એ સાબિત કરી દીધું.

        તે આવીને બધાંયને પગે લાગ્યો , અને બધાંને પોતાની પાસે બેસાડ્યાં..અને જે વાત કરી ,” હું જે વાત કરવા માંગું  છું એમાં ચોક્કસ મારો સ્વાર્થ છે જ ... આપ સૌને જો એ અનુકુળ ના લાગે તો આપ કહેશો એ પ્રમાણે હું કરવા તૈયાર છું..”

“ તમે શું કહેવા માંગો છો તેનો ફોડ પાડો તો સમજ પડેને ? “ અવનિના પપ્પાએ કહ્યું.

“ હું આપના દોહિત્ર દેવ સાથે જ અવનિને અપનાવવા માંગું છું –જો આપ સૌને વાંધો ના હોય તો ...દેવને હું મારા પુત્રની માફક જ રાખીશ , તેને હું દત્તક લઈ લઈશ અને મારું નામ પણ આપીશ ..” તેની વાત સાંભળીને બધાયના ચહેરા આનંદથી ઝુમી ઉઠયા ..આવો સુંદર ઉકેલ ...સાપ મરે પણ નહીં અને લાઠી ભાંગે પણ નહીં..!

“ પણ તમારાં પોતાનાં સંતાનો થશે ત્યારે અમારો દેવ તો ઓરમાયો જ થઈ જશેને ? “ બાએ કહ્યું..બાને તો કોણ જાણે અવનિ કરતાં દેવની જ ચિંતા વધારે હતી .

---પણ હસતાં હસતાં અવિનાશ બોલ્યો ,” એનો પણ ઉપાય મારી પાસે છે બા.. મારે તો અવનિ જોઇએ છે –અમારો સાત ભવનો પ્રેમ છે એ નિભાવવો છે ..અને એ માટે હું કોઇપણ બલિદાન આપવા તૈયાર છું”

“ શું બલિદાન આપશો ? “ બાએ પૂછ્યુંજ ...!

“ હું લગ્ન પહેલાંજ મારું પોતાનું ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન કરાવી નાખીશ , એટલે દેવ ઓરમાયો થવાનો કોઇ પ્રશ્ન જ નહીં રહે “ તેનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો બાએ તેને બાથમાં લઈ લીધો અને ના જાણે કેટકેટલાંય ઓવરણાં લઈ લીધાં..અવનિ દિલથી ખુશ થઈ ગઈ , તેણે દેવને ચુંબનોથી નવડાવી જ નાખ્યો ..!

        ----------------------------------*-------------------------------------------------

                                        ---42 ,ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

                                        વડોદરા-390020.(મો) 9974064991 .

 

 

       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ